Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 15

પ્રકૃતિ રીસેપ્શનમાં જઈ રજીસ્ટરમાં જોવે છે. પણ નવાઇની વાત તો એ હતી કે પ્રારબ્ધ નામના વ્યક્તિનું કોઈ જ નામ ન હતું. તેને તારીખ સમય બધું જ ફરી ચેક કર્યું. હા એજ તારીખ હતી..પરંતુ ક્યાંય પ્રારબ્ધ નામ ન હતું. તેને બે ત્રણ વખત રજીસ્ટરના પાના ફેરવ્યા. તેને વિશ્વાસ થતો ન હતો. તેણે તે તારીખના પાનાંનો ફોટો પોતાના મોબાઇલમાં લઇ લિધો.

તેને તરત સૌરભ પાસે જઈ પૂછયું, " હું જે વ્યક્તિને લઇ ને આવી હતી તે વ્યક્તિએ રજિસ્ટમાં પોતાની વિગતો ભરી હતી..?"

" હા, કેમ કે રજિસ્ટરમાં નોંધ કરવી ફરજીયાત છે. કેમ કે તેના આધારે જ બિલ બને છે અને બિલ પે થાય પછી જ તેને રજા આપવામાં આવે છે."

"ઓહ..! તો કદાચ તે વ્યક્તિ મારો કલાસમેટ નહીં હોય.. કોઈ અન્ય વ્યક્તિ હશે." કહી પ્રકૃતિ તેની ઓફિસમાં જવા નીકળી. તેના મગજમાં ઘણા સવાલો ફરે જતા હતા. પણ કોઈ જ સવાલ નો જવાબ મળતો ન હતો. તે હતાશ થઈ ગઈ. પહેલા કરતા તે વધુ વ્યાકુળ બની ગઈ.એક છેલ્લી આશા પર પણ પાણી ફરી વળ્યું.

સૌથી પહેલાં સિટી પેલેસ જવાનું હતું. સિટી પેલેસમાં પ્રવેશ મેળવવા માટે બાદી પોળ નામના સ્થળેથી ટીકીટ લીધી. સાથે ગુલાટી સરે એક ગાઈડ પણ લીધો.

ગાઈડે પોતાનો પરિચય આપી સિટી પેલેસનો ઇતિહાસ જણાવવાનું શરૂ કર્યું.

" સિટી પેલેસનું બાંધકામ 16 મી સદીથી શરૂ થયું હતું.આ પરિસરની સ્થાપના કરવાનો વિચાર એક સંતે મહારાજા ઉદયસિંહને આપ્યો હતો. આમ આ કુલ 400 વર્ષોમાં બનાવવા માં આવેલ મહેલોનો સમૂહ છે. આ એક ભવ્ય અને વિશાળ પરિસર છે જે પીછોલા તળાવની પૂર્વ કિનારા પર આવેલું છે. આ પરિસરને વિકસાવવા 22 મહારાજાઓએ યોગદાન આપ્યું હતું."

પ્રકૃતિ પ્રારબ્ધને જોઈ રહી હતી. પ્રારબ્ધ ખૂબ ધ્યાનપૂર્વક તે ગાઈડની વાતો સાંભળે જતો હતો. ગાઈડના એક એક શબ્દો પ્રારબ્ધના મગજમાં જાણે નોંધાઇ રહ્યા હતા.તેવામાં પ્રકૃતિએ ધીમેથી પ્રારબ્ધનો હાથ પકડી લીધો. ને પ્રારબ્ધનું ધ્યાન ભંગ થઈ ગયું. પ્રારબ્ધએ તરત પ્રકૃતિ સામે જોયું. પ્રકૃતિએ નિર્દોષ ભાવે તેનો હાથ પકડ્યો હતો.પરંતુ પ્રારબ્ધને કંઇક અલગ જ અનુભવ થયો. પ્રારબ્ધએ ગાઈડ સામે ધ્યાન આપી ધીમેથી પ્રકૃતિના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો. પણ પ્રકૃતિનું તે બાબતે ધ્યાન ન હતું.

સિટી પેલેસના પરિસરમાં પ્રવેશ કરતા જ એક ભવ્ય કહી શકાય તેવો દરવાજો આવ્યો.જેના વિશે ગાઈડે સમજાવવા નું શરૂ કર્યું.

" આ દરવાજાને ત્રિપોલિયા દરવાજા કહે છે. આ દરવાજામાં સાત કમાનો આવેલી છે. કહેવાય છે કે આ સાત કમાનો ભૂતકાળમાં થયેલા સાત સ્મરણોત્સવનું પ્રતીક છે. ત્યારે મહારાજને સોના ચાંદી વડે તોલવામાં આવતા અને એમના વજનના ભારોભાર સોના ચાંદી ગરીબોને દાન કરવામાં આવતું.દરવાજાની બિલકુલ સામેની દીવાલને અગદ કહેવાય છે, જ્યાં હાથીઓ વચ્ચે લડાઈનો ખેલ યોજાતો."

બધા જ આ ભવ્ય અને અદ્દભુત પરિસરને નિહાળી રહ્યા હતા અને કલ્પના કરતા હતા કે ક્યારેક અહીં રાજા મહારાજાઓ રહેતા હતા.એમનો અનેરો ઠાઠ હતો. કેટલો અદ્ભૂત નજારો હશે તે..!

પરિસરના સુંદર શિલ્પ સ્થાપત્યો નિહાળતાં નિહાળતાં પ્રારબ્ધ ચોરી છુપે પ્રકૃતિને જોઈ લેતો. તેનો હંમેશા હસતો રહેતો ચહેરો...તેની નટખટ અદાઓ..તેનો વાચાળ સ્વભાવ..તેની વાત વાતમાં મજાક કરવાની આદત..પ્રારબ્ધને આ પરિસર જેટલું જ સુંદર અને અદ્દભુત લાગતું હતું.

પીછોલા તળાવ, જગમંદિર, સિટી પેલેસ મ્યુઝિયમને જોયાં, તેનો ઈતિહાસ જાણ્યો અને તેના અદ્દભુત અને ભવ્ય શિલ્પકલા જોતાં જોતા આખો દિવસ પસાર થઇ ગયો. બીજા દિવસે ચિત્તોડ ગઢ, ઢેબર સરોવર, હલદી ઘાટી અને મહારાણા પ્રતાપના મ્યુઝિયમને જોયા તથા તેના ઇતિહાસને જાણ્યો. ત્રીજા દિવસે ઉદયપુરના બજારોમાં બધા ફર્યા અને શોપીંગ કરી.

😊 મૌસમ😊