શોધ પ્રતિશોધ.. - ભાગ 7 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ પ્રતિશોધ.. - ભાગ 7

Part 7
(ગયા ભાગમાં આપણે જોયું કે લોપાનાં મનમાં સતત કશ્મકશ ચાલતી રહે છે. ઉંઘ તેની આંખોમાંથી ગાયબ છે કેમકે ડાયરી અચલાની પૃથ્વી તરફની લાગણીઓથી ભરી છે. તો વળી અચલાની કઝિન શિખા પણ કોઈ આકાશનાં પ્રેમમાં પડી છે. શિખાનાં મૃત્યુનું કારણ, અચલાને પૃથ્વીએ આપેલ દગાનું કારણ લોપા ડાયરી પરથી જાણી શકશે કે કેમ? હવે આગળ...)

લોપા સામે આજ દિન સુધી મા એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી, પતિ તથા સંતાનને સમર્પિત જીવન જીવનાર આદર્શ સ્ત્રી હતી. ડાયરીમાં છતું થતું આ યુવાન અચલાનું સ્વરૂપ તેના માટે કલ્પનાતીત વાત હતી. પોતે ક્યારેક કૌટુંબિક બાબતે કોઈ સવાલ પૂછે તો અચલા તેનાં જેમ બને તેમ ટૂંકા જવાબ આપતી. કદાચ કશુંક છતું થવાનો ભય આ પાછળ કામ કરતો હતો.
"મમ્મી, તું શિખા આંટીને આટલો પ્રેમ કરતી હતી. તો મને કહે ને કે એ અચાનક કેમ આપણને...?આઈ મીન..." લોપા અટકી કે રખે ને મમ્મીને ઠેસ પહોંચે. આજે શિખા આંટીની પુણ્ય તિથિ હતી. મમ્મી સાથે એ પણ મંદિરે ગયેલી. પગથિયાં ઉતરતા લોપાએ પૂછી જ લીધું.

"બેટા, ચાલ આપણે નીચે મંદિરનાં બગીચામાં બેસીએ. બગીચામાં રંગબેરંગી ફૂલનાં છોડ, એકસરખી લીલી ચાદર પાથરી હોય એવી લૉન, સમાન અંતરે કરેલા સુંદર ક્યારા તેમજ કળશ આકારે કટિંગ કરાયેલા એક સરખા છોડ આવી અધધધ વૈવિધ્યતા હતી. આ બધું જોઈને લોપા બાળકની જેમ ખુશ હતી પણ અચલા પર જાણે કોઈ ખુશીઓની અસર જ ન દેખાતી. સપાટ ચહેરા પરની તેની આંખોમાં લોપાએ ઘણીવાર ઉદાસી તો ઘણીવાર ભીનાશ ને વળી ઘણીવાર મુંઝારાનાં ભાવ જોવા મળતાં.

"અહીં બેસીએ?" લોપાએ માને પૂછ્યું.
અચલા એક વૃક્ષ નીચે બેસી ગયેલ. પછી તેણે શિખા આંટીનાં અપમૃત્યુની ઘટના લોપાને કહી હતી.
" મારી અને શિખા વચ્ચે કઝિન બહેન કરતા પણ વિશેષ બહેનપણીઓ જેવાં સંબંધ હતાં. અમે બંને એકબીજા સાથે બધું શેર કરતાં. કપડાં, ચોપડાંથી લઈ મનની વાતો પણ! શિખાને મેં વચન આપેલું કે હું એ વાતો કોઈને નહીં કહું તેથી બધું તને કહી નહીં શકું પણ હા, તે કોઈ તેવી પરિસ્થિતિએ અચાનક હારી ગઈ કે તેણે ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. તે રાતે એટલો વરસાદ હતો કે સામે ઉભેલી વ્યક્તિ પણ ન ઓળખાય. શિખાએ પહેરેલ ડ્રેસનો દુપટ્ટો અને તેના ચંપલ પરથી તેણે આત્મહત્યા કરી હોવાનું ખૂલ્યું. આખો પરિવાર સ્તબ્ધ હતો. ગામનાં મોઢે ગરણાં ક્યાં બંધાય! લાશ મળી નહીં અને કોઈ કારણ ન હતું તે જીવીત હોય અને કોઈને મળે નહીં. કમસેકમ મને તો કોઈ તકલીફ હોય તો કહે જ એવું બધાનું માનવું હતું. તે વખતે આઠ દિવસ સુધી વરસાદ થયો હતો. તે ઓક્ટોબરની 7 તારીખ હતી. 12 ઓક્ટોબર સુધી જળબંબાકાર સ્થિતિમાં ગામડાંઓની દશા એટલી ખરાબ હતી કે બચાવ, રાહત કાર્ય જોરશોરથી કરવું પડે તેમ હતું. તેથી થોડા કલાક મૃતદેહની શોધખોળ પછી આખરે મળેલી કોઈ કોહવાયેલી લાશને શિખાની ગણી સ્વીકારી લીધી અને તેની અંતિમ વિધિ કરી નાખવામાં આવી. તકલીફ મને જેટલી શિખાનાં અકળ મૃત્યુની હતી એટલી જ એ વાત પર થઈ કે જ્યારે મારા પપ્પાએ બે મહિના પછી જ મારા લગ્ન કરાવી નાખવાનો નિર્ણય કર્યો. ખેર! ઈશ્વરીય યોજનાઓ આપણી યોજના કરતાં અલગ અને બહેતર હોય છે." અચલા આટલું બોલી એ જ સપાટ હાવભાવ સાથે ઊભી થઈ ચાલવા લાગી. જાણે કે લોપા તરફથી હવે કોઈ વધારાનો સવાલ તેને માન્ય ન હતો!

શિખાઆંટી કોઈ આકાશને ચાહતા હતાં તે વાત આજે લોપાને ડાયરીમાંથી ખબર પડી. તે દિવસે તેમનાં અકળ મૃત્યુ વિષે આટલું બધું કહેનાર માએ એ વાત પરથી પડદો ન્હોતો હટાવ્યો કે શિખાઆંટીનું પ્રેમ પ્રકરણ કદાચ તેમનાં મૃત્યુનું કારણ હોય શકે. કદાચ એવું જ કોઈ અળખામણું પગલું અચલા પણ ભરી શકે, એવો ડર નાનુને લાગ્યો હોય. આમ પણ માએ ડાયરીમાં પણ એ વાત લખી હતી કે નાનીની ચકોર નજરથી મા માટે બચવું અઘરું થઈ જતું.

લોપા આજ દિન સુધી પપ્પાની હાજરીમાં જીવેલ બિનધાસ્ત જિંદગી અને આજની જિંદગી વચ્ચેનો ફરક મહેસૂસ કરી રહી. મનનો બોજ શું કહેવાય? માનસિક તાણ અનુભવવી એટલે શું? તેમજ માથું દુખવું એટલે શું? આ બધી વાતો સાથે તેને દૂર સુધી નિસ્બત ન હતી. ને આજે? આજે તેની દરેક ક્ષણ બીજી ક્ષણ કરતાં બોજલ જઈ રહી હતી. તેણે મોબાઈલ ખોલી સમય જોયો. સવારનાં પોણાપાંચ થઈ ગયાં હતાં. ફરી એક નજર વિવાન તરફ ખેંચાઈ જાણે કે લોખંડ લોહચૂંબક તરફ ખેંચાય એમ જ! તરત પાછી પણ ફરી જેમ ટ્રેનની બારીમાંથી દેખાતું કોઈ દ્રશ્ય નજરથી સરી જાય એમ જ!
લોપાએ ફરી ડાયરીનાં બાકી પાનાં પૂરા કરવા નજર ખોડી. જાણે કે ડાયરીનાં પાનાં વાંચીને પૂરા કરી નાખવાથી ઊભી થયેલ મનની ઉથલપાથલનો પણ અંત આવી જવાનો હતો! જાણે કે હવે વધુ કોઈ આંચકારૂપ ઘટના આ પાનાંની કાઢી શાહીથી રેલાઈને પોતાનાં મનની લાગણીઓને ડાઘ પાડી જવાનો ભય એકવાર ઓર ડાયરીની સાથે જ પૂરો થઈ જશે!

7/6/97
પૃથ્વીએ હંમેશાની માફક આ વખતની પણ કોલેજની પરીક્ષાઓ ઉત્તમ પરિણામ સાથે પાસ કરી. મારું રિઝલ્ટ હવે પછી આવશે. મને હવે પહેલાં જેવો પરિણામનો ડર નથી લાગતો. પૃથ્વી તરફનાં પ્રેમે મને નદી સમી મીઠી અને ખળખળતી તો બનાવી જ દીધી પણ સાથે તેની જેમ અડગ રહેતા પણ શીખી ગઈ જાણે પર્વતની જેમ! "અચુ, જો તે મને તારી ભીતરનીસો ટકા લાગણીઓ આપી છે તો તારે હવે કોઈથી ડરવાની જરૂર જ ક્યાં છે? બસ એક વાત યાદ રાખજે કે તું કદી મારા પરનો ભરોસો ડગવા ન દેતી. મારે મન તારો મારા પરનો ભરોસો એ જ તારો પ્રેમ છે."
ને મેં તેની શ્યામલ હથેળી નીચે મારી ગૌર હથેળીને એમ છૂપાવી દીધી હતી કે જાણે વાદળ ચાંદને છૂપાવી દે!

7/7/97
શિખા આકાશ સાથેની તેની લાગણીઓ બાબતે એટલી હદે લાચાર થઈ ગઈ છે કે તેને મન આ ધરતીનો છેડો એટલે આકાશ! મને દુનિયા આખીનાં અથવામાં પૃથ્વીને ચૂંટવાનું કોઈ કહે તો હું પણ પૃથ્વીને જ પસંદ કરું પણ શિખાની લાગણીઓ તો મને ક્યારેક ડરાવી જાય છે. તેનું વર્તન એવું હોય છે કે જાણે તેની અંદર કોઈ આંતર-યુદ્ધ ચાલી રહ્યું હોય.

7/8/97
14 ડિસેમ્બરે પૃથ્વીનો જન્મદિવસ છે. તેણે મારી પાસે એક વચન માગ્યું છે કે હું તેને ભેટમાં તે આખો દિવસ આપીશ. ન કે કોઈ ક્ષુલ્લક વસ્તુ કે જે પૈસાથી ખરીદી કે માપી શકાતી હોય. પહેલીવાર પૃથ્વીએ આમ કશું માંગણી કરી છે. ના પાડું તો હું પૃથ્વીની અચલા શાની?

7/9/97
શિખા આજે ખૂબ મુંઝાયેલી લાગતી હતી. તેનો ચહેરો જે સદાય ખીલેલા રહેતો હતો તે આજે મુરઝાયેલ ફૂલ જેવો ભાસતો હતો. મેં તેને કારણ પૂછ્યું પણ ખરા. ખબર નહીં કેમ પણ આકાશે મારી પાસેથી જાણે શિખાને છીનવી લીધી હોય તેમ મને લાગ્યા કરે છે. આજે મેં શિખાને માથે મોટીબેન બની હાથ ફેરવી પૂછપરછ કરી તો તે મને વળગી પડી ને કોઈ અગમ્ય કારણથી રડી પડી. મેં તેને રડવા જ દીધી. મને એમ કે એકવાર હળવી થઈ પછી પોતાનાં મનની વાત આપોઆપ બહાર કાઢશે પણ એ તો જાણે આંસુ સાથે પીડા વહાવી જતી રહી. એમ કહીને કે પછી કહીશ તને કશુંક ખાસ. એ તો આમ બોલી જતી રહી પણ મને મણનો બોજ આપતી ગઈ.

અચલાને તે વખતે આંચકો લાગેલો હશે. લોપા આજ દરેક વાતનો તાળો મેળવતી મનમાં આંચકો અનુભવતી હતી. તો ટ્રેને પણ એક આંચકો લીધો ને સવારનાં પાંચને પંદરે વિવાને આંખો ખોલી સીધું લોપા તરફ હાસ્ય વેરી કહ્યું, "અરે, તમે હજુ વાંચો છો? ગુડ મોર્નિંગ!"
ને બાકી રહેલી ડાયરીને બાકી જ રાખી લોપાએ તેને હેન્ડબેગમાં સરકાવી વિવાનને કહ્યું, "વેરી ગુડ મોર્નિંગ! હા વાંચુ જ ને. મને ટ્રાવેલિંગમાં એક કંપની મળી પણ તે ભારે ઊંઘણશી નીકળી. તો શું કરું?" ને બંને ખડખડાટ હસી પડ્યાં.

ક્રમશઃ...

જાગૃતિ 'ઝંખના મીરાં'..