અ - પૂર્ણતા - ભાગ 12 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 12

રિઝલ્ટનું પૂછતાં જ હેપ્પી બોલી, "તું ઉપરથી ટોપ પર અને હું નીચેથી ટોપ પર."
"હે???" રેના આશ્ચર્યથી બોલી.
થોડી વાર તો હેપ્પીનું મોઢું ગંભીર જોઈ રેનાને નવાઇ લાગી. જો કે હેપ્પી જેનું નામ હોય એ વધુ વખત ગંભીર મોં રાખીને કઈ રીતે બેસી શકે. રેનાનો ચહેરો જોઈ હેપ્પી ખડખડાટ હસી પડી.
"તને બુદ્ધુ બનાવવું કેટલું સહેલું છે નહિ?"
હવે રેનાને લાઈટ થઈ કે હેપ્પી મજાક કરે છે આથી તે પોતાના હાથમાં રહેલું પુસ્તક લઈ હેપ્પીને ધીબેડવા લાગી.
"અરે, સોરી...સોરી...યાર, તું ટોપ પર છે અને હું ત્રીજા નંબર પર બસ...શાંત થઈ જા મારી મા..." આમ કહી હેપ્પીએ બે હાથ જોડયા.
હેપ્પીને મારતાં મારતાં રેનાના શ્વાસ ફૂલી ગયાં. તેના ખુલ્લા વાળ તેના ચહેરા પર આવી ગયા. વાળ સરખા કરતાં તે શાંતિથી બેઠી અને એક ઊંડો શ્વાસ લીધો.
"ચાલ લે હવે, તારા મારથી મારું પેટ નહિ ભરાય. પાર્ટી કરીએ. બઉ ભૂખ લાગી છે મને." આમ કહી પોતે લાવેલો નાસ્તો તેણે બેન્ચ પર ખોલવાની શરૂઆત કરી. સેલિબ્રેશન માટે હેપ્પી પેસ્ટ્રી પણ લાવી હતી. એને ખબર જ હતી કે રેના આ વખતે પણ ટોપ કરશે જ. હજુ તો તે પેસ્ટ્રીની ચમચી ભરી રેનાને ખવડાવવા જાય એ પહેલા જ પાછળથી અવાજ આવ્યો,
"પાર્ટી એકલાં એકલાં જ કરવાની છે?"
હેપ્પીએ પાછળ ફરીને જોયું અને માથું કુટ્યું, "હમેશા તારી નજર મારા નાસ્તા પર જ કેમ હોય?"
"એટલા માટે કે ખાઈ ખાઈને તું ફાટી ન જાય એટલે." એમ કહી એક છોકરો અને એક છોકરી આગળ આવ્યાં. એ પરમ હતો. રેનાનો કઝીન ભાઈ અને છોકરી હતી મિશા.
"જો પહેલા કહી દઉં છું કે આ નાસ્તો ફક્ત મારી અને રેના માટે છે. એમાંય પેસ્ટ્રી તો હું એક ચમચી પણ નહિ આપું." આમ કહી હેપ્પીએ પેસ્ટ્રીનું બોકસ તો એવી રીતે પોતાની સાઈડમાં છુપાવ્યું જાણે કોઈ નાનું છોકરું પોતાનું રમકડું સંતાડતું હોય. આ જોઈ મિશા હસી પડી.
"હેપ્પી, શેરિંગ ઇઝ કેરિંગ. તને આ વાત ક્યારે સમજાશે."
"કોઈ દિવસ નહિ. શેરીંગ ફક્ત રેના સાથે જ. તમને બેયને મે ક્યાં ઇન્વાઇટ કરેલા હે? માન ન માન, મે તેરા મહેમાન. એવું થોડું કરાય?" આમ કહી હેપ્પીએ મોઢું બગાડ્યું.
"ઠીક છે હેપ્પી, તું તારી પેસ્ટ્રી ખા, હું રેના અને મિશા તો આખી કેક ખાશું. કેમ મિશા?" આમ કહી પરમે પોતાની પાછળ છૂપાવીને પકડી રાખેલું બોક્સ આગળ ધર્યું. રેના અને હેપ્પી વચ્ચે પડેલો નાસ્તો સાઈડ પર કરી પરમે બોક્સ ખોલ્યું. એમાં ચોકલેટ કેક હતી. એ જોઈ હેપ્પીના મોઢામાં પાણી આવી ગયું. તે આંખો મોટી કરી બોલી, "વાઉ, આઇ લવ ચોકલેટ કેક. " આમ કહી તેણે કેક તરફ હાથ લંબાવ્યો.
"નો...નો...તું તારી પેસ્ટ્રી ખા..કેક તો અમે ખાશું." આમ કહી પરમે પોતાનો હાથ કેક આડો રાખી દીધો. આ જોઈ હેપ્પીએ મોઢું મચકોડ્યુ. અચાનક તે પરમની પાછળ જોઈને બોલી, "પ્રિન્સિપાલ સર તમે?"
પરમ તરત જ પાછળ ફર્યો આ જોઈ હેપ્પી કેક ઉઠાવીને ભાગી, "પરમ, જો કેક મને ન મળી તો યાદ રાખજે તને પણ નહિ જ મળે." હેપ્પીએ પરમને બુધ્ધુ બનાવ્યો. આથી પરમ ચિડાયો.
"જાડી, ઊભી રેજે, આજ તો તું ગઈ જ સમજ." આમ કહી તે પણ હેપ્પીની પાછળ ભાગ્યો. હેપ્પીનું શરીર ભારે જરૂર હતું પણ તે સ્ફૂર્તિ વાળી હતી. તે ફટાફટ ભાગી. હેપ્પીની પાછળ પરમ અને એ બેય પાછળ મિશા અને રેના. ગાર્ડનમાં ઘડીક તો ધમાચકડી મચી ગઈ. એક મદનીયા પાછળ એક ઊંટ દોડતું હોયને એવો નજારો હતો. હેપ્પી જો કે આજે સાચે જ દોડવીર સાબિત થઈ હતી હો. પરમના હાથમાં આવતી જ ન હતી. રેના અને મિશા, એ બંનેની પાછળ ભાગીને થાકી ગયાં.
રેના હાફતાં હાફતા બોલી, "પરમ છોડ, હેપ્પીના હાથમાં એની મનગમતી વસ્તુ હોય ને ત્યારે એને પકડવી ઈમ્પોસિબલ છે."
"નહિ રેના, આજ તો હું એ જાડીને પકડીને જ રહીશ."
અચાનક પરમે જોરથી બુમ પાડી, "એ જાડી..."
ગાર્ડનમાં અત્યાર સુધી બધા પરમ અને હેપ્પીની ધમાચકડી જોતાં હતાં અને હસતાં હતાં એમનામાં સોપો પડી ગયો. હેપ્પી પણ સ્પીડમાં જતી ગાડીને બ્રેક લાગે અને જેમ ઊભી રહે ને એમજ હેપ્પીએ પણ પોતાના પગને બ્રેક મારી અને પાછળ ફરી.
બધાની હાર્ટબીટ વધી ગઈ કે આજ તો આવી બન્યું પરમનું. હેપ્પીને બધાની વચ્ચે જાડી કહેવી એટલે આ બેલ મુજે માર જેવી પરિસ્થિતિને સામેથી નોતરવી. હેપ્પી પણ કોઈ પાગલ ખુંટિયો દોડે એમ પોતાનું ભારે શરીર લઈને પરમ તરફ દોડી.
હવે પરમની બરાબરની ફાટી પડી. કેમકે હેપ્પીને જોઈને પરમને પણ ખબર પડી ગઈ કે આજ તો આવી જ બન્યું. પરમ ભાગ્યો. ગાર્ડન છોડીને હવે તે કોલેજ તરફ દોડ્યો. નીચે પોર્ચમાં તો સ્ટુડન્ટના ટોળા હતાં. એમાં જગ્યા કરીને બહાર ભાગવું મુશ્કેલ હતું એટલે પરમ પોર્ચમાંથી ઉપર જતી સીડી ચડ્યો. હેપ્પી એની પાછળ જ હતી. રેના બૂમો પાડી એની પાછળ ભાગતી રહી, "હેપ્પી, પ્લીઝ ઊભી રે, છોડી દે પરમને."
"નહિ રેના, તારો ભાઈ છે તો શું થયું? આજ તો એ ગયો જ સમજ." હેપ્પી ભાગતા ભાગતા જ બોલી. એ પણ પરમ પાછળ ધડ ધડ દાદરા ચડી. દાદરા પણ જાણે હેપ્પીના વજનથી ધરતીકંપ આવ્યો હોય એમ ધ્રુજી ઉઠ્યા.
પરમ દાદરા ચડી બીજે માળે પહોચ્યો જ્યાંથી ડાબી બાજુ હોલ હતો અને જમણી બાજુ બધા ક્લાસ હતાં. તેણે હૉલની દિશા પકડી. લોબીના છેડા પર મોટો હોલ હતો જ્યાં અત્યારે વેલકમ પાર્ટીની તૈયારી ચાલી રહી હતી. પરમ ઝડપથી દોડવા જતાં સ્લીપ થઈને બરોબર વચ્ચે પડ્યો. તેણે પાછળ નજર કરી તો હેપ્પી વાવાઝોડાની જેમ આવી રહી હતી. એ ઉભો થવા ગયો એ પહેલા હેપ્પી એના સુધી પહોંચી ગઈ અને પરમનો કોલર પકડી લીધો, "પરમ...તું આજે નહિ બચે..." પણ પરમે જોરથી હેપ્પીનો હાથ ઝટકાવી લીધો અને દોડ્યો. હોલનો દરવાજો બંધ હતો.
પરમે બે હાથથી દરવાજાને ધક્કો માર્યો. હોલમાં વેલકમ પાર્ટીનું ડેકોરેશન ચાલતું હતું. એક છોકરો દરવાજા પાસે એક સીડી રાખી ઉપર લાઈટ ગોઠવી રહ્યો હતો એટલે દરવાજો બંધ હતો. પરમે ધક્કો માર્યો એટલે દરવાજો તો ખુલી ગયો પરંતુ સીડી લસરી ગઈ અને તેના પર ચડેલી છોકરો ધબ કરતો નીચે આવ્યો જે પાછળ આવી રહેલી હેપ્પી પર પડ્યો.
તે એવી રીતે હેપ્પી પર પડીને ગલોટિયું ખાઈ ગયો કે હેપ્પી ઉપર અને પેલો છોકરો નીચે. અચાનક પેલા છોકરાના પડવાથી હેપ્પી હેબતાઈ ગઈ અને તેના હાથમાં રહેલી કેક પેલા છોકરાના મોઢા પર પડી ને આખું મોં કેક વાળું થઈ ગયું. જો કે એનાથી પણ મુખ્ય વાત એ હતી કે હેપ્પીના વજનથી પેલો બિચારો શ્વાસ પણ માંડ લઈ શકતો હતો. એક તો પડવાનો માર અને ઉપરથી હેપ્પીનું વજન!!!!
"આ...જા... ડી....ને કોક....ઉપાડો.... આઆ....." આટલું તો માંડ તેના મોઢામાંથી નીકળ્યું. પાછળ દોડતી મિશા અને રેનાએ આ જોયું અને બંને હેપ્પીને ઊભી થવામાં મદદ કરવા લાગ્યાં. હેપ્પી તો હેપ્પી છે ને!! પેલા છોકરાના મોઢેથી જાડી સાંભળીને તેનો દિમાગ ફરી છટક્યો અને પરમનો ગુસ્સો તેણે પેલા પર ઉતાર્યો. બે હાથે તેના માથાના વાળ પકડ્યાને ખેંચ્યા, "મને જાડી કે છે તું??" આમ કહી પોતાનું આખું શરીર પેલા છોકરા પર ફેલાવી દીધું જાણે કેમ આજે જ તેનો રોટલો કરી નાંખવો હોય.
( ક્રમશઃ)
હેપ્પી કેવી રીતે શાંત થશે?
કેવી રહેશે રેનાની કોલેજ લાઈફ??