જીવનમાં ગુરુની અનિવાર્યતા નકારી શકાય એમ નથી. ગુરુ પ્રત્યક્ષ હોવા જોઈએ, જે ભૂલ થાય તો કાનપટ્ટી ઝાલીને સાચા રસ્તે ચડાવે. ગુરુને પારસમણિ સાથે સરખાવી શકાય જે લોખંડ જેવી મામૂલી ધાતુને કીમતી સોનું બનાવી શકે છે. પણ ખરા ગુરુ તો એવા પારસમણિ છે, જેને અડતા જ સામો પણ પારસમણિ બની જાય. એવા પારસમણિ સ્વરૂપ સદગુરુ શિષ્યને પણ પોતાના જેવો જ બનાવી દે! પછી જેમ સાચા હીરાની ઓળખ કરવા ઝવેરી પાસે જવું પડે, પણ પોતે જ ઝવેરી થઈ જાય તો? પોતે જ કાચ અને હીરાનો ફરક જાણી શકે, એટલે કે પોતાના ગુણ-અવગુણથી સંપૂર્ણ પરિચિત થઈ શકે. અંદર સહેજ ભૂલ થાય કે તરત અંતરાત્મા ચેતવે, સાચી સમજણ પાડી ભૂલમાંથી પાછા વાળે. પોતાનો આત્મા સાથેનો એવો સંબંધ સ્થપાય તે જ પરમ ગુરુ!
પૂજ્ય નીરુમા વર્ષો સુધી, દિનરાત પરમ પૂજ્ય દાદા ભગવાનની સેવામાં સમર્પિત હતા અને પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ, પૂજ્ય નીરુમાએ અક્રમ વિજ્ઞાનનું સુકાન સંભાળ્યું હતું. પરમ પૂજ્ય દાદાશ્રીના પૂજ્ય નીરુમા સાથેના આ સંવાદમાં પરમ ગુરુ કોને કહેવાય તેની સુંદર સમજણ મળે છે.
પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી આવી અમૂલ્ય દૃષ્ટિ પૂજ્ય નીરુમાને મળી હતી. પછી તેઓશ્રીએ કઈ રીતે શિષ્ય સાથે વર્તવું તેની સમજણ આપી, જેનું પૂજ્ય નીરુમાએ વિસ્તૃત વર્ણન કર્યું છે.
“એક દિવસ પરમ પૂજ્ય દાદાશ્રી નીરુને કહે છે, ‘નીરુબેન, તમે એક શિષ્ય રાખો ને!’ નીરુએ કહ્યું, ‘દાદા, આપ આજે આવું કેમ કહો છો? આપ તો કાયમ અમને બધાંને કહેતા આવ્યા છો કે હું આખા જગતના જીવ માત્રનો શિષ્ય થયો ત્યારે મને આ જ્ઞાન પ્રગટ થયું છે! તો આજે મને આપ ગુરુ થવાનું કેમ કહો છો?’ ત્યારે દાદાશ્રીએ હસતાં હસતાં કહ્યું, ‘પણ એક શિષ્ય રાખો ને! એક શિષ્ય રાખવામાં તમને શું વાંધો છે?’ ત્યારે નીરુએ કહ્યું, ‘ના દાદા, મને જ આપના ચરણોમાં, સેવામાં રહેવા દો ને! આ શિષ્યને ક્યાં હું વીંઢાળું? મને એ પોષાય એમ જ નથી.’ ત્યારે દાદાશ્રી બોલ્યા, ‘પણ મારી વાત તો સમજો!’ ‘દાદા, આમાં શું સમજવાનું? ગુરુ તો મારાથી થવાતું હશે?’ ત્યારે ફરીથી દાદાશ્રી બોલ્યા, ‘પણ હું શું કહેવા માંગું છુ તે તો સમજો! એમ કરો ને, આ નીરુબેનને જ તમારા શિષ્ય બનાવી દો ને!’ ઓહોહો! દાદા! તમે તો કમાલ કરી દીધી! ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ’નો યથાર્થ ફોડ અનુભવ્યો! ‘હું’ ગુરુપદમાં અને નીરુ શિષ્ય!”
પછી દાદાશ્રીએ વિશેષ ફોડ પાડ્યો, ‘‘જુઓ નીરુબેન, એક ગુરુ એના શિષ્યનું કેટલું બધું ધ્યાન રાખે. કેમ કરીને મારો શિષ્ય આગળ આવે એનું સતત ધ્યાન રાખે. એમ તમારે હવે આ નીરુબેનનું ધ્યાન રાખવાનું. તમે તો ‘શુદ્ધાત્મા’ થઈ ગયા, પણ હવે આ નીરુબેનને ઊંચા નહીં લાવવાના?’’ એ દિનથી દાદાશ્રીએ મારો અને નીરુનો ગુરુ-શિષ્યનો વ્યવહાર ચાલુ કરાવી દીધો. ત્યારે જ્ઞાનીની ગહનતાનો યથાર્થ ખ્યાલ આવ્યો કે જ્ઞાનીની દૃષ્ટિ ગુરુ-શિષ્ય માટેની કઈ હદે હોય છે! ક્યાં લૌકિક ગુરુ કરવાની વાત ને ક્યાં પોતાનાં જ આત્માને ગુરુપદે સ્થાપવાની વાત! અને ખરા ગુરુ અરે એને જ પરમ ગુરુ કહેવાય! બીજા બધા બહારના ગુરુ તો કલાક બે કલાક ઉપદેશ આપીને જતા રહે. એ એમના ઘેર ને આપણે આપણા ઘેર! પછી આપણે કંઈ એમને ગાંઠીએ એવા છીએ? એમણે કહ્યા પ્રમાણે ચાલીએ એવા છીએ? આ તો પોતાનો જ પ્રગટ થયેલો આત્મા પોતાનો પરમ ગુરુ! જે ચોવીસેય કલાક હાજર. ને હાજર એ જરાય મોક્ષમાર્ગથી આડાઅવળા ચસકવા ના દે એટલો તો એમનો જાપ્તો હોય! આવા પરમ ગુરુ સ્થપાય તો જ મોક્ષ થાય, ત્યાં સુધી ફાંફાં તો મારવા જ રહ્યા! ગુરુ-શિષ્યની ચરમ ભેદરેખા તે આને કહેવાય!!!