મુક્તિ - ભાગ 12 - (છેલ્લો ભાગ) Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુક્તિ - ભાગ 12 - (છેલ્લો ભાગ)

૧૨

છેલ્લો શિકાર!

 

અજયગઢ! 

હોટલ સાગર...

છેલ્લા થોડા દિવસો દરમિયાન બનેલા બનાવને કારણે  હોટલની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો હતો. પરંતુ તેમ છતાંય અત્યારે હોટલના રેસ્ટોરન્ટમાં સારી એવી ભીડ હતી.

મોટાં ભાગના ટેબલો ભરેલા હતા. જેમાં હોટલમાં ઉતરેલા મુસાફરો ઉપરાંત બહારથી આવેલા લોકોનો સમાવેશ પણ થઇ જતો હતો.

વર્દીધારી વેઈટરો ગ્રાહકોને તેમના ઓર્ડરની ખાદ્ય સામગ્રી પહોચાડવામાં મશગુલ હતા.

સહસા રેસ્ટોરન્ટના હોલમાં એક વિચિત્ર દુર્ગંધ ફેલાવા લાગી.

શરૂઆતમાં તો કોઈએ ધ્યાન ન આપ્યું.

પરંતુ ધીમેધીમે એ દુર્ગંધ વધવા લાગી અને પછી અસહ્ય થવા લાગી.

જાણે કોઈ માણસ અથવા જાનવરનું માંસ સળગતું હોય એવું લાગતું હતું.

એ દુર્ગંધમાં કેરોસીનની ગંધ વધુ પડતી હતી. 

દુર્ગંધ સમગ્ર હોલમાં છવાઈ ગઈ.

લોકોએ જમવાનું છોડી દીધું.

જમવાની વાત તો એક તરફ રહી તેમણે માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું હતું.

ખાદ્ય સામગ્રી તરફ જોતાં જ લોકોને ઉબકા આવવા લાગ્યા હતા.

સમગ્ર હોલમાં ખળભળાટ મચી ગયો.

લોકો ઉભા થઇ થઈને દરવાજા તરફ જવા લાગ્યા.

પરંતુ ત્યાં સુધીમાં એ અસહ્ય દુર્ગંધ આખી હોટલમાં ફેલાઈ ગઈ.

રિસેપ્શન, બાર રૂમ... તમામ સ્થળે દુર્ગંધ જ દુર્ગંધ હતી. 

હોટલનો સ્ટાફ વ્યાકુળ  થઈને દુર્ગંધનું ઉત્પતી સ્થળ શોધવા માટે દોડાદોડી કરતો હતો. 

પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર તેમને આવી કોઈ સળગતી વસ્તુ ન મળી.

આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર મોઝુદ તમામ ગ્રાહકો બહાર નીકળી આવ્યા હતા.

બહાર ખુલ્લી હવામાં એ દુર્ગંધનું નામોનિશાન પણ નહોતું. 

સ્થાનિક ગ્રાહકો તો તરત જ પોતપોતાના વાહન લઈને ત્યાંથી વન્જો માપી ગયા.

દુર્ગંધ હવે બીજા અને ત્રીજા માળ પર પણ ફેલાઈ ગઈ હતી.

ત્યાં ઉતરેલા મુસાફરો પણ આ દુર્ગંધથી પરેશાન થઈને બહાર નીકળી ગયા.

ત્યારબાદ ત્રીજા, ચોથા, પાંચમાં અને છઠ્ઠા માળના મુસાફરો પણ લીફ્ટ અને સીડી દ્વારા નીચે દોડ્યા. 

તેમની હાલત ખરાબ થઇ ગઈ હતી.

અમુક લોકો દોડતાં દોડતાં ઉલ્ટી કરતાં હતા તો અમુકને ઉબકા આવતા હતા.

પરંતુ તેમ છતાંય જેમતેમ કરી પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં તેઓ બહાર ખુલ્લી હવામાં પહોંચવા માટે તરફડતા હતા. 

પછી સાતમો માળ પણ ખાલી થઇ ગયો.

અડધા કલાકમાં આખી હોટલ ખાલી થઇ ગઈ.

મુસાફરોએ વેઈટર મારફત પોતપોતાના રૂમમાંથી પોતાનો સમાન પણ મંગાવી લીધો હતો અને લગભગ બધા મુસાફરો ટેક્સીમાં બેસીને ત્યાંથી કૂચ કરી ગયા હતા.

હવે તો હોટલનું પાર્કિંગ અને ટેક્સી સ્ટેન્ડ પણ ખાલી થઇ ગયું હતું. 

બીજું બધું તો ઠીક, આ દુર્ગંધને કોઈક ભૂતનું કામ સમજીને હોટલના કર્મચારીઓ પણ બધું પડતું મૂકીને ભાગી ગયા હતા. 

અને અચાનક મેનેજરને ભાન થયું કે હોટલનો બચેલો એક માત્ર માલિક તો છેલ્લા મળે ગેસ્ટ રૂમમાં રહી ગયો હતો. એ આટલી દોડાદોડી અને શોરબકોર થવા છતાંય નીચે નહોતો ઉતર્યો?

આ શું ચક્કર હતું?

શું એણે દુર્ગંધ નહીં અનુભવી હોય?

કે પછી એ શરાબના નશામાં ચકચૂર બનીને પડ્યો છે.

નાક પર રૂમાલ મૂકીને મેનેજર હોટલના દરવાજા પર પહોંચ્યો. 

એ રિસેપ્શન પર પહોંચીને ત્યાંથી ગેસ્ટ રૂમમાં ફોન કરવા માગતો હતો.

પણ આ શું?

હોટલનો વિશાળ દરવાજો તો બંધ થઇ ગયો હતો.

મેનેજરના હોશ ઉડી ગયા.

દરવાજો આપમેળે કેવી રીતે  બંધ થઇ ગયો?

સૌથી છેલ્લે તો એ જ હોટલમાંથી બહાર નીકળ્યો હતો અને એણે દરવાજો ઉઘાડો જ રહેવા દીધો હતો. 

તો પછી એ આપમેળે કેવી રીતે બંધ થઇ ગયો?

દરવાજો માત્ર બંધ જ ન હતો, અંદરથી લોક કરેલો પણ હતો.

મેનેજરે ધક્કો મારીને દરવાજો ઉઘાડવાનો પ્રયાસ કર્યો પરંતુ એ ટસનો મસ ન થયો. 

એ જ વખતે તેને પાછળથી એક કર્મચારીની બૂમ સંભળાઈ...

‘આગ...આગ...’

મેનેજર દોડીને પોર્ચમાં પહોંચ્યો.

એણે માથું ઊંચું કરીને જોયું તો સાતમા માળના એક રૂમમાં આગ લાગી ગઈ હતી જે ધીમેધીમે ફેલાતી જતી હતી.

મેનેજર બેભાન થતો બચ્યો.

આવો ચમત્કાર એણે પહેલી જ વાર જોયો હતો.

***

ત્રિલોક અત્યારે ગેસ્ટ રૂમમાં મોઝુદ હતો.

ગેસ્ટ રૂમમાં પહોંચીને એણે ચિક્કાર પીવાનું શરુ કરી દીધું હતું. પીવાના મામલામાં આજે એણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

નવ વાગ્યા સુધીમાં એ પૂરી બે બોટલ ખાલી કરી ચૂક્યો હતો. 

એ વખતે નીચે હોટલમાં શું બનતું હતું એનું તેને કશુંય ભાન ન હતું.

એણે કોઈ જાતની દુર્ગંધ નહોતી અનુભવી.

ત્રીજી બોટલ ઉઘડ્યા પછી પણ એને નશો  નહોતો ચડ્યો. ભવિષ્યની ચિંતાએ નશાને કારણે એને બેભાન નહોતો થવા દીધો.

વીતતી જતી પ્રત્યેક પળ સાથે એની સ્વતંત્રતાની પળો ઓછી થતી જતી હતી.

પોતાને તાબડતોબ અજયગઢ છોડી દેવું જોઈએ એમ તેને લાગતું હતું.

પણ ક્યાં જવું?

વિશાળગઢ કે પછી પોતાના વતન અમદાવાદ?

પણ આ બે સ્થળે કેવી રીતે જવું?

પોલીસ પણ આ ઠેકાણા વિશે જાણતી હતી. પોતાને અહીં હોટલમાંથી ગુમ જોઇને પોલીસ સીધી અમદાવાદ જ પહોંચશે અને તાબડતોબ પોતે પકડાઈ જશે.

તો પછી ક્યાં જવું?

આ સવાલનો કોઈ જવાબ એને નહોતો સૂઝતો.

પરંતુ એને અહિંથી તો નીકળવાનું જ હતું.

ઓફિસમાંથી ગેસ્ટ રૂમમાં આવતાં પહેલાં એણે કેશ કાઉન્ટર પરથી બધી રકમ સમેટી લીધી હતી.

કેશિયરે એને સિત્તેર હજાર રૂપિયા સોંપ્યા હતા, એ દિવસ હિસાબે ઘણી ઓછી રકમ હતી.

આજની તારીખમાં એની પાસે આટલી જ મૂડી હતી.

લૂંટની એક કરોડથી વધુ રકમ ક્યાં હતી? આ હોટલ ખરીદવામાં વપરાયેલા પૈસા હવે એ સમેટી શકે તેમ ન હતો.

બીજી બોટલમાંથી પણ એણે બે મોટા પેગ પીધા.

એ વખતે રાતના દસ વાગ્યા હતા.

નીચે શું બન્યું હતું, અને આખી હોટલ ખાલી થઇ ગઈ હતી એ બાબતમાં ત્રિલોક હજુ સુધી સાવ અજાણ જ હતો, એને કશીયે ખબર નહોતી પડી.

એ લથડતાં પગે ઊભો થયો.

પલંગ પર એની સૂટકેસ પડી હતી જેમાં થોડા વસ્ત્રો અને સિત્તેર હજાર રૂપિયા રોકડા પડ્યા હતા. 

સ્કોચની એક બોટલ પણ એણે સૂટકેસમાં મૂકી દીધી હતી.

ભગવાન જાણે ભવિષ્યમાં સ્કોચ મળશે કે નહીં!

એ સૂટકેસ તથા ટેબલ પર પડેલી કારની ચાવીઓ ઊંચકીને બહાર નીકળ્યો અને લીફ્ટ તરફ આગળ વધ્યો.

ગેસ્ટ રૂમ સાથે જોડાયેલી એ પર્સનલ લીફ્ટ હતી.

આ લીફ્ટનો ઉપયોગ હોટલના માલિકો અથવા કર્મચારીઓ જ કરતા હતા.

પરંતુ અત્યારે લીફ્ટ ઉપર નહોતી.

ત્રિલોકે સૂટકેસ જમીન પર મૂકી અને લીફ્ટ બોલાવવા માટેનું બટન દબાવ્યું. 

પરંતુ ઈન્ડીકેટર નિર્જીવ રહ્યું. એમાં કોઈ લાઈટ ન થઇ.

લીફ્ટને શું થયું હતું? એમાં કંઈ બગાડ તો નહોતો થયો ને? આમ વિચારી સૂટકેસ ઊંચકીને તે સીડી તરફ આગળ વધ્યો.

પરંતુ ચાર-પાંચ પગથિયાં ઉતરતા જ એ ઊભો રહી ગયો.

એનો નશો કપૂરની જેમ ઊડી ગયો.

નીચેથી ધુમાડો નીકળતો હતો. ગરમ હવાના સપાટાથી સ્પષ્ટ લાગતું હતું કે સાતમે માળે ક્યાંક આગ લાગી હતી. ત્રિલોકના હોશ ઊડી ગયા. સૂટકેસને ત્યાં જ પડતી મૂકીને એ વધુ ત્રણ-ચાર પગથિયાં નીચે ઉતર્યો.

એણે જોયું તો સાતમા માળની આખી લોબી અગ્નિના ભરડામાં આવી ગઈ હતી. માત્ર લોબી જ નહીં, છઠ્ઠા માળ સુધી પહોંચતાં પગથિયાં પર પણ આગ ફેલાઈ ગઈ હતી.

અર્થાત્ હવે તે ન તો સીડી માર્ગે નીચે જઈ શકે તેમ હતો કે ન તો એ ત્રણ લીફ્ટો સુધી કે જે સાતમા માળ સુધી આવતી હતી.

ગરમી અને ધુમાડાને કારણે એની આંખમાં બળતરા થવા લાગી હતી. હવામાં ઓક્સિજન ઓછો થઇ જવાને કારણે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. એ પીઠ ફેરવીને ઉપરના ભાગ તરફ દોડ્યો.

પગથિયાં પરથી પોતાની સૂટકેસ ઊંચકીને એ ગેસ્ટ રૂમમાં પહોંચ્યો.

એનો કંઠ સૂકાવા લાગ્યો હતો. પેટમાં ગયેલી વ્હીસ્કી હવે શરીરમાં ગરમી ફેલાવવા લાગી હતી.

એ હેબતાઈને પોતાના રૂમમાં પહોંચ્યો અને સૂટકેસને જમીન પર ફેંકીને બાલ્કની તરફ દોડ્યો.

બાલ્કનીમાંથી નીચે નજર કરતાં જ એના મોતિયા મરી ગયા.

સાતમો માળ ધીમે ધીમે સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગયો હતો. હવાની સાથે આગ ઉપરના ભાગ તરફ આગળ વધતી હતી. આગ જે રફતારથી આગળ વધતી હતી એના પરથી સ્પષ્ટ થઇ જતું હતું કે વધુમાં વધુ અડધા કલાકમાં ગેસ્ટ રૂમ પણ એના ભરડામાં આવી જવાનો હતો.

ત્રિલોક ટેલિફોન તરફ ધસી ગયો. એણે રિસીવર ઊંચકીને કાન પર મૂક્યું પણ તે ડેડ હતો.

ત્રિલોકના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ચમકી ઉઠ્યા. એને પોતાની ચારેતરફ મોત ભમતું લાગ્યું. 

અંગારા પર નાચતું મોત! આ મોતની કલ્પના માત્રથી જ એ ધ્રૂજી ઉઠ્યો. આ ઘડીએ કોણ જાણે કેમ તેણે મોહનના મોતનો વિચાર આવ્યો. એ બિચારાને પણ આવું જ મોત મળ્યું હતું.

સહસા એણે એક વિચિત્ર દુર્ગંધ અનુભવી.

માણસનું માંસ સળગવાની ગંધ. જરૂર સાતમા માળ પર કોઈ સળગતું હતું. 

પરંતુ આ દુર્ગંધમાં કેરોસીનની ગંધ શા માટે ભળેલી હતી?

‘શું વિચારે છે ત્રિલોક?’ એક અવાજ ગુંજી ઉઠ્યો.

ત્રિલોકે સ્ફૂર્તિથી પીઠ ફેરવી. 

હમણાં જ કોઈકે તેને બોલાવ્યો હતો. પણ કોણે? એને દૂર બાલ્કની સુધી કોઈ ન દેખાયું. તો પછી આ અવાજ કોનો હતો?

કોઈક અજ્ઞાત ખોફથી ત્રિલોકના રૂંવાડાં ઊભા થઇ ગયા.

‘હું અહીં જ છું... તારી પાસે...!’ ફરીથી એ જ અવાજ ગુંજી ઉઠ્યો.

ત્રિલોકના દેહમાં ધ્રૂજારી ફરી વળી. 

‘ક... કોણ છે તું? ક્યાં છો?’ ત્રિલોકે કંપતા અવાજે પૂછ્યું.

‘કહ્યું તો ખરું કે તારી પાસે જ છું. પણ તું મને નહીં જોઈ શકે ત્રિલોક.’

‘ક... કોણ છો તું? શું તું કોઈ ભૂત છો?’

‘હા, હું ભૂત છું.’ આ વખતે ગુંજેલા અવાજમાં બરફ જેવી ઠંડક હતી. દિલાવરે જે ભૂતનો ઉલ્લેખ કર્યો હતો, એ તેની કલ્પના નહોતી, એણે તને સાચી હકીકત જ જણાવી હતી.’

‘તું તારો અવાજ મને પરિચિત લાગે છે. મેં અગાઉ પણ આ અવાજ...’

‘તે જરૂર અગાઉ મારો અવાજ સાંભળ્યો છે ત્રિલોક...’ અદ્રશ્ય અવાજે વચ્ચેથી જ એની વાતને કાપી, ‘મોહન ચૌહાણનો અવાજ તું અગાઉ કેટલીયે વાર સાંભળી ચૂક્યો છો ત્રિલોક!’

ત્રિલોકના મોમાંથી તીણી ચીસ ન ઇકલી ગઈ.

જવાબમાં હાડોહાડ થીજવતું, કંપાવતું એક અટ્ટહાસ્ય ગુંજી ઉઠ્યું.

ત્રિલોકને ચક્કર આવી ગયા.

એ જ વખતે એક ધડાકા સાથે લાઈટ ચાલી ગઈ.

આગને કારણે શોર્ટ સર્કીટ થઇ હતી.

પળભરમાં જ ગેસ્ટ રૂમમાં ભયંકર અને કાળજું કંપાવતું અંધારું છવાઈ ગયું.

ભયના અતિરેકને કારણે ત્રિલોકના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

એનો દેહ જાણે ટાઢિયો તાવ આવ્યો હોય એમ કંપવા લાગ્યો.

અંધકારભર્યા વાતાવરણમાં એના અંગેઅંગમાં દહેશત ફરી વળી.

એનો નશો તો ક્યારનોય ઉડી ગયો હતો.

એ જ વખતે દરવાજા પાસે એક પ્રકાશ બિંદુ ચમકી ઉઠ્યું.

ત્યાં ધુમાડાની બનેલી એક આકૃતિ દેખાઈ. એ આકૃતિની આજુબાજુમાં આગની જ્વાળાઓ નાચતી હતી.

આકૃતિ પારદર્શક હતી. એની પાછળ રહેલી દિવાલ પણ ત્રિલોકને સ્પષ્ટ રીતે દેખાતી હતી.

‘મને ઓળખ્યો?’ એ જ આકૃતિનો અર્થાત મોહન ચૌહાણનો અવાજ ગુંજ્યો, ‘જ્યારે તે મારા શરીર પર આગ લગાવી હતી ત્યારે હું આવી રીતે જ સળગ્યો હતો. જોઈ લે... હજુ હું સળગું છું. મારી આ આગ કેવી રીતે બુઝાશે, મારા આત્માને ક્યારે શાંતિ મળશે એની તને ખબર છે? નહીં જ ખબર હોય. તો સાંભળ, દિલાવર તથા ગજાનનની જેમ તું પણ સળગી જઈશ પછી જ મને ચેન પડશે!’

‘શું... શું...? એ બંનેને તે જ સળગાવ્યા હતા?’ ત્રિલોકે ડઘાયેલા અવાજે પૂછ્યું.

‘હા...’ મોહનનો આત્મા એક  ભયંકર અટ્ટહાસ્ય રેલાવ્યા બાદ બોલ્યો, ‘એક શરાબથી સળગ્યો હતો અને બીજો પેટ્રોલથી. એ બંને મારી દુનિયામાં અવી ચૂક્યા છે. તેઓ મારી દુનિયામાંથી ખૂબ મોજથી આ તમાશો જુએ છે અને તારા આગમનની રાહ જુએ છે, ત્રિલોક!’

‘ના... ના...’ ત્રિલોક ભયથી ચીસ નાખતો બે-ત્રણ ડગલાં પાછળ ખસી ગયો, ‘હું... હું મરવા નથી માગતો.’

‘એમ?’

‘હા...’

‘મરવાની ઈચ્છા કોની હોય છે ત્રિલોક? કોઈનીયે નહીં, મારી ઈચ્છા પણ નહોતી. હું મારી મીનુ સાથે જીવવા માગતો હતો. એની સાથે ઘર વસાવવા માગતો હતો. મેં તો ક્યારેય મારી માને નથી જોઈ, પણ મીનુની મા ને હું મારી મા સમજીને એની સેવા કરીને માની ખોટ પૂરી કરવા માગતો હતો. હું પણ બે બાળકોનો બાપ બનવા માગતો હતો, પણ ના  હું આમાંનું કશું જ ન કરી શક્યો. મારું એકેય સપનું સાકાર ન થયું. મારી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. મારી આકાંક્ષાઓ અતૃપ્ત રહી ગઈ, અને હું મરી ગયો. ગજાનન પણ મરવા નહોતો માગતો. પરંતુ એને પણ મરવું પડ્યું. દિલાવર પણ ક્યાં મરવા માગતો હતો? પરંતુ મર્યો તો એ પણ છે ત્રિલોક! તો પછી તું મોતથી શા માટે ગભરાય છે? આવ મારા ગળે વળગી જા, હું તને મારી સાથે લઇ જવા માટે આવ્યો છું...’

‘ના... ના...’

‘મોડું શા માટે કરે છે ત્રિલોક? તારા બંને ભાગીદારો તો મારી દુનિયામાં આવી ગયા છે. તું પણ ચાલ. ત્યાં કોઈક લુંટની  યોજના બનાવીશું. ત્યાં આવીને તું ફરીથી તો મને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ નહીં કરે ને?’

‘ન... ના... મને છોડી દે! માફ કરી દે! મને અહિંથી જવા દે મોહન.’ ત્રિલોક કરગરતા અવાજે બોલ્યો, ‘હું મારી ભૂલ કબૂલ કરું છું....’ મારાથી ભૂલ થઇ ગઈ, બહુ મોટી ભૂલ થઇ ગઈ...’

‘તો આ ભૂલની સજા ભોગવ ત્રિલોક!’ આકૃતિ જોરથી કર્કશ અવાજે બરાડી ઉઠી, ‘સજાથી શા માટે ગભરાય છે? તારે ગભરાવું હતું તો  કાળા કરતૂતો કરતાં પહેલાં ગભરાવું જોઈતું હતું. હવે શું લાભ? હવે તો તારો અંતિમ સમય નજીક આવી ગયો છે ત્રિલોક!’

‘ન...ના... મને છોડી દે... અહીંથી જવા દે...’

‘તો તું જવા માગે છે એમ ને?’ આકૃતિએ હાસ્ય કરતાં પૂછ્યું.

‘હા...’

‘પણ તું જઈશ ક્યાંથી? બહાર તો આગ લાગી છે ત્રિલોક? આ માળની પર્સનલ લીફ્ટ નકામી  બની ગઈ છે. સીડી પર પણ આગ છે અને હવે તો ઉપર પણ આગ લાગી ગઈ છે. જા... જરા દરવાજે જઈને નજર કરી લે, આગ લોબીમાં ફેલાઈ ગઈ છે અને એ અહીં પણ આવશે. યાદ છે ત્રિલોક? ઉત્તમચંદ જ્વેલર્સના ભોંયરામાં મને સળગાવવામાં આવ્યો ત્યારે  હું પણ આ રીતે તરફડતો હતો, મને બહાર નીકળવા માટે કોઈ માર્ગ નહોતો મળતો, હું લાચારી ભર્યા મોતે મરતો હતો અને તું તથા દિલાવર પૈસા ભરેલી બ્રિફકેસ લઈને ચાલ્યા ગયા હતા. તમે લોકોએ પૈસા કબજે કરીને મને મોતને હવાલે કરી દીધો. દરવાજા તરફથી તારે માટે  પણ એવું જ મોત આવે છે. પહેલાં તો આ રૂમનું ફર્નીચર સળગશે, પડદા સળગશે, કારપેટ સળગશે અને પછી છેલ્લે તારા વસ્ત્રો આગ પકડશે... તારા માથાના વાળ ઉડી જશે... તારી ચામડી સળગશે... તારી આંખો સળગશે... આગની જ્વાળાઓ લપેટાઈ જશે... તું આમતેમ દોડાદોડી કરીશ! તું બચાવ માટે જ્યાં જઈશ ત્યાં તને આગની જ્વાળાઓ જ મળશે. જે લાચારીભર્યું મોત તે મને આપ્યું હતું, બિલકુલ એવું જ મોત તને પણ મળશે ત્રિલોક!’

‘મ... મને માફ કરી દે... મને જવા દે...’ ત્રિલોક દરવાજા સામે તાકી રહેતા રડમસ અવાજે બોલ્યો.

‘તું જવા માગે છે? જો કદાચ હું તને જવાની રજા આપું તો પણ તું ક્યાંથી જઈશ?’ મોહનના આત્માએ ભયંકર હાસ્ય કરતાં કહ્યું, ‘તારા જવાનાં તમામ માર્ગો તો બંધ થઇ ચૂક્યા છે? હા, હજુ એક માર્ગ જરૂર બાકી રહ્યો છે! ત્યાંથી તું જરૂર જઈ શકે છે!’

‘ક... ક્યાં છે?’

‘ત્યાં બાલ્કની તરફ જો... બાલ્કનીમાંથી દોરડું લટકાવીને જો તું ચોથા માળ સુધી પહોંચી જાય તો ત્યાંથી નીચે જઈ શકે તેમ છે. ત્યાં હજુ આગ નથી પહોંચી અને આ દરમિયાન કદાચ ફાયરબ્રિગેડવાળાઓ પણ આવી જશે. તારા બચાવનો આ એક માર્ગ બાકી રહ્યો છે. તારી પાસે કોઈ દોરડું છે?’

‘તું... તું મને જીવતો છોડી દે છે?’ ત્રિલોકે કંપતા અવાજે પૂછ્યું.

‘હા, હું તને જવા દઉં છું! બચી શકે તેમ હો તો બચી જા! હું તને જતાં નહીં અટકાવું. પણ તું હવે નાહક જ તારો કીમતી સમય વેડફે છે. આગ અહીં પહોંચવાની તૈયારીમાં જ છે. પરંતુ કમસે કમ ચોથા માળા સુધી પહોચાડી શકાય એવું લાંબુ દોરડું ક્યાંથી લાવીશ?’

‘દોરડું છે!’ ત્રિલોક આશા મિશ્રિત ઉત્તેજનાભર્યા અવાજે બોલ્યો, ‘ગેસ્ટ રૂમના સ્ટોર રૂમમાં પડ્યું છે!’

‘વેરી ગૂડ! તો પછી તું બચી જઈશ. જ દોરડું લઇ આવ.’ કહીને આકૃતિએ કટાક્ષભર્યું હાસ્ય કર્યું.

પરંતુ મોતને સામે જોઇને ત્રિલોક એના કટાક્ષભર્યા હાસ્યનો અર્થ સમજી નહોતો શક્યો. એ તરત જ સ્ટોરરૂમમાંથી દોરડું લઈને પાછો ફર્યો.

એ જ વખતે એના પર કોઈક પ્રવાહીનો વરસાદ થયો.

ત્રિલોક અટકી ગયો. કેરોસીનની ગંધ એણે સ્પષ્ટ અનુભવી. તે પગથી માથા સુધી ધ્રૂજી ઉઠ્યો. એણે આકૃતિ તરફ જોયું. કેરોસીનનું ખાલી તીન આકૃતિ પાસે પડ્યું હતું. ત્રિલોકના કંઠમાંથી કાળજગરી ચીસ સરી પડી.

‘અ... આ તે શું કર્યું મોહન?’

‘કંઈ જ નથી કર્યું! કેરોસીન શરીર પર પડે તો કેવી ગંધ આવે છે એ હું જોવા માગતો હતો. પણ ત્રિલોક હવે તારું આવી બન્યું છે. આગનો એક મામૂલી તણખો તારા પર પડે એટલી જ વાર છે. બચવું હોય તો તાબડતોબ બાલ્કનીની રેલીંગ પર દોરડું  બાંધીને નીચે ઉતરી જા!’

ત્રિલોક દોરડું લઈને બાલ્કની તરફ દોડ્યો.

એણે કંપતા હાથે દોરડાનો એક છેડો રેલીંગ સાથે બાંધ્યો અને બીજો છેડો બહારના ભાગમાં નીચે લટકાવ્યો. ત્યારબાદ એણે પીઠ ફેરવીને આકૃતિ સામે જોયું. મોહન ચૌહાણની ઝાંખી આકૃતિ.

‘જા ત્રિલોક...’ આકૃતિએ કટાક્ષભર્યું હાસ્ય કરતાં કહ્યું, ‘જા... નીચે ઉતર... શાબાશ! તારી પાસે સમય બહુ ઓછો છે. અત્યારે તારે માટે એક એક પળ કીમતી છે. જો નીચેના માળ પર લાગેલી આગ તારા શરીરને સ્પર્શશે તો તું નહિ બચી શકે. હજી તો આ બાલ્કની અને નીચેના માળ વચ્ચે ઘણું અંતર છે... તું બચી જઈશ!’

ત્રિલોક બાલ્કની પર નમ્યો, વળતી જ પળે એ દોરડું પકડીને ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યો. સાતમા માળે પહોંચીને એણે ઉપર નજર કરી.

આકૃતિ બાલ્કનીની રેલીંગ પાસે ઉભી હતી.

ત્રિલોક થોડો નીચે સરક્યો અને પછી ઊંચું જોયું. 

એને આકૃતિના હાથમાં લાઈટર દેખાયું. આકૃતિએ લાઈટર પેટાવીને તેનો સળગતો છેડો દોરડા ઉપર મૂકી દીધો. ત્રિલોકના મોંમાંથી ભયંકર ચીસ નીકળી ગઈ. લટકતા દોરડા ઉપર એનું સંતુલન બગડી ગયું અને દોરડું હવામાં લટકવા માંડ્યું.

ત્રિલોકના મોંમાંથી કાળજું કંપાવતી ચીસ નીકળી.

ઉપરનું દોરડું આગ પકડી ચૂક્યું હતું અને ત્રિલોકના હાથ કેરોસીનથી ભીંજાયેલા હોવાને કારણે આ આગ ઝડપતી દોરડા પર ફેલાતી જતી હતી. અને પછી દોરડું બીજી વાર હવામાં લહેરાયું અને એ સાથે જ સાતમા માળે સળગતી આગળ ત્રિલોકના દેહને સ્પર્શી ગઈ. વળતી જ પળે એનો દેહ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો.

ત્રિલોકના કંઠમાંથી કાળજગરી ચીસ સરી પડી. એના સળગતા હાથમાંથી દોરડાની પકડ છૂટવા લાગી.

એણે દોરડાને પકડી રાખવાનો ભરચક પ્રયાસ કર્યો. પળભર માટે દોરડું પકડી રાખવામાં એને સફળતા પણ મળી.

પરંતુ ત્યાં સુધીમાં આગે એના વાળને પોતાના ભરડામાં લઇ લીધા હતા.

આંખના પલકારામાં જ એના વાળ સળગી ગયા. ત્રિલોકના મોંમાંથી પીડાભરી ચીસો નીકળતી હતી.

એણે છેલ્લી વાર ઉપર નજર કરી.

આકૃતિ તેને આકાશ તરફ સંકેત કરતી દેખાઈ. કદાચ તેને ‘ઉપર મળીશું’ એવો સંકેત કરતી હતી.

ત્યારબાદ પીડાએ ત્રિલોકને કશુંય સમજવા કે વિચારવાની તક ન આપી.

આગની જ્વાળાઓ એની આંખમાં ઘુસી ગઈ.

પછી ક્યારે એના હાથમાંથી દોરડું છટક્યું અને ક્યારે એ નીચે પહોંચીને નક્કર જમીન પર પટકાયો એની તેને કંઈ જ ખબર ન પડી. એ મૃત્યુ પામ્યો હતો.

એ જ વખતે દૂરથી ફાયરબ્રિગેડની ગાડીઓનો અવાજ ગૂંજી ઊઠ્યો.

મોહનની આકૃતિ બાલ્કનીમાંથી ગુમ થઇ ગઈ હતી.

***

વામનરાવની જીપ પૂરપાટ વેગે હાઈવે પર દોડતી હતી. જીપ ડ્રાયવર ચલાવતો હતો.

સહસા ડ્રાઈવરે જીપ ઉભી રાખી દીધી. 

પાછળ બેઠેલો વામનરાવ ચમક્યો. એણે પોતાની સામેની સીટ પર બેઠેલી મિનાક્ષી સામે જોયું કે જે અત્યારે ઊંઘતી હતી. આગળની સીટ પર ડ્રાઈવરની બાજુમાં સબ. ઇન્સ્પેક્ટર અમરજી એક સિપાહી સથે બેઠો હતો. 

‘શું થયું?’ વામનરાવે ડ્રાયવરને ઉદ્દેશીને પૂછ્યું.

‘કદાચ રેડિયેટરમાં પાણી ખલાસ થઇ ગયું છે સાહેબ!’ ડ્રાયવરે જવાબ આપ્યો, ગાડી ખૂબ જ ગરમ થઇ ગઈ છે.’ વાત પૂરી કરી, દરવાજો ઉઘાડીને એ  નીચે ઉતરી આવ્યો. એની સાથે જ વામનરાવ વિગેરે પણ નીચે ઉતર્યા. થોડી પળો બાદ ડ્રાયવર ફરીથી બોલ્યો. ‘સાહેબ, કેનમાં પાણી નથી!’

‘કેનમાં પાણી નથી એની તને પહેલેથી ખબર નહોતી?’ વામનરાવે ધૂંધવાતા અવાજે કહ્યું, ‘આ ઉજ્જડ સ્થળે ક્યાં પાણી મળશે?’

‘હું પ્રયાસ કરું છું સાહેબ! કદાચ ક્યાંક મળી જાય?’ ડ્રાયવર બોલ્યો, ‘મેં તો વિશાળગઢથી નીકળતી વખતે કેનમાં પાણી ભર્યું જ હતું. પણ ભગવાન જાણે કેવી રીતે ખાલી થઇ ગયું?’

વામનરાવે મોં મચકોડીને પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો. રાતના એક વાગીને ઉપર પાંચ મિનીટ થઇ હતી.

‘અહીંથી અજયગઢ હજુ કેટલું દૂર છે?’ એણે પૂછ્યું.

‘લગભગ બસો કિલોમીટર!’ ડ્રાયવરે જવાબ આપ્યો.

‘ઓહ!’ વામનરાવ સ્વગત બબડ્યો, ‘કમબખ્ત જીપને પણ અત્યારે જ અટકવાનું સુઝ્યું? ત્યાં જોતો? સડકની પેલી તરફ વસ્તી જેવું દેખાય છે. અમરજી, તું પણ જા. જલ્દીથી પાણી લઈને આવો. એક તો આપણે પહેલેથી જ મોડું થઇ ગયું છે. એંસી-નેવું કિલોમીટરની સ્પીડે જઈશું તો પણ અજયગઢ પહોંચતાં અઢી-ત્રણ કલાક લાગી જશે.

અમરજી ધીમેથી માથું હલાવીને ડ્રાયવર તથા સિપાહી સાથે વસ્તી તરફ આગળ વધી ગયો.

એ ત્રણેય થોડે દૂર ગયા હતા ત્યાં જ જીપમાં દુર્ગંધ ફેલાવા લાગી. 

આ દરમિયાન મિનાક્ષીની ઊંઘ પણ ઊડી ગઈ હતી.

દુર્ગંધ અનુભવતાં જ બંને એકદમ ચમકી ગયા.

‘અરે... આ તો મોહનના આત્માના આગમનનો સંકેત છે!’ સહસા વામનરાવ બોલ્યો, ‘જરૂર એ આટલામાં જ ક્યાંક મોઝુદ છે!’

‘જી હા! હું આપણી ખૂબ જ નજીક છું ઇન્સ્પેક્ટર સાહેબ!’ જીપ પાસેથી મોહનનો અવાજ ગુંજ્યો, ‘આપને અજયગઢ પહોંચતાં ઘણું મોડું થઇ ગયું સાહેબ! હવે આપ ત્યાં જઈને શું કરશો?’

‘એટલે?’ વામનરાવે ચમકીને પૂછ્યું, ‘ શું તે...’

‘જી હા. મેં મારું વેર લઇ લીધું છે! આપ જેને પકડવા માટે અજયગઢ જાઓ છો એ હવે આ દુનિયામાં નથી રહ્યો. ત્રિલોક પણ સળગીને મૃત્યુ પામ્યો છે! એણે લૂંટના પૈસામાંથી ખરીદેલી હોટલ પણ બરબાદ થઇ ગઈ છે. હવે ત્યાં માત્ર ખંડેર જ રહ્યું છે.’

‘આ તે શું કર્યું મોહન?’ વામનરાવે એક  ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ‘આવું કરવાનો તને કોઈ હક નહોતો!’

‘હકની વાત ન કરો સાહેબ. એની પરિભાષા એટલી ગૂંચવાયેલી છે કે આપણા બેમાંથી કોઈ તેને ઉકેલી શકીએ તેમ નથી. હવે તો ખેર, આ મામલો જ પૂરો થઇ ગયો છો. આપ અહિંથી જ પાછા ફરી જાઓ. અને હા, આજે હું છેલ્લી વાર આપને તથા મિનાક્ષીને મળવા આવ્યો છું. હવે આપની દુનિયામાં મારું કોઈ કામ બાકી નથી રહ્યું. આપ વિધિસર મારા અંતિમસંસ્કાર કરો એટલું જ હું ઈચ્છું છું. પાંચ બ્રાહ્મણોને જમાડજો અને મારા આત્માની શાંતિ માટે પૂજાપાઠ કરાવજો. મારો આત્મા ખૂબ જ થાકી ગયો છે, હવે એને પણ આરામની ખૂબ જ જરૂર છે. બોલો, આપ મારા આત્માની શાંતિ માટે આટલું કરશો ને?’

‘હા, મોહન!’ વામનરાવ રૂંધાતા અવાજે બોલ્યો.

‘મીનુ!’ મોહનના આત્માએ મિનાક્ષીને સંબોધીને કહ્યું, ‘તારી જાત પર કાબૂ રાખ. મરેલા માણસને યાદ કરવામાં નથી આવતો એ જ તમારી દુનિયાનો નિયમ છે. તું મને આટલો યાદ કરતી રહીશ તો પણ મારા આત્માને મોક્ષ નહીં મળે એ અમારી દુનિયાનો નિયમ છે. જીવિત માનવી અમને યાદ કરે તો એની યાદ અમારા સુધી પહોંચી જાય છે. યાદોની આ ગુંજથી અમે બેચેન બની જઈએ છીએ અને ક્યારેક ક્યારેક અમારે આ દુનિયામાં પાછું આવવું પડે છે. અને અમારું આ આગમન યોગ્ય નથી ગણાતું. હું તારા પ્રેમની અને મારા પ્રત્યેની તારી અનહદ લાગણીની કદર કરું છું, પરંતુ હવે આ ભાવનાઓનો ત્યાગ કરીને તારી મમ્મી કહે ત્યાં લગ્ન કરી લે અને તારું ઘર વસાવી લે. જે વસ્તુ ક્યારેય મળવાની નથી એનો મોહ રાખવો શું કામનો? આવા મોહનો ત્યાગ કરવો જોઈએ.’

‘ના.. મોહન!’ કહેતાં કહેતાં મિનાક્ષી રડી પડી.

‘તારા આંસુ મારા છૂટકારાના માર્ગમાં અડચણરૂપ બને છે મીનુ!’ પીડાભર્યા અવાજે મોહનના આત્માએ જાણે કે ફરિયાદ કરી, ‘તારા આંસુઓથી તો હું ભટકતો રહીશ! થાકેલા શરીરની જેમ થાકેલા આત્માઓને પણ આરામની જરૂર હોય છે મીનુ. મારો આત્મા આમ જ શૂન્યમાં ભટકતો રહે, પિશાચો અને ભૂતપ્રેતોના સુક્ષ્મ સંસારમાં ઠોકરો ખાતો રહે એમ શું તું ઈચ્છે છે?’

‘ના... ના..’ મિનાક્ષી માંડ માંડ બોલી શકી.

‘તો પછી તારા આંસૂ લુછી નાખ! ઇન્સ્પેક્ટર સાહેબ આ નાદાનને સમજાવો.’

‘મોહન સાચું કહે છે મિનાક્ષી!’ વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, ‘શું તું મોહનના આત્માને ક્યારેય શાંતિ ન મળે એમ ઈચ્છે છે?’

મિનાક્ષીએ ચૂપચાપ હથેળી વડે પોતાની આંખો લૂછી નાખી.

‘શાબાશ!’ મોહનના આત્માનો પ્રસન્ન અવાજ ગુંજ્યો, ‘હવે મને  છૂટકારો મળી જશે. વિશાળગઢ પહોંચતા જ ધાર્મિક વિધિ મુજબ મારા અંતિમસંસ્કાર કરવાનું ભૂલીશ નહીં! અને મીનુ... હું જીવતો હતો, ત્યારે જે સપનાઓ જોયા હતા, એને પૂરાં કરવાનો પ્રયાસ કરજે! મારા પ્રત્યેના તારા પ્રેમની એ સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. ઇન્સ્પેક્ટર સાહેબ, આપણ પણ આપણા સહકારીઓ સાથે અહીંથી જ પાછા ફરી જાઓ! સારું, હવે હું જાઉં છું... અલવિદા...’

વળતી જ પળે દુર્ગંધ પણ દૂર થઇ ગઈ.

મોહનનો આત્મા ચાલ્યો ગયો હતો.

અમરજી, ડ્રાઈવર તથા સિપાહી પાંચેક મિનિટમાં જ પાણી લઈને આવી ગયા.

ડ્રાયવરે રેડિયેટરમાં પાણી રેડ્યું.

આ દરમિયાન અમરજી તથા સિપાહી જીપમાં બેસી ગયા હતા.

ડ્રાયવરે રેડિયેટર બંધ કરીને બોનેટ નીચું કર્યું.

પછી ડ્રાયવીંગ સીટ પર બેસીને એણે જીપ સ્ટાર્ટ કરી. જીપ તરતજ સ્ટાર્ટ થઇ ગઈ.

‘પાંડુ..,!’ સહસા વામનરાવ ડ્રાયવરને ઉદ્દેશીને ગંભીર અવાજે બોલ્યો, ‘જીપને વિશાળગઢ તરફ પાછી વાળી લે.’

‘પણ સાહેબ, આપ તો અજયગઢ...’

‘બરાબર છે... પણ હવે અજયગઢ જવાની કંઈ જરૂર નથી. કામ અહીં જ પૂરું થઇ ગયું છે!’ વામનરાવે પૂર્વવત અવાજે કહ્યું.

ડ્રાયવરે જીપને વિશાળગઢ તરફ પાછી વાળી. 

વામનરાવે અચાનક જ વિશાળગઢ પાછા ફરવાનો આદેશ શા માટે આપ્યો એ વાત પર અમરજી, સિપાહી તથા ડ્રાયવર મનોમન અચરજ અનુભવતા હતા.

પરંતુ વિશાળગઢ પાછા ફરવાનું કારણ માત્ર ત્રણ જ જણ જાણતા હતા.

એક તો મિનાક્ષી!

બીજો વામનરાવ!

અને ત્રીજો?

ત્રીજો મોહનનો આત્મા!

એ આત્મા જેને દુશ્મનો સાથે વેર લીધાં પછી હવે છૂટકારો મળી ગયો હતો.

સુક્ષ્મ સંસારના તમામ બંધનોમાંથી એ મુક્ત થઇ ગયો હતો. 

 

સમાપ્ત