Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 3

પ્રકૃતિએ સૌરભની હોસ્પિટલ આગળ પોતાની ગાડી ઊભી રાખી. સૌરભના કહેવાથી બે વ્યક્તિઓ પહેલાંથી જ સ્ટ્રેચર લઈ ઊભાં હતા. તે બે વ્યક્તિઓ એ ગાડીમાંથી ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચરમાં સુવાળ્યો. ઘાયલ વ્યક્તિ પ્રકૃતિને જ જોઈ રહ્યો હતો. સાવ બોલી ન શકે તેવી હાલત માં પણ તે ન હતો. છતાં તે મૌન રહ્યો. પ્રકૃતિ અને તે કાકા સૌરભ સાથે વાત કરતા કરતા હોસ્પિટલના જનરલ વૉર્ડમાં ગયા, જ્યાં ઘાયલ વ્યક્તિને સુવાળ્યો હતો. કાકા પ્રકૃતિ અને સૌરભને કહેતા હતા કે , " એક ગલુડિયાને બચાવવા જતા આ ભાઈ માણસનું બાઇક સ્લીપ ખાઈ ગયું ને અકસ્માત થયો."

"ચિંતા કરવા જેવું નથી, પણ છોલાયું હોવાથી વધુ લોહી વહે છે." સૌરભે તેને ચેકઅપ કરતાં કરતા કહ્યું.

પ્રકૃતિની સૌરભ સાથે વાત કરતા કરતા બેડ પર પડેલા ઘાયલ વ્યક્તિ પર નજર પડી. તેનો હાથ બેડની ધાર પર લટકતો હતો. પ્રકૃતિને થયું કે તેનો હાથ સરખો બેડ પર ગોઠવે. આમ વિચારી તે બેડ પાસે ગઈ. જેવો પ્રકૃતિએ તે વ્યક્તિનો હાથ પકડ્યો ને તેનું ધ્યાન તેનાં હાથમાં પહેરેલી લકી ( બ્રેસલેટ ) પર પડયું. તે જોઈ પ્રકૃતિના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેની આંખો ખુલ્લી ની ખુલ્લી જ રહી ગઈ.

તે બ્રેસલેટ પર પ્રાતિ લખેલું હતું. આ વાંચી તેણે બેડ પર સૂતેલા વ્યક્તિ સામે જોયું. લોહી અને ધૂળથી ખરડાયેલો ચહેરો ખરેખર પ્રકૃતિ વિચાતી હતી તે જ હતો..? તે ચકાસણી કરવા પ્રકૃતિએ તેના સાડીના પાલવથી જ સાફ કર્યો.

ચહેરો જોઈ પ્રકૃતિની આંખોમાંથી ધડ ઘડ આંસુ વહેવા લાગ્યા. હર્ષ અને દુઃખની મિશ્ર લાગણી તેની આંખોમાંથી વહેવા લાગી. પ્રાતિ નામે તેને 15 વર્ષ પહેલાં નો ભૂતકાળ યાદ અપાવી દીધો.

પ્રકૃતિ પ્રારબ્ધને એકીટશે જોઈ રહી હતી. શું બોલવું તે સમજી શકાતું ન હતું. જેને શોધવા આકાશ પાતાળ એક કર્યું હતું છતાં જેની કોઈ ખબર મળી ન હતી તે આજ જિંદગી ના એવાં મોડ પર આવી ને મળ્યો હતો, કે પ્રકૃતિ કંઈ જ કરી શકે તેમ ન હતું. પ્રકૃતિ ને ઘણું કહેવું હતું, ઘણું પૂછવું હતું.પણ આટલા વર્ષો બાદ પ્રારબ્ધ મળ્યો હતો. નિઃશબ્દ લાગણીઓ વહે જતી હતી ને બંનેના હોઠ મૌન હતા. આંખોમાં હતાશ થયેલા સપનાઓ ફરી અશ્રુ બની મલકવા લાગ્યા. હજુ તો પ્રારબ્ધ - પ્રકૃતિની આંખ મળી ન મળી ત્યાં તો મોબાઈલની રિંગ વાગી.

"પ્રકૃતિ બેટા, આજ જલ્દી ઘરે આવો તો સારું..! ક્ષિપ્રાની તબિયત ઠીક નથી લાગતી." પ્રકૃતિના સસરાએ કહ્યું.

"હા, બાપુજી..! હું હમણાં જ આવું છું ઘરે. એને ગ્લુકોઝનું પાણી પીવડાવજો. " ચિંતિત સ્વરે પ્રકૃતિએ કહ્યું.

પ્રકૃતિ પ્રારબ્ધને જોતા જોતા રૂમની બહાર નીકળી ગઈ. પ્રારબ્ધની ટ્રીટમેન્ટ અંગે સૌરભ સાથે વાત કરી પ્રકૃતિ ઉતાવળે હોસ્પિટલ ની બહાર નીકળી ગઈ.

ફુલ સ્પીડથી ગાડી ચલાવતા ચલાવતા પ્રકૃતિની આંખો સામે એક પછી એક ભૂતકાળના દ્રશ્યો આવવા લાગ્યા.ઘણા વર્ષો બાદ પ્રારબ્ધ ને જોયો હતા. પ્રકૃતિ અને પ્રારબ્ધની પ્રેમ કહાણીનો ભવ્ય ભૂતકાળ આજ ફરી યાદ આવતા આંખો છલકે જતી હતી. હોઠ સુધી આવતા ખારા આંસુને પ્રકૃતિ એક હાથથી લૂછે જતી હતી.

એક તરફ પ્રકૃતિનું વર્તમાન અને બીજી બાજુ પ્રારબ્ધ સાથેનો તેનો ભૂતકાળ.. બંને વચ્ચે પ્રકૃતિ મુંજવણમાં મુકાઈ ગઈ.
શું કરવું શું ન કરવું તે પ્રકૃતિને સમજાતું નથી. પ્રકૃતિએ પોતાના મગજમાં ચાલતા વિચારોના વાવાઝોડાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો ને તરત તેને ક્ષિપ્રાનો વિચાર આવ્યો. ક્ષિપ્રા તેને પોતાના જીવથી પણ વહાલી છે. આજ પ્રારબ્ધના આવવાથી પહેલી વાર તે પોતાની વ્હાલસોયી ને થોડા ટાઈમ માટે ભૂલી ગઈ. કેમ આવ્યો તું મારા સામે....પ્રારબ્ધ... મોટેથી બુમ પાડી તેણે રોડની બાજુમાં જ પોતાની ગાડી ઊભી કરી પોતાના મનને કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. થોડું પાણી પીને શાંત થઈ તે ઘરે પહોંચી.

🤗 મૌસમ 🤗