સરકારના ઇન્ફોર્મેશન એક્ટ સામે વોટ્સએપની પેરન્ટ કંપનીએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
સરકારના આઇટી એક્ટની કલમ 4(2)થી વોટ્સએપના યુઝરની પ્રાઈવસીનો ખતરો
સિદ્ધાર્થ મણીયાર
ટેક્નોક્રસી
siddharth.maniyar@gmail.com
ભારત સરકાર દ્વારા 2021માં આઇટી એક્ટ હેઠળ નવા કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં ભારતના દરેક વોટ્સએપ યુઝરની પ્રાઇવસી પર ખતરો આવી શકે તેમ છે. વોટ્સએપના યુઝર દ્વારા મોકલવામાં આવતા દરેક મેસેજ એન્ક્રિપ્ટેડ છે. જેના કારણે સરકાર વોટ્સએપ મોકલવામાં આવતા સંદેશા કે પછી ઓડિયો વિડીયો કોલની માહિતી મેળવી શકતી નથી. જેથી સરકાર દ્વારા આઇટી એક્ટના નવા કાયદા અનુસાર વોટ્સએપ એપ્લિકેશનની કંપની મેટાને આદેશ કરવામાં આવ્યો છે કે, વોટ્સએપમાં આવતા તમામ સંદેશ તેમજ વિડીયો અને ઓડિયો કોલની માહિતી તેને મળવી જોઈએ. જેની સીધી અસર ભારતમાં વોટ્સએપ એપ્લિકેશનનો ઉપયોગ કરતા 4000 લાખ યુઝર પર થશે તે નક્કી છે. જેથી વોટ્સએપની પેરન્ટ કંપની મેટા દ્વારા આ નિયમોને હાઇકોર્ટમાં પડકારવામાં આવી રહ્યા છે.
જે બાબતે વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુઝરના મેસેજ તેમજ વિડીયો અને ઓડિયો કોલ ઇન્ક્રિપ્શન જ અમારી યુએસપી છે. ત્યારે ભારત સરકાર દ્વારા આઇટી એક્ટ હેઠળના નવા કાયદા અનુસાર યુઝરના મેસેજનું ઇન્ક્રિપ્શન જ હટાવવા માટે ફરમાન આપવામાં આવ્યું છે. જે અમારા યુઝર માટે એક ખતરો છે. જો અમને આમ કરવા માટે મજબુર કરવામાં આવશે તો વોટ્સએપ એપ્લિકેશન ભારતમાં બંધ કરી દેવામાં આવશે. દિલ્હી હાઇકોર્ટમાં વોટ્સએપની પેરન્ટ કંપની દ્વારા કરવામાં આવેલી અરજીના કંપનીના વકીલ તેજસ કારિયાએ દલીલ કરી છે કે, અમારું પ્લેટફોર્મ ઇન્ક્રિપ્શન પર જ ચાલે છે. જો અમારા પેલ્ટફોર્મને મેસેજનું ઇન્ક્રિપ્શન જ હટાવી દેવા માટે કહેવામાં આવે તો ભારતમાં વોટ્સએપની જરૂર જ રહેતી નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઇકોર્ટમાં વોટ્સએપ એપ્લિકેશનની પેરન્ટ કંપની મેટા દ્વારા ભારત સરકારના 2021ની સૂચના અને પ્રસારણ મંત્રાલયના ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડના નિયમોને પડકારવામાં આવ્યા છે. આ નવા નિયમો સોશિયલ મીડિયા કંપનીઓ માટે કોઈપણ કોર્ટના આદેશ પર ચેટને ટ્રેસ કરવા અને સંદેશ મોકલનારની ઓળખ જાહેર કરવા માટે જરૂરી છે. વોટ્સએપનું કહેવું છે કે, આ નિયમનું પાલન કરવું અમારી માટે અશક્ય છે. અમારા યુઝરના તમામ મેસેજ એન્ક્રિપ્ટેડ હોય છે, એટલે મોકલનાર અને મેળવનાર જ તેને વાંચી શકે છે.
સરકારનો કાયદો કોને કોને લાગુ પડે છે ?
કેન્દ્ર સરકારનો આ કાયદો સોશિયલ મીડિયા કંપનીઓને લાગુ પડે છે. જેમાં સોશિયલ મીડિયા કંપનીઓ જેવી કે, એપ્લિકેશન એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપનો સમાવેશ થાય છે. આ તમામ પ્લેટફોર્મ પર કોઇપણ યુઝર દ્વારા મોકલવામાં આવેલા સંદેશાને મોકલનારની ઓળખ સાથે સરકાર આ નિયમો હેઠળ વાંચી શકે છે. એટલું જ નહીં મેસેજ ક્યાં યુઝરને મોકલવામાં આવ્યા છે એટલે કે મેળવનાર કોણ છે તેની ઓળખ પણ સરકાર જાણી શકે છે.
મેટા દ્વારા કેમ નિયમોનો વિરોધ કરાઈ રહ્યો છે ?
વોટ્સએપનું કહેવું છે કે, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોનું પાલન પાલન કરવું વોટ્સએપ માટે શક્ય નથી. જો વોટ્સએપ દ્વારા સરકારના નિયમોનું પાલન કરે તો તેને પોતાની યુએસપી મેસેજને ઇન્ક્રિપ્શન બંધ કરવું પડે. ત્યારે વોટ્સએપનું કહેવું છે કે, ઇન્ક્રિપ્શન એક ખાસ ટેક્નોલોજી છે. જેનો ઉપયોગ કરવાથી સંદેશ મોકલનાર તેમજ તેને મેળવનાર સિવાય અન્ય કોઈ વ્યક્તિ તેને વાંચી શકતી નથી. સરકારના નિયમનું પાલન કરી મેસેજને ઇન્ક્રિપ્શન બંધ કરવામાં આવે તો યુઝરની પ્રાઇવસી પર ખતરો આવી શકે છે. જેથી વોટ્સએપ દ્વારા હાઈકોર્ટમાં માંગ કરાઈ છે કે, સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમોની કલમ 4(2)ને ગેરબંધારણીય જાહેર કરાઈ. જે કલમ આઇટી એક્ટ વિરુદ્ધ અને ગેરકાયદે છે. એટલું જ નહીં કંપની માને છે કે, આ નિયમનું કંપની દ્વારા પાલન ન કરવામાં આવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી થઇ શકે છે. જેમાંથી પણ કંપની બચવા માંગે છે. તે ઉપરાંત કંપનીનું કહેવું છે કે, મેસેજ મોકલનાર અને મેળવનાર કોણ છે તેમજ મેસેજ શું છે તે જાણવું ગેરબંધારણીય છે. જે યુઝર્સના પ્રાઇવસીના અધિકાર છીનવે છે.
ભારત સરકારે શું કહ્યું?
વોટ્સએપની માંગ સામે કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયનું કહેવું છે કે, ફેક ન્યુઝ તેમજ દેશની સુલેહ અને શાંતિને ભંગ કરતા નફરત ફેલાવનાર સંદેશાઓને રોકવા માટે આ નિયમ જરૂરી છે. આવા પ્રકારના મેસેજ ઝડપથી વાયરલ થાય છે. તેવા સમયે મેસેજનું મૂળ શોધવું ખુબ જ જરૂરી બને છે. અમારું માનવું છે કે, દરેક સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદીર છે કે, પોતાના પ્લેટફોર્મ પર યુઝર્સની સાથે સાથે દેશ માટે સુરક્ષિત વાતાવરણ બનાવે. દેશના કાયદા સરકારને અધિકાર આપે છે કે, સોશિયલ મીડિયા કંપનીઓ યુઝર્સ માટે એક સુરક્ષિત પ્લેટફોર્મ બનાવે પરંતુ તેની સાથે સાથે ફેક ન્યુઝ અને નફરત ફેલાવનારા ગેરકાયદે મેસેજને ફેલાતા અટકાવે. જો કંપનીઓ પોતાની જાતે તેમ ન કરે તો કાયદાની મદદથી તેમને આમ કરવા માટે કહી શકાય છે. સરકારનું એવું પણ માનવું છે કે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમ 87 સરકારને અધિકાર આપે છેકે, સરકાર સોશિયલ મળ્યા માટે નવા નિયમો બનાવી શકે. જેને આધાર રાખીને જ કલમ 4(2) બનાવવામાં આવી છે. જે મોટી સોશિયલ મીડિયા કંપનીઓ માટે જરૂરી બનાવે છે કે, તે કોઇપણ ફેક ન્યુઝ તેમજ નફરત ફેલાવતા સંદેશાને ફેલાવનારની ઓળખ છતી કરે. જે દેશ અને દેશવાસીઓની સુરક્ષા માટે ખુબ જ જરૂર છે. અમારું માનવું છે કે, જો સોશિયલ મીડિયા કંપની ઇન્ક્રિપ્શન હટાવ્યા વિના સંદેશો મોકલનાર તેમજ તેને મેળવનારને શોધી નથી શકતી તો કંપનીની જવાબદારી બને છે કે, તે માટે જરૂરી નવી ટેક્નોલોજી વિકસાવે.