માંન્યાની મઝિલ ચેપ્ટર - 24 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માંન્યાની મઝિલ ચેપ્ટર - 24

અંશુમનને ધક્કો મારવાનો પિયોનીનો કોઈ ઈરાદો નહોતો પણ આવેશમાં આવીને તેણે અંશુમનને એવો જોરથી ધક્કો માર્યો કે અંશુમન સીધો જમીન પર પછડાયો. અંશુમનનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું હતું. તે મનમાં બોલ્યો, 'અત્યાર સુધી કોઈની હિમ્મત નહોતી કે તેને હાથ પણ લગાડી શકે અને કાલની આવેલી આ બે ટકાની છોકરીએ મને ધક્કો માર્યો !!!! અંશુમનનું ગુસ્સાથી તમતમતું મોઢું જોઈને પિયોની ગભરાઈ ગઈ. તે ડરતાં-ડરતાં અંશુમનની નજીક ગઈ અને તેણે અંશુમનની સામે હાથ ધર્યો અને તેને ઊભો કર્યો. રડમસ અવાજે પિયોની સોરી-સોરી કહેવા લાગી.

'અંશુમન સોરી, મારો તને ધક્કો મારવાનો ઈરાદો નહોતો પ્લીઝ તું ખોટું ના સમજીશ.' 'માન્યા... મને લાગ્યું હતું કે તું પણ મારી સાથે સારો ટાઇમ સ્પેન્ડ કરવા માટે એટલી જ આતુર છે પણ તેં તો આખો મૂડ સ્પોઈલ કરી દીધો. મને નહોતી ખબર કે તને આ બધામાં ઈન્ટરેસ્ટ નહીં હોય.' 'એટલે તું આ બધું કરવા માટે મને અહીંયા લાવ્યો હતો?' પિયોની આવાક્ થઈ ગઈ. “યુ ઈનોસન્ટ ગર્લ... તો તને શું લાગ્યું કે હું તારી સાથે આખી રાત કેમ વિતાવવા માંગતો હતો? મારે રખડપટ્ટી જ કરવી હોત આખી રાત તો એનાં માટે મારાં ફ્રેન્ડ્સ હતાં તો તને શું કામ લઈને આવું?' ખડખડાટ હસતાં અશુમનને જોઈને ડઘાઈ ગઈ.

મિણનાં પૂતળાની જેમ તે પોતે પૂતળું બની ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે આ તેનો અંશુમન છે. અંશુમન બોલતો ગયો અને પિયોની ચુપચાપ સાંભળતી ગઈ. 'ધિસ ઓલ આર ફોર ફન. આઈ થોટ યુ આર ફન લવિંગ ગર્લ પણ તું તો ખાલી કપડાં પહેરવામાં જ મોડર્ન છે બાકી તારા વિચારો તો હજી પણ દેશી જ છે.' અંશુમન મોઢું બગાડતા બોલ્યો. 'માઈન્ડ યોર લેન્ગવેજ અંશુમન....' પિયોનીએ અંશુમનને આંગળી બતાવી. 'મારા ઘરમાં ઊભી રહીને તું મને જ ધમકી આપે છે? તને ખબર નથી કે આનો અંજામ શું આવશે. યુ વિલ રિગ્રેટ.' મેં તને સમજવામાં, તને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી. મેં તારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને તે વિશ્વાસઘાત કર્યો.' પિયોનીની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.

'ઓહ પ્લીઝ, આ કોઈ હિન્દી પિક્ચર નથી અને તું કોઈ હિરોઈન નથી. સો પ્લીઝ સ્ટોપ યોર ડ્રામા એન્ડ કો-ઓપરેટ વિથ મી. તેં અંશુમનનો ટાઈમ વેસ્ટ કર્યો છે હવે મારા ટાઇમની બરબાદી વસુલી ના લઉં ત્યાં સુધી હું તને જવા નહીં દઉં.' પિયોની હવે ખરેખર ડરી ગઈ. તેને લાગ્યું કે તે બહુ ખરાબ રીતે ફસાઈ ગઈ છે પણ હવે શું?

તે અંશુમનનાં આ પિંજરામાંથી બહાર કેવી રીતે નીકળે? બહાર નીકળી પણ જાય તો ઘર સુધી કેવી રીતે પહોંચશે? ઘર તો બહુ દૂર છે અને આ એરિયા પણ એવો છે કે તેને ઘરે જવા માટે કોઈ સાધન પણ નહીં મળે. પિયોનીનાં મગજમાં એક જ મિનિટમાં જાતજાતનાં વિચારો આવી ગયા. પિયોની પાસે ફોન તો હતો પણ તે ફોન કરે તો પણ કોને કરે? એક માન્યા જ છે જે બધું જાણે છે પણ કમનસીબે માન્યા પાસે તો કોઈ ફોન છે નહીં. તો હવે તેને કોન્ટેક્ટ કેવી રીતે કરે? એટલામાં તો અંશુમનનો મોટેમોટેથી હસવાનો અવાજ પિયોનીને સંભળાયો. અંધારી રાતમાં મીણબત્તીનો આછો પીળો પ્રકાશ અને સાથે અંશુમનનો હસવાનો અવાજ વાતાવરણને વધારે બિહામણો બનાવી રહ્યો હતો.

'શું વિચારે છે તું કે અહીંયાથી બહાર કેવી રીતે નીકળીશ એમ? ડોન્ટ વરી જાનુ ડરવાની કોઈ જ જરૂર નથી. તું મારી મરજીથી અંદર આવી છે તો બહાર પણ મારી મરજીથી જ જઈશ.'

અંશુમનનાં લુચ્ચા હાસ્યથી આખા ઘરમાં પડઘા પડવાં લાગ્યા.

તે ધીમે-ધીમે માન્યા ઉર્ફ પિયોનીની નજીક આવતો ગયો. પિયોની રડતા-રડતા હાથ જોડીને આજીજી કરવા લાગી પણ અંશુમન એકનો બે ના થયો. તેણે જબરદસ્તી કરવાનું શરૂ કર્યું. પિયોની પાછળ ખસતી ગઈ. તેના હાથ દિવાલને અડીને પડેલા ફ્લાવર પોટ સાથે અથડાયા. અચાનક પિયોનીમાં એટલી હિમ્મત આવી ગઈ કે તેણે કંઈ પણ વિચાર્યા વગર ફ્લાવર પોટ હાથમાં લઈને સીધો અંશુમનના માથામાં માર્યો. આ હુમલાથી અંશુમને પિયોનીનાં હાથ છોડી દીધા. તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયો અને તેના કપાળમાં ઘુસી ગયેલા કાચનાં ટૂકડાંનાં કારણે લોહી વહેવા માંડ્યું. અંશુમન આગળ કંઈ પણ પગલું ભરી શકે તેવી સ્થિતિમાં નહોતો. પિયોની ચપ્પલ પહેરવાં પણ ના રોકાઈ અને ઘરનું બારણું ખોલીને દોડવા લાગી.

તે દોડતી ગઈ....દોડતી ગઈ. અંશુમનનાં બાઈકની પાછળ બેસીને આવતા તેની નજર એટલી તો શાર્પ હતી કે તેણે રસ્તો નોંધી લીધો હતો અને એટલે જ તે છેલ્લી 10 મિનિટથી બહાર હાઈવે ઉપર આવવાનાં સાચા રસ્તા ઉપર દોડી રહી હતી. ખુલ્લા પગે દોડવાનાં કારણે ડામર પર પથરાયેલી કોંક્રિટ તેના પગમાં ઘુસી ગઈ તેમ છતાં તે દોડતી-દોડતી બહાર હાઇવે પર આવી ગઈ. તેનામાં રહેલી હિમ્મત હવે તૂટી પડી અને જોરજોરથી તેણે રડવાનું શરૂ કરી દીધું. તેણે આજુબાજુ જોયું પણ હાઇવે પર કોઈ વાહન તેને ના દેખાયું. રહી સહી હિમ્મત પણ તેણે ગુમાવી દીધી. હવે શું કરવું તેને ખબર નહોતી પડી રહી.

સવારનાં 4:30 થયા હતાં, ઘોર અંધારુ હતું. પિયોનીને થોડે દૂરથી એક ગાડી આવતી દેખાઈ. આગળ પાછળનું કંઈ પણ વિચાર્યા વગર તે ગાડીની સામે બે હાથ પહોળા કરીને ઊભી રહી ગઈ. આજની રાત્રે પિયોનીનું નસીબ તેની સાથે હતું.

અંશુમનની ચુંગલમાંથી બચીને બહાર નીકળ્યા બાદ સદનસીબે હાઇવે ઉપર જોવાં મળેલી આ પહેલી જ ગાડી ઊભી રહી અને તેમાં બેઠેલા બે સજ્જન ઘરડાં દાદા-દાદીએ પિયોનીની મદદ કરી. પિયોનીની પરિસ્થિત જોઈને તેમને ખ્યાલ આવી ગયો કે છોકરી સાથે કંઈક દુર્ઘટના બની છે. પિયોનીને ગાડીમાં બેસાડીને તેને પાણી પીવડાવ્યું અને તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો પણ પિયોનીનું રડવાનું કેમે કરીને બંધ જ નહોતું થઈ રહ્યું. એ દાદા-દાદી પણ પિયોનીની આ હાલત જોઈને ગભરાઈ ગયા. તેમણે વધારે પૂછપરછ કર્યા વગર ગાડી ચાલુ કરી. થોડીવાર રહીને પિયોની શાંત થઈ ગઈ અને પરિસ્થિતિ સમજીને બહાર કોઈને વાત ના પહોંચે કે પોતાની સાથે શું બન્યું છે તે માટે તેણે સ્વસ્થ થઈને પોતાના ઘરનું એડ્રેસ જણાવી દીધું અને તેમને વિશ્વાસ અપાવ્યો કે બધું ઠીક છે. પિયોની માટે જાણે ભગવાન બનીને આવેલા તે સજ્જન દાદા-દાદીએ પિયોનીની સોસાયટીના દરવાજે ગાડી ઊભી રાખી.

ચહેરા ઉપર ફેક સ્માઇલ લાવીને પિયોનીએ તે દાદા-દાદીનો દિલથી આભાર માન્યો. તેમની ગાડી આગળ ગયાની ખાતરી કર્યા બાદ પિયોની તેના બંગલા તરફ આગળ વધી. સવારનાં 6:15 થયા હતા અને પિયોનીએ ચહેર ઉપર ઊંઘનાં હાવભાવ લાવી અને પોતાનો વેશ સરખો કરીને ઘરનો ડોરબેલ વગાડયો. સવારે વહેલાં ઉઠી જતાં નાનીમાંએ દરવાજો ખોલ્યો અને સામે ઊભેલી પિયોનીને જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા.

(શું નાનીમાં પિયોનીની હાલત પારખી જશે? અંશુમન આગળ શું કરશે? પિયોનીની આ ખરાબ પરિસ્થિતિમાં માન્યા તેનો સાથ આપશે કે નહીં? આગળ સ્ટોરીમાં કયો નવો ટ્વીસ્ટ આવે છે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)