મુક્તિ - ભાગ 8 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

મુક્તિ - ભાગ 8

ચોરમાં મોર 

 

અજયગઢ!

બંદર રોડ સ્થિત સાગર હોટલના ગેસ્ટ રૂમની બાલ્કનીમાં ઊભેલો ત્રિલોક અત્યારે સામે દેખાતા સમુદ્ર સામે તાકી રહ્યો હતો. એણે શાનદાર સૂટ પહેર્યો હતો. અત્યારે એનો દેખાવ જોઇને આ માણસ એક-દોઢ વર્ષ પહેલા વિશાળગઢના સ્લમ વિસ્તારમાં મામૂલી હેસિયત ધરાવતો ગુંડો હતો એવું કોઈ જ કહી શકે તેમ ન હતું. એના દેખાવમાં ઘણું પરિવર્તન આવી ગયું હતું. માત્ર એનામાં જ નહીં, ગજાનન અને દિલાવરમાં પણ ઘણા પરિવર્તનો આવી ગયા હતા. ત્રણેય ભણેલાંગણેલાં હોવાથી ઊંચું જીવન જીવવાની પદ્ધતિ અપનાવતાં તેમને બહુ વાર નહોતી લાગી.

ત્રિલોક સમુદ્રના ઉછળતાં મોજાં પર પડતાં સૂર્યના કિરણો સામે તાકી રહેતાં પોતાના ભૂતકાળ વિશે વિચારતો હતો.

ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટમાંથી કુલ એક કરોડ બે લાખ રૂપિયા તેમના હાથમાં આવ્યા હતા. મોહનને સળગાવીને સ્વધામ પહોંચાડી દેવાયો હતો. એ ત્રણેય બીજે દિવસે સાંજે જ અજયગઢ પહોંચી ગયા હતા. ગજાનનનું તો બચપન જ અજયગઢમાં વીત્યું હતું. એટલે આ શહેરના ખૂણેખૂણાથી એ વાકેફ હતો. એણે ત્યારે જ એક નાનકડો બંગલો ભાડે મેળવી લીધો અને ત્રણેય ત્યાં રહેવા લાગ્યા. આટલી મોટી રકમ સાથે કોઈ હોટલમાં રહેવાનું તેમને યોગ્ય નહોતું લાગ્યું. 

બંગલામાં પહોંચતાં જ સ્ટેશન વેગનની ડીકીમાંથી બધો સમાન કાઢીને તેઓ અંદર લઇ ગયા. આ કામ ત્રિલોક અને દિલાવરે કર્યું હતું. ગજાનન બજારમાં ચાલ્યો ગયો હતો. થોડીવાર પછી એ બે મોટી સૂટકેસો સાથે પાછો ફર્યો. સૌથી પહેલાં તેમણે બધી રકમ આ નવી સૂટકેસોમાં ભરીને સૂટકેસોને પલંગ નીચે મૂકી દીધી. ત્યારબાદ આ સફળતાની શરાબ પીને ઉજાણી કરવામાં આવી. પછી તેઓ સૂઈ ગયા. છેલ્લા ચોવીસ કલાકથી સતત જાગતાં હોવાને કારણે તરત જ તેમને ઊંઘ આવી ગઈ જે બીજા દિવસે સાંજે જ ઊડી. એ રાત્રે કમ સે કમ એક મહીના સુધી લૂંટની રકમને ન અડકવું એવો નિર્ણય કરવામાં આવ્યો. દરમિયાન તેમને અખબારો પર પણ નજર રાખવાની હતી કે લૂંટ વિશે વિશાળગઢની પોલીસ શું માને છે? પોલીસને કોઈ પૂરાવો મળ્યો છે કે નહીં.

ખેર, આગામી પંદર દિવસ આ જ વ્યાકુળતામાં પસાર થયાં. પંદર દિવસ પછી તેમને ખાતરી થઇ ગઈ કે પોલીસને કોઈ કડી નથી મળી. કોઈ પૂરાવો નથી મળ્યો. આ વાતની ખાતરી થયાં પછી તેઓ થોડી છૂટથી હરવાફરવા લાગ્યા. ત્રિલોક ગજાનનને પોતાની પ્રેમિકા માયાને હમણાં મળવાની સખત મનાઈ કરી દીધી હતી. ગજાનનને હોટલ ખરીદવાનું કામ સોંપીને ત્રિલોક તથા દિલાવર લોટરીના એજન્ટોને ત્યાં ચક્કર મારવા લાગ્યા. તેમને ઇનામી ટીકીટો મેળવવાની હતી.

પંદર દિવસમાં તેમને અગિયાર અગિયાર લાખની બે ઇનામી ટીકીટો ખરીદવામાં સફળતા મળી. ત્યાર બાદ એ ટીકીટો પર ટેક્સ ભરીને બેંક મારફત ઇનામની રકમ મેળવી લેવામાં આવી જ  બેંકમાં ત્રણેયે સંયુક્ત ખાતું ખોલાવી લીધું. આ દરમ્યાન એસ્ટેટ એજન્ટની મદદથી ગજાનને બંદર રોડ પર દરિયા કિનારાની બરાબર સામે આવેલી સાગર હોટલનો પચાસ લાખ રૂપિયામાં સોદો કરી નાખ્યો. વ્હાઈટમાં તો આ સોદો કુલ સત્તર લાખ રૂપિયામાં હતો, બાકીની રકમ કાળા નાણાના રૂપમાં ચુકવવાની હતી. અને આ લોકો પાસે કાળા તથા સફેદ, બંને જાતના પૈસા હતા.

હોટલ ખરીદી લેવામાં આવી.

સફેદ પૈસા બેંક ડ્રાફ્ટ મારફત અને કાળા નાણા સૂટકેસમાં ચૂકવી દેવામાં આવ્યા.

હવે એ ત્રણેય સાગર હોટલના માલિક હતા.

આ દરમિયાન તેઓ પચીસ લાખના ઇનામ વાળી વધુ એક ટીકીટ ખરીદી ચુક્યા હતા. હવે તેમના લગભગ બધા પૈસા સફેદ નાણામાં ફેરવાઈ ગયા હતા. ત્રીસેક લાખ રૂપિયા બાકી રહ્યા હતા જેમાંથી દસ લાખ રૂપિયા તો ત્રિલોકે પોતાના ભાગના વધારાના લઇ લીધા હતા કારણકે યોજના તેની હતી અને જે કંઈ ખર્ચ થયો હતો એ પણ એણે જ ભોગવ્યો હતો.

બાકીની રકમના ત્રણ ભાગ કરવામાં આવ્યા તો દરેકના ભાગે સાત-સાત લાખ રૂપિયા રોકડા અને થ્રી સ્ટાર હોટેલની ભાગીદારી આવી. 

હોટલના ફેરફારમાં પણ દસેક લાખ રૂપિયા વાપરવાના હતા.

આ ફેરફારનું કામ ગજાનનને સોંપીને ત્રિલોક અમદાવાદ અને દિલાવર પૂના ચાલ્યો ગયો હતો.

બંને પોતપોતાને ઘેર એક એક મહીના સુધી રોકાયા. 

દરમિયાન ત્રિલોકે પોતાના પિતાજીને ધંધો કરવા માટે પાંચ લાખ રૂપિયા રોકડા આપી દીધા.

બીજી તરફ દિલાવરે પોતાના ભાગમાં આવેલા રૂપિયા મમ્મીને આપી દીધા. પોતાની બહેનના લગ્ન કર્યા અને બનેવીને પણ રેડીમેડ વસ્ત્રોનો શો રૂમ કરાવી આપ્યો. 

આ રીતે પોતપોતાની જવાબદારીઓ પૂરી કરીને તેઓ અજયગઢ પાછા ફર્યા.

હોટલના નવનિર્માણનું કામ પૂરું થઇ ગયું હતું.

તેમની ગેરહાજરીમાં ગજાનને પોતાને માટે એક નાનકડો બંગલો ખરીદી લીધો હતો. આ બંગલામાં તે માયા સાથે લગ્ન કર્યા પછી રહેવા માગતો હતો. એ માયાના પિતાજીને મળી ચૂક્યો હતો અને જ્યારે માયાના પિતાજીને ખબર પડી કે આજની તારીખમાં ગજાનન એક થ્રી સ્ટાર હોટેલનો ભાગીદાર છે ત્યારે એ સહર્ષ માયાનો હાથ એના હાથમાં મૂકવા માટે તૈયાર થઇ ગયા.

હોટેલનું કામકાજ બહુ જ સરસ ચાલવા લાગ્યું.

બધું ત્રિલોકની ગણતરી મુજબ જ બન્યું હતું. હવે તેઓ સફલત બિઝનેસમેન હતા. ધીમે ધીમે અજયગઢના પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં તેમના નામની ગણતરી થવા લાગી.

પરંતુ એ જ વખતે ગરબડ ઉભી થઇ. જબરદસ્ત અને ભયંકર ગરબડ...

અને જેને તેઓ પોતો અભેદ કિલ્લો સમજીને પોતાની જાતને સલામત માનતા હતા એ હવે તેમને પત્તાનો મહેલ લાગવા લાગ્યો હતો કે જે કોઈ પણ પળે તૂટી પડે તેમ હતો.

આ ગરબડ હોટલ ખરીદ્યાના છ મહીના પછી થઇ હતી, અર્થાત્ એપ્રિલ મહિનામાં! એ દિવસે દસમી તારીખ હતી.

ત્રિલોક અને દિલાવર પોતાની હોટેલની વિશાળ અને આલિશાન ઓફિસમાં બેઠા હતા. ત્રિલોકે હોટલના સૌથી છેલ્લા માળે આવેલા ગેસ્ટ રૂમ પર કબજો જમાવી દીધો હતો. ગજાનને નાનકડો બંગલો લઇ જ રાખ્યો હતો. એની દેખાદેખીમાં દિલાવરે પણ એક નાનો બંગલો ખરીદી લીધો હતો.

સવારના બરાબર અગિયાર વાગ્યે હોટલનો મેનેજર પીટર તેમની ઓફિસમાં પ્રવેશ્યો.

‘શું વાત છે પીટર?’ ત્રિલોકે પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહેતાં પૂછ્યું.

‘સર...’ પીટર સન્માનસૂચક અવાજે બોલ્યો, ‘એક માણસ અત્યારે જ આપને મળવા માગે છે.’

‘એને કહી દે કે અત્યારે અમે મળી શકીએ તેમ નથી.’

‘સર, એ માણસ ખૂબ જ જીદ કરે છે. એના કહેવા મુજબ તે આપનો જૂનો પરિચિત... એ વિશાળગઢના તોપખાના રોડ પર ઉત્તમચંદ જ્વેલર્સ પાસે અવારનવાર આપને મળતો હતો.’

‘શું કહ્યું? ઉત્તમચંદ જ્વેલર્સ?’ ત્રિલોક હેબતાઈ ગયો. 

એણે દિલાવર સામે જોયું.

દિલાવરના ચહેરાનો રંગ ઊડી ગયો, તેણે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી.

ત્રિલોકે આંખો વડે જ તેને પોતાની જાત પર કાબૂ મેળવવાનો સંકેત કર્યો. ત્યારબાદ તેણે મેનેજરને ઉદ્દેશીને કહ્યું, ‘મને આવો કોઈ પરિચિત યાદ નથી આવતો. ખેર, કોણ છે એ? એણે પોતાનું કંઈક નામ-સરનામું તો જણાવ્યું જ હશે?’

‘હા, એનું નામ સરદાર પ્રીતમસિંહ છે અને તે ચંદીગઢથી અહીં આવ્યો છે!’

‘સરદાર પ્રીતમસિંહ?’ ત્રિલોક ચમક્યો.

‘જી હાં, તે આ જ હોટલના તેર નંબરના રૂમમાં ઉતર્યો છે. એ કાલે રાત્રે અહીં આવ્યો હતો અને આજે સવારથી જ ફોન પર આપને મળવાની હઠ પકડીને બેઠો છે. અત્યારે એ કાઉન્ટર પર સંદેશો આપીને ગયો છે કે અડધા કલાકમાં જ આપની સાથે મુલાકાત થઇ જવી જોઈએ નહીં તો...’

‘નહીં તો શું?’

‘એના કહેવા મુજબ નહીં તો એ પાછો વિશાળગઢ ખાતે બંદર રોડ પર આવેલી અમીધારા હોટલના રૂમમાં ચાલ્યો જશે.’

દિલાવરને તો આ વાતનો અર્થ ન સમજાયો પણ ત્રિલોક તરત જ સમજી ગયો. એને તરત જ અમીધારા હોટલના છ નંબરના રૂમમાં ઉતરેલો સરદારજી યાદ આવ્યો. આ વાત યાદ આવતાની સાથે જ એને બ્લેક મેઈલીંગની ગંધ આવવા લાગી. પ્રીતમસિંહની અજયગઢમાં અને આ હોટલમાં હાજરી એ વાતનો અણસાર આપતી હતી કે તે ઘણુંબધું જાણે છે અને આ જાણકારી વટાવવાના હેતુથી જ અહીં આવ્યો છે.

  ‘મારે માટે શું હુકમ છે સર?’ મેનેજરે પૂછ્યું.

‘પ્રીતમસિંહને કહી દે કે હું પંદર મિનીટ પછી એને એના રૂમમાં મળી લઈશ.’

‘ઓકે સર!’ કહીને મેનેજર ચાલ્યો ગયો.

‘આ શું બખેડો છે ત્રિલોક?’ દિલાવરે પોતાનું માથું ખંજવાળતા પૂછ્યું, ‘અને આ પ્રીતમસિંહ કોણ છે?’

‘યાદ કર દિલાવર! આપણે જ્યારે વિશાળગઢની અમીધારા હોટલમાં લૂંટની યોજના બનાવતા હતા, ત્યારે બાજુની રૂમમાં એક સરદારજી ઉતર્યો હતો. એ સરદારજીનું નામ પ્રીતમસિંહ જ હતું.’

‘હા યાદ આવ્યું!’ સહસા દિલાવરના દેહમાં ધ્રુજારી ફરી વળી. ‘એ સરદારજી આપણા બધા કરતૂતો વિશે જાણે છે એમ તો તું કહેવા નથી માગતો ને?’

‘એ માત્ર જાણતો જ નથી, આપણા કરતૂતોને પૂરવાર કરતાં પૂરાવાઓ પણ એની પાસે છે, એ વાતની મને પૂરી ખાતરી છે!’

ત્રિલોકની આ વાત સાંભળીને દિલાવરનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઇ ગયો.

‘પ... પૂરાવા? ક... કેવા પૂરાવા?’ એણે થોથવાતા અવાજે પૂછ્યું.

‘એ તો  હવે એને મળ્યા પછી જ ખબર પડશે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આપણને બ્લેકમેઈલ કરવા માટે તેની પાસે પૂરતો મસાલો છે. અને એટલા માટે જ એણે આપણને... આ હોટલના માલિકોને બોલાવ્યા છે. આનો અર્થ એ થયો કે પ્રીતમસિંહ આપણને બહુ સારી રીતે ઓળખે છે. પરંતુ એ અહીં કેવી રીતે આવી પહોંચ્યો એ મને નથી સમજાતું.’

‘હવે શું થશે?’ દિલાવરે ભયભીત અવાજે પૂછ્યું.

‘પહેલાં પ્રીતમસિંહને મળી લઈએ. સૌથી પહેલાં આપણે એ જાણવાનું છે કે એની પાસે આપણી વિરુદ્ધ કયું હથિયાર છે અને તે કેટલું તીક્ષ્ણ અને ધારદાર છે!’

‘પણ...’

‘હવે ઊભો થા!’ ત્રિલોક વચ્ચેથી જ એની વાત કાપી નાખતા બોલ્યો, ‘એને મળ્યા પછી જ વિચારીશું કે આપણે આ બલાથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય તેમ છે. ત્યાં સુધીમાં ગજાનન પણ આવી જશે.’

દિલાવર ઊભો થયો. એના ચહેરા પર ગભરાટના હાવભાવ છવાયેલા હતા.

જ્યારે ત્રિલોક એકદમ શાંત દેખાતો હતો.

બંને ઓફિસમાંથી બહાર નીકળીને તે નંબરના રૂમ પાસે પહોંચ્યા. રૂમનો દરવાજો બંધ હતો.

ત્રિલોકે ધીમેથી રૂમના દરવાજા પર ટકોરા માર્યા.

થોડી પળો બાદ દરવાજો ઉઘડ્યો. દરવાજો પ્રીતમસિંહે ઉઘાડ્યો હતો.

પોતાની સામે ત્રિલોક અને દિલાવરને ઉભેલા જોઇને એના હોઠ પર સ્મિત ફરક્યું અને આંખોમાં ચમક પથરાઈ ગઈ.

‘આવો... આવો... પધારો...’ એ તરત જ દરવાજા પરથી એક તરફ ખસતાં  બોલ્યો.

બંને અંદર પ્રવેશ્યા.

‘પધારો... આને તમારું ઘર જ સમજો!’ પ્રીતમસિંહે તેમને સોફા પર બેસવાનો સંકેત કરતાં કહ્યું. ‘બાકી તમે તો મને ઓળખી જ લીધો હશે?’

‘જી, હા...’ ત્રિલોક સોફા પર બેસતાં ગંભીર અવાજે બોલ્યો, ‘થોડા વખત પહેલાં તમે એક હોટલમાં અમારા પાડોશી હતા.’ અલબત એક સરદારજીને આટલું શુદ્ધ ગુજરાતી બોલતો જોઇને મનોમન તેને ખૂબ જ નવાઈ લાગતી હતી.

‘વાહ... વાહ! તમારી યાદદાસ્તને ખરેખર દાદ આપવી પડશે!’ પ્રીતમસિંહે ખુશખુશાલ અવાજે કહ્યું, ‘વિશાળગઢ શહેરના બંદર રોડ પર આવેલી અમીધારા હોટલ... રૂમ નંબર છ... આપણા રૂમનું બાથરૂમ પણ કોમન હતું...’

‘હા, મિસ્ટર પ્રીતમસિંહ, તમારી યાદદાસ્ત પણ સારી છે.’ ત્રિલોક બોલ્યો.

‘શું કરું સાહેબ? સારી રાખવી પડે છે.’ પ્રીતમસિંહે અર્થસૂચક સ્મિત ફરકાવતાં કહ્યું, ‘જે લોકો સાથે ધંધાદારી સંબંધ બાંધવો હોય, એવા લોકોને તો ખાસ યાદ રાખવા પડે છે.’

‘ધંધાદારી સંબંધ?’

‘હા, ધંધાદારી સંબંધો અને એ પણ તમારી સાથે!’ પ્રીતમસિંહ બોલ્યો, ‘આજની તારીખમાં તમે લોકો આવી સરસ મજાની હોટલના માલિક છો... અને શા માટે ન હો? માણસ જ પ્રગતી કરે છે! મારી વાત સાચી છે ને?’

‘હા, તમારી વાત સાચી છે!’ ત્રિલોકનો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો. ‘ખેર, તમે ભૂમિકા બાંધી ચૂક્યા છો, એટલે આપણે મુદ્દાની વાત કરવી જોઈએ એમ હું માનું છું.’

‘જરૂર... જરૂર... હું પણ મુદ્દાની વાત કરવા માટે જ છેક ચંદીગઢથી અહીં લાંબો થયો છું.’

‘તો પછી બોલો... તમે શું ઈચ્છો છો?’

જવાબમાં પ્રીતમસિંહ માત્ર સ્મિત ફરકાવીને જ રહી ગયો.

‘જવાબ આપો મિસ્ટર પ્રીતમસિંહ, બોલો તમારી માંગણી શું છે?’

‘તમે લોકો બહુ ઉતાવળિયા સ્વભાવના છો! પ્રીતમસિંહ ગંભીર અવાજે બોલ્યો, ‘મારી પાસે કઈ વસ્તુ છે એ તો હજી સુધી તમને મેં જણાવ્યું જ નથી! દરેક ધંધાનો એક સિદ્ધાંત હોય છે. પહેલાં માલ જુઓ, પારખો અને પછી જ એની કિંમત આંકો. મારી નજરે જે વસ્તુની કિંમત વીસ લાખ હશે એ કદાચ તમને પાંચ લાખની પણ ન લાગે. એટલા માટે હું પહેલાં તમને એ વસ્તુ બતાવી દઉં. કિંમતની વાત આપણે પછી કરી લેશું!’ કહીને પ્રીતમસિંહ ઊભો થયો.

એણે અગાઉથી જ રૂમમાં મોજુદ એક ટેપરેકોર્ડરમાં કેસેટ ભરાવી રાખી હતી.

એણે ટેપ રેકોર્ડર ચાલુ કર્યું.

રૂમમાં અવાજો ગુંજવા લાગ્યા.

ત્રિલોક, દિલાવર, ગજાનન અને મોહનના અવાજો!

પ્રીતમસિંહે ખૂબ જ ચાલાકીથી રેકોર્ડ કરેલી કેસેટોનું સંકલન કરીને આ માસ્ટર કેસેટ બનાવી હતી. ત્રિલોક વિગેરેના ગુનાઓને કાયદેસર પૂરવાર કરે, એ તમામ વાતો એમાં ટેપ કરેલી હતી. આ વાતોમાં મોહનનો બલિનો બકરા તરીકે ઉપયોગ કરવાની વાતનો પણ સમાવેશ થઇ જતો હતો. 

ત્રિલોક ખૂબ જ ધ્યાનથી કેસેટ સાંભળતો હતો. પોતાનો ચહેરો ભાવવિહીન રાખવામાં એને ખૂબ જ તકલીફ પડતી હતી અને એ પોતાના ભાવોને છૂપાવવામાં સફળ પણ થયો હતો. પરંતુ દિલાવર તો સ્પષ્ટ રીતે ભયભીત લાગતો હતો. એની નજર સામે જેલના સળીયા અને ફાંસીનો ગાળિયો તરવરતો હતો.

કેસેટ પૂરી થયા બાદ પ્રીતમસિંહે ટેપરેકોર્ડરની સ્વીચ ઓફ કરી અને તેમાંથી કેસેટ પછી કાઢી લીધી. ત્યારબાદ તે કેસેટ લઈને ત્રિલોક પાસે આવીને બેઠો.

‘લો...’ એણે એ કેસેટ ત્રિલોક પાસે લંબાવતા કહ્યું, ‘સાંભળી લો... આ માસ્ટર કોપી મેં ખાસ તમારે માટે જ તૈયાર કરી છે. આ ઉપરાંત મારી પાસે થોડા ફોટા પણ છે. એ ફોટાઓ તમારી સામે ટેબલ પર કવરમાં પડ્યા છે. જરા એના પર પણ નજર ફેરવી લો જેથી બધી વસ્તુઓ તમને સમજાઈ જાય. ત્યાર બાદ આપણે કિંમત નક્કી કરીશું!’

ત્રિલોકે ટેબલ પરથી કવર ઊંચકીને ઊઘાડ્યું. એમાં કેટલાંય ફોટા હતા.

અમીધારા હોટલમાં એ ચારેય બેઠા હતા ત્યારના ફોટા, સ્ટેશન વેગનનો ફોટો, ઉત્તમચંદ જ્વેલર્સની બહાર ગજાનન સ્ટેશન વેગન નીચે સૂતો હતો એ વખતનો ફોટો, મોહન શો રૂમના તાળા તોડતો હતો ત્યારના ફોટા અને તેઓ લૂંટની રકમ ભરેલી સૂટકેસ લઈને બહાર નીકળીને સ્ટેશન વેગનમાં બેસતા હતા એ વખતના ફોટા!

આ ફોટા અને કેસેટ તેમનું ભવિષ્ય બરબાદ કરી નાખવા માટે પૂરતા હતા. આ બંને વસ્તુઓ પોલીસના હાથમાં આવે એટલી જ વાર હતી. આ બંને વસ્તુઓના આધારે તેમના પર લૂંટ તથા મોહનના ખૂનનો ગુનો સ્પષ્ટ રીતે પૂરવાર થઇ જતો હતો.

પ્રીતમસિંહની મુઠ્ઠીમાં પોતાના ત્રણેયની ચોટલી જકડાયેલી છે એ વાતમાં ત્રિલોકને હવે જરા પણ શંકા નહોતી રહી. એણે  ફોટા કવરમાં નાખીને કવરને ટેબલ પર પાછું મૂકી દીધું.

‘એને પણ તમારી પાસે જ રાખી લો...! મારી પાસે બીજી કોપીઓ છે!’ પ્રીતમસિંહે ખંધુ હાસ્ય કરતાં કહ્યું, ‘હા...હા... બોલો વસ્તુ કેવી લાગી?’

‘વસ્તુ તો ઉમદા છે મિસ્ટર પ્રીતમસિંહ!’ ત્રિલોક બોલ્યો.

‘હું હંમેશા ઉમદા વસ્તુ જ વેંચું છું.’ પ્રીતમસિંહે પૂર્વવત અવાજે કહ્યું, ‘પરંતુ એને માટે મારે ખૂબ જ મહેનત કરવી પડતી હતી. તમારી ગેરહાજરીમાં તમારી રૂમમાં માઈક્રોફોન ફીટ કરવું પડતું હતું, રાત-દિવસ કેમેરો લઈને તમારી પાછળ ભટકવું પડતું હતું.’

‘તમે તો બહુ ચાલક માણસ નીકળ્યા મિસ્ટર પ્રીતમસિંહ!’ ત્રિલોક બોલ્યો, ‘મને તો એમ કે તમને માત્ર મોજમજાનો જ શોખ છે!’

‘એ શોખ તો પોતાને સ્થાને યથાવત જ છે!’ પ્રીતમસિંહે સ્મિત ફરકાવતા કહ્યું, ‘મારી આ જાતની મોજમજાના અહીં ઉત્તમ સાધનો મળે છે એવું મેં સાંભળ્યું છે?’

‘તમે બરોબર જ સાંભળ્યું છે!’

‘તો પછી મારે માટે પણ કંઈક વ્યવસ્થા કરો. ગમે તેમ તોપણ હું તમારો ધંધાદારી મહેમાન છું!’’

‘જી, હા. એવા મહેમાન જે અમારા મોતનો સમાન સાથે લઈને ફરે છે!’

‘ભાઈ, બિઝનેસ પોતાને સ્થાને છે અને મહેમાનગતિ પોતાને સ્થાને! પેલી કહેવત છે ને કે ઘોડો ઘાસ સાથે દોસ્તી કરે તો પછી ખાશે શું?’ પ્રીતમસિંહ હસીને બોલ્યો.

‘તો પહેલા બિઝનેસની જ વાત કરી લઈને તો કેવું રહેશે?’ 

‘જરૂર... જરૂર...! એટલા માટે તો હું અહીં તમારા દરબારમાં હાજર થયો છું!’

‘વસ્તુ તો તમે અમને બતાવી દીધી. હવે એની કિંમત પણ તમે જ કહી નાખો!’

‘માત્ર પચીસ લાખ રૂપિયા!’ જાણે પચીસ રૂપિયાની માંગણી કરતો હોય એવા અવાજે પ્રીતમસિંહ બોલ્યો.

‘શું?’ સહસા દિલાવર જોરથી બરાડ્યો, ‘તારું માથું તો નથી ભમી ગયું ને?’ 

પ્રીતમસિંહે ડોળા તતડાવીને દિલાવર સામે જોયું, પછી ત્રિલોકને ઉદ્દેશીને બોલ્યો, ‘તારા સાથીદારને સમજાવી દે ત્રિલોક. એ  હજુ સુધી વિશાળગઢમાં રહેતો હતો, એવી હેસિયતથી ઉંચો નથી આવી શક્યો. આજની તારીખમાં તારો આ કૂકડો એક શાનદાર થ્રી સ્ટાર હોટલનો ભાગીદાર છે એ વાત તે ભૂલી ગયો લાગે છે!’

‘પચીસ લાખ રૂપિયા કોને કહેવાય છે એની તને ખબર છે?” દિલાવરનો રોષ હજી પણ ઓછો નહોતો થયો.’

‘હા, ખબર છે!’ પ્રીતમસિંહ બરફ જેવા ઠંડા અવાજે બોલ્યો. ‘એક કરોડના ચોથા ભાગને પચીસ લાખ કહેવામાં આવે છે. ટ્વેંટી ફાઈવ પર્સન્ટ ઓફ વન કરોર! કેમ મિસ્ટર ત્રિલોક? અંગ્રેજીમાં મેં ક્યાંક રકમ ઓછી તો નથી કરી નાખી ને?’

‘ના મિસ્ટર પ્રીતમસિંહ! આટલી મોટી ભૂલ તમારાથી કેવી રીતે થાય? આવી ભૂલ તો અમે જ કરીએ છીએ!’

‘અને આવી ભૂલનું વળતર પણ ચુકવવું પડે છે.’

‘અને આ વળતર પચીસ લાખ રૂપિયા છે ખરું ને?’

‘જી, હા... પચીસ લાખ રૂપિયા!’ પ્રીતમસિંહ એક એક શબ્દ પર ભાર મૂકતા કઠોર અવાજે બોલ્યો, ‘અને મારી આ માંગણી ગેરવ્યાજબી બિલકુલ નથી! હું માત્ર મોહન ચૌહાણનો ચોથો ભાગ થવા માંગુ છું! એ ભાગ પર તમારો નહીં પણ મારો હક છે કારણકે આજની તારીખમાં તમારા કાળા કરતૂતો વિશે એકમાત્ર હું જ જાણું છું. મારા એક સંકેતથી તમે ત્રણેય ફાંસીના માંચડે જશો અથવા તો જેલના સળીયા પાછળ ધકેલાઈ જશો.’

‘તું શું અમને જેલના સળીયા પાછળ ધકેલીશ? હું તને ઈશ્વરના દરબારમાં પહોચાડી દઉં છું!’ કહીને દિલાવર તેની સામે ધસી ગયો.

પરંતુ, પછી તરત જ એના પગ જમીન સાથે ચોંટી ગયા. એના ચહેરાનો રંગ ઊડી ગયો.

પ્રીતમસિંહના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી તેની સામે જ સ્થિર થયેલી હતી.

પ્રીતમસિંહના ચહેરા પર છવાયેલા ખતરનાક હાવભાવમાં દિલાવરને પોતાનું મોત દેખાવા લાગ્યું.

એણે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી.

‘બંતાસિંહ!’ પ્રીતમસિંહે ખતરનાક ઢબે રિવોલ્વર હલાવીને ઊંચા અવાજે બૂમ પાડી.

વળતી જ પળે સ્યૂટના બીજા રૂમનો પડદો સરકાવીને એક માનવી અંદર પ્રવેશ્યો.

એને જોઇને દિલાવરના મોતિયા મરી ગયા. આશરે સવા છ ફૂટની ઊંચાઈ તથા મજબૂત શારીરિક બાંધો ધરાવતો એ માનવી પહેલી જ નજરે કોઈક અખાડાના પહેલવાન જેવો લાગતો હતો. એના માથાના વાળ ખૂબ જ ટૂંકા હતા. જ્યારે ચહેરા પર ગાઢ દાઢી-મૂછ હતા. એની લીંબુની ફાળ જેવી આંખો અંગારાની જેમ ભભૂકતી હતી. એણે લુંગી તથા અડધી બાંયનું ગંજી પહેર્યું હતું. 

‘બંતા! આ પાજી મારા પર હુમલો કરવા માગતો હતો!’ પ્રીતમસિંહે રિવોલ્વર વડે દિલાવર તરફ સંકેત કરતાં કહ્યું.

બંતાસિંહ નામનો એ દૈત્ય તરત જ એક એક ડગલું  માંડતો દિલાવર તરફ આગળ વધ્યો. દિલાવરના હોશ ઊડી ગયા. આ પહેલવાનનો એક જ મુક્કો પોતાના ચહેરાનો નકશો બદલવા માટે પૂરતો છે એ વાતની તેણે પૂરી ખાતરી હતી.

એ જ વખતે ત્રિલોક ઉભો થઈને એ બંનેની વચ્ચે આવી ગયો અને પ્રીતમસિંહને ઉદ્દેશીને બોલ્યો, ‘તમારા માણસને અટકાવો પ્રીતમ સાહેબ!’

‘તમારા સાથીદારે...’

‘એણે ભૂલ કરી હતી!’ ત્રિલોકે વચ્ચેથી જ એની વાતને કાપી નાખતા કહ્યું, ‘પરંતુ હવે પછી આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય એની હું ખાતરી આપું છું!’

‘ઓકે, હું તમારી વાત પર ભરોસો કરી લઉં છું!’ કહીને પ્રીતમસિંહે બંતાસિંહને અટકી જવાનો સંકેત કર્યો. એ વખતે બંતાસિંહ દીલાવ્રથી બે જ ડગલાં દૂર હતો.

ત્રિલોક તથા દિલાવર પુનઃ પોતપોતાના સ્થાને બેસી ગયા.

‘આ બંતાસિંહ છે!’ પ્રીતમસિંહ પોતાના સાથીદારનો ગર્વભેર પરિચય આપતાં બોલ્યો, ‘બંતાસિંહ ઉર્ફે બંતા! બંતાસિંહ પંજાબના એક ખતરનાક ત્રાસવાદી સંગઠનનો સભ્ય છે. મિસ્ટર ત્રિલોક તમારો આ સાથીદાર તો એક  નંબરનો મૂરખ નીકળ્યો. એના મગજમાં એટલી મામૂલી વાત પણ ન આવી કે હું મારી સાથે આવી જોખમી વસ્તુ લઈને અટલે દૂર સુધી સોદો કરવા માટે આવ્યો છું તો મારી સલામતીની કંઈક ને કંઈક વ્યવસ્થા કરીને જ આવ્યો હોઈશ!’

ત્રિલોક અને દિલાવર ચૂપ રહ્યા. 

‘મિસ્ટર ત્રિલોક જો કંઈ અહિત થાત તો તમારા ત્રણેયની શી હાલત થાત એનો વિચાર મારા પર હુમલો કરતાં પહેલાં આ નંગે કરવો જોઈતો હતો. અરે હા... પેલો ત્રીજો નમૂનો ક્યાં છે?’ પ્રીતમસિંહનો સંકેત ગજાનન તરફ હતો.

‘એ અત્યારે હોટલમાં નથી! એ અહીં બપોર પછી આવે છે.’

‘એ આવશે તો ખરોને?’ પ્રીતમસિંહના અવાજમાં શંકાનો સૂર હતો.

‘કેમ? શા માટે નહીં આવે?’ ત્રિલોકે આશ્ચર્યસહ પૂછ્યું, ‘અને આ સવાલનો શું અર્થ છે?’

‘કંઈ નહીં! મને એમ કે કદાચ તમે વિશાળગઢમાં તમારા સાથીદાર મોહન ચૌહાણની જે હાલત કરી હતી, એવી જ હાલત ગજાનનની પણ કરી નાખી હશે.’

‘ગજાનન અમારો મિત્ર છે, સાથીદાર છે! મોહન અમારો મિત્ર કે સાથીદાર નહોતો!’

‘ઓહ... મારાથી ભૂલ થઇ ગઈ! મોહન તમારો મિત્ર કે સાથીદાર નહીં પણ બલિનો બકરો હતો  એ વાત તો હું સાવ ભૂલી જ ગયો હતો.’ પ્રીતમસિંહ સ્મિત ફરકાવતા બોલ્યો.

‘મિસ્ટર પ્રીતમસિંહ આપણે આડી વાતે ચડી ગયા છીએ એવું મને લાગે છે!’ ત્રિલોકે કહ્યું.

‘કંઈ વાંધો નહીં મિસ્ટર ત્રિલોક... હજુ ક્યાં આપણે દૂર ચાલ્યા ગયા છીએ? તમે પણ અહીં છો અને અમે પણ અહીં જ છીએ. હમણાં જ આપણી વાતોની ગાડી પાટા પર આવી જશે’ પ્રીતમસિંહ શાંત અને ગંભીર અવાજે  બોલ્યો, ‘હા, તો વાત ચાલતી હતી તમારા આ  બેવકૂફ સાથીની! તે તમારી સાથે આવડી મોટી લૂંટમાં ભાગ લઇ ચૂક્યો છે. એનામાં એટલું સમજવાની અક્કલ તો હોવી જ જોઈએ. કોઈ પણ બ્લેક મેઈલર સહુથી પહેલાં પોતાના રક્ષણની વ્યવસ્થા કરે છે.’ પોતાની પાસે રહેલી રિવોલ્વર અને બંતાસિંહને દેખાડીને પ્રીતમસિંહ બોલ્યો.

‘આ વ્યવસ્થા તો સાવ મામૂલી છે મિસ્ટર ત્રિલોક!’ પ્રીતમસિંહ લુચ્ચાઈભર્યું સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘અસલી વ્યવસ્થા તો મેં મારા વતન ચંદીગઢમાં કરી છે.’

‘એટલે?’

‘એટલે એમ મિસ્ટર ત્રિલોક, કે ત્યાં મારો એક ગાઢ મિત્ર છે. એની પાસે આ ફોટાની નેગેટીવો તથા કેસેટની અસલી કોપી છે. મેં એને કડક સૂચના આપી છે કે જો મને ચંડીગઢની બહાર કોઇપણ બનાવમાં કંઈ થઇ જાય તો એણે મારી તમામ અમાનત વિશાળગઢ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર વામનરાવને પહોચાડી દેવી. આ ઉપરાંત આ બંને વસ્તુઓની એક એક નકલો દિલ્હીમાં ગૃહમંત્રીને તથા સુપ્રિમ કોર્ટને પહોચાડવાની સૂચના પણ આપી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ચંડીગઢથી નીકળ્યા પછી જો શરદીને કારણે હું મૃત્યુ પામું તો પણ મારા મિત્રને એમ જ લાગશે એ પણ મારી સાથે બનેલી એક દુર્ઘટના જ છે. મને મારી જાતે જ શરદી નથી થઇ પણ મારા દુશ્મનોએ બળજબરીથી મને શરદી કરવી દીધી છે.’

‘આ શું વાત થઇ મિસ્ટર પ્રીતમસિંહ!’ ત્રિલોકે ડઘાઈને પૂછ્યું.

‘લે! કર વાત! એટલુંય ન સમજ્યા? વાત માત્ર એટલી જ છે કે મારું તંદુરસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને હું ચંડીગઢની બહાર રહું એ દરમ્યાન તો આ વાત અનિવાર્ય જ છે!’

‘જો તમને કુદરતી રીતે જ કંઈ થઇ જાય તો?’

‘તો એ તમારું કમનસીબ!’ પ્રીતમસિંહ બનાવટી અફસોસ વ્યક્ત કરતાં બોલ્યો, ‘પરંતુ આમાં તમારે વધુ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. એ તો તમારા પર છે. તમે આ બંને વસ્તુઓ મારી કિંમતે ખરીદી લો એટલે વાત પૂરી થાય. અને હા... એક વાત કહેવાની તો સાવ ભૂલાઈ જ ગઈ. હું એવા બ્લેક મેઈલરો માંહેનો નથી કે જે પોતાના શિકારને એક વાર ફસાવ્યા પછી છોડતા નથી અને જિંદગીભર તેમને નિચોવતાં રહે છે! મને એક સાથે પચીસ લાખ રૂપિયા આપી દો અને તમારા કોઈક વિશ્વાસુ માણસને મારી સાથે ચંડીગઢ મોકલો એટલે હું તેને ત્યાં મારા મિત્ર પાસે પડેલી બધી ચીજ-વસ્તુઓ સોંપી દઉં. ત્યાર બાદ હું તમને ભૂલી જઈશ અને તમે મને ભૂલી જજો! આપણો ધંધાદારી સંબંધ પૂરો થઇ જશે.

ત્રિલોક વિચારમાં પડી ગયો. મામલો ખરેખર ગંભીર અને ગૂંચવાયેલો હતો.

પ્રીતમસિંહ પાસે મોજુદ કેસેટ તથા ફોટારૂપી દારૂગોળો તેમને વેરવિખેર કરી શકે તેમ હતો. ત્રણેયને હોટલના સ્વર્ગ જેવા વાતાવરણમાંથી જેલના સળીયા પાછળ પહોંચાડી શકે તેમ હતું. અને આવું થાય એમ તેઓ હરગીઝ નહોતાં ઈચ્છતા. પ્રીતમસિંહે પોતાની બાજી છતી કરી નાખી હતી હવે તેમણે પોતાનાં પત્તાં બતાવવાનાં હતા.

‘તો તમારે પચીસ લાખ રૂપિયા જોઈએ છીએ એમ ને?’ થોડી પળો બાદ માથું ઊંચું કરીને ત્રિલોકે પૂછ્યું.

‘હા... મારી માગણી એકદમ વ્યાજબી છે!’ પ્રીતમસિંહ હકારમાં માથું હલાવતાં બોલ્યો.

‘વ્યાજબી નથી પ્રીતમસિંહ!’ 

‘કેવી રીતે?’

‘તમારી આ કેસેટમાં અમે લોટરીની ઇનામી ટીકીટોનો ઉલ્લેખ કર્યો હતો, એ વાતો પણ ટેપ થયેલી છે બરાબર ને?’

‘હા...’

‘અમે ત્રણ ઇનામી ટીકીટો ખરીદી હતી. આ ટીકીટોના ઇનામની કુલ રકમ બેતાલીસ લાખ રૂપિયા હતા. જેમાંથી ટેક્સ વિગેરે કપાતા અમારા હાથમાં ત્રીસ-બત્રીસ લાખ રૂપિયા આવ્યા હતા. એ સફેદ નાણામાંથી અમે આ હોટલ ખરીદી છે. આ હોટલના નવનિર્માણ માટે ખર્ચ કર્યો છે. આ ઉપરાંત અમે આ હોટલની ગુડવિલ પણ ચૂકવી છે. એટલે અમારી પાસે જે કંઈ સફેદ નાણું હતું એમાંથી થોડી રકમ ટેક્સ ચુકવવામાં વપરાઈ ગઈ, થોડા પૈસા હોટલ પાછળ ખર્ચાયા અને થોડી રકમ અમે ત્રણેયે વહેંચી લીધી છે. આ કારણસર હાલતુરત રોકડાના નામ પર અમારી પાસે બહુ બહુ તો પચાસ-સાઠ હજાર રુઉપિયા જ છે. તમે માગો છો એટલા નથી.’

‘ઓહ!’ સહસા પ્રીતમસિંહનો ચહેરો એકદમ કઠોર થઇ ગયો, ‘આનો અર્થ એ થયો કે તમે જેલના સળીયા ગણવા માટે તૈયાર છો પરંતુ મને પૈસા આપવાની તમારી દાનત નથી.’

‘તમારી કંઈક ગેરસમજ થાય છે મિસ્ટર પ્રીતમસિંહ! જેલમાં જવાનું તો કોઈને નથી ગમતું!’

‘તો પછી આ વાતનો શું અર્થ છે?’

‘અર્થ એ છે કે અમે તમે આટલી રકમ એક સાથે આપી શકીએ તેમ નથી. આ ટૂકડે ટૂકડે જરૂર આપી શકીએ છીએ. પરંતુ તમે આ પચીસ લાખનો કક્કો ઘૂંટવાનું રહેવા દો. તમે એક કરોડના ચોથા ભાગનું રટણ લઈને બેઠા છો, પરંતુ વાસ્તવમાં કાળા નાણાનું સફેદ નાણામાં રૂપાંતર કરવામાં જ વીસ લાખ રૂપિયા વપરાઈ ગયા છે. અને મિસ્ટર પ્રીતમસિંહ, આ જાતના બિઝનેસનો પણ એક સિદ્ધાંત છે. જે માણસ વધુ જોખમ ખેડે છે એટલો નફો એને વધારે મળે છે. જોખમ કોણે ખેડ્યું હતું?’

‘તમે!’ પ્રીતમસિંહ ખમચાતા અવાજે બોલ્યો.

‘અને તમે શું જોખમ ખેડ્યું છે?’

‘કેમ? મેં જોખમ નથી ખેડ્યું?’

‘ખેડ્યું છે, પણ નહીવત જ!’ ત્રિલોક બોલ્યો,વ’પરંતુ અમે જે જોખમ ખેડ્યું હતું એની સામે તમારા જોખમની તો કંઈ વિસાત નથી.’

‘ઓહ! તો આનો અર્થ એ થયો કે તમે સોદો કરવાના મૂડમાં નથી!’

‘હું મૂડમાં જ છું મિસ્ટર પ્રીતમસિંહ! મૂડમાં ન હોત તો આટલી વાર સુધી તમારી પાસે બેસત જ શા માટે? હું તમારી પાસે બહાનું કાઢત કે મને વિચારવા માટે કે મારા સાથીદારો સાથે ચર્ચા વિચારણા કરવા માટે થોડો સમય આપો. પરંતુ મેં આવું કશુંય કર્યું છે?  નથી કર્યું ને? અરે હું પોતે પણ આ મામલો જેમ બને તેમ જલ્દીથી પતે અને અમારા માથા પર લટકતી તલવાર દૂર થઇ જાય એમ ઈચ્છું છું, કારણકે જ્યાં સુધી આ તલવાર અમારા માથા પર લટકતી રહેશે ત્યાં સુધી અમને ક્યાંય ચેન નહીં પડે! અમને રાત્રે ઊંઘ નહીં આવે. બ્લેક મેઈલીંગથી છુટકારો મળી જતો હોય તો થોડા લાખ રૂપિયા આપવામાં અમને કોઈ વાંધો નથી.’

‘તમે ખૂબ જ સમજદાર છો મિસ્ટર ત્રિલોક!’ પ્રીતમસિંહે સ્મિત ફરકાવતા કહ્યું, ‘તમારી વાતને ધ્યાનમાં રાખીને હું પાંચ લાખ રૂપિયા ઓછા લેવા માટે તૈયાર છું!’

‘ના, પાંચ લાખ નહીં! રકમ તમારે હજુ પણ ઘટાડવી પડશે મિસ્ટર પ્રીતમસિંહ!’ ત્રિલોક ગંભીર અવાજે બોલ્યો.

‘કેટલી?’ પ્રીતમસિંહે પૂછ્યું, એના કપાળ પર ત્રણ ચાર કરચલીઓ ઉપસી આવી હતી. 

‘અમે તમને માત્ર દસ લાખ રૂપિયા આપી શકીએ તેમ છીએ અને એ પણ બે ટુકડે!’

‘ના... મને એ મંજુર નથી!’ પ્રીતમસિંહ ઝેરી સાંપના ફૂંફાડા જેવા અવાજે બોલ્યો, ‘હું વીસ લાખથી એક પૈસો પણ ઓછો લેવા માટે તૈયાર નથી!’

‘દસ લાખ...! માત્ર દસ લાખ રૂપિયા મિસ્ટર પ્રીતમસિંહ! ત્રિલોક એક એક શબ્દ પર ભાર મુકતાં ગંભીર અવાજે બોલ્યો, ‘અમે તમને દસ લાખથી વધુ એક રૂપિયો પણ આપી શકીએ તેમ નથી! એ પણ પાંચ પાંચ લાખના ટુકડે આપીશું! મિસ્ટર પ્રીતમસિંહ હું તમારા આ ત્રાસવાદી મિત્ર કે કાયદાની મળનારી સજાથી જરા પણ નથી ગભરાતો, પરંતુ એક વાત તમે પણ કાન ખોલીને સાંભળી લો! જ્યારે માણસ પોતાની જાતને દસેય દિશાઓથી ઘેરાયેલો અનુભવે છે, ત્યારે એની માનસિક હાલત કેવી હોય છે એ કદાચ તમે નહીં જાણતાં હો એટલે હું જ જણાવી દઉં છું. સાંભળો, એ પોતાની સાથે બે-ચાર જણને લઈને મરવાનું પસંદ કરે છે.’

‘એટલે શું તમે મને ધમકી આપો છો?’

‘ના... મેં તમારી સામે પ્રસ્તાવ મૂક્યો છે, મિસ્ટર પ્રીતમસિંહ! બે ટુકડે કુલ દસ લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ... હવે નિર્ણય તમારા હાથમાં છે!’ ત્રિલોક ઉભો થતાં બોલ્યો, ‘તમે બરાબર વિચારી લો! અમારે કંઈ ઉતાવળ નથી, અને તમે પણ ઉતાવળ ન કરો! તમે અહીં અમારા મહેમાન છો! તમારી મહેમાનગતિની જવાબદારી અમારી છે. તમે અમારા ખર્ચે મોજ કરો. તમારો શોખ પણ અમે પૂરો કરીશું. અને હવે અમને રજા આપો. તમે જ્યારે પણ ન નિર્ણય કરો ત્યારે પહેલાં હપ્તાના પાંચ લાખ રૂપિયા તમને મળી જશે અને બાકીના હપ્તાની વ્યવસ્થા અમે ક્યારે કરી શકીશું એ પણ જણાવી દેવામાં આવશે. ચલ દિલાવર! એણે દિલાવરને સંકેત કર્યો.   

બંને પ્રીતમસિંહને સ્તબ્ધ  હાલતમાં પડતો મૂકીને રૂમમાંથી બહાર નીકળી ગયા.

ગજાનન આવ્યો ત્યારે ત્રિલોકે તેને બધી વિગતો જણાવી દીધી. એની વાટ સાંભળીને ગજાનનના મોંમાંથી સિસકારો નીકળી ગયો. એના છક્કા છૂટી ગયા હતા. એના ચહેરા પર એક પછી એક ભાવ આવતા જતા હતા. થોડીવાર સુધી તો એ કશું જ ન બોલી શક્યો. એ તો સાંજે પાંચ વાગ્યે ખુશખુશાલ ચહેરે હોટલમાં આવ્યો હતો. એણે ત્રિલોક તથા દિલાવરને જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે માયા સાથે તેના લગ્ન થવાના હતા. અને બદલામાં ત્રિલોકે તેને આ અશુભ સમાચાર આપ્યા હતા.

‘કેવી ડીંગ?’ ત્રિલોકે પોતાના બીજા પેગમાંથી પહેલો ઘૂંટડો ભરતાં પૂછ્યું.

‘પ્રીતમસિંહે કેસેટની કોપી કે ફોટાની નેગેટીવો પોતાના કોઈ મિત્રને નથી આપી!’

‘જરૂર આપી છે!’ ત્રિલોક એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો.

‘આ વાત તું આટલી ખાતરીથી કેવી રીતે કહે છે ત્રિલોક?’

‘હું માણસની જાતને ઓળખું છું. સામાન્ય રીતે સરદારજી બહાદુર અને દિલેર હોય છે. પરંતુ પ્રીતમસિંહ એવો નથી. અંદરખાનેથી એ કાયર અને ડરપોક સ્વભાવનો છે એટલા માટે જ તો એણે પોતાના રક્ષણ માટે બંતાસિંહ જેવા પહેલવાન પોતાની સાથે રાખ્યો છે અને કેસેટની તથા નકલ ફોટાની નેગેટીવો પોતાના કોઈક મિત્રને સોંપેલી છે. જરા એની સ્થિતિ પર ધ્યાન આપ દિલાવર. જો એ અહીં એકલો આવ્યો હોત તો પણ આપણે એનું શું બગાડી શકીએ તેમ હતા? કશું જ નહીં. જ્યાં સુધી આપણે સમગ્ર પરિસ્થિતિથી વાકેફ ન થઇ જઈએ, ત્યાં સુધી એનો વાળ સુદ્ધાં વાંકો કરી શકીએ તેમ નહોતાં. અને પોતાનું કોઈ અહિત ન થાય એવી વ્યવસ્થા તો નાનું બાળક પણ કરીને આપશે જ્યારે પ્રીતમસિંહ તો આપણને બ્લેકમેઈલ કરવા આવ્યો છે.’

‘ત્રિલોક સાચું કહે છે.’ ગજાનન એની વાતને સમર્થન આપતા બોલ્યો, ‘પ્રીતમસિંહ જરૂર પોતાના રક્ષણની કંઈક જડબેસલાક વ્યવસ્થા કરીને જ અહીં આવ્યો હશે.’

‘છતાંય પ્રીતમસિંહ કેટલી હદ સુધી સાચું બોલ્યો છે એ જાણવાનો હું પ્રયાસ કરીશ.’

‘કેવી રીતે?’

‘પ્રીતમસિંહ રંગીન મિજાજનો છે. આજે એના મનોરંજન માટે હું રીમાને મોકલીશ. એ પ્રીતમસિંહ પાસેથી સાચી હકીકત મેળવવાનો પ્રયાસ કરશે.’

‘અને પ્રીતમસિંહનો અંગરક્ષક?’

‘એના અંગના રક્ષણ માટે કોઈક બીજી છોકરીને એની પાસે મોકલીશું. બેમાંથી જે કોઈ સાચી હકીકત જણાવે તે! આપણે તો આપું કામ થવા સાથે નિસ્બત છે. હાલ તુરત આપણે ચૂપ રહીને તેલ અને તેલની ધાર જોવાની છે. વિશાળગઢમાં આપણામાંથી યોજનામાં કોઈ ભૂલ નથી થઇ એમ આપણે માનતા હતા. જ્યારે વાસ્તવમાં આ પ્રીતમસિંહના બચ્ચા પાસે આપણી વિરુદ્ધ એક એક શબ્દ મોઝુદ છે. અને દિલાવર તું તારી જાત પર કાબૂ રાખજે. ભૂલેચૂકે પ્રીતમસિંહ સાથે અથડામણમાં ઉતરીશ નહીં. આજની તારીખમાં આપણા ત્રણેયના જીવ પ્રીતમસિંહની મુઠ્ઠીમાં છે. જો એને કંઈ થશે તો આપણું આવી બનશે.’

‘ત્રિલોકની વાત સાચી છે દિલાવર.’ ગજાનને સહમતીસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘તારા ક્રોધ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર.’

દિલાવરે ધીમેથી માથું હલાવ્યું.

ત્રિલોક કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. 

***

બીજે દિવસે સવારે દસ વાગ્યે ત્રણેય હોટલના ગેસ્ટ રૂમમાં મોઝુદ હતા. 

દિલાવર અને ગજાનન હમણાં જ ત્યાં આવ્યા હતા.

‘રીમાએ કોઈ રિપોર્ટ આપ્યો છે?’ દિલાવરે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘હા...’

‘શું કહે છે એ?’

‘પ્રીતમસિંહે આપણને જે જણાવ્યું હતું એ જ રીમાને જણાવ્યું છે. એ વખતે તે નશામાં ચકચૂર હતો. નશામાં અય્યાશ માણસ સાચું જ બોલે છે. અને હું તો તમને પહેલાંથી જ જણાવી ચૂક્યો છું કે પ્રીતમસિંહ ડીંગ નથી હાંકતો. એ પોતાની સલામતીની જડબેસલાક વ્યવસ્થા કરીને જ અહીં આવ્યો છે.’

‘એનો અર્થ એ થયો કે આપણે તેને પૈસા આપવા પડશે, ખરું ને?’ દિલાવરે પૂછ્યું.

‘હા...’

‘કેટલા વીસ લાખ?’ ગજાનને પૂછ્યું.

‘ના.’

‘તો?’

‘દસ લાખ!’

‘એ દસ લાખ લેવા માટે તૈયાર થશે?’

‘હા, એ તૈયાર થશે એટલું જ નહીં, દસ લાખ લેવા પણ તૈયાર થશે અને બે ટુકડે લેવા તૈયાર થશે.’ ત્રિલોક મક્કમ અવાજે બોલ્યો. 

‘દસ લાખ લીધા પછી પણ જો એનું પેટ નહીં ભરાય તો? એ પોતાની પાસે નેગેટીવો અને કેસેટની કોઈ કોપી રાખી મૂકશે તો?’

‘એનો જ હું વિચાર કરતો હતો દિલાવર. બ્લેક મેઈલરની જાત ખૂબ જ નીચ હોય છે. ખરેખર એ નાલાયક આવું કરી શકે છે.’

‘ઓહ! તો આપણે જિંદગીભર એણે પૈસા આપતાં રહેશું એમ ને?’ દિલાવર ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘આ રીતે તો ક્યારેય આપણો છૂટકારો નહીં થાય. પ્રત્યેક પળે આપણો જીવ શૂળીએ ટીંગાયેલો રહેશે. ભગવાન ન કરે ને જો એ કોઈ બીમારીને કારણે કુદરતી મોટે મરશે તો પણ આપણું આવી બનશે.’

ત્રિલોક ચૂપ રહ્યો.

‘કંઈક બોલ ભાઈ ત્રિલોક! આ રીતે ચૂપ રહેવાથી કંઈ નહીં વળે!’ દિલાવરે પોતાનું માથું ખંજવાળતા ચિંતાતુર અવાજે કહ્યું. ‘આ બીમારીની કંઈક તો સારવાર કરવી જ પડશે.’

‘એ જ તો હું વિચારું છું. પરંતુ આ સારવાર અત્યારે નહીં થઇ શકે. એને માટે આપણને સમય જોઇશે. અત્યારે તો આપણે પ્રીતમસિંહને પાંચ લાખ રૂપિયા આપવા જ પડશે. એને પૈસા આપીને બાકીના હપ્તા માટે ઓછામાં ઓછા છ મહીના સુધી ટાળવો પડશે. આ દરમિયાન હું કોઈ એવી યોજના ઘડી કાઢીશ કે આપણે તેને પાંચ લાખ રૂપિયા પણ નહીં ચુકવવા પડે ને એ પગે લાગીને આપણને બધા પૂરાવાઓ આપી જશે.’

‘આવું બનશે ખરું?’

‘જરૂર બનશે. એવી કઈ બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી? આ પ્રીતમસિંહ હજુ આપણે માટે કેન્સર કે એઇડ્સ નથી બન્યો. હું બધું સાંભળી લઈશ. હાલ તુરત આપણે તેને પાંચ લાખ રૂપિયા આપવા પડશે. આટલી રકમ તો હોટલની તિજોરીમાં હશે એમ હું માનું છું.

‘હા છે...’

‘ગજાનન તું એક બ્રિફકેસમાં પાંચ લાખ રૂપિયા લઇ આવ પછી આપણે પ્રીતમસિંહ પાસે જઈએ.’

ગજાનન ધીમેથી માથું હલાવીને ચાલ્યો ગયો.

અડધા કલાક પછી તેઓ પ્રીતમસિંહના સ્યૂટમાં મોઝુદ હતા. બંતાસિંહ સાવચેતીથી બીજા રૂમના દરવાજા પાસે ઊભો હતો. પ્રીતમસિંહે થોડીવાર પહેલાં જ નાસ્તો કર્યો હતો. એઠાં વાસણો અને ટ્રે ટેબલ પર પડી હતી.

ત્રિલોકે ટ્રેની બાજુમાં બ્રિફકેસ મૂકી દીધી અને પોતાના સાથીદારો સાથે પ્રીતમસિંહ સામેના સોફા પર બેસતાં બોલ્યો, ‘તમે નિર્ણય કરી લીધો મિસ્ટર પ્રીતમસિંહ?’

પ્રીતમસિંહે એક નજર બ્રિફકેસ પર ફેંકી અને પછી ત્રિલોક સામે જોતાં કહ્યું, ‘દસ લાખ ઓછા છે! હું પંદર લાખમાં સોદો કરવા માટે તૈયાર છું. પંદર લાખથી ઓછામાં તો...’

‘દસ લાખ!’ ત્રિલોક વચ્ચેથી જ એની વાતને કાપી નાખતાં બોલ્યો, ‘આનાથી એક રૂપિયાનો પણ વધારો થઇ શકે તેમ નથી, પછી ભલે અમારો અંજામ ગમે તે આવે. અમને તો જેલની સજા થશે જ, પરંતુ અમે તમને પણ નહીં છોડીએ. જે દિવસો દરમિયાન અમે વિશાળગઢની અમીધારા હોટલમાં મળતાં હતા એ જ દિવસો દરમિયાન તમે પણ એ જ હોટલમાં અમારી બાજુના જ રૂમમાં ઉતર્યા હતા. પકડાઈ ગયા પછી અમે ત્રણેય પોલીસને એવી જુબાની આપીશું કે એ લૂંટમાં તમે પણ અમારી સાથે સામેલ હતા.

‘હ... હું?’ પ્રીતમસિંહના ગળાનો કાકડો ઉંચોનીચો થયો.

‘હા, તમે!’ ત્રિલોકે અંધારામાં જ તીર છોડ્યું. ‘યાદ કરો મિસ્ટર પ્રીતમસિંહ, અમે લોકો અગિયારમી જુલાઈએ વિશાળગઢમાંથી ભાગી ગયા હતા અને તમે પણ એ જ દિવસે હોટલ છોડી દીધી હતી.’

‘હોટલ છોડી દેવાથી હું પણ લૂંટમાં તમારી સાથે સામેલ હતો એવું ક્યાં પૂરવાર થાય છે?’

‘પૂરવાર તો નથી થતું, પરંતુ પોલીસને તમારા પર શંકા જરૂર જઈ શકે તેમ છે. ઉપરાંત અમારા ત્રણેયની જુબાની પણ એક સરખી હશે. મિસ્ટર પ્રીતમસિંહ, લૂંટમાં ત્રણસો સત્તાણું નંબરની કલમ લાગુ પડે છે. અમારી જુબાનીથી તમારી હોડી પણ ડૂબી જશે. તમને  ભલે અમારા જેટલી સજા ન થાય, પરંતુ સાતથી દસ વર્ષની સજા તો જરૂર થશે એની હું ખાતરી આપું છું. તમારો પનારો અગાઉ ક્યારેય કોર્ટ-કચેરી કે પોલીસ સાથે અહીં પડ્યો હોય.’

પ્રીતમસિંહની હાલત ખરાબ થઇ ગઈ.

‘વિચારી લો મિસ્ટર પ્રીતમસિંહ! તમે દસ લાખ રૂપિયા લેવા માટે તૈયાર છો કે પછી અમારી સાથે જેલના સળીયા ગણવા માટે આવવું છે? આ બ્રિફકેસમાં પાંચ લાખ રૂપિયા છે. બાકીનાં પાંચ લાખ રૂપિયા તમને બરાબર છ મહીના પછી મળશે. છ મહીના પછી આજની જ તારીખે તમે પૂરાવાઓ લઈને અહીં આવજો.’

‘હું પૂરાવાઓ લઈને આવું એટલે તમે એ મારી પાસેથી આંચકી લઈને મને સ્વધામ પહોંચડી દેશો ખરું ને?’

‘તમે નાહક જ અમારી દાનત પર શંકા કરો છો મિસ્ટર પ્રીતમસિંહ! જો અમારો કેવો કોઈ હેતુ હોત તો અમે આ પાંચ લાખ પણ તમને ન આપત. ઉપરાંત છ મહીના પછી તમે કંઈ એકલા તો  નથી જ આવવાના. તમે મારી સાથે એકને બદલે દસ અંગરક્ષકો લાવી શકો છો. અમને કંઈ વાંધો નથી. કારણકે તમે માનો છો એવું કંઈ કરવાનો અમારો કોઈ હેતુ નથી. અમારી દાનત વિશે આનાથી વધુ હું કોઈ ખાતરી આપી શકું તેમ નથી.’

‘આ બ્રિફકેસમાં રૂપિયા છે?’ પ્રીતમસિંહે લાલચુ નજરે બ્રિફકેસ સામે જોતાં પૂછ્યું.

‘હા... ઉઘાડીને જોઈએ લો...’

‘તમે જ ઉઘાડીને બતાવો!’

‘ઓહ! કદાચ બ્રિફકેસમાં બોમ્બ મુક્યો હશે એવા વિચારથી તમે ગભરાઓ છો ખરુંને?’ ત્રિલોક સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘પરંતુ પ્રીતમસિંહ સાહેબ, તમારી સાથે અમે પણ આ રૂમમાં મોઝુદ છીએ એટલું તો વિચારો? બોમ્બ ફૂટશે તો એનો ભોગ અમે પણ બનીશું. છતાંય તમારા સંતોષ ખાતર હું જ ઉઘાડી બતાવું છું બસ ને?’ કહીને એણે બ્રિફકેસ ઉઘાડી.

અંદર સો સો રૂપિયા વાળી નોટોના બંડલો પડ્યા હતા.

પ્રીતમસિંહની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

ત્રિલોક બ્રિફકેસ ઉઘાડી જ રહેવા દઈને સોફા પર બેસતાં બોલ્યો, ‘ગણી લો, પૂરા પાંચ લાખ છે.’

‘ના ગણવાની જરૂર નથી. તમે કંઈ ઓછા થોડા જ આપો?’

‘તો પછી હવે અમને રજા આપો મિસ્ટર પ્રીતમસિંહ! તમારે બરાબર છ મહીના પછી બીજી અને છેલ્લીવાર અહીં પૂરાવાઓ લઈને બીજો તથા છેલ્લો હપ્તો લેવા માટે અહીં આવવું પડશે. હવે મારી છેલ્લી વાત પણ ધ્યાનથી સાંભળી લો. બીજી વારનો હપ્તો લીધા પછી જો તમે ક્યારેય તમારું ચોકઠું અમને બતાવશો તો તમારી પાસે કોઈ પૂરાવો સાચવી રાખીને અમને ફરીથી બ્લેક મેઈલ કરવાનો પ્રયાસ કરશો તો અમે ચંડીગઢ આવીને તમને તથા તમારા આખા કુટુંબને ગોળીઓથી વીંધી નાખીશું. અમારા આ પરાક્રમને ત્રાસવાદીઓનું કામ માનવામાં આવશે!’

પ્રીતમસિંહે હેબતાઈને તેની સામે જોયું.

ત્રિલોકના ચહેરા પર જે હાવભાવ છવાયેલા હતા, એના પરથી સ્પષ્ટ થતું હતું કે તે જે કંઈ કરે છે એ કરી બતાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે.’

‘તમે બેફિકર રહો!’ પ્રીતમસિંહ ધીમેથી બોલ્યો, ‘મારો એવો કોઈ હેતુ નથી.’

‘નથી, એ તમારા જ લાભની વાત છે.’ ત્રિલોકે ઉભા થતાં કહ્યું, ‘હા, તમારે જેટલા દિવસો સુધી અમારી મહેમાનગતિ માનવી હોય તેટલા દિવસ માણી શકો છો.’

‘ના, અમે તો આજે જ રવાના થઇ જવાના છીએ.’

‘જેવી તમારી ઈચ્છા...’ કહીને ત્રિલોકે દિલાવર તથા ગજાનનને સંકેત કર્યો.

વળતી જ પળે ત્રણેય પ્રીતમસિંહના રૂમમાંથી બહાર નીકળી ગયા.

પ્રીતમસિંહ તથા બંતાસિંહની નજર નોટોથી ભરેલી બ્રિફકેસ સામે જ જડાયેલી હતી.