૪
મોહનનું પ્રેત
... એક વર્ષ પછી ...
સહસા મિનાક્ષીની ઊંઘ ઊડી ગઈ.
એણે ટકોરાનો અવાજ સાંભળ્યો હતો.
આ એનો વહેમ હતો?
ક્યાંક એ ઊંઘમાં કોઈ સપનું તો નહોતી જોતી ને?
પણ ના, એણે ટકોરાનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળ્યો હતો.
કોઈકે જોરથી બારી પર ટકોરા માર્યા હતા.
પરંતુ હવે ટકોરાનો અવાજ શા માટે ન થયો? એની ઊંઘ ઉડ્યા પછી અવાજ શા માટે બંધ થઇ ગયો?
મિનાક્ષીએ આળસ મરડી અને ફરીથી સૂવાના પ્રયાસ રૂપે આંખો બંધ કરી દીધી.
ફરીથી ટકોરાનો અવાજ ગુંજી ઊઠ્યો.
ટક... ટક... ટક! જે અવાજ સાંભળીને એની ઊંઘ ઊડી હતી એ જ અવાજ ગુંજ્યો હતો એમાં તો શંકાને કોઈ સ્થાન નહોતું.
મિનાક્ષીની નજર બારી તરફ સ્થિર થઇ ગઈ. અવાજ બારી તરફથી જ આવ્યો હતો.
કોઈક અડધી રાત્રે દરવાજા પર નહીં, પણ બારી ઉપર ટકોરા મારતું હતું. એ વાત તેને ખૂબ જ વિચિત્ર લાગી.
એણે પલંગ પરથી પગ નીચે ઊતરીને સ્લીપર પહેર્યા અને ઊભી થઇ. રૂમમાં જીરો વોલ્ટના બલ્બનો હળવો પ્રકાશ છવાયો હતો. એણે ખૂણામાં એની મમ્મી અને બંને નાના ભાઈઓ ભર ઊંઘમાં સૂતા હતા એ જોયું. ચોક્કસ જ એણે ટકોરાનો અવાજ નહોતો સાંભળ્યો. જો સાંભળ્યો હોત તો આ બધાંની ઊંઘ પણ ઊડી જાત.
મિનાક્ષીએ આગળ વધીને બારી ઊઘાડી.
હવાનો એક તીવ્ર સપાટો એના ચહેરા સાથે અથડાયો. સપાટાની સાથે જ મિનાક્ષીએ એક વિચિત્ર ગંધ અનુભવી. સળગતી ચામડીની ગંધ! આ ગંધમાં કેરોસીનની ગંધ પણ ભળેલી હતી. સામાન્ય રીતે સ્મશાનમાં કોઈ મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે ત્યારે આવી ગંધ અનુભવાય છે.
પરંતુ મિનાક્ષી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં આજુબાજુમાં કોઈ સ્મશાન નહોતું. તો પછી આ દુર્ગંધ ક્યાંથી આવતી હશે તેનું મિનાક્ષીને આશ્ચર્ય થયું. પરંતુ પછી બહાર અંધકારમાં કોઈને જોઇને એનું આશ્ચર્ય બેવડાયું.
જરૂર પોતાનો ભ્રમ થયો હતો. એણે વિચાર્યું. કદાચ પવનના સપાટાને કારણે બારીમાં ખડખડાટ થયો હશે.
એ જ વખતે બાજુમાંથી પસાર થતી રેલ્વે લાઈન પરથી લોકલ ટ્રેન પસાર થવા લાગી.
પાટા પર સરકેલી ટ્રેનનાં અવાજે થોડી પળો માટે ચૂપકીદીનો ભંગ કરી નાખ્યો.
ટ્રેન પસાર થઇ ગયા પછી પુનઃ સન્નાટાનું સામ્રાજ્ય છવાઈ ગયું.
મિનાક્ષીએ બારી બંધ કરીને પીઠ ફેરવી.
અચાનક ફરીથી ટકોરા પડ્યા.
મિનાક્ષી ચમકી ગઈ.
ના... ટકોરાનો અવાજ એનો ભ્રમ નહોતો. કોઈકે સ્પષ્ટ રીતે બારી પર ટકોરા માર્યા હતા.
મિનાક્ષીના કપાળ ઉપર પ્રસ્વેદ બિંદુઓ ચમકી ઊઠ્યાં. એ ભયભીત થઇ ગઈ. પળભર માટે તો તેને પોતાની મમ્મીને ઉઠાડવાનો વિચાર આવ્યો. પરંતુ પછી તરત જ એણે પોતાનો આ વિચાર માંડી વળ્યો. કારણકે એની મમ્મીને સવારે વહેલા ઊઠીને કામે જવું પડતું હતું.
મિનાક્ષી હિંમત એકથી કરીને પુનઃ બારી પાસે પહોંચી.
એણે બારી ઊઘાડી તો એ જ પૂર્વ પરિચિત દુર્ગંધ અનુભવી. તેને ઉલ્ટી થવા લાગી. એણે તરત જ સાડીનો પાલવ નાક પર દબાવીને બહાર નજર કરી.
પરંતુ ત્યાં તો કોઈ જ નહોતું.
સ્ટ્રીટ લાઈટના અજવાળામાં એ સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી.
આજુબાજુમાં કોઈ કરતાં કોઈ નહોતું દેખાતું.
તો પછી ટકોરા કોણે માર્યા હતા?
સહસા મિનાક્ષીનો દેહ પરસેવાથી તરબતર થઇ ગયો.
ચામડી સળગવાની દુર્ગંધ હવે વધુ તીવ્ર થઇ ગઈ હતી.
મિનાક્ષીના ચહેરા પર ભય મિશ્રિત ગભરાટના હાવભાવ છવાઈ ગયા.
કોણ જાણે કેમ એ જ વખતે ગલીમાં મોઝુદ કૂતરા અચાનક જોરજોરથી ભસવા લાગ્યા.
ડરથી મિનાક્ષીની હાલત ખરાબ થઇ ગઈ.
‘મીનુ...’ સહસા એના કાને એક ખૂબ જ ધીમો પણ સ્પષ્ટ અવાજ અથડાયો.
મિનાક્ષીના મોંમાંથી ચીસ નીકળતી નીકળતી રહી ગઈ.
આ અવાજ બહાર શૂન્યમાંથી ગુંજ્યો હતો. એણે સ્પષ્ટ રીતે સાંભળ્યું હતું. કોઈકે એના નામની બૂમ પાડી હતી. મીનુ કહીને બોલાવી હતી.
... અને આ નામથી તો તેને માત્ર એ જ માણસ બોલાવતો હતો.
... એ માણસ હતો – મોહન ચૌહાણ...!
એ મોહન ચૌહાણ કે જેનો સળગેલો મૃતદેહ પોલીસને ઉત્તમચંદના શો રૂમના ભોંયરામાંથી મળ્યો હતો.
મિનાક્ષીના દેહમાં ધ્રુજારી ફરી વાળી.
એ ડોળા ફાડીને અંધકારમાં તાંકી રહી.
એ બૂમ પાડવા જતી હતી પરંતુ અવાજ એના ગળામાં ઘૂંટાઈ ગયો હતો.
તેને એ માણસ બોલાવતો હતો જે એક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો.
‘મીનુ...’ એ જ અવાજ ફરીથી શૂન્યમાંથી ગુંજી ઊઠ્યો, એકદમ બારી પાસેથી...! સળગતી ચામડીની દુર્ગંધ વધુ તીવ્ર બની ગઈ હતી.
બારીની બહાર કોઈક ભારે ભારે શ્વાસ લેતું હતું, પરંતુ નજરે કોઈ નહોતું ચડતું.
એકએક મિનાક્ષીની હિંમત ઓસરી ગઈ.
એના મોંમાંથી ચીસ સરી પડી.
એના પગ લથડ્યા.
વળતી જ પળે એ કપાયેલા વૃક્ષની જેમ જમીન પર ઉથલી પડી.
એ બેભાન થઇ ગઈ હતી.
મિનાક્ષીની ચીસ સાંભળીને એની મમ્મી રુક્ષ્મણી તથા બંને ભાઈઓની ઊંઘ ઊડી ગઈ હતી.
***
વામનરાવે પોતાના ફ્લેટવાળી ઈમારતના પાર્કિંગમાં પહોંચીને પોતાનું મોટરસાયકલ ઊભું રાખ્યું.
એ જ વખતે ઈમારતનો ચોકીદાર તેની પાસે પહોંચ્યો.
‘આજે તો ઘણું મોડું થઇ ગયું સાહેબ?’ એણે તેનું અભિવાદન કરતાં પૂછ્યું.
‘પોલીસની નોકરી છે બહાદુર!’ વામનરાવ સ્મિત ફરકાવતા બોલ્યો, ‘રાત્રે કમ્મર સીધી કરવા માટે થોડા કલાક મળી જાય છે એટલું સારું છે. ક્યારેક ક્યારેક તો એ પણ નથી મળતું. ખેર, કેટલા વાગ્યા છે? મારી ઘડિયાળ તો બંધ પડી ગઈ છે.’
‘સવા બે વાગ્યા છે સાહેબ!’ બહાદુરે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોતાં કહ્યું.
‘તો તો ખરેખર મોડું થઇ ગયું છે!’ કહેતાં કહેતાં વામનરાવ અટક્યો. પછી અચાનક બોલ્યો, ‘અરે? આ દુર્ગંધ શાની છે?’
‘દુર્ગંધ?’ બહાદુર ચમક્યો.
‘હા, સળગેલી ચામડીની દુર્ગંધ!’
બહાદુરે સહેજ ઊંચું માથું કરીને જોરજોરથી બે-ત્રણ વખત ઊંડા શ્વાસ લીધા.
જાણે કોઈક ગંધ પારખતો હોય એવા હાવભાવ એના ચહેરા ઉપર છવાઈ ગયા.
‘મને તો કોઈ દુર્ગંધ નથી આવતી સાહેબ?’ એ અચરજભર્યા અવાજે બોલ્યો, ‘મેં હમણાં જ તો ઈમારતને ચક્કર માર્યું હતું. કંઈ સળગતું હોત તો મને એની ગંધ જરૂર આવત! ઈમારતમાં રહેતાં લોકોના કહેવા મુજબ તો ગંધ પારખવા માટે મારું નાક ખૂબ જ તેજ છે!’
‘બરાબર છે, પરંતુ મને તો દુર્ગંધ સ્પષ્ટરીતે આવે છે. આ ગંધ લીફ્ટ પાસેથી આવતી લાગે છે.’
‘ચાલો જોઈ લઈએ.’
બંને કમ્પાઉન્ડ વટાવીને લીફ્ટ પાસે પહોંચ્યા.
લીફ્ટ પાસે ભરપૂર અજવાળું હતું.
પરંતુ ત્યાં તેમણે કોઈ સળગતી વસ્તુ ન દેખાઈ.
‘અહીં તો કશું જ નથી સાહેબ!’ બહાદુર બોલ્યો.
‘હા, કશું જ નથી.’ વામનરાવે લીફ્ટ પરથી નજર ખસેડીને પગથિયાં તરફ જોયું.
ત્યાં દુર્ગંધની અનુભૂતિ તીવ્ર થઇ ગઈ હતી.
વામનરાવને આ દુર્ગંધ હવે અસહ્ય લગતી હતી. એનું મગજ ફાટવા લાગ્યું હતું.
એણે બહાદુર સામે જોયું.
બહાદુરનો ચહેરો ભાવહીન હતો.
વામનરાવે ગજવામાંથી રૂમાલ કાઢીને નાક પર મૂકી દીધો. મનોમન એને ખૂબ જ નવાઈ લાગતી હતી. આટલી ભયંકર દુર્ગંધ હોવા છતાંય બહાદુરના કપાળ ઉપર કરચલી પણ નહોતી દેખાતી. કેટલી વિચિત્ર વાત હતી? આ દુર્ગંધ માત્ર પોતે જ શા માટે અનુભવે છે?’
બહાદુરના ચહેરા ઉપર અચરજના હાવભાવ છવાઈ ગયા હતા.
વામનરાવનું આ રીતે નાક પર રૂમાલ રાખવું ખરેખર તેના માટે આશ્ચર્યની વાત હતી.
‘સાહેબ!’ એ બોલ્યો, ‘આપે જરૂર આજે ફરજ દરમિયાન સળગેલી લાશ જોઈ હશે. કદાચ આ કારણસર જ એ દુર્ગંધે હજી સુધી આપનો પીછો નથી છોડ્યો.’
‘હું...’ વામનરાવના ગળામાંથી હુંકાર નીકળ્યો.
તે બહાદુર સાથે દલીલ કરવા નહોતો માંગતો. બાકી આજની તારીખમાં એણે કોઈ સળગેલી લાશ જોઈ ન હતી.
‘આપ ખૂબ જ થાકી ગયા છો સાહેબ. આપ ઘરે જઈને સુઇ જાઓ!’ બહાદુરના અવાજમાં સહાનુભૂતિ હતી.
‘હા, જાઉં છું...’ કહીને વામનરાવ પગથિયાં તરફ આગળ વધી ગયો.
એણે હજુ પણ નાક પર રૂમાલ દબાવી રાખ્યો હતો.
આવી ભયંકર દુર્ગંધે ન તો બહાદુરને કે ન તો ઈમારતમાં રહેનારા અન્ય માણસોને પરેશાન કર્યા હતા, એ વાતની તેને ખૂબ જ નવાઈ લાગી હતી. આ દુર્ગંધને કારણે તો એને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ લાગતું હતું. જ્યારે ઈમારતના લોકો તો જાણે કશું જ ન બન્યું હોય એમ આરામથી ગાઢ ઊંઘમાં સૂતા હતા.
એ ત્રીજા માળ પર પહોંચ્યો.
ત્રીજા માળ પર પગથિયાની બરાબર સામે જ એનો ફ્લેટ હતો.
વામનરાવે ગજવામાંથી ચાવી કાઢીને સ્પ્રિંગ લોક ખોલ્યું અને દરવાજો ધકેલીને અંદર દાખલ થઇ ગયો.
એણે દરવાજાની બાજુમાં દીવાલ પર હાથ ફંફોળીને સ્વીચ બોર્ડની એક સ્વીચ દબાવી.
રૂમમાં ટ્યુબલાઈટનું અજવાળું પથરાઈ ગયું.
એણે કેપ ઉતારીને હેંગર સ્ટેન્ડ પર લટકાવી અને નાક પરથી રૂમાલ ખસેડી નાખ્યો.
પરંતુ એ હજુ પણ દુર્ગંધ અનુભવતો હતો.
કોણ જાણે આ કેવી દુર્ગંધ હતી.
આ દુર્ગંધ બીજું કોઈ કેમ નથી અનુભવતું?
વામનરાવ ધૂંધવાયો.
આ બધું શું હતું? જો ઈમારતમાં કોઈ માણસ સળગી રહ્યો હતો તો ઈમારતમાં ભેંકાર સન્નાટો શા માટે? કોઈ બૂમબરાડા કે શોરબકોર કેમ નથી થતો?
સહસા એણે આ દુર્ગંધ પોતાની પાછળથી આવતી અનુભવી.
એણે સ્ફૂર્તિથી પીઠ ફેરવી.
પરંતુ પાછળ કશું જ નહોતું.
દુર્ગંધ પોતાની પાછળ પાછળ જ ફ્લેટ સુધી આવી છે એ વાતની નોંધ વામનરાવ આ દરમિયાન લઇ ચૂક્યો હતો.
‘હે ઈશ્વર! આ બધું શું ચક્કર છે?’ એ સ્વગત બોલ્યો અને પછી પીઠ ફેરવીને શર્ટના બટન ઉઘાડવા લાગ્યો.
‘ઇન્સ્પેક્ટર સાહેબ...!’
સહસા એના કાને એક અવાજ અથડાયો.
આ અવાજ તેની પાછળથી ઉઘાડા દરવાજા તરફથી આવતો હતો.
વામનરાવે ચમકીને પીઠ ફેરવી.
એનું દિમાગ ચકરાવે ચડી ગયું.
દરવાજા પાસે કોઈ નહોતું.
એણે તરત જ બહાર નીકળીને લોબીમાં બંને દિશામાં નજર કરી.
લોબી ઉજ્જડ હતી.
ત્યાં સન્નાટા સિવાય એને ચીડવનારુ કોઈ નહોતું.
જો કોઈ પાડોશીએ મજાક કરી હોય તો પણ એ ક્યારે પોતાના ફ્લેટમાંથી બહાર નીકળ્યો, ક્યારે બૂમ પાડીને પોતાના ફ્લેટમાં ઘુસી ગયો? જો આમ બન્યું હોય તો પણ પોતાને કોઈક ફલેટનો દરવાજો ઉઘડવાનો અને પછી બંધ થવાનો અવાજ તો જરૂર સંભળાવો જોઈતો હતો.
પરંતુ આવું કશું જ નહોતું થયું.
રાતના સન્નાટામાં દરવાજો ઉઘાડ-બંધ થવાનો અવાજ ન સંભળાય એ વાત જ અશક્ય હતી.
પરંતુ તેમ છતાંય વામનરાવે સાવચેતી ખાતર લોબીમાં ચક્કર માર્યું અને બધા ફ્લેટના દરવાજા ચેક કર્યા.
દરેક ફ્લેટના દરવાજા મજબૂતીથી બંધ હતા.
એ મૂંઝવણભર્યા ચહેરે પોતાના ફ્લેટમાં પાછો ફર્યો.
દુર્ગંધને કારણે એનું માથું ફાટતું હતું. અને હવે તો એ આ દુર્ગંધની તીવ્રતાને વધુ અનુભવતો હતો.
એણે આખા ફ્લેટમાં ચક્કર માર્યું. બંને રૂમમાં જોયું... બેડરૂમ, સ્ટોરરૂમ, તથા કિચનમાં નજર કરી.
ક્યાંય કશું જ નહોતું સળગતું.
પરંતુ દુર્ગંધ પૂર્વવત રીતે છવાયેલી હતી.
ઉપરાંત બૂમ કોણે પડી હતી?
એણે ‘ઇન્સ્પેક્ટર સાહેબ’નું સંબોધન સ્પષ્ટ રીતે સાંભળ્યું હતું અને આ અવાજ બરાબર એની પાછળથી જ ગુંજ્યો હતો. વામનરાવ પુનઃ ડ્રોઈંગરૂમમાં પહોંચ્યો.
એણે દરવાજો બંધ કરી દીધો.
‘ઇન્સ્પેક્ટર સાહેબ!’ ફરીથી એ જ અવાજ ગુંજી ઊઠ્યો.
આ વખતે વામનરાવે ચમકીને બારી સામે જોયું કારણકે અવાજ બારી તરફથી જ આવ્યો હતો.
પરંતુ ત્યાં પણ કોઈ નહોતું.
પળભર માટે વામનરાવ સ્તબ્ધ બની ગયો.
ત્રીજા માળની એ બારી પાસેથી કોઈક તેણે બોલાવી રહ્યું હતું પરંતુ બોલાવનાર નહોતો દેખાતો.
એણે ભૂત-પ્રેતના અનેક બનાવો વિશે સાંભળ્યું હતું પરંતુ ક્યારેય તેનો ભરોસો નહોતો કર્યો.
આવી વાતો સાંભળીને એ હસી પડતો હતો.
પરંતુ આજે?
આજે પરિસ્થિતિ વિપરીત હતી.
વામનરાવ જેવા દિલેર અને નીડર ઇન્સ્પેક્ટરના હોશ ઊડી ગયા હતા. એ ભયભીત નહોતો થયો, પણ ગભરાઈ જરૂર ગયો હતો.
અને આવા સંજોગોમાં એ ગભરાઈ જાય એ સ્વાભાવિક હતું.
છેવટે આ કઈ લીલા હતી? કેવી માયાજાળ હતી?
‘ક... કોણ છે તું?’ ક્યાં છો? એણે હિંમત કરીને પૂછ્યું, ‘સામે કેમ નથી આવતો?’
‘હું આપની સામે જ છું ઇન્સ્પેક્ટર સાહેબ...!’ આ વખત બારી તરફથી ગુંજેલો અવાજ પહેલાં કરતાં પણ વધુ સ્પષ્ટ હતો.
વામનરાવે તરત જ હોલસ્ટરમાંથી સર્વિસ રિવોલ્વર ખેંચી અને બારી તરફ શૂન્યમાં તાકી રહેતા કર્કશ અવાજે બોલ્યો, ‘કોણ છે તું? મારી સામે તો નથી!’
‘હું આપની સામે જ છું સાહેબ, પરંતુ આપને નથી દેખાતો! હું ક્યારેય દેખાઈશ પણ નહીં!’
‘કેમ?’
‘એટલા માટે કે હું કોઈ સજીવન દેહ નહીં પરંતુ એક આત્મા છું! એક પ્રેત છું!’
‘શું બકવાસ આદર્યો છે?’ વામનરાવ જોરથી બરાડ્યો, ‘હું કોઈ ભૂત-પ્રેતમાં નથી માનતો!’
વાત પૂરી કર્યા પછી એણે ટેબલ પર પડેલાં ટુ ઇન વન સામે જોયું, ક્યાંક ટેપરેકોર્ડર તો નથી વાગતું ને?
પણ ના... એનું તો પ્લગ પણ સ્વીચ બોર્ડમાં ભરાવેલું નહોતું એટલે એના વાગવાનો તો સવાલ જ ઊભો નહોતો થતો. અને સૌથી મોટી વાત તો એ હતી કે અવાજ બારી તરફથી આવતો હતો.
‘ઇન્સ્પેક્ટર સાહેબ, આપણી જેમ જીવતો હતો ત્યારે હું પણ ભૂત-પ્રેતના અસ્તિત્વમાં નહોતો માનતો પરંતુ હવે તો હું પોતે જ એક પ્રેત છું!’ ફરીથી એ જ અદ્રશ્ય અવાજ ગુંજી ઊઠ્યો.
‘તું કોનું પ્રેત છો?’ વામનરાવે શૂન્યમાં તાકી રેહતા કર્કશ અવાજે પૂછ્યું.
કોણ જાણે કેમ એનો રિવોલ્વરવાળો હાથ ધ્રૂજતો હતો.
‘મોહન ચૌહાણ...!’
‘કોણ મોહન ચૌહાણ?’
‘મને ન ઓળખ્યો?’ ખેર, ગયા વરસે તોપખાના રોડ પર આવેલા સેઠ ઉત્તમચંદ ઝવેરીના શો રૂમ ઉત્તમચંદ જ્વેલર્સમાંથી એક કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી અને એ લૂંટકેસની તપાસ આપે જ કરી હતી. હવે આપને યાદ આવ્યું?’
‘હા, એ કેસની તપાસ મેં જ કરી હતી!’ વામનરાવ આશ્ચર્યસહ બોલ્યો, ‘પરંતુ આ બધું તું કેવી રીતે જાણે છે?’
‘ઉત્તમચંદ જ્વેલર્સના ભોંયરામાંથી આપને એક સળગેલો મૃતદેહ પણ મળ્યો હતો ખરું ને?’
‘હા... મળ્યો હતો!’ કહેતાં કહેતાં વામનરાવ અટક્યો.
એને યાદ આવ્યું કે સળગેલી ચામડીની બરાબર આવી જ ગંધ તપાસ દરમિયાન પોતે શો રૂમના ભોંયરામાં પણ અનુભવી હતી.
એ જ ગંધ બરાબર એવી જ ગંધ – આજે અત્યારે તે અનુભવતો હતો.
‘એ મૃતદેહ મારો હતો સાહેબ!’
‘તારો?’
‘હા.’
‘અને આ દુર્ગંધ?’
‘આ દુર્ગંધ મારા એ જ શરીરની છે! આપ યાદ કરો સાહેબ! આવી જ દુર્ગંધ આપે ઉત્તમચંદના શો રૂમના ભોંયરામાં આવેલી તિજોરીવાળા રૂમમાં પણ અનુભવી હશે. હું એ જ દુર્ગંધ સાથે આપની પાસે આવ્યો છું.’
‘કેમ? શા માટે?’
‘આપની મદદ મેળવવા માટે!’
‘કઈ જાતની મદદ?’
‘મારા ખૂનીઓ હજી સુધી નથી પકડાયા સાહેબ!’
‘તારા ખૂનીઓ?’
રિવોલ્વરને એણે પુનઃ હોલસ્ટરમાં ભરવી દીધી.
‘હા, મારા ખૂનીઓ! મારા એજ સાથીદારો કે જેઓ રકમ લૂંટવામાં મારી સાથે હતા! તિજોરી ઉઘડી ગયા પછી એમણે મને સળગાવીને મારી નાખ્યો હતો અને લૂંટની રકમ લઈને ત્રણેય નાસી છૂટ્યા હતા. આપ આજ સુધી તેમને નથી પકડી શક્યા. એ ત્રણેય હજુ સુધી નથી પકડાયા સાહેબ!’
વામનરાવની હાલત ખૂબ જ વિચિત્ર થઇ ગઈ હતી.
એ હજુ પણ દુર્ગંધ સ્પષ્ટરીતે અનુભવતો હતો એટલે નહીં, પરંતુ કોઈક અદ્રશ્ય શક્તિ તેની સાથે સ્પષ્ટ રીતે વાતચીત કરી રહી હતી. પરંતુ તેમ છતાં ય તે ભૂત-પ્રેત કે આત્માના અસ્તિત્વનો ઇન્કાર કરતો હતો.
‘આપ સાંભળો છો ને સાહેબ?’ મોહનના પ્રેતનો વ્યાકુળ અવાજ આવ્યો.
‘હા, હું સાંભળું છું!” વામનરાવ પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં બોલ્યો.
‘મારા ખૂનીઓ હજી પણ માતેલા આખલાની જેમ હરે ફરે છે, અને આપ કશું જ નથી કરી શક્યા.’
‘પોલીસ માટે આ કેસ અંધકારમય બની ગયો છે. તપાસ દરમિયાન પોલીસને ખાલી તિજોરી અને એક માણસના સળગેલા મૃતદેહ સિવાય બીજી કોઈ કડી નથી મળી.’
‘કડી હું તમને આપી શકું તેમ છું. હું આપણે એ લૂંટારાઓ અને મારા ખૂનીઓના નામ જણાવી શકું તેમ છું.’
‘તું... તું સાચું કહે છે?’ આશ્ચર્યના અતિરેકને કારણે વામનરાવના મોંમાંથી ચીસ નીકળી ગઈ.
‘હા, સાહેબ!’
‘કોણ છે તેઓ?’
‘તેઓ...’ કહેતાં કહેતાં અચાનક અવાજ બંધ થઇ ગયો.
એ જ વખતે બહારથી કોઈકે જોરથી દરવાજો ખટખટાવ્યો, અને વળતી જ પળે બહાદુરનો અવાજ ગુંજી ઊઠ્યો, ‘ઇન્સ્પેક્ટર સાહેબ! વામનરાવ સાહેબ! દરવાજો ઉઘાડો.’
વામનરાવે ડઘાઈને દરવાજા સામે જોયું.
પછી તરત જ બારી સામે નજર કરીને ધીમા અવાજે બોલ્યો, ‘તારા ખૂનીઓના નામ જણાવ મોહન!’
પરંતુ કોઈ જ જવાબ ન મળ્યો.
એક વધુ આશ્ચર્ય એણે અનુભવ્યું.
જાણે અસ્તિત્વ જ ન હોય એ રીતે વાતાવરણમાં છવાયેલી દુર્ગંધ પણ અચાનક જ દૂર થઇ ગઈ હતી.
દરવાજા પર હજુ પણ ટકોરા પડતા હતા.
વામનરાવ આશ્ચર્યથી સાગરમાં ગોથાં ખાતો આગળ વધ્યો.
એણે દરવાજો ઉઘાડ્યો.
બહાર બહાદુર એક પાડોશી વિષ્ણુપ્રસાદ સાથે ઊભો હતો.
બંનેને આશ્ચર્યથી વામનરાવ સામે તાકી રહ્યા હતા.
વામનરાવના કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી.
‘શું થયું હતું વામનરાવ સાહેબ?’ વિષ્ણુપ્રસાદે પૂછ્યું.
‘કંઈ જ નહોતું થયું!’ વામનરાવ પોતાના શ્વાસ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં બોલ્યો, ‘તમે લોકો અહીં?’
‘મેં આપની ચીસ સાંભળી હતી સાહેબ!’ વિષ્ણુપ્રસાદે કહ્યું, ‘મેં બહાદુરને ઉપર બોલાવી લીધો, મને એમકે તમારા ફ્લેટમાં કોઈ નવાજૂની થઇ છે.’
‘ના એવી કોઈ વાત નથી.’ વામનરાવ પરાણે સ્મિત ફરકાવતા બોલ્યો.
‘મેં આપની ચીસ સ્પષ્ટપણે સાંભળી હતી વામનરાવ સાહેબ.’ વિષ્ણુપ્રસાદના ચહેરા પર મૂંઝવણના હાવભાવ છવાઈ ગયા હતા, ‘આપ ઊંચા અવાજે કોઈકની સાથે વાતો કરતાં હતા. બહાદુરે પણ આપને વાતચીત કરતાં સાંભળ્યા છે! આ અવાજ બહાર પણ સંભળાતો હતો!’
‘ઓહ... સોરી વિષ્ણુ સાહેબ!’ વામનરાવ દિલગીરીભર્યા અવાજે બોલ્યો, ‘આજે હું માનસિક રીતે ખૂબજ મૂંઝવણમાં છું. મારી તબિયત પણ સારી નથી.’
‘હું ડોક્ટરને બોલવું સાહેબ?’ બહાદુરે પૂછ્યું. એની આંખોમાં પૂર્વવત રીતે મૂંઝવણના હાવભાવ તરવરતા હતા.
‘ના.’ વામનરાવ નકારાત્મક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘ડોક્ટરને બોલાવવાની કંઈ જરૂર નથી! હું ઘેનની બે ગોળી ખાઈને સૂઈ જાઉં છું. સવાર સુધીમાં સારું થઇ જશે. વિષ્ણુ સાહેબ તમે તકલીફ લીધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર!’
‘કંઈ વાંધો નહીં વામનરાવ સાહેબ! પેલી કહેવત છે ને કે પહેલો સગો પાડોશી, એ મુજબ પાડોશીને જ પાડોશીની ચિંતા નહીં થાય તો કોને થશે? ઓકે, ગૂડ નાઈટ!’
‘ગૂડ નાઈટ!’ વામનરાવ બોલ્યો.
બહાદુર તથા વિષ્ણુપ્રસાદના ગયા પછી વામનરાવે દરવાજો બંધ કર્યો અને પીઠ ફેરવીને બારી સામે જોયું.
પરંતુ દુર્ગંધ તો દૂર થઇ ગઈ હતી.
તો શું એ આત્મા ચાલ્યો ગયો હતો?
મોહન ચૌહાણનો આત્મા!
... એ આત્મા કે જે પોતાના ખૂનીઓના નામ જણાવવા માટે ઉત્સુક હતો.
વામનરાવ ભલે એક પોઈસ ઇન્સ્પેક્ટર અને ગમે તેવું મજબૂત હ્રદય ધરાવતો હોય, પરંતુ થોડી વાર પહેલાં જે કંઈ બન્યું હતું, એણે તેને ખૂબ આશ્ચર્ય અને મૂંઝવણમાં મૂકી દીધો હતો એટલું જ નહીં, એના દેહમાંથી રોમાંચકારી ધ્રૂજારી પણ ફરી વળી હતી.
શું ખરેખર આત્માઓનું અસ્તિત્વ હતું?
એણે પોતે સળગતી ચામડીની દુર્ગંધ અનુભવી હતી, પરંતુ તેની બાજુમાં ઉભેલા બહાદુરે આ દુર્ગંધ નહોતી અનુભવી.
વિષ્ણુપ્રસાદ અને બહાદુરે એનો અવાજ તો સાંભળ્યો હતો. પરંતુ મોહનના પ્રેતનો અવાજ નહોતો સાંભળ્યો.
તો શું આત્માનો અવાજ અને દુર્ગંધ માત્ર પોતાને માટે જ હતી?
એનું દિમાગ ચકરાવે ચડી ગયું.
એ કેટલીયે વાર સુધી એ જ હાલતમાં ઊભો રહ્યો.
જીવનમાં આજે પહેલી જ વાર એણે પોતાની જાતને હચમચતી અનુભવી.
એનું દિમાગ કામ કરતું અટકી ગયું હતું.
‘તું હજુ અહીં જ છો મોહન?’ સહસા એણે બારી તરફ તાકી રહેતા પૂછ્યું.
પરંતુ કોઈ જવાબ ન મળ્યો.
એનો અવાજ રૂમમાં જ ગુંજીને રહી ગયો.
વામનરાવે એક ઊંડો શ્વાસ લઈને વસ્ત્રો બદલ્યા.
મોહનનો આત્મા ચાલ્યો ગયો હતો એ સ્પષ્ટ થઇ ગયું હતું.
વામનરાવ પલંગ ઉપર આડો પડ્યો.
એને ઊંઘ નહોતી આવતી.
એ ફરીથી આત્માના પાછા આવવાની રાહ જોવા લાગ્યો.
પરંતુ આત્મા બીજી વાર ન આવ્યો.
છેક વહેલી સવારે પાંચ વાગ્યે વામનરાવને ઊંઘ આવી.
***
મિનાક્ષીએ આંખ ઊઘાડી
રૂમમાં સવારનું અજવાળું પથરાઈ ગયું હતું.
એ અચાનક હેબતાઈને પલંગ પર બેઠી થઇ ગઈ.
એણે જોયું તો રુક્ષ્મણી તેના પલંગ પાસે એક ખુરશીમાં બેઠી હતી.
રુક્ષ્મણીએ સ્નેહથી એના કપાળ ઉપર હાથ ફેરવ્યો. મિનાક્ષીની હાલતને કારણે એ ખૂબ જ ચિંતાતુર દેખાતી હતી. મિનાક્ષી પોતાના માથામાં ખૂબ જ પીડા અનુભવતી હતી. એને જે સ્થળે પીડા થતી હતી ત્યાં હાથ ફેરવ્યો. એ સ્થળે એક ઢીમચું ઉપસી આવ્યું હતું.
‘તને અડધી રાતે શું થઇ ગયું હતું મિનાક્ષી?’ રુક્ષ્મણીએ પૂછ્યું, ‘તું બારી પાસે ગઈ હતી. મેં જ તને ઊંચકીને માંડ માંડ પથારી પર સૂવડાવી હતી.
‘મમ્મી...’ સહસા મિનાક્ષી ગભરાઈને રુક્ષ્મણીને વળગી પડી અને ધ્રૂજવા લાગી.
એની નજર સામે રાત્રે બનેલો બનાવ તરવરી ઊઠ્યો.
‘એ મિનાક્ષી!’ રુક્ષ્મણીએ એની પીઠ ઉપર હાથ ફેરવતાં પૂછ્યું, ‘રાત્રે તને શું થયું હતું?’
‘રાત્રે... રાત્રે એ આવ્યો હતો... ત્યાં આવ્યો હતો!’
મિનાક્ષીએ ડરતાં ડરતાં બારી તરફ સંકેત કરતાં કંપતા અવાજે કહ્યું, ‘બારી પાસે!’
‘કોણ આવ્યું હતું?’ રુક્ષ્મણીએ અચરજભર્યા અવાજે કહ્યું.
‘મ... મોહન આવ્યો હતો!’
‘મોહન? કોણ મોહન? મોહન ચૌહાણ?’
‘હા...’
‘તારા મગજમાંથી હજુ પણ એનું ભૂત નથી નીકળ્યું? એ નાલાયકને મર્યાને પણ એક વરસ વીતી ગયું છે!’
‘એ આવ્યો હતો મમ્મી! આ તરફથી આવ્યો હતો!’ મિનાક્ષી હઠભર્યા અવાજે બોલી, ‘એણે બે વખત બારી પર ટકોરા માર્યા હતા, એણે મને બૂમ પાડી હતી, મને મીનુ કહીને બોલાવી હતી.’
મિનાક્ષીની વાત સાંભળીને રુક્ષ્મણીના હોઠ પર સ્મિત ફરકી ગયું.
‘હું સાચું જ કહું છું. તું મારી વાત પર ભરોસો શા માટે નથી કરતી? કહેતાં કહેતાં મિનાક્ષીની આંખોમાં આંસુ આવ્યા, ‘મેં એનો અવાજ ઓળખ્યો હતો!’
‘એણે તને મીનુ કહીને બોલાવી હતી એમ ને?’
‘હા.’
‘તારું માથું ભણી ગયું છે મિનાક્ષી!’ સહસા રુક્ષ્મણીનો અવાજ કઠોર થઇ ગયો, ‘મેં હજાર વાર તને કહ્યું છે કે એનો વિચાર મગજમાંથી કાઢી નાખ! એ જીવતો હતો, ત્યારે તને શાંતિથી રહેવા નથી દીધી અને હવે મર્યા પછી હેરાન કરવા આવે છે. જો તારી આવી જ હાલત રહેશે તો તું પણ ગાંડી થઇ જઈશ અને મને પણ ગાંડી કરી નાખીશ. હું હજુ પણ કહું છું કે લગ્ન કરી લે, સેવારામ સારો છોકરો છે. કમલ જેવા રેસ્ટોરન્ટમાં વેઈટર છે, મહીને હજાર રૂપિયા પગાર મળે છે. ઉપરની આવક પણ ઘણી થાય છે. એ તને પસંદ પણ કરે છે. અત્યારે એ કુંવારો છે પણ ક્યાં સુધી રહેશે?’
‘હું લગ્નની વાત નથી કરતી!’ મિનાક્ષી ચીસ જેવા અવાજે બોલી.
‘મને ખબર છે!’ રુક્ષ્મણીએ ધૂંધવાતા અવાજે કહ્યું, ‘રાત્રે એ નાલાયક તારા સપનામાં આવ્યો હતો. એણે તો તારું જીવવું પણ હરામ કરી નાખ્યું છે. મને તો એમ કે તું અંધારામાં ઠોકર ખાઈને પડી ગઈ છો. તારે કારણે મારે મોડું થઇ ગયું. મારે સવારના પહોરમાં શાંતાબેનને ત્યાં જવાનું હતું, અત્યારે નવ વાગી ગયા છે. હવે ઠપકો તો મારે જ સાંભળવો પડશે. તારે ક્યાં કશે જવાનું છે? તને કોઈ વાતની ચિંતા છે? તારો બાપ ત્રણેયને મારે માથે મૂકીને ચાલ્યો ગયો હવે બેઠી બેઠી શું કરે છે? કામ પર નથી જવું? ઓફિસોમાં ટીફીન નહીં પહોંચે તો સાહેબો શું જમશે?’
‘મને ક્યાંય જવાનું મન નથી!’
‘હા, કેમ નહીં? તારું મન તો મડદામાં ભટકે છે એટલે કામકાજમાં ક્યાંથી ખૂંચશે?’
‘તું માનતી કેમ નથી? મોહન રાત્રે આવ્યો હતો.’ મિનાક્ષી લાચારીથી હોઠ કરડતાં બોલી.
‘એ તો મરી ગયો છે એટલે એનું ભૂત જ તારી પાસે આવ્યું હશે.’ રુક્ષ્મણીએ છણકો કરતાં કહ્યું.
‘ભ... ભૂત?’ મિનાક્ષીના ચહેરાનો રંગ ઊડી ગયો.
સળગતી ચામડીની દુર્ગંધ, બારી પરના ટકોરા, કોઈનું ન દેખાવું, પરંતુ તેમ છતાંય સ્પષ્ટ રીતે અવાજ સંભળાવો, વિગેરે તેને યાદ આવ્યું. એને ‘મીનુ’ કહીને સંબોધવામાં આવી હતી અને અને એ અવાજ સોએ સો ટકા મોહનનો જ હતો. મોહનના અવાજને એણે બરાબર રીતે પારખ્યો હતો.
રુક્ષ્મણીએ મિનાક્ષી સામે જોયું. મિનાક્ષીનો ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો હતો. એની આંખમાં ખોફ અને અજ્ઞાત ભય ડોકિયા કરતો હતો. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી.
એણે તરતજ મિનાક્ષીનું કાંડું પકડ્યું.
‘અરે! તારું શરીર તો ઠંડુ પડી ગયું છે.’ એ ચમકીને બોલી.
‘હું સાચું જ કહું છું. રાત્રે મોહનનું ભૂત આવ્યું હતું!’
‘તે એનું ભૂત જોયું હતું?’
‘ના... માત્ર એનો અવાજ જ સાંભળ્યો હતો. એની ગંધ અનુભવી હતી. જાણે હજુ પણ એનો દેહ સળગતો હોય એવી એ ગંધ હતી.
રુક્ષ્મણીએ ધ્યાનથી મિનાક્ષીના ચહેરા સામે જોયું. મિનાક્ષીની હાલત પોકારી પોકારીને કહેતી હતી કે એના ડર અને ખોફ પાછળ કોઈક નક્કર કારણ હતું. બાકી મિનાક્ષી ડરપોક નહોતી. રાત્રે જરૂર એની સાથે કંઈક બન્યું હતું. ભૂત-પ્રેતની વાત પર તો રુક્ષ્મણીને ભરોસો નહોતો. રાત્રે મિનાક્ષીએ કોઈક ડરામણું સપનું જોયું હતું. એમ તે માનતી હતી.
એણે સ્નેહથી મિનાક્ષીની પીઠ થપથપાવી અને કોમળ અવાજે બોલી, ‘હું સેવારામને કહી દઉં છું. આજનો દિવસ એ તારા વતી ટીફીનો પહોંચાડી આવશે. તું આરામ કર. મેં જમવાનું બનાવી લીધું છે, તું જમી લેજે!’
મિનાક્ષીએ ધીમેથી માથું હલાવ્યું.
‘તને એકલાં રહેતાં ડર તો નહીં લાગે ને?’
‘ના.’
‘હું જાઉં છું! તું દરવાજો બંધ કરી દે. બંને ભાઈઓ બપોરે સ્કુલેથી આવી જશે.’
મિનાક્ષીએ ફરીથી માથું હલાવ્યું.
‘હું સાંજે તારે માટે દવા લઇ આવીશ!’ રુક્ષ્મણીએ સહાનુભૂતિભરી નજરે એની સામે જોતાં કહ્યું.
‘ના, દવાની કંઈ જરૂર નથી! મને કશું જ નથી થયું.’ મિનાક્ષી બોલી.
‘સારું... સારું... તું આરામ કર!’ કહીને રુક્ષ્મણી ચાલી ગઈ.
મિનાક્ષી પલંગ પર સુઈ ગઈ.
એની આંખોમાં લાચારીના આંસુ ધસી આવ્યા.
તેની વાત પર રુક્ષ્મણીને, એની સગી માને જ ભરોસો નહોતો બેઠો તો કોઈને ક્યાંથી બેસવાનો હતો?
રાત્રે બનેલો બનાવ એનો વહેમ કે ભ્રમ નહોતો.
એણે મોહનનો અવાજ સાંભળ્યો હતો.
એ તેને બોલાવતો હતો. એ કંઈક બીજું પણ કહેવા માગતો હતો. જો પોતે ડરને કારણે બેભાન ન થઇ ગઈ હોય તો જરૂર કહેત!
મિનાક્ષી પોતાની જાત પર ધૂંધવાઈ, પોતે શા માટે બેભાન થઇ ગઈ? એ મોહનનો જ આત્મા હતો. એનો આત્મા એની સાથે વાતો કરવા આવ્યો હતો અને પોતે તેના અવાજથી ગભરાઈ ગઈ.
મિનાક્ષી ભૂત-પ્રેતના અસ્તિત્વમાં માનતી હતી.
કાલે રાત્રે પોતાની પાસે મોહનનો જ આત્મા આવ્યો હતો એ વાતની એને ખાતરી હતી.
આ વખતે જો મોહનનો આત્મા આવે તો જરા પણ ન ગભરાતા તેની સાથે વાતચીત કરવાનો નિર્ણય એણે કર્યો.
આ નિર્ણય કરતાંની સાથે જ એ સ્વસ્થતા અનુભવવા લાગી હતી.
હવે તેના મનમાં કોઈ ભય ન હતો.