શોધ પ્રતિશોધ.. - ભાગ 3 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ પ્રતિશોધ.. - ભાગ 3

(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા મુંબઈ જવા નીકળે છે. એની સાથે કોઈ દગાબાજી થઈ છે, એ વ્યક્તિને શોધવા તે જઈ રહી છે. રસ્તામાં તેને કેટલીક સુખદ તો કેટલીક દુઃખદ સ્મૃતિઓ ઘેરી વળે છે. હવે આગળ...)



થોડીવાર આંખો બંધ રાખી લોપા એમ જ વિચારોને દૂર કરવા મથતી રહી. યાદ આખરે કેમ માણસ જેટલો તેનાથી દૂર ભાગે એટલી જ વધારે એ માણસને ઘેરી વળતી હશે! કાશ કે માણસનાં દિમાગમાંથી કોઈ ડિલીટ બટન દબાવી દેવાથી બધું સાફ થઈ જતું હોત! એમ હોય તો લોપા સૌથી પહેલાં માની ડાયરીને મગજમાંથી બહાર ફેંકી દેત. એ સાથે આ કશી કશ્મકશ ન રહેત. ન એની અંદર એ માણસની શોધની તલબ જાગી હોત અને ન આ પ્રતિશોધની જ્વાળા એની અંદર લબકારા લેતી હોત!

બહાર હવે વરસાદ જોર પકડી રહ્યો હતો. ટ્રેન થોભતાં લોપાને થોડી રાહત મળી. એકલી આટલી મુસાફરી એણે કદી કરી જ ન હતી. હરદ્વાર ગયેલાં, ત્યારે બે દિવસે છેક પહોંચેલાં પણ ખબર ન્હોતી પડી કે સમય ક્યાં સરકી ગયો. કેમકે મમ્મી, પપ્પા બેઉ સાથે હતાં. આજે તો હજુ સાડા ત્રણ કલાક થઈ હતી પોતે ટ્રેનમાં બેઠી એને પણ એમ થતું હતું કે જાણે એ કેટલાંય કલાકોથી આ ટ્રેનમાં જ બેઠી હતી.

રાતનાં સાડાદસનો સમય થયો હતો. ટ્રેન સુરેન્દ્રનગર જંક્શન પર થોભી હતી. એ વખતે જરા ઉતાવળે એક યુવાન ટ્રેનમાં લોપાનાં કોચમાં આવ્યો. લોપાની સામેની સીટ પર આરામથી લંબાવેલા એક કાકાની સીટ તરફ, પોતાની ટિકિટ તરફ, કાકાના નિંદ્રાધીન શરીર તરફ જોઈ રહ્યો. એના હાવભાવ પરથી એ વાત નક્કી હતી કે એ સીટ એની રિઝર્વ્ડ હતી. એના ભીનાં વાળ એના કપાળ પર ચોંટી ગયેલ હતાં. એનો સામાન પણ વજનદાર હતો એ એની ઉપાડવાની રીત પરથી સમજાઈ જતું હતું. એણે લોપા પર એક નજર નાખી. લોપા એ યુવાનની આંખોમાં એક અનેરી ચમક અનુભવી રહી.

"એક્સક્યુઝમી મેમ, મે આઈ પુટ માય બેગ ઓન યોર સીટ?"

"ઓહ યસ, યુ મે ઓલ્સો સીટ હિયર. કાકા તો સાડાઆઠનાં સૂતાં છે. એ એમ નહીં ઊઠે." લોપા સસ્મિત ચહેરે બોલી.

"ઓકે..થેંકસ અ લોટ." લોપાની વાત પર હસી પડતા યુવાન સીટના ખૂણા પર થોડા ખચકાટ સાથે બેઠો. એટલામાં ટી.ટી.આવ્યો. એણે કાકાને સીટ પર લંબાયેલ જોઈ ઉઠાડવાની ચેષ્ટા કરી. તરત જ યુવાને ટી.ટી.ને એમ કરતા રોક્યા અને કહ્યું, "રહેવા દો સર, એમની રીતે ઉંઘ ઉડશે પછી હું કહીશ એમને કે મારી સીટ ખાલી કરી દો."

"મી.વિવાન, આ તમારી સીટ છે તો.."

લોપાને એ નામ સાંભળી મનનાં ખૂણા સુધી જાણે વરસાદનું એક ઝાપટું પડ્યું, ને એ સ્વગત બબડી, 'વિવાન!'

વાતચીતના અવાજોથી ઝબકી ગયેલ કાકાને એમની સીટ પર જવા ટીટીએ સુચના આપી.
કાકાએ વિવાનને લોપાની સીટ પર અધૂકડો બેસેલ જોઈ આભાર અને ક્ષોભની મિશ્રિત નજર કરી, ટીટી પાછળ દોરવાયા. વિવાને એનું ભીનું માથું લૂછી ઉપરાઉપર પાંચ છીંક ખાધી. વચ્ચે લોપાને થેંકસ અને સોરી પણ કહી દીધું.

લોપાથી એની હાલત જોઈ જરા હસી પડાયું. વિવાન પણ એનું મોહક સ્મિત અપલક જોઈ રહ્યો.

થોડીવાર મૌન છવાયેલ રહ્યું. પછી આખરે વિવાને લોપાને પૂછ્યું. "આપ અમદાવાદ જઈ રહ્યાં છો કે...?"

"ના, મુંબઈ." લોપાએ ટૂંકો જવાબ આપ્યો.

"મુંબઈ? ઓહહહ..સરસ. આમ તો સૌરાષ્ટ્રનાં લાગો છો. મુંબઈ રહો છો કે પછી..?"

"ના, રાજકોટ રહું છું. મુંબઈ કામ સબબ જઈ રહી છું."

"અમે વિરારમાં રહીએ છીએ. હું અહીં સુરેન્દ્રનગર એક ક્લાયન્ટને મળવા આવેલો."

"એવું છે? તો આપ..?" લોપાએ જાણી જોઈને વાતનો અધ્યાહાર રાખ્યો.

"જી, હું મારા પપ્પાના એક ફ્રેન્ડ એડવોકેટ છે. એમની ઓફિસમાં એમનાં આસિસટન્ટ તરીકે કામ કરું છું. એક અગત્યનાં કેસ સબબ અહીં આવેલો." વિવાને લોપાને એકદમ નિખાલસ જવાબ આપ્યો.

"વેરી નાઈસ." લોપા બોલી.
પપ્પાની ઈચ્છા હતી કે હું થોડા વર્ષ એમની સાથે કામ કરું પછી મારે સ્વતંત્ર પ્રેક્ટિસ કરવી. વકીલ અંકલ તો મને હવે કદી જવા દેશે એવું લાગતું નથી પણ હવે જોઉં. હાલ તો મારા માટે મારા પપ્પા સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. મમ્મી પછી એમણે મને ખૂબ સાચવ્યો છે." વિવાનનો અવાજ ભીનો થયો.

એટલામાં તેનો મોબાઇલ રણક્યો. પોતાના વિષે વિવાન કશું પૂછે એ પહેલા જ લોપાએ પોતાની બર્થ પર લંબાવ્યું. એણે આવી ગરમ સાલ ઓઢતાં હીરામાસી યાદ આવ્યાં.
"મને ઠંડી ન લાગે, માસી. પ્લીઝ રહેવા દો ને આ ગરમ સાલ." લોપા બોલેલી.

"ભલે ન લાગે હો. મારા સમ છે, જો રાતે આ ગરમ સાલ ન ઓઢી તો." એમ કહી પોતાની એકદમ ગરમ સાલ લોપાને આપેલી.

લોપાએ સાલ ઓઢતા ગરમાવો અને હીરામાસીની લાગણીની હૂંફ બંને અનુભવ્યાં.
વિચારોથી થાકી હતી અને ત્યારે જ વિવાન કોચમાં આવ્યો. થોડીવાર એની સાથે વાત થતાં લોપાને તાજગી અને મનને થોડી શાંતિ જેવું લાગ્યું. એણે વિવાન તરફ એક નજર કરી. તે હજુ વાતો કરી રહ્યો હતો. એની વાતચીત પરથી એ એના પપ્પા હશે એવું લોપાએ અનુમાન કર્યું.

એ આગળ કશું વિચારે કે વિવાન મોબાઈલ મૂકી આગળ કોઈ વાત કરે એ પહેલાં જ નીંદરે થાકેલી લોપાની આંખો પર કબ્જો લઈ લીધો. હજુ એ અચલાની ડાયરીનાં પાના પર જ હતી. ફર્ક એટલો હતો કે હવે અવસ્થા સ્વપ્ન દુનિયાની હતી!

ક્રમશઃ...
જાગૃતિ, 'ઝંખના મીરાં '...