શોધ પ્રતિશોધ.. - ભાગ 6 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

શોધ પ્રતિશોધ.. - ભાગ 6

Part 6...
(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા અચલાની ડાયરી વાંચતા અનેક મિશ્ર ભાવોથી ઘેરાઈ વળે છે. ડાયરી એક વાત સાબિત કરે છે કે અચલા પૃથ્વીને અનહદ પ્રેમ કરતી. એટલુંજ નહીં પણ લોપા પૃથ્વીની જ દીકરી હતી. તો શા માટે અચલાએ વિકાસ સાથે લગ્ન કર્યાં? એ જાણવા લોપાને અચલાની ડાયરી વાંચવી રહી અને આપને આ ભાગ.)

ડાયરીનાં પાનેપાને માત્ર અચલાની લાગણીઓ હતી. ક્યાંક તે ખળખળ વહેતી નદી હતી. તો ક્યાંક તે ઘૂઘવતો સમંદર હતી. ક્યાંક તે ચંચલ હરણી હતી. તો ક્યાંક સ્થિત પણ તેજસ્વી ધ્રુવ તારક જેવી હતી. અચલાનું આ દરેક ધસમસતી લાગણીઓથી સજેલું સ્વરૂપ લોપા માટે નવીન વાત હતી. કેમકે તેણે માને હંમેશા શાંત અને ગંભીર જ જોઈ હતી. પપ્પા સ્વભાવગત ધીર, ગંભીર જ હતાં પણ લોપાની સાથે જે સમયે, જે ઉંમરે જે બનવાનું હતું, તે બનતાં રહ્યાં.

"પપ્પા, નીતા નમો..માલે તમાલી ઉપલ બેછીને ઘોલો-ઘોલો કલવું." નાની લોપા કાલી-ઘેલી ભાષામાં કહેતી.

"અલે માલો દીકો...આ લે ...મારી રાજકુંવરીનો ઘોલો...તૈયાર.." ને વિકાસભાઈનાં બે હાથ તરતજ તેના બે પગ બની જતા. નાનકડા ઘરમાં તે લોપાને ઘોડેસવારીની મજા કરાવવા હાથમાં વેલણમાં દોરી બાંધી ચાબૂક પણ બનાવી આપતા.

પછી અચાનક મમ્મી બજારેથી આવે અને અચલા સામે આંખ જ માંડે. ખબર નહીં પણ એ આંખોનાં ભાવ એ ઉંમરે પણ લોપા કળી જતી હોય તેમ તરતજ નીચે ઉતરી જતી. વળી પપ્પા પણ લોપાને લાડ કરવાનો તેનો વિસ્તાર મમ્મીને ગમે તેટલો સીમિત રાખતા. બંને વચ્ચે કોઈ વાતે કદી દલીલોને અવકાશ જ ન રહેતો. લોપાને મન તેના મમ્મી-પપ્પા એ તેણે જોયેલ આદર્શ દંપતિ હતાં. અરે લોકો પણ કહેતાં કે આ બંનેનું લગ્નજીવન કેટલું સરસ છે. કદી કોઈ ઝઘડાં કે ખટરાગ નહીં અને ન કોઈ પ્રેમનાં પ્રદર્શન!

લોપા વિચારી રહી. મમ્મી પપ્પાને અપનાવી શકી હતી પણ શું દિલથી ચાહી શકી હતી? આ બધું વિચારતા તે વિવાન તરફ જોઈ રહી. તેના ચહેરા પર પથરાયેલું સુકૂન જોઈ લોપાને મનથી તેની ઈર્ષ્યા પણ થઈ આવી. કેટલી શાંત નીંદર માણી રહ્યો છે! ગાડી આમતેમ ડોલાવે પણ એ સ્થિર સૂતો છે. ને પોતે? લોપાના નિઃસાસાનો અવાજ ગાડીની વ્હીસલનાં અવાજ સાથે ભળી ગયો. પોતાનું તો આખું અસ્તિત્વ જ હાલકડોલક છે. સૂઈ ક્યાંથી શકે?

ફરી તેણે ડાયરી ખોલી.
7/1/97
આજે મારો જન્મદિવસ. રાત આખી સૂઈ નથી શકી. "કાલે મળશું હો અચુ આપણે. માત્ર કોલેજમાં નહીં. કોલેજની બહાર. મારી પ્રિય જગ્યાએ, દરિયાકિનારે. મારે બસ ફક્ત અડધી કલાક મારા હાથમાં તારો હાથ લઈ બેસવું છે. સૂરજને ઢળતો જોવો છે. સંધ્યાને ખીલતી જોવી છે. આ સમયને હૃદયમાં કેદ કરવો છે. શબ્દોથી નહી મારે મનથી મારી લાગણીઓને મોજાંનાં ફીણ બનાવી તારા પગની પાની સુધી સ્પર્શ કરે તેમ ફેલાવવી છે...." ને હું? આ સઘળું મારા પૃથ્વીનાં મોઢે સાંભળ્યા પછી એને ના કહી શકવાની સ્થિતિમાં ક્યાં હોવાની? રાત આખી બીજા દિવસની સવાર માટે નહીં પણ સાંજ માટે પડખા ઘસતી રહી.

7/2/97
તે દિવસની મુલાકાત પછી મારો પૃથ્વીને એકાંતમાં મળવાનો ડર ઘટી ગયો અને મોહ વધી ગયો. તેણે મારા હાથ સિવાય કદી કોઈ સ્પર્શની ચેષ્ટા કરી નથી. હા, હું એના મજબૂત ખભે મારુ માથું ઢાળી દેતી. તે મને આંખ બંધ કરી સૂઈ જતી જોઈ રહેતો. હું પૂછતી, "શું જુઓ છો?" મને એને અસ્ખલિત બોલતો સાંભળવો ગમતો. "તારી કાજળઘેરી આંખો." ને પછી હું કંઈ ન બોલી કેમકે મને ચૂપ રહેવાનો ઈશારો કરી મારી આંખોની આરપાર થઈ જતો.

7/3 /1997
શિખાને મારા પર શક છે કે હું કોઈને ચાહવા લાગી છું. મને તો ખબર છે કે એના હૃદયમાં પ્રણયાંકુર ફૂટી નીકળ્યાં છે. એકબીજા સાથે બધી વસ્તુઓનાં ભાગ પાડનાર અમે અમારી જિંદગીની સૌથી મોટી ઘટનામાં એકમેકને સામેલ કરવા તૈયાર નથી!

7/4/1997
મારા માટે અનેક જગ્યાએથી વિગતો આવી રહી છે. મારી પરીક્ષાઓ પૂરી થાય તે પછી તરત જ મારા લગ્ન કરી દેવાની પપ્પાની ઇચ્છા હોય એવુ મને સાફ જણાય રહ્યું છે. ખબર નહીં પૃથ્વીને પપ્પા સામે કેમ રજૂ કરીશ?

7/5/98
શિખા મારાથી નાની છે પણ ભારે છૂપી રુસ્તમ નીકળી. આજે એ બોલી કે તે કોઈને ચાહે છે. લગ્નનાં વચને બંધાઈ છે. મે બહુ પૂછ્યું કે તે કોણ છે? શિખા ફક્ત નામ કહેવા માંડ તૈયાર થઈ! એ પણ ઇશારાથી. હા અમે ફળિયામાં ઝૂલા પર હતાં. તે ઉપર આંગળી ચીંધી ત્યાંથી જતી રહી. હું હસી પડી કે વાહ! બેન તો મારી ને? મેં પૃથ્વી પસંદ કરી તો તેણે આકાશ! બીજી ક્ષણે મને મનમાં ઊંડે સુધી એક શારડી ફરી ગઈ કે અમે બેય એકબીજાથી વિરુદ્ધ દિશાનાં મુસાફર થઈ ગયાં કે શું? મારી અને શિખા વચ્ચે દૂરી ઊભી થવાનો વિચાર પણ મને અસહ્ય લાગ્યો.

ઓહ, શિખાઆંટી પણ કોઈ આકાશના પ્રેમમાં હતા! લોપા ફરી વિચારોનાં વમળમાં ઘેરાવા લાગી. તો શું આ મુગ્ધાવસ્થા દરેક છોકરીમાં આવાં જ સ્પંદન જગાવતી હશે? દરેક યુવતી અને યુવક વિજાતીય આકર્ષણથી અલિપ્ત નહીં રહી શકતાં હોય? હા, મોટેભાગે એવું જ હોતું હશે. એ વાત અલગ છે કે કોઈને મનપસંદ પાત્રને પામી જવાનું સદનસીબ મળી જાય જ્યારે કોઈ શિખા બનીને અકળ મૃત્યુ પામે તો કોઈ અચલા બનીને કાયમ માનસિક બોજ વેંઢારી જિંદગી કાઢી નાખે. સારું છે કે પોતે આજ સુધી કોઈ પ્રેમનાં ચક્કરમાં નથી પડી. લોપાનાં વિચારોની ગતિ આજે દુરંતો એક્સપ્રેસને પણ હંફાવતી હતી.
આમ પણ લોપાને મન વિકાસ કોટેચા તેના પપ્પા એ જ તેના હીરો હતા. જો દીકરી અને પિતા વચ્ચે તંદુરસ્ત સંબંધ હોય તો દીકરી તેની જ છબી પ્રિયતમ કે પતિમાં શોધવાની કોશિષ કરે. આજ સુધી લોપાને કદી કોઈમાં એ ઝલક દેખાય જ ન હતી. તેણે પપ્પાની યાદમાં ભીની થયેલ આંખ બંધ કરી. તેની બંધ આંખોએ વિવાનની ધૂંધળી છબી તરવરી. તે એકદમ માથું ઝાટકીને ઊભી થઈ ગઈ.

સામેની બર્થ પર મધરાતનાં ચારની મીઠી નીંદર માણતો વિવાન નજરે ચડ્યો. વિવાનના ચહેરે જાણે લોપાની ચોરી પકડી પાડી હોય તેવું મીઠું સ્મિત રમતું હતું.

ક્રમશઃ...

જાગૃતિ, 'ઝંખના મીરાં '..