ધારાવાહિક:- મારા કાવ્યો
ભાગ:- 14
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
પિયર
દરેક પરણિત સ્ત્રીની મનભાવન જગ્યા એટલે પિયર.
ઉંમરનાં કોઈ પણ પડાવે યુવતી જેવું અનુભવાય એ સ્થળ એટલે પિયર.
મનને જે ભાવે એ ખાવા મળે એ પિયર.
નાનપણની સખીઓ સાથે ફરીથી રમતો રમવા મળે એ પિયર.
બેરોકટોક કામ કરવા મળે એ સ્થળ એટલે પિયર.
બાળકોનાં વેકેશનમાં સ્ત્રીનું સૌથી મનપસંદ ફરવાનું સ્થળ એટલે પિયર.
ટીવીનું રિમોટ જ્યાં હાથમાં જ રાખી શકાય એ પિયર.
'કોઈને નહીં ફાવશે તો?' આવું વિચાર્યા વગર નવી વાનગી બનાવી શકાય એ પિયર.
રજાના દિવસે ક્યારેક મોડે સુધી સૂઈ રહેવાય એ પિયર.
મમ્મી પપ્પાનો વ્હાલ મળે એ પિયર.
ભાઈ ભાભીનો આવકારો મળે એ પિયર.
હૈયું હિલોળે ચઢે એ પિયર.
શું વાત કરું હું પિયરની?
હશે કંઈક તો ખાસ એમાં, એમ જ થોડું બધી સ્ત્રીઓને વ્હાલું પિયર!!!
પ્રેમનો રંગ
શું રંગ ચઢે એને રંગાયા જે પ્રેમનાં રંગે?
હોય કેટલોય ઘાટો એ રંગ,
ન લાગે એને ચઢ્યો જેને પ્રેમનો રંગ!
રંગ પ્રેમનો કરે લાગણીથી તરબોળ,
ભીંજાય હૈયું ને હરખની હેલી વરસે!
ફિક્કાં લાગે એને બાકી બધાં રંગો,
રંગાય જાય છે જે પ્રેમનાં રંગે!
ક્યાં જરુર છે એને બાહ્ય રંગોની,
એને મન તો પ્રિયતમ સાથેની ક્ષણો,
એટલે પ્રેમનાં રંગે રંગાઈ જવાની ક્ષણો!
ન હોય જો શરીરનું આકર્ષણ માત્ર,
તો સૌથી ઘાટો આ પ્રેમનો રંગ!!!
વિશ્વ કવિતા દિવસ
કહેવું જો હોય કશું ટૂંકાણમાં,
તો હું છું હાજર હંમેશા...
ઠલવાતી લાગણીઓ શબ્દો થકી,
ઉપયોગ કરી મારો...
નથી સહેલું એટલું કરવી મારી રચના,
મુશ્કેલ થોડી સમજવી મને...
કહે પાગલ દુનિયા આખી,
ને ગણાવે ધૂની સૌ,
મારા રચનાકારોને...
રુપ ઘણાં મારા એવા,
ન રચાય બધાં રુપ બધાંથી,
હું છું એક કવિતા...
દિવસ છે આજે મારો,
મનાવે દુનિયા આજે રાખી
અનેક કાર્યક્રમો...
તો મનાવો તમે પણ આજને,
પાઠવું શુભેચ્છા સૌને હું આજે,
'વિશ્વ કવિતા દિવસ'ની..
વેકેશન
આવે જ્યાં વેકેશન આનંદ છવાય બાળકોમાં.
મૂકી પુસ્તકો માળિયે નીકળે ટોળકી રમવાને...
મળશે ખાવા મનભાવન હવેથી વિચારતું એ બાળક.
કોઈ રમે આંગણામાં તો કોઈ વળી મોબાઈલમાં...
કોઈનું વેકેશન મામાને ત્યાં તો કોઈનું હોય વિદેશોમાં!
કોઈ માણે કુદરતનું સાંનિધ્ય, તો કોઈ રહે ઘરમાં...
ઘેલા આજનાં માતા પિતા એવા,
વેકેશન મનાવે એમનાં બાળકો વિવિધ પ્રવૃતિ વર્ગોમાં!😢
વર્ષ આખુંય બાળકો ભણે, ને વેકેશન પણ જાય ભણવામાં...
મળે વેકેશન સૌને અહીંયાં,
પણ ક્યાં મળે એક માતા કે સ્ત્રીને?
ને શું કરવું આ પિતાની નોકરીનું?
બંને માટે વેકેશન છે ખરું???
તારા ફોનની રાહમાં...
તારા ફોનની રાહમાં,,
નીકળી ગયો આખોય દિ' મારો.
હમણાં આવશે ફોન,
થશે આપણી વાત,
જોઈને રાહ તારા ફોનની,
થાક્યા મારા નેત્રો પણ...
સાંભળવાને તારો અવાજ,
તરસ્યા મારા કાન હવે!
છતાં ન આવ્યો તારો ફોન...
હશે તને એમ કે જોઈ લઉં તમાશો,
ચકાસી લઉં ધીરજ એની,
તો છે આ વહેમ તારો,
નહીં કરીશ ભૂલ આવું સમજીને...
છે લખી ઉપરની પંક્તિઓ,
તારા જ વિચારની...
નથી પડવાનો ફેર મને કોઈ,
તુ ફોન કરે કે ન કરે,
મારો ફોન તો રહે છે સતત કામમાં...
તુ નહીં તો કોઈ બીજું,
છે ઘણાં મિત્રો અને સખીઓ,
વહાણ ભરીને સગાં મારાં,
થઈ જશે વાત કોઈની ને કોઈની સાથે...
😂😂😂
નર્મદા મૈયા
અમરકંટક જેનું ઉદ્દભવસ્થાન,
ગુજરાતની જે જીવાદોરી.
પૂરું પાડે પાણી કેટલુંય,
જીવવા જીવન અમૃત!!!
પરિક્રમા જેની શુભ ફળદાયક,
ઓઢાડી ચૂંદડી ને અર્પણ કરી સાડી,
કરે પૂજા ભક્તો જેની,
મહા સુદ સાતમે પ્રગટ્યા જેઓ.
આવ્યાં પવિત્ર તીર્થસ્થાનો જેને કિનારે,
ગુંજે કિનારા 'નર્મદે હર'નાં નારાથી...
નર્મદા મૈયાકી જય🙏
આભાર
સ્નેહલ જાની