જયારે જોઈએ ત્યારે લોકો રોજેરોજની નોકરી-ધંધાની ભાગદોડમાં પડેલા દેખાય છે. શેની ભાગદોડ? પૈસા કમાવાની! પૈસા શેના માટે કમાવા? તો કહે સારું જીવન જીવવા, મેઈન્ટેનન્સ માટે. મેઈન્ટેનન્સ શેને માટે કરવાનું કે શરીર ટકાવવા માટે. તો પછી શરીર ટકાવવાનો હેતુ શો છે? એનો કોઈને ખ્યાલ નથી. મનુષ્ય જીવન મળ્યું છે તો એનો કોઈ ધ્યેય તો હોવો જોઈએ ને! ખાલી કમાવા માટે જ જીવન છે?
કમાવા માટે દરેક અવતારમાં આપણે ભણ ભણ જ કર્યું છે, અને પાછા જન્મીએ કે ભણવાનું શરૂ કરીએ છીએ. બાળક મોટું થાય એટલે સ્કૂલમાં ભણવા જાય. ભણીને ડોક્ટર કે એન્જીનિયર થાય, પછી પરણે, અને સંસાર પૂરો કરે. છેવટે દેહ ઘરડો થાય ને પછી મરી જાય, અને ફરી જન્મ લઈને બાળક થાય. ત્યારે ફરી પાછું એકડે એક, બગડે બે શીખે! આ ગયે અવતારે પણ ભણ્યા હતા ને? પણ ભૂલી જવાય છે ને! માતાના ગર્ભમાં આવ્યા કે પાછલું બધું ભૂલી જવાય.
હવે આ ભણતર એને જીવનમાં શું હેલ્પ કરે છે? ભણી રહ્યા પછી કોઈને પૂછીએ કે હવે શું કરીશ? હવે તું નોકરી કરીશ? અરે, નોકરી તો પરવશતા-લાચારી લાવશે કે સ્વતંત્રતા લાવશે? કોઈ કહેશે, “હું ધંધો કરીશ!” પણ ધંધા માટે કેટલી બધી પરવશતા. પૈસાના કેટલા બધા દબાણ ભોગવવા પડે! નફો વધી જાય તો સારું લાગે પણ જેમ નફો આવે તેમ ખોટ પણ આવે ને? ત્યારે કેટલાં બધા દુઃખ ભોગવવાના? જેટલું વધારે ભણ્યા એના પરિણામે એટલી જ વધારે ચિંતા, સ્ટ્રેસ અને ઉપાધિ આવે.
એટલું જ નહીં, ભણીને પણ અંતે પૂછીએ કે તમને સારી નોકરી મળી ગઈ? ત્યારે કહેશે, “હા, હવે અમારું મેઈન્ટેનન્સ સારી રીતે ચાલે છે.” આનો અર્થ શું થયો? આ મોટી ફેક્ટરી હોય છે, તેમાં અમુક મશીનરી બગડી જાય તો મેઈન્ટેનન્સ ડીપાર્ટમેન્ટ (જાળવણી વિભાગ) હોય, તેના દ્વારા મશીન રીપેર (સમું) કરે છે. તો આ મેઈન્ટેનન્સ ડીપાર્ટમેન્ટ ફેક્ટરીમાં શા માટે રાખવામાં આવે છે? જેથી મેઈન પ્રોડકશન લેવામાં કોઈ હરકત ન થાય! એટલે જે રીતે મેઈન્ટેનન્સ માટે ફેક્ટરી નથી ચલાવવામાં આવતી, પણ મેઈન પ્રોડક્શન માટે ચલાવવામાં આવે છે. તે જ રીતે જીવનમાં ભણવું, કમાવું વગેરે મેઈન્ટેનન્સ માટે હોય, તો પછી જીવનનું મેઈન પ્રોડક્શન શું?
જીવમાત્ર સુખને ખોળે છે. સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય એ જાણવા માટે જ જીવન જીવવાનું છે. આમાં મોક્ષનો માર્ગ કાઢી લેવાનો છે. મોક્ષના માર્ગ માટે આ બધું છે. બધાં લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી! લક્ષ્મીજી પાછળ તો આખું જગતેય ગાંડું થયેલું છે ને! તોય એમાં સુખ જ નથી કોઈ દહાડોય! ઘેર બંગલા એમ ને એમ ખાલી હોય ને એ બપોરે કારખાનામાં હોય. પંખા ફર્યા કરે, ભોગવવાનું તો રામ તારી માયા! એટલે આત્મજ્ઞાન જાણો! આવું આંધળું ક્યાં સુધી ભટક્યા કરવું?
જ્ઞાની પુરુષ કહે છે કે ખરું ભણવાનું એ છે કે જે પોતાને સ્વતંત્ર બનાવે, તમામ પ્રકારની પરવશતામાંથી મુક્ત કરાવે. વીતરાગોનું, જ્ઞાનીઓનું જ્ઞાન એવું છે જે સંસારમાં તમામ બંધનોમાંથી મુક્ત કરાવે. જે ભણ્યા પછી કશું ભણવાનું બાકી ન રહે. પછી વર્લ્ડમાં કોઈ ઉપરી ન રહે, કોઈ અંડરહેન્ડ ન રહે. સાચું ભણતર એનું નામ કહેવાય કે એક ક્લેશ ના થાય. પણ આજે તો આખો દહાડો ક્લેશ, ક્લેશ ને ક્લેશ થતા હોય. તો એ કેવું ભણ્યા?
ખરું જાણવાનું તો એ કે પોતે પોતાની જાતને પિછાણવાની છે કે “હું પોતે કોણ છું?” એ જાણ્યા પછી, એટલે કે, બીજા શબ્દોમાં ‘સેલ્ફ રિયલાઈઝેશન’ પ્રાપ્ત કરી લીધું તો પછી આ જગતમાં કંઈ જાણવાનું બાકી રહેતું નથી. તમામ પરવશતાઓમાંથી મુક્ત થઈ જવાય છે. આધિ-વ્યાધિ-ઉપાધિમાં પણ પોતાને પછી સમાધિ રહ્યા જ કરે.