શોધ પ્રતિશોધ.. - ભાગ 1 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ પ્રતિશોધ.. - ભાગ 1

શોધ-પ્રતિશોધ..
ભાગ-1


ધીમો ઝરમરતો વરસાદ એક સરખી રીતે લયબદ્ધ વરસી રહ્યો હતો. એમાં પલળીને આવતી હવાની લહર પણ એકદમ શીતળ બનીને લોપાનાં શરીરને સ્પર્શી રહી. આમતેમ ફરફરતી વાળની લટોને પવન સાથે ગમ્મત કરતી અટકાવી પોતાના કાન પાછળ સમેટીને મૂકી દીધી. મુંબઈની દિશા તરફ ભાગી રહેલી ગાડી આજે જાણે સ્પર્ધામાં ઊતરી હતી. પોતાની ગતિને એ લોપાનાં વિચારોની ગતિ પાસે હારતી કેમ જોઈ શકે?

રાજકોટ શહેર હવે પોતાની નજરથી ધીમે-ધીમે ઓઝલ થઈ રહ્યું હતું. એ નાની હતી ત્યારથી જ એને આ રંગીલા શહેર તરફ ખૂબ લગાવ હતો. જ્યારે પણ એને વેકેશનમાં મામાની ઘરે જૂનાગઢ જવું પડતું ત્યારે તેને અજીબ બેચેની મહેસૂસ થતી. બસની બારીમાંથી બહાર તાકી રહેતી એની આંખો શહેરની હદ પૂરી થતાં જ ઉદાસ બની જતી.

આજે પણ એવું જ થઈ રહ્યું હતું. વળી, ત્યારે તો મા સાથે હતી. તો એક હૂંફ અનુભવતી. આજે તો પોતે સાવ એકલી! ને પાછી અજાણ રસ્તો, ન કોઈ એવી ધરપત આપનાર કે બધું જ ઠીક થઈ જશે.

ખેર, જવું જરૂરી પણ હતું ને. માત્ર મા માટે નહીં, પણ પોતાનાં અસ્તિત્વને સાર્થક કરવા માટે. આખરે જો એની મંજિલ સુધી એ નહીં પ્હોંચી શકે તો પોતાનું જ પ્રતિબિંબ પોતાની સામે અટ્ટહાસ્ય કર્યાં કરશે.

ગાડીનાં પૈડાંની ગતિ નીચે કચડાતાં પાટાની ઉપરની સપાટીની જેમ પોતે પણ સતત કચડાતી હતી. જ્યારથી માની ડાયરી વાંચી ત્યારથી આજ દિન સુધી કોઈ એક દિવસ એવો ન હતો કે જ્યારે પોતે પોતાની જિંદગીને નિરર્થક ન સમજી હોય. ક્યારેક એને એમ પણ થઈ આવતું કે કાશ...પોતાનાં હાથમાં એ ડાયરી ન આવી હોત. તો આજે પપ્પાનાં ગયા પછી માંડ સ્થિર થયેલી જિંદગી આટલી ભારેખમ ન બની હોત. માને આમ જીવીત છતાં મૃતઃપ્રાય અવસ્થાએ ન રહેવું પડતું હોત.

*****

"હીરા માસી, મારે જવું પડશે. એક મહિના માટે મુંબઈ."લોપા ભારે અસમંજસ વચ્ચે માને સાચવતી નર્સને કહી રહી.

"પોતાની જોબ અને આટલી જવાબદારી તેમજ તકલીફોની વચ્ચે પણ તે જો અચલા દીદીની આસપાસ રહેવા કોશિષ કરી હોય તો જરૂર કોઈ ખાસ કારણ હશે કે જેને કારણે તું આટલાં દિવસો એમનાંથી દૂર રહેવા તૈયાર થઈ છે." હીરા માસીએ લોપાની ચિંતા ઓછી કરવા વાતને હળવી બનાવી.

"હા, માસી. એમ જ સમજો કે જો નહીં જાવ તો હું એક દિવસ પાગલ થઈ જઈશ ને બાકી માની જેમ માનસિક તણાવમાં કોમામાં સરી જઈશ." લોપાનો અવાજ ગળગળો થયો.

"ના, બેટા. એવું ન બોલ. હું જોઈ રહી છું. છેલ્લાં ઘણાં દિવસોથી તારી અંદર ચાલી રહેલ યુદ્ધ. કેમકે એની અસરો તારા ચહેરાની માસુમિયત ગળી ગઈ છે." હીરા માસીનાં અવાજમાં લાગણી ભળી.

"માસી, હું તમને કેમ સમજાવું મારી પરિસ્થિતિ એ મને જ નથી સમજાતું. હા, એટલું ખરું કે મમ્મીની આ હાલત માટે જે સંજોગો જવાબદાર બન્યાં છે, તે માટે ક્યાંક નહીં ને ક્યાંક હું પોતે પણ જવાબદાર છું. આ અપરાધભાવ જેમ લાકડાને ઉધઈ કોરી ખાય એમ મને કોરી રહ્યો છે." એક આંસુ લોપાના ગાલ પર રેલાયું.

"લોપા બેટા, અચલા દીદીની આ દશા એની કિસ્મત હોય શકે. અચાનક ફેલાયેલ કોરોના કહેરમાં કેટલાંય પરિવાર બરબાદ થઈ ગયાં. મેં મારી નજર સામે દર અડધી કલાકે હોસ્પિટલમાં એક માણસ ને મરતાં જોયો છે. ઈશ્વરનું કાળચક્ર જાણે મનુષ્ય જાતથી રિસાઈને ફરી વળ્યું હતું. આ કપરો સમય કોઈને બક્ષવા તૈયાર ન હતો. તારા મમ્મી-પપ્પા પણ એની ઝપેટમાં આવી ગયાં." હીરા માસીનાં અવાજનો બોજ લોપાનાં હૃદય પર આવી બેઠો હતો.

"માસી, મને કેમ એ દિવસ ભૂલાય? જ્યારે હું કોરોનાનો ભોગ બનીને ડોક્ટરે મને હોમ ક્વોરન્ટાઈન થવાનું કહ્યું હતું. મારી સાથે પપ્પાને રિપોર્ટસ કરાવવા લઈ જવાની મારી સ્હેજે ઈચ્છા ન હતી. તો પણ મારો તાવ અને નબળાઈને લીધે પપ્પાએ મને એકલી ન જ જવા દીધી. કદાચ એ સાથે ન આવ્યાં હોત તો એમને ચેપ ન લાગ્યો હોત." ભારોભાર અફસોસ લોપાનાં અવાજે વ્યક્ત થતો હતો.

"બેટા, સ્વજન શું છે? પરિવાર શું છે? હૂંફ શું છે ? જરૂરિયાત શું છે? લાચારી શું ચીજ છે? પૈસો કેટલોક કિંમતી છે? ઉધારનાં શ્વાસ લેવાં એ વળી કઈ બલાનું નામ છે? આ બધું આ કોરોનાએ સમજાવી દીધું. વિકાસ ભાઈ તો ખેર તારા પિતા હતાં પણ કેટલાંય સેવાભાવી લોકોએ પારકી સેવા કરીને પણ આ કારમાં જીવ ખોયાં છે. હવે તે માત્ર છાપાંની વાર્ષિક શ્રદ્ધાંજલિનાં પાનાં પર દેખાય છે. માટે તું દરેક વાત માટે તારી જાતને જ જવાબદાર માનવાની ગ્રંથિમાંથી બહાર આવી જા બેટા. અચલા દીદી દરેક અવસ્થાએ તારા પર આધારિત છે. એ કોમામાંથી બહાર આવશે તો પણ એની આંખો તને જ શોધશે અને કોમામાં છે તો પણ બહાર આવવાં તારી જ હૂંફ, તારા તરફની માયા જ કામ આવશે."હીરા માસી અટક્યાં.

હા, માસી તમે સાચા છો પણ એ પછી માંડ એ આઘાતને મમ્મીએ પચાવ્યો કે પપ્પા આ દુનિયામાં નથી. એ પછી મારી અને મમ્મી વચ્ચે જે થયું એ વાત હું હાલ તમને કહી શકું એમ નથી. તમને મારા પર તમારી દીકરી લીના જેટલી લાગણી રાખો છો. મારા ચહેરામાં તમે કાયમ લીનાની હયાતિ શોધી છે. તો તમને જો ભરોસો હોય કે લોપા મુંબઈ જાય તે પાછળ જે કઈ કારણ હશે એ સમય આવ્યે કહેશે તો મને એક પણ સવાલ ન પૂછતાં. હું આખરે તો તમારી લીના જ છું ને?" લોપા બોલી.

લીનાનું નામ આવતા હીરા બેનની આંખો વરસવા લાગી. એણે લોપાને છાતી સરસી ચાંપી દીધી. લોપા પણ અચલાનાં પાલવમાં ખુદને છૂપાવી હોય એવું સુખ મહેસૂસ કર્યું.

*****
ટ્રેન આંચકા સાથે ઊભી. લોપાની આંખો સામે નીકળવાની આગલી રાતે મા સમાન હીરા માસી સાથે થયેલ ચર્ચાનાં દ્રશ્યો નજર સામે તરવરી રહ્યાં હતાં. એમાંથી એ જાણે હકીકતની દુનિયામાં આવી.

ક્રમશઃ...
©️જાગૃતિ, 'ઝંખના મીરાં'...


.