પિયોનીને આજે સુકુનભરી ઊંઘ આવી ગઈ કારણ કે, આજે મને ભરીને તેણે અંશુમન સાથે વાતો કરી હતી. પિયોનીએ અંશુમનને મોસ્ટ ચાર્મિંગ મેનનું ટાઈટલ પણ આપી દીધું હતું તો સામે અંશુમને પણ માન્યા ઉર્ફ પિયોનીને હોટેસ્ટ ગર્લ કહીને તેનું દિલ જીતી લીધું હતું. ટૂંકમાં બંને વચ્ચે મજાક મસ્તીની સાથે એકબીજા સાથે ફ્લર્ટ કરવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. બંને યુવાન હતા. પિયોની 12મા ધોરણની પરીક્ષા પાસ કરીને કોલેજના ઉંબરે પગ મૂકવાની હતી જ્યારે અંશુમન ઓલરેડી એક સાયન્સ કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો. તે હેન્ડસમ હતો. ડેશિંગ હતો. કોલેજમાં ભણતા અંશુમનની પર્સનાલિટી જ કંઈક એવી હતી કે છોકરીઓ તેને જોઈને અંજાઈ જતી. કોલેજનું એક વર્ષ માંડ વીત્યું હતું પણ અત્યાર સુધી તેની 12 ગર્લફ્રેન્ડ બદલાઈ ચૂકી હતી. એમાંથી 4 ગર્લફ્રેન્ડ તો તેને સ્કૂલમાં હતી. મોટાભાગની છોકરીઓનો તે ક્રશ બની જતો હતો અને તેમાંની 12છોકરીઓને અંશુમને તેની ગર્લફ્રેન્ડ બનવાનો ચાન્સ આપ્યો હતો. અંશુમન ઋતુ બદલાય તેમ તે પોતાની ગર્લફ્રેન્ડ બદલતો હતો. એમાં પણ કોલેજમાં આવ્યા બાદ તો તેના માટે રસ્તો સાવ સરળ થઈ ગયો હતો. તેની કોલેજમાં સાયન્સ ફેકલ્ટી સિવાય કોમર્સ અને આર્ટ્સના કોર્સીસ પણ ભણાવાતા હોવાથી દરેક ફિલ્ડની છોકરીઓ આવતી હતી. જેમાંની સૌથી સુંદર લાગતી છોકરીઓ સાથે અંશુમનની ફ્રેન્ડશિપ હતી અને કેટલીક છોકરીઓ સાથે તેના સંબંધો મિત્રથી થોડાં વધારે હતા. એમાં અધૂરામાં પૂરું ફેસબુકે અંશુમનને ગર્લફ્રેન્ડ્સ બનાવવાનો બીજો ઓપ્શન આપ્યો હતો. આમ, ફિઝિકલી અને વર્ચ્યુઅલી અંશુમન ધીમે-ધીમે ગર્લ્સમાં હોટ ફેવરિટ બનતો જતો હતો અને હવે અંશુમનનો નેક્સ્ટ ટાર્ગેટ હતો તેની નવી ફેસબુક ફ્રેન્ડ માન્યા.
પિયોની યુવાનીના ઉંબરે આવીને ઊભી હતી. અત્યાર સુધી તો તેની સ્કૂલની લાઇફ એકદમ શાંતિ અને ડિસિપ્લિનવાળી રહી હતી પરંતુ હવે કોલેજમાં જવાનું હોઈ તે સપનાં જોવા લાગી હતી. તેને કોઈને પ્રેમ કરવો હતો, કોઈનો પ્રેમ મેળવવો હતો. તેણે અત્યાર સુધી બહુ સાંભળ્યું હતું કે કોલેજમાં લાઇફ પાર્ટનર મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. તેથી પિયોની પણ તેના પહેલા પ્રેમની શોધમાં હતી.
જીવનના પહેલા પ્રેમની વાત જ કંઈક અલગ હોય છે. તમને તે વ્યક્તિ સાથે માણેલી બધી પળો ખૂબ સરસ લાગે છે. તમારું જીવન જ જાણે બદલાઈ જાય છે. તેની સાથે વધારે સમય ગાળવા માટે તમારાથી બને તેટલા પ્રયત્નો કરતા થઈ જઈએ છીએ અને આ સાથે જૂઠ્ઠું બોલવાની શરૂઆત પણ થઈ જાય છે. પિયોની સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું. તે તેની બેસ્ટ ફ્રેન્ડ માન્યા સાથે તે જૂઠુ બોલી રહી હતી, જેને તે પોતાનું બધું જ માનતી હતી. 24 કલાક જેની સાથે તે રહેતી હતી તેને આજે એ કહેવું પણ જરૂરી નહોતું લાગ્યું કે તેના જીવનમાં સમવન સ્પેશિયલની એન્ટ્રી થઈ ગઈ છે.
આજની સવાર પિયોની માટે બેસ્ટ મોર્નિંગ હતી કારણ કે, ગઈકાલે અંશુમને તેની પાસેથી તેનો મોબાઈલ નંબર માંગી લીધો હતો અને હજી તો પિયોની ઊઠી એ પહેલાં અંશુમનનો મોબાઇલમાં ગુડ મોર્નિંગનો મેસેજ આવીને પડ્યો હતો. જે જોઈને પિયોનીનું મન હરખાઈ ગયું. તેણે સામે અંશુમનને ગુડ મોર્નિંગ વિશ કર્યું અને પછી શરૂ થઈ અંશુમન અને પિયોનીની અનલિમિટેડ વાતો. બપોરનો એક વાગી ગયો હતો અને પિયોની નાહ્યા-ધોયા વગર સવારની અંશુમન સાથે ચેટિંગ કરવામાં બિઝી થઈ ગઈ હતી. આખરે 2 વાગ્યે નાનીમાંએ બૂમ પાડી, 'પિયુ બેબી તારે જમવા આવાનું છે કે પછી તારા મોબાઈલમાંથી જ તું ખાઈ લઈશ?‘ ‘નાનીમાં આજે મારી તબિયત સારી નથી તો મારું જમવાનું ઉપર જ મોકલાવી દો.' પિયોની એક મિનિટ માટે પણ અંશુમન સાથે વાત ડિસ્કનેક્ટ કરવા નહોતી માંગતી અને જો તે નીચે જમવા જાય તો ડાઇનિંગ ટેબલ પર તેણે ફોન સાઇડમાં મૂકી દેવો પડે તેમ હતો. તેથી તેણે તબિયત ઠીક ના હોવાનું બહાનું કાઢ્યું.
10 મિનિટમાં તો નાનીમાંએ પિયોનીનું જમવાનું ઉપર મોકલાવી દીધું. આમ તો નાનીમાં જાતે જ જમવાનું લઈને આવવા માંગતા હતા પણ થોડાં દિવસથી તેમને પગનો દુખાવો ઉપડ્યો હોવાથી ડોક્ટરે તેમને સીડી ચઢવાની ના પાડી દીધી હતી.
તેથી તે પોતે પણ દુ:ખી થઈ ગયા હતા કે તે પિયોનીની આવી હાલતમાં તેનું ધ્યાન પણ નથી રાખી શકતા. તો બીજી બાજૂ પિયોની અંશુમનની વાતોમાં એટલી મશગૂલ થઈ ગઈ હતી કે તેણે જમવાનું ક્યાં જમી લીધું તેની તેને પોતાને પણ ખબર ના પડી, હજી તો તે જમવાનું પતાવીને હાથ ધોવા વોશરૂમમાં ગઈ કે તેના રૂમમાં માન્યાની એન્ટ્રી પડી. પિયોનીનો મોબાઇલ અંશુમનના મેસેજથી સતત વાઇબ્રેટ થઈ રહ્યો હતો અને પિયોની રૂમમાં ક્યાંય દેખાતી ના હોવાથી માન્યા તેનો મોબાઇલ જોવા ગઈ ને એટલામાં પિયોની વોશરૂમમાંથી બહાર આવી. તેણે જેવું જોયું કે માન્યાના હાથમાં તેનો મોબાઇલ છે તેણે તરાપ મારીને તેનો ફોન માન્યાના હાથમાં ઝુંટવી લીધો. માન્યા પણ પિયોનીનું આ રીએક્શન જોઈને ચોંકી ઉઠી. પિયોની તરત પોતાની જાતને સ્વસ્થ કરતાં બોલી, “અરે માન્યા લાગે છે કે ડેડીનો ફોન આવતો હોવો જોઈએ. મેં એમની પાસેથી કંઈક મંગાવવા માટે ફોન કર્યો હતો પણ તેમણે મારો ફોન નહોતો ઉપાડ્યો. પિયોનીએ જે રીતે મોબાઇલ લીધો તે જોઈને માન્યાને તેની આ વાત ગળે ઉતરી નહીં. પિયોનીને પણ લાગ્યું કે માન્યાના મનમાં કંઈક બીજું વિચારી રહી છે. તેથી તેણે ટોપિક ચેન્જ કરવા કહ્યું કે, 'તું અત્યારે અહીંયા ક્યાંથી?' “પિયોની આઈ થિંક આ મારી બેસ્ટ ફ્રેન્ડનું ઘર છે અને હું છે ગમે ત્યારે અહીંયા આવી શકું છું. તું આવા સવાલો કેમ પૂછે છે?' 'અરે! મસ્તી કરતી હતી. જસ્ટ ચિલ બેબ.' આમ કહીને પિયોનીએ માન્યાની નજર ચૂકવીને પોતાનો ફોન બેડના સાઇડ ડ્રોવરમાં મૂકી દીધો.
(શું માન્યાને ખબર પડી જશે કે પિયોની તેનાથી કંઇક છુપાવી રહી છે? કે પછી હજી પણ પિયોનીનું જૂઠ્ઠાણામાં માન્યા ભોળવાઈ જશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ)