લવ ફાઈન, ઓનલાઇન - પ્રિક્વલ (પૂર્વાર્ધ)
"યાર, રાજેશ! મને કઈ ઠીક નહિ લાગતું!" પ્રાચી એ ખુદને મારા ખભે ઢાળી દીધી હતી, એનું દિલ કોઈ અણજાણ ભયને લીધે ડરેલું હતું. કોણ જાણે કેમ એને આજે બહુ જ બેચેની થતી હતી.
"કંઈ ચિંતા નાં કર તું પ્લીઝ.." મેં એના માથે હાથ ફેરવ્યો.
"યાર મને તારી પર બહુ જ ગુસ્સો આવે છે!" એ મારી સામે ધારદાર નજરે જોઈ રહી, જાણે કે હમણાં જ કઈક તીખું બોલી જશે! સામાન્ય રીતે તો એ આ રીતે મારી પર ગુસ્સો નહિ કરતી પણ આજે એને ખબર નહિ કઈ વાતથી મારા પર ગુસ્સો આવી રહ્યો હતો!
"કેમ?!" મેં બહુ જ સાહજીકતાથી જ પૂછ્યું.
"તને ખબર પડી રાતની કે મને કઈ ઠીક નહિ લાગતું, દિલ બેચેન છે તો કેમ તું તારા બધાં જ પ્લાન કેન્સલ કરીને અહીં મારી પાસે આ ગાર્ડનમાં આવ્યો?!" એની ખૂબસૂરત મોટી આંખો જવાબ માંગતી હતી. એના સવાલે મને તોડી નાંખ્યો.
"દોસ્તી, મેડમ! દોસ્તને દોસ્તની જરુર હોય તો આવવું જ પડે ને!" મેં બને એટલા શાંત રીતે કહ્યું.
"હા, તારી દોસ્તી!" એણે એક નિશ્વાસ નાંખ્યો. દોસ્તી શબ્દ પર એવી રીતે ભાર મૂક્યું જાણે કે એને તો આ સંબંધ પર જ ચીડ થતી હતી!
"તો શું કહે છે આંટી, ક્યારે તારા લગ્ન?!" એણે પૂછ્યું તો મારું મન પણ અણજાણ કારણથી નારાજ થઈ ગયું. એક બેચેની એ મારા મનને ઘેરી લીધું.
"તને બહુ જ ઉતાવળ છે મારા લગ્ન કરાવવાની?!" મેં થોડું ગુસ્સામાં કહ્યું, હું એની સાથે ક્યારેય આમ ગુસ્સામાં નહિ બોલતો. એની આંખ નમ થઈ ગઈ.
"જસ્ટ પૂછું તો છું.. કેમ ગુસ્સો કરે છે?!" એણે પ્યારથી કહ્યું તો હું પીગળી ગયો. ગમતી વ્યક્તિ થોડું પણ પ્યારથી કહે તો દિલને આરામ થતો હોય છે. મારા દિલને પણ હાલ એ જ આરામ મહેસૂસ થઈ રહ્યો હતો.
"સોરી, પણ મારે હમણાં લગ્ન નહિ કરવા અને તું પૂછે છે તો!" મેં મારા માથાને એના ખોળામાં મૂકી દીધું. એ દૂર કઈક કશું જોઈ રહી હતી. કઈક વિચારી રહી હોય એવું લાગતું હતું. એના હાથ મારા વાળમાં ફરતાં હતાં અને એનો સ્પર્શ મને જુદો જ અહેસાસ કરાવતો હતો. વાતાવરણ બહુ જ શાંત હતું, પણ મારા દિલમાં બહુ જ તોફાન ચાલતું હતું.
કેમ સમજતી નહિ હોય, હું એને જ તો પ્યાર કરું છું ને! એટલે જ તો એના એક કોલ પર ટ્રીપ કેન્સલ કરી ને આવ્યો હતો ને! સામેથી થોડો પ્યાર બતાવી દે તો શું થઈ જાય?! ઉપર થી એ જ તો સવાલ કરે છે કે કેમ ખુદ મારા લગ્ન ક્યારે થશે?! શું એને થોડી પણ શરમ જેવું નહીં?! દરેક પળ મારું જ નામ એના મોં પર હોય છે અને હરદમ મને જ એ ચાહે છે તો કયો ડર છે એને કે એ મને કહેતી જ નહીં. બસ મારા પર હક જતાવે છે, કોઈ ફ્રેન્ડ જેટલો જ નહિ, પણ, પણ કોઈ હસબન્ડ જેવા હક સાથે એ મને ક્યારેય પણ કોલ-મેસેજ કરે છે, પણ મને કહેતી કેમ નહિ કે ખુદ મને પ્યાર કરે છે.
"રાજેશ, તને તો બધું ખબર જ છે, મારી લાઇફમાં કોઈ નહિ, બસ એક તું છું, ગમે તે થાય, હું તને નહિ ખોવા માંગતી!" એની ભરાયેલી આંખ છલકાઇ જ ગઈ. એના આંસુઓ મારા ચહેરા પર પડતાં હતાં. હું પણ રડતો જ રહ્યો. મારે એને કઈ જ નહોતું કહેવું. કહું પણ શું એને?!