મુક્તિ - ભાગ 1 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુક્તિ - ભાગ 1

કનુ ભગદેવ

૧. મુક્તિ 

ભૂત...!

પ્રેત...!

'જીન-જીન્નાત, ચૂડેલ, ડાકણુ...! આ દરેક અથવા આમાંથી કોઈ પણ એકની ચર્ચા થાય અથવા તો તેનો ઉલ્લેખ નીકળે ત્યારે નાના-મોટા ગરીબ તવંગર સૌ કોઈ તેમાં રસ લે છે અને કુતૂહલ દાખવે છે.

અલબત્ત, ભૂત-પ્રેત કે આત્માના અસ્તિત્ત્વ વિશે આજે પણ મતભેદ છે જ!

અમે અથવા હુ ભૂતપ્રેતના અસ્તિત્ત્વમાં માનતો નથી કે માતતા નથી એવું છાતી ઠોકીને કહેનારા ઘણા માણસોને મેં જોયા છે અને તેમને સાંભળ્યા છે.

ભૂત-પ્રેત કે તે જે કોઈ અલૌકિક શક્તિ હોય, તેના વિશે મેં પોતે પણ ખૂબ વાંચ્યું ને સાંભળ્યું છે.

ઘણા લાંબા અનુભવો એટલે કે સાંભળેલી અને વાંચેલી સત્ય ઘટનાઓના તલસ્પર્શી અભ્યાસ પરથી મને એવું લાગ્યું છે એટલે કે મેં સ્વીકાર્યું છે કે ખરેખર આવા કોઈક તત્ત્વ કે અલૌકિક શક્તિનું અસ્તિત્વ છે જ !

આજ સુધી હું રહસ્યમય જાસૂસ કથા લખતો આવ્યો અને મારો વિષય પણ એ જ છે. પરંતુ જમાનાની હવાની સાથે સાથે તથા મારા મુરબ્બી પ્રકાશકના અનહદ આગ્રહને કારણે પણ મારી કલમને એક નવી દિશા તરફ નવી વસ્તુ તરફ ધસડવી પડે છે.

પરંતુ ભૂત-પ્રેતની સાથે સાથે કદાચ કોઈક અપરાધ પણ હોય કારણ કે મારી કલમ હંમેશા સસ્પેન્સ અને અપરાધ સાહિત્ય તરફ જ વળી છે એટલે અપરાધની સાથે સાથે ભૂત-પ્રેતની દુનિયામાં પણ આજે હું તમને ખેંચી જઉં છું.

ઉપર કહ્યું તેમ આજ સુધીમાં મેં સંખ્યાબંધ જાસૂસ કથાએ લખી છે અને આજે પણ લખું છું જે વાચકો ખૂબ જ હોંશે હોંશે વાંચે છે. મારી આ લોકપ્રિયતા પાછળ વાંચકોની સાથે જ મારા પ્રકાશક મુરબ્બીનો પણ ઘણો ફાળો છે. વાંચકોને રહસ્યોની વચ્ચે ઘુમતા કરવાની અને તેમના દિમાગને કસરત કરાવવાની મને ટેવ છે. સસ્પેન્સના નામે હું તેઓને છેવટ સુધી અંધારામા રાખું છું.

પણ આજે...?

આ કથામાં કોઈ રહસ્ય નથી...! કોઈ સસ્પેન્સ નથી ..! કથામાં ગુનેગાર, પોલીસ અને ભૂત-પ્રેત જે કંઈ છે તે તમારી નજર સામે છે એટલે કોણ ગુનેગાર હશે, એ શોધવા માટે તમારે તમારા દિમાગને કસરત નહીં કરાવવી પડે !

મિત્રો, કથાપ્રવાહમાં આગળ વધતાં પહેલાં આપણે તેના મુખ્ય પાત્રોને પરિચય મેળવી લઈએ.

ત્રિલોક...! આશરે બત્રીસ વર્ષની વય ધરાવતાં ત્રિલોકનું નામ આજની તારીખમાં વિશાળગઢની પોલીસ માટે કોઈ પરિચયનુ મોહતાજ નથી ! વિશાળગઢ શહેરના પછાત વિસ્તારમાં એના દેશી શરાબના કેટલાય અડ્ડાઓ છે! આ ઉપરાંત એ નાના પાયે કેફી દ્રવ્યોનો ધંધો પણ કરે છે અને એમાંથી આરામથી પોતાનો બાદશાહી ખર્ચ કાઢે છે. પરંતુ આ ત્રિલોક ખટપટિયા મગજનો માણસ છે અને આ ખટપટિયા મગજમાં હંમેશાં કાંઇક ને કાંઇક પરાક્રમ કરવાની ધૂન ભરાયેલી રહે છે!

ગુનાહિત પ્રપંચોથી પૈસા મેળવવાનો એને જબરો શોખ છે!

ગજાનન...! ત્રીસેક વર્ષનો ગજાનન ત્રિલોકનો ચેલો હતો...!

ત્રિલોકની જેમ એ પણ ‘ઇઝી મની’માં માનતો હતો . વગર મહેનતે, પરસેવો પાડ્યા વગર ક્યાંથી કેવી રીતે સરળતાથી પૈસા મેળવવા એ માટે હંમેશા એનું મગજ પણ ત્રિલોકની જેમ વિચારશીલ રહેતું હતું.

આ ગુરુ-ચેલાએ આજ સુધીમાં ઢગલાબંધ લૂંટ ચલાવી હતી અને ચાર-પાંચ વખત તેઓ જેલની હવા પણ ખાઈ ચૂક્યા હતા. પરંતુ  કૂતરાની પૂંછડીને ગમે તેટલાં દિવસો સુધી દાટી રાખવામાં આવે તો પણ તે વાંકી ને વાંકી જ રહે છે એ મુજબ આ બન્ને પણ પોતાના લક્ષણો ભૂલ્યા નહોતા.

સહેલાઇથી, વગર મહેનતે, પરસેવો પાડ્યા વગર અઢળક પૈસા મેળવવાની તેમની ઈચ્છા હજુ યથાવત જ હતી. બલકે આ ઈચ્છાઓએ વધુ જોર પકડ્યું હતું એમ કહું તો પણ અતિશયોક્તિ નહીં ગણાય.

આથી જ એક લૂંટ ચલાવવાની વેતરણમાં તેઓ પડ્યા હતા.

બંને બંદર રોડ સ્થિત એક નાનકડી હોટલના એક રૂમમાં બેઠા હતા અને આ લૂંટના અનુસંધાનમાં જ વ્યાકુળતાથી કોઈકની રાહ જોતા બેઠા હતા.

રાતના દસ વાગવામાં ત્રણ મિનિટની વાર હતી.  

બહાર મુશળધાર વરસાદ વરસતો હતો.

રહી રહીને વીજળી ચમકતી હતી.

ત્રિલોક તથા ગજાનન, બંને વ્યાકુળ હતા.

બંનેની નજર વારંવાર કાચની બારી બહાર દેખાતા હોટલના ફટક તરફ ચાલી જતી હતી.

‘દસ વાગી ગયા...!’ સહસા ત્રિલોક વ્યાકુળ અવાજે બોલ્યો, ‘અત્યાર સુધીમાં તો દિલાવરે આવી જાવું જોઈતું હતું.’

‘હા... કોણ જાણે ક્યાં રોકાઈ ગયો હશે...!’ ગજાનને સહમતી સૂચક અને માથું હલાવતાં કહ્યું. એના અવાજમાં રહેલો ધૂંધવાટ સ્પષ્ટ રીતે વર્તાઈ આવતો હતો, ‘એ નાલાયકે નવ વાગ્યે આવી જવાનું કહ્યું હતું.’

‘કદાચ વરસાદને કરને ક્યાંક રોકાઈ ગયો હશે!’ ત્રિલોક બોલ્યો.

‘વરસાદ...!’ ગજાનને મોં મચકોડ્યું, ‘જેને આવવું જ હોય તેને વરસાદ કે વાવાઝોડું નથી નડતું! એ ગમે તે રીતે પોતાની મંઝલે પહોંચે જ છે! અને આ તો ઋતુનો પહેલો વરસાદ છે!’

‘બિચારો ખરેખર જ વરસાદમાં ક્યાંક અટવાઈ ગયો હશે. થોડીવારમાં આવી જશે!’

ગજાનને વિચિત્ર નજરે ત્રિલોક સામે જોયું.

‘એક વાત કહું ત્રિલોક?’ થોડી પળો બાદ એ બોલ્યો.

ત્રિલોકે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

‘તું દિલાવર ઉપર કાંઈક વધારે મહેરબાન લાગે છે! એના પર તું વધુ પડતો ભરોસો મૂકે છે! બાકી મારું મન તો એમ જ કહે છે કે દિલાવર ભરોસો કરવાને લાયક નથી. એ ચહેરા ઉપરથી એક નંબરનો લુચ્ચો અને હરામખોર માણસ લાગે છે! તું જોઈ લેજે! જો અણીના સમયે એ પાજી દગો ન કરે તો મારું નામ બદલી નાખજે!’

‘એટલે?’ ત્રિલોકે હેબતાઈને આશ્ચર્યથી તેની સામે જોતાં પૂછ્યું, ‘તું કહેવા શું માંગે છે?’

‘હું કહેવા નથી માંગતો પણ વિનંતી કરવા માંગુ છું!’ ગજાનન બોલ્યો, ‘આપણે પાછળથી પસ્તાવું પડે એટલી હદ સુધી દિલાવર પર ભરોસો ન કરવો જોઈએ!’

‘કેમ?’

‘શું, કેમ?’ જે માણસ પોતાના શેઠનો નથી થયો... ઉત્તમચંદ ઝવેરી, કે જેણે એને આશરો અને નોકરી આપી છે, એનો નથી થયો એ આપણો શું થવાનો છે? જે માણસનો સ્વભાવ જેનું ખાવું એનું જ ખોદવું એવો હોય, એની  પાસેથી સજ્જનતાની આશા કેવી રીતે રાખવી? દિલાવર જે રીતે પોતાના શેઠ ઉત્તમચંદ સાથે દગો કરવા માગે છે, એ જ રીતે ભવિષ્યમાં  આપણી સાથે દગો નહિ કરે એ વાતની શી ખાતરી છે?’

‘વાત તો તારી મુદ્દાની છે ગજાનન...’ ત્રિલોક સહમતી-સૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો.

‘તો દિલાવર ભરોસો કરવાને લાયક માણસ નથી એ વાત તું કબૂલ કરે છે ખરું ને?’

‘હા...’

‘તો પછી હવે શું કરીશું?’

‘બીજું તો શું કરવાનું હોય? આપણે શેરને માથે સવા શેર છીએ! દિલાવર ભલે ગમે તેટલો લુચ્ચો અને હરામખોર હોય, પરંતુ એ કોઇપણ મામલામાં આપણાથી મોટો નથી! ગુનાની દુનિયામાં હજી એ પા પા પગલી ભરે છે જ્યારે આપણે તો આ ક્ષેત્રે સેંકડો કિલોમીટર વટાવી ચૂક્યા છીએ! એ તો  હજી ઈંડામાં ચાંચ મારવાનું શીખે છે જ્યારે આપણે તો આવા કેટલાંય ઈંડા આખેઆખા ગળી ચૂક્યા છીએ!’

‘હા, એ તો છે!’

‘તો પછી તું શા માટે ગભરાય છે? એ નાલાયક અણીના સમયે આપણી શું વાંસળી વગાડવાનો હતો? તું જોજે... એ પહેલાં તો હું જ એની વાંસળી વગાડી નાખીશ! જરા આપણું કામ પતી જવા દે! અત્યારે આપણને એની ગરજ છે એટલે તેને બાપ કહેવો જ પડશે! ઉત્તમચંદ ઝવેરીના શો રૂમનો નકશો એના સિવાય વધુ સારી રીતે આપણને બીજું કોઈ સમજાવી શકે તેમ નથી!’

‘એ તો સ્પષ્ટ છે જ!’ ગજાનન ધીમેથી માથું ધુણાવીને બોલ્યો.

‘એ જ વખતે એન્જીનની ઘરઘરાટી સાંભળીને બંને ચમક્યા.

તેમણે એક ટેકસીને હોટલના ફાટકમાં પ્રવેશતી જોઈ.

ટેક્સી પોર્ચમાં આવીને ઊભી રહી.

પછી તેમણે ટેક્સીમાંથી ઊતરીને દિલાવરને તેમના રૂમ તરફ આવતો જોયો.

‘લે દિલાવર પણ આવી ગયો!’ ગજાનન બબડ્યો.

બંને દિલાવરના અંદર આવવાની રાહ જોવા લાગ્યા.

થોડી પળો બાદ દિલાવર અંદર પ્રવેશ્યો.

ચાલો હવે આપણે આ દિલાવરનો પરિચય પણ મેળવી લઈએ.

દિલાવર ત્રણ વર્ષ પહેલાં ફિલ્મોમાં હિરો બનવા માટે વિશાળગઢના ફિલ્મ ઉદ્યોગમાં હિરો બનવાની તક વધુ છે એમ કોઈએ તેને કહ્યું હતું. તે અગાઉ તે પૂનાની એક નાટ્ય સંસ્થા સાથે જોડાયેલો હતો. આ સંસ્થામાં રહીને એણે ઘણાં નાટકોમાં કામ પણ કર્યું હતું. દિલાવરનો ચહેરો ફિલ્મ અભિનેતા સંજય દત્તને મળતો આવતો હતો કે નહીં, એ તો ભગવાન જાણે પરંતુ તેની સાથે નાટકમાં કામ કરતાં અન્ય કલાકારો તેને સંજય દત્ત કહીને જ બોલાવતા હતા.

બસ, સંજય દત્ત બનવાની ધૂન જ દિલાવરને પૂનાથી વિશાળગઢ ખેંચી લાવી. આ ધૂનમાં તેણે મોટાં મોટાં પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરોની ઓફિસોમાં ચક્કર માર્યા પરંતુ ક્યાંય મેળ ન જામ્યો. સફળ અભિનેતા તો ઠીક, તે એક્સ્ટ્રા કલાકાર પણ ન બની શક્યો. પેટનો ખાડો પૂર્વના તથા ટેક્સી ભાડાના ચક્કરમાં એ પૂનાથી જે કોઈ પૈસા લાવ્યો હતો એ ખલાસ થઇ ગયા.

પૈસા ખલાસ થઇ ગયા પછી એણે પોતાની જાતને ફૂટપાથ ઉપર જોઈ. 

અને આવા કપરા સંજોગોમાં ઉત્તમચંદ ઝવેરીએ જ તેને મદદ કરી. 

ઉત્તમચંદ વિશાળગઢ શહેરનો અગ્રગણ્ય ઝવેરી હતો. તોપખાના રોડ ઉપર સોના-ચાંદીના આભૂષણોનો એક ભવ્ય શો રૂમ હતો. ઉત્તમચંદ ખૂબ જ નેક અને દયાળુ સ્વભાવનો માણસ હતો, એણે દિલાવરને પોતાના શો રૂમમાં સેલ્સમેનની નોકરી આપી.

એક ટંક ભોજન મેળવવા માટે રખડતા દિલાવરને તો એ વખતે જાણે કે દુનિયા મળી ગઈ હોય એવો ભાસ થયો હતો.

ઉત્તમચંદ એને માટે ભગવાન બની ગયો હતો.

પરંતુ ટૂંક સમયમાં જ દિલાવરના મનમાં અસંતોષની ભાવના સળવળી ઊઠી. એ તો ટોચનો અભિનેતા બનવા માટે વિશાળગઢ આવ્યો હતો અને બની ગયો એક મામૂલી સેલ્સમેન! એને કરોડપતિ બનવું હતું. 

ના... પોતે કાંઈક કરશે...! રાતોરાત પૈસાદાર બની જાય એવું કાંઈક પોતે કરવું પડશે! દિલાવરે મનોમન પૈસાદાર બનવાનો નિર્ણય કરી લીધો.

અને દિલાવરની આ એક જ ઈચ્છાએ આજે તેને બરબાદીના પંથે ધકેલી દીધો હતો. 

તે એક એવા માર્ગ ઉપર ચાલી નીકળ્યો હતો કે જેમાં એની બરબાદી નિશ્ચિત હતી.

થોડા દિવસો પહેલાં જ દિલાવરને ઉત્તમચંદના શો રૂમમાં એક ગુપ્ત વોલ્ટ વિશે જાણવા મળ્યું હતું કે જેમાં લાખો રૂપિયાની મતા હોવાની ગેરંટી હતી. 

આ જ દિવસો દરમ્યાન કમનસીબીએ દિલાવરની મુલાકાત ત્રિલોક અને ગજાનન સાથે થઇ ગઈ.

હા, આને દિલાવરની કમનસીબી જ કહેવાશે! કઈ રીતે શા માટે કહેવાશે એ તો પ્રવાહમાં આગળ વધીશું ત્યારે જ ખબર પડશે.

આમે ય પેલી કહેવત છે ને કે સજ્જન માણસોની સોબત થતાં ઘણી વાર લાગે છે પરંતુ દુર્જન માણસોની સોબત થતાં જરા પણ વાર નથી લગતી.

આ કહેવત મુજબ એ ત્રણેયની જોડી પણ જામી ગઈ હતી.

એક સરખી ઈચ્છા અને એક સરખા માનસ ધરાવતા ત્રણ માણસોની મુલાકાત થાય અને ગુનાનો જન્મ ન થાય એવું કેવી રીતે બને?

આ વાત જ અશક્ય હતી.

સંગ તેવો રંગ અને સોબત તેવી અસર એ મુજબ આ ત્રણેયના મગજરૂપી રસોડામાં પણ લૂંટની યોજનાના આંધણ મૂકાયા. અર્થાત લૂંટની યોજના બનવા લાગી.

વરસાદના છાંટાથી બચવાનો પ્રયાસ કરતો દિલાવર રૂમમાં પ્રવેશ્યો.

ત્રિલોકે પોતે ઊભા થઈને ઉમળકાભેર તેનું સ્વાગત કર્યું.

‘આવ ભાઈ દિલાવર!’ એક ચાસણી પણ ફિક્કી ન લાગે એવા અવાજે બોલ્યો, ‘તેં તો આવવામાં ઘણું મોડું કરી નાખ્યું? તું તો નવ વાગ્યે આવવાનો હતો ને?’  

‘હા, આવવાનો તો નવ વાગ્યે જ હતો!’ દિલાવરે પોતાના વસ્ત્રો પરથી વરસાદના ટીપાં ખંખેરતા કહ્યું.

ત્યારબાદ એ ત્યાં જ પડેલી એક ખુરશી પર  બેસી ગયો.

ત્રિલોક પણ પોતાને સ્થાને ગોઠવાયો.

‘તો પછી મોડું શા માટે થયું?’ તેણે પૂછ્યું. 

‘ઝવેરીએ મને રોકી લીધો હતો!’ દિલાવરે જવાબ આપ્યો.

‘કોણ ઝવેરી?’ ત્રિલોકે ચમકીને પૂછ્યું.

‘હું મારા શેઠ ઉત્તમચંદ ઝવેરીની વાત કરું છું!’

‘ઓહ! કહીને ત્રિલોક ખડખડાટ હસી પડ્યો.

એના આ બનાવટી હાસ્યમાં ગજાનને પણ  ભાગ લીધો.

‘તારા શેઠના શું હાલહવાલ છે? મજામાં છે ને?’

‘એ તો મજામાં જ છે, પણ હું મજામાં નથી!’

‘તું પણ મજામાં આવી જઈશ! તું જ શા માટે, અમે બંને પણ મજામાં આવી જશું! તે પ્રસ્તાવ જ એવો કિસ્મતના ફટક ઉઘડી જાય એવો મૂક્યો છે કે તારું મોં ચૂમી લેવાનું મન થાય છે!’ ગજાનને કહ્યું.

દિલાવર કોઈ નવોઢાની જેમ શરમાઈ ગયો.

‘ખેર, એ બધી વાતોને તડકે મૂકીને કાંઈક કામની વાત કર!’ ત્રિલોક બોલ્યો.

‘જરૂર પરંતુ એ પહેલાં એકાદ પેગ વ્હીસ્કીનો મળે તો ગળું કાંઈક તર થાય! ક્યારનું ય મારું ગળું સુકાય છે અને ઠંડી પણ લાગે છે!’

‘તારી મરજી!’ ત્રિલોક બોલ્યો.  

એણે ગજાનનને સંકેત કર્યો.

ગજાનન ઊભો થઈને રૂમમાં મોઝુદ લાકડાના કબાટમાંથી જોની વોકર બ્લેક લેબલ વ્હીસ્કીની બોટલ તથા બે ખાલી ગ્લાસ સાથે પાછો ફર્યો.

એણે બે પેગ તૈયાર કરીને ત્રિલોક અને દિલાવરને એક એક પેગ આપી દીધા.

‘તું પણ એકાદ પેગ લગાવ ગજાનન!’ દિલાવર બોલ્યો.

‘ના, હું નથી પીતો!’

‘કેમ?’

‘મારા ધર્મમાં શરાબ પીવાની મનાઈ છે!’

‘વાહ!’ દિલાવર હસ્યો, ‘તો તું ધર્મના પુસ્તકો પણ વાંચે છે એમ ને?’

ગજાનને મોઢું મચકોડ્યું.

‘ગજાનન!’ એને ચૂપ જોઇને દિલાવર ફરીથી બોલ્યો, ‘તારા ધર્મમાં ચોરી અને લૂંટફાટ કરવાની મનાઈ કરવામાં નથી આવી?’

‘બકવાસ બંધ કર તારો!’ ગજાનન જોરથી તાડૂક્યો.

દિલાવર ચૂપ થઇ ગયો.

અલબત, એના હોઠે હજુ પણ કટાક્ષયુક્ત સ્મિત ફરકતું હતું.

એનું આ સ્મિત જોઇને ગજાનન મનોમન ખૂબ જ ધૂંધવાયો.

એનો આ ધૂંધવાટ ત્રિલોક પારખી ચૂક્યો હતો.

વાત વણસે એ પહેલાં જ એણે બાજી સંભાળી લેતાં કહ્યું, ‘દિલાવર, ગજાનનને પીવાની ટેવ નથી તો તું શા માટે એની પાછળ પડ્યો છે? શા માટે એની સાથે જીદ કરે છે? શરાબ પીવો કે ન પીવો એ એની મરજીની વાત છે! તું શા માટે ડહાપણ કરે છે?’ 

‘લે હવે જીદ નથી કરતો, પાછળ નથી પડતો ને ડહાપણ પણ નથી કરતો બસને?’ દિલાવરે કાન પકડતાં કહ્યું.

ત્યારબાદ એણે ગળાનો કાકડો પકડીને સોગંદ પણ ખાધા.

‘ખેર, હવે એ વાતને પડતી મૂકો!’ ત્રિલોકે કહ્યું, પછી દિલાવરને ઉદ્દેશીને કહ્યું, ‘ઉત્તમચંદના શો રૂમમાં વોલ્ટ ક્યાં છે એની ખબર પડી?’

‘હા.’ દિલાવરે હકારમાં માથું હલાવ્યું.

દિલાવરનો જવાબ સાંભળીને ત્રિલોક ટટાર થઈને બેસી ગયો.

ગજાનનના કાન પણ સરવા થયા.

‘ક્યાં છે?’ ત્રિલોકે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘ભોંયરામાં! શો રૂમની નીચે એક ભોંયરું છે. એ ભોંયરામાં જ આપણા નસીબ આડેથી પાંદડું ખસેડી શકે એવું મજબૂત વોલ્ટ છે.’

‘ભોંયરામાં?’

‘હા.’

‘શો રૂમમાં ભોંયરું છે એમ ને?’

‘હા! એ જ ભોંયરામાં ખૂબ જ મજબૂત વોલ્ટ છે અને આ વોલ્ટમાં લાખો રૂપિયાનો માલ જમા થાય છે. એ વોલ્ટ એ રીતે કાળા નાણાની ચાવી છે. સરકારી લૂંટની તિજોરી છે. વિશાળગઢના તમામ ઝવેરીઓ કે જેઓ ઝવેરી યુનિયનના સભ્યો છે, એ બધા પોતાનું કાળું નાણું લઈને ઉત્તમચંદ પાસે આવે છે, અને ઉત્તમચંદ આ કાળા નાણાને તેના માલિકની સામે જ સીલ કરીને વોલ્ટમાં મૂકી દે છે. આનાથી જે તે ઝવેરીનું કાળું નાણું સલામત રહે છે એટલું જ નહીં, ક્યારેક ઇન્કમ ટેક્સનો દરોડો પડે તો પણ તેમને ત્યાંથી કશું જ નથી મળતું.

‘ઉત્તમચંદે તો ક્યારેય કોઈ જાતની ગરબડ નથી કરી.’

‘ના, બિલકુલ નથી કરી’ દિલાવર નકરાત્મક ઢબે માથું હલાવતાં બોલ્યો. ‘આજ સુધીમાં ક્યારેય એણે આ પારકી અનામત ઉપર દાનત નથી બગાડી.

‘બરાબર છે. પણ એ ધારે તો ગરબડ કરી શકે તેમ હતો ને?’

‘જરૂર કરી શકે તેમ હતો.’ દિલાવર બોલ્યો, ‘ કોઈ એનું શું બગાડી લેવાનું છે? બધું કાળું નાણું છે. સરકારી ચોરીનો પૈસો છે. કોઈ પોલીસ પાસે જઈને ઉત્તમચંદ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકે તે નથી. પણ ના, ઉત્તમચંદને પૈસા કરતા પોતાની આબરૂ વધુ વહાલી છે. આમેય પૈસાની એને કોઈ કમી નથી. ભગવાને એને ઘણા પૈસા આપ્યા છે. ગણી પણ ન શકાય એટલો પૈસો છે એની પાસે. ઉત્તમચંદ બધું જ સહન કરી શકે તેમ છે પરંતુ સમાજમાં પોતાની આબરૂ ઉપર લાંછન લાગે એ વાત એનાથી જરા પણ સહન થાય તેમ નથી.’

‘કમાલ કહેવાય!’ ગજાનન બબડ્યો.

‘કેમ? આમાં કમાલ જેવું શું છે?’ દિલાવરે પૂછ્યું,

‘પૈસા કરતાં ય આબરુને વધુ મહત્વ આપનારા ગાંડાઓ પણ આ દુનિયામાં પડ્યા છે એની તો મને આજે જ ખબર પડી છે. પૈસા કરતાં આબરુની ચિંતા કરનારાઓ ભાગ્યે જ જોવા મળે છે. આજના જમાનામાં તો કોણે કોનો કેટલો માલ પચાવી પડ્યો કે કોણે કોની પાસેથી કેટલા રૂપિયા લઈને દેવાળું કાઢી નાખ્યું એ વાત લાંછનરૂપ નથી હોતી. આ વાતને તો ગર્વ સમાન માનવામાં આવે છે. આજના જમાનામાં જે માણસ જેનું વધુમાં વધુ પચાવી પડે, વધુમાં વધુ ફૂલેકું ફેરવી નાખે એને આપણો સમાજ એટલો જ કુશળ માને છે! આ યુગમાં જેની પાસે પૈસા નથી હોતા, એને જ સમાજ નફરત કરે છે!’ 

‘આ તારો ભ્રમ છે ગજાનન!’ દિલાવર બોલ્યો, ‘તું કહે છે એટલી હદ સુધી અજુ આપણા સમાજનું સત્ર નીચું નથી ગયું.’

‘બનવાજોગ છે.’

‘વારુ, એક વાતનો જવાબ આપ દિલાવર.’ સહસા ત્રિલોકે કહ્યું

‘બોલ...’

‘ઉત્તમચંદ ઝવેરીઓના કાળા નાણાના રક્ષણ માટે કોઈ ચાર્જ લે છે?’

‘ના, કોઈ ચાર્જ નથી લેતો.’

‘તો પછી આ રીતે પારકી અનામતનું રક્ષણ કરવાથી ઉત્તમચંદને શો લાભ થાય છે? એણે શા માટે આ જોખમનો ગાળિયો પોતાની ગરદનમાં ભરાવ્યો છે?’ ત્રિલોકે અચરજભર્યા અવાજમાં પૂછ્યું.

‘એણે શા માટે જોખમનો ગાળિયો ગરદનમાં ભરાવ્યો છે, એ તો હવે ઉત્તમચંદને જ ખબર પડે! હું તો આ બાબતમાં કાંઈ નથી જાણતો! અલબત અનુમાનના આધારે એક વાત જરૂર કહી શકું તેમ છું.’

‘કહી નાખ!’ જાણે તેના ઉપર ઉપકાર કરતો હોય એવા અવાજે ત્રિલોક બોલ્યો.

‘ઉત્તમચંદ ગમે તેમ તો ય વિશાળગઢ ઝવેરી યુનિયનનો પ્રમુખ છે. એના જેવો પ્રતિભાશાળી પ્રમુખ હોવાને નાતે તમામ ઝવેરીઓના ધનનું રક્ષણ કરવાને પોતાની ફરજ માનતો હશે. ઝવેરીઓને મફતમાં આટલી મહત્વની સગવડતા આપીને એ પોતાના પ્રમુખપદનું ગૌરવ વધારે છે.’

ત્રિલોકે ધીમેથી માથું હલાવ્યું.

આ પણ બનવાજોગ હતું. 

‘અને જો ઉત્તમચંદના કબજામાં રહેલી આ પારકી અનામત સાથે કાંઈ ઊંચ-નીચ થઇ જાય તો ઉત્તમચંદ અથવાતો જેમની આ રકમ છે એ બધા ઝવેરીઓ શું કરશે?’

‘અત્યાર સુધી તો એવું કાંઈ નથી થયું!’

‘અત્યાર સુધી ભલે ન થયું હોય પરંતુ હવે તો થશે જ દિલાવર! તારા જેવો હિતશત્રુ એના શો રૂમમાં ઘુસી ગયો છે તો તો એની વાંસળી વગાડવાની જ છે! હવે તો રકમ સાથે એની નવાજૂની થવાની જ છે એમાં તો કોઈ બે મત જ નથી! આપણે તો એ વિચારવાનું છે કે વોલ્ટની સાફસૂફી થયા પછી ઉત્તમચંદ શું કરશે?’

‘એ શું કરશે એની મને શું ખબર પડે?’

‘ખેર!’ ત્રિલોક બોલ્યો. ‘વોલ્ટની સાફસૂફી થયા પછી ઉત્તમચંદ શું કરશે ને શું નહીં, એની સાથે આપણે કશું ય લાગતું વળગતું નથી. આપણા માથાનો દુઃખાવો તો વોલ્ટની સાફસૂફી છે એટલે આપણે બીજી બધી વાતોને એક તરફ મૂકીને આ દુઃખાવાની ચિંતા કરવી જોઈએ!’

‘બરાબર છે! દિલાવરે એની વાતને સમર્થન આપતાં કહ્યું.

‘દિલાવર, ઉત્તમચંદના શો રૂમાં કોઈ ગુપ્ત ભોંયરું છે અને ભોંયરામાં વોલ્ટ છે એ વાતની તને કેવી રીતે ખબર પડી? સહસા ત્રિલોકે ગંભીર અવાજે પૂછ્યું.

ત્રિલોકનો સવાલ સાંભળીને દિલાવર પળભર માટે ડઘાઈ ગયો.

‘જવાબ આપ દિલાવર! આ બધી વાતોની તને કેવી રીતે ખબર પડી?

‘બસ પડી ગઈ!’

‘એમ નહીં, એમ નહીં દિલાવર!’

‘એમ નહીં તો કેમ?’

‘મને બધું જ સાચેસાચું જણાવ. જ્યાં સુધી મને કોઈ કામની  બારીકમાં બારીક વિગતોની ખબર ન પડે ત્યાં સુધી હું એ કામ હાથમાં નથી લેતો. સાચું બોલ, તું ભોંયરામાં ગયો હતો?’

‘હા!’ દિલાવરે થોથવાતા અવાજે કહ્યું, ‘ગયો હતો.’

‘ક્યારે?’

‘કાલે રાત્રે!’

‘કેવી રીતે ગયો હતો?’

જવાબ આપતા પહેલાં દિલાવર પળભર માટે ખમચાયો.

‘ઉત્તમચંદના શો રૂમમાં કોઈક ગુપ્ત વોલ્ટ છે અને આ વોલ્ટમાં ઝવેરીઓનું કાળું નાણું રાખવામાં આવે છે, એ તો હું અગાઉથી જ જાણતો હતો!’ છેવટે દિલાવર બોલ્યો, ‘પરંતુ આ વોલ્ટ ક્યાં છે એની ખબર ન હતી. તારા કહેવાથી હું છેલ્લા કેટલાંય દિવસથી આ વાત જાણવાનો જ પ્રયાસ કરતો હતો.’

‘તો પછી આ વાતની તને કેવી રીતે ખબર પડી?’

‘બે દિવસ પહેલાં બપોરે રાધેશ્યામ નામના એક ઝવેરીની કાર શો રૂમની બહાર આવીને ઊભી રહી. પછી એમાંથી રાધેશ્યામ પોતાના એક નોકર સાથે નીચે ઊતર્યો. રાધેશ્યામના હાથમાં એક  બ્રિફકેસ હતી. એણે જે રીતે એ બ્રિફકેસ પકડી હતી, તેના પરથી સ્પષ્ટ થતું હતું કે એ ખૂબ જ વજનદાર છે. રાધેશ્યામ નોકરને બહાર શો રૂમમાં જ મૂકીને બ્રિફકેસ સાથે એકલો જ ઉત્તમચંદની ચેમ્બરમાં ચાલ્યો ગયો.’

‘પછી?’ 

‘પછી શું? રાધેશ્યામ પોતાનું કાળું નાણું ઉત્તમચંદ પાસે જમા કરાવવા માટે આવ્યો છે એ વાત મને તરત જ સમજાઈ ગઈ. વોલ્ટનો પત્તો લગાવવાની મારે માટે આ ઉત્તમ તક હતી. શો રૂમમાં એ વખતે ગ્રાહકોની ખૂબ જ ભીડ હતી. તમામ સેલ્સમેનો ગ્રાહકોને સંભાળવામાં અટવાયેલા હતા. હું તાબડતોબ ઉત્તમચંદની ચેમ્બર પાસે પહોંચ્યો. ચેમ્બરમાં નજર કરી. અંદર મેં જે દ્રશ્ય જોયું એ જોઇને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આવું દ્રશ્ય તો એ દિવસ પહેલાં મેં માત્ર જાસૂસી ફિલ્મોમાં જ જોયું હતું.’

‘એવું તે શું જોયું હતું તેં?’ ત્રિલોકે ઉત્સુક અવાજે પૂછ્યું.’

‘ઉત્તમ ચંદની રિવોલ્વિંગ ચેર પાછળ એ વિશાળ શો કેસ છે. આ શો કેસને કિનારે ચાંદીની એક નાનકડી સાંકળ લટકે છે. મારી નજર સામે જ ઉત્તમચંદે એ સાંકળ પકડીને ખેંચી તો વિશાળ શો કેસ સ્લાઈડીંગ દોરની માફક એક તરફ ખસી ગયો.’

‘પછી શું થયું?’ ત્રિલોકે પૂછ્યું. એના ધબકારા એકદમ વધી ગયા હતા.

ગજાનન પણ કાન સરસા કરીને દિલાવરની એક એક વાતને ધ્યાનથી સાંભળતો હતો. 

‘મેં જોયું તો શો કેસની પાછળના ભાગમાં પગથિયાં દેખાતા હતા. ઉત્તમચંદ રાધેશ્યામ સાથે પગથિયાં ઉતરીને નીચેના ભાગમાં ચાલ્યો ગયો. ત્યારે જ મને પહેલી વાર ખબર પડી કે શો રૂમમાં નીચે કોઈ ભોંયરું પણ છે! ખેર, એ વખતે તો હું ત્યાંથી ચૂપચાપ પાછો ફરીને અન્ય સેલ્સમેનોની જેમ ગ્રાહકોને સંભાળવાના કામે લાગી ગયો.પરંતુ વાસ્તવમાં તો હું ભોંયરામાં જઈને વોલ્ટને મારી સગી આંખે જોવાની કોઈક તક મળે એની રાહ જોતો હતો.’  

‘આવી કોઈ તક મળી તને?’ ત્રિલોકે આંખો પટપટાવતાં પૂછ્યું.

‘મળી, એટલું જ નહીં, ટૂંક સમયમાં મળી ગઈ!’ દિલાવર ઉત્સાહભર્યા અવાજે  બોલ્યો.

‘ક્યારે?’

‘ગઈ કાલે!’

‘કેવી રીતે મળી?’

‘શો રૂમ રાત્રે લગભગ દસ વાગ્યે બંધ થાય છે, પરંતુ વેચાણ તો આઠ વાગ્યે જ બંધ થઈ જાય છે. વેચાણ બંધ થતા જ ઉત્તમચંદ બધા સેલ્સમેનોને રજા આપી દે છે! અર્થાત આઠ વાગ્યા પછી શો રૂમમાં માત્ર બે જ જણ રહે છે! એક તો ઉત્તમચંદ પોતે અને બીજો હું!’

‘તું શા માટે?’ ગજાનને વચ્ચે મમરો મૂકતાં પૂછ્યું, ‘બીજું કોઈ કેમ નહીં?’

‘એટલા માટે કે ઉત્તમચંદને સૌથી વધુ ભરોસો મારા પર જ છે!’

‘ઓહ!’ ગજાનન હસ્યો, ‘વેરી ગૂડ! વેરી ગૂડ!’

‘આઠથી દસ એટલે કે આ બે કલાક દરમ્યાન તમે બંને શું કરો છો?’ ત્રિલોકે પૂછ્યું,

‘કાંઈ નહીં! અંદરથી શટર  બંધ કરીને ઉત્તમચંદ દિવસભરનો વકરો સંભાળે છે! એક એક પૈસો ગણે છે અને હું તેની પાસે બેસીને એનું ધ્યાન રાખું છું.

‘ઉત્તમ! અતિ ઉત્તમ!’ ગજાનને ફરીથી મમરો મૂક્યો. 

‘શો રૂમના તમામ તાળા તો  ઉત્તમચંદ જ બંધ કરતો હશે? ત્રિલોકે પૂછ્યું.

‘હા.’

‘તો પછી ગઈ કાલે તને એકલા જ ભોંયરામાં જવાની તક કેવી રીતે  મળી? શું ઉત્તમચંદે તેણે કોઈ  કામ સર ભોંયરામાં મોકલ્યો હતો?’

‘ના, ભોયરામાં તો એ શો રૂમના કોઈ કર્મચારીને પગ પણ ન મૂકવા દે. બલ્કે શો રૂમમાં ભોયરું છે એ વાતની પણ ભાગ્યે જ કોઈ કર્મચારીને ખબર હશે!’

‘તો પછી તને  કેવી રીતે તક મળી ગઈ?’કાલે રાત્રે ઉત્તમચંદ દિવસભરનો વકરો સંભાળતો હતો એ વખતે નવ વાગ્યા હતા. ત્યારે જ ઉત્તમચંદના બંગલેથી તેના નોકરનો ફોન આવ્યો. નોકરના કહેવા મુજબ ઉત્તમચંદની પત્ની ઉપર માનસિક તાણનો હુમલો આવ્યો હતો અને એ  બંગલામાં બિલકુલ એકલી જ હતી. ઉત્તમચંદનો દીકરો પોતાની પત્ની સાથે નાઈટ શોમાં ફિલ્મ જોવા માટે થોડી વાર પહેલાં જ ઘેરથી નીકળી ગયો હતો. આ સમાચાર સાંભળતાં જ ઉત્તમચંદના હાથ પગ ફૂલી ગયા. શ્વાસ અદ્ધર ચડી ગયો. એ પૈસા ગણવાનું પણ ભૂલી ગયો. એણે તાબડતોબ બધી રકમ જેમતેમ બેગમાં ભરી અને પછી મને તાબડતોબ શો રૂમ બંધ કરીને તેના બંગલે પહોંચવાની સૂચના આપીને ચાલ્યો ગયો.’

દિલાવરની વાત સાંભળીને ત્રિલોકના આશ્ચર્યનો પાર ન રહ્યો.

‘ઉત્તમચંદને તારા પર આટલો બધો ભરોસો છે કે એ પોતાનો શો રૂમ પણ તારે હવાલે કરીને ચાલ્યો ગયો?’ એણે અચરજભર્યા અવાજે પૂછ્યું.

‘ભરોસો તો હશે જ ને? આમેય ગઈ કાલે અચાનક જે સંજોગો ઊભા થયા હતા, એ સંજોગોમાં ઉત્તમચંદને બીજું કંઈ સુઝ્યું પણ નહીં હોય! એ વખતે તો તે આ પગલું ભરવા સિવાય બીજું કરી પણ શું શકે તેમ હતો?’ 

‘ખેર, પછી?’

‘પછી શું? ઉત્તમચંદ શો રૂમમાંથી બહાર નીકળ્યો કે તરત જ હું ભોંયરામાં ચાલ્યો ગયો.

‘ત્યાં તે વોલ્ટ એટલેકે તિજોરી જોઈ?’

‘હા, જોઈ! તિજોરી ખૂબ જ મજબૂત છે! ગેટ વે ઓફ ઇન્ડિયા જેવી નક્કર. કેટલાય ફૂટ જમીનમાં તથા દીવાલમાં જડાયેલી છે. આ ઉપરાંત મેં એ તિજોરીમાં એક એવી વાત જોઈ છે કે જેનાથી મારા હોશ ઊડી ગયા છે! મારી હિંમત ઓસરી ગઈ છે. એ તિજોરી સાફ કરવી આપણા હાથની વાત નથી એવું મને લાગ્યું છે.’

‘એવું શું જોયું છે તે એ તિજોરીમાં?’ ત્રિલોકે વ્યાકુળ અવાજે પૂછ્યું.

‘તિજોરીમાં ક્યાંય કી હોલ નથી!’

‘એવું કેવી રીતે બને?’ ત્રિલોકે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘એ જ તો મ ને નથી સમજાતું. મેં ઘણી તપાસ કરી હતી, તિજોરી ઉપર હાથ પણ પછાડ્યા હતા,, પરંતુ મને કી હોય ક્યાં ન દેખાયું.’

‘તો પછી તિજોરી કેવી રીતે ઉઘડે છે?’

‘ખબર નથી, મને પોતાને પણ આ વાતની ખૂબ જ નવાઈ લાગે છે. તિજોરી કેવી રીતે ઊઘડે છે એ વાત મારા મગજમાં પણ નથી ઊતરતી!’

‘તિજોરીની સપાટી પર શંકાની પરિધિમાં આવે અથવા તો વિચિત્ર લાગે એવી કોઈ વસ્તુ પણ નથી?’

‘એક વસ્તુ છે!’

‘શું?’

‘તિજોરીની સપાટી ઉપર બરાબર વચ્ચેના ભાગમાં જ્યાં હોલ હોવું જોઈએ ત્યાં એક ઇંચની ત્રિજ્યા ધરાવતી લોખંડની નાની ટીકડી ચોંટેલી છે! એ ટીકડી ઉપર હિન્દીમાં “મેઈડ ઇન જર્મની” લખેલું છે!’

‘મેઈડ ઇન જર્મની? અને એ પણ હિન્દીમાં?’

‘હા.’

‘મેઈડ ઇન જર્મની ખરેખર હિન્દીમાં જ લખ્યું હતું? તે  બરાબર જોયું હતું?’

‘હા, મેં કહ્યું તો ખરું કે બરાબર જોયું હતું?’

ત્રિલોક થોડી પળો સુધી અચરજભરી નજરે ઘડીક દિલાવર તો ઘડીક ગજાનન સામે તાકી રહ્યો.

‘ત્રિલોક!’ સહસા ગજાનન બોલ્યો, ‘જરૂર એ લોખંડની ટીકડીમાં જ તિજોરીના તાળાનો ભેદ છે! જરૂર એ ટીકડી પાછળ કી હોલ હોવું જોઈએ.’

‘દિલાવર, એ ટીકડી તો પોતાના સ્થાનેથી ખસી જતી હશે?’ ત્રિલોકે દિલાવર સામે જોતાં પૂછ્યું.

‘ના.’ દિલાવર નકારમાં માથું હલાવતાં બોલ્યો. ‘ટીકડી પોતાના સ્થાને અડગ છે! જરા પણ આઘીપાછી નથી થતી!’

‘એ ટીકડી સ્ક્રૂ વડે તિજોરીની સપાટી ઉપર જડાયેલી છે?’

‘ના.’

‘તો પછી એ કેવી રીતે ચોંટાડેલી છે?’ 

‘ખબર નથી!’

દિલાવરનો જવાબ સાંભળીને ત્રિલોકનું આશ્ચર્ય બેવડાયું.

એની સામે આ એક વિચિત્ર મૂંઝવણ આવી પડી હતી.

‘ત્રિલોક, જો તિજોરી જ નહીં ઉઘડે તો આપણી લૂંટની યોજના કેવી રીતે સફળ થશે? આપણો હેતુ કેવી રીતે પાર પડશે?’ ગજાનનના અવાજમાં ચિંતાનો સૂર હતો.

‘આપણે જરૂર સફળ થશું ગજાનન!’ જાણે ભભૂકતી ભઠ્ઠીમાંથી કોઈ તણખો ઊઠ્યો હોય એવો અવાજ ત્રિલોકના મોંમાંથી નીકળ્યો, ‘આપણે સફળ થવું જ પડશે! આ લૂંટ આપણે માટે હવે પહેલાં કરતાં પણ વધુ પડકાર રૂપ બની ચૂકી છે. આપણે કોઈ પણ ભોગે એ તિજોરી ઉપાડીશું!’

‘કેવી રીતે? આ ચમત્કાર તું કેવી રીતે કરીશ ત્રિલોક? શું જાદુના જોરે તિજોરી ઊઘાડીશ?’

‘હા જાદુના જોરે ઊઘાડીશ.’ ત્રિલોક સ્મિત ફરકાવતા બોલ્યો.

‘એટલે?’

‘તારે એ જાદુનું નામ જાણવું છે ગજાનન?’ ત્રિલોકના હોઠ ઉપર ફરકતું સ્મિત વધુ ગાઢ બન્યું.

‘હા.’

‘તો સાંભળ! એ જાદુગરનું નામ છે મોહન ચૌહાણ!’

‘મ... મોહન ચૌહાણ?’ ગજાનનના મોંમાંથી સિસકારો નકલી ગયો.

દિલાવર પણ એ નામ બબડ્યો.

‘ત્રિલોક!’ ગજાનન બોલ્યો. ‘તું એ જ મોહન ચૌહાણની વાત કરે છે જે ૧૯૯૧માં થયેલી સૌથી મશહુર બેંક લુંટનો મુખ્ય આરોપી હતો? એ મોહન ચૌહાણ જેણે ધોળે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયામાં લૂંટ ચલાવવાની હિંમત દાખવી હતી, એટલું જ નહીં, બેન્કના તમામ કર્મચારીઓની નજર સામે જ સલામતીની દ્રષ્ટિએ ભારતના સહુથી વધુ સુરક્ષિત ગણાતા વોલ્ટને પણ તોડી નાખ્યું હતું?

‘હા... એજ મોહન ચૌહાણ! હું એ જ મોહનની વાત કરું છું ગજાનન! એના હાથમાં જાદુ છે! ચમત્કાર છે! ઉત્તમચંદ ઝવેરીની તિજોરીને મોહનના જ ચમત્કારી હાથ ઊઘાડશે! રિઝર્વ બેન્કની લૂંટમાં મોહન સાધનોના અભાવે પકડાઈ ગયો હતો, પરંતુ એણે બધાંની સામે વોલ્ટ તોડીને પોતાની કાબેલિયતનો પરિચય આપ્યો હતો, એ જોઇને સૌ કોઈ હેરતથી મોંમાં આંગળાં નાખી ગયું હતું.

‘બરાબર છે, પણ મોહન આપણા માટે કામ કરશે ખરો?’ ગજાનને શંકાભર્યા અવાજે પૂછ્યું.

‘કેમ? શા માટે નહીં કરે?’

‘પણ...’

‘મોહન અત્યારે ખૂબ જ હેરાન-પરેશાન છે એવું મને જાવા મળ્યું છે! એણે એક એક ટંકનું ભોજન મેળવવાના પણ સાંસા છે. અને ભૂખ્યા સિંહ પાસે કોઈ પણ કામ કરવી શકાય છે તે તો તું જાણતો જ હોઈશ. એમાં ઇનકાર કરવાનો કોઈ સવાલ ઉભો નથી થતો. મારી વાત ખોટી હોય તો કહે!’

‘ના તું સાચું જ કહે છે!’ ગજાનન બોલ્યો.

‘છ મહીના પહેલાં જ મોહન જેલમાંથી છૂટ્યો છે. એની આરતી નામની યુવાન બહેન પણ છે. એને પોતાની બહેન પ્રત્યે ખૂબ જ લાગણી છે! એને હવે પોતાની બહેનના લગ્નની ફિકર પણ સતાવતી હશે. બહેનના હાથ પીળા કરવા માટે એને પણ પૈસાની જરૂર હશે જ.

ત્રિલોકની વાત સાંભળીને ગજાનનની આંખોમાં ચમક  પથરાઈ ગઈ.

‘વાત તો તારી મુદ્દાની છે ત્રિલોક. અત્યારે એ બાપડો સંપત્તિ અને નાણાભીડ ભોગવતો હશે.’ એણે કહ્યું.

જવાબમાં ત્રિલોક હસ્યો.

દિલાવરના હોઠ પર પણ સ્મિત ફરી ગયું.

‘પણ આ મોહનનો બચ્ચો મળશે ક્યાં? એનું કોઈ ઠામ-ઠેકાણું કે સરનામું છે તારી પાસે?’

‘હા, એ સ્લમ કોલોનીમાં દસ નંબરના ક્વાર્ટરમાં રહે છે.’

‘એની બહેન પણ ત્યાં જ રહે છે?’

‘બીજે ક્યાં રહેતી હોય? પરંતુ તમે બંને એક વાત કાન ખોલીને સાંભળી લો! આપણે મોહનને માત્ર પૈસાની જ લાલચ આપવાની છે. પૈસાનું સપનું બતાવવાનું છે, પણ વાસ્તવમાં પૈસા આપવાના નથી. એને લૂંટની રકમમાં ભાગીદાર નથી બનાવવાનો.’

‘એટલે?’ ગજાનનની સાથે દિલાવર પણ ચમક્યો.

‘એટલું ય ન સમજ્યા? ખેર હું જ સમજાવી દઉં છું. સાંભળો. એની હેસિયત આપણે માટે માત્ર બલિના બકરાં જેવી  જ હશે. આપણે તેને ભ્રમમાં રાખીને આપણું કામ કઢાવી લેવાનું છે. દિલાવરે ઉત્તમચંદની તિજોરીની જે ખાસિયતો જણાવી છે તે જાતની તિજોરી તોડવાનું કામ માત્ર મોહન જેવા કુશળ જાદુગરનું જ છે. પરંતુ એનો અર્થ એવો હરગીઝ નથી થતો કે આપણે તેને લૂંટની રકમમાં પણ ભાગીદાર બનાવવાનો છે.’

‘પણ જો લૂંટ ચલાવ્યા પછી આપણે મોહનને તેનો ભાગ નહીં આપીએ તો તે ભડકશે અને જબરો હોબાળો મચાવશે.’ દિલાવરે કહ્યું.

‘ના, ભડકશે પણ નહીં અને હોબાળો પણ નહીં મચાવે.’ ત્રિલોક બોલ્યો. 

‘કેમ?’

‘તેં ક્યારેય મરેલા માણસને ભડકતો કે હોબાળો મચાવતો જોયો છે?’

દિલાવરનું મોં નર્યા અચરજથી પહોળું થઇ ગયું. એની આંખો હેરતથી ફાટી પડી.

‘ત.. તો તું એનું ખૂન કરી નાખવા માગે છે?’ તેણે ભયભીત અવાજે પૂછ્યું.

‘કરવું જ પડશે દિલાવર! લાચારી છે. આટલી મોટી રકમમાં  ભાગીદાર બનાવવા કરતાં તો મોહનનું ખૂન કરી નાખવું એ જ વધુ યોગ્ય રહેશે.’

દિલાવર ભયભીત નજરે ત્રિલોક સામે તાકી રહ્યો. એ ત્રિલોક સામે કે જેની નજરમાં માણસના અસ્તિત્વની કિંમત ઓછી પણ પૈસાની કિંમત વધુ હતું.

દિલાવરના દેહમાં ભય અને ખોફથી ધ્રુજારી ફરી વાળી. 

‘ગજાનન!’ એની મનોદશાથી અજાણ ત્રિલોક ગજાનનને ઉદ્દેશીને બોલ્યો. ‘તારે મોહનને શોધી લાવવાનો છે. આ જવાબદારી હું તને સોંપું છું.  આ કામ તારે ચોવીસ કલાકમાં જ કરવાનું છે.’

‘ભલે થઇ જશે! ચોવીસ કલાકમાં જ મોહન તારી સામે ઊભો હશે!’ ગજાનને મક્કમ અવાજે કહ્યું.

‘વેરી ગૂડ!’

ત્યારબાદ થોડી ઔપચારિક વાતો પછી પૈસાના ભૂખ્યા શયતાનોની મિટિંગ પૂરી થઇ. 

પરંતુ બે વાતથી તેઓ અજાણ હતા.

એક તો મોહનની બહેન આરતી ત્રણ મહીના પહેલાં જ એક અક્સ્માતમાં મૃત્યુ પામી હતી.

બીજું આ મિટિંગમાં એક બેહદ સનસનાટીભર્યા નાટકીય બનાવનો પાયો નંખાઈ ચૂક્યો હતો અને આ બનાવનો અંજામ એક જ હતો... મોત!