' નિજ ' રચિત એક સુંદર લઘુ કથા:
*ગુજરાત મ્હોરી મ્હોરી*
યામિનીના સ્કૂટર પાછળ બે બાઈક ક્યારનીય પીછો કરી રહી હતી. બંને બાઈક પર ચાર યુવાન છોકરાઓ બેઠા હતા એવું લાગતું હતું. યામિનીને ગભરામણ છૂટી રહી હતી.શું ભોગ લાગ્યા કે હું વળી મિનીની બર્થડે પાર્ટીમાં ગઈ. રાતના 12 વાગ્યા હતા. રાત પાછી અમાસની હતી. આમ તો આ રસ્તો જાણીતો હતો. દિવસે ચહલપહલથી રસ્તો ભરેલો લાગતો. બસ આ પાંચ કિલોમીટરનો પટ્ટો રાત્રે ભેંકાર ભાસતો. યામિનીને પરસેવો વળવા લાગ્યો. મારી સાથે કંઈ અઘટિત તો નહીં થાય ને? અચાનક સ્કુટર બંધ પડી ગયું. એ હવે પુષ્કળ ગભરાઈ ગઈ. ઉતરીને કિકો માર માર કરી તો સ્કુટર પાછું ચાલુ થઈ ગયું. પાછું એણે સ્કુટર ભગાવ્યું. આ પાંચ કિલોમીટરનો રસ્તો કેમ જલ્દી પૂરો થતો નથી? મિરરમાં જોયું બાઈકો હજીય પાછળ પાછળ જ આવતી હતી...
એકચ્યુલી વાત આમ હતી. યામિની મૂળે બિહારી યુવતી. વડોદરાની બહુ જાણીતી યુનિવર્સિટીમાં MBA ફર્સ્ટ યર માં એનું એડમિશન થઈ ગયેલું. સુંદર ચહેરો, મીઠો અવાજ અને મળતાવડો સ્વભાવ. બહેનપણીઓ તો બહુ થઈ ગયેલી. એમાંય આ મિની ખાસ. બંનેનું બોન્ડિંગ જબરદસ્ત.
યામિની યુનિવર્સિટી નજીક આવેલ એક બંગલામાં ઉપરના ફ્લોર પર PG તરીકે રહેતી. સાથે બીજી ત્રણેક યુવતીઓ પણ રહેતી. કોઈ ભણતી તો કોઈ સર્વિસ કરતી. બંગલાની માલ્કીન એક વિધવા સ્ત્રી કુંતલબેન હતી. કુંતલબેન આ યુવતીઓની ફરમાઈશ પ્રમાણે ભોજન પણ બનાવી દેતા. ઘરમાં એસી , વોશિંગ મશીન જેવી ફુલ ફેસિલિટી. અને પાછા કુંતલબેન બહુ પ્રેમથી આ યુવતીઓને રાખતા.યામીનીને આવું વાતાવરણ બહુ પસંદ પડી ગયેલું. અને એમાંય પાછી આ મિની. એકદમ નજીકની બહેનપણી.
આજે મિનીની બર્થડે પાર્ટી હતી ને એણે ભારપૂર્વક અને ભાવપૂર્વક યામિનીને નિમંત્રી હતી . ખૂબ ધમાલમસ્તી, ખૂબ ખાણી પીણી. બહુ બધો આઈસક્રીમ. મિની ખૂબ ફોર્મમાં હતી તો સાથે સાથે એની બહેનપણીઓ પણ. અને યામિની તો ખાસ.
રાત્રિના 12 વાગ્યા સુધી પાર્ટી ચાલી. એણે મિનીની રજા માંગી અને એકલી એકલી સ્કુટર પર નીકળી ગઈ. થોડી આગળ ગઈ ત્યારે લાગ્યું ખરું કે બે બાઈક પીછો કરી રહી છે.
આખરે એનું ડેસ્ટિનેશન આવી ગયું. ફટાફટ અંદર ગઈ અને ઝાંપા પાછળ છુપાઈ ગઈ.પાછળ આવતી બે બાઈકો સડસડાટ નીકળી ગઈ. ચાર યુવાનોનો ચહેરો એના મગજમાં છપાઈ ગયા. સલામત આવી ગઈ એટલે એને હાશ થઈ.
સવારે એ કોલેજ ગઈ, ને કોલેજમાં એન્ટર થતાં જ પેલા ચાર યુવાનો દેખાયા . ઓહ તો એ લોકો અમારી જ કોલેજમાં ભણે છે. લાવ પૂછવા દે કે ગઈ કાલે રાત્રે કેમ મારો પીછો કરતા હતા.
' ચાલ તો મિની મારી સાથે ' સાથે ચાલતી મિનીને ગઈ રાતની બધી વાત કરી ને યુવાનોને થોડા ગુસ્સામાં પૂછ્યું:
' કેમ તમે ચારેવ જણા મારો પીછો કરતા હતા?, શું સમજો છો તમે તમારા મગજમાં? ' વગેરે વગેરે વગેરે કહી તતડાવી નાખ્યાં. પેલા ચારેય યુવાનો આટઆટલું સાંભળ્યા પછી પણ મંદ મંદ હસતા રહ્યા. એમાંથી એક યુવાન બોલ્યો: ' મેડમ, શાંતિ શાંતિ, જરા ઉંડા શ્વાસ લો, ઓકે, હવે સાંભળો,જયારે તમે આ છોકરીના ઘરેથી નીકળ્યા ત્યારે તમે બરાબર વિશ્વાસથી નીકળેલા બરાબર? '
' હા , પણ હું આના ઘરેથી નીકળી એ તમને ક્યાંથી ખબર? '
' અમે ત્યાંથી પસાર થવાના હતાં ને દૂરથી આ છોકરી તમને બાય બાય કરવા ઘરની બહાર આવી હતી એ અમે જોયું હતું , આગળ સાંભળો, પછી પેલો પાંચ કિલોમીટર વાળો અંધારો એરિયા ચાલુ થયો ત્યારે તમને ડર લાગેલો ને કે કોઈ આવીને મને નુકશાન કરશે ?.'
' હા, હા '
' બસ એજ વાત મારી બહેન , તમે ગભરાઈ ગયા હતા એ અમે જોયું, બહેન તમે બહારના રાજ્યના છો ને?.'
' અં , હા '
' બહેન, આ ગુજરાત છે. અને તમે બહારથી આવ્યા છો તો અમ ગુજરાતીઓની ફરજ છે કે અમારે તમને પૂરતું રક્ષણ આપવું, બહેન આ અમારું ગુજરાત એવું છે કે તમે રાત્રીના કોઈ પણ ટાઈમે ગમે ત્યાં જઈ શકો છો. અરે તમે અમારી નવરાત્રી જુઓ બહેન. હજારો બહેનો ગરબા રમ્યા પછી એકલી એકલી સ્કૂટર પર જાય છે પણ કોઈ સમાચાર પત્રમાં વાંચ્યું છે કે એમની છેડછાની થઈ? બહેન ,તમે રાત્રે ગભરાઈ ગયા હતા એટલે અમે પૂરતું ડિસ્ટન્સ રાખી તમને કવર કર્યા હતા. બાકી અમને તો વિશ્વાસ હતો જ કે તમે સહી સલામત ઘરે પહોંચી જ જશો.'
યામિની આ યુવાનોને વંદી રહી. ને સાથે સાથે ગુજરાતની ધરાને પણ.
અને મિની ઉન્નત મસ્તકે ઘડીમાં યામિની બાજુ અને ઘડીમાં પેલા ચાર યુવાનો તરફ જોતી રહી.
.
.
.
જતીન ભૂપેન્દ્રભાઈ ભટ્ટ ' નિજ '
94268 61995
jatinbhatt@gmail.com