મુક્તિ - ભાગ 9 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુક્તિ - ભાગ 9

પ્રેતનું ચક્કર 

 

ગેસ્ટ રૂમના દરવાજા પર ટકોરા પડ્યા.

ત્રિલોક વર્તમાનમાં પાછો ફર્યો.

ટકોરાનો અવાજ સાંભળીને એ ચમક્યો. 

‘યસ... કમ ઇન...’ એણે પીઠ ફેરવીને દરવાજા સામે જોતાં ઊંચા અવાજે કહ્યું.

વળતી જ પળે દરવાજો ઉઘાડીને ગજાનન અંદર પ્રવેશ્યો. 

‘એકલો જ આવ્યો છો? દિલાવર ક્યાં છે?’ ત્રિલોકે પૂછ્યું.

‘પોતાના બંગલામાં, સવારથી જ શરાબ પીએ છે અને અત્યારે ચકચૂર હાલતમાં પડ્યો છે.’ ગજાનન બાલ્કનીમાં પાથરેલી ખુરશી પર બેસતાં બોલ્યો, ‘ધરપકડ પછીથી એની હાલત ખરાબ છે. કાં તો એ ભાનમાં નથી રહેતો અને રહે છે તો જાણે પોલીસ ફરીથી ધરપકડ કરવા આવશે એવા ભયથી ગભરાયેલો રહે છે.’

‘હા, ગજાનન! આપણી સાથે આ ઘણું ખોટું થયું છે.’ ત્રિલોકે ધીમેથી માથું હલાવતાં ગંભીર અવાજે કહ્યું, ‘કોર્ટે તો આપણને નિર્દોષ છોડી મૂક્યા છે પરંતુ આપણા માથા પર ડાઘ તો લાગી જ ગયો છે. આ ડાઘે અજયગઢની ઉંચી સોસાયટીમાં આપણને હલકાં પાડી દીધાં છે. આપણા બિઝનેસમાં પણ ફરક પડી ગયો છે. પરંતુ પોલીસને આપણી ખબર કેવી રીતે પડી દે એ વાત હજુ સુધી મને નથી સમજાતી.’

‘આ કામ જરૂર પેલા નાલાયક પ્રીતમસિંહનું જ છે.’ ગજાનન દાંત કચકચાવતા બોલ્યો.

‘ના... મેં કેટલી વાર કહ્યું કે આ કામ પ્રીતમસિંહનું ન હોઈ શકે.’ ત્રિલોકનો અવાજ મક્કમ હતો, ‘એ આવી મૂર્ખાઈ કરીને પોતાના જ પગ પર કુહાડી ન મારે. આવું પગલું ભરીને એ પોતાના પાંચ લાખ રૂપિયા પર પાણી ન ફેરવે. આ બાતમી એણે પોલીસને નથી આપી લગતી. અને યાદ રાખ... કાલે છ મહીના પૂરા થાય છે. આવતીકાલે એ પોતાના બાકીના પાંચ લાખ રૂપિયા લેવા માટે એ જરૂર અહીં આવશે.’

‘એ નહીં આવે.’

‘એ આવશે અને આ બાબતમાં હું મારી હોટલની ભાગીદારીની શરત મારવા માટે તૈયાર છું.’

ગજાનન ચૂપ રહ્યો. પરંતુ તેમ છતાંય એના ચહેરા પર આશ્વાસનના હાવભાવ તો ન જ આવ્યા.

‘ગજાનન...’ એને ચૂપ જોઇને ત્રિલોક ફરીથી બોલ્યો, પ્રીતમસિંહનું આગમન જ એ વાતનો પૂરાવો હતો કે એણે પોલીસ સામે મોં નથી ઉઘાડ્યું. જો એને મોં ઉઘાડવું જ હોત તો એ આપણી વિરુદ્ધના તમામ પુરાવાઓ પોલીસને સોપી દેત. પછી શું આપણે કોર્ટમાંથી છૂટી શકત?’

ત્રિલોકની વાતમાં વજૂદ હતું ગજાનને કબૂલ કરવું પડ્યું.

‘પણ ત્રિલોક...’ એ બોલ્યો, ‘આ વખતે તું કાયમને માટે આ ઉપાધીથી છૂટકારો અપાવી દેવાનું કહેતો હતો ખરું ને?’

‘હા... અને એની વ્યવસ્થા થઇ ગઈ છે!’

‘ખરેખર?’

‘હા...’

‘તેં શું વ્યવસ્થા કરી છે?’

‘અત્યારે ટોની અને વિલિયમ ચંડીગઢ પહોંચી ગયા છે. પ્રીતમસિંહ ત્યાંથી રવાના થશે કે તરત જ તેઓ એના પાંચ વર્ષના દીકરાનું અપહરણ કરીને અહીં લઇ આવશે. ત્યાર પછી પણ શું પ્રીતમસિંહ આપણી સાથે દગાબાજી કરવાની હિંમત દાખવી શકશે? એને પોતાના દીકરાની ફિકર હશે, નહીં કે પોતાની પાસે કેસેટની નકલ કે ફોટાની નેગેટીવો રાખવાની. તું એક વખત એને અહીં આવવા દે એને તો પાંચ લાખ નહીં મળે, પણ આપણને જરૂર એની ચુંગાલમાંથી છૂટકારો મળી જશે.

ગજાનને સંતોષથી માથું હલાવ્યું.

‘તારા લગ્નનું શું થયું?’ સહસા યાદ આવ્યું હોય એમ ત્રિલોકે પૂછ્યું.

‘મેં ફરીથી લગ્નનો પ્રોગ્રામ સ્થગિત કરી નાખ્યો છે.’ ગજાનને જવાબ આપ્યો.

‘કેમ?’

‘આપણી આબરુને ધક્કો લાગ્યો છે એ કારણસર. માયાના બાપનું માથું પાછું ભમી ગયું છે. આ ભવમાં મારા લગ્ન થાય એવું તો મને નથી લાગતું. પહેલી વાર નક્કી થયું ત્યારે પ્રીતમસિંહ વચ્ચે ટપકી પડ્યો હતો અને માયાની મા મૃત્યુ પામી હતી. આ વખતે લગ્નની તારીખ નક્કી થઇ તો આપણે લૂંટના આરોપસર પકડાઈ ગયા. હવે માયાનો બાપ હજાર વખત વિચાર કરશે.’

‘ચિંતા ન કર.  બધું  બરાબર થઇ રહેશે.’ ત્રિલોકે એને આશ્વાસન આપતાં કહ્યું.

ગજાનન એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો.

... એજ રાત્રે...

બાર વાગ્યા હતા. 

દિલાવર પોતાના બંગલામાં બેસીને શરાબ પીતો હતો. વિશાળગઢ પોલીસ દ્વારા ધરપકડ થઈને છૂટ્યા પછીથી તેની આ જ દિનચર્યા બની ગઈ હતી. એ ભાનમાં આવતો તો પીવા લાગતો હતો અને પી પી ને થાકી જતો ત્યારે ફરીથી ભાન ગુમાવી બેસતો.

મનોમન એ ખૂબ જ તૂટી ગયો હતો. એના મનમાં એક વિચિત્ર વાત ઘર કરી ગઈ હતી. કોર્ટમાંથી છૂટ્યા પછી પણ એને ક્યાંય ચેન નહોતું પડતું. ટૂંક સમયમાં જ પોલીસ ફરીથી પૂરાવાઓ સહિત આવશે અને ફરીથી પોતાને પકડી લેશે એવો ભય સતત એને લાગતો હતો.

આ નર્વસનેસે એની હાલત ખરાબ કરી નાખી હતી.

આજે પણ અગિયાર વાગ્યે એની ઊંઘ ઊડી ગઈ હતી અને તે ફરીથી પીવા માટે બેસી ગયો હતો.

અત્યારે બાર વાગ્યા હતા.

સહસા એણે એક વિચિત્ર દુર્ગંધ અનુભવી.

જાણે કેરોસીનથી ભીંજાયેલો કોઈ માનવ દેહ સળગતો હોય એવી દુર્ગંધ. આ દુર્ગંધ પહેલાં હળવી હતી, પરંતુ ધીમે ધીમે તે અસહ્ય થવા લાગી.

દિલાવરે ગ્લાસ ટેબલ પર મૂક્યો અને ઊભો થયો. એણે લથડતાં પગે બારી પાસે પહોંચીને બહાર નજર કરી. 

આજુબાજુમાં એને કશુંય સળગતું ન દેખાયું, જો આજુબાજુના બંગલામાં કોઈક સળગતું હોત તો ત્યાં શોરબકોર મચી ગયો હોત. 

તો પછી આ દુર્ગંધ ક્યાંથી આવતી હતી?

દિલાવરે બારી બંધ કરી દીધી.

પરંતુ એ દુર્ગંધે એનો પીછો ન છોડ્યો. એ તો જાણે આ બંગલામાંથી જ ક્યાંકથી આવતી હતી.

એણે બંગલાના ત્રણેય રૂમ ચેક કર્યા. રસોડામાં તપાસ કરી. 

ક્યાંય કશું નહોતું સળગતું.

હમણાં જ પેટમાં રહેલી વ્હીસ્કી બહાર નીકળી જશે એવો દિલાવરને ભાસ થયો. એને ઉબકા આવવા લાગ્યા અને જીવ ગભરાવા લાગ્યો. 

એ લથડતા પગે બાથરૂમ પાસે પહોંચ્યો.

બાથરૂમનો દરવાજો ઉઘડતાં જ તે એકદમ ચમકી ગયો.

ત્યાંનું દ્રશ્ય જ એટલું  ભયંકર હતું કે દિલાવરના હોશ ઉડી ગયા.

એને ત્યાં એક સફેદ આકૃતિ દેખાઈ.

એ આકૃતિ આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાયેલી હતી.

સહસા એ આકૃતિએ દિલાવર સામે જોયું. એ આકૃતિએ પોતાને જોઇને સ્મિત ફરકાવ્યું છે એવું દિલાવરને લાગ્યું.

એ આકૃતિ એકદમ પારદર્શક અને ધુમાડાની બનેલી હતી.

આગની જ્વાળાઓ હોવા છતાંય દિલાવર એ આકૃતિની આરપાર જોઈ શકતો હતો. આકૃતિની પાછળ બાથરૂમની દિવાલ એને સ્પષ્ટ રીતે દેખાતી હતી.

સળગતાં માનવ દેહની દુર્ગંધ પણ ત્યાંથી જ આવતી હતી.

પરંતુ આ આકૃતિ માંસની ક્યાં હતી?

પછી સહસા જાણે સળગવાની પીડા સહન ન થતી હોય તેમ એ આકૃતિ ચીસો નાખતી બાથરૂમમાં આમથી તેમ દોડવા લાગી.

આ દ્રશ્ય જોઇને દિલાવરની જીભ તાળવે ચોંટી ગઈ.

ભયથી એના પગ એકીબેકી રમતા હતા. 

અચાનક બાથરૂમમાં ધુમાડો ભરાવા લાગ્યો.

દિલાવરની આંખોમાં બળતરા થવા લાગી.

આકૃતિની ચીસોથી એનું કાળજું કંપી ઊઠ્યું હતું.

જેમ તેમ કરીને એ બંગલામાંથી બહાર નીકળ્યો. 

પોર્ચમાં એની એમ્બેસેડર કાર પડી હતી.

ત્યારબાદ પોતે કેવી રીતે કારમાં બેઠો, કેવી રીતે સાગર હોટેલે પહોંચ્યો, કેવી રીતે લીફ્ટ મારફત ગેસ્ટ રૂમમાં પહોંચ્યો અને ક્યારે ત્રિલોકને વળગીને બેભાન થઇ ગયો એની દિલાવરને ખબર ન પડી.

દિલાવર ભાનમાં આવ્યો ત્યારે સવાર પડી ગઈ હતી.

એને પોતાની બાજુમાં ખુરશી પર બેઠેલા ત્રિલોક અને ગજાનન દેખાયા.

દિલાવરે આંખો પટપટાવી.

પછી અચાનક રાતવાળું દ્રશ્ય યાદ આવતાની સાથે જ એના ગળામાંથી ચીસ નીકળી ગઈ.

‘શું થયું દિલાવર?’ ગજાનને પૂછ્યું, ‘રાત્રે તે કોઈ ભયંકર સપનું જોયું હતું કે શું?’

‘ના...ના... સ.. સપનું નથી જોયું!’ દિલાવર ધ્રુજતી હાલતમાં પલંગ પર બેઠો થતાં બોલ્યો, ‘મેં ભૂત જોયું હતું!’

‘ભૂત??’ ત્રિલોક તથા ગજાનન એક સાથે જ ચમકીને બોલી ઉઠ્યા.

બંને જાણે દિલાવર ગાંડો થઇ ગયો હોવાની શંકા હોય એ રીતે પરસ્પર એકબીજાની સામે જોયું.

‘હું... હું ઈશ્વરના સમ ખાઈને કહું છું કે મેં ભૂત જોયું હતું!’ દિલાવરે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી, ‘મારા બંગલાના બાથરૂમમાં. એ આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાઈને સળગતું હતું. એની ચારે તરફ આગની જ્વાળાઓ સળગતી હતી. જાણે સળગવાની પીડા સહન ન થતી હોય તેમ તે ચીસો નાખતું આમથી તેમ દોડતું હતું. જોતજોતામાં જ બાથરૂમમાં ધુમાડો છવાઈ ગયો હતો.’

‘દિલાવર, તે વધારે પડતા  નશાને કરને બેભાન હાલતમાં ભયંકર સપનું જોયું હશે.’ ત્રિલોકે ધ્યાનથી એના ચહેરા સામે તાકી રહેતા કહ્યું, ‘દુનિયામાં ભૂત-પ્રેતો જેવું કંઈ નથી.’

‘પણ મેં મારી સગી આખે એ ભયંકર દ્રશ્ય જોયું છે ત્રિલોક!’ 

‘આંખો પણ એ જ જુએ છે કે જે મગજ એને બતાવે છે અને તારા મગજમાં આજકાલ શરાબની સાથે સાથે ભૂતપ્રેત પણ સમાવા લાગ્યા છે.’ ત્રિલોક મોં મચકોડતાં બોલ્યો, ‘રાત્રે તો આટલો નશામાં હોવા છતાંય ચાર કિલોમીટરનું અંતર કાપીને અહીં સુધી કેવી રીતે પહોંચી ગયો એ જ વાતની મને તો નવાઈ લાગે છે. રસ્તામાં અક્સ્માત પણ થઇ શકે તેમ હતો.’

‘મારી વાત પર ભરોસો રાખ ત્રિલોક.’ દિલાવરે રૂંધાતા અવાજે કહ્યું, ‘એ ખરેખર ભૂત હતું.’

‘ગાંડપણ રહેવા દે દિલાવર!’ ત્રિલોક કઠોર અવાજે બોલ્યો, ‘અમે તારા મિત્રો છીએ એટલે તારી વાત પર હસ્યા નથી. બીજા કોઈની સામે આવી કોઈ વાતનો ઉલ્લેખ કરીશ તો એ તમે ગાંડો માનીને હસશે. જો તને તારા બંગલામાં રહેતાં ડર લાગતો હોય તો તું હોટલમાં રહી શકે છે. સાતમા માળે હજુ પણ ઘણા રૂમો ખાલી પડ્યા છે.’

‘હા, હું અહીં જ રહીશ!’ દિલાવરે નંખાઈ ગયેલા અવાજે કહ્યું, ‘પણ ત્રિલોક, મારી વાતને મારું ગાંડપણ કે મજાક સમજીશ નહીં. મેં ખરેખર ભૂત જોયું છે.’

‘જરૂર જોયું હશે. અત્યારે હું અને ગજાનન પણ એક મોટા ભૂતને મળવા માટે જઈએ છીએ.’

‘મોટું ભૂત?’

‘હા... એ ભૂત ચંડીગઢથી આવ્યું છે, આજે સવારે જ આવ્યું છે.’

‘તું પ્રીતમસિંહની વાત કરે છે?’

‘હા, એના દર્શન કરવા માટે તારે આવવું છે?’

‘ના...’

‘કેમ?’

‘મારી તબિયત સારી નથી.’

‘ભલે તો તું આરામ કર.’ ત્રિલોક ઉભા થતાં બોલ્યો. 

ત્યારબાદ એ ગજાનન સાથે ચાલ્યો ગયો.

તેમના ગયા પછી દિલાવરે પણ આંખો બંધ કરી દીધી.

એ હજુ પણ ભયભીત દેખાતો હતો.

... બીજી તરફ...

ત્રિલોક અને ગજાનન પ્રીતમસિંહના સ્યૂટમાં પહોચ્યાં.

‘આવો... આવો... પધારો...’ પ્રીતમસિંહેં ઉમળકાભેર તેમનું સ્વાગત કરતાં કહ્યું.

અત્યારે એની સાથે આવેલા બંને અંગરક્ષકો બીજા રૂમના દરવાજા પાસે ઊભા હતા. બીજા અંગરક્ષકનું નામ અમૃતસિંહ હતું.

ત્રિલોકે બંને અંગરક્ષકો સામે ઊડતી નજર ફેંકી.

‘તમે તો માત્ર બે જ અંગરક્ષકો લાવ્યા મિસ્ટર પ્રીતમસિંહ?’ એ સોફા પર બેસતાં બોલ્યો. ‘મેં તો તમને દસ અંગરક્ષકોને સાથે લાવવાની સલાહ આપી હતી.’

‘હી...હી...હી...’ પ્રીતમસિંહ દાઢી ખંજવાળતા હસ્યો, ‘શા માટે મજાક કરો છો મિસ્ટર ત્રિલોક! મારે તમારી દાનત પર શંકા કરીને મારું અપમાન નથી કરાવવું સમજ્યા?’

‘ખેર, તમે બધી વસ્તુઓ લાવ્યા છો?’

‘હા, આ બ્રિફકેસમાં છે!’ પ્રીતમસિંહે સોફા પાસે પડેલી બ્રિફકેસ તરફ સંકેત કરતાં કહ્યું.

‘બધું જ લાવ્યા છો ને?’

‘હા... બધું જ...! એક એક ફોટા, એક એક નેગેટીવો અને બધી કેસેટો.’ પ્રીતમસિંહ બોલ્યો.

‘ફરીથી યાદ કરી લો પ્રીતમસિંહ સાહેબ. તમે ચંડીગઢ તમારે ઘરે કોઈ ચીજવસ્તુ ભૂલી તો નથી ગયા ને? ક્યાંક તમારા મિત્ર પાસે કોઈ કેસેટ વિગેરે તો નથી ભૂલી આવ્યા ને?’

‘શા માટે મજાક કરો છો મિસ્ટર ત્રિલોક?’

‘આ વખતે હું મજાક નથી કરતો પ્રીતમસિંહ સાહેબ. ધંધાની વાત ચાલતી હોય ત્યારે હું ક્યારેય મજાક નથી કરતો. તેમ કોઈ મજાક કરે એ પણ મને નથી ગમતું. એટલે તમારી યાદદાસ્ત કસી જુઓ. આપણે ફરીથી મુલાકાત કરવી પડે એવી કોઈ ચીજવસ્તુઓ તમે ઓછી તો નથી લાવ્યા ને? આપણી ગઈ વખતની મુલાકાતમાં, ત્રીજી મુલાકાત ન થવી જોઈએ એ મેં સ્પષ્ટ રીતે કહ્યું છે, એ તો તમને યાદ જ હશે.’

‘હા... યાદ છે.’ પ્રીતમસિંહ ઉતાવળા અવાજે બોલ્યો, ‘મારા પર ભરોસો રાખો. હું તમારી પૂરેપૂરી અમાનત લઈને આવ્યો છું. આના સિવાય મારી પાસે બીજો કોઈ મસાલો નથી.’

‘ભલે, હું તમારી વાત પર ભરોસો કરી લઉં છું, કારણકે મને મારી જાત પર ભરોસો છે કે જો તમે ભવિષ્યમાં મારી સામે આવવાની હિંમત દાખવશો તો ક્યારે તમારા હાડકાનો ભુક્કો બની લોટ સાથે ભળીને રોટલીના રૂપમાં તમારા સગાંવ્હાલાંના પેટમાં પહોંચી જશો એની પણ તમને ખબર નહીં પડે!’ ત્રિલોકે રુક્ષ અવાજમાં કહ્યું. એના અવાજમાં છૂપાયેલી ધમકી સ્પષ્ટ રીતે પરખાઈ આવતી હતી. 

‘હું બીજી વાર મારા દર્શનનો તમને લાભ આપવા માટે નહીં આવું!’ પ્રીતમસિંહ નર્વસ અવાજે બોલ્યો.

‘ઠીક છે... તમને આવતી કાલે પાંચ લાખ રૂપિયા મળી જશે!’

‘આવતી કાલે નહીં...’

‘તો ક્યારે?’

‘આજે જ, બલ્કે અત્યારે જ!’  પ્રીતમસિંહ કઠોર અવાજે બોલ્યો, ‘હું અહીં રોકાવા નથી માગતો. મને મારી રકમ આપો અને તમારી અમાનત સાંભળી લો એટલે આપણા બંનેની જાન છૂટે. હું અત્યારે જ પાછો ચાલ્યો જવા માગુ છું.’

‘આવતી કાલ સુધી તો તમારે રોકાવું જ પડશે પ્રીતમસિંહ સાહેબ!’

‘કેમ?’

‘એટલા માટે કે આજે રવિવાર છે અને રવિવારને દિવસે અહીં બધી બેંકો બંધ હોય છે. કાલે સવારે બેંક ઉઘડતાં જ તમને પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવશે.’

‘હું આજે આવવાનો છું એની તો તમને ખબર જ હતી ને?’

‘હા.’

‘તો પછી તમારે રકમની વ્યવસ્થા કરી રાખવી જોઈતી હતી.’ પ્રીતમસિંહ નારાજગીભર્યા અવાજે બોલ્યો, ‘તમે ગઈકાલે પણ બેન્કમાંથી રૂપિયા ઉપાડીને તમારી પસે રાખી શકો એમ હતા.’

‘જરૂર રાખી શકીએ તેમ હતા.’

‘તો પછી તમે એમ કેમ ન કર્યું?’

‘એટલા માટે કે તમે આમ સવારના પહોરમાં જ ટપકી પડશો એવું અમે નહોતું ધાર્યું. અમને તો એમ કે તમે બપોર પછી અથવાતો સાંજે અજયગઢ પહોંચશો અને એકાદ રાત જરૂર રોકશો. પરંતુ અહીં રોકાવાનો તમારો વિચાર નથી એ તો તમે હમણાં જ જણાવ્યું છે.’

‘બરાબર છે...’

‘ખેર, તમારે એકાદ દિવસ તો રોકાવું જ પડશે પ્રીતમસિંહ સાહેબ. અમે હોટલમાં આટલી મોટી રકમ નથી રાખતા. અલબત ક્યારેક મોટું પેમેન્ટ ચૂકવવાનું હોય ત્યારની વાત અલગ છે. પરંતુ રવિવારે અમે કોઈ પેમેન્ટ નથી ચુકવતા. આમેય એક દિવસ રોકાવામાં તમને શું વાંધો છે?’

‘પણ...’

‘હવે આ ખોટી હઠ છોડો પ્રીતમસિંહ સાહેબ, અને આજની રાત તમારી મહેમાનગતિ કરવાની અમને તક આપો. અમે તમારી મનોરંજનની વ્યવસ્થા પણ કરી રાખી છે. ઉપરાંત તમે કંઈ બીજી વાર તો અજયગઢ આવવાના નથી.’

મનોરંજનની વાત સાંભળીને પ્રીતમસિંહ લલચાઈ ગયો.

‘ઠીક છે!’ એણે કહ્યું, ‘પરંતુ કાલે સવારે બેંક ઉઘડતાં જ મને પૈસા મળી જવા જોઈએ!’

‘આ બાબતમાં તમે બિલકુલ બેફિકર રહો. બધી વ્યવસ્થા થઇ જશે.’ ત્રિલોક ઉભા થતાં બોલ્યો.

ગજાનન પણ ઉભો થયો.

એ વખતે પ્રીતમસિંહે ત્રિલોકના હોઠ પર ફરકેલું હિંસક અને ખતરનાક સ્મિત જોયું હોત તો એ કદાચ ક્યારેય બેફિકર ન રહી શકત.

ગજાનન અને ત્રિલોક ચાલ્યા ગયા હતા.

***

સાંજે ચાર વાગ્યે બે યુવાનો સાગર હોટલ સ્થિત દિલાવરની ઓફિસમાં પ્રવેશ્યા.

એ વખતે ઓફિસમાં હોટલના ત્રણેય ભાગીદારો મોઝુદ હતા.

ચાર-પાંચ કલાક આરામ કર્યા પછી દિલાવરની હાલત પહેલાં કરતાં ઘણી સારી હતી.

બનેન યુવાનોને જોઇને ત્રિલોકની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

‘શું થયું ટોની?’ એણે ફ્રેંચ કટ દાઢી ધરાવતા એક યુવાનને ઉદ્દેશીને વ્યાકુળ અવાજે પૂછ્યું.

‘કામ પતી ગયું છે સાહેબ...’ ટોની નામધારી યુવાને જવાબ આપ્યો, ‘મારા હાથમાં કામ હોય અને એ પૂરું ન થાય એવું તો બને જ નહીં!’

‘એને ક્યાં રાખ્યો છે?’

‘ગજાનન સાહેબના બંગલામાં. ત્યાં જુલી એની દેખરેખ રાખે છે. આમ તો એણે અમને ખૂબ જ હેરાન કર્યા છે. આખા રસ્તે અમે તેને લગભગ બેભાન જ રાખ્યો છે.’

‘હવે માત્ર પાંચ-સાત કલાકની જ વાર છે. તમે બન્ને ત્યાં જાઓ અને તેનું ધ્યાન રાખો. એ છોકરો આ બાજીના હુકમનો એક્કો છે. હું તમને ગમે ત્યારે ફોન કરીશ.’

‘ભલે સાહેબ!’ કહીને એ બંને વિદાય થઇ ગયા.

ત્રિલોકે ગજાનન અને દિલાવર સામે જોયું.

‘મિત્રો!’ એ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘હવે આપણા પાંચ લાખ રૂપિયા બચી ગયા છે અને આપણને પ્રીતમસિંહ જેવા બ્લેક મેઈલરની ચુંગાલમાંથી છૂટકારો પણ મળી ગયો છે એમ માની લો.’

‘વેરી ગૂડ!’ ગજાનને પ્રસન્ન અવાજે કહ્યું.

પરંતુ દિલાવરનો ચહેરો ભાવહીન હતો.

એ ચૂપ જ રહ્યો.

***

પ્રીતમસિંહ પોતાના બંને અંગરક્ષકો બંતાસિંહ અને અમૃતસિંહ સાથે સાગર હોટલના બાર રૂમમાં બેસીને વ્હીસ્કી પીતો હતો. રાત પડી ગઈ હતી. પ્રીતમસિંહ ખૂબ જ ખુશ હતો. કાલે સવારે એને પાંચ લાખ રૂપિયા મળી જવાના હતા અને અત્યારે મફતમાં જ શરાબ પીતો હતો. આ ઉપરાંત રાતના મનોરંજન માટે પણ શરાબની વ્યવસ્થા હતી. 

એને બીજું શું જોઈએ?

છ મહીના પહેલાં એ જે પાંચ લાખ રૂપિયા લઇ ગયો હતો એમાંથી એણે ચંડીગઢથી દસેક કિલોમીટર દૂર ઔદ્યોગિક વસાહતમાં કિચન વેરની આઈટમો બનાવવાનું એક નાનું કારખાનું ખરીદી લીધું હતું. એનો આ ધંધો સારો એવો જામી ગયો હતો. આ વખતે મળનારી રકમમાંથી એ પોતાનો ધંધો વધારવા માગતો હતો.

એ પોતાની સાથે આ ત્રણેય વિરુદ્ધના તમામ પૂરાવાઓ લાગ્યો હતો, તે એક હકીકત હતી. બ્લેક મેઈલીંગની આ રમતને આગળ ધપાવવાનું એને ખૂબ જ મન થતું હતું. પરંતુ ભવિષ્યમાં ઉભા થનારાં જોખમોના વિચારથી એની હિંમત નહોતી ચાલતી.

પ્રીતમસિંહે ચોથો પેગ ખાલી કર્યો અને પોતાના બંને અંગરક્ષકોને ઉદ્દેશીને બોલ્યો, ‘તમે તમારે ચિક્કાર પીજો. મફતમાં રોજ શરાબ નથી મળતો.’

‘એ તો પીએ જ છીએ!’ અમૃતસિંહે કહ્યું, ‘પરતું આ શું બખેડો છે?’

‘શા માટે મગજ ખરાબ કરે છે? ચૂપચાપ પીવા માંડ.’ પ્રીતમસિંહ એક વડકું ભરતાં બોલ્યો, ‘આ બંતાને જો, એણે મને કંઈ પૂછ્યું છે? તું પણ મોજ કર. કાલે આપણે પાછા રવાના થઇ જઈશું. ચંડીગઢ પહોંચતાં જ તને દસ હજાર રૂપિયા મળી જશે સમજ્યો?’

‘સમજ્યો’ કહીને અમૃતસિંહ પીવામાં મશગુલ બની ગયો.

એ જ વખતે એક વર્દીધારી વેઈટર ત્યાં આવ્યો. એણે માથું નમાવીને પ્રીતમસિંહનું અભિવાદન કર્યું અને પછી સન્માનપૂર્વક અવાજે બોલ્યો, ‘આપને સાહેબ યાદ કરે છે! તેઓ અત્યારે ઓફિસમાં જ છે.’ 

‘કયા સાહેબે યાદ કર્યો છે?’ પ્રીતમસિંહે ખુમારીભર્યા અવાજે પૂછ્યું.

‘આ હોટલના માલિકે!’

‘ઓહ!’ પ્રીતમસિંહ ચમક્યો. એણે પોતાની કાંડા ઘડિયાળમાં નજર કરી. પછી બોલ્યો, ‘હજુ તો સાંજના સાડા સાત જ વાગ્યા છે. મારે તો તારા સાહેબને કાલે સવારે મળવાનું હતું.’

‘હવે એની તો મને શું ખબર પડે સાહેબ?’ વેઈટરે શાલિનતાભર્યા અવાજે કહ્યું, ‘ખેર, હું તેમને શું જવાબ આપું?’

‘હું આવું છું... આવું છું! બસ એક વધુ પેગ પી લઉં. મારું ગળું ખૂબ જ સૂકાય છે. ગળું તર થઇ જશે તો તારા સાહેબ સાથે વાત કરવાની પણ મજા આવશે!’

‘ભલે સાહેબ!’ વેઈટર એનું અભિવાદન કરીને ચાલ્યો ગયો. પ્રીતમસિંહ તેને બાર રૂમમાંથી બહાર જતો તાકી રહ્યો. હવે તે એકદમ ગંભીર થઇ ગયો હતો.

‘મારી સાથે ચાલો!’ એણે પોતાના બંને અંગરક્ષકોને ઉદ્દેશીને કહ્યું, ‘ત્રિલોકે મને બોલાવ્યો છે. અમારી મુલાકાત તો કાલે સવારે થવાની હતી. અત્યારે એણે શા માટે બોલાવ્યો હશે?’

‘કોઈ જોખમ જેવી વાત તો નથી ને સાહેબ?’ અમૃતસિંહે શંકાભર્યા અવાજે પૂછ્યું, ‘રિવોલ્વર કાઢું?’ 

‘ના...’ પ્રીતમસિંહ ઉતાવળા અવાજે બોલ્યો, ‘રકમની વ્યવસ્થા થઇ ગઈ હોય એ બનવાજોગ છે. અને એ સારું જ છે. મારું મન પણ અહીં નથી ખૂંચતું. 

‘અને રાતના મનોરંજનનું શું થશે સાહેબ?’ અમૃતસિંહે નિરાશાભર્યા અવાજે પૂછ્યું.

‘એ મનોરંજન આપણે મુંબઈ કરીશું. આપણે શક્ય હોય તો રાત્રે જ અહીંથી રવાના થઇ જવું છે. રાત દરમિયમ નાલાય્કોનો વિચાર  બદલાઈ જશે તો ખોટું થશે.’ 

‘તો પછી શું વિચાર છે?’

‘મારી સાથે ચાલો. તેમને મળવું તો પડશે જ! તમે સાવચેત રહેજો.’ પ્રીતમસિંહ બોલ્યો.

‘એ તો અમે છીએ જ. આપ બિલકુલ બેફિકર રહો સાહેબ, જરા પણ ગભરાશો નહીં!’

‘હું ક્યાં ગભરાઉં છું?’ પ્રીતમસિંહે કઠોર અવાજે કહ્યું.

બાકી મનોમન એ ખૂબ જ ગભરાટ અનુભવતો હતો.

ત્રણેય ઓફિસમાં પ્રવેશ્યા.

‘આવો પ્રીતમસિંહ સાહેબ!’ ત્રિલોક સ્વાગતભર્યું સ્મિત ફરકાવતા બોલ્યો.

બંતાસિંહ અને અમૃતસિંહ દરવાજા પાસે જ ઉભા રહી ગયા હતા. એ બંનેના હાથ પોતપોતાના ગજવામાં પડેલી રિવોલ્વરની મૂઠ પર હતા.

ત્રિલોકના સંકેતથી પ્રીતમસિંહ આગળ વધીને દીલ્વાર તથા ગજાનનની બાજુમાં પડેલી એક ખુરશી પર આવીને બેસી ગયો.

‘શું રકમની વ્યવસ્થા થઇ ગઈ છે?’ પ્રીતમસિંહે ખુશખુશાલ અવાજે પૂછ્યું.

‘હા, માત્ર રકમની જ નહીં, બધી જાતની વ્યવસ્થા થઇ ગઈ છે, પ્રીતમસિંહ સાહેબ!’ ત્રિલોકે ઝેરીલું સ્મિત ફરકાવતાં કહ્યું.

એનું સ્મિત જોઇને પ્રીતમસિંહ ચમક્યો. ત્રણેયના અણસાર તેને બદલાયેલા લાગ્યા.

‘એટલે? બીજી શું વ્યવસ્થા કરી છે તમે?’ એણે ડઘાઈને પૂછ્યું.

‘ત્યાં જરા તમારા બંને ચમચાઓ તરફ નજર કરો એટલે બધું સમજાઈ જશે.’

પ્રીતમસિંહે ગરદન ફેરવીને દરવાજા સામે જોયું.

એના બંને અંગરક્ષકોની પાછળ ચહેરા પરથી જ ખતરનાક બદમાશો જેવા લાગતા ચાર માણસો ભેગા થયા હતા. તેમના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી એ બંનેની ગરદન પર ગોઠવાયેલી હતી.

‘આ... આ તો દગો છે!’ પ્રીતમસિંહ ગભરાઈને બોલી ઉઠ્યો.

‘ચૂપચાપ બેસી રહે પ્રીતમસિંહ!’ ત્રિલોક તેને એક વચનમાં સંબોધતા કર્કશ અવાજે બોલ્યો, ‘દગાનો જવાબ દગાથી જ આપવાનો મારો સિદ્ધાંત છે. તે અમારી સાથે દગો નહોતો કર્યો?’

‘ક... કેવો દગો?’

‘અમને ખબર ન પડે એ રીતે અમારા રૂમમાં માઈક્રોફોન ફીટ નહોતું કર્યું? ફોટા નહોતા પાડ્યા? અમને બ્લેક મેઈલ કરવામાં તે મોટી ઈમાનદારી બતાવી હતી. તે અમારી સાથે જે કંઈ કર્યું હતું એ જ અમે તારી સાથે કરવા માંગીએ છીએ! તારા બંને ચમચાઓ ખૂબ જ શક્તિશાળી છે એ વાત હું કબૂલ કરું છું, પરંતુ રિવોલ્વરની એક જ ગોળી એ બંનેનાં રામ રમાડી દેશે! તેમની તથા તારી જિંદગી હવે તારા હાથમાં છે. બોલ પુરાવાઓ ક્યાં છે?’

‘ર...રૂમમાં!’ 

‘બકવાસ બંધ કર તારો!’ ત્રિલોક જોરથી બરાડ્યો, ‘પાંચ લાખની કિંમતની ચીજવસ્તુ રૂમમાં મૂકીને તો તું બાથરૂમ પણ જાય તેમ નથી. બોલ ક્યાં છે પૂરાવાઓ?’

‘મારી પાસે...’

‘લાવ!’

પ્રીતમસિંહે પોતાના કોટના બટન ઉઘાડ્યા. આ દરમિયાન એક બદમાશે તેને રિવોલ્વરના નિશાન પર લઇ લીધો હતો. પ્રીતમસિંહે અંદરના ગજવામાંથી એક કવર અને પાંચ કેસેટો કાઢીને ટેબલ પર મૂકી દીધી.

‘બસ, આટલી જ વસ્તુઓ છે?’ ત્રિલોકે ક્રૂર અવાજે પૂછ્યું.

‘હા, આટલું જ છે. આ સિવાય મારી પાસે કોઈ ફોટા કે કેસેટો નથી. આ કવરમાં બધી નેગેટીવો છે.’

‘સાચું કહે છે?’

‘હા...’

‘યાદ કરી જો! ક્યાંક કોઈ ફોટો કે કેસેટ ઘેર તો નથી રહી ગઈને?’

‘ના...’

‘તારા કોઈ મિત્ર પાસે?’

‘ના...’

‘ઠીક છે, હું તારી વાત પર ભરોસો કરી લઉં છું.’ કહીને ત્રિલોકે ગજાનનને કશોક સંકેત કર્યો.

ગજાનને તરત જ એક સ્ટેમ્પ પેપર અને બોલ પોઈન્ટ પેન પ્રીતમસિંહ સામે મૂકી દીધી.

‘આ... આ શું છે? આનું હું શું કરું?’ પ્રીતમસિંહે ચમકીને પૂછ્યું.

‘આના પર તારે એક લખાણ લખવાનું છે!’ ગજાનન બોલ્યો, ‘અમુક તારીખે ચલાવવામાં આવેલી લૂંટમાં અમારા ચારેયની સાથે તું પણ સામેલ હતો એ જાતનું લખાણ!’

‘હું?’ પ્રીતમસિંહ ખુરશી પરથી પડતો પડતો બચ્યો.

‘હા, તું! તું અમારો સાથીદાર હતો! મોહન ચૌહાણ પર કેરોસીન તે છાટ્યું હતું એમ પણ તારે આ લખાણમાં લખવાનું છે.’ ગજાનન કરડાકીભર્યા અવાજે બોલ્યો.

‘હું...હું આવું શા માટે લખું? હું ક્યાં તમારી સાથે હતો? ના... હું હરગીઝ નહીં લખું.’ પ્રીતમસિંહે હિંમત દખતા કહ્યું, ‘ભલે તમે મને મારી નાખો, પણ હું આવું કોઈ કબૂલાતનામું નહીં લખું. અને તમે આ હોટલમાં ખુલ્લે આમ મને ગોળી મારી શકો તેમ નથી.’

ગજાનને ત્રિલોક સામે જોયું.

ત્રિલોક હસ્યો. એના ચહેરા પર ઝેરીલું સ્મિત ફરકી ગયું.

‘તું ખરેખર સમજદાર માણસ છે, પ્રીતમસિંહ!’ એ બોલ્યો, ‘તારી વાત સાચી છે. અમારી હોટલમાં લોહી રેડીને અમારે અમારા ધંધાનું સત્યાનાશ નથી કાઢવું. અમે ત્રણેયને ગોળી મારી શકીએ તેમ નથી. કારણકે એ સંજોગોમાં તમારી લાશોને ઠેકાણે પાડવાની ઉપાધિ અમારા ઉપર આવી પડશે અને આ ઉપાધિ અમે વહોરવા નથી માગતા. અલબત અમે અહીં જ બેઠાં બેઠાં જ કોઈ ઉજ્જડ સ્થળે કોઈકના પર એક ગોળી જરૂર છોડાવી શકીએ છીએ અને આ ગોળી તારા હ્રદય પર જ લાગશે!’

‘તમે... તમે કહેવા શું માગો છો? અવી નકામી વાતોનો શું અર્થ છે?’ પ્રીતમસિંહે થોથવાતા અવાજે પૂછ્યું.

‘આ નકામી વાતો નથી! એક મિનીટ, હું હમણાં જ કોઈકની સાથે તારી વાત કરાવું છું.’ કહીને ત્રિલોકે ફોન પોતાની નજીક સરકાવ્યો, અને રીસીવર ઊંચકીને એક નંબર ડાયલ કર્યો. પછી સામે છેડેથી ટોનીનો અવાજ સાંભળીને એણે પૂછ્યું, ‘પેલો નમૂનો અત્યારે ભાનમાં છે?’

‘હા સાહેબ... ખૂબ જ રડે છે!’

‘થોડી વારની જ વાત છે! કાં તો એ પોતાના બાપની છાતીએ વળગીને ચૂપ થઇ જશે અથવાતો પછી ગોળી ખાઈને હંમેશને માટે આ સંસારમાંથી વિદાય થઇ જશે. તું એણે રીસીવર આપ અને કહે કે પોતાના પિતાજી સાથે વાત કરે!’

સહસા જાણે કોઈકે પોતાનું હ્રદય મુઠ્ઠીમાં જકડી લીધું છે એવો પ્રીતમસિંહને ભાસ થયો.

‘શું કર્યું છે તમે?’ એણે ચીસ જેવા અવાજે પૂછ્યું, ‘તમે કોની વાત કરો છો?’

‘ગુરુબક્ષની... તારા દીકરાની...! લે એની સાથે વાત કર!’

‘ક... ક્યાં છે મારો ગુરુબક્ષ? ક્યાં છે એ?’ પ્રીતમસિંહે ભયભીત અવાજે પૂછ્યું.

‘અહીં જ છે, અજયગઢમાં! ચંડીગઢથી ચૌદસો-પંદરસો કિલોમીટર દૂર! એની સાથે વાત કર એટલે તને સંતોષ થઇ જશે.’ ત્રિલોક હસીને બોલ્યો.

‘તમે... તમે એનું અપહરણ કરી લાવ્યા છો? પ્રીતમસિંહે પૂછ્યું. એનો ચહેરો ધોળી પૂણી જેવો થઇ ગયો હતો.

‘હું નહીં, મારા માણસો કરી લાવ્યા છે. લે તારા ગુરુબક્ષ સાથે વાત કરી લે. એ ખૂબ જ રડે છે એમ મારો માણસ કહે છે.’ ત્રિલોક એની સામે રિસીવર લંબાવતા બોલ્યો, ‘અમે ખોટું નથી બોલતા... ખરેખર તારો દીકરો અહીં છે એ વાતની તને ખાતરી તો થવી જોઈએ ને?’

પ્રીતમસિંહે કંપતા હાથે રિસીવર લીધું.

‘હલ્લો... ગુરુબક્ષ... પુત્તર!’

પછી સામે છેડેથી પોતાના દીકરા ગુરુબક્ષનો રડમસ અવાજ સાંભળીને પ્રીતમસિંહની આંખોમાં આંસુ ધસી આવ્યા, એના હોઠ કાંપવા લાગ્યા.

ત્રિલોકે એના હાથમાંથી રિસીવર ઊંચકીને ક્રેડલ પર મૂકી દીધું.

પ્રીતમસિંહ નાના બાળકની જેમ રડી પડ્યો. 

‘રડવાનું બંધ કર પ્રીતમસિંહ!’ ત્રિલોક કઠોર અવાજે બોલ્યો, તારો દીકરો એકદમ સલામત છે. તારી ઈચ્છા હશે તો એને કંઈ જ નહીં થાય. તને જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે આ સ્ટેમ્પ પેપર પર લખી આપ. આમ કરવાથી અમને એ વાતનો સંતોષ થઇ જશે કે જો ભવિષ્યમાં તું મારું કંઈ બગાડવાનો પ્રયાસ કરીશ તો અમારી સાથે સાથે તું પણ સંડોવાઈ જઈશ. આ સિવાય અમારો બીજો કોઈ હેતુ નથી. તેમ અમે તારા દીકરાનું પણ કોઈ અહિત કરવા નથી માગતા. તું આ સ્ટેમ્પ પેપર પર તને કહેવામાં આવે એ પ્રમાણે લખી આપ. ત્યાં સુધીમાં હું તારા દીકરાને અહીં બોલાવી લઉં છું. ત્યારબાદ તું તારા દીકરા અને તારા ચમચાઓ સાથે તાબડતોબ અહીંથી રવાના થઇ જજે અને પાંચ લાખની વાત તો સાવ ભૂલી જ જજે!’

‘લખું છું... લખું છું..’ કહીને પ્રીતમસિંહે બોલ પોઈન્ટ પેન ઊંચકી લીધી. 

ત્યારબાદ ગજાનન લખાવતો ગયો એમ એ લખતો ગયો. લખાણ પૂરું થયા પછી એણે સહી કરી, સરનામું લખ્યું અને પછી સ્ટેમ્પ પેપર ગજાનન સામે લંબાવ્યો. 

ગજાનને લખાણ વાંચીને સંતોષથી માથું હલાવ્યું.

ત્રિલોકે ટોનીને ફોન કરીને પ્રીતમસિંહના દીકરાને હોટલ પર લાવવાની અને મુંબઈ માટે એક ટેક્સીની વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી. 

અડધા કલાકમાં જ ટોની આવી પહોંચ્યો.

બંને બાપ-દીકરો એકબીજાને વળગીને રડી પડ્યા. 

‘હવે આ રડવાનું  બંધ કર અને અહીંથી રવાના થઇ જા. બહાર ટેક્સી ઉભી છે. તારો સામાન ટેક્સીમાં પહોંચી જશે. અને હવે ભવિષ્યમાં ક્યારેય તારા અપશુકનિયાળ ચોકઠાંના દર્શન આપવા માટે અહીં આવીશ નહીં. મારા હાથ ક્યાં સુધી પહોંચે છે એ તો તું  જોઈ જ ચૂક્યો છો. આજે તો હું તને છોડી દઉં છું, પણ  બીજી વાર કદાચ મને દયા નહીં આવે.’

પ્રીતમસિંહે ધીમેથી માથું હલાવ્યું. એ પોતાના દીકરાનો હાથ પકડીને દરવાજા તરફ આગળ વધ્યો. ત્રિલોકના સંકેતથી એના સાથીદારો એક તરફ ખસી ગયા.

પ્રીતમસિંહની પાછળ પાછળ એના બંને ચમચાઓને પણ જવા દેવામાં આવ્યા.

ચારેય બદમાશો તેમને ટેક્સી સુધી વળાવવા માટે ગયા.

ત્રિલોકે તમામ પૂરાવાઓ અને પ્રીતમસિંહના કબૂલાતનામનો કાગળ સાચવીને ઓફિસમાં મૂકી દીધા.

‘આ પુરાવાઓનો આપણે નાશ કરી નાખવો જોઈએ, ત્રિલોક!’ ગજાનન  બોલ્યો.

‘કરી નાખીશ!’ રાત્રે ગેસ્ટ રૂમમાં જઈને પ્રીતમસિંહના કબૂલાતનામા સિવાય બાકી બધા પુરાવાઓનો નાશ કરી નાખીશું. 

‘તેં પ્રીતમસિંહના બચ્ચાને બહુ સારો પાઠ ભણાવ્યો!’ કહીને ગજાનન હસ્યો.

‘એને પાઠ ભણાવવો જરૂરી હતો. હવે એના તરફથી આપણને કોઈ જોખમ નથી. ચાલો, હવે બારમાં જઈએ. ઉભો થા દિલાવર. શું રડમસ ચહેરે બેઠો છે? બે-ચાર પેગ પી લે એટલે એની અસરથી તારા મગજમાંથી ભૂતપ્રેત નાસી જશે.

અનિચ્છાએ દિલાવર પણ ઊભો થયો.

ત્રણેય બારરૂમ તરફ આગળ વધી ગયા.