"કોઈ તો એવી પલ હોય જેમાં
યાદ તુજને મારી આવે...
કોઈ અપેક્ષા ના તૂટે...
તું સમીર બની એવો આવે..."
જીવનની સંધ્યાએ પહોંચી છું. ખૂબ સરસ ભર્યો ભર્યો સંસાર છે. છતાં દિલના એક ખૂણામાં ક્યાંક કોઈકનો અભાવ વરતાય છે.
વર્ષો થઈ ગયા, આજે પણ યાદ છે નવરાત્રિ વખતે પહેલી વાર તમને જોયાનું. તમે ગમ્યા, બહુ જ ગમ્યા. વારંવાર જોવાનું મન થતું. ખબર ન હતી કે આ ગમવું પ્રેમ હશે. નવરાત્રિ વીતી ને પાછું ભણવા માંડી. વરસ પછી પાછી નવરાત્રિ આવી ને તમને જોવાની લાલચ જાગી. ફરી જોયા ને જોયા જ કર્યા. રાત વીતી ત્યાં સુધી.
પ્રેમ છે સમજવાની ઉંમર ન હતી પણ કંઈક છે એ સમજાતું. તમારી નજીકથી પસાર થતાં ગરબાના તાલ તૂટી જતાં અને એવું જ તમે જ્યારે મારી નજીકથી પસાર થતાં ત્યારે તમારી સાથે થતું ને લાગ્યું કે તમને પણ કદાચ હું ગમું છું. આમ ને આમ પાંચ વરસ વીત્યા. પછીની નવરાત્રિમાં જ્યારે માતાજીની આરતીની થાળી લઈ હું ઊભી હતી ને તમે મારી સામે આવ્યા આરતી લેવા, આપણી વચ્ચે ફક્ત એક થાળીનું અંતર હતું પણ આંખો ઊંચી કરીને તમને જોવાની હિંમત ન થઈ. બસ આરતી લેતાં તમારા હાથ જોયા ને વિચાર આવ્યો આ હાથમાં મારો હાથ કેવો લાગશે ?
બસ ત્યારે સમજાયું કે આ પ્રેમ છે પછી વિચાર આવ્યો કદાચ ઉંમરનું આકર્ષણ હશે તો ? ને પછી નક્કી કર્યું પહેલાં ભણીને પિતાનું સપનું પૂરું કરી લઉં પછી ઘરમાં વાત કરીશ.
પણ પછીની નવરાત્રિ ઉજવાય જ નહીં ને તમને જોવાનો કે મળવાનો મોકો જ ન મળ્યો. દશેરાના બીજા દિવસે ખબર પડી તમારા લગ્ન નક્કી થઈ ગયા ને જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ. પ્રેમ ને સમજવામાં મેં મોડું કરી દીધું હતું ને ત્યારથી શરુ થઈ તારાઓ સાથે જાગવાની રાત. તમારા લગ્ન વખતે આખા દેશમાં કરફ્યૂ, ને રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે આ લગ્ન અટક જાય. પણ એવું ન થયું. તમે તો લગ્ન કરીને શહેર પણ છોડી દીધું ને હું તમને શોધતી જ રહી ગઈ.
તમારી જુદાઈની એવી અસર થઈ કે હું ગરબા રમવાનું ભૂલી ગઈ. ક્યારેય ગરબાના તાલ સાથે મારા તાલ ન બેઠા. ત્યાર પછીની દરેક નવરાત્રિમાં ગરબા સંભળાય ને આંખો નીર વહાવે. ઘરનાઓથી એ નીર છૂપાવતાં શીખી ગઈ. મારા પણ લગ્ન થયા. વરસો વીતતા ગયા. ગરબા રમ્યાને, હજી નથી રમી શકતી.
એવું નથી કે મારા સંસારમાં દુઃખ છે, જરાય નહીં. પણ તમને પ્રેમ કરું છું ન કહેવાનો હજી રંજ છે. કહેવાય છે પહેલો પ્રેમ ભૂલાતો નથી, સાચી વાત છે. પહેલાં તમને પામવા હતા પણ હવે તમને મારે મારી ખુશીઓની વાત તમારી સાથે કરવી છે. મારા સંતાનોની પ્રગતિની ચર્ચા તમારી સાથે કરવી છે. કંઈ પણ નવી વાત હોય મારા જીવનની એ સૌથી પહેલાં તમને કહેવી છે. તમને તમારા સંસારમાં ક્યારેક મારી યાદ આવી કે નહીં એ પૂછવું છે. અને એટલે જ હજુ એક આશ છે તમને મળવાની. તમે તો શહેર છોડી દીધું પણ આ આંખો હજી પણ રાહ જુએ છે ક્યારેક, ક્યાંક તો મળશો મને.
ને આ જીંદગી આમ જ વીતી રહી છે.
"મારી હર ધડકનમાં તું છે
ધબકાર સાંભળવા તું આવે...
આંખ જુએ છે વાટડી તારી
તને લાવે એવી કોઈ રાહ આવે...."
જીવનની સંધ્યાછે, નવો દિવસ ઉગે ને તમને મળવાની તડપ વધતી જ જાય છે.
"હોય મારી પાસે તું ને,
તારા ખોળામાં મોત આવે,
વરદાન દેવા આવું મુજને,
એકવાર ખુદા આવે....."
આવું થાય ખરું ? જો હા તો અત્યારે જ મોત આવે અને જો ના તો ક્યારેય કોઈ પ્રેમ ના કરે.