સ્વપ્ન મેં જે- જે જોયા હતાં... Sagar Mardiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વપ્ન મેં જે- જે જોયા હતાં...

સ્વપ્ન મેં જે-જે જોયા, તે ક્યાં કદી મારા હતાં,
આ આંખમાં આંસુ એટલે તો ઉના ને ખારા હતાં


“મમ્મી, મારે મીઠાઈ નથી ખાવી.”

“બેટા! મીઠું મોઢું તો કરવું પડે ને, એમ જ થોડી પરીક્ષા આપવા જવાય.”

સૌરભની આજથી એસ.એસ.સી.બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી હતી. એટલે વહેલી સવારથી જ મા-દીકરા વચ્ચે મીઠી રકઝક શરૂ થઇ ગઈ હતી. છેવટે નમતું જોખતાં મીઠાઈનો નાનો ટુકડો કરી મોમાં મૂકતાં બોલ્યો, “બસ તારી ઈચ્છા પૂરી કે હજુ કોઈ ઈચ્છા છે?”

”ઈચ્છાનું તો એવું છે કે તું આ પરીક્ષામાં પાસ થઈ...”મનમાં વિચારતા બબડી, ‘શું બને?’

અત્યાર સુધી મા-દીકરાની વાત સાંભળી રહેલા નિરવે સૌરભની મમ્મીને ટોકતા કહ્યું, ‘એને જે બનવું હશે તે બનશે અત્યારે પેલા તેને પરીક્ષા આપવા જવા દઈશ.’

“બાય મમ્મી! બાય પાપા!” કહી પગે લાગી સૌરભ ઘરની બહાર નીકળ્યો કે સુરભી બોલી, “એક મિનીટ ઉભો તો રહે, મારી વાત સાંભળતો તો જા.” સુરભીનું વાક્ય પૂરું થાય તે પહેલા તો સૌરભની સાયકલે સ્કૂલ તરફ જવા ગતિ પકડી લીધી.

“શું તું પણ સુરભી પોતાની ઈચ્છા સૌરભ પર થોપી રહી છો.”

“મારી ઈચ્છા?”

“હા, સૌરભને આગળ ક્યાં ક્ષેત્રમાં આગળ વધી શું બનવું તે તેને તો નક્કી કરવા દેવું જોઈએ કે નહિ?”

“હું ક્યાં પરાણે કહી રહી છું કે...”

તેની વાત કાપતા નિરવ બોલ્યો, “પણ તારી કોઈ અધૂરી ઈચ્છા એના દ્રારા પૂરી થતી જોવા તો માંગે છે ને?”

“ઠીક છે, હું તેની સાથે જબરદસ્તી નહી કરું બસ?” કહેતાં સુરભી રસોડામાં ચાલી ગઈ.

નીરવના મનમાં એક ડર સતાવી રહ્યો. ગઈકાલે પોતાની સાઈટ પર એક વ્યક્તિની વાત હજુ તેના મગજમાં હથોડાની માફક ઝીંકાઈ રહી હતી. ‘પોતાની અધૂરી ઈચ્છા દીકરા પાસે પૂરી થતી જોવાની બળજબરીએ હંમેશા માટે દીકરો જ છીનવી લીધો.’ તે ઘડીએ નીરવને એક વિચાર આવેલો કે, ‘શા માટે માબાપ સંતાનોની ઈચ્છા જાણ્યા વિના પોતાની મરજી મુજબ બનાવવા માંગે છે? અને સંતાનો પણ શા માટે એ મુસીબતથી ડરી નાસીપાસ થઈને એક જ રસ્તો અપનાવે છે?’ ત્યારે નીરવના ભીતરમાંથી એક અવાજ ઉઠેલો, ‘બધા તારી જેમ બહાદુર નથી હોતા કે જે પોતાની ઈચ્છાને ડામી જિંદગીની નવી શરૂઆત કરે.’ ત્યારે નિરવે મનોમન પોતાની જાતને એક સવાલ કરેલો કે, ‘આ નવી જિંદગીની શરૂઆત પણ પોતાની ઈચ્છાનુંસાર જ થયેલી?’

બસ પછી તો મગજને પોતાનાં તાબે કરી દીધેલા વિચારોએ નીરવને અતીતમાં પટક્યો.

નીરવ નવમું પાસ કરી દસમાં ધોરણમાં પ્રવેશ્યો તેનો આનંદ નીરવ કરતાં તેના માબાપ રસિકભાઈ અને કાંતાબેનને હતો. હોય પણ કેમ નહી? રસિકભાઈ અને તેના ભાઈઓના સંતાનોમાં નીરવ એકમાત્ર દસમાં ધોરણ સુધી પહોંચ્યો હતો. આર્થિક રીતે સધ્ધર નહી હોવા છતાં રસિકભાઈએ મનમાં ગાંઠ વાળી લીધેલી કે, ‘દીકરાને ગમે તે કિંમતે ભણાવશે અને જરૂર પડશે તો પોતાનું મકાન પણ વહેંચી કાઢશે, પણ નીરવને ગમે તે હાલતમાં ડોક્ટર બનાવીને જ જંપશે.’

પોતાના પર બંધાયેલી માબાપની આશાને જાણતો નીરવ રાત-દિવસ મહેનત કરવા લાગ્યો. નિરવ પરીક્ષા આપવા જવાની તૈયારી કરતો હતો ત્યાં કાંતાબેને આવી તેનું મોં મીઠું કરાવ્યું અને સારા નંબરે પાસ થવાના આશીર્વાદ આપ્યા. રસિકભાઈને પગે લાગતી વેળાએ નીરવને કાને પિતાના આશીર્વાદરૂપી શબ્દો સંભળાયા, “ધ્યાન આપીને પરીક્ષા આપજે. તારે સારા માર્ક્સે પાસ થઇ આપણા કુટુંબમાં નામ રોશન કરવાનું છે. આપણા પરિવારમાં તારે સૌપ્રથમ ડોક્ટર બનીને આખીયે જ્ઞાતિમાં નામ ઉજાળવાનું છે.’

નીરવ પૂરતું ધ્યાન આપીને પરીક્ષા આપવા લાગ્યો. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. રસિકભાઈ અને કાંતાબેન એસ.એસ.સી.બોર્ડના પરિણામની તારીખ જાહેર થઇ તે દિવસથી પોતાનો દીકરાના પહેલા નંબરે આવી ગયાના રીઝલ્ટની કાગડોળે રાહ જોવા લાગ્યા.

આખરે રીઝલ્ટ આવ્યું અને નિરવ તથા તેના માબાપની આશા પર પાણી ફરી વળ્યું. બે વિષયમાં નાપાસ થયાનો આઘાત રસિકભાઈને વસમો લાગ્યો કે પોતાની ઈચ્છાનુંસાર ન થયું તે વાતનો સ્વીકાર કરવાની હિમ્મત નહોતી? કશું સમજાય તેમ નહોતું. રસિકભાઈએ બરાબરનો ઉકરાટ ઠાલવ્યો. તે રાતે મા-દીકરામાંથી કોઈ બરાબર ઊંઘી ના શક્યું. આંખો વાટે ભીતરથી ઠલવાઈ રહેલી નીરવની વેદનાનું સાક્ષી એકમાત્ર તેનું ઓશીકું હતું. ઘડીભર માટે થયું કે, ‘જીવનનો અંત આણી દઉં.’ બીજી જ પળે એક વિચાર ચડી આવ્યો, ‘પોતાના આ પગલાથી મા પર શું વીતશે?’

જાતજાતની ગડમથલમાં નીરવની રાત પસાર થઇ. બીજો દિવસ એમ જ પસાર થઇ ગયો. નીરવને આગળ શું કરવું તે કશું સમજાઈ રહ્યું નહોતું. આમપણ તેની ઈચ્છા ડોક્ટર નહી પરંતુ ચિત્રકાર બનવાની હતી, જે હવે અધૂરી જ રહી જવાની. નીરવને કામધંધે ચડી જવાની રસિકભાઈએ સલાહ આપી. ધંધામાં રસ ના હોવા છતાં પિતાની આજ્ઞા ટાળી શક્યો નહી અને સુથારીકામે લાગી ગયો. ખીલી પર પડતાં ઘા જાણે પોતાના અરમાન પર પડી રહ્યા હોય તેવું નીરવ અનુભવતો.

“ચા ઠંડી થઈ ગઈ.” ચાનો કપ લેવા આવેલ સુરભી બોલી ત્યારે નીરવ વર્તમાનમાં પાછો આવ્યો. “ક્યાં વિચારમાં ખોવાઈ ગયેલા?”

મનોમન કંઇક નક્કી કરી બોલ્યો, “કઈ ખાસ નહી, સૌરભ એકવીસમી સદીનું બાળક છે. એને ઉડવા માટે પોતાની મરજી મુજબનું આકાશ મળવું જોઈએ.”


*સમાપ્ત*
શીર્ષક પંક્તિ: જાગૃતિ ‘ઝંખના મીરાં’