એક હતી કાનન... (રાહુલ વોરા)
(પ્રકરણ – 16)
બીજે દિવસે મનન ગોંડલ રવાના પણ થઈ ગયો.પોતાનાં સાસુની ખાતરી અને માનસીના સાથે તેની ચિંતા ઘણી હળવી કરી નાખી હતી. કાનનની સંઘર્ષ કથામાં એક નવા પ્રકરણ નો ઉમેરો થયો.
“જુઓ મિસ તાપસી,હું ઓફિસમાં આવું તેની દસ મિનીટ પહેલાં તમારે આવી જવાનું હોય છે.મારે આવીને તમારી રાહ જોવાની? ત્યાં સુધી માખીઓ મારવાની?”
“એક્સક્યુઝ મી સર,તમે જયારે ઓફિસમાં પ્રવેશો છો ત્યારે સૌ પ્રથમ ગુડ મોર્નિંગ કહેવા વાળી એકલી હું જ હાજર હોઉં છું.આજે કદાચ પહેલીવાર દસ મિનીટ મોડી પડી એમાં આટલું બધું મોટેથી બોલવાની જરૂર નથી. ક્યારેક જ મોડા આવતા સ્ટાફ પાસે કારણ જાણવાની દરકાર કર્યા વિના આમ વરસી નહીં પડવાનું. આ જ વસ્તુ અડધો કલાક પછી પણ કહી શક્યા હોત.બાય ધ વે,સોરી,બીજી વાર ધ્યાન રાખીશ.” આટલું કહી સડસડાટ દરવાજો પછાડતી તાપસી બહાર નીકળી ગઈ.
એક મિનીટ માટે તો તાપસી ને લાગ્યું કે રાજીનામું ફેંકી ને નીકળી જાય.પણ એણે ગુસ્સા ઉપર કાબૂ મેળવી લીધો.
મનન ને પણ લાગ્યું કે પોતાની જાત પરની અકળામણ ખોટી જગ્યાએ વ્યક્ત થઇ ગઈ.અડધો કલાક તો એમ ને એમ બેસી જ રહ્યો.
“મે આઈ કમ ઇન સર? સોરી,સોરી,સોરી. મારે એ ન ભૂલવું જોઈએ કે તમે મારા બોસ છો અને મારા કરતાં તમારા માથે કામનું પ્રેશર વધારે હોય છે.”
આટલું બોલતાં તો તાપસીની આંખો ભીની થઇ ગઈ.
મનન માટે તો તાપસી ના થોડી વાર પહેલાં જોયેલાં રૂપ કરતાં આ રૂપ વધારે અકળાવનારું હતું.જે આંખમાંથી થોડી વાર પહેલાં અંગારા વરસતા હતા તેમાંથી અત્યારે શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો.
”સર,મને લાગે છે કે આજ સવાર સવારમાં કાનનબેન સાથે ઝઘડીને આવ્યા લાગો છો.એમાં ને એમાં મને અડફેટમાં લઇ લીધી.”
બેસી શકું? એમ ખાલી પૂછ્યું પણ રજાની રાહ જોયા વિના બેસી જ ગઈ. મનનની આસિસ્ટન્ટ તાપસીની આ એક આગવી સ્ટાઈલ હતી.
“મિસ તાપસી...”
“મિસ તાપસી નહીં,ખાલી તાપસી.”વચ્ચેથી જ અટકાવી તાપસીએ કહ્યું.મનને વાત આગળ વધારી.
“અરે તું ઝઘડાની વાત કરતી હતી તો કહી દઉં કે ઝઘડવા માટે પણ કાનન અહીં હોત તો મને ગમત.પણ એને તો કાલે માંડવી મૂકી આવ્યો.”
“માંડવી? કેમ?કેમ?” અધીરી તાપસી મનન વધુ બોલે તે પહેલાં જ કૂદી પડી.
“કાનન નો પરમ દિવસે બેંકનો ઓર્ડેર આવ્યો.સમય ઓછો હતો એટલે તાત્કાલિક નીકળવું પડ્યું.કાલે એણે નોકરી જોઈન પણ કરી લીધી.” મનને કહ્યું.
પાછી તાપસીની અધીરાઈ દેખાઈ આવી.
“બાપ રે,કાનનબેન માંડવી રહેશે? એના ખડૂસ બાપ ના ઘરે?”
મનને ફાઈલમાંથી ઊંચું જોયું.
“સોરી,આઈ મીન મમ્મી-પપ્પા જોડે?”તાપસી ને લાગ્યું કે એણે જેના વિશે ખડૂસ શબ્દ વાપર્યો તે મનન ના સસરા પણ થાય.
“ના,કાનન એની કલીગ માનસી ની બાજુમાં મકાન ભાડે રાખીને એકલી રહેશે.”
“કાનનબેન એકલાં રહેશે? જબરાં હિમ્મત વાળાં કહેવાય. મને તો રાતે મારા રૂમમાં પણ એકલી જતાં ડર લાગે.જો કે કાનનબેન તો ગમે તે સ્થિતિ માંથી રસ્તો કાઢી લે તેવાં છે.તેમ છતાં પણ બહાદુર તો કહેવાય જ.”
તાપસી એટલે એક શબ્દમાં કહેવું હોય તો વાતોડિયણ.લાગણીશીલ પણ એટલી જ. અને બોલવામાં તો કોઈનું ઉધાર રાખવાની આદત જ નહીં.એકદમ ખુલ્લાં દિલની.સાચું કહી દેનારી અને સાચું સ્વીકારી લેનારી પણ ખરી.એક હદ થી ઉપર હોદ્દા અને ઉંમરની પણ સાડાબારી નહીં રાખનારી.પાછી કહેતી પણ ખરી.
“હું સામેની વ્યક્તિને એક જીવંત માનવી તરીકે જોઉં છું અને અપેક્ષા પણ એવી જ રાખું છું.”
“અને મનન સર,આજથી ઓફિસ આવતી વખતે ઘરને બહાર મૂકીને આવવાનું અને ઘરે જઈને ઓફિસ બહાર મૂકી દેવાની.” તાપસી એ તો જાણે ચુકાદો જ સંભળાવી દીધો.
મનનને લાગ્યું કે પોતાની લાગણીઓ સમજી શકે અને કાનનની વાતો share કરી શકાય એવી એક મિત્ર તેને મળી ગઈ છે.
તાપસી સાથે મનનની અવારનવાર કાનન અને તેની સંઘર્ષમય જિંદગીની વાતો થતી.
તાપસી માટે તો કાનન નું વ્યક્તિત્વ એક કોયડા સમાન હતું. એને રહી રહીને એ જ પ્રશ્ન સતાવતો કે કોઈ પણ સ્ત્રીની જીંદગીમાં આટલાં બધાં તોફાન આવી શકે? અને વારંવાર આવતાં તોફાન સામે ટકી શકાય? પોતે અત્યાર સુધી જે રીતની જિંદગી જીવી હતી તે જોતાં સ્ત્રીઓની આવી પણ જિંદગી હોય છે તે માનવા જ તેનું મન તૈયાર ન હતું.
એકવાર એણે મનનને કહેલું પણ ખરું.
“કાનનબહેન જે સંઘર્ષ માંથી પસાર થયાં છે,થઇ રહ્યાં છે તે તો માત્ર તેના જેવી લાખોમાં એક સ્ત્રી જ સહન કરી શકે. અને બહારથી હસતો,બધાં સાથે મિક્સ થતો અને કામમાં ડૂબેલો રહેતો એક માણસ મન ઉપર પત્નીની આટલી બધી ચિંતા લઈને ફરતો હશે તેની તો કલ્પના જ ન થઇ શકે.”
તાપસી જયારે કાનન ને પહેલીવાર મળી ત્યારે એના વ્યક્તિત્વથી ખૂબ જ અંજાઈ ગઈ હતી.
“મનને તમારી સંઘર્ષમય જિંદગીની વાત કરી તેના ઉપરથી મેં તમને સંઘર્ષમાં શેકાયેલ કડક સ્વભાવનાં ધારી લીધાં હતાં.મારા મનમાં તમારું એક કડક મહિલા પોલીસ અધિકારી તરીકેનું ચિત્ર હતું.તમને જોયા પછી એક જ પ્રશ્ન સતાવે છે કે આટલાં કોમળ તન,મન અને હૃદયની વ્યક્તિ આટલી મુશ્કેલી કેમ સહન કરી શકતી હશે.”
કાનન પણ તાપસી ના મિલનસાર સ્વભાવથી આકર્ષાઈ હતી અને બન્ને વર્ષો જૂની ઓળખાણ હોય એમ વાતોમાં જામી પડ્યાં હતાં.
એકવાર તાપસી કાનનને પૂછી પણ બેઠી હતી.
“તમે જે સમય જોયો છે,પસાર થયાં છો એનાથી મને તો ડર લાગવા માંડ્યો છે.મેં તો ભાવિ જીવનનાં ખૂબ સપનાં જોયાં છે,સજાવ્યાં છે.એ પૂરાં નહીં થાય તો? હું અધૂરાં સપનાઓ સાથે જીવી શકીશ? સપનાં જોવાં જોઈએ? તમે ભાવિ જીવનની કેવી કલ્પના કરી હતી અને એ સપનાં તૂટતાં જોઇને કેવું અનુભવ્યું?”
તાપસી ને આટલી ગંભીર જોઇને કાનન ખડખડાટ હસી પડી હતી.
“સપનાં જોવાનાં પણ ખરાં અને સજાવવાનાં પણ ખરાં.મોટાં મોટાં સપનાં જોવાનાં,દિલ ફાડીને જોવાનાં.એ સાકાર કરવા એડીચોટીનું જોર પણ લગાવી દેવાનું. હા,એક વસ્તુ યાદ રાખવાની કે માથું ભલે આકાશને આંબી જાય પણ પગ તો ધરતી પર જ રહેવા જોઈએ.સપનાં જોતી વખતે એક વસ્તુ સતત ધ્યાનમાં રાખવી જોઈએ કે જીંદગીમાં સો ટકા ક્યારેય મળતું નથી.’નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન’ કહેવત સતત યાદ રાખવાની.”
“અને મારી પતંગિયા જેવી કોમળ બહેનપણી એ આવા પ્રશ્નો વિચારવાના જ નહીં.તને કોઈ દુઃખ આવતું દેખાય તો તરત મને ટ્રાન્સફર કરી દેજે.હું તો પ્રુફ થઇ ગઈ છું આવી બધી બાબતોથી.”
તાપસી ને ફરી કંઈક યાદ આવ્યું હોય એમ બોલી.
“હેં કાનન બહેન, પ્રેમ કેમ થાય? તમારી લવ સ્ટોરી તો જોરદાર છે.મને પ્રેમ કરવો છે પણ કોઈ મળતો જ નથી.ઓફિસમાં બધા લંગુર જેવા છે.અત્યાર સુધી એક પુરુષ મને ગમ્યો છે.
“મસ્ત હેરસ્ટાઈલ.
હાઈટ બોડીનું પરફેક્ટ કોમ્બીનેશન.
આકર્ષક નાક નકશો
અને ચહેરા પર પથરાયેલી ગંભીરતા.”
“તો વાત ક્યાં અટકી છે.હિમ્મત કરીને એકવાર પ્રપોઝ કરી જ દે.તારી પ્રપોઝ કરવાની સ્ટાઇલ જોઇને ના પડવાની હિંમત નહીં કરી શકે.”કાનને પાણી ચડાવ્યું.
“પણ એનાં કડક મહિલા પોલીસ અધિકારીની બીક લાગે છે.”તાપસી ખડખડાટ હસી પડી.
“અરે એનો તો ભૂલેચૂકે સપનામાં પણ વિચાર ન કરતી.એમાં તારી દાળ નહીં ગળે. એ તો મારા પ્રેમમાં એટલો પાગલ છે કે તારું કશું નહીં ઉપજે.”કાનને પણ મશ્કરી આગળ વધારી.
“કદાચ અહીં તું જ એક એવી છો કે જેની સાથે આટલી ખુલીને વાત કરે છે.એટલે પ્લીઝ સંભાળ રાખજે મારા મનનની. અહીં બેઠેબેઠે મારી વધારે પડતી ચિંતા કર્યા કરે છે.”કાનને લાગણીશીલ અવાજે કહ્યું.
કાનન ના વિશ્વાસે તાપસી નું માન બન્ને તરફ ખૂબ વધી ગયું.
(ક્રમશ:બુધવારે)