એક હતી કાનન... - 21 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી કાનન... - 21

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 21)
મનન, કાનનનાં એક વધુ નવાં સ્વરૂપને જોઈ રહ્યો.મનને અનુભવ્યું હતું કે કાનનનું હર એક નવું પગલું ભાવિ તરફ નો અંગુલિનિર્દેશ હોય છે.
કાનન બીજે દિવસે જ બેંકમાંથી છૂટીને બાલઘર પહોંચી ગઈ.મુખ્ય સંચાલિકા બેનને પોતાની ઈચ્છા જણાવી.એ તો ખુશ ખુશ થઇ ગયાં. મુખ્ય સંચાલિકા બેને બધાં બાળકોને ખુલ્લી જગ્યામાં બોલાવી ઓળખાણ કરાવી.
“જુઓ બાળકો,આ છે કાનન દીદી.સોમવાર થી શુક્રવાર રોજ સાંજે તમારી પાસે આવશે.રમતો રમાડશે,વાર્તા કહેશે,ગીતો ગવડાવશે અને હોમવર્ક પણ કરાવશે.કોઈએ દીદીને હેરાન નથી કરવાનાં.સમજી ગયાં ને?”
“હા.............,બધાં બાળકોએ સમૂહમાં હા પાડી.”
કાનન તો થોડી વારમાં બાળકો વચ્ચે ઘેરાઈ ગઈ.બાળકોએ તો જુદી જુદી ફરમાઇશ નો મારો ચલાવી દીધો. કાનન મૂંઝાઈ જ ગઈ.એક પછી એક બાળકનો પરિચય પૂછવા લાગી ગઈ.
સાંજે ઘરે જતી વખતે તે એકદમ ખુશમિજાજ લાગતી હતી.ઘરે જતાં રસ્તામાં બીજા દિવસથી અમલમાં મૂકવાનું ટાઇમ ટેબલ જ બનાવી નાખ્યું.
બે કલાક કાનન ના આંખના પલકારામાં પસાર થઇ જતા.કાનન માત્ર બાળકોની નહીં પણ બાલઘરનાં સ્ટાફની પણ માનીતી થઈ ગઈ.થોડું પણ આવવામાં મોડું થાય તો અમુક બાળકો તો રડવા જ મંડી પડતાં.અને છૂટા પડવાના સમયે વાતાવરણ ખરેખર ગંભીર બની જતું. બેંકમાં જયારે સ્ટાફને કાનન ની આ પ્રવૃત્તિ ની ખબર ફેલાઈ ત્યારે તો હલચલ મચી ગઈ.અમુક સ્ટાફે તો કાનનને વહેલું નીકળવું હોય તો એની પણ છૂટ આપી દીધી.ઘણા બધા એ આવી બીજી કોઈ સંસ્થા હોય તો સાંજનો સમય આપવાની તૈયારી પણ બતાવી.આમ કાનનની આ પ્રવૃત્તિ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ.
કાનન- મનનના કુટુંબીજનો, મિત્રો, પાડોશીઓ, સ્નેહીઓ અહોભાવથી આ બધું જોઈ રહ્યાં હતાં. પૈસા પાછળ દોટ મૂકતાં અને ટીવી કલ્ચરમાં ખોવાઈ ગયેલા સમાજ માટે તો આ બધું અસામાન્ય હતું.
“ચલ તાપસી,તને એક કૌતુક બતાવું.”મનને એક દિવસ ઓફિસમાંથી નીકળતી વખતે કહ્યું.
બન્ને બાલઘરમાં આવ્યાં.તાપસી તો હજુ પણ ગૂંચવાયેલી હતી.મુખ્ય સંચાલિકા બેનને ઓળખાણ આપી,મંજૂરી લઇ અંદર ગયાં.
અંદરનું વાતાવરણ જોઈને તો બન્ને દંગ જ રહી ગયાં.કાનન બાળકો વચ્ચે વીંટળાઈ ને બેઠી હતી અને કંઈક ગીત ગવડાવી રહી હતી.
“મનન,મને લાગે છે કે કુદરતે આ એક મોડેલ ખાસ તમારા માટે જ બનાવ્યું લાગે છે.કાનનબેનને જ કેમ આવા વિચારો આવે છે. મને તો નોકરીમાં થી છૂટું એટલે રસ્તામાં પૈસા અને ટીવી ના જ વિચારો આવતા હોય છે.હું તો નોકરી પરથી છૂટીને ઘરે પાણીનો ગ્લાસ પણ માંડ ઉપાડું અને કાનનબેન નોકરી,ઘર ઉપરાંત કેટલું બધું સંભાળે છે. દાન માત્ર પૈસાથી નહીં સમયથી પણ આપી શકાય તે વસ્તુ મારા માટે તો સમજની બહારની હતી.” આટલું બોલીને તાપસી તો સીધી કાનન પાસે જ દોડી ગઈ.
મનન અને તાપસી ને જોઇને કાનન ને પણ આશ્ચર્ય થયું,ગમ્યું પણ ખરું.
હવે મુખ્ય સંચાલિકા બેન પણ આવી ગયાં હતાં.
“હવે શનિ-રવિ સાંજે બે કલાક હું આવીશ”તાપસીએ તો સીધી જાહેરાત જ કરી નાખી.
“અને સવારે બે કલાક ટ્યુશન ભણાવવા હું આવીશ.”બીજી જાહેરાત મનને કરી.
કાનનની પ્રવૃત્તિના સમાચાર જયારે માનસીને મળ્યા ત્યારે તો સાંભળીને ખુશીથી ઝૂમી જ ઉઠી.સીધી પહોંચી ગઈ રમીલાબેનને અથવા એમ કહો કે તપનને સમાચાર આપવા.
“તમારી બહેનપણી કઈ માટીની બનેલી છે એ જ સમજાતું નથી.કોઈ સપનામાં પણ જે બાબતનો વિચાર ના કરે તે અમલમાં,અને તે પણ સફળતાપૂર્વક અમલમાં મૂકીને બતાવે છે.” તપન તો અતિ ઉત્સાહમાં બોલી ગયો.
“મને લાગે છે કે હવે મારે ગોંડલ જાવું જ પડશે,” તપને ઉમેર્યું.
આમ પણ અભ્યાસ પૂરો થઇ ગયો હતો.અને કંઈક નવું કરવાનું વિચારી રહ્યો હતો.માંડવી વતન ખરું પણ થોડું નાનું.
તપન ગોંડલ જવા રવાના થઇ ગયો.ગોંડલ નામ કાને પડે એટલે નવલખા પેલેસ,ભુવનેશ્વરી શક્તિપીઠ અને અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર અવશ્ય યાદ આવે.એક વખત ગોંડલ સ્ટેટ તરીકે ઓળખાતાં આ શહેરની સ્થાપના લગભગ 1634 માં થઈ હતી.બપોર પછી ગોંડલ પહોંચીને પહેલું કામ બાલઘર સંસ્થાની તપાસ કરવાનું કર્યું અને પહોંચી ગયો સીધો સંસ્થામાં.
ઓફિસમાં મુખ્ય સંચાલિકા બેનને મળી પોતાની ઓળખાણ આપી અને કાનન ને મળવું છે એવું જણાવ્યું.
“કાનનબેન તો દશ દિવસથી બહારગામ ગયાં છે અને હજી પણ બે દિવસ પછી મળશે.”સંચાલિકા બેને માહિતી આપી.
કાનન ની ગેરહાજરીમાં તાપસી રોજ બે કલાક આવતી હતી.એનો સમય પૂરો થતાં તે ઓફિસમાં મળવા આવી.
“તાપસી,આ ભાઈ માંડવી કચ્છ થી કાનન ને મળવા આવ્યા છે.”સંચાલિકા બેને તાપસી ને કહ્યું.
તપન ઉભો થયો અને બહાર નીકળ્યો.પાછળ તાપસી આવી.
“હું તાપસી,અત્યારે તો કાનન ને બદલે બાલઘરમાં આવું છું પણ રેગ્યુલર શનિ-રવિ હું આવું છું.મારે માટે તો એ પ્રેરણામૂર્તિ છે. અને વધુમાં એમના હસબન્ડ મનન ની આસીસ્ટન્ટ છું.” તાપસીએ પોતાની ઓળખાણ આપી.
“હું તપન,કાનનબેન નો મિત્ર. અને અંદર બેને કહ્યું એમ માંડવીથી ખાસ એમને મળવા આવ્યો છું.એમાં પણ જયારે એમની બાલઘરની પ્રવૃત્તિના સમાચાર મળ્યા એટલે રહેવાયું નહીં.”તપન હજુ આગળ બોલે ત્યાં જ તાપસી વચ્ચે કૂદી પડી.
“ઓહો,તો તમે એ લેખક મહાશય છો,કે જેણે કાનનબેન ના જીવન પર નવલકથા લખવાની શરૂઆત કરી હતી? કાનનબેને વાત કરી હતી.”
“એમના ઘરનું સરનામું આપું? એ તો બે દિવસ પછી મળશે.”
“ના,ઘરનાં સરનામાની જરૂર નથી.એ આવશે પછી અહીં જ મળી લઈશ.”
“તમે માંડવીથી સીધા જ આવતા લાગો છો?”તાપસીએ તપનની હાલત જોઈ અનુમાન કર્યું.
“જી,એવું જ કંઈક.”તપને સ્વભાવ પ્રમાણે ટૂંકમાં જવાબ આપ્યો.
“પણ બાલઘરમાં તો બાળકોને જ રાખે છે અને તમે તો...” તાપસીએ સ્વભાવ પ્રમાણે મશ્કરી ના સૂરમાં કહ્યું અને ઉમેર્યું.
“તમે કાનનબેન ના મિત્ર.હું કાનનબેન અને મનનની મિત્ર.તો આપણે એકબીજાના મિત્ર કહેવાઈએ કે નહીં?”
“હા,ચોક્કસ.” ફરી તપન નો ટૂંકો જવાબ.
“તો મારે ઘરે જ ચાલોને.અને મારાથી ડરવાની જરૂર નથી,ખાલી દેખાવે જ વાઘણ જેવી છું પણ છું કાગળનો વાઘ.”
“મશ્કરી બાદ કરતાં હું મારા પેરેન્ટ્સ સાથે અહીં નજીકમાં જ રહું છું અને બે દિવસનો જ સવાલ છે તો પ્લીઝ ના ન કહેતા.કાનનબેન ને પણ એ નહીં ગમે કે મારું ઘર હોવા છતાં તમે ક્યાંક બીજે રહો.”તાપસી હવે થોડી ગંભીર થઈ ગઈ.
તપન તાપસી ના આગ્રહને અને ખાસ કરીને આગ્રહની રીતને ટાળી ન શક્યો.
તાપસી તપનને પોતાના ઘરે લઇ ગઈ.ઓળખાણ કરાવી.
“મમ્મી-પપ્પા આ તપન છે મનન ના મિત્ર છે બે દિવસ આપણે ઘરે રોકાશે.”તાપસીએ ઈરાદાપૂર્વક કાનન નું નામ ટાળ્યું.
“તમારું ઘર નાનું પણ સરસ રીતે ગોઠવાયેલું છે.”તપને ઘર જોઇને અભિપ્રાય આપ્યો.
“હું અંગત રીતે માનું છું કે તમે જેટલું મેઈન્ટેન કરી શકો એટલું જ ઘર બનાવો અને એટલો જ સમાન વસાવો.જેટલા વધુ શો કેસ,શો પીસ એટલી વધુ ઉપાધિ.”
તાપસી એ પોતાના વિચારો સ્પષ્ટ કર્યા.
રાત્રે જમીને બન્ને એ પોતપોતાની રીતે કાનન સાથેના અનુભવો share કર્યા.
તપને જે રીતે કાનનની વાત કરી,તે પરથી તાપસીનું કાનન પ્રત્યેનું માન ઔર વધી ગયું.એના વાંચનનું ઊંડાણ તાપસીએ અનુભવ્યું.ઘણી બધી એવી વાતો એને તપન પાસેથી જાણવા મળી.
બીજે દિવસે તાપસી બાલઘરમાં સવારે ગઈ.સાથે તપન ને પણ લઈ ગઈ.તપનને પણ સંસ્થાની પ્રવૃત્તિમાં ખૂબ રસ પડ્યો.એણે ઓફિસમાં જઈને એની વિસ્તૃત માહિતી પણ મેળવી.

કાનન અને મનન એક વીક ની ટુર પર ગોવા ગયાં હતાં.
આ તરફ કાનન કુદરતની એક પછી એક કસોટીમાં પાર ઉતરી રહી હતી જેનો સંતોષ પણ કુદરતને હતો.કુદરતનો ખેલ એણે ગોઠવેલી બાજી પ્રમાણે જ ખેલાઈ રહ્યો છે. કુદરતને લાગ્યું કે હજુ ઘણું કરવાનું બાકી છે.ચાલો કાનન પાસે કંઈક નવું કરાવું અને બાજી ગોઠવી પણ નાખી.
(ક્રમશ:)