Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 25

" મેં પોલીસ ને કીધું છે કે અમારો એક મિત્ર નથી મળ્યો. પોલીસ એ રેસ્ક્યુ ટિમ બોલાવી છે. તેની શોધખોળ ચાલુ જ છે.અકસ્માત તો સાંજના જ થયો હતો.પણ અમારી ગાડી ખીણમાં પડી ગઈ હતી. એટલે બધા ને શોધતા વાર લાગી.જેવા પ્રારબ્ધ વિશે સમાચાર મળે તેવો તમને કોલ કરું છુ. તમે ચિંતા ન કરો.મળી જશે પ્રારબ્ધ..!"

ચિંતામાં ને ચિંતામાં સવાર ક્યાં પડી ગઈ ખબર જ ન પડી. પ્રકૃતિ વારંવાર તે મિત્ર ને ફોન કરે જતી હતી, પરંતુ પ્રારબ્ધના કોઈ સમાચાર ન મળ્યા. રેસ્ક્યુ ટીમે આખો દિવસ ધોધમાર વરસાદમાં પ્રારબ્ધની શોધખોળ ચાલુ રાખી પણ અફસોસ ક્યાંય પ્રારબ્ધ ન મળ્યો. પ્રકૃતિ રોઈ રોઈ ને અડધી થઈ ગઈ હતી. હવે તે શું કરે..? પેટમાં તેનો પ્રેમ ઉછરતો હતો, જ્યારે તેના પિતા આ ખુશીના સમાચાર સાંભળે તે પહેલાં જ ગોઝારી ઘટનાનો શિકાર બની ગયા હતા.

પ્રકૃતિ પાસે હવે પિતાના ઘરે જવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. લગભગ રાતના આઠેક વાગ્યા હશે. પ્રકૃતિએ તેના પિતાના ઘરની ડોરબેલ વગાડી. આજ દરવાજો કોઈ નોકરે નહીં તેની મમ્મીએ જ ખોલ્યો. મમ્મીને જોઈ પ્રકૃતિ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. મમ્મીએ તેને ગળે વરગાડી તેને શાંત કરવાની કોશિશ કરી પણ પ્રકૃતિની આંખોમાંથી ચોધાર આંસું વહે જતા હતા. મમ્મી તેના રડવાનું કારણ પૂછે જતી હતી પણ પ્રકૃતિ કંઈ બોલી જ શકતી નહોતી. દીકરી ને આમ રડતી કંઈ મા જોઈ શકે..? તેની મમ્મી પણ તેને જોઈ રડવા લાગી.

રડવાનો અવાજ આવતા જ તેના પિતા બહાર આવ્યા. તેમનો ગુસ્સો તો આસમાને હતો. પ્રકૃતિ કંઈ બોલે તે પહેલાં તેના પપ્પા એ તેના ઘરે પાછા જવાનો આદેશ આપી દીધો. "કોઈ પણ પ્રૉબ્લેમ આવે હવે તે તારે જાતે જ સોલ્વ કરવાનો છે. આ ઘર હવે તારું નથી રહ્યું. જા તારા પ્રારબ્ધ પાસે..."

" પણ તમે સાંભળો તો ખરા મારી ગુડિયાના માથે શું તકલીફ આવી છે..? કેમ તે આટલું બધું રડે છે..? એમ જ બિચારીને થોડી કાઢી મુકાય..?" મમ્મીએ રડતા રડતા કહ્યું.

" આ રસ્તો તેને જાતે નક્કી કાર્યો છે અને તેના માટે તે ખુદ જવાબદાર છે. તેનો પ્રારબ્ધ છે તો આપણી શી જરૂર છે એને..?" આટલું કહીને પિતાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો.

પ્રકૃતિના દુઃખનો પાર ન હતો. પતિના કોઈ સમાચાર નથી અને પિતાના ઘરના દરવાજા હંમેશને માટે બંધ થઈ ગયા હતા. કુદરત પણ આજ તેના પર રૂઠી હતી. ધોધમાર વરસાદ રૂપે વરસી રહી હતી. ક્યાં જવું..? શું કરવું..? પ્રકૃતિને કંઈ જ સમજાતું નહોતું.

શું વાંક હતો આ માસૂમ દીકરી નો..? કોઈને પ્રેમ જ કર્યો હતો ને..? અને આજે આ પ્રેમ કરવાની સજા પિતા અને કુદરત બંને આપી રહ્યા હતા.

રાત્રિનો સુમાર હતો.હવે તો ઉપરવાળો જ તેનો સહારો હતો. ભગવાન ભરોસે તે ધોધમાર વરસતા વરસાદમાં રોડ પર ચાલવા લાગી. સુમસામ રસ્તો હતો. આખો દિવસ કંઈ ખાધું પણ ન હતું. ભૂખના લીધે તેને ચક્કર આવ્યા અને તે રસ્તા પર જ ઢળી પડી. તે જ માર્ગે એક યુવાન ગાડી લઈ જતો હતો. રસ્તા પર કોઈને આમ પડેલા જોઈ તેણે ગાડી સાઈડમાં કરી અને પાસે જઈ જોયું.

" અરે ..! આ તો પ્રકૃતિ છે..! પણ કેમ આમ રસ્તા પર..? પ્રકૃતિ.. પ્રકૃતિ..!" તેના ગાલ થપથપાવી તે યુવાને પ્રકૃતિને જગાડવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રકૃતિ જાગી નહીં. તેણે પ્રકૃતિને ઉઠાવી ગાડીમાં સુવાડી. પછી તરત તેણે રાવલ સાહેબને ફોન કર્યો પણ તેમનો ફોન નંબર બદલાઈ ગયો હોવાથી સંપર્ક થયો નહીં. શું કરવું તે સમજાતું ન હતું. છેવટે તે પ્રકૃતિને પોતાના ઘરે જ લઈ ગયો. તે યુવાનના ઘરમાં જ રહેતી બાઈએ તેની સેવા કરી.

😊 મૌસમ😊