મુક્તિ - ભાગ 6 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

મુક્તિ - ભાગ 6

ત્રણ ભાગીદારો!

 

સવારના દસ વાગ્યા હતા.

વામનરાવ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સિગારેટ પીતો હતો.

અત્યારે એની સામે ઉત્તમચંદ જ્વેલર્સની લુંટવાળી ફાઈલ પડી હતી.

ગઈ કાલે આખી રાત જાગીને એણે મોહનના આત્માની રાહ જોઈ હતી.

પરંતુ મોહનનો આત્મા નહોતો આવ્યો જેના કારણે વામનરાવ નિરાશ થઇ ગયો હતો.

જરૂર મોહનનો આત્મા પોતાના તરફથી નિરાશ થઇ ગયો હશે અને આ કારણસર જ એ નહોતો આવ્યો એમ તે માનતો હતો.

આ કેસમાં આગળ વધવાનો માર્ગ અચાનક ઉઘડીને બંધ થઇ જવાથી વામનરાવ વ્યાકુળ થઇ ગયો હતો.

જો એ રાત્રે પોતે ચીસ ન નાખી હોત તો બહાદુર તથા વિષ્ણુપ્રસાદ પોતા ફ્લેટમાં પણ ન આવત અને આ સંજોગોમાં મોહનનો આત્મા પોતાને બધી હકીકત જણાવી દેત!

ભૂત-પ્રેતના અસ્તિત્વનો ઇનકાર કરનારો વામનરાવ આત્માઓના અસ્તિત્વને સ્વીકારવા માટે લાચાર બની ગયો હતો.

એ જ વખતે મિનાક્ષી તેની ઓફિસમાં દાખલ થઇ.

પગરવ સાંભળીને વામનરાવે માથું ઊંચું કર્યું.

‘શું વાત છે?’ એણે રુક્ષ અવાજે પૂછ્યું, ‘ફરિયાદ નોંધાવી હોય તો...’

‘ના સાહેબ...’ મિનાક્ષીએ વચ્ચેથી તેની વાતને કાપી નાખતા બોલી, ‘હું ફરિયાદ નોંધાવવા માટે નથી આવી!’

‘તો શા માટે આવી છો?’ વામનરાવે પગથી માથા સુધી તેનું નિરીક્ષણ કરતાં પૂછ્યું.

‘હું તો આપને મળવા માટે આવી છું.’

‘મને મળવા માટે...’

‘હા, પહેલાં હું પોલીસ હેડક્વાર્ટરે ગઈ હતી, ત્યાંથી મને જાણવા મળ્યું કે આપ આ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં છો એટલે અહીં આવી છું. આપે કદાચ મને નથી ઓળખી લાગતી.’

‘ના.’

‘મારું નામ મિનાક્ષી છે!’

‘કોણ મિનાક્ષી?’

‘આપ કદાચ ભૂલી ગયા લાગો છો. ગયા વરસે દસ અથવા તો અગિયારમી જુલાઈએ ઉત્તમચંદ જ્વેલર્સમાં એક કરોડ રૂપિયાની લૂંટ થઇ હતી અને શો રૂમના  ભોંયરામાંથી એક સળગેલો મૃતદેહ મળ્યો હતો. એ મૃતદેહના ગળામાંથી શંકર ભગવાનના ચિત્રવાળું એક લોકેટ મળ્યું હતું. આ લોકેટ વિશે પોલીસે અખબારમાં જાહેરાત પણ આપી હતી.’

‘ઓહ... હા...’ સહસા વામનરાવના દિમાગમાં ઝબકારો થયો. તે હવે મિનાક્ષીને ઓળખી ચૂક્યો હતો. એ તરત જ બોલી ઉઠ્યો, ‘હા યાદ આવ્યું! તેં જ એ લોકેટ મોહનને આપ્યું હતું.  અને તારી જુબાનીના આધારે જ પોલીસે એ મૃતદેહની મોહનના મૃતદેહ તરીકે ઓળખ કરી હતી ખરુંને?’

‘જી હા...’ મિનાક્ષીએ સહમતીસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘આવ...બેસ...’

મિનાક્ષી આગળ વધીને તેની સામે એક ખુરશી પર બેસી ગઈ.

‘હું અત્યારે પણ એ કેસની જ ફાઈલ જોતો હતો મિનાક્ષી!’

‘મોહનના ખૂનીઓનો કંઈ પત્તો લાગ્યો?’

‘ના.’ વામનરાવે નકારાત્મક ઢબે માથું હલાવતાં નિરાશાભર્યા અવાજે કહ્યું, ‘પોલીસની તપાસ આજે પણ ત્યાં ને ત્યાં જ અટકેલી છે. ધાડપાડુઓમાંથી એક જણ ઉત્તમચંદના શો રૂમમાં જ નોકરી કરતો હતો. પરંતુ તપાસ કરતાં એનું નામ સરનામું બનાવટી નીકળ્યા હતા. એણે ઉત્તમચંદને પોતાના રહેઠાણનું જે સરનામું જણાવ્યું હતું ત્યાં એ નામનો કોઈ માણસ જ  નહોતો રહેતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે એ બનાવટી નામથી કોઈક બીજે સ્થળે રહેતો હતો અને બનાવતી નામથી જ ઉત્તમચંદને ત્યાં નોકરી કરતો હતો. પુષ્કળ પ્રયાસો પછી પણ અમે બાકીના ત્રણેય ધાડપાડુઓ વિશે કશું જ નથી જાણી શક્યા.

‘હું જણાવી શકું તેમ છું!’ મિનાક્ષીનો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો.

પહેલાં તો વામનરાવને ન સમજાયું કે એણે શું કહ્યું હતું.  

પરંતુ પછી તરત જ એ ચમકીને મિનાક્ષીના ચહેરા સામે તાકી રહ્યો.

‘તે... તે... હમણાં શું કહ્યું હતું મિનાક્ષી?’ એણે પૂછ્યું.

‘મેં એમ કહ્યું હતું કે એ લુંટ અને ખૂનકેસમાં મોહન સિવાય બીજું કોણ કોણ સામેલ હતું, એ બધાનાં નામો હું આપને જણાવી શકું તેમ છું!’ મિનાક્ષી ગંભીર અવાજે બોલી.

‘તું... તું મજાક તો નથી કરતી ને?’

‘મજાક કરવા માટે હું આટલે દૂર સુધી ચાલીને નથી આવી સાહેબ!’

‘ઓહ! તો એ કેસમાં કેટલા માણસો સંડોવાયેલા હતા એની તને ખબર છે એમ ને?’

‘જી, હા!’

‘કેટલા માણસો હતા?’

‘ત્રણ.’

વામનરાવ ચમક્યો. 

એને ફાઈલમાં જોવા મળેલ લોહીનાં ત્રણ ટીપાં યાદ આવ્યા જે હવે સૂકાઈ ગયા હતા.

‘અને એ ત્રણેય માણસો કોણ હતા?’ વામનરાવે પોતાની ઉત્તેજના છૂપાવતાં પૂછ્યું.

‘તેમનાં નામ અને દેખાવના વર્ણન નોંધી લો સાહેબ!’

વામનરાવે તરત જ બોલ પોઈન્ટ પેન થતાં કોરુ પેડ સંભાળી લીધું.

‘ત્રણમાંથી એકનું નામ ત્રિલોક છે. લુંટની યોજના એણે જ બનાવી હતી. બીજાનું નામ દિલાવર છે. આ દિલાવર એજ છે જે ઉત્તમચંદ જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો, સો રૂમના ભોંયરામાં રહેલી તિજોરીમાં એક કરોડ રૂપિયા હોવાની માહિતી દિલાવર જ લાવ્યો હતો. ત્રીજા માણસનું નામ ગજાનન છે. આ ત્રણમાંથી ત્રિલોક હઠીસિંહ રોડ પર એક ફ્લેટમાં રહે છે જ્યારે બાકીના બંને ગાંધી રોડની ઝુંપડપટ્ટીમાં! લૂંટની યોજના બંદર રોડ સ્થિત અમી હોટલના ગ્રાઉન્ડફ્લોર પર આવેલ પાંચ નંબરના રૂમમાં બનાવવામાં આવી હતી. લૂંટની આ યોજનામાં મોહનને પણ સાથે સંડોવનાર ગજાનન જ હતો.’

નામ-સરનામા નોંધ્ય પછી વામનરાવે આશ્ચર્યથી મિનાક્ષીના ચહેરા સામે જોયું.

પહેલી જ વાર એને આભાસ થયો કે મિનાક્ષીની આંખો લાલઘૂમ હતી.

અને આવું બે જ કારણસર બની શકે તેમ હતું. 

કાં તો મિનાક્ષી આખી રાત સૂતી નહોતી અથવાતો મોડી રાત સુધી રડતી રહી હતી. 

‘એક વાતનો જવાબ આપ મિનાક્ષી.’ વામનરાવ ગંભીર અવાજે બોલ્યો.

મિનાક્ષીએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘તું આ બધું અગાઉથી જ જાણતી હતી તો તે પહેલાં જ પોલીસને શા માટે ન જણાવ્યું?’

‘પહેલા ક્યારે?’

‘તું ગયા વરસે મારી પાસે આવી હતી ત્યારે! આ બધી વાતો તારે એ જ વખતે જણાવી દેવી જોઈતી હતી. અત્યાર સુધીમાં તો ગુનેગારો ઘટતા ફેજે પણ પહોંચી ગયા હોત.’

‘સાહેબ, જો એ વખતે આ બધી વાતોની મને ખબર હોત તો હું ચોક્કસ જ જણાવી દેત.’

‘એટલે?’

‘આ બધી વાતોની મને કાલે રાત્રે જ ખબર પડી છે અને આજે સવારે તો હું આપને જણાવવા માટે આવી પહોંચી છું.’

‘કાલે રાત્રે?’

‘હા.’

‘કાલે રાત્રે અચાનક જ વળી આ બધી વાતોની તને કેવી રીતે ખબર પડી ગઈ?’

‘જવા દો સાહેબ! એ જણાવવાથી કંઈ લાભ નહીં થાય.’

‘કેમ?’

‘એટલા માટે કે આપને ભરોસો નહીં બેસે. આ મારી આ વાત પર મજાક ઉડાવશો.’

‘આ બધી વાતો તને મોહનના આત્માએ જણાવી છે અને માટે જ તું આમ કહે છે ખરું ને?’ વામનરાવે સ્મિત કરતાં પૂછ્યું. 

વામનરાવની વાત સાંભળીને મિનાક્ષી એકદમ ચમકી ગઈ.

એ નર્યા અચરજથી વામનરાવના ચહેરા સામે તાકી રહી.

‘તને આટલી નવાઈ શા માટે લાગે છે? શું એ વાત ખોટી છે?’

‘ના,’ મિનાક્ષી ધીમેથી બોલી, ‘પણ... પણ... શું આપ ભૂત-પ્રેતના અસ્તિત્વમાં માનો છો?’

‘પહેલાં નહોતો માનતો પરંતુ પરમ દિવસે રાત્રે મોહનના પ્રેત સાથે મુલાકાથ થયા પછીથી જરૂર મારું દિમાગ ચકરાવે ચડી ગયું છે!’

મિનાક્ષીને યાદ આવ્યું કે મોહનના આત્માના કહેવા અનુસાર તે ઇન્સ્પેક્ટર વામનરાવને પણ મળ્યો હતો.

‘કેટલી વિચિત્ર વાત હતી મિનાક્ષી!’ એને ચૂપ જોઇને વામનરાવ ફરીથી બોલ્યો, ‘સળગતી ચામડીની દુર્ગંધ માત્ર હું જ અનુભવી શકતો હતો જ્યારે મારી બાજુમાં જ ઉભેલા માણસને આવો કોઈ અનુભવ નહોતો થતો! આવો ચમત્કાર મેં પણ મારી જિંદગીમાં પહેલી વાર જ જોયો હતો. એટલે આવી હાલતમાં કોઈ પણ માણસનું માથું ભમી જાય એ સ્વાભાવિક જ છે. પરંતુ પોતાના ખૂનને એક વરસ વીતી ગયા પછી મરનારનો આત્મા પાછો આવે એ વાત પણ ખૂબ જ વિચિત્ર છે!’

‘અને એ આત્મા ન્યાય માગે છે સાહેબ! જે જુલમનો તે ભોગ બન્યો હતો, એ જુલ્મનો ન્યાય! મોહનના પ્રેતે મને સ્પષ્ટ રીતે કહ્યું છે કે જ્યાં સુધી ખૂનીઓ ફાંસીના માંચડે નહીં લટકી જાય ત્યાં સુધી એના આત્માને શાંતિ નહીં મળે! તે આમ જ ભટકતો રહેશે. સાહેબ આપ એના ખૂનીઓને પકડશો ને?’

‘હા, મિનાક્ષી!’ વામનરાવ મક્કમ અવાજે બોલ્યો. અત્યાર સુધી આ કેસ અંધકારમય હતો. પોલીસ પાસે ખૂનીઓ અને ધાડપાડુઓના નામ નહોતા. હવે પોલીસ તેમનાં નામ તથા દેખાવ વિશે જાણે છે. અને ટુંક સમયમાં જ એ ત્રણેય કાયદાની ચુંગાલમાં જકડાયેલા હશે એનું હું તને વચન આપું છું.’

‘એમને સજા પણ થશે ને સાહેબ?’

‘હા, તું બેફિકર થઈને જા! હું એ ત્રણેયને પાતાળમાંથી પણ શોધી કાઢીશ.’

વામનરાવની વાત સાંભળીને મિનાક્ષીના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.

એણે આભારવશ નજરે વામનરાવ સામે જોયું અને પછી તેની રજા લઈને ચાલી ગઈ.

વામનરાવે ટેબલ પર પડેલી ઘંટડી વગાડી. એણે તાબડતોબ પગલાં ભરવાનાં હતાં.

એ જ વખતે એક સિપાહી અંદર આવ્યો.

વામનરાવે તેને જીપ તૈયાર કરવાનો આદેશ આપ્યો.

પાંચ મિનીટ પછી વામનરાવની જીપ વિશાળગઢની સડક પર દોડતી હતી.

સાંજ સુધીમાં એણે ઘણી માહિતી એકઠી કરી લીધી.

ખરેખર જ બંદર રોડ સ્થિત અમીધારા હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં ગયા વરસે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ત્રિલોક, ગજાનન અને દિલાવર સાથે મોહનને ત્યાં અવારનવાર જોવામાં આવ્યો હતો.

વામનરાવે હોટલના માલિક, મેનેજર, અને પાંચ નંબરના રૂમમાં સર્વિસ આપતાં વેઈટરની લેખિત જુબાની લીધી હતી. ત્યારબાદ વામનરાવ ત્રિલોકનો ફ્લેટ ખરીદ્યો હતો એ શેઠને પણ મળ્યો. તે ગજાનન અને દિલાવરને શોધવા માટે નીકળી પડ્યો.

પરંતુ આજની તારીખમાં ત્રણમાંથી કોઈ પોતાના ઠેકાણે ન મળ્યું. 

અલબત તેમને ઓળખનારાઓએ એટલું જરૂર કહ્યું કે છેલ્લા એક વર્ષથી તેમણે ત્રણમાંથી એકેયને વિશાળગઢમાં નથી જોયા. જરૂર એ લોકો આ શહેર છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ ક્યાં ગયા હતા, એ બાબતમાં કોઈ કશું જ નહોતું જણાવી શક્યું.

એક મહત્વની વાત વામનરાવને જરૂર જાણવા મળી હતી.

ત્રિલોક, ગજાનન તથા દિલાવર મૂળ ક્યાંના વતની હતા તે એ જાણી ચૂક્યો હતો.

હવે તેને આ સ્થળે પોલીસ પાર્ટી મોકલવાની હતી.

એ સીધો પોલીસ હેડક્વાર્ટરે એસપી વિક્રમસિંહની ઓફિસમાં પહોંચ્યો.

એણે વિક્રમસિંહનું અભિવાદન કર્યું અને પછી એની સામે એક ખુરશી પર બેસી ગયો.

‘બોલ વામનરાવ! કોઈક જરૂરી કામ લાગે છે. મેં તને આટલો ઉત્તેજિત ક્યારેય નથી જોયો.’ વિક્રમસિંહે બારીકારીથી એના ચહેરા પર છવાયેલા હાવભાવનું અવલોકન કરતા કહ્યું.

‘યસ સર!’ 

‘બોલ શું વાત છે?’

‘સર, ગયા વરસે અગિયારમી જુલાઈની રાત્રે ઉત્તમચંદ જ્વેલર્સમાંથી જે એક કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી એના ગુનેગારોનો પત્તો મળી ગયો છે!’ વામનરાવ ગંભીર અવાજે બોલ્યો. 

એની વાત સાંભળીને વિક્રમસિંહનો દેહ ખુરશી પર ટટ્ટાર થયો.

‘વેરી ગુડ...!’ એ પ્રસન્ન અવાજે બોલ્યો, ‘એ કેસ વળી તેં કેવી રીતે ઉકેલી નાખ્યો? એ લૂંટમાં કયા કયા માણસોનો હાથ હતો એની તને કેવી રીતે ખબર પડી?’

‘એ વાત બહુ લાંબી છે સર! આ બાબતમાં હું આપને નિરાંતે જ જણાવીશ. હાલ તુરત તો હું ત્રણેય ધાડપાડુઓને શોધવા માટે તેમના વતનમાં પોલીસ પાર્ટીને મોકલવા માગુ છું.’

‘જરૂર મોકલ.’

‘થેન્કયુ સર!’ કહીને વામનરાવ ઊભો થવા લાગ્યો ત્યાં જ વિક્રમસિંહે તેને બેસી રહેવાનો સંકેત કર્યો.

‘એક મિનીટ વામનરાવ!’ વિક્રમસિંહ બોલ્યો, ‘તું જે ત્રણ માણસોને શોધવા માટે પોલીસ પાર્ટી મોકલવા માંગે છે તેમની વિરુદ્ધ તારી પાસે પૂરતા પૂરાવાઓ છે કે પછી અંધકારમાં જ ફાંફા મારવાના છે?’

વિક્રમસિંહનો સવાલ સાંભળીને વામનરાવના ચહેરા પર ખમચાટના હાવભાવ છવાઈ ગયા.

‘તે મારા સવાલનો જવાબ ન આપ્યો વામનરાવ!’ એને ચૂપ જોઇને વિક્રમસિંહે ફરીથી પૂછ્યું. 

‘હાલ તુરત તો મારી પાસે પૂરાવાઓ નથી સર!’ વામનરાવે ખમચાતા અવાજે કહ્યું.

‘તો કોઈ સાક્ષી છે?’ 

‘સાક્ષી પણ નથી.’

‘તો પછી તું ક્યાં આધારે એમની ધરપકડ કરીશ?’

‘અત્યારે તો મારી પાસે કોઈ આધાર નથી સર! પણ ટૂંક સમયમાં જ આધાર તથા પૂરાવાઓ પણ શોધી કાઢીશ.’

વિક્રમસિંહના ચહેરા પર ગંભીરતા વ્યાપી ગઈ.

‘વામનરાવ!’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘તું કાબેલ પોલીસ ઇન્સ્પેક્ટર છે. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ એક વાત તું કદાચ ભૂલી જતો લાગે છે.’

‘કઈ વાત સર?

‘એ જ કે કોઈ પણ કેસને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં આપણે આપણા લીગલ એડવાઈઝર સાથે ચર્ચા-વિચારણા કરવી પડે છે. તું જે આધાર વગરના તથ્યોના જોરે આ ધરપકડો કરવા માગે છે એના પરિણામની તને ખબર છે?’

‘હાલતુરત તો નથી સર!’ વામનરાવ ધીમેથી ડોકું હલાવતાં બોલ્યો, ‘પણ આ કેસની કડીઓ મને ક્યાંથી મળી એ હું અત્યારે જણાવી શકું તેમ નથી. પણ સર, એ લૂંટમાં એક કરોડ રૂપિયાની રકમ લૂંટવામાં આવી હતી એ જ આ ત્રણેય વિરુદ્ધ મોટામાં મોટો પૂરાવો હશે એની મને પૂરી ખાતરી છે. એ લોકોએ એક કરોડ, બે લાખ રૂપિયાના ભાગ પાડ્યા હશે તો દરેક જણના ભાગમાં ચોત્રીસ લાખ રૂપિયા આવ્યા હશે. આ પૈસાનું તેમણે કંઈક તો કર્યું જ હશે સર. કોઈ મિલકત ખરીદી હશે, બંગલો બનાવ્યો હશે. આટલી મોટી રકમ તેમણે મોજશોખમાં જ નહીં વેડફી નાખી હોય. એ વર્ષ પહેલાં જ શખ્સો વિશાળગઢમાં ગરીબીમાં જીવતા હતા એ તાબડતોબ આટલાં પૈસાદાર કેવી રીતે બની ગયા? શું પોલીસ પાસે આ પૂરાવો નહીં હોય? હું અહીં ગજાનન અને દિલાવરની વાત કરું છું સર. કાલ સુધી એ બંને ગાંધી રોડની ઝુંપડપટ્ટીમાં જીવતાં હતા. તેમની પાસેથી કોઈક મિલકત મળવી જ એ વાતનો પુરાવો હશે કે તેમણે છેલ્લા થોડા સમય દરમિયાન કોઈક મોટો ગુનો કર્યો હતો, લૂંટ ચલાવી હતી. આ કારણસર જ તેમના હાથમાં આટલી મોટી રકમ આવી હતી. આ વાતથી જ તેમના ગુનાને સમર્થન મળશે સર. 

વિક્રમસિંહ વિચારમાં પડી ગયો.

એના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા.

‘સર આ કેસમાં પોલીસ વિભાગની ખૂબ જ બદનામી થઇ હતી. અખબારો તથા આમ જનતાએ પોલીસને નકામી પૂરવાર કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. આજે જ આ કેસને આપણે થોડી મહેનતથી ઉકેલી શકીએ છીએ તો પણ આપણે આ તક હાથમાંથી ન સરકી જવા દેવી જોઈએ!’ વામનરાવ બોલ્યો.

‘ઓકે, તને યોગ્ય લાગે તેમ કર. પરંતુ ઉતાવળ કરીશ નહીં કે કોઈ કડી અધૂરી છોડીશ નહીં.’ વિક્રમસિંહે ધીમેથી માથું હલાવતાં કહ્યું.

‘જી સર!’

‘તો તું તારું કામ પતાવ! ફતેહ કર.’

‘થેંક્યું સર!’ વામનરાવ ઊભો થયો. 

એણે વિક્રમસિંહનું અભિવાદન કર્યું અને પછી ઓફિસમાંથી બહાર નીકળી ગયો. 

એના ચહેરા પર મક્કમતાના હાવભાવ છવાયેલા હતા.

એ જ રાત્રે પોલીસની ત્રણ પાર્ટીઓ વિશાળગઢથી ત્રણ જુદાજુદા શહેરો માટે રવાના થઇ.

એક પાર્ટી દિલાવરને શોધવા માટે પૂના ગઈ. 

બીજી પાર્ટી ત્રિલોકને શોધવા અમદાવાદ જવા માટે રવાના થઇ.

અને ત્રીજી પાર્ટી ગજાનનની શોધમાં અજયગઢ જવા માટે નીકળી પડી.

વામનરાવ હવે આ ત્રણેય પોલીસ પાર્ટીના પાછા આવવાની રાહ જોતો હતો.

ચોક્કસ જ કોઈક મહત્વની વાત જાણવા મળશે એવી તેને આશા હતી. 

સૌથી પહેલાં ત્રીજા દિવસે અજયગઢ મોકલવામાં આવેલી પોલીસ પાર્ટીનો વિશાળગઢ પોલીસને સંદેશો મળ્યો. 

આ સંદેશા મુજબ એ પાર્ટી ગજાનનને શોધવા માટે ત્યાં ગઈ હતી. આ પાર્ટીના રિપોર્ટ મુજબ ગજાનન આજની તારીખમાં અજયગઢમાં જ હતો એટલું જ નહીં, તે એક થ્રી સ્ટાર હોટેલ ‘સાગર’ના ત્રણ માલિકો માંહેનો એક હતો. બાકીના બંને માલિકોના નામ હતા ત્રિલોક અને દિલાવર!

આ સંદેશો તથા રિપોર્ટ મળતાં જ વામનરાવના આનંદનો પાર ન રહ્યો.

તે જે ત્રણ ગુનેગારોને શોધતો હતો તેઓ આજની તારીખે એક જ સ્થળે અને એક જ હોટલના માલિકની હેસિયતથી મોઝુદ હતા.

વામનરાવે તરત જ વિક્રમસિંહને બધી વિગતો જણાવીને ત્રણેયની ધરપકડના વોરંટની માગણી કરી. 

‘વામનરાવ!’ વિક્રમસિંહ ગંભીર અવાજે બોલ્યો, ‘પોલીસે ત્રણેય ગુનેગારોને ભલે શોધી કાઢ્યા પરંતુ તેમની વિરુદ્ધ તારી પાસે કોઈ પૂરાવાઓ છે?’

‘તેઓ જે હોટલના માલિક છે, એ હોટલ જ તેમની વિરુદ્ધ સહુથી મોટો પુરાવો છે સર!’ વામનરાવે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું.’ પોલીસ પાર્ટીના રિપોર્ટ મુજબ એ હોટલની કિંમત સાઠ લાખથી પણ વધુ છે. એ વર્ષ પહેલાં વિશાળગઢમાં મામૂલી હેસિયત ધરાવતા અ ત્રણેય પાસે અચાનક જ આટલાં બધા પૈસા ક્યાંથી ને કેવી રીતે આવ્યા કે જેને કારણે તેઓ અજયગઢ ખાતે એક થ્રી સ્ટાર દરજ્જાની હોટલના માલિક બની ગયા છે એ વાત વિચારવા જેવી છે. જો અચાનક જ કોઈ માણસ આટલો બધો સદ્ધર બની જાય તો તેની પાછળ ગુનાની જ કાંઈક સીડી હોય, અને આ સીડી ચડીને જ તે આટલો પૈસાદાર બની શકે છે. તેમની હેસિયત જ તેમના કાળા કરતૂતોનો મોટામાં મોટો પૂરાવો હોય છે. તેમનું આ રીતે વરસ દિવસમાં જ આટલું ધનવાન બનવું જ એ વાતનો પૂરાવો છે સર, કે ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટમાં તેમનો હાથ હતો.’ 

વિક્રમસિંહ ફરીથી વિચારમાં ડૂબી ગયો.

‘મને આ પૂરાવો પૂરતો નથી લાગતો વામનરાવ!’ થોડીવાર સુધી વિચાર્યા બાદ એ બોલ્યો, ‘આ પૂરાવાને સમર્થન આપવા માટે કોઈક સાક્ષીની પણ જરૂર છે.’

‘કોઈ જરૂર નથી સર.’ વામનરાવે ઉત્સાહભર્યા અવાજે કહ્યું, ‘જો આપણે સાક્ષી શોધતાં રહીશું તો ક્યારેય ત્રણેયને કાયદાની ચુંગાલમાંથી નહીં પકડી શકીએ. તેમના કાળા કરતૂતોનો એક જ સાક્ષી હતો, મોહન ચૌહાણ. અને મોહન પોતાના જ સાથીદારોની દગાબાજીનો ભોગ બનીને મૃત્યુ પામ્યો છે. આ સંજોગોમાં કાયદાની પરિધિથી સમયનો લાભ લઈને એ ત્રણેય વધુ દૂર ચાલ્યા જશે. પછી કાયદાના હાથ ક્યારેય તેમની ગરદન સુધી નહીં પહોંચી શકે. તેઓ છટકી જશે.

‘ઠીક છે! તને યોગ્ય લાગે તેમ કર. પરંતુ પૂના અને અમદાવાદથી રિપોર્ટ આવી જવા દે. કદાચ તેમના રિપોર્ટ પરથી આ મામલામાં તને કંઈક મદદ મળે એ બનવાજોગ છે.’

‘એ રિપોર્ટ તો એકાદ-બે દિવસમાં આવી જશે. ત્યાં સુધી હું એ ત્રણેયને પકડી, કેસ તૈયાર કરીને કોર્ટમાં કેસ દાખલ કરી દઉં છું. આ દરમિયાન રિપોર્ટ પણ આવી જશે.’

‘ઓકે! હું વોરંટની તૈયારી કરું છું. 

‘થેંક્યુ સર!’

વામનરાવ પ્રસન્ન અવાજે બોલ્યો.

મોહન ચૌહાણના ખૂનીઓને સજા કરાવવા માટે એણે પોતાના ચક્રો ગતિમાન કરી દીધા હતા.

***

ત્રીજા દિવસના અખબારોએ તો ખળભળાટ મચાવી દીધો.

એ દિવસે દરેક અગ્રગણ્ય અખબારોમાં આ જાતના સમાચાર છપાયા હતા. 

‘વિશાળગઢના ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટનો કેસ એક વર્ષ પછી ઉકેલવામાં વિશાળગઢની પોલીસને મળેલી સફળતા!’

‘ઉત્તમચંદ જ્વેલોર્સની લૂંટના આરોપસર અજયગઢની હોટલના ત્રણેય માલિકોની ધરપકડ’

‘ધાડપાડુઓ અને મોહન ચૌહાણના ખૂનીઓ અજયગઢની હોટેલમાંથી ઝડપાયા!’

‘સળગેલ મૃતદેહ અને ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટનો કોયડો ઉકેલાયો! ગુનેગારો ગિરફ્તાર!’

આ જાતના હેડીંગોથી તમામ અખબારો ભરેલાં હતા.

હેડીંગોની નીચે ટૂંકમાં આ મુજબનાં સમાચાર પ્રગટ થયા હતા.

અજયગઢ 

તા. ૧૭-૭-૯૪

આજે સવારના પહોરમાં વિશાળગઢ પોલીસના ઇન્સ્પેક્ટર વામનરાવના નેતૃત્વ હેઠળ અજયગઢ પોલીસની મદદથી ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટના આરોપસર સાગર હોટલના ત્રણેય માલિકોની ધરપકડ કરવામાં આવી છે. એક માલિકને હોટલનાગેસ્ટ રૂમમાંથી ઊંઘતી હાલતમાંથી જગાડીને ગિરફ્તાર કરવામાં આવ્યો. જ્યારે બાકીનાં બંને માલિકોની બંદર રોડ પર આવેલા તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓને અટકમાં લઈને પોલીસ વિશાળગઢ પહોંચી ગઈ છે અને ગુનેગારોને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપી દીધા છે. 

ત્યારબાદ કઈ રીતે લૂંટ ચલાવવામાં આવી હતી એનું વર્ણન છપાયું હતું. 

આ સમાચારમાં મોહન ચૌહાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ સમાચારથી સમગ્ર દેશમાં અને ખાસ કરીને વિશાળગઢ અને અજયગઢમાં ખળભળાટ મચી ગયો હતો.

બે દિવસની રિમાન્ડ બાદ પોલીસે ત્રણેય ગુનેગારોને કોર્ટમાં રજૂ કરીને વધુ આઠ દિવસની રિમાન્ડની માગણી કરી.

આ દરમિયાન ત્રિલોક, ગજાનન તથા દિલાવર માટે તેમની પેરવી કરવા મશહુર યુવાન એડવોકેટ વિનોદ ગુપ્તાને રોકવામાં આવ્યો હતો.

વિનોદે પોલીસની આ માગણીનો જોરદાર વિરોધ કરતાં કહ્યું હતું કે પોલીસ પાસે પોતાના ક્લાયન્ટો વિરુદ્ધ કોઈ પુરાવો નથી. માત્ર શંકાના આધારે જ તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રિમાન્ડ દરમ્યાન તેમની મારકૂટ કરી છે જેની લિખિત ફરિયાદ તેઓ નોંધાવા માંગે છે.

સરકારી વકીલ પાસે આ દલીલનો કોઈ જવાબ ન હતો. 

પરિણામે કોર્ટે રિમાન્ડની અરજી નામંજૂર કરી અને ત્રણેય આરોપીઓને ત્રણ દિવસ માટે જેલમાં મોકલી આપ્યા. 

ચોથા દિવસે પોલીસને પોતાનું ચાર્જશીટ રજૂ કરવાનું હતું.

આરોપીઓ વિરુદ્ધ કેસ ચલાવી શકાય તેમ છે કે નહીં, એટલો મજબૂત પોલીસનો કેસ છે કે કેમ એનો નિર્ણય પણ આ દિવસે થવાનો હતો.

પહેલી બે સુનાવણીની માફક ત્રીજી સુનાવણીના દિવસે કોર્ટમાં ખૂબ જ ભીડ હતી.

બહારની લોબીમાં પણ ઊભા રહેવાની જગ્યા નહોતી.

બરાબર દસ વાગ્યે પોલીસના કડક  બંદોબસ્ત વચ્ચે ત્રણેય આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા.

અને પછી કોર્ટની કાર્યવાહી શરુ થઇ. 

સહુથી પહેલાં સરકારી વકીલે કહેવાની શરૂઆત કરી.

‘યોર ઓનર! પોલીસના રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ગયા વરસે દસ-અગિયારમી જુલાઈની રાત્રે તોપખાના રોડ ઉપર આવેલ ઉત્તમચંદ જ્વેલર્સમાં લૂંટ થઇ હતી અને આ લૂંટમાં ચાર માણસોનો હાથ હતો. આ ચારમાંથી ત્રણ અત્યારે આરોપીના પીંજરામાં કોર્ટમાં મોજૂદ છે. જ્યારે ચોથા શખ્સને આ ત્રણેયે જ શો રૂમના ભોંયરામાં સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસના રિપોર્ટમાં બંદર રોડ સ્થિત અમીધારા હોટલના માલિક, મેનેજર, તથા વેઈટરની જુબાનીઓ પણ મોઝુદ છે. તેમની જુબાની મુજબ આ ત્રણેય અવારનવાર મિટિંગના સ્થળ તરીકે હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાંચ નંબરના રૂમનો ઉપયોગ કરતા હતા. ત્રણથી દસ તારીખ સુધી આ ત્રણેય એ રૂમમાં મળતા રહ્યા હતા અને મુલાકાતો કરતા રહ્યા હતા. અને આ મિટિંગ લૂંટની યોજનાનો ભાગ હતો. આ મિટીંગમાં મોહન ચૌહાણ પણ હાજરી આપતો હતો. દસ અને અગિયારમી જુલાઈની રાત્રે ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટ થઇ અને ત્યારબાદ પોલીસને ભોંયરાના તિજોરીવાળા રૂમમાંથી મોહન ચૌહાણનો સળગેલો મૃતદેહ પણ મળ્યો હતો. એ તારીખ પછી આ ત્રણેય શખ્સો પણ વિશાળગઢમાં નથી દેખાયા. દેખાય પણ કેવી રીતે યોર ઓનર? તેઓ તો લૂંટવામાં આવેલા એક કરોડ રૂપિયા લઈને તાબડતોબ વિશાળગઢ છોડીને નાસી છૂટ્યા હતા. અહીં એક વાતનો ખુલાસો કરી દઉં. લૂંટના એ બનાવ પછી તરત જ ઉત્તમચંદ સાહેબે શો રૂમના બધા કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. ઉપરાંત ઉત્તમચંદ સાહેબ પોતે પણ અત્યારે આ શહેરમાં હાજર નથી. તેઓ ધંધાકીય કામ અંગે ચાર મહીના માટે લંડન ગયા છે. નહીં તો આ ત્રણમાંથી એક શખ્સને તો જરૂર ઓળખી બતાવત. એ શખ્સ દિલાવરના નામથી તેમના શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.’ કહીને સરકારી વકીલ અટક્યો.

એણે બચાવ પક્ષના વકીલ વિનોદ ગુપ્તા સામે જોયું.

વિનોદના હોઠ પર હળવું સ્મિત ફરકતું હતું.

જાણે સરકારી વકીલની મજાક ઉડાવતો હોય એવા હાવભાવ એના ચહેરા પર છવાયેલા હતા. જેના પરથી સ્પષ્ટ થતું હતું કે એની પાસે સરકારી વકીલની દરેક દલીલોને કાપવાના જવાબો હતા. 

‘યોર ઓનર!’ સરકારી વકીલ ફરીથી ન્યાયાધીશને ઉદ્દેશીને બોલ્યો, ‘વિશાળગઢથી નાસી છૂટેલા ત્રણેય ધાડપાડુઓ એક વરસ અને થોડા દિવસો પછી અજયગઢમાંથી મળે છે પરંતુ હવે તેમની હાલત બદલાઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં તો આટલા પરિવર્તન નથી થયાં. પરંતુ આ ત્રણેયના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો આવી ચૂક્યા છે. કાલ સુધી વિશાળગઢમાં મામૂલી હેસિયત ધરાવતા આ ત્રણેય શખ્સ આજે અજયગઢના આબરૂદાર અને પ્રતિષ્ઠિત માણસો બની ગયા છે. તેઓ એક થ્રી સ્ટાર હોટલના માલિક છે. કોઈની અમાનત લૂંટી સમાજમાં આબરૂ ખરીદીને તેઓ સફેદપોશ બની બેઠા છે. પરંતુ એક વાત તેઓ ભૂલી ગયા લાગે છે કે ગુનાનો પડછાયો ભલે આબરુની બપોરમાં ઓછો થઇ જાય પરંતુ સાંજ પડતા જ આ પડછાયો લંબાતો જાય છે અને કાયદાનો પંજો તેમની ગરદન સુધી પહોંચી જાય છે. આરોપીઓને સેશનના હવાલે કરવાની નામદાર કોર્ટને વિનંતી કરું છું જેથી તેમના પર કેસ ચલાવી શકાય. તેમનો ગુનો સાબિત કરીને તેમને તેમના કાળા કરતૂતોની સજા ફરમાવી શકાય.

વાત પૂરી કરીને સરકારી વકીલ પોતાની ખુરશી પર બેસી ગયા.

ન્યાયાધીશ સાહેબે બચાવ પક્ષના વકીલ વિનોદ ગુપ્તાને સંકેત કર્યો. 

એણે માથું નમાવ્યું અને પછી એકદમ કોમળ તથા સ્પષ્ટ અવાજે બોલ્યો.

‘યોર ઓનર, સરકારી વકીલ સાહેબની બધી દલીલો કે જેને તેઓ એક મજબૂત કિલ્લો સમજે છે, એ કિલ્લાનો વાસ્તવમાં કોઈ પાયો જ નથી. અને પાયા વગર  બનાવવામાં આવેલી ઈમારતને હવાઈ કિલ્લો કહેવામાં આવે છે. હું સરકારી વકીલ સાહેબની એક વાતનું પુનરાવર્તન કરીને મારા ક્લાયન્ટોના બચાવ માટેની દલીલો રજૂ કરું છું. મારી વાતને ધ્યાનથી સાંભળવાની હું આપ નામદારને વિનંતી કરું છું કારણકે આ કેસમાં ત્રણ શરીફ લોકોની આબરૂ દાવ પર લાગેલી છે. સરકારી વકીલ સાહેબનો આરોપ એવો છે કે મારા આ ત્રણેય ક્લાયન્ટો આજે પૈસાદાર શા માટે છે? આ શું વાત થઇ સાહેબ? જો કોઈ ગરીબ માણસ કાલે ઊઠીને પોતાના નસીબના જોરે પોતાની લગન અને મહેનતથી પૈસાદાર બની જાય તો શું એ તેનો ગુનો છે? એના પૈસાદાર થવા પાછળ કોઈ લૂંટ હશે એ જરૂરી છે? અથવા તો એણે કોઈના લોહીથી હાથ રંગીને પૈસા કમાયા હશે?’

વિનોદ ગુપ્તા થોડી પળો માટે અટક્યો.  

થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ વધારી.

‘મારા ક્લાયન્ટો ભૂતકાળમાં ખૂબ જ ગરીબ હતા એ વાત હું કબૂલ કરું છું. તેઓ નાનામોટા ગુનાઓ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એમ પોલીસ કહે છે, પરંતુ માત્ર કહે જ છે, પૂરવાર કશું જ કરી નથી શકતી. એટલા માટે કે મારા ત્રણેય ક્લાયન્ટો વિરુદ્ધ પોલીસ પાસે એક પણ ફરિયાદ નથી. કોઈના ઉપર ક્યારેય કોઈ જાતનો કેસ નથી થયો. એટલે સૌથી પહેલાં મારા ક્લાયન્ટોના ભૂતકાળ પર નામદાર કોર્ટે ધ્યાન આપવું ન જોઈએ. સરકારી વકીલ સાહેબના કહેવા મુજબ મારા ત્રણેય ક્લાયન્ટોની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી. આ વાત બિલકુલ ખોટી છે કારણકે મારા ક્લાયન્ટ મિસ્ટર ત્રિલોકનો આ શહેરમાં જ એક ફ્લેટ તેમણે વેંચી નાખ્યો હતો.

‘બરાબર છે! ફ્લેટ વેચવાથી મળેલી રકમનો ઉપયોગ તેઓ પોતાની યોજનામાં કરવા માગતા હતા.’ સરકારી વકીલ પોતાની ખુરશી પરથી ઊભો થઈને તરતજ વચ્ચેથી બોલી ઊઠ્યો.

‘ઓબ્જેક્શન યોર ઓનર...’ વિનોદ ગુપ્તાએ વિરોધભર્યા અવાજે કહ્યું, ‘મારી વાત હજુ પૂરી નથી થઇ, એ સરકારી વકીલ સાહેબે યાદ રાખવું જોઈએ. આ રીતે વચ્ચે બોલવાનો તેમને કોઈ હક નથી.’

ન્યાયાધીશ સાહેબે નારાજગીભરી નજરે સરકારી વકીલ સામે જોયું.

‘હું દિલગીર છું યોર ઓનર!’ સરકારી વકીલ નીચું જોઈ જતાં ભોંઠપભર્યા અવાજે આટલું કહીને પોતાની ખુરશી પર બેસી ગયો.

‘તમે તમારી વાત ચાલુ રાખો મિસ્ટર વિનોદ!’ ન્યાયાધીશ સાહેબે કહ્યું. 

‘થેન્કયુ યોર ઓનર!’ વિનોદ બોલ્યો, ‘હા તો હું કહેતો હતો કે વિશાળગઢમાં પણ મારા ક્લાયન્ટ મિસ્ટર ત્રિલોકની આર્થિક હાલત સારી હતી. તેઓ પોતાના બંને મિત્રો સાથે બિઝનેસ કરવા માગતા હતા. આ કારણસર પોતાનો ફ્લેટ વેચી એ રકમ કોઈક બિઝનેસ શરુ કરવાના હેતુથી તેઓ પોતાના મિત્રો સાથે અજયગઢ ચાલ્યા ગયા.’

‘મિસ્ટર વિનોદ!’ ન્યાયાધીશ સાહેબે વચ્ચેથી જ ટોકતા કહ્યું, ‘પોલીસના રિપોર્ટ મુજબ મિસ્ટર ત્રિલોક વગેરે થ્રી સ્ટાર હોટલના માલિક છે, તેની કિંમત પચાસ-સાઠ લાખથી ઓછી નથી.’

‘હું એ મુદ્દા પર ચર્ચા કરીશ યોર ઓનર! ત્યાં સુધી પહોંચતાં મને હજુ થોડો સમય આગશે.’ વિનોદ સ્મિત ફરકાવતા બોલ્યો, ‘પરંતુ એ પહેલાં હું અમીધારા હોટલના માલિક, મેનેજર અને વેઈટરની જુબાનીઓ તરફ નામદાર સાહેબનું ધ્યાન દોરવા માંગુ છું. પોલીસના કહેવા મુજબ, ત્રણથી દસ જુલાઈ સુધી ચાર શખ્સો બંદર રોડ સ્થિત અમીધારા હોટલના પાંચ નંબરના રૂમમાં મળતાં રહ્યા હતા. ત્રણ મારા ક્લાયન્ટ અને ચોથો મોહન ચૌહાણ કે જેનો મૃતદેહ પોલીસને પોતાની તપાસ દરમિયાન ઉત્તમચંદ જ્વેલર્સના ભોંયરામાંથી મળી આવ્યો હતો. હોટલના માલિક અને મેનેજરે મોહનને હોટલમાં આવતો-જતો જોયો હોય એ બનવાજોગ છે. પરંતુ મોહન પાંચ નંબરના રૂમમાં જ મારા ક્લાયન્ટોને મળવા જતો હતો એવો દાવો કોઈએ નથી કર્યો. મોહન એ હોટલમાં બીજા કોઈ માણસને મળવા જતો હોય એવું પણ બની શકે છે. ચાલો... જવા દો. મોહન મારા ત્રણેય ક્લાયન્ટોને જ મળવા જતો હતો એ વાત પણ કબૂલી લઈએ તો પણ એનાથી એ ક્યાં પૂરવાર થાય છે કે તેઓ લૂંટની યોજનાના અનુસંધાનમાં જ ત્યાં ભેગા થયાં હતા? મારો જ દાખલો આપું તો હું દિવસ દરમિયાન અનેક માણસોને મળું છું. આ માણસોમાં ગુનેગારો પણ સામેલ હોય છે. હવે હું આપ નામદારને એક સવાલ પૂછવા માંગુ છું.’

‘મને?’ ન્યાયાધીશ સાહેબે આશ્ચર્યસહ પૂછ્યું. 

‘હા.’

‘પૂછો... શું પૂછવું છે તમારે?’

‘મારા ગુનેગારોને મળવાથી જ શું એવું પૂરવાર થઇ જાય કે કે તેમના કાળા કરતૂતોમાં હું પણ સામેલ હતો? તેમના ગુનાઓમાં હું પણ ભાગીદાર હતો?’

‘એટલે? તમે કહેવા શું માંગો છો મિસ્ટર વિનોદ? ન્યાયાધીશ સાહેબે મૂંઝવણભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

‘કોર્ટરૂમમાં મોજુદ સૌ કોઈની નજર વિનોદ પર જ કેન્દ્રિત થઇ ગઈ હતી.

બધાં એની દલીલ સાંભળવા માટે ઉત્સુક હતા.

‘યોર ઓનર, કોઈને મળવું ગુનો નથી! ગેરકાયદેસર નથી! દારૂના અડ્ડામાંથી નીકળતાં માણસને શરાબી અને વેશ્યાના ઘરમાંથી બહાર નીકળેલા માણસને વ્યભિચારી માની લેવાની જરૂર નથી. એજ રીતે જ્યાં સુધી પોલીસ પાસે નક્કર પૂરાવાઓ કે સાક્ષીઓ ન હોય ત્યાં સુધી કોઈના ગુના માટે બીજા કોઈ શખ્સને જવાબદાર ન માની શકાય. પોલીસ કોઈની મુલાકાતને આધાર બનાવીને બીજા કોઈને ગુનેગાર હરગીઝ ન ઠેહરાવી શકે. મારા ત્રણેય ક્લાયન્ટો ઉત્તમચંદ જ્વેલર્સના શો રૂમમાં અથવાતો એની આજુબાજુમાં હાજર હતા એવો કોઈ પૂરાવો કે સાક્ષી પોલીસ પાસે નથી. પોલીસ પાસે કોઈ ફિંગર પ્રિન્ટ નથી. કોઈ માણસે એમ પણ નથી કહ્યું કે એ રાત્રે એણે મારા ક્લાયન્ટોને બનાવની રાત્રે ઉત્તમચંદ જ્વેલર્સની આજુબાજુમાં પણ જોયા હતા. પોલીસ પાસે પૂરવાર કરવા માટે અટકળો અને અનુમાનો સિવાય બીજું કશું જ નથી. 

‘તો પછી મિસ્ટર દિલાવરે અચાનક ઉત્તમચંદ જ્વેલર્સની નોકરી કેમ છોડી દીધી?’

‘યોર ઓનર, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય એતો આપ જાણતાં ને સમજતાં જ હશો? મારા ક્લાયન્ટ મિસ્ટર દિલાવરને અચાનક જ નોકરી છોડીને પોતાના મિત્ર મિસ્ટર ત્રિલોક સાથે જવું પડ્યું હતું. અલબત, તેમણે અજયગઢથી મિસ્ટર ઉત્તમચંદને ફોન કરીને પોતે નોકરી છોડી દીધી છે એ બાબતમાં જણાવી પણ દીધું હતું.’ વિનોદે કહ્યું. પછી ટેબલ પર પડેલી ફાઈલ ઊંચકીને તેને આમતેમ લહેરાવતાં બોલ્યો, ‘યોર ઓનર, મારા ક્લાયન્ટો ઉત્તમચંદ જ્વેલર્સમાં લુંટ ચલાવીને પૈસાદાર બન્યા છે એવી પોલીસને શંકા છે. પરંતુ હું આ શંકાને પૂરાવા સહિત ખોટી પૂરવાર કરું છું. આ ફાઈલમાં હિસાબ-કિતાબના કાગળો છે. જેમકે એ હોટલ ક્યારેને કેટલી રકમમાં ખરીદવામાં આવી. આ જ ફાઈલમાં સ્ટેટ લોટરીની ઇનામી ટીકીટોની ફોટો સ્ટેટ કોપીઓ છે જેના પરથી પૂરવાર થઇ જાય છે કે મારા ક્લાયન્ટ નસીબના જોરે પૈસાદાર બન્યા છે. લોટરીની ઇનામી ટીકીટો દ્વારા તેમને પૈસા મળ્યા છે. સ્ટેટ લોટરીનું ઓફિશિયલ ચલણ આ ફાઈલમાં મોજુદ છે યોર ઓનર. એક એક સફેદ પૈસાનો હિસાબ છે. હવે ક્યાંક સરકારી વકીલ સાહેબ એવી શંકા ન કરે કે ભગવાને આગળ-પાછળ ત્રણેય ટીકીટોનું ઇનામ મારા ક્લાયન્ટોને જ શા માટે આપ્યું? ભગવાન અને નસીબ પર જો તેમને વાંધો હોય તો શું, કોઈ પણ કશું જ કરી શકે તેમ નથી.’

વિનોદ ગુપ્તાની આ વાત સાંભળીને કોર્ટરૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

સરકારી વકીલ ખૂબ જ વ્યાકુળ દેખાતો હતો. 

એણે વામનરાવ સામે જોયું. વામનરાવ પોતે પણ સ્તબ્ધ થઇ ગયો હતો. પોતાની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે તે વાત તે સમજી ગયો હતો. 

એ વિચારતો હતો – આ ત્રણેયે પોતાના બચાવ માટે કેવો ઉપાય શોધી કાઢ્યો હતો?

કેટલી ચાલાકીથી લૂંટની રકમને નસીબના જોરે મળેલી રકમમાં ફેરવી નાખી હતી.

ન્યાયાધીશ સાહેબે હથોડી પકડીને શાંતિ સ્થાપી.

ત્યારબાદ તેઓ વિનોદે આપેલી ફાઈલ વાંચવામાં મશગૂલ બની ગયા.

દસ મિનીટ પછી તેમણે ફાઈલ બંધ કરીને સરકારી વકીલને ઉદ્દેશીને કહ્યું, ‘મિસ્ટર મહેતા, આ ફાઈલ પરથી પૂરવાર થાય છે કે હોટલની ઈમારતનો સોદો પંદર લાખમાં થયો હતો અને ઇનામી ટીકીટોના બદલામાં આ લોકોને લગભગ પચાસ લાખ રૂપિયા મળ્યા છે. ફાઈલમાં બધા રિપોર્ટો મોઝુદ છે. એક વરસમાં મિલકતોની કિંમતો પણ વધી ગઈ છે. એક વર્ષ પહેલાં જે ઈમારતની કિંમત પંદર-વીસ લાખ હતી તે આજે વધીને પચાસ-સાઠ લાખ થઇ ગયી હોય તો એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. ખેર, આ બાબતમાં તમારે બીજું કંઈ કહેવું છે? 

‘ના... યોર ઓનર!’ સરકારી વકીલ ધીમેથી બોલ્યો.

એ પોતાની હાર કબુલી ચૂક્યો હતો.

એના ચહેરા પર નિરાશાના હાવભાવ છવાઈ ગયા હતા.

વામનરાવ નિરાશ દેખાતો હતો.

જ્યારે ત્રિલોક, ગજાનન તેમજ દિલાવરના હૈયા આનંદથી ભરાઈ ગયા હતા.

વિનોદ ગુપ્તાના ચહેરા પર વિજયસૂચક સ્મિત ફરકતું હતું.

 કોર્ટનો ચુકાદો તે જાણતો હતો.

ચુકાદો એની ગણતરી મુજબનો જ આવ્યો.

ત્રિલોક, ગજાનન તથા દિલાવરને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવામાં આવ્યા.

અને એ સાથે જ કોર્ટની કામગીરી પણ પૂરી થયેલી જાહેર કરવામાં આવી.

ન્યાયાધીશ સાહેબ ઉભા થઈને પોતાની ચેમ્બરમાં ચાલ્યા ત્યાં.

વામનરાવ નિરાશ ચહેરે કોર્ટરૂમમાંથી બહાર નીકળ્યો.

એ જ વખતે મિનાક્ષી તેને સામે મળી.

‘મિનાક્ષી... તું... અહીં?’ વામનરાવે ચમકીને પૂછ્યું.

‘હું પણ કોર્ટમાં જ હતી સાહેબ!’ મિનાક્ષી ધીમેથી બોલી, ‘આ શું ચમત્કાર થઇ ગયો સાહેબ? એ ત્રણેય તો નિર્દોષ છૂટી ગયા. ખૂનની વાત તો એક તરફ રહી, તેમના પર લૂંટનો આરોપ પણ પૂરવાર ન થયો.’

‘હા, મિનાક્ષી!’ વામનરાવે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘એ ત્રણેય ગુનેગાર હતા તે હું જાણું છું. ન્યાયાધીશ સાહેબ પણ જાણતા જ હશે, પરંતુ તેમ છતાં પોલીસ અને કોર્ટ એ ત્રણેયનું કશું જ ન બગાડી શકી અને તેઓ માનભેર નિર્દોષ છૂટી ગયા. આ જ તો અમારી લાચારી છે. અમે પુરાવાઓ વગર કશું જ નથી કરી શકતા. હું જેને પુરાવો, મજબુત પુરાવો સમજતો હતો એ તો લોટરીની ટીકીટો સામે સાવ વામણો અને કમજોર સાબિત થયો. મેં એ ત્રણેય પાસેથી આવી ચાલબાજીની આશા નહોતી રાખી.’

‘એ તો ઠીક છે સાહેબ! પરંતુ મોહનનો આત્મા પાછો આવે ત્યારે મારે એને શું જવાબ આપવો?’ મિનાક્ષીએ ભારે અવાજે પૂછ્યું. 

‘મારી લાચારી જાણ્યા પછી પણ તું આ સવાલ પૂછે છે? મેં ઈમાનદારીથી આ કેસની તપાસ કરી હતી એની તને ખાતરી નથી? શું મેં ગુનેગારોને પકડીને તેમને સજા અપાવવાનો જોરદાર પ્રયાસ નહોતો કર્યો? મારા પ્રયાસોનું શું પરિણામ આવ્યું? કંઈ જ નહીં! કેટલીયે વાર જ્યારે હું ગુનેગારોને કાયદાની ચુંગાલમાંથી આ રીતે છટકી જતાં જોઉં છું ત્યારે આ નોકરીમાંથી રાજીનામું આપવાનું મને મન થઇ જાય છે. ત્યાં જો...’ વામનરાવે એક તરફ સંકેત કરતાં કહ્યું, ‘એ ત્રણેય નાલાયકો પોતાના વકીલ સાથે કેવા  હસતા હસતા ચાલ્યા જાય છે?’

મિનાક્ષીએ એ તરફ જોયું.

ત્રિલોક વિગેરે  વિનોદ ગુપ્તા અને પોતાની હોટલના મેનેજર સાથે હસતા હસતા પોતાની કાર તરફ આગળ વધતા હતા.

અને જાણે તેઓ હમણાં જ એવરેસ્ટ સર કરીને આવ્યા હોય એમ પ્રેસ ફોટોગ્રાફરો તેમના ફોટા પાડતા હતા.

જાણે તેઓ ઓલિમ્પિક સ્પર્ધામાં સુવર્ણ ચંદ્ર જીતીને આવ્યા હોય એમ લોકોની ભીડ તેમને ઘેરી વળી હતી.

વામનરાવનું મન નફરતથી ભરાઈ ગયું.

‘મોહનનો આત્મા ફરીથી આવશે સાહેબ! મારે એને શું જવાબ આપવો?’ મિનાક્ષીએ નિરાશાભર્યા અવાજે પૂછ્યું. 

‘સોરી મિનાક્ષી! મારી પાસે જવાબ ન હોય એવો સવાલ મને ન પૂછ!’

વાત પૂરી કરીને વામનરાવ પોતાની જીપ તરફ આગળ વધી ગયો.

મિનાક્ષી થોડી પળો સુધી તેની પીઠ પાછળ તાકી રહી.

પછી એ પણ એક ઊંડો શ્વાસ લઈને એક તરફ આગળ વધી ગઈ.