Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 19

પ્રકૃતિના માતા પિતા છોકરાના ઘરે જઈ આવ્યા.પ્રકૃતિ તેના રૂમમાં બેઠી પ્રારબ્ધ સાથે મોબાઈલમાં વાતો કરતી હતી. ત્યાંજ તેના પપ્પાએ તેને બોલાવીને કહ્યું, " બેટા આવ, બેસ..આજ તારા માટે છોકરો જોવા ગયા હતા. છોકરો દેખાવે ખૂબ સરસ છે. તેણે અત્યારથી જ તેના પિતાનો બિઝનેસ સંભાળી લીધો છે. ખૂબ સુખી ઘર પરિવાર છે. માણસો પણ મને સારા લાગ્યા. મને તો બધું સારું લાગ્યું. હું તો પાક્કું જ કરવાનો હતો પણ તારી મમ્મીએ તને પૂછ્યા વગર પાક્કું કરવાની ના પાડી હતી.બેટા તારો શું વિચાર છે..? તારે તેને એકવાર મળવું હોય તો તેઓને આપણા ઘરે બોલાવીએ પછી પાક્કું કરીએ."

"પપ્પા તમે મારા માટે સારું જ વિચારશો..સારું જ કરશો. પણ પપ્પા હું..હું..." પ્રકૃતિ બોલવા જતી હતી ત્યાં જ તેની મમ્મીએ અટકાવીને કહ્યું. "તે હમણાં લગ્ન કરવા નથી માંગતી."

" પણ બેટા હમણાં અમે તારા લગ્ન નહીં કરી દઈએ. બસ ખાલી નક્કી કરવાનું કહું છું. હાથમાંથી સારો છોકરો જતો ના રહે એટલે.." પપ્પા એ કહ્યું.

" હવે સુઈ જાઓ આ બધી વાતો કાલ સવારે પણ થઈ શકે.." આમ કહી મમ્મીએ વાતને ટાળી.

પ્રકૃતિ માટે હવે થોડું વધુ અઘરું થયું હતું. મમ્મીએ થોડા સમય માટે તો વાત અટકાવી છે પણ પપ્પાને છોકરો ગમ્યો હોવાથી તે ફરી આ વાત જરૂરથી છેડશે.

બે દિવસમાં પ્રારબ્ધનું CA નું રિઝલ્ટ આવી ગયું. તે સારાં માર્ક્સ સાથે પાસ થયો હતો. તે પછી થોડા જ સમયમાં તેને SBI માં જોબ માટે ઑફર લેટર પણ આવી ગયો. તે ટૂંક સમયમાં જ અમદાવાદમાં જ SBI માં જોબ શરૂ કરવાનો હતો.તેણે પ્રકૃતિને ફૉન કરી જણાવ્યું.

" પ્રકૃતિ આજે જ હું તારા ઘરે આવું છું તારો હાથ માંગવા. તારા પપ્પા ઘરે જ છે ને..?"

" હા, તેઓ ઘરે જ છે. પણ મને ડર છે કે તેઓ માનશે કે નહીં..?"

" અરે માનશે જ ને..હવે તો મને સારા પગાર વાળી જોબ પણ મળી ગઈ છે..અને હેન્ડસમ તો હું છું જ ને..પછી બીજું શું જોઈએ..?"

ફોન પર જ પ્રકૃતિએ પપ્પાને ઈમ્પ્રેસ કરવા માટેની થોડી ટિપ્સ પણ આપી. બંને ખુશ હતા,કે આજ તેઓ ભવિષ્યમાં સાથે રહેવાનું પહેલું ચરણ પાર કરવા જઈ રહ્યા હતા.

ટીપટોપ તૈયાર થઈ પ્રારબ્ધ પ્રકૃતિના ઘરે આવ્યો. પ્રકૃતિનું આલીશાન બંગલો જોઈ પ્રારબ્ધ તો ચકિત જ થઈ ગયો. આટલો મોટો બંગલો..? પ્રકૃતિએ તો કોઈ દિવસ મને કીધું નથી કે તેનું આટલું મોટું ઘર છે. આટલું વિચારતા તે થોડો સ્વસ્થ થયો. ડોરબેલ વગાડતા જ એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો.અને વિનમ્રતાથી બોલી, " નમસ્તે સર..! આપ કોણ છો.. અને કોને મળવા આવ્યા છો..?"

"હું પ્રારબ્ધ..રાવલ સરને મળવા આવ્યો છું.તે મળશે મને..?"

એટલામાં જ પ્રકૃતિ દોડીને બહાર આવી. હા આંટી તે પ્રારબ્ધ છે. તેને આવવા દો. પ્રારબ્ધ તો અંદર પ્રવેશતા જ તેને બધે નજર કરી. આલીશાન હોટેલ જેવું બધું લાગતું હતું. આવું ઘર તો તેણે માત્ર ફિલ્મોમાં જ જોયું હતું.તેને થયું હું કોઈ ખોટી જગ્યા પર તો નથી આવ્યો ને..?

"પપ્પા આ પ્રારબ્ધ છે. અમે કોલેજમાં સાથે હતા. અત્યારે તો તેણે CA કમ્પ્લીટ કરી SBI માં જોબ પણ મળી ગઈ છે" ફટાફટ પ્રકૃતિએ પ્રારબ્ધનો પરિચય કરાવ્યો.

" નમસ્તે અંકલ.." ગભરાતા સ્વરે તે બોલ્યો.

" નમસ્તે બેટા.. બેસો..કયા કામથી આવ્યો છે અહીં..?"

" અંકલ....અંકલ.." પ્રારબ્ધ બોલતા ખચકતો હતો.જ્યારે પ્રકૃતિ તેને ઈશારો કરી વાત કરવા દબાણ કરતી હતી.

" અંકલ હું અને પ્રકૃતિ..."

"હા તું અને પ્રકૃતિ.. શું..?"

" અંકલ..વાત એમ છે કે હું અને પ્રકૃતિ.."
" તું અને પ્રકૃતિ.. શુ..આગળ બોલીશ કે નહીં..?"
" અંકલ હું પ્રકૃતિને પ્રેમ કરું છુ."
" પપ્પા હું પણ પ્રારબ્ધને પ્રેમ કરું છું અમે બંને લગ્ન કરવા ઇચ્છિએ છીએ." પ્રકૃતિએ ચોખવટ કરતા કહ્યું.

😊 મૌસમ😊