શોધ પ્રતિશોધ.. - ભાગ 9 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ પ્રતિશોધ.. - ભાગ 9

Part 9
(ગયા ભાગમાં આપણે જોયું કે લોપાએ જેમ કોરાનામાં પિતા ગુમાવ્યા તેમ વિવાને તેની મમ્મી. બંને વચ્ચે થોડી કુણી લાગણીનાં બીજ વવાય છે. વિવાન લોપાને પોતાનું કાર્ડ આપી મદદ માટેની તૈયારી બતાવે છે. બંને મુંબઈ પહોંચે છે. હવે આગળ...)

લોપાએ કૉલ રિસીવ કર્યો તે દરમિયાન વિવાન એક તરફ ઊભો રહ્યો.
લોપા બોલી,"જય શ્રીકૃષ્ણ, માસી. હું પહોંચી જ છું હજુ. હું તમને..."
હીરામાસીએ તેની વાત કાપતા કહ્યું,"જો બેટા, તારી એક વાત મેં માની. તું શા માટે મુંબઈ જાય છે? તે ન પૂછ્યું. હવે એક વાત તારે મારી માનવી પડશે કે તને તેડવા મારી માસીની દીકરી બહેન જે કાંદિવલીમાં રહે છે, તે હમણાં જ પહોંચશે. તારે તેની સાથે તેનાં ઘરે રહેવાનું છે. તેનાં ઘરે તે અને તેની દીકરી રહે છે. ટુ બૅડ હૉલ કિચનનો ફ્લેટ છે. તેમનો સ્વભાવ મારા જેવો જ છે. તને ત્યાં કોઈ અગવડ નહીં પડે તેની મારી જવાબદારી છે."
"પણ માસી, તેમને શા માટે મારા લીધે તસ્દી આપો છો? હું કોઈ હોટલમાં રહી લઈશ. જો તમારા આશીર્વાદ હશે તો મારુ કામ પંદર દિવસમાં પણ પૂરું થઈ જાય."
"હા, ભલે. ગમે તેટલાં દિવસ થાય લોપા. બસ તારું ચગડોળે ચડેલ મન શાંત થઈ જાય. તું સલામત ઘરે આવી જા. અચલા દીદીની ચિંતા ન કરતી. બસ તું કોઈ તકલીફમાં ન મૂકાવી જોઈએ. મારે લીનાને બીજીવાર નથી ગુમાવવી હો ને?" હીરામાસીનું ડુસ્કું સાંભળી લોપા પીગળી ગઈ. તેણે કરેલ તપાસ મુજબ પૃથ્વીનું ઘર મીરાંરોડ પર હતું. એટલે તે મીરાંરોડની એક હોટલ પસંદ કરી ચૂકી હતી પણ હીરામાસીની લાગણી પાસે તે ઝૂકી ગઈ. આમ પણ કાંદિવલીથી મીરાંરોડ બહુ દૂર ન હતું. એટલે તેણે તરત કહી દીધું,"ઑકે માસી, હું ત્યાં જ જઈશ પણ તેડવા ધક્કો ન ખવડાવો, મને એડ્રેસ કહો. હું પહોંચી જઈશ."

પછી હીરામાસીએ લોપાને તેની બહેનની દીકરીનો નંબર આપ્યો. મોબાઈલમાં તે નંબર જોડવા જતી હતી ત્યાં જ લોપાએ જોયું તો વિવાન તેનો સામાન સાચવી તેની સામે અપલક જોતો ઊભો હતો. લોપાનાં ચહેરે શરમની લાલી છવાઈ ગઈ. તેણે કહ્યું, "ઑહ સોરી! મને યાદ ન રહ્યું કે તમને જવાનું કહી દઉં."
"મેડમ ઈ મુંબઈ હૈ...મુંબઈ. હું તમને મૂકીને એમ જતો રહું ને કોઈ આ ટ્રોલી બૅગ કે તેની માલકિનને ઉપાડી જાય તો?" ને વિવાન ખડખડાટ હસી પડ્યો.

લોપા પણ તેની વાતનો મર્મ સમજી સાહજિક સ્મિત વેરી રહી.

પછી લોપાએ હીરામાસીએ આપેલ નંબર પર તેમની ભાણી નિયાને કૉલ કર્યો. તેણે તરત જ કૉલ રિસીવ કરી કહ્યું, "હેલ્લો લોપા, નિયા હિયર. તમે લોકલ ટ્રેનમાં કાંદિવલી સુધી પહોંચી શકશો? હું ત્યાં સ્ટેશને પહોંચી જાવ છું." લોપા તેનાં મીઠા અવાજથી પ્રભાવિત થઈ. તેણે કહ્યું, "યા, ડેફિનેટલી નિયા. વીલ કૉલ યુ વેન આઈ વીલ રીચ ધેઅર.. "

પછી તેણે મોબાઈલ હેન્ડ બેગમાં સરકાવી વિવાન સામે જોઈ કહ્યું. "મારે કાંદિવલી જવાનું ફાઈનલ થયું છે. તમે..?"

"તમારી પાછળ..અફકોર્સ મેમ.." ફરી વિવાન હસી રહ્યો. તેનો મીઠો મર્મ લોપા મનમાં મમળાવી રહી. પછી તેણે કહ્યું, "આઈ મીન મારે બોરીવલી જવું છે. તો હવે લૉકલ ટ્રેનમાં જ જઈએ. અત્યારે બહુ ભીડ નહીં હોય. હું તમને લેડીઝ ડબ્બામાં બેસાડી દઈ, પછી જઈશ. મારી પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ પણ છે."

ચોવીસ કલાક ધમધમતા મુંબઈની અવિરત ધસમસતી ટ્રેનો એ તેની આગવી ઓળખ થઈ ગઈ છે. કહેવાય છે કે મુંબઈમાં કદી રાત થતી જ નથી! અહીં લોકો ચાલતાં નથી પણ સતત દોડે છે. સવારનાં ચાર વાગ્યે પણ અહીં ઘણાં રસોડાની લાઈટો ચાલુ થઈ જાય છે. અહીં રોટલો છે પણ ઓટલો નથી. એનું કારણ જ એ છે અહીં માણસ પાસે આરામ કરવાનો સમય જ ક્યાં છે!

બોરીવલીની ટ્રેન આવી ને લોપા વિવાને આપેલી ટિકિટ સાથે એકદમ ઝડપથી ચઢી ગઈ. તે સલામત રીતે બેસી ગઈ છે તે કહેવા વિવાનને નંબર સેવ કરી કૉલ કર્યો. વિવાને અજાણ્યો નંબર જોઈ લોપાનો જ હશે તેમ માની રિસીવ કર્યો. "હલ્લો વિવાન, મને કાંદિવલી સ્ટેશન પર તેડવા આવી જશે. તમે મારી ચિંતા ન કરતાં. પ્લીઝ હું મારી રીતે ઉતરી જઈશ અને મારા રિલેટિવની ઘરે પ્હોંચી તમને ફરી કૉલ પણ કરી દઈશ. ઑકે?"

હજુ હમણાં જ તો આ ઘૂઘરી જેવાં રણકતા અવાજથી દૂર થયો હતો વિવાન, પણ ફરી એ કાને પડતા મન પુલકિત થઈ ગયું. સામે છેડે લોપા હલ્લો...હલ્લો..કરતી રહી પણ વિવાન તો સાવ ખોવાઈ ગયો હતો. આખરે દાદર આવતાં ટ્રેન ઉભી રહી ને વિવાન તંદ્રામાંથી જાગીને બોલ્યો, "હમમ..હે..હા....ના..આઈ મીન હા..ઑકે. ટેક કેર...બાય..."
લોપા બારી બહાર પસાર થયેલ મુંબઈની ગીચતા, ભરચક મકાનો, ખાડીઓ, સ્ટેશને થોડી જ સેકન્ડ માટે થંભતી ગાડીમાં ચડવા મથતાં લોકો, કેટલીક બીજાં ટ્રેક પર ચાલતી ગાડીમાં જીવનાં જોખમે લટકતાં માણસો, સતત ભાગતી માનવ મેદની, વસ્તુ વેચવા માટે ગીરદીમાં સામાન સહિત ભીંસાતા ફેરિયાઓ આ બધું જોતી જ રહી ગઈ. ખરેખર ભાગદોડ ભરી જિંદગીનું જીવંત ઉદાહરણ એટલે આ મુંબઈ.

હા, આ એ જ મુંબઈ કે જેનાં એક ખૂણે છૂપાઈને બેઠો છે પૃથ્વી ઠક્કર! પોતાની કોમામાં સરેલી મા અચલાનો ગુનેગાર, પોતાનાં જન્મ પાછળ જવાબદાર છતાં મઝધારમાં માને છોડી જઈ, પોતાની જવાબદારીઓથી છટકી જનાર એ કાયર! ક્યાં હશે એ? શું તેનાં અંતર આત્માએ કદી એને પૂછ્યું નહીં હોય કે તારા એક વચન પર પોતાનું સર્વસ્વ તને સોંપનાર સ્ત્રીનાં ભરોસાને તોડી તું આ શું કરી રહ્યો છે! એ નિર્દોષ જીવને પિતાનું નામ મળ્યું પણ હશે કે તે અનૌરસ સંતાન તરીકે બદનામ જીવન જીવતું હશે? ચોવીસ વર્ષમાં કદી એ માણસને એક દિવસ પણ એમ નહીં થયું હોય કે અચલા કે તેનાં બાળકની ભાળ મેળવું?

લોપાનું મન કડવાશથી ભરાઈ ગયું. મનમાં ભરેલ સવાલોનું ઝેર જાણે જીભ પર ફેલાય ગયું હોય એમ એણે પાણીનાં ઘૂંટ સાથે તે ગળાં નીચે ઉતારી દીધું!

ક્રમશઃ...

જાગૃતિ, 'ઝંખના મીરાં'...