અડધી રાતે વિજયના ફોનમાં આરોહીનો કોલ આવ્યો.
" રાતના એક વાગ્યે ફોન કર્યો? શું થયું?" વિજયે લાઈટ ઓન કરી અને આંખ ચોળતા કહ્યું.
" સર બેડ ન્યુઝ છે...." આરોહી એ ગભરાતા કહ્યું.
" શું થયું આરોહી?" બેડ પરથી ઉભા થતા વિજય તુરંત બોલ્યો.
આરોહીની વાત સાંભળીને વિજય અને એની ટીમ ગામની બહાર આવેલા એક મેદાનમાં પહોંચી ગયા.
મેદાનની વચ્ચો વચ્ચ ખુરશી પર કરીનાને બાંધી રાખવામાં આવી હતી. એના મોં પર કાળા રંગની પટ્ટી બાંધીને મોં બંધ કરી દેવામાં આવ્યું હતું. ગળાથી શરૂ કરીને પગની પાની સુધી દસેક જેટલા વીજળીના તાર બાંધેલા હતા. જેનો તાર એકબીજા સાથે જોડાયેલા હતા. દરેક તાર ખુરશીથી બહાર નીકળતો ખુરશીના બે ફૂટ આગળ ભેગા થતાં. ખુરશીની ફરતે તાર એ રીતે ગોઠવાયેલા હતા કે કોઈ વ્યકિત કે ચીજ એ તારને માત્ર સ્પર્શ પણ કરે તો તારમાંથી નીકળતી વીજળી સીધી ખુરશી પર બેઠેલી કરીના પર ચડી જતી હતી અને જોરદાર કરંટ સાથે એમનું મૃત્યુ પણ થઇ શકતું હતું.
આર્યને પોતાની ટીમને આ અપરાધી એ કરેલા આ પ્લાન વિશે સમજાવી રહ્યો હતો. કરીના બસ દૂર ઉભી આંખો ફાડીને જોઈ રહી હતી. વધારે પડતાં હલનચલનથી પણ કરંટ લાગવાની શક્યતા હતી.
" આપણે કોઈ પણ સંજોગે કરીનાને આ જાળમાંથી મુક્ત કરવી જ પડશે..." વિજયે કહ્યું.
" હા સર, હું ક્યારનો એ જ વિચાર કરી રહ્યો છું કે આ જાળને તોડવાનો કોઈ રસ્તો મળી જાય.."
વિજય દૂર ઉભો બસ કરીનાને બચાવ માટે આંખોથી પુકારતી જોઈ રહ્યો હતો. વિજયે બાજુમાં ઊભેલા અંશ પર નજર કરી અને વિચાર કર્યો કે અંશ કેટલાય દિવસોથી તો મારી સાથે હતો મતલબ અંશ ખૂની નથી!..."
" કોઈ ટાઇમર ફિટ કરેલ છે ?" વિજયે પ્રિશાને પૂછ્યું.
" નો સર..." પ્રિશા એ તુરંત ઉત્તર આપતા કહ્યું.
ગામના લોકો ધીમે ધીમે મેદાનમાં ભેગા થઈ ગયા. આખા ગામ વચ્ચે કરીના અસહાય ખુરશી પર બેઠી હતી. આ દ્ર્શ્ય જોઈને અંશ મનોમન હસ્યો અને વર્ષો પહેલા જે કરીના એ ગામ સમક્ષ જે વાત કહી હતી એ યાદ કરી. " બીજો બાપ કરીને....હે ને લક્ષ્મી?" કરીના બોલીને હસવા લાગી હતી.
થોડીવારમાં બલરાજ પણ પોતાના આદમીઓને સાથે ત્યાં પહોંચી ગયો. પોતાની ભાભીની આવી હાલત જોઈ બલરાજ આગળ દોડીને એમને બચાવા ગયો તો સંજીવે એમને પકડી લીધો.
" તમે આ ચક્રથી આગળ નહિ જઈ શકો...તમારી સાથે સાથે કરીનાનો પણ જીવ જોખમમાં મુકાય શકે છે...સો પ્લીઝ ડિસ્ટન્ટ મેન્ટેન કરો..." સંજીવે બલરાજને પકડતા કહ્યું.
બલરાજ થોડે દૂર ઊભી ક્રોધિત થતો બોલ્યો. " શું કરે છે? પોલીસ ઓફિસર!....એક પછી એક લોકો જીવ ગુમાવી રહ્યા છે અને તમે છો કે હાથ પર હાથ રાખીને બેસી ગયા છો..."
" આવ્યા ત્યારથી એક અપરાધીને પકડી નથી શક્યા ને! પાછળથી મારા ભાભીને અપરાધી સમજીને કેદ કરી લીધી હતી...!" ફરી બલરાજે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.
થોડીવારમાં બધા ગામવાસીઓ પણ બોલવા લાગ્યા. કારણ કે ગામમાં આ પહેલા ચાર ખૂન પહેલેથી જ થઈ ચૂક્યા હતા. હવે અપરાધીનો ડર ગામ વાસીઓમાં પણ દેખાવા લાગ્યો.
" સર જલ્દી આપણે કંઈક કરવું પડશે...ગામ લોકોનો ગુસ્સો વધતો જઈ રહ્યો છે.." આર્યને કહ્યું.
વિજયે એક નજર અંશ પર નાખી અને બીજી નજર સીધી કરીના પર ટેકવી અને મનોમન એ કઈક વિચાર કરવા લાગ્યો.
અંશની નજર આસપાસ ફરતી એક નજદીકના પહાડી પર ગઈ જ્યાં કાળા કપડામાં મોં પર પણ કાળુ માસ્ક પહેરીને કેશવ ઊભો હતો. અંશે ઈશારામાં હા કહ્યું અને કેશવે પ્લાનને આગળ ધપાવ્યો.
થોડીવારમાં અંશ પાસે કિટ્ટી દોડતી આવી. જે પોતાની માલકીનને શોધી રહી હતી. વિજય અને આર્યન એક બાજુ ઊભી કરીનાને બચાવવાનો ઉપાય શોધી રહ્યા હતા. મોકો મળતાં જ અંશે કિટ્ટીને કરીના પાસે જવા માટે છોડી દીધી.
કિટ્ટી દોડતી દોડતી કરીનાને મળવા એ તરફ દોડવા લાગી.
" આર્યન પેલી કિટ્ટીને રોકજે!!!" વિજય બુમા બૂમ કરવા લાગ્યો. આર્યન ત્યાં સમયસર પહોચી શકે એમ ન હતો જેથી તેણે પિસ્તોલ કાઢીને કિટ્ટી પર ગોળી ચલાવાનું વિચાર્યું. લોકો બસ સ્તબ્ધ થઈને આ દ્ર્શ્યને જોઈ રહ્યા હતા. બધા લોકોનો જીવ તાળવે ચોંટયો હતો. કિટ્ટી અને કરીના આ બંનેમાંથી કોઈ એકનો જીવ જ આર્યન બચાવી શકે એમ હતો.
શું આર્યન કરીનાને બચાવવા માટે કિટ્ટી નામની બિલાડી પર ગોળી ચલાવશે?
ક્રમશઃ