મારા કાવ્યો - ભાગ 1 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા કાવ્યો - ભાગ 1

લેખનો પ્રકાર:- કાવ્ય
કાવ્ય રચનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



શાપિત જંગલ


લીલુંછમ હરીયાળુ જંગલ,
છે લઈને બેઠું પ્રાણવાયુ,
આપે છે રક્ષણ પ્રાણીઓને,
કરે છે પોષણ પ્રાણીઓનું.
જ્યારે પૂરો પાડે છે પ્રાણવાયુ,
નથી જોતું માનવી કે પશુ પક્ષી!
ઘટી રહ્યાં છે જંગલો,
પોષવાને માનવીની જરૂરિયાતો,
લાગે છે આગ જંગલોમાં,
વધી રહેલા પ્રદૂષણની ગરમીથી.
હોમાય છે કેટલાય અબોલ જીવ,
નાશ પામે છે વનરાજી,
બન્યું છે શાપિત જંગલ,
જવાબદાર છે માનવીની લાલચ,
જવાબદાર છે માનવીનો સ્વાર્થ,
જે પોતાના ઘર માટે નાશ કરે છે
આ મૂંગા જીવનું ઘર.



અલૌકિક આકાશ


છે ક્યાં કોઈ કિનારો આકાશને,
છે એ તો અનંત વિસ્તારે.
બનાવે છે અદ્ભૂત નજારો,
જ્યારે મળે છે સાગરને ક્ષિતિજે.
કહેવાય છે પક્ષીઓનું મેદાન,
અને દેવતાઓનું નિવાસસ્થાન.
છે એ રમણીય જ્યારે
થાય છે પરોઢ અને સંધ્યા.
અલૌકિક છે આ આકાશ,
બદલે છે નિતનવા રંગ.
રચાય છે રંગીન નજારો,
જે જુએ છે તેને મનથી.
રહસ્ય છે ગૂઢ એનાં,
જુઓ તો શું છે એનાં ગર્ભમાં?
મથે છે વૈજ્ઞાનિકો દિન રાત,
કળવાને રહસ્યો છુપા એ
અલૌકિક આકાશના.
છે રચાયું એક બીજું અલૌકિક આકાશ,
મનનાં ખૂણે છે એનો નિવાસ.
છે ઘણાંય વિચારો એ મનમાં,
બનીને વાદળ ફરે છે આસપાસ.


ભારતનો ભવ્ય વારસો


હશે કંઈક તો તારામાં એવું કે કેટલાય આવ્યાં તને લૂંટવા,
હશે કંઈક એવું કે વસ્યા અંગ્રેજો અહીં વર્ષો સુધી,
મંદિરો છે ને મસ્જિદો પણ, દેવળ છે ને આતશ બહેરામ પણ,
ગુરુદ્વારા છે ને કુદરતનું સૌંદર્ય પણ,
આ બધું જે વર્ષોથી પૂજાય.
ગુફાઓ હોય કે વાવ કે અલગ ગામની અલગ બોલી હોય,
જયાં જઈએ ત્યાં કંઈક તો અચરજ હોય.
અજાણ્યાને પણ મળતો આવકાર હોય,
વડીલોનું હંમેશા ઊંચું સ્થાન હોય.
હાજી અલી હોય કે હોય Basilica of Bom Jesus,
સોમનાથ દ્વારકા કે પછી સુવર્ણ મંદિર,
હોય ઉદવાડાનું આતશ બહેરામ,
કે પછી હોય આવું તો કંઈ કેટલુંય.
જોવા માટે જન્મારો ઓછો પડે
એવો ભવ્ય તારો વૈભવ એ મારા ભારત.
વિનંતી ઓ ભાવિ પેઢી તને સાચવજે આ મારા ભારતનો ભવ્ય વારસો.


ને પછી


મળ્યા આપણે એકબીજાને,
ને પછી શરૂઆત થઈ ઓળખાણની.
પરિચય વધ્યો વારંવાર મળ્યા પછી,
ને પછી પાંગર્યો પ્રેમ.
આપ્યાં વચન એકબીજાને સાથે રહેવાના,
ને પછી શરૂઆત થઈ જીવનની.
શરુ કર્યું જીવન આપણે એકબીજા સાથે,
ને પછી શરૂઆત થઈ વધુ નિકટતાની.
બસ, ઈચ્છા રાખીએ કે આમ જ જીવીએ,
ને પછી શરૂઆત થશે એકમેકના થવાની.


આખરી ગુલાબ


હું છું ગુલાબ!
રંગબેરંગી સુગંધી,
બને હાર મારો
અને બને ગુલકંદ,
વપરાઉં હું સાજ શણગારમાં
અને વપરાઉં હું પૂજામાં.
છૂટું પડું મારી ડાળીથી
ને તોયે ન છોડું મારી સુગંધ.
બને અત્તર મારી પાંખડીઓનાં,
છું ઉપયોગી સૌને.
દેવ પૂજાય, માનવ પૂજાય
મારા થકી, અને અંતે
માનવજીવનની અંતિમ યાત્રામાં
પણ હું છું એની સાથે.
રહું છું માનવ સાથે સદાય
એનાં અંત સમયે બની
જાઉં છું એનાં જીવનનું
આખરી ગુલાબ!


માતૃભાષાની શાળાની વ્યથા


હા હું છું શાળા, એક ગુજરાતી માધ્યમની શાળા.
આપું છું બાળકોને તમામ જ્ઞાન માતૃભાષામાં.
હતો મારો પણ વૈભવ એક જમાનામાં,
થતી પડાપડી લેવાને એડમિશન,
થતા તૈયાર લોકો આપવાને મોં માંગ્યા દામ,
જુઓ આજે છું હું એકલી અટુલી,

લાગી છે ધૂન સૌને અંગ્રેજી માધ્યમની,
થયું છે બાળપણ ઘેલું વિદેશ પાછળ,
શાને ઉતાવળા છે માતા પિતા આજે,
છોડીને માતૃભાષા શીખવાને વિદેશી ભાષા?

બનવું છે સૌએ આધુનિક, પણ નથી શીખવી
પોતાની ભાષા.
શું વાત કરશે એ બાળ ઘરનાં વડીલો સાથે,
જો રહેશે એ દૂર માતૃભાષાથી?
હાય, હેલોનાં ચક્કરમાં ખોવાયા,
જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ.

ભૂલ્યા આ ભૂલકાઓ વાંકા વળી,
વડીલોના આશિર્વાદ લેવાનું.
છોડી માતૃભાષા શીખ્યા વિદેશી ભાષા,
નથી તૈયાર વાલીઓ મુકવાને બાળકો
મારે ત્યાં, મૂકે છે દોટ વિદેશની ભાષા પાછળ.

ગર્વથી ફુલતી હું જ્યારે લાવે કોઈ બાળક
સ્પર્ધામાં ઈનામ અને કહેવાય કે નંબર આ
શાળાનો આવ્યો. જીતી જતું સ્પર્ધા એ બાળક
છતાં જ્યારે નામ મારું બોલાતું.
આજે છું હું સૂની પડી જોઈને
બાળકોની વાટ. કોઈ તો મોકલો
નાના બાળ, તરસી છું હું સાંભળવાને
એમનો કિલકાટ!
નથી જોઈતા મને નવા રંગ રોગાન
કે ભવ્ય બાંધકામ, હું તો ખુશ છું
માત્ર જોઈને મારા નાના બાળ.

શાને ઘેલો છે આ માનવી જવાને દેશ પાર
થઈ છે મારી આ દુર્દશા જોવી થઈ અસહ્ય.
કોને ગણું જવાબદાર મારી આ દુર્દશા માટે?
માતા પિતાની ઘેલછા કે એમની અધૂરી આકાંક્ષા?
લે છે ગર્વ પોતાનાં બાળ પર જોઈને બોલતાં
સડસડાટ અંગ્રેજી, પણ જ્યારે અટવાય છે
બોલતાં એ માતૃભાષા, નથી થઈ શકતી વાતચીત
ઘરનાં વડીલો સાથે.

રહે છે વંચિત એ બાળ સાંભળવાથી એ ગીતો
જે કરે છે એમનામાં સંસ્કારોનું સિંચન!
નથી મળતાં એમને સાંભળવાને એ પ્રસંગો
જે ઘડે છે એમને કરવાને મુસીબતોનો સામનો!

વાંચવા બદલ આભાર🙏

સ્નેહલ જાની