પ્રેમ - નફરત - ૧૨૨ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૧૨૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨૨

આરવે કહેવાનું શરૂ કર્યું.

હું જ્યારે તારા ઘરે આવ્યો અને તું આરામ કરતી હતી ત્યારે તારી બીમારી જાણવા મેં ડૉક્ટરની ફાઇલ જોઈ હતી. એમાં વિટામિન્સ અને બી ટ્વેલની ગોળીઓ હોવાનો ખ્યાલ આવ્યો હતો પણ ન જાણે કેમ મને એમ લાગતું હતું કે તું ગર્ભવતી હોવી જોઈએ. જે પ્રમાણે મેં આયોજન કર્યું હતું એ મુજબ જ તારા શરીરમાં ચિન્હ લાગી રહ્યા હતા. એ સિવાય ડૉક્ટર આટલા બધાં વિટામિન્સ લખી ના આપે. મેં ફાઇલ પરથી ડૉક્ટરનું નામ મનમાં નોંધી રાખ્યું અને બીજા દિવસે એમની પાસે પહોંચી ગયો. મેં એમની સાથેની મુલાકાત માટે સમય માગ્યો અને મને બોલાવવામાં આવ્યો. મેં મારી ઓળખ આપી અને એમને કહ્યું કે હું રચનાનો પતિ છું અને એની બીમારી વિશે વધુ જાણવા આવ્યો છું. મને કોઈ ચિંતા ના થાય એટલે એ વાત છુપાવે એવી છે.

એ મારી વાત સાંભળીને ખુશ થયા અને હસ્યા. એમને થયું કે હું તારી બહુ કાળજી રાખું છું! એમણે મને પૂછ્યું કે ખરેખર તમે કંઇ જાણતા નથી? મેં એમ ના કહ્યું કે મને એ ગર્ભવતી હોવાની શંકા છે. હું એમની પાસેથી સાચી હકીકત જાણવા માગતો હતો. એમણે હસીને કહ્યું કે સારા સમાચાર છે! તમે પિતા બનવાના છો. મેં એને એ માટેની દવાઓ લખી આપી છે. ચિંતા કરવા માટેનું કોઈ કારણ નથી. તમે નજીકના પણ કોઈ જાણીતા ગાયનેકોલોજિસ્ટ અમુક અઠવાડિયે ચેકઅપ કરાવતા રહેશો. મારી પાસે જ આવવું જરૂરી નથી.

હું તો ખુશીથી ઉછળી ઉઠ્યો હતો. તું માં બનવાની છે એ સમાચાર જાણી આનંદથી હવામાં ઉડવા લાગ્યો હતો. મને થયું કે તું સરપ્રાઈઝ આપે એ પહેલાં અમે જ તને સરપ્રાઈઝ આપીએ. મેં પપ્પાને અને પરિવારને જાણ કરી ત્યારે બધાં ખુશ થઈ ગયા. એમણે તારા માતૃત્વને વધાવવાનો અને એને ઉત્સવની જેમ ઉજવવાનો નિર્ણય લઈ લીધો. મેં તારા મમ્મીને જાણ કરી દીધી. એ પણ નાની બનવાના હોવાના સમાચારથી રાજી રાજી થઈ ગયા. તેં તો એમને પણ અંધારામાં રાખ્યા હતા!

આરવ સળંગ બોલીને હાંફી ગયો હોય એમ અટક્યો.

રચના મનમાં જ વિચારવા લાગી:આરવ, અમે તો તમારા જીવનમાં અંધારપટ લાવી દેવાના છે. તું ભલે મારા મા બનવાના વિચારથી ખુશ થઈ ગયો હોય પણ તમારું સામ્રાજ્ય તહસનહસ કરી નાખવાના છે. ડૉકટરે તો મમ્મીએ કીધું હતું એટલે ખોટું જ બોલ્યા કે એ મા બનવાની છે. અને બીજા ડૉક્ટર પાસે જવાની વાત કરી છે. હવે બીજા ડૉક્ટર પાસે હું જલદી જઈશ નહીં. ડૉક્ટરે અમારી વાત અત્યાર પૂરતી છુપાવી દીધી છે.

આરવે આગળ કહેવાનું શરૂ કર્યું:રચના, હવે આપણે ડૉક્ટર જ્યોર્જ ટોનને તારો કેસ સોંપીશું. એ બહુ જાણીતા અને હોશિયાર ડૉક્ટર છે.

રચનાને ડૉક્ટરનું નામ જાણીને નવાઈ લાગી. શહેરમાં કોઈ વિદેશી ડૉક્ટર છે એવો એને ખ્યાલ ન હતો. અને બીજી વાત એ હતી કે બીજા ડૉક્ટરને બતાવવાથી એને ખ્યાલ આવી જશે કે હું ગર્ભવતી નથી અને મેં બાળક પડાવી નાખ્યું છે. આ વાત થોડા મહિના એનાથી છુપાવવાનું છે. એણે નવાઈથી પૂછ્યું:આ કોઈ વિદેશથી આવેલા ડૉક્ટર છે?’

ના, આ ડૉક્ટર વિદેશમાં છે. આરવે હસીને જવાબ આપ્યો.

અત્યારે વિદેશમાં છે? ક્યારે આવવાના છે?’ રચના ગુંચવાઇ ગઈ હતી. એને બરાબર સમજાયું નહીં. એ એમ વિચારીને બોલી કે ડૉક્ટર વિદેશથી મોડા આવે તો સારું.

ડૉક્ટર જ્યોર્જ ટોન વિદેશથી આવવાના નથી આપણે વિદેશ જવાનું છે. આરવે ખુલાસો કર્યો.

કેમ?’ રચના ચમકીને પૂછી રહી.

કેમકે આપણે વિદેશ રહેવા જઈ રહ્યા છે અને બાળકને આપણે વિદેશમાં જ જન્મ અપાવવાનો છે. આરવ ખુશી વ્યક્ત કરતા બોલ્યો.

વિદેશમાં? આમ અચાનક કોણે નક્કી કર્યું? કેવી રીતે નક્કી કર્યું?’ રચનાના આશ્ચર્યની કોઈ સીમા ન હતી.

રચના એક અદ્રશ્ય ડરથી ધ્રુજી ઊઠી હતી. વિદેશમાં જઈને પોતાની પોલ ખૂલી જશે તો? હું વિદેશ જઈશ તો અહીં લખમલભાઈના ધંધાને બરબાદ કરી શકીશ નહીં. મારી બધી યોજના પર પાણી ફરી વળશે.

ક્રમશ: