મુક્તિ - ભાગ 10 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુક્તિ - ભાગ 10

૧૦

વેરની વસુલાત

 

દસ વાગ્યા સુધી દિલાવર, ગજાનન અને ત્રિલોક બાર રૂમમાં બેસીને શરાબ પીતા રહ્યા. 

પછી ગજાનન અને ત્રિલોક ગેસ્ટ રૂમમાં ચાલ્યા ગયા.

દિલાવરે વધુ પડતો શરાબ ઢીંચ્યો હોવાને કારણે એ ખૂબ જ નશામાં હતો.

એ થોડીવાર ગેસ્ટ રૂમમાં બેઠો અને પછી લીફ્ટ મારફત સાતમા મળે આવીને પોતાના રૂમમાં પહોંચ્યો.

બપોરે જ ત્રિલોકે એના રૂમમાં શરાબની કેટલીયે બોટલો મોકલી આપી હતી.

દિલાવર એક ખુરશી પર બેસી ગયો.

એ વખતે રાતના સાડા દસ વાગ્યા હતા.

નશાના અતિરેકને કારણે એ ખૂબ જ થાકી ગયો હતો. પરંતુ તેમ છતાંય આંખો બંધ કરવાની એની હિંમત નહોતી ચાલતી. કારણકે આંખો બંધ કરતાં જ એની નજર સામે સળગતી આકૃતિ તરવરી ઉઠતી હતી. એ આકૃતિ કે જે એણે ગઈકાલે રાત્રે પોતાના બંગલાના બાથરૂમમાં જોઈ હતી.

પરંતુ તરત જ એણે આ વિચાર મગજમાંથી કાઢી નાખ્યો.

જ્યારે એણે ભૂતનો ઉલ્લેખ કર્યો ત્યારે ત્રિલોક તથા ગજાનને કેવી કટાક્ષભરી નજરે તેની સામે જોયું હતું, એ વાત તેને યાદ આવી.

દિલાવર લથડતા પગે ઊભો થયો. એણે રૂમમાં રીમા અથવા તો બીજી કોઈ છોકરીને બોલાવી લેવાનું વિચાર્યું. કમ સે કમ એકાંત તો દૂર થશે? પોતાનો આ નિર્ણય તેને વાજબી લાગ્યો. પરંતુ રિસેપ્શન પર ફોન કરતાં પહેલાં એણે એકાદ પેગ વ્હીસ્કી અથવાતો સ્કોચની જરૂરિયાત અનુભવી.

એ ટ્રોલી જેવા બાર પાસે પહોંચ્યો.

એણે સ્કોચની એક બોટલ ઊંચકી. એ બોટલ તેને એકદમ ખાલી લાગી. 

એણે એ બોટલ મૂકીને બીજી બોટલ ઊંચકી લીધી. એ બોટલ પણ ખાલી હતી. 

ત્યારબાદ ટ્રોલી પર પડેલી બધી બોટલો ખાલી જોઇને એના આશ્ચર્યનો પાર ન રહ્યો.

આવું કેવી રીતે બને?

ત્રિલોકના આદેશથી વેઈટર ત્યાં વ્હીસ્કી, જિન અને સ્કોચના કમ સે કમ પાંચ-છ કાર્ટુન મૂકી ગયો હતો. તો પછી ત્યાં મોઝુદ બધી બોટલો ખાલી કેવી રીતે ખાલી થઇ ગઈ?

અલબત્ત એ વ્હીસ્કીની તીવ્ર ગંધ જરૂર અનુભવતો હતો.

ક્યાંથી આવતી હતી આ ગંધ?

એણે ફરીથી બે-ત્રણ વખત ઊંડા શ્વાસ લઈને ગંધ ક્યાંથી આવે છે એ જાણવાનો પ્રયાસ કર્યો. ગંધ  બાથરૂમ તરફથી આવતી હોય તેમ તેને લાગ્યું.

સહસા એના હોઠ પર સ્મિત ફરકી ગયું. જરૂર બાથરૂમમાં રીમા હતી. અને હોટલમાં વિતાવેલી પોતાની પહેલી રાત યાદ આવી. એ દિવસે તે ખૂબ જ ખુશ હતો. એ દિવસે હોટલનું ઉદ્ઘાટન થયું હતું અને તે રીમા સાથે આ જ રૂમમાં આવ્યો હતો. એ વખતે એ બંને એ ટબમાં જે સ્નાન કર્યું હતું, એ પાણીથી નહીં પરંતુ વ્હીસ્કીથી કર્યું હતું.

એણે બાથરૂમનો દરવાજો ઉઘાડ્યો.

રીમા ત્યાં નહોતી. અલબત્ત ટબ જરૂર વ્હીસ્કીથી છલોછલ ભરેલું હતું. અર્થાત વ્હીસ્કીથી ન્હાવાની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ કામ રીમાનું જ હતું. હમણાં થોડીવારમાં એ પણ આવી જશે! આમ વિચારી, વસ્ત્રો કાઢીને દિલાવર ટબમાં ઉતરી ગયો. એની નજર સામે રીમાનો વ્હીસ્કીથી ભીંજાયેલો કમનીય દેહ તરવરી ઉઠ્યો. એણે આંખો બંધ કરી દીધી. અત્યારે ગઈકાલે બનેલા બનાવને એ બિલકુલ ભૂલી ચૂક્યો હતો. પોતાના શરીર પર વ્હીસ્કી ઘસતા એ ખૂબ જ આનંદ અનુભવતો હતો. બાજુમાં જ સ્ટેન્ડ પર સ્કોચ ભરેલી એક બોટલ પડી હતી, જેમાંથી એ ધીમે ધીમે ઘૂંટડા ભરતો જતો હતો.

એક તો એ નશામાં હતો જ અને હવે આ સ્કોચના ઘૂંટડાથી એનો નશો બેવડાયો હતો. એ વ્યાકુળતાથી રીમાના આવવાની રાહ જોતો હતો. પરંતુ ભગવાન જાણે એ ક્યાં રોકાઈ ગઈ હતી.

ધૂંધવાઈને થોડી વાર પછી એણે આંખો ઉઘાડી.

સહસા એણે વ્હીસ્કીથી પણ તીવ્ર ગંધ અનુભવી. આ ગંધનો અનુભવ થતાં જ એ ચમક્યો.

વળતી જ પળે એના ચહેરાનો રંગ ઊડી ગયો.

આ દુર્ગંધને તે ઓળખી ચૂક્યો હતો.

કાલે રાત્રે એણે આવી જ દુર્ગંધ પોતાના બંગલામાં અનુભવી હતી અને ત્યારબાદ...

એ દ્રશ્ય યાદ આવતાં જ દીલાવ્રના રૂવાંટા ઊભા થઇ ગાય. 

એણે ટબમાંથી ઊભા થવાનો પ્રયાસ કર્યો. નશામાં હોવાને કારણે એનો પગ લપસી ગયો. એ ધડામ કરતો ટબમાં ઉથલી પડ્યો. એના માથામાં કંઈ ઈજા નહોતી પહોંચી એટલું સારું હતું.

એણે બૂમ પાડવાનો પ્રયાસ કર્યો પરંતુ અવાજ ગળામાં જ ગૂંગળાઈને રહી ગયો.

વળતી જ પળે બાથરૂમમાં એક ભયંકર અટ્ટહાસ્ય ગુંજી ઉઠ્યું.

આ અટ્ટહાસ્ય સાંભળીને દિલાવરના હોશ ઉડી ગયા.

આવું ભયંકર અટ્ટહાસ્ય કોના ગળામાંથી નીકળ્યું હતું? એણે વિચાર્યું – પોતાને તો કોઈ દેખાતું નથી. આ અટ્ટહાસ્ય કોઈ માણસનું નહોતું. કોઈ માણસના ગળામાંથી આવું ભયંકર અટ્ટહાસ્ય નીકળે જ નહીં. 

... તો કોણ હતું બાથરૂમમાં? આ દુર્ગંધ કેવી હતી?

‘કેમ દિલાવર?’ બાથરૂમના દરવાજા પાસેથી કોઈકે તેને બૂમ પડી.

દિલાવર આંખો ફાડી ફાડીને દરવાજા સામે તાકી રહ્યો. શું પોતાને ભણકારા વાગ્યા હતા? કે પછી ખરેખર કોઈએ પોતાને બૂમ પાડી હતી?

ભયથી દિલાવરનો દેહ કંપી ઊઠ્યો.

‘હું તને પૂછું છું દિલાવર!’ દરવાજા તરફથી પુનઃ એ જ અવાજ ગુંજ્યો! ‘તું ખૂબ જ પૈસાદાર બની ગયો છે. લોકોને ન્હાવા માટે પાણી નથી મળતું ને તું વ્હીસ્કીથી સ્નાન કરે છે? ખેર, આ કોઈ આશ્ચર્યની વાત નથી. તું તો માણસના લોહીથી પણ સ્નાન કરી ચૂક્યો છે તો પછી આ વ્હીસ્કીની તો શું વિસાત છે?’

‘ક... કોણ?’ દિલાવરે થોથવાતા અવાજે પૂછ્યું, ‘કોણ છે તું?’

જવાબમાં બાથરૂમના દ્વાર પાસે ધીમે ધીમે ધુમાડાની આકૃતિ બનવા લાગી. ગઈ કાલ જેવી જ પારદર્શક આકૃતિ! પરંતુ આજે આ આકૃતિની આજુબાજુમાં આગની જ્વાળાઓ નહોતી નાચતી.

આકૃતિએ ફરીથી હાસ્ય કર્યું.

‘મને ન ઓળખ્યો દિલાવર? હું મોહન ચૌહાણ છું!

એનો પરિચય સાંભળીને દિલાવરના કંઠમાંથી ચીસ સરી પડી.

‘હા.. હું એ જ  મોહન ચૌહાણ છું કે જેને તમે લોકોએ ઉત્તમચંદ જ્વેલર્સના શો રૂમના ભોંયરામાં સળગાવીને મારી નાખ્યો હતો. યાદ કર! તિજોરી ઉઘડી ગયા પછી તમે લોકોએ આ પરાક્રમ કર્યું હતું. મને ઘેનની દવા  ભેળવેલી વ્હીસ્કી પિવડાવી હતી. હું મારા  બચાવ માટે દરવાજા તરફ દોડ્યો હતો તો મને ફરીથી અંદર ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ મારા પર કેરોસીન છાંટીને જીવતા જીવત મારા અગ્નિસંસ્કાર કરી નાખવામાં આવ્યા હતા. મેં એ જ વખતે તમને લોકોને કહ્યું હતું કે હું પાછો આવીશ. મારા મોતનું વેર લેવા માટે આવીશ. એ વખતે તો સળગતાં માનવીના અવાજની પીડા અને મોતની કરુણા માન્યો હશે. પરંતુ એ અવાજ એના આત્માનો હતો અને અત્યારે એ જ આત્મા વેર લેવા માટે તારી સામે ઉભો છે!

‘ના...ના...’ દિલાવરે પુનઃ ટબમાંથી ઊભા થવાનો પ્રયાસ કર્યો. પરંતુ એ ફરીથી લપસ્યો. આ વખતે એના પગ નશાને કારણે નહીં, પણ ભયને કારણે લપસ્યા હતા. એની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઈ હતી.

‘મરવું તો તારે પડશે જ દિલાવર! તમારા ત્રણેયના  મોત બનીને જ મારા આત્માને આ દુનિયામાં આવવું પડ્યું છે. જો આ કામ તમારા સમાજ... તમારા કાયદાએ કયું હોત તો હું આવી તકલીફ શા માટે લેત? પણ ના, તમે કાયદાની ચુંગાલમાંથી છટકી ગયા છો. અને જો તો ખરો, તારા મોતનો સમાન તે પોતે જ તૈયાર કરી રાખ્યો છે. અત્યારે તું શરાબથી ભીંજાયેલો છે. આખું શરીર શરાબથી ભરેલું છે. એમાં આગનો એક તણખો પડે એટલી વાર છે. તું પણ મારી જેમ સળગી ઉઠીશ. મોતની જે પીડા મેં સહન કરી હતી, એ હવે તારે સહન કરવાની છે દિલાવર! મારી જેમ વારાફરતી તમારે ત્રણેયે સળગવું પડશે. જેવું મોત તમે મને આપ્યું હતું, એવું જ મોત હું તમને આપીશ અને મારા પંજામાંથી તમે નહીં બચી શકો!’

‘ના...ના.. મોહન! ના.. મને માફ કરી દે!’ કહીને દિલાવરે ફરીથીએ એક વાર ટબમાં ભરેલી વ્હીસ્કીમાં જ તરફડીને રહી ગયો.

સહસા આકૃતિના હાથમાં માચીસ ચમકવા લાગી.

પછી એક દીવાસળી સળગી. 

સળગતી દીવાસળી સાથે આગળ વધીને આ આકૃતિ ટબ પાસે આવી. પછી એણે એ દીવાસળી ટબમાં ફેંકી.

આગની જ્વાળાઓ સમગ્ર ટબમાં સમુદ્રના મોજાની માફક દોડીને પથરાઈ ગઈ. સાથે જ આ આગે દિલાવરને પણ જકડી લીધો. એના મોંમાંથી પીડાભરી ચીસો નીકળીને બાથરૂમમાં ગુંજવા લાગી. 

એણે ફરીથી ટબમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો.

આ વખતે એનો પ્રયાસ સફળ થયો.

સળગતી હાલતમાં બાથરૂમમાંથી બહાર નિકીને એ પહેલાં રૂમમાં અને પછી લોબીમાં દોડ્યો.

એનાં મોંમાંથી નીકળતી કાળજગરી ચીસો લોબીના એક ખૂણામાંથી બીજા ખૂણા સુધી ગુંજવા લાગી.

આજુબાજુના રૂમોના દરવાજા ઉઘડ્યા. 

લોકોએ બહાર નજર કરી અને સાથે જ તેમનાં મોંમાંથી ચીસો સરી પડી. એ દ્રશ્ય જ એવું ભયંકર હતું. 

વાતાવરણમાં સળગતાં માંસની દુર્ગંધ છવાઈ ગઈ હતી.

દિલાવરની સળગતી હાલતમાં લોબીના છેડે પહોંચી ગયો જ્યાં બાલ્કની હતી.

એનો દેહ જોરથી બાલ્કનીની રેલીંગ સાથે અથડાયો.

સળગવાને કારણે એણે કશુંય નહોતું દેખાતું.

રેલીંગ સાથે અથડાઈને એ ઉથલ્યો.

વળતી જ પળે એનો દેહ હવામાં ફંગોળાતો સાત માળ નીચે જઈને હોટલના પોર્ચમાં પટકાયો.

નીચે પડતાં જ એના શરીરને અંતિમ આંચકો લાગ્યો અને પછી તે શાંત થઇ ગયો. 

એ વખતે પણ એના શરીરમાં ક્યાંક ક્યાંક આગ સળગતી હતી.

એ આ ફાની દુનિયા છોડીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો હતો. 

***

ત્રિલોક અને ગજાનન ગેસ્ટ રૂમમાં સામસામે બેઠા હતા. 

બંને સ્તબ્ધ હતા અને વિષાદભરી નજરે એકબીજા સામે તાકી રહ્યા હતા.

થોડી વાર પહેલાં જ પોલીસ ત્યાંથી વિદાય થઇ હતી. 

દિલાવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરવા માટે હોસ્પિટલે મોકલી દેવામાં આવ્યો હતો. 

પોલીસે સાતમે માળે ઉતરેલા મુસાફરોની જુબાની લીધી હતી.

બધાએ એક જ વાત જણાવી હતી કે ચીસોનો અવાજ સાંભળીને તેઓ બહાર નીકળ્યા હતા અને તેમણે દિલાવરને સળગતી અવસ્થામાં લોબીની બાલ્કની તરફ દોડતો જોયો હતો. પછી દિલાવર એ જ હાલતમાં રેલીંગ સાથે અથડાઈને નીચે ઉથલી પડ્યો હતો. 

પોલીસને દિલાવરના રૂમના બાથરૂમમાંથી વ્હીસ્કીની એક બોટલ મળી હતી. ટબમાં પણ સળગેલી હાલતમાં વ્હીસ્કી મળી આવી હતી. આગને કારણે તમામ વ્હીસ્કી તો ઊડી ગઈ હતી માત્ર એની ગંધ રહી ગઈ હતી. 

દિલાવરે વ્હીસ્કીથી સ્નાન કરતી વખતે નશામાં સિગારેટ કરવાની ભૂલ કરી હશે અને એની ભૂલનો આવો કરુણ અંજામ આવ્યો હતો એવું તારણ પોલીસે કાઢ્યું હતું. કારણકે દિલાવરને વ્હીસ્કીથી સ્નાન કરવાનો શોખ હતો એવી જુબાની રીમાએ પણ પોલીસને આપી હતી. 

એની જુબાની સાંભળ્યા પછી તપાસમાં આવેલો ઇન્સ્પેક્ટર બબડ્યો હતો, ‘પૈસાદારોના શોખ પણ વિચિત્ર હોય છે અને તેમનો આ ગાંડપણભર્યો શોખ ક્યારેક તેમને માટે જીવલેણ બની જાય છે.’

આ બનાવ બન્યો ત્યારે ગજાનન પોતાને બંગલે ચાલ્યો ગયો હતો. ફોન મારફત આ સમાચાર મળતાં જ એ તાબડતોબ હોટલે પાછો ફર્યો હતો.

ત્રિલોક પાસેથી બધી વિગતો જાણ્યા પછી એ જડવત બની ગયો હતો. 

હોટેલનું વાતાવરણ પણ બગડી ગયું હતું.

આ બનાવને કારણે ત્યાં ઊતરેલા મુસાફરોમાં ભય અને આતંકનું મોજું ફરી વળ્યું હતું. 

રાત ઘણી વીતી ગઈ હતી એટલે એ વખતે તો હોટલ છોડીને કોઈ નહોતું ગયું. પરંતુ તેઓ સવારના પહોરમાં જ હોટલ છોડી દેવાના હતા એમાં પણ શંકાને કોઈ સ્થાન ન હતું. 

દિલાવરને ઘેર એક વેઈટર ટેલિગ્રામ કરી આવ્યો હતો. 

સમગ્ર હોટલમાં અપશુકનનું વાતાવરણ છવાઈ ગયું હતું.

‘આ ઘણું ખોટું થયું છે!’ સહસા ત્રિલોક બબડ્યો.

‘હા... બિચારો! દિલાવર કેવા કરુણ મોતે મર્યો?’ ગજાનન કંપતા અવાજે બોલ્યો.

‘ગધેડાને વ્હીસ્કીથી સ્નાન કરવાનો નવો શોખ વળગ્યો હતો. વ્હીસ્કી અને આગ વચ્ચે કેવી દુશ્મનાવટ છે એ વાત પણ ભૂલી ગયો.’

‘મારું મન નથી માનતું ત્રિલોક!’

‘કઈ વાત માટે?’

‘દિલાવર બહુ ઓછી સિગરેટ પીતો હતો એ તો તું જાણે છે.’

‘હા.’

‘વ્હીસ્કી ભરેલા ટબમાં પડીને સિગારેટ ફૂંકવાથી મોત નિશ્ચિત છે એટલું સમજવાની અક્કલ તો એનામાં હતી જ. પરંતુ તેમ છતાંય એણે આવું મૂર્ખાઈભર્યું પગલું શા માટે ભર્યું?’

‘એ વખતે દિલાવર ખૂબ નશામાં હશે. એણે આપણી સાથે પણ ઘણો શરાબ પીધો હતો તથા પોતાના રૂમમાં જઈને વધુ ઢીંચ્યો હતો અને પછી રીમાને બોલાવી હશે.’

‘રીમા પોતે એના રૂમમાં ગઈ હતી, એણે બાથરૂમનું ટબ તૈયાર કર્યું હતું. એ જ વખતે એને કોઈક જૂના ગ્રાહકે પોતાના રૂમમાં બોલાવી હતી. ત્યાં સુધીમાં દિલાવર પોતાના રૂમમાં નહોતો પહોંચ્યો. એટલે એકાદ કલાકમાં પોતાના ગ્રાહકનું કામ પતાવીને પોતે દિલાવર પાસે પહોંચી જશે એવા વિચારે રીમા ચાલી ગઈ હતી. પરંતુ થયું શું? દિલાવર તો બીજી દુનિયામાં પહોંચી ગયો. દિલાવર આખો દિવસ ગભરાયેલો અને ચૂપ રહ્યો હતો એ તો તે જોયું જ હશે?’

‘હા... જોયું હતું! પણ મને એક બીજો વિચાર આવે છે!’

‘શું?’

‘ક્યાંક એણે જાણીજોઈને તો...’

‘એ જાણીજોઈને આવું શા માટે કરે?’ ગજાનને વચ્ચેથી એની વાત કાપી નાખતા કહ્યું, ‘એ ગભરાયેલો જરૂર હતો, પણ તે જાણીજોઈને આવું હિચકારું પગલું શા માટે ભરે? એવું તો કોઈ કારણ નહોતું. ત્રિલોક, કાલે રાત્રે એણે જે કંઈ પણ જોયું હતું તે સાચું તો નહોતું ને?’

‘તારો સંકેત ભૂત તરફ છે?’

‘હા! યાદ કર ત્રિલોક! થોડા વખત પહેલાં આપણા ત્રણેયની સાથે એક વિચિત્ર બનાવ બન્યો હતો!’

‘તું કયા બનાવની વાત કરે છે?’ ત્રિલોકે ચમકીને તેની સામે જોતાં પૂછ્યું. 

‘આપણા પર કેસ ચાલ્યો હતો એના થોડા વખત પહેલાં આપણા ત્રણેયના જમણાં હાથની પહેલી આંગળી પર એક એક ગોળ નિશાન ઉપસી આવ્યું હતું?’

ત્રિલોકના ચહેરા પર મૂંઝવણના હાવભાવ છવાઈ ગયા.

‘અને એ નિશાન, મેલેરિયા ટેસ્ટ કરતી વખતે આંગળીમાંથી લોહી કાઢ્યા પછી થોડીવાર માટે રહી જાય  છે એવું હતું.’

‘હા... એ નિશાન એવું જ હતું!’

‘અને આ  નિશાન આપણા ત્રણેયની આંગળી પર એક સાથે, આપણને કોઈ જીવ જંતુ નહોતું કરડ્યું તેમ છતાંય એક જ સમયે રહ્યું હતું. આપણને કોઈ જાતની પીડા પણ નહોતી થઇ. આ નિશાન આપણી આંગળી પર કેવી રીતે બની ગયું હતું? અને એ પણ રાત્રે સૂતા હતા ત્યારે. એ નિશાન વિશે આપણામાંથી કોઈ કશું જ નહોતું જણાવી શક્યું. અનાયાસે જ આપણું ધ્યાન એ નિશાન પર ગયું હતું.’

‘તું કહેવા શું માંગે છે?’ ત્રિલોકે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું. 

‘આપણા શરીરમાંથી લોહીનું એક એક ટીપું કોણ લઇ ગયું હતું? આપણા ત્રણેયના લોહીના કુળ ત્રણ ટીપાં!’

‘ઓહ! આ તો ભૂતપ્રેતનો ચમત્કાર છે એમ તું કહેવા માંગે છે?’

‘હા...’

‘દિલાવરની જેમ તારું માથું પણ ભમી ગયું લાગે છે ગજાનન!’ ત્રિલોક મોં મચકોડતાં બોલ્યો, ‘ભૂતપ્રેત કશું જ નથી હોતું અને કદાચ હોય તો પણ તેઓ જીવતાજાગતા માણસનું શું બગાડી શકે તેમ છે? ક્યાંક તું એમ તો નથી કહેવા માગતો ને કે દિલાવરને ભૂતે જ સળગાવીને મારી નાખ્યો છે?’

ગજાનન ચૂપ રહ્યો. 

‘હવે તને આરામની જરૂર હોય એવું ને લાગે છે!; એને ચૂપ જોઇને ત્રિલોક ફરીથી બોલ્યો, ‘દિલાવરના મોતથી તને ખૂબ જ આઘાત લાગ્યો છે. આજની રાત તું અહીં જ સુઈ જા!’

‘ના...!’ ગજાનને ઊભા થતા કહ્યું, ‘હવે હું જઈશ!’

‘આટલી મોડી રાત્રે? પોણા ત્રણ વાગી ગયા છે!’

‘તો શું થયું? હું વીસ મિનિટમાં મારા બંગલે પહોંચી જઈશ.’

‘તારી મરજી!’ ત્યારબાદ ત્રિલોક એને ન રોકી શક્યો.

ચહેરા પર દિલાવરના મોતનું દુઃખ અને ઉદાસીના હાવભાવ સાથે ગજાનન ત્યાંથી વિદાય થઇ ગયો.

સાગર હોટલથી ગજાનનનો બંગલો પંદર કિલોમીટર દૂર હતો. 

રાતનો સમય હોવાને કારણે ટ્રાફિક પણ નહોતો એટલે ગજાનન પૂરપાટ વેગે કાર ચલાવતો હતો.

પરંતુ એ હજુ હોટલથી માંડ પાંચેક કિલોમીટર દૂર પહોંચ્યો હશે કે ત્યાં જ એના નાકે પેટ્રોલની ગંધ અથડાઈ. એણે ચમકીને કાર ઊભી રાખી દીધી. કાર અત્યારે નિર્જન સ્થળે મોઝુદ હતી. 

જરૂર ડીકીમાં પડેલું પેટ્રોલ ભરેલું કેન લીક થતું હતું. આમ વિચારીને ગજાનને નીચે ઉતરવાનો ઉપક્રમ કર્યો ત્યાં જ એની નજર પાછલી સીટ પર પડતાં જ એ ચમક્યો.

પેટ્રોલનું કેન ત્યાં પડ્યું હતું. એનું ઢાંકણ ઉઘાડું હતું અને તે વહીને પાછળની સીટ તથા કારની ફર્શ પર ઢોળાતું હતું. 

ગજાનન આશ્ચર્યચકિત થઇ ગયો.

ડીકીમાં પડેલું કેન ત્યાં કારની પાછલી સેટ પર કેવી રીતે આવી ગયું? પોતાનાથી તો આવી બેદરકારી થાય જ નહીં અને એનું ઢાંકણ પણ કેવી રીતે ઊઘડી ગયું? જો એ અગાઉથી જ ઉઘાડું હતું તો પછી પોતાને પેટ્રોલની ગંધ પહેલાંથી જ આવી જવી જોઈતી હતી. પોતે હોટલમાંથી કાર સ્ટાર્ટ કરીને બહાર નીકળ્યો ત્યારે આવી જવી જોઈતી હતી.

એ વખતે તો પોતે આવી કોઈ ગંધ નહોતી અનુભવી!

તો શું ચાલુ કરે મજબૂતીથી બંધ કરેલી ઢાંકણ આપમેળે ખુલી ગયું હતું?

‘ના... એવું ન  બને...!’ ગજાનન સ્વગત બબડ્યો. 

પછી સહસા એના રૂંવાડાં ઊભા થઇ ગયા.

પોતાની કાર વસ્તીથી દૂર નિર્જન અને ઉજ્જડ સ્થળે ઊભી હતી એ વાતનું એને ભાન થયું. એક અજાણ્યો ખોફ એના દિલોદિમાગ પર છવાઈ ગયો. એને દિલાવર દ્વારા કહેવાયેલા કથિત ભૂતનો વિચાર આવ્યો અને આ વિચાર આવતાં જ તે એકદમ ભયભીત થઇ ગયો. ત્રિલોકની સલાહ માનીને પોતે હોટલમાં જ શા માટે ન રોકાઈ ગયો એ વાત પર તને પસ્તાવો થવા લાગ્યો. 

એણે કારમાંથી નીચે ઉતરવાનો વિચાર માંડી વાળીને ત્યાં બેઠા બઠા જ સહેજ ઉંચો થઈને પેટ્રોલનું કેન ઊંચકીને તેણે સીધું કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ શું?

સહસા કેન હવામાં અદ્ધર થયું. કોઈક અદ્રશ્ય હાથોએ કેન ઊંચકી લીધું હતું કે પછી એને પાંખો ફૂટી નીકળી હતી? ગજાનન પળભર માટે હેબતાયો.

ભયને કરને એના મોંમાંથી ચીસ સરી પડી.

‘ડરી ગયો ગજાનન?’ એક અદ્રશ્ય અવાજ ગુંજ્યો. 

વળતી જ પળે ગજાનનને સળગતાં માંસની દુર્ગંધ અનુભવી.

‘ક... કોણ છે? કોણ બોલે છે? મને કોઈ દેખાતું કેમ નથી?’ ગજાનન કંપતા અવાજે બોલ્યો. એનો દેહ સૂકાં પાંદડાની જેમ થથરતો હતો. 

‘એમ તો જ્યારે શો રૂમના ભોંયરામાં મારો દેહ સળગતો હતો ત્યારે પણ હું તને નહોતો દેખાતો ગજાનન! કારણકે એ વખતે તારી ડ્યુટી શો રૂમની બહાર સડક પર સ્ટેશન વેગન પાસે હતી. પરંતુ મને મોતને ઘાટ ઉતારી દેવાનો છે એ વાત તો તું જાણતો જ હતો!’

‘તું... તું... મોહન છો? મોહન ચૌહાણ? ક્યાં છો તું? જો તું જીવે છે તો સામે કેમ નથી આવતો? ગજાનન ભયભીત અવાજે બોલ્યો.

‘હું જીવતો નથી!’ મોહનનો રૂંધાયેલો અવન ગુંજી ઊઠ્યો, ‘તારા બંને સાથીદારોએ ભેગા થઈને મને મારી નાખ્યો હતો. મને સળગાવી નાખ્યો હતો. હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ મર્યા પછી પણ મારો આત્મા તમારા ત્રણેયની સાથે વેર લેવા માટે ભટકે છે. તમારામાંથી એક જણ સાથે તો હું વેર લઇ ચૂક્યો છું.’

‘દ... દિલાવર સાથે?’ ગજાનને ખોફભર્યા અવાજે પૂછ્યું.

‘હા...’ કહેતાની સાથે જ એક ભયંકર અટ્ટહાસ્ય પીગળેલા સીસાની માફક ગજાનનના કાનમાં ઉતરી ગયું.

‘ત... તેં દિલાવરને માર્યો છે?’

‘હા, મેં જ એણે સળગાવ્યો હતો. જે રીતે હું સળગીને મર્યો હતો એવું જ મોત દિલાવરને પણ મળ્યું અને હવે મરવાનો વારો તારો છે ગજાનન...!’

‘મ... મારા પર દયા કર... મારા લગ્ન થવાના છે મોહન!’

‘લગ્ન તો મારા પણ મિનાક્ષી સાથે થવાના હતા ગજાનન! અને આ વાતની તને પણ ખબર હતી. પરંતુ એ બધું પૂરું થઇ ગયું. તારા સાથીદારો પાસે તું જ મને લઈ ગયો હતો. મને બલિનો બકરો બનાવવામાં આવશે એ વાત જાણતો હોવા છતાંય લઇ ગયો હતો. મારા મોત માટે સૌથી વધુ જવાબદાર તો તું જ છો ગજાનન! મને બકરો તો તેં બનાવ્યો હતો અને મારી બલિ એ બંને એ ચડાવી હતી.’

‘મ... મારી ભૂલ થઇ ગઈ મોહન! મને માફ કરી દે!’ ગજાનન કરગરતા અવાજે બોલ્યો.

‘ના...’ મોહનના આત્માનો ઘૂરકાટ ભર્યો, કર્કશ અવાજ ગુંજ્યો, ‘હું જે દુનિયામાં વસું છું એમાં વેર હોય છે, માફી નથી હોતી. વેર લેવા માટે જ અમે ભૂત બનીએ છીએ. દુનિયાના લોકો ભવિષ્યમાં કોઈની સાથે દગાબાજી ન કરે એટલા માટે જ મારા જેવા પ્રેતયોનિમાં જાય છે. આ પાઠ ભણાવવા માટે જ હું તારી દુનિયામાં આવ્યો છું ગજાનન. લોકો તો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરે છે પરંતુ મારા તો જીવતાં જીવત અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. હું મૃત્યુ પામ્યો ત્યારે જાણે કોઈ કૂતરાના અંતિમસંસ્કાર થતા હોય એ રીતે મ્યુનિસિપાલિટીના લોકોએ મારા અંતિમસંસ્કાર કર્યા હતા. જીવતાં જીવત તો તમે લોકોએ મારી ખરાબ હાલત કરી અને મર્યા પછી મારા શરીરની ખરાબ હાલત તારી દુનિયાના લોકોએ કરી. હું તો ક્યાંયનો ન રહ્યો ગજાનન! ન તો આ લોકનો કે ન તો એ લોકનો... હું તો વચ્ચેની દુનિયામાં જ ભટકતો રહી ગયો અને હવે તારે પણ મારી સાથે ત્યાં જ આવવાનું છે. બાકીની વાતો આપણે ત્યાં જ કરીશું!’

... અને પછી અચાનક પેટ્રોલનું કેન ગજાનનના દેહ પર ઊંધું વળી ગયું.

ગજાનનનું શરીર પેટ્રોલથી તરબતર થઇ ગયું.

ગજાનનના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

એણે કારનો દરવાજો ઉઘાડવા માટે ફાંફા માર્યા. પરંતુ ભય અને ગભરાટને કરને તેને હેન્ડલ જ ન મળ્યું.

પછી સહસા એણે પાછળની સીએટ તરફ એક દીવાસળી સળગતી જોઈ.

વળતી જ પળે એ દીવાસળી એના દેહ પર ફેંકાઈ.

ગજાનનનો દેહ સળગી ઉઠ્યો. એના મોંમાંથી ચીસો નીકળવા લાગી. થોડી જ પળોમાં એનો સમગ્ર દેહ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. એણે પીડાથી ચીસો નાખતાં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ એમાં તેને સફળતા ન મળી.

એ પ્રત્યેક પળે મોતની વધુને વધુ નજીક પહોંચતો જતો હતો. 

***

ત્રિલોક આગ્નેય નજરે પોતાની સામે બેઠેલા ઇન્સ્પેક્ટર જોશી સામે તાકી રહ્યો હતો. 

‘આ તમે શું બકો છો એનું તમને ભાન છે ઇન્સ્પેક્ટર સાહેબ?’ એણે પૂછ્યું. 

‘હું બકતો નથી પણ સાચું જ કહું છું મિસ્ટર ત્રિલોક.’ ઇન્સ્પેક્ટર જોશી ગંભીર અવાજે બોલ્યો, ‘મેં આપને સાચા જ સમાચાર આપ્યા છે. કારમાંથી જે સળગેલો મૃતદેહ મળી આવ્યો છે તેની ઓળખ માયા તથા તેના પિતાજી કરી ચૂક્યા છે. મૃતદેહના ગળામાંથી જે લોકેટ મળી આવ્યું હતું, તે ગજાનનનું હતું. એ કાર પણ એની જ હતી. કારની હાલત પણ ખૂબ જ સળગેલી હતી. પરંતુ સદનસીબે આગ પેટ્રોલની ટાંકી સુધી નહોતી પહોંચી શકી એટલે એ બરબાદ થતી બચી ગઈ છે. નહીં તો ગજાનનના ચીંથરા ઉડી ગયા હોત. કારના ડેશબોર્ડમાંથી રજીસ્ટ્રેશનની જે બુક તથા કાગળો મળ્યા છે, એના પરથી પૂરવાર થઇ ગયું છે કે એ કાર આપના ભાગીદાર ગજાનનની જ હતી.’

‘ઓહ...’ ત્રિલોક બબડ્યો.

પોતાના શરીરની સમગ્ર તાકાત હણાઈ ગઈ છે એવો ભાસ એને થયો હતો. એ ધમ કરતો પોતાની ખુરશી પર ફસડાઈ પડ્યો. પછી બંને હાથે પોતાનું માથું પકડીને સ્વગત બબડ્યો, ‘આ બધું શું થાય છે? એક જ રાતમાં મારા બે ભાગીદારો મને છોડીને ચાલ્યા ગયા? બંને એક સરખી રીતે જ સળગીને મૃત્યુ પામ્યા?’

‘જી, હા...’ ઇન્સ્પેક્ટર જોશી સ્થિર નજરે તેની સામે તાકી રહેતા બોલ્યો, ‘પોલીસને પણ આ વાતની ખૂબ જ નવાઈ લાગે છે. એક ભાગીદાર વ્હીસ્કીમાં સ્નાન કરતો હતો ત્યારે અચાનક સળગીને મૃત્યુ પામ્યો. બીજો ભાગીદાર એ જ રાત્રે પોતાની કારમાં જતો હતો અને પેટ્રોલથી સળગીને મૃત્યુ પામ્યો. શું એક સાથે આ જાતના  બંને જોગાનુજોગ હોઈ શકે?’

‘ન હો શકે! બિલકુલ ન હોઈ શકે!’ ત્રિલોકે જોરથી ટેબલ પર હાથ પછાડતાં કહ્યું, ‘તેઓ પોતાની બેદરકારી કે આપઘાત કરીને મૃત્યુ નથી પામ્યા.’

‘તો તેમને સળગાવીને મારી નાખવામાં આવ્યા છે એમ આપ કહેવા માગો છો?’

‘હા... મને એવું જ લાગે છે!’

‘કોણે? આ રીતે કોણે એ બંનેનાં ખૂન કર્યા હશે?’

‘એની મને શું ખબર પડે? હું શું જણાવી શકું તેમ છું? ત્રિલોક ધૂંધવાતા અવાજે બોલ્યો. 

‘આપને કોઈ પર શંકા છે? આપનો આવું કોઈ પગલું ભરે એવો કોઈ દુશ્મન છે?’

‘ના...’

‘યાદ કરી જુઓ મિસ્ટર ત્રિલોક!’ જોશી ધ્યાનથી એની સામે તાકી રહેતા બોલ્યો, ‘એક જ રાતમાં આવો જોગાનુજોગ બે વખત ન બની શકે એમ આપ પોતે જ કહો છોએ. અને સળગીને મૃત્યુ પામનાર બંને શખ્સ આપની આ હોટલમાં સરખે હિસ્સે ભાગીદાર હતા!’

‘ઇન્સ્પેક્ટર સાહેબ!’ ત્રિલોકે ચમકીને જોયું, ‘મેં જ મારા બંને ભાગીદારોને આ અંજામ સુધી પહોંચાડ્યા છે એમ તો તમે કહેવા નથી માગતા ને?’

‘ના, હું કંઈ જ કહેવા નથી માગતો કારણકે આપ સમજદાર છો મિસ્ટર ત્રિલોક! તાજેતરમાં જ આપ વિશાળગઢની કોર્ટમાંથી લૂંટના કેસમાંથી છૂટીને આવ્યા છો!’ જોશી એક એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો, ‘ મારું કામ તપાસ કરવાનું છે અને તપાસ દરમિયાન દરેક જાતની શક્યતાઓ પર વિચારવાની મારી ફરજ છે.’

જોશીના કથનનો મર્મ પારખીને ત્રિલોકનો ચહેરો ક્રોધથી લાલઘૂમ થઇ ગયો.

‘ઇન્સ્પેક્ટર સાહેબ!’ એ તમતમતા અવાજે બોલ્યો, ‘જે વખતે દિલાવર સળગતી હાલતમાં બાલ્કનીમાંથી કુદીને મૃત્યુ પામ્યો એ વખતે હું મારા ગેસ્ટરૂમમાં હતો.’

‘આપ એકલા જ હતા?’

‘ના મારી સાથે ગજાનન પણ હતો.’

‘બરાબર છે, પણ ગજાનન તો મૃત્યુ પામ્યો છે એટલે એ આપની આ વાતને સમર્થન આપી શકે તેમ નથી.’

ત્રિલોકના ચહેરાનો રંગ ઊડી ગયો. ઇન્સ્પેક્ટર જોશીના અણસાર સારા નહોતા લાગતા.

‘મિસ્ટર ત્રિલોક, ગજાનન અહીંથી ક્યારે રવાના થયો હતો?  કારણકે રાત્રે અહીંથી દિલાવરના મોતની તપાસ કરીને જતી વખતે મેં એને આપની સાથે જોયો હતો.’

‘ગજાનન મારી સાથે હતો એ વાતની હું ક્યાં ના પાડું છું?’

‘મેં એમ પૂછ્યું હતું કે ગજાનન ક્યારે અહિંથી રવાના થયો હતો?’

‘રાત્રે લગભગ ત્રણ વાગ્યે!’ ત્રિલોક બોલ્યો, ‘ચોક્કસ તો મને પણ યાદ નથી કારણકે કદાચ એ વખતે મેં ઘડિયાળ પર નજર નહોતી કરી.’

‘ખેર, આપે આટલી મોડી રાતે ગજાનનને જવા દીધો? દિવસ ઊગવામાં બે-ત્રણ કલાકની જ વાર હતી. ઉપરાંત હોટલ ગજાનનની પણ હતી. આપે એને રોકાઈ જવાનું નહોતું કહ્યું?’

‘કહ્યું હતું. પણ એ ન માન્યો!’

‘કમાલ કહેવાય! રાત્રે ત્રણ વાગ્યે, માણસ પોતાની હોટલ હોવા છતાંય આવા કસમયે પોતાના બંગલે જવાની જીદ કરે! આ વાત આપને અજુગતી નથી લગતી મિસ્ટર ત્રિલોક?’

‘તો એમાં હું શું કરું? મેં તો એણે એક વખત નહીં પણ દસ દસ વખત રોકાઈ જવાની સલાહ આપી હતી. પરંતુ એ ન માન્યો!’ ત્રિલોક મક્કમ અવાજે બોલ્યો, ‘ઇન્સ્પેક્ટર સાહેબ, એ હોટલના એકલા માલિક બનવા માટે મેં જ મારા ભાગીદારોનું કાસળ કાઢી નાખ્યું છે એમ જો તમે માનતા હોવ તો તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે. ગજાનનનું મોત હોટલમાં નહીં પણ હોટલથી પાંચ કિલોમીટર દૂર એક ઉજ્જડ સ્થળે થયું છે. એના મોતથી હોટલના બિઝનેસમાં કંઈ જ ફર્ક પડવાનો નથી. પરંતુ દિલાવરના મોતને કારણે હોટલનો બિઝનેસ ઠપ્પ થઇ ગયો છે. સવારથી જ અહિંથી ગ્રાહકો કૂચ કરવા માંડ્યા છે. અડધા ઉપરાંત હોટલ ખાલી થઇ ચૂકી છે. હજુ તો અખબારમાં આ સમાચાર માત્ર છેલ્લી ઘડીના સમાચાર તરીકે છપાયા છે. સાંજની આવૃત્તિમાં જ્યારે દિલાવરના મોતના વિગતવાર સમાચાર છપાશે ત્યારે ગ્રાહકો આ હોટલમાં આવતા કતરાશે. ઇન્સ્પેક્ટર સાહેબ, જો મારે દિલાવરનું ખૂન કરવું હોત તો ગજાનનની જેમ જ કરત? આ સંજોગોમાં હોટલના બીઝનેસ પર તો કંઈ અસર ન પડત ને? ઉપરાંત જે હોટલમાં એક પૈસાનો પણ વેપાર ન થાય એનો એકલો જ  માલિક બનીને હું શું કરીશ?’ 

ત્રિલોકની દલીલમાં વજન હતું.

ઇન્સ્પેક્ટર જોશીને કોઈ જવાબ ન સૂઝ્યો.

‘ઓકે! તમારી વાત સાચી છે મિસ્ટર ત્રિલોક!’ એ ઊભો થતાં બોલ્યો, ‘ પરંતુ દરેક દ્રષ્ટિકોણથી વિચારવાની અમારી ફરજ છે.’

‘તમે જરૂર તમારી ફરજ બજાવો. તમારે નીચે હોટલના સ્ટાફની જુબાની લેવી જોઈએ. ચોકીદારને પૂછપરછ કરવી જોઈએ. રાત્રે ત્રણ-ચાર વાગ્યાની આસપાસ હોટલમાં આવેલા બે-ચાર મુસાફરોને પૂછવું જોઈએ કે શું કાલે રાત્રે કોઈએ મને હોટલમાંથી બહાર નીકળતો જોયો હતો?’

‘મેં પૂછ્યું હતું.’ ઇન્સ્પેક્ટર જોશી ધીમેથી બોલ્યો.

‘તો શું જવાબ મળ્યો?’

‘કોઈએ આપને હોટલમાંથી બહાર જતા નથી જોયા.’

‘રાઈટ...’ ત્રિલોક ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘ઇન્સ્પેક્ટર સાહેબ તમે મારી પાછળ પડ્યા વગર કોઈક બીજાં દ્રષ્ટિકોણથી વિચારો તો વધુ યોગ્ય રહેશે. ગમે તેમ કરીને મારા મિત્રોના ખૂનીઓને શોધી કાઢો. તમારા કરતાં મને એની વધુ ફિકર છે કારણકે તમારે માટે તો એ હવે માત્ર લાશો જ છે પરંતુ મારા માટે તો એ મિત્રો હતા. મારે માટે તો એબંને સગા ભાઈથી પણ વિશેષ હતા.’ કહેતાં કહેતાં ત્રિલોકનો અવાજ રૂંધાઇ ગયો.

‘હું મારાથી બનતા તમામ પ્રયાસો કરું જ છું મિસ્ટર ત્રિલોક!’ 

ત્યારબાદ ઇન્સ્પેક્ટર જોશી એની સાથે હાથ મિલાવીને ચાલ્યો ગયો.

એના ગયા પછી ત્રિલોક ધૂંધવાટથી પોતાના વાળ પીંખવા લાગ્યો. આ બધું શું થાતું હતું? એક જ રાતમાં આ શું થઇ ગયું હતું? આ કામ કોનું હતું? જો દિલાવરે આપઘાત કર્યો હતો તો પણ ગજાનને તો આપઘાત ન જ કર્યો હોય! એ તો સાજોસારો પોતાને મળીને ગયો હતો.

... તો પછી આ બધું કેવી રીતે થતું હતું?

પરંતુ આમાંથી એકેય સવાલનો જવાબ ત્રિલોક પાસે નહોતો.