Shodh Pratishodh - 2 books and stories free download online pdf in Gujarati

શોધ પ્રતિશોધ.. - ભાગ 2

શોધ-પ્રતિશોધ ભાગ 2

આમ તો દુરંતો એક્સપ્રેસ સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ બે જ મુખ્ય જંક્શન લે પણ વચ્ચે કોઈ ક્રોસિંગ હોવાથી ટ્રેન ઊભી હતી. લોપાએ અત્યાર સુધીનો સમય વિચાર તંદ્રામાં કાઢી નાખ્યો. હવે એને પાણીની તરસ લાગી. ભૂખ તો જ્યારથી અચલા કોમામાં સરી ત્યારથી એની સ્થિત પરિસ્થિતિ નીચે ક્યાંક ગુમ થઈ ગઈ હતી. બસ બે ટાઇમ કશુંક ખાઈ લેતી. સ્વાદની તમા વગર જ.

"મમ્મા, આજ બટાટાપૌંઆ હોને...પ્લીઝ મારી ડાહી મોમ..."

"તને જાતે પણ આવડે છે ને દીકુ..પછી કાલ સવારે સાસરે જઈશ તો કોણ બનાવીને ખવડાવશે?"

"ઓહ...મમ્મી ડાર્લિંગ...સો સિમ્પલ...હું તને મૂકીને ક્યાંય જઈશ જ નહીં..!"

"એવું થતું હોત કે એવું મેં વિચાર્યુ હોત તો તું મારી દીકરી ન હોત...સમજી..."
"બટ મમ્મા, મને તારા હાથનો સ્વાદ જ ભાવે તો શું કરું?"

"હા, સારું મારી મા બનાવું છું..બસ."

પોતાની હેન્ડ બેગમાં રહેલ જાતે બનાવેલ પૌંઆની ચમચી મોં સુધી પહોંચતા મા સાથે જીવેલી કેટલીય સુખદ ક્ષણો લોપાની આંખોમાંથી પસાર થઈ ગઈ ને એને બહારનાં ઝરમરિયા વરસાદનો ચેપ લગાડી ગઈ.

લોપાએ ભૂખને ભાડું ચૂકવ્યું! પાણીની બોટલ અડધી ખાલી કરી. આસપાસ પોતપોતાની દુનિયામાં વ્યસ્ત લોકો તરફ અછડતી નજર નાખી ને વોશરૂમ તરફ ગઈ.

પોતાની સીટ પર પાછી ફરી લોપાએ ક્યારનો હાથમાં ન લીધેલ મોબાઈલ ખોલ્યો. નેટવર્ક ઓછું હોવાને લીધે તે સાવ નકામો બની ગયો હોય એમ એણે એને ફરી હેન્ડ બેગમાં સરકાવ્યો. માણસ માટે ઇન્ટરનેટ હવે કેટલી હદે અનિવાર્ય થઈ ચૂક્યું છે કે એનાં વગર એ જાણે ડગલું પણ ખસી શકતો નથી. મોબાઈલ ન હતાં તો પણ દુનિયા ચાલતી હતી પણ અત્યારે સરળ રીતે ચાલે છે તો ત્યારે સરસ રીતે ચાલતી.

લોપાએ વિચાર્યુ કે જો આ સોશિયલ મીડિયા ન હોત તો આજે પોતે આમ હિંમતભેર જે શોધમાં નીકળી છે તે કરી શકી હોત? જવાબ ખુદને જ આપવાનો હતો, જે ના હતો. જોકે એ વાત પણ હતી કે એની અને માની શાંત જિંદગીમાં ઊભાં થયેલાં વમળો જો તેણે ડખોળ્યા ન હોત તો સમય સાથે બધું વીસરાય પણ જાય તેમ બને.

પણ ના, શું પછી તે પોતાને આજીવન માફ કરી શકી હોત? પોતે કાયમ એક નકારાત્મક અસર હેઠળ જ જીવી હોત. શું પોતાના અસ્તિત્વની ખોજ જરૂરી નથી? આખરે એ ક્યું કારણ હતું કે જેને લીધે તેની ચોવીસ વર્ષની જિંદગીમાં મેળવેલ પિતાનાં લાડકોડ ઉપર આ ઘટના હાવી થઈ ગઈ!

લોપાને પપ્પા યાદ આવી ગયાં. પડ્યો બોલ ઝીલનારા પપ્પા. પોતાની હા એ હા ને ના એ ના કહેનારા પપ્પા. દરેક નાની- મોટી જીદ પૂરી કરનારા પપ્પા.
"પપ્પા, મારે સી.એ. નથી થવું. તમે મોમને સમજાવો ને પ્લીઝ."
"તો શું કરશે મારો દીકરો? બોલ, તેરી ખુશી મેરી ખુશી." વિકાસ ભાઈ લોપા પાસે, લોપાની દરેક જીદ પાસે, બલ્કે આમ જુઓ તો લોપા તરફની લાગણીને કારણે હંમેશા ઝૂકી જતાં!

"મારે ફેશન ડિઝાઇનર બનવું છે, પપ્પા. મને નથી પસંદ આ આંકડાઓની માયાજાળ. જે નથી ગમતું એ કામ કરીને ગુંગળાવા કરતા હું મારું મન ખુશ રહે એ કેમ ન કરું, હે ને પપ્પા?" લોપાએ પોતાનો તર્ક રજૂ કર્યો.

"સો ટકા સત્ય, બેટા. આઇ અગ્રી વિથ યુ. કાર્યક્ષેત્ર હંમેશા એવું જ પસંદ કરાય કે આપણને જિંદગીભર એ કામ કરવાની મજા આવે. કામ કદી બોજરૂપ ન લાગે. પાછલી જિંદગીમાં આપણી પાસે ન કરી શક્યાનો અફસોસ નહીં પણ કરી લીધાંનો સંતોષ હોવો જોઈએ." વિકાસ ભાઈ બોલી રહ્યાં.

"ધેટ્સ ઈટ પાપા...યુ આર ધ વર્લ્ડ બેસ્ટ ફાધર, પપ્પા. તો હું કાલે જ જોઇન કરી શકું ને મારી મનપસંદ ઈન્સ્ટિટ્યુટમાં?" લોપાએ શાંત બેઠેલી અચલા કંઈક બોલીને પોતાની બાજી બગાડી નાખશે એવી બીકે વિકાસ ભાઈ પાસે બધું આજે જ કન્ફર્મ કરાવવા માંડ્યું.

શાંત બેઠેલી અચલાની ધીરજ વિકાસ ફીનાં પૈસા લોપાને આપવા ચેક લખવા તૈયાર થયાં, ત્યારે ખૂટી. એણે લોપા તરફ એક કરડાકી ભરી નજર નાખીને કહ્યું, " જો લોપા, જિંદગીમાં સ્ટેટસ અને પૈસાની એક આગવી બોલબાલા હોય. તારું આ કામ તને એ મુકામ પર ક્યારેય નહીં પહોંચાડે કે જ્યાં મેં તને જોવાનું સપનું જોયેલ છે."

મમ્મી, તને ખબર છે ને કે વાત માત્ર ફેશન ડિઝાઈનનાં શોખની નથી. મને લખવું પણ બહુ ગમે છે. પપ્પા, હું હમણાં જ એક સાહિત્ય ગૃપમાં જોડાઈ છું, ને પપ્પા મારો એમાં યોજાતી દરેક સ્પર્ધામાં નંબર આવે છે. જો મારે મારો આ શોખ પણ ભવિષ્યમાં પૂરો કરવો હશે તો એ સી.એ.બનીને કદી ન થાય. પૈસાનાં વ્યવહારની એ બોઝિલ કારકિર્દીમાં મારી અંદરની લાગણીઓ રુંધાય જશે." લોપા જરા ભાવુક બની ગઈ.

"અરે વાહ! મારી દીકરી કવિ અને લેખક પણ છે. આ વળી નવું હો દીકરા. તારી મમ્મી લગ્ન પહેલાં વાંચતી ખૂબ પણ લખતી હોય એવું યાદ નથી. મારી બાજુનાં આપણાં કુટુંબમાં તો દૂર-દૂર સુધી કોઈને કલમ સાથે નિસ્બત હોવાનું યાદ નથી. આ શોખ અને આ આવડત વળી તારામાં ક્યાંથી આવી હશે?" વિકાસભાઈ વાતાવરણ હળવું કરવા મથી રહ્યાં.

આ વાત સાંભળીને અચલાનો ચહેરો અચાનક સાપ સુંઘી ગયાં જેવો થઈ ગયો હતો. એ લોપા અને વિકાસભાઈ બંનેનાં ધ્યાનમાં આવ્યું હતું પણ બંને એ એમ માની લીધું કે લોપાને વિકાસભાઈએ ફેશન ડિઝાઇનર બનવા આપેલી લીલી ઝંડીને કારણે એ અસ્વસ્થ થઈ ગઈ છે. અચલાની અંદર વ્યાપેલી ઉથલપાથલથી ત્યારે બેય અજાણ હતાં.

લોપા બોલી, "હા પપ્પા, મને બહુ ગમે છે કાગળ પર કલમથી કૃતિ કંડારવી. કાગળ પર અવનવાં ડિઝાઇનર કપડા તૈયાર કરવાં અને ચીલાચાલુથી કૈંક અલગ સંભાવનાઓ પર કામ કરવું."

"તો કરવું બેટા, તું મારો દીકરો જ છો. તારા જન્મ વખતે મેં દાદીની ઈચ્છા વિરુદ્ધ જઈને જીવનમાં એક માત્ર કામ કરેલું, દરેક જાણીતાં, સગા-વ્હાલાં, મિત્રો અને પાડોશમાં પેંડા વહેંચેલાં! બસ બેટા, એટલું કરજે કે જિંદગીને કાયમ તારું શત પ્રતિશત આપજે. કોઈ કામ સંજોગો પાસે હારીને અધુરું નહીં મૂકવાનું. આપણી નજરમાં એક વસ્તુ કાયમ રાખવાની, અને એ છે શોધ. પોતાનું વ્યક્તિત્વ અનન્ય બને એ માટે કશુંક શ્રેષ્ઠ કરવું પડે. તો એ શ્રેષ્ઠતમની શોધ આંખોમાં આંજીને રાખજે. પછી મંજિલ તને શોધશે, તારે નહીં ભાગવું પડે."

"પ્રોમિસ પપ્પા, તમારી દીકરી છું. હંમેશા લાઈફને બેસ્ટ વન આપીશ." ને લોપા પપ્પાને ભેટી પડી હતી. મમ્મીની ભીતરનાં ઘમાસાણ યુદ્ધથી બેખબર જ તો!

ટ્રેને એક તાકાતવાન વ્હીસલ વગાડી ચિચિયારી કરી. પોતાનું અસ્તિત્વ વીસરી ગયેલી લોપાને જાણે એ યાદ કરાવવા કે તું મારા પર બેસી જઈ રહી છે. જિંદગીભર થયેલા એક દગાનાં કારણની શોધમાં.

ક્રમશઃ...
જાગૃતિ 'ઝંખના મીરાં'...



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED