અ - પૂર્ણતા - ભાગ 13 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 13

હેપ્પી પેલા છોકરા પર પડી અને હેપ્પીના વજનથી પેલાએ હેપ્પીને જાડી કીધી એટલે હેપ્પી ફરી રોષે ભરાઈ અને તેના વાળ ખેંચવા લાગી. પેલાએ ફરી બૂમ પાડી, "પ્લીઝ મને કોઈ બચાવો..." આ બધી ધમાચકડીથી બધા જ સ્ટુડન્ટ ત્યાં ભેગા થઈ ગયાં. પેલા છોકરાનો અવાજ પરમને જાણીતી લાગ્યો એટલે તે પણ હોલમાંથી ત્યાં આવ્યો. તે હેપ્પીને બાવડેથી પકડીને ખેંચીને ઊભી કરવા લાગ્યો, "હેપ્પી છોડ એને..મરી જશે એ બિચારો."
પરમનો અવાજ સાંભળી હેપ્પી તરત જ તેનો ટેકો લઈને ઉભી થઇ ગઈ. તે પરમને પકડે એ પહેલાં જ રેના તેની અને પરમ વચ્ચે આવીને ઊભી રહી ગઈ. "હેપ્પી , છોડ હવે આ બધું. આખી કોલેજ ભેગી કરી તે તો." હેપ્પી ગુસ્સાથી નાક ફુલાવી પરમને ઘુરી રહી. પરમે નીચે પડેલા છોકરાને હાથનો ટેકો આપી ઉભો કર્યો, "તું ઠીક છે ને?"
"કીડી પર હાથી પડે તો કીડી ઠીક હોય શકે?" બિચારો પોતાની કમર પર હાથ રાખી કણસતા બોલ્યો.
"એય હાથી હશે તારી મા...એક તો મારી કેક બગડી તારા લીધે, ને ઉપરથી તું મને જ સંભળાવે છે?" હેપ્પી ફરી તેની નજીક આવતાં તાડુકી. પેલો તો હેપ્પીનું આવું સ્વરૂપ જોઈ ડઘાઈ જ ગયો.
પેલા એ પોતાના મોઢા પરથી કેક લૂછી એ જોઈ પરમ બોલ્યો, "અરે આ તો વિકી છે."
"કોણ વિકી?" હેપ્પી બોલી પણ પરમે તેને ઇગ્નોર જ કરી.
"સોરી બ્રો, આ કેક તારા ચહેરા પર લાગી એમાં તને ઓળખી ન શક્યો. હું તો તને અહી હોલમાં મૂકી આ બંને વાવાઝોડાને બોલાવવા ગયો હતો પણ એ વાવાઝોડું તો મારા પર જ ત્રાટક્યું."
"પરમ...આજ તો હું તને છોડીશ જ નહિ." આમ કહેતી હેપ્પી ગુસ્સામાં ફરી આગળ આવી જેને મિશા અને રેનાએ માંડ પકડી.
"હેપ્પી, આને...શું નામ છે આનું? હા...વિકીને સોરી બોલ. વિના કારણ એની ક્લાસ લઈ લીધી તે." મિશા હેપ્પીને સમજાવતા બોલી. હેપ્પીએ તો જોરથી મોઢું મચકોડયુ.
"એણે મને હાથી કીધી તો સોરી પહેલા એ બોલશે, પછી પરમ બોલશે. પછી મને ઠીક લાગશે તો હું બોલીશ."
વિકી બિચારો દયામણું મોં કરીને બોલ્યો, "સોરી."
હવે પરમનો વારો હતો પણ પરમ તો એમ ને એમ જ ઉભો રહ્યો એટલે રેનાએ આંખો કાઢીને ઈશારો કર્યો કે હેપ્પીને સોરી બોલ.
"આઈ એમ સોરી હેપ્પી." એમ કહી પરમે તો બંને હાથથી કાન પણ પકડ્યા. એને કાન પકડીને ઊભેલો જોઈ હેપ્પી ખડખડાટ હસવા લાગી.
"ખાલી કાન પકડે શું થાય? ઊઠ બેસ પણ કર. હેપ્પી સાથે પંગો લેવો ભારે જ પડે આ યાદ રાખજે પરમ. એન્ડ યુ..." આમ કહી તે વિકી તરફ ફરી અને તેના ચહેરા પર લાગેલી કેક આંગળી પર લઈ ચાખી લીધી.
"જા જલ્દી મોઢું સાફ કરી લે....બાકી આ કેક હું એમજ તારા ચહેરા પરથી ચાટી જઇશ." આમ કહી તે હીહીહી કરતી હસવા લાગી.
તેની આવી હરકત જોઈ રેના હસતાં હસતાં જ બોલી, "છી...ગોબરી ...." આમ કહી તેણે એક ધબો હેપ્પીને મારી લીધો.
"પરમ આ સુકલકડીને લઈને પાછળ 'ગપશપ નાસ્તા હાઉસ' માં આવી જજે. અમે બધા ત્યાં જ જઈએ છીએ." આમ કહી હેપ્પી રેના અને મિશાનો હાથ પકડી ચાલવા લાગી.
"ચાલ ભાઈ, આ કેક સાફ કરી લે બાકી હેપ્પી તને સાફ કરી જશે." આમ કહી પરમ હસવા લાગ્યો અને વિકીનો હાથ પકડી બોયઝ રૂમ તરફ ગયો.
આ બાજુ રેના હેપ્પી અને મિશા ત્રણેય નાસ્તા હાઉસ પહોંચ્યા અને એક પાંચ લોકો બેસી શકે એવા ટેબલ પર બેઠાં.
"હેપ્પી, કોઈ સાથે આવું વર્તન કરાય? એમાં પણ જેને ઓળખતાં પણ નથી એની સાથે?" રેના ઉકળી બરાબરની.
"જો રેના, એમાં બધો વાંક પરમનો છે. મે કઈ કર્યું નથી."
મિશા હેપીના કપાળ પર મારતાં બોલી, "પરમ હમેશા તને ચીડવવા આ બધું કરે છે એવી તને ક્યારે ખબર પડશે? "
"હા, તો એ ભોગવે બીજું શું." એમ કહી તેણે કાઉન્ટર તરફ નજર દોડાવી.
"એ છોટુ...." એમ કહી તેણે એક છોકરાને બૂમ પાડી. માથે ઊંધી પહેરેલી ટોપી, કેપ્રી અને ટીશર્ટ પહેરેલો વાંકડિયા વાળ વાળો એક છોકરો તરત જ આવ્યો.
"બોલો હેપ્પી દીદી...શું લાવું તમારા માટે?"
"છ સેન્ડવીચ, છ સમોસા , છ ચોકલેટ પેસ્ટ્રી અને બધા માટે કોલ્ડ્રિંક." હેપ્પી ઓર્ડર આપતાં બોલી.
છોટુ મૂંઝાઈ ગયો. "અમમ... પણ તમે તો ત્રણ જ છો ને?"
"હા, બીજા બે લોકો આવે છે. તું જા જલ્દી."
"હેપ્પી, આપણે તો પાંચ છીએ, તે બધું છ છ કેમ મંગાવ્યું? " મિશા બોલી.
"એક સે મેરા ક્યાં હોગા મિશા..." આમ કહી હેપ્પી હસવા લાગી. એટલામાં જ પરમ વિકીને લઈને આવી ગયો.
"મિશા, નાસ્તો મંગાવી લીધો?" પરમે પૂછ્યું.
"હા..હેપ્પીએ ઓર્ડર કર્યો છે."
"છ સેન્ડવીચ, છ પેસ્ટ્રી અને કોલ્ડ્રીંક, રાઈટ હેપ્પી?" પરમ બોલ્યો.
"પરમ તું તો અહી હતો પણ નહિ તોય તને કેમ ખબર પડી કે હેપ્પીએ બધું છ ના પેકમાં મંગાવ્યું છે?" મિશાની આંખો પહોળી થઇ ગઈ.
"એક સે ઇસકા ક્યાં હોગા મિશા?" પરમ બોલ્યો.
"ઓહ માય ગોડ, આ લાઈન તો હેપ્પી જ બોલી હમણાં." મિશા નવાઈ સાથે બોલી.
રેના હસીને બોલી, "મારા પછી પરમ જ છે જે હેપ્પીને સૌથી વધુ ઓળખે છે. લાઈક મેઇડ ફોર ઇચ અધર."
"ઓયે, બસ હો. ક્યાંય એક કીડી ને હાથીની જોડી જોઈ?" આમ કહી હેપ્પી હસવા લાગી.
એટલામાં છોટુ નાસ્તો લઈને આવી ગયો. હેપ્પીએ બધી પેસ્ટ્રીને અંગ્રેજી વન નંબરના આકારમાં ગોઠવી અને રેનાને પેસ્ટ્રી ચમચીથી કટ કરવા કહ્યું. આ જોઈ વિકી બોલ્યો, "શાનું સેલિબ્રેશન છે?"
"મારી રેનાએ ટોપ કર્યું છે એનું. બાય ધ વે..હું આર યુ? " હેપ્પીએ એવી રીતે પૂછ્યું કે વિકી બિચારો ડઘાઈ ગયો.
"હું...હું...તું ...જેના પર ધબ દઈને પડી અને મારો રોટલો થઈ ગયો એ...."વિકી થોડો ગભરાતા બોલ્યો.
"લે કેક તો ખાધી , લાવ આ રોટલા પર થોડો સોસ લગાવીને ખાઈ જાવ." આમ કહી હેપ્પીએ સોસની બોટલ લઈ વિકી તરફ કરી.
"એ...શું કરે છે?" એમ કહી વિકી ઉભો થઇ ગયો. આ જોઈ રેના હસી પડી.
પરમે વિક્રાંતની ઓળખાણ કરાવી. "આ છે વિક્રાંત મહેરા. જેને બધા વિકીના નામથી ઓળખે છે. વિકી આ છે મિશા, આ હેપ્પીને તો તું ઓળખે જ છે. આ મારી કઝીન રેના." વિકીએ બધા સાથે શેકહેન્ડ કર્યા. રેના સાથે શેકહેન્ડ કરતી વખતે ખબર નહિ કેમ પણ એક અલગ જ સંવેદન અનુભવાયું. રેનાની ભોળી આંખો અને નિર્મળ સ્મિતમાં જાણે તે ડૂબી ગયો. તેણે થોડી વાર એમજ રેનાનો હાથ પકડી રાખ્યો અને બસ તેને જોઈ જ રહ્યો. હેપ્પીની નજર બહાર આ રહ્યું નહિ. આથી તેણે વિકીના ચહેરા આગળ ચપટી વગાડી, "ઓ હેલો, ક્યાં ખોવાઈ ગયો?"
વિકીની તંદ્રા તૂટી. "હે?? હું...ક્યાંય નહિ..." આમ કહી તે પણ બધા સાથે બેઠો.
"પરમ, આ નવો નમૂનો ક્યાંથી મળ્યો તને?" હેપ્પી આંખો નચાવતા બોલી.
"હું નમૂનો લાગુ છું તને?" વિકી ચિડાઈ ગયો.
રેનાને લાગ્યું કે બન્ને ફરી ઝગડી પડશે એટલે તેણે ચોખવટ કરી, "વિક્રાંત, હેપ્પીને મજાક કરવાની આદત છે તો ખોટું ન લગાડતો." રેનાએ કહ્યું એટલે વિકીએ તરત જ સ્મિત કરી લીધું. ખબર નહિ પણ તેને પોતાની અંદર કશુંક બદલાતું લાગ્યું જે આજ પહેલા ક્યારેય લાગ્યું ન હતું.
( ક્રમશઃ)
શું વિકીને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો?
હેપ્પી કેવી રીતે વિકીને રાખશે રેનાથી દુર?
જાણવા માટે જરૂરથી વાંચજો.