એક હતી કાનન... - રાહુલ વો (પ્રકરણ - 6)
કાનન પોતાની જાતને પિંજરામાં કેદ પંખી જેવી અનુભવવા લાગી.
મનનનું જગન્નાથપુરી નું રોકાણ આમ તો એક અઠવાડિયાનું હતું.પરંતુ આ વખતે ધ્યાન કુદરતી સૌંદર્યમાંથી ચલિત થઈને કુદરતના જ એક સર્જન કાનન બાજુ ડાયવર્ટ થઇ ગયું હતું.બીજે જ દિવસે ગોંડલ નો રસ્તો પકડી લીધો.આમ પણ મનન ની એક વિશેષતા એ પણ હતી કે એ હંમેશાં અન રીઝર્વડ કોચમાં જ મુસાફરી કરતો.એનું માનવું હતું કે જીવનના સાચા પાઠો તો આવી જગ્યાએથી જ શીખવા મળતા હોય છે.કાનન ના દશ ફોટાઓ ની વધારાની પ્રિન્ટ પણ સાથે જ લેતો આવ્યો હતો.
કોલેજ લાઈફ પૂરી થઇ.રખડવાની તક મળે એવી નોકરી ની તલાશ શરુ કરી અને એમાં ધ્યાન ગયું મેડીકલ રિપ્રેઝન્ટેટિવ ની જોબ તરફ.મનમાં ઊંડે ઊંડે કાનન અને કચ્છ તો રમતું જ હતું.ત્યાં લક્ષ્મી ચાંદલો કરવા આવી પહોંચી.એક દવાની કંપનીને કચ્છ માં કામ કરે એવા કોઈ યુવકની જરૂર હતી.મનને તક ઝડપી લીધી.માંડવી નાં સપનાં જોતો મનન ભુજ તરફ નીકળી પડ્યો.
મનન જેવા અંતર્મુખી અને ગંભીર પ્રકૃતિના યુવાન માટે કોઈ છોકરીનું આટલું આકર્ષણ નવાઈ પમાડે તેવું તો હતું પણ શું થાય,દિલ હૈ કી માનતા નહીં.
એક તો કચ્છ જેવો વિશાળ જીલ્લો,નવી નોકરી, નવું ફિલ્ડ.શરૂઆતમાં એક મહિનો તો નવી નોકરીની દોડધામમાં જ ગયો.હવે એણે માંડવી બાજુ બીઝનેસ વધારવા ફોકસ કર્યું.કાનન ની તડપ પણ વધતી જતી હતી.
આખરે એક દિવસ માંડવીની વાટ પકડી જ લીધી.માંડવી શહેરને જોતાં જ એવું લાગ્યું કે આ શહેરની એક વખત જાહોજલાલી હશે.એક વખતનું આ મહાબંદર હવે તૂટી રહ્યું હોય એવું પણ લાગ્યું. બીજે જ દિવસે પહોંચી ગયો કોલેજમાં.માંડવીમાં માત્ર એક જ કોલેજ હતી એટલે ચપટી વગાડતાં કાનન મળી જશે એવો આત્મવિશ્વાસ પણ ખરો.બે ત્રણ દિવસ કોલેજના ધક્કા ખાધા.કાનન કયાંય દેખાણી નહી. હવે તેને લાગ્યું કે કોલેજ આસપાસ તેને ફરતો જોઇને શંકા પણ થવા લાગી છે એટલે સચેત થઇ ગયો.હવે એણે કોલેજના રસ્તા તરફ જતા પુલ પર ફિલ્ડીંગ ભરવાનું શરૂ કર્યું.
લગભગ એક અઠવાડિયું આમ ને આમ વીતી ગયું.હવે મનન ને પણ પોતાની જાત પર ચીડ ચડતી હતી.કારણ વગર બધું મૂકીને એક છોકરી પાછળ છેક કચ્છ સુધી લાંબો થયો હતો.પોતાની કેરિયર પણ દાવ પર લગાવી દીધી હતી.એના કરતાં હિમ્મત કરીને સરનામું માગી લીધું હોત તો? કદાચ કાનનને મળી પણ લીધું હોત. અને અપમાન કરત તો પણ એક વિષય પૂરો તો થઇ જાત. નહોતી કાનન મળતી અને નહોતો મળતો બિઝનેસ.કંપની તરફથી પણ પ્રેશર શરુ થયું હતું.
આટલા દિવસ થી માંડવી આવ્યો હતો પણ એની પ્રિય જગ્યા બીચ પર તો ગયો જ ન હતો.એ દિવસે દીવાદાંડી,શહેરની બજાર સહીત બધું જ ફરી વળ્યો.આંખો જે વ્યક્તિને શોધતી હતી તે મળતી ન હતી.
આખરે નિર્ણય લઇ જ લીધો.કાલે સવારે ચેક આઉટ કરી ભુજ ભેગા થઇ જવું.સવારે ઉઠીને પેમેન્ટ વગેરે પતાવીને બસ સ્ટેશન જવા નીકળી પડ્યો.બસ સ્ટેશન જતા રસ્તા પર કોલેજ જતો રસ્તો દેખાતાં ફરી એક પ્રયત્ન કરવાની લાલચ જાગી.જાણ્યે અજાણ્યે પગ પુલ બાજુ વળી ગયા.અવઢવમાં તો હતો જ.વિચારોમાં ને વિચારોમાં મનન ક્યારે રસ્તા પર આવી ગયો એનો ખ્યાલ જ ના રહ્યો.ઓચિંતી મોપેડ ની બ્રેકની ચીચીયારીએ તેને ચમકાવ્યો.
“એય મિસ્ટર,આપઘાત કરવો હોય તો આ પુલ ઉપરથી કૂદી પડો ને,કે પછી મારા હાથે જ મરવું એવું ઘરેથી નક્કી કરીને નીકળ્યા છો?”
“એય મિસ્ટર” શબ્દ મનન ના કાનમાં સતત પડઘાયો.એક જ ઝાટકે પાછળ ફરીને જોયું તો
એ જ ગોળ મટોળ ચહેરો,
થોડા કર્લી વાળ,
ચંચળ આંખો.
અને એ જ સદાય હસતો ચહેરો.
રસ્તા વચ્ચે જ ખોડાયેલો રહી ગયો મનન.
કાનને ઝનૂનથી બ્રેક દબાવી હતી.એનો હાથ પણ બ્રેક પર ઝનૂનપૂર્વક દબાયેલો જ રહી ગયો.
કળ વળી,બન્નેને કળ વળી.પાછળ એક કારના હોર્ન ના અવાજે બેય જણને વાસ્તવિકતાની ધરતી પર પટક્યાં.
બને એ સાઇડમાં ખસી કારને જગ્યા કરી આપી.કાર ડ્રાઈવ કરી રહેલા કાનન ના બુઝુર્ગ પ્રોફેસર સ્માઈલ આપતાં કહેતા ગયા.
“અરે કાનન,આ મજનુ તો છેલ્લા ચાર દિવસથી કોલેજ આસપાસ આંટા મારે છે.મને પહેલેથી ખબર હોત કે એ તને શોધે છે તો તારું સરનામું જ ન આપી દેત.”
એ પ્રોફેસર મનનની પોલ ખોલતા ગયા.મનનની હાલત તો કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઈ.
કાનન ને એ કોમેન્ટ ગમી.ખૂબ ગમી.
“એય ફોટોગ્રાફર,અહીં શું કરો છો? અહીં પણ છોકરીઓને ફસાવવાનો ધંધો શરુ કર્યો છે કે શું? મનન ની હાલત જોઇને કાનને પણ તેની નસ ખેંચવાની તક ઝડપી લીધી.
હવે મનન થોડો સ્વસ્થ થયો.
”તમારા ફોટોગ્રાફ્સ ની સુવાસ છેક મને અહીં સુધી ખેંચી લાવી છે.એક અઠવાડિયાથી ફિલ્ડીંગ ભરું છું ત્યારે આજ છેલ્લા દિવસે દરિયા દેવે મારી પ્રાર્થના સાંભળી.”
“મારા ફોટા? એ તો મારી પાસે છે? એની સુવાસ તમારા પાસે ક્યાંથી પહોંચી?” કાનને નવાઈ પામી પૂછ્યું.
મનને ફોટા કાઢી બતાવ્યા અને તેમાં પણ સૂર્ય ને કાપતી કાનન નો એન્લાર્જ કરાવેલો ફોટો પણ બતાવ્યો.કાનન તો આફરીન આફરીન પોકારી ગઈ.કોઈ પોતા પાછળ આટલું પાગલ હોઈ શકે?
ઓવારી ગઈ કાનન.
ખીલી ખીલી ઉઠી કાનન.
કાનન પણ ક્યાં ભૂલી હતી મનનને,પોતાને દરિયા દેવ તરફથી મળેલી એ ભેટને.રોજ એકવાર પોતાના ફોટા જોઇને મનન ને યાદ કરી લેતી.
સાંજે મળવાનું નક્કી કરી બંને છૂટાં પડ્યાં.
મનન ને પાછો આવેલો જોઈ હોટેલ વાળાને પણ નવાઈ લાગી.મનને પણ આજે માંડવી અને આસપાસના ગામોમાં ફરી આખા અઠવાડિયાનો ધંધો કંપનીને લાવી દીધો.
કાનન ને માંડવી આવ્યા બાદ આટલી ખુશ સરૂબેન પહેલીવાર જોતાં હતાં.પૂછી પણ લીધું.કાનન ચેતી ગઈ.
બપોર થતાં જ કાનન સામે ફરી પોતાની જીવન કિતાબનાં પાનાં ખુલતાં અનુભવી રહી.
બાળપણથી સતત થતી ટકટક,મૂકાતાં નવાં નવાં નિયંત્રણોએ પોતાને બંડખોર બનાવી દીધી છે એવું પણ ક્યારેક કાનન અનુભવતી.એમાં પણ માંડવી આવ્યા પછી આ બાબત રોજીંદી બની ગઈ હોય એવું પણ અનુભવતી હતી.કોલેજ સિવાયનો સમય હવે તે ઘરમાં જ રહેવા લાગી હતી.એમાં એને લાગ્યો વાંચન નો શોખ.કોલેજની તથા અન્ય એક લાયબ્રેરીમાંથી પુસ્તકો લઇ આવી વાંચવા લાગી.
ક્યારેક નવલકથા તો ક્યારેક હળવા નિબંધો,ફિલોસોફી,પ્રવાસવર્ણનો,આત્મકથા અને જીવન ઘડતરનાં પુસ્તકો.દર વખતે જુદા જુદા વિષયોના પુસ્તકો અને જુદા જુદા લેખકોનાં પુસ્તકો.વાચનની વિવિધતા ને કારણે ક્યારેક ગૂંચવાઈ પણ જતી.શું સાચું માનવું,કેટલું સાચું માનવું એ પ્રશ્નો એને સતત સતાવતા રહેતા.ક્યારેક મોડી રાત સુધી જાગતી રહેતી.જુદાં જુદાં વાંચન ને કારણે એવું પણ અનુભવ્યું કે દરેક પંથમાં, ધર્મમાં અમુક વસ્તુ કોમન હોય છે અને અમુક અલગ.કોઈ એક જ આદર્શ ને પકડી રાખવામાં નવા વિચારો માટે પ્રવેશદ્વાર બંધ થઇ જાય તો?
વિચારો માં અટવાતી કાનને એક મસ્ત ઝોકું મારી લીધું અને બાકીની બપોર સાંજ માટે અને બીજા દિવસ માટે મમ્મી,તથા ખાસ તો પપ્પાને,બતાવવાનાં બહાનાઓનું લિસ્ટ બનાવવામાં પસાર કરી.
સાંજે લાયબ્રેરીની બુક્સ લઇ કાનન નીકળી પડી મનન ને મળવા.માંડવી નાનું શહેર એટલે મળવાનાં સ્થળો નક્કી કરતી વખતે પણ સંભાળવું તો પડે જ.
મનન આવતાં જ કાનન નો આત્મવિશ્વાસ વધી ગયો હતો.
(ક્રમશ:શુક્રવારે)