સાત દિવસની રજા બાદ સૌ ફરી એકજૂથ થયા.
" આ કેસનો અંત હજુ નથી થયો..નથી આપણે પૂરી રીતે જીત્યા છીએ કે નથી હજી આપણે હાર માની છે...જ્યાં સુધી આપણે અંશ અને કેશવને જેલના સળિયા પાછળ ધકેલી ન દઈએ ત્યા સુધી આપણે દિવસ રાત મહેનત કરવાની છે.."
" સર પણ હોસ્પિટલમાં જે છે એ અંશ છે કે કેશવ એ ખબર નથી તો પછી આગળની કાર્યવાહી કઈ રીતે કરીશું?" આર્યને કહ્યું.
" એના પાસ્ટ વિશે જાણીને...આજથી આપણા સૌનું કામ બસ એક જ રહેશે અંશ, કેશવ અને બલરાજના પાસ્ટ વિશેની જાણકારી મેળવવી. એક એક માહિતી મને જોઈએ... નાની અમથી એની આદતોથી લઈને એમની કુટેવો શું હતી એ બધી જાણકારી તમારે ભેગી કરવાની છે..." વિજયે કડક શબ્દોમાં કહ્યું.
" ઓકે સર..."
" આરોહી...તારે બલરાજ અને એના ફેમિલીની બધી માહીતી એક્ઠી કરવાની છે..., પ્રિશા તું અંશ વિશેની માહિતી એકઠી કરીશ જ્યારે આર્યન તું કેશવ વિશે અને બાકી બચ્યા હું અને સંજીવ અમારે એક જરૂરી કામ કરવાનું બાકી છે એ કરીશું...તો ચાલો કામ શરૂ કરીએ?"
" યસ સર..." બધા એકસાથે ઉમંગ ભેર બોલી ઉઠ્યા.
જ્યાં વિજય એની ટીમ સાથે વાતચીતમા મશગુલ હતો ત્યાં ગામમાં ન્યુઝ ચેનલ વાળાઓની પડાપડી થઈ રહી હતી. દરેક ન્યુઝ ચેનલ પોતાની અલગ જ કહાની પ્રસ્તુત કરી રહ્યા હતા. જ્યાં કોઈ અંશને હીરો માનતા હતા તો બીજી ચેનલ અંશને ક્રિમીનલ ઘોષિત કરી રહ્યા હતા. પરંતુ આ ચેનલોની વચ્ચે સૌથી વધુ નુકશાન પોલીસ ઓફિસરનું થયું.
વિજય જેનો દરેક કેસ સોલ્વ કરવાનો રેકોર્ડ હતો હવે એને પણ નીચું મોં રાખીને શરમાવું પડ્યું હતું. જ્યારે ન્યુઝ રિપોર્ટર એના ઘર સુધી પહોંચી ગયા ત્યારે વિજયે દરવાજો જ બંધ કરીને કોઈ ઇન્ટરવ્યૂ ન આપ્યું.
થોડાક દિવસો બાદ માહોલ શાંત થઈ જતાં સૌ પોતાના કામે લાગી ગયા.
આરોહી એ ગામ વાસીઓ પાસેથી બલરાજ વિશેની માહિતી એકઠી કરવા લાગી.
" સાચું કહું તો બલરાજ જેવો શેતાન મેં સપનામાં પણ નથી જોયો...હું તો ભગવાનનો હર પળ આભાર માનુ છું કે બલરાજ મરી ગયો..હવે આ ગામમાં ફરી પહેલા જેવી શાંતિ થઈ જશે.." 60 વર્ષના એક વૃદ્ધ બોલ્યા.
અન્ય ઘરોમાં જ્યારે આરોહી એ પૂછતાછ કરી તો જાણવા મળ્યું કે " બલરાજનું આખુ પરિવાર અપરાધીથી ભરેલું છે..ચંદ્રશેખર ચૌહાણ કે જેણે મારા હકની જમીન પણ છીનવી લીધી....અમારું પરિવાર કઈ રીતે ગુજરાન ચલાવે છે એ તો અમારું મન જ જાણે છે...આ મારી દસ વર્ષની દીકરી.. જેમની ઉંમર ભણવાની છે એ અમારું ઘર સંભાળે છે...અંશે જે કર્યું એ યોગ્ય કર્યું. હું તો કહું છું કે ભગવાને અંશને અમારી મદદ માટે જ મોકલ્યો છે..."
બે ત્રણ દિવસ પૂછતાછ કર્યા બાદ આરોહી પાસે એક એવી માહિતી મળી કે એ સાંભળીને એના હોશ ઉડી ગયા.
બલરાજના નજદીકના વ્યક્તિઓ એ કહ્યું. " બલરાજનો મૂળ ધંધો દારૂની હેરાફેરી કરવાનો હતો, રાણીપુર નજદીક જ એમણે દારૂ માટે મોટું ગોડાઉન તૈયાર કરાવ્યું હતું. જ્યારથી બલરાજ રાજનીતિમાં આવ્યો હતો એ દિવસથી જ એ વઘુ દારૂના ધંધામાં સામેલ થઈ ગયો હતો.
" ક્યાં છે એ ગોડાઉન? તમે જોઈ છે?" આરોહી એ પૂછ્યું.
" હા મેડમ ચાલો મારી સાથે..."
આરોહી એ ગોડાઉન તરફ પહોંચી. ગોડાઉન ખોલ્યું તો એમાં દારૂની પાંચસો જેટલી બોટલ પડી હતી. આરોહી એ અમુક ફોટા પાડીને પોતાની પાસે રાખી લીધા.
ધીમે ધીમે આરોહી રાણીપુરમાં વસેલી ફેકટરીમાં પહોંચી. ફેક્ટરીના માલિક પાસેથી પણ બલરાજ વિશેની માહિતી લીધી. આરોહી તપાસ કરતી કરતી અમરજીતનો મિત્ર રાકેશને મળી કે જેણે દગો કરીને જીતેન્દ્રની કિડની ચોરી કરી હતી. પોલીસના ડરના લીધે રાકેશે જે ઘટના બની હતી એ કોઈ પણ પ્રકારની ભેળસેળ કર્યા વિના જણાવી દીધી. આરોહી એ રાકેશની વાત પોતાના બુકમાં નોટ કરી અને મનમાં કહ્યું. " અંશે જે પોતાના પિતા વિશે કહ્યું હતું એ સાચું હતું! આ બલરાજ તો અંશ કરતા પણ મોટો ક્રિમીનલ નીકળ્યો!
આરોહીના મનમાં જે અંશ વિશેની નફરત હતી એ હવે દયાભાવમાં બદલાઈ ગઈ. " જ્યારે પોતાના જ કહેવાતા સબંધીઓ તમારું બધું છીનવી લે તો સામાન્ય માણસ ક્રિમીનલ ન બને તો શું કરે? અંશ તને સલામ છે.."
ક્રમશઃ