શોધ પ્રતિશોધ.. - ભાગ 8 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ પ્રતિશોધ.. - ભાગ 8

Part 8
(ગયા ભાગમાં આપણે જોયું કે અચલા લોપાને શિખાનાં અપમૃત્યુ અંગે ટૂંકી વાત કરે છે. પૃથ્વીનાં જન્મદિવસે અચલા તેની સાથે આખો દિવસ રહેવાનું વચન આપે છે. શિખાનાં મૃત્યુનું કારણ અચલા જણાવતી નથી. શું આ બધી વાતોનો આખરી તાગ લોપા મેળવી શકશે? વિવાનનું ઊંઘમાંથી જાગવું એ લોપાની લાગણીઓને જગાડી શકશે? હવે આગળ...)

વિવાન લોપાનો મર્મ સમજી ગયો કે પોતે સતત ઊંઘવાનું જ કામ કર્યું છે. તેણે મોબાઈલ કાઢી સમય જોયો. "ઓહહ..સવા પાંચ થઈ ગયાં? હવે તો બસ પોણી કલાક ને?"
"ના જી, થોડીવાર ગાડીનાં પૈડાંને પણ મારી જેમ ઊંઘ આવી ગયેલી. તેથી વીસ મિનિટ મોડી ચાલે છે. મુંબઈ સેન્ટ્રલ આવતાં કદાચ સવા છ થશે."લોપા ફરી એકવાર પોતે નથી સૂતી અને વિવાન બહુ સૂતો તે વાત યાદ કરાવી રહી.

વિવાને કહ્યું,"તમારે મુંબઈમાં કઈ જગ્યાએ જવું છે? આઈ મીન કોઈ રિલેટિવ કે કંપનીનાં કામે છો, તો કોઈ હોટેલ?"

એવામાં વિવાનનાં મોબાઈલની સ્ક્રીન પર નામ ઝળક્યું પાપા કોલિંગ....!
લોપા મનમાં વિવાનને જવાબ આપવા શબ્દ ગોઠવવાનો સમય મળ્યો તેની રાહત અનુભવી રહી.
વિવાને તરત કૉલ રિસીવ કરી કહ્યું, "હા પપ્પા, ગુડ મોર્નિંગ. ઊઠી ગયો છું. ડોન્ટ વરી....અરે હા પપ્પા. ના..ના..પ્લીઝ. હા..હા..ઓલ રાઈટ..ઑકે. જય શ્રીકૃષ્ણ!" એક સ્મિત સાથે કૉલ કટ કરી વિવાને લોપા સામે જોયું.

વિવાનનાં જવાબ પરથી લોપા એટલું સમજી શકી કે તેનાં પપ્પા ખૂબ કેરિંગ સવાલો કરી રહ્યાં હતાં. સામાન્ય રીતે આવાં સવાલો મા પૂછતી હોય. એટલે લોપાએ જવાબ આપવાને બદલે સામે પ્રશ્ન પૂછ્યો. "તમે પપ્પાનાં બહુ લાડકા લાગો છો. કાલે રાતે પણ અને અત્યારે પણ પપ્પાએ જ કૉલ કર્યાં!"

વિવાનનો ચહેરો ઉતરી ગયો. તેણે કહ્યું, "મમ્મીનાં ડેથ પછી પપ્પાએ બંનેની જવાબદારી પોતાની ગણી છે." લાગણીશીલ વિવાનની આંખો સ્હેજ ભીની બની.

"ઓહહ...આઈ એમ સોરી..." લોપાને પોતાના પ્રશ્ન પર ક્ષોભ અનુભવાયો.

"ઈટ્સ ઑકે. એક્ચ્યુઅલી કોરોનાની બીજી લહેર મમ્મીને ઝપટમાં લેતી ગઈ. અમને ત્રણેને થયો હતો પણ મમ્મીને હાઈ બી.પી. અને સુગર બંને હતાં તો ઑક્સિજન લેવલ ઘટી ગયું. હોસ્પિટલમાં ક્યાંય બેડ ખાલી ન હતાં. પપ્પાને 103 તાવ હતો. મારે મજબૂત બન્યાં વગર છૂટકો ન હતો. હું બેડની વ્યવસ્થા કરીને આવ્યો ત્યાં સુધી મમ્મીએ મારી રાહ ન જોઈ ને બસ સાવ અચાનક જ..." વિવાનનો અવાજ ગળાનાં ડૂમામાં અટકી પડ્યો.

લોપાએ તરત ઊભા થઈ પાણી આપ્યું. વિવાને આંખો લૂછી સ્વસ્થ થઈ પાણી પીધું. લોપાને પપ્પાની યાદો તીવ્રત્તમ બનીને ઘેરી રહી. તેણે પણ પોતે પપ્પાને ગુમાવી દીધાં એ સઘળી વાત કહી. બંને જાણે એકમેકનો સ્વજને સર્જેલ ખાલીપો ભરવા મથી રહ્યાં.

વિવાન જાણતો હતો કે લોપા તેનો એક સવાલ ચૂકાવી ગઈ છે. તેને ફરી એ પૂછવાનું ઉચિત ન લાગ્યું. આખરે શું હતું લોપાની આંખોમાં અને વાતોમાં ખેંચાણ કે તે આમ લોપા પાસે ઠલવાય રહ્યો હતો? એક સાવ અજાણી છોકરી સાથે તે છેલ્લી ત્રીસ મિનિટથી વાતો કરી રહ્યો હતો, તે પણ પેલીને બોલવાનો એક પણ મોકો આપ્યાં વગર જ.

આ તરફ લોપા પણ એ વિચારમાં પડી કે કેટલો સરળ યુવાન છે આ! એકદમ નિખાલસ છતાં ખોટો વાણી વિલાસ નહીં. એકદમ સાલસ છતાં કોઈ દેખાડો નહીં. એકદમ લાગણીશીલ છતાં કોઈ દંભી શબ્દો નહીં. કદાચ ઘણાં સમયે લોપાને કોઈ તરફ આકર્ષણ થઈ રહ્યું હતું. પોતાની સમવયસ્ક વ્યક્તિ તથા સમાન વૈચારિક સ્તર ધરાવતો સાથ મેળવી લોપા ખૂબ હળવાશ અનુભવતી હતી. તે ખુદને વિવાન તરફ ઢળતી રોકી ન્હોતી શકતી કારણકે તેને પહેલીવાર કોઈનાં વ્યક્તિત્વમાં તેના વ્હાલા પિતા વિકાસની છબી દેખાતી હતી.

લોપાને પણ મનમાં દબાવેલ બધું કહી દેવાની અદમ્ય ઇચ્છા થઈ આવી પણ તેણે મન પર કાબુ મેળવ્યો. તેની શોધની મંજિલ હજુ થોડી દૂર હતી. તેને હજુ પ્રતિશોધની જ્વાળા વચ્ચે એકલું જ સળગવાનું હતું.

તેને આમ વિચારમગ્ન જોઈ વિવાન આગળ શું બોલવું કે કશું પૂછવું કે નહીં તેની અવઢવમાં મૂકાયો. તેમ છતાં તેના મોઢેથી અનાયાસ જ સરી પડ્યું. " લોપા, તમે આખી મુસાફરી દરમિયાન મને સતત તણાવમાં અનુભવાયાં. આમ તો તમારી પાસે મને તમારી સમસ્યા કે તકલીફ મને કહેવાનું કોઈ તાર્કિક કારણ નથી. તો પણ જો આપ ઠીક સમજો તો મને કશું કહી શકો છો. હું આપને મિત્ર ભાવે મારાથી બનતી મદદ કરીશ."

ઘડીભર તો લોપાની અંદર ફરી લાગણીનો ઉમળકો આવ્યો. તેને વિવાનની સજ્જનતા અને સૌજન્યપૂર્ણ વ્યવહાર પર માન થઈ આવ્યું. ત્યાં ગાડીમાં ચહલપહલ વધી. મુંબઈ આમ પણ ક્યાં છાનું રહેવાનું હતું. આ નગરીને અમસ્તા જ થોડું માયાવી નગરીનું બિરુદ મળ્યું હશે! પોતાની આંખોમાં હજારો સપનાં આંજીને, લાખો અરમાનો લઈને, અહીં કરોડો લોકો પોતાની મંજિલની તલાશમાં આવી ચડે છે. કેટલાંક સફળતાની ટોચ પર આ શહેર થકી ચડે છે તો કેટલાંય હતાશાની ખાઈમાં ધકેલાઈ જાય છે.

શું અચલાને છોડી ગયેલ પૃથ્વી પણ આ શહેરની માયાની લપેટમાં આવી ગયો હશે? પોતાને માત્ર એક પ્રેમસંબંધનાં વિશ્વાસનાં પાયા પર જીવનનો શ્વાસ બનાવનારી અચલા તેને આજપર્યંત કદી એકવાર પણ યાદ નહીં આવી હોય? લોપા માટે આ બધી વાતો જાણે કોઈ લીલ જામેલી વાવ જેવી હતી. જેની ભીતર પોતાની પ્યાસ બુઝાવવા ઉતરેલી લોપા અંદરને અંદર, વધુ ને વધુ લપસતી જતી હતી.
છેવટે તેણે મન મજબૂત કરી વિવાનને કહ્યું, "વિવાન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી મદદ કરવાની તત્પરતા બતાવી. હાલ તો એવી કોઈ જરૂર નથી. હું પોતે મારી સમસ્યા અને સમાધાન બંને બાબતે થોડી અવઢવમાં છું. હા, આ શહેર મારા માટે તદ્દન અજાણ્યું છે. પેલી કહેવત છે ને અજાણ્યું ને આંધળું બેય સરખાં. તો મારી હાલત અત્યારે કંઈક એવી જ છે. છતાં હું અહીં તમારા લીધે મનમાં રાહત અનુભવું છું. હું સમય આવ્યે, જરૂર પડે ત્યારે તમને જ યાદ કરીશ."
લોપાએ વિવાન તરફ હાથ લંબાવ્યો. વિવાને એ નાજુક હાથની પહેલને પોતાની મજબૂત હથેળીની ઉષ્માથી ધરપત આપી. લોપા એક હૂંફ અનુભવી રહી. વિવાન મા પછી પહેલીવાર કોઈ સ્ત્રી તરફ લગાવ અનુભવી રહ્યો.

ટ્રેન ઊભી રહી. વિવાને ઝડપથી પોતાનું કાર્ડ લોપાને આપી દીધું. લોપા તેની ટ્રોલી બૅગ સરકાવવા લાગી. હેન્ડ બેગ ખભે ભરાવી. વિવાને પણ પોતાની બેગ સંભાળી. બંનેએ એકસાથે મુંબઈ પર પગ મૂક્યો. વિવાનનાં મનમાં આજે પરોઢ સાથે લોપાની મુલાકાતનો ઉત્સાહ ચહેરાનું તેજ બની તરવરી રહ્યો હતો. વરસાદ વિરામ પર હતો. લોપા એક ડર, એક ટીસ, એક અવઢવથી ઘેરાયેલી હતી છતાં 'વિવાન છે'નું સુકૂન તેનાં ચહેરે પણ હતું. પોતે ટેક્સી કરવાનું વિચારતી હતી ત્યાં જ મોબાઈલ રણક્યો. 'હીરામાસી કૉલિંગ....'

જાગૃતિ, 'ઝંખના મીરાં'...