સપનાનાં વાવેતર - 51 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 51

સપનાનાં વાવેતર પ્રકરણ 51

અનિકેત અને ધીરુભાઈ શેઠ રાજકોટ દીવાકર ગુરુજીને મળવા આવ્યા હતા અને અનિકેતે અંજલી અને શ્રુતિ એ બંને કન્યાઓમાંથી કોની સાથે લગ્ન કરવાં જોઈએ એ પૂછવા આવ્યા હતા.

પ્રશ્ન સાંભળ્યા પછી દીવાકર ગુરુજી બંનેને બહાર બેસાડી પોતે ધ્યાન ખંડમાં ગયા હતા અને સૂક્ષ્મ જગતમાં નિવાસ કરી રહેલા વલ્લભભાઈ વિરાણીના દિવ્ય આત્મા સાથે એમણે સંવાદ સાધ્યો હતો.

મોટા દાદા વલ્લભભાઈએ દીવાકર ગુરુજીને કહ્યું કે અનિકેત એ કોઈ સામાન્ય જીવ નથી અને એણે માત્ર બિઝનેસમેન બનીને અટકી જવાનું નથી. એની સૂક્ષ્મ સિદ્ધિઓ હવે ધીમે ધીમે જાગૃત થશે અને એણે સજાગ રહીને માનવ કલ્યાણ માટે કંઈક કરવાનું છે.

મોટા દાદાનો આદેશ સાંભળ્યા પછી ગુરુજી બહાર આવ્યા અને એમણે પોતાનો નિર્ણય અનિકેત લોકોને જણાવ્યો.

" મારે તારા મોટા દાદા સાથે વાતચીત થઈ ગઈ છે અનિકેત. તારે ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. અંજલી ના લગ્નને હજુ ત્રણ વર્ષની વાર છે અને એનાં લગ્ન વિદેશમાં જ સેટલ થયેલા કોઈ ધનાઢ્ય પરિવારમાં થશે અને એ કાયમ માટે વિદેશ ચાલી જશે અને સુજાતા બિલ્ડર્સ કંપની સંપૂર્ણપણે તારી જ બની રહેશે. આ વિધિનું વિધાન છે." ગુરુજી બોલી રહ્યા હતા.

"એટલે તારે શ્રુતિ સાથે જ હવે લગ્ન કરવાનાં છે અને તમારા બંને ઉપર મોટા દાદાના આશીર્વાદ પણ છે. આ સિવાય મોટા દાદાએ તારા માટે એક સંદેશ આપેલો છે જે હું તને એકલાને જ કહેવા માગું છું. માટે તું મારી સાથે અંદર આવ." ગુરુજી બોલ્યા અને ફરી પાછા ઊભા થયા.

અનિકેત પણ એમની સાથે સાથે એમના ધ્યાનખંડમાં ગયો અને ત્યાં પાથરેલા આસન ઉપર બેઠો.

" મોટા દાદા એ તને ખાસ કહ્યું છે કે સિદ્ધિઓનો ઉપયોગ કરવાનો સમય હવે પાકી ગયો છે. હવે તને પોતાને જ અંદરથી ખ્યાલ આવી જશે કે તારી પાસે કઈ કઈ સિદ્ધિઓ છે અને તું શું શું કરી શકે તેમ છે ! કન્સ્ટ્રક્શનનો બિઝનેસ તું તારા અંકલને સોંપી દે અને તારું સંપૂર્ણ ધ્યાન આધ્યાત્મિક પ્રગતિ તરફ વાળી દે." ગુરુજી બોલ્યા.

" ગુરુજી આપનો આદેશ માથે ચડાવું છું પરંતુ મારી સિદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો અને લોકો માટે હું શું શું કરી શકું એનો કોઈ જ આઈડિયા મારી પાસે નથી. મારે આગળ કઈ રીતે વધવું એ પણ મને ખ્યાલ નથી આવતો." અનિકેત બોલ્યો.

" એની તુ ચિંતા ના કર. તારા પોતાના મોટા દાદાએ જ જ્યારે આવો આદેશ આપ્યો છે ત્યારે એ પોતે જ તને અંદરથી માર્ગદર્શન આપશે. ક્યારેક સપનામાં આવીને અથવા તો ક્યારેક તારા વિચારો ઉપર સવાર થઈને. હવે પછી સંજોગો જ એવા ગોઠવાતા જશે કે તને પોતાને બધો ખ્યાલ આવી જશે." ગુરુજી બોલ્યા.

" ઠીક છે ગુરુજી મને આમ પણ હવે ધંધામાં બહુ રસ પડતો નથી. પૈસા અને પ્રતિષ્ઠાની પાછળ હું નથી. હું જાણે બીજી જ કોઈ દુનિયાનો માણસ હોઉં એમ મને લાગ્યા કરે છે. મોટા દાદાના આદેશને માન આપું છું." અનિકેત બોલ્યો

" મોટા દાદાનો આ જે આદેશ છે એની કોઈ ચર્ચા ધીરુભાઈ શેઠ આગળ ના કરતો. માનવ કલ્યાણની વાતો એમના ગળે નહીં ઉતરે. એ સંપૂર્ણપણે ભૌતિક જગતના બિઝનેસમેન છે. તારે જે કરવાનું છે એ તું એકલો જ જાણે. શ્રુતિ તને સંપૂર્ણ સાથ આપશે. હવે મંગળની તમામ અસરો નાબૂદ થઈ ગઈ છે એટલે લગ્નજીવન પણ ખૂબ જ પ્રેમાળ જશે." ગુરુજી બોલ્યા અને એમણે અનિકેતના માથા ઉપર હાથ મૂક્યો.

અનિકેતે ગુરુજીના ચરણસ્પર્શ કર્યા અને પછી બહાર આવીને દાદા પાસે બેસી ગયો. ગુરુજી પણ પાછળ ને પાછળ બહાર આવ્યા.

" બસ મોટા દાદાનો નિર્ણય મેં આપી દીધો છે. શ્રુતિ સાથે હવે વહેલી તકે દીકરાનાં લગ્ન કરાવી દો." ગુરુજીએ ધીરુભાઈ શેઠ સામે જોઈને કહ્યું.

" જી ગુરુજી આપનો આદેશ મળી ગયો એટલે અમારી બધી ચિંતા દૂર થઈ ગઈ. હવે મનમાં કોઈ પણ પ્રકારની દ્વિધા નથી. હવે અમે આપની રજા લઈએ. " ધીરુભાઈ શેઠ બોલ્યા અને ઉભા થયા.

બહાર રીક્ષા ઉભી જ રાખી હતી એટલે એમાં બેસીને ફરી પાછા ભાભા હોટલ પહોંચી ગયા.

ફ્લાઈટ તો સવારે સાડા છ વાગ્યાનું હતું. અત્યારે સાંજના છ વાગ્યા હતા.

" અનિકેત શું કરવું છે ? હરસુખભાઈ ને મળવું છે ? હવે તો શ્રુતિ સાથે લગ્નનું ફાઇનલ જ થઈ ગયું છે તો પછી મળવામાં કોઈ વાંધો નથી. અહીં સુધી આવ્યા જ છીએ તો પછી લગ્નની વાત પાક્કી કરી લઈએ. " દાદા ધીરુભાઈ બોલ્યા.

" મને વાંધો નથી પરંતુ જો આપણે જઈશું તો ફરી પાછી જમવાની ધમાલ કરશે. સૌરાષ્ટ્રની મહેમાન ગતિ તો તમને ખબર જ છે ! " અનિકેત બોલ્યો.

" આપણે એમ કરીએ. હરસુખભાઈ અને મનોજને હોટલમાં જ બોલાવીએ અને સાથે જ ડીનર લઈએ. અહીં બધી ચર્ચા પણ થઈ જાય." ધીરુભાઈ બોલ્યા.

અને ધીરુભાઈએ હરસુખભાઈને ફોન લગાવ્યો.

" હરસુખભાઈ ધીરુભાઈ બોલું. અત્યારે તો તમારા રાજકોટમાંથી જ બોલું છું. અનિકેત પણ મારી સાથે આવેલો છે. ભાભા હોટલમાં રૂમ નંબર ૩૦૩ માં ફેમિલી સાથે આવી જાઓ. બધા સાથે જ ડીનર લઈએ." ધીરુભાઈ બોલ્યા.

" અરે શેઠ એમ બારોબાર તે કાંઈ અવાતું હશે ? કૃતિની સાથે સાથે અમારી સાથેના સંબંધો પણ પૂરા થઈ ગયા ? તમારે અમારા ઘરે જ આવવું જોઈએ." હરસુખભાઈ મીઠા ઠપકાથી બોલ્યા.

" બિઝનેસના કામે એક મીટીંગ હતી એટલે બપોરે જ અમે લોકો આવ્યા છીએ. મુંબઈમાં એક પ્લોટ છે અને એના છેડા રાજકોટમાં અડે છે એટલે પાર્ટી સાથે રૂબરૂ મીટીંગ કરવી જરૂરી હતી. હમણાં જ મીટીંગ પૂરી થઈ ગઈ એટલે તરત તમને યાદ કર્યા. સવારનું તો અમારું વહેલું ફ્લાઇટ છે એટલે તમે બધા હોટલ ઉપર આવી જાઓ. શ્રુતિ અંગે પણ થોડી ચર્ચા કરવી છે. " ધીરુભાઈએ વાર્તા કરી.

"ઠીક છે. હું અને મનોજ આવીએ છીએ." હરસુખભાઈ બોલ્યા. એમણે પછી બીજી કોઈ દલીલ ના કરી.

રાત્રે આઠ વાગે હરસુખભાઈ અને મનોજ ભાભા હોટેલમાં ધીરુભાઈ શેઠના રૂમ ઉપર આવી ગયા.

" શેઠ તમે અમારા મહેમાન છો. તમે રાજકોટ આવીને અમને જમવાનું આમંત્રણ આપો એ યોગ્ય નથી. તમારા શબ્દોનું માન રાખીને અમે આવ્યા છીએ પરંતુ ડીનર તો અમારા તરફથી જ થશે. " હરસુખભાઈ બોલ્યા.

" ખાસ તો શ્રુતિ માટે વાત કરવાની હતી. અનિકેતનાં લગ્ન શ્રુતિ સાથે જ કરાવવાનું અમે નક્કી કરી લીધું છે. હવે વહેલામાં વહેલી તકે સારું મુહૂર્ત જોવડાવી એકદમ સાદગીથી બંનેનાં લગ્ન કરી દઈએ. " ધીરુભાઈ બોલ્યા.

" અમને કોઈ જ વાંધો નથી શેઠ. બસ એક વાર બંનેના જન્માક્ષર મેળવી લઈએ. અત્યારે જ હું ફોન ઉપર મારા જ્યોતિષી ગૌરીશંકર શાસ્ત્રીને બંનેની વિગતો આપી દઉં એટલે ૧૫ મિનિટમાં જવાબ આવી જશે. તમે અનિકેત કુમારની તારીખ અને ટાઈમ લખાવી દો." હરસુખભાઈ બોલ્યા.

એક વખતનો કડવો અનુભવ થઈ ગયો હોવાથી આ વખતે હરસુખભાઈની વાતનો કોઈ વિરોધ ધીરુભાઈએ ના કર્યો. એમણે એક ચિઠ્ઠીમાં અનિકેતની જન્મ તારીખ અને ટાઈમ લખી દીધાં.

હરસુખભાઈએ વિના વિલંબે ગૌરીશંકર શાસ્ત્રીને ફોન લગાવ્યો અને અનિકેત તથા શ્રુતિની જન્મ તારીખ અને ટાઈમ આપી દીધાં.

" શાસ્ત્રીજી વેવાઈ અહીં રાજકોટ જ આવેલા છે અને અમે લોકો સાથે જ છીએ. એટલે અત્યારે જ તમે તમારું ગણિત માંડીને મને ફોન કરો કે બંનેના ગ્રહો મળે છે કે નહીં જેથી અમને આગળ વધવાની ખબર પડે." હરસુખભાઈ બોલ્યા.

" દસ જ મિનિટમાં તમને જણાવી દઉં છું. " શાસ્ત્રીજીએ જવાબ આપ્યો.

અને ૧૫ મિનિટ પછી ગૌરીશંકર શાસ્ત્રીનો ફોન હરસુખભાઈ ઉપર આવી ગયો.

" હરસુખભાઈ બીજી રામ સીતાની જોડી છે. ગ્રહો એકબીજાને ખુબ સરસ રીતે મળે છે. દીકરીને પણ હળવો મંગળ છે. તમારી દીકરી પણ ખૂબ જ સુખી થશે અને લગ્નજીવન પણ ખૂબ જ પ્રેમાળ બની જશે. "

" તમારા મોઢામાં ઘી સાકર ! કાલે જ તમારી દક્ષિણા પહોંચતી કરી દઉં છું " કહીને હરસુખભાઈએ ફોન કટ કરી નાખ્યો.

" શાસ્ત્રીજી કહે છે કે રામ સીતાની જોડી ફરી ભેગી થઈ રહી છે. ગ્રહો ઉત્તમ મળે છે. શ્રુતિને પણ હળવો મંગળ છે. લગ્નજીવન ખૂબ જ સુખી થશે. હવે કાલે જ શાસ્ત્રીજીને રૂબરૂ મળીને લગ્નનું મુહૂર્ત પણ જોવડાવી દઉં છું અને તમને હું ફોન કરી દઈશ. " હરસુખભાઈ બોલ્યા.

" ચાલો એક સરસ કામ થઈ ગયું. લગ્ન આપણે સાદાઈ થી કરવાં છે. તમે લોકો બે ત્રણ દિવસ માટે મુંબઈ આવી જજો. અનિકેતની સ્કીમોમાં ઘણા ફ્લેટ ખાલી છે. તમારા ઉતારાની ત્યાં વ્યવસ્થા થઈ જશે. પંડિતજીને બોલાવીને ઘરે જ કુટુંબીઓની હાજરીમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફેરવી દઈશું. " ધીરુભાઈ બોલ્યા.

" અમને કોઈ જ વાંધો નથી. કાલે મુહૂર્ત જોવડાવી દઉં પછી એ પ્રમાણે અમે મુંબઈનો પ્રોગ્રામ બનાવી દઈશું." હરસુખભાઈ બોલ્યા.

આટલી ચર્ચા થયા પછી બધા સાથે જ નીચે ડાઇનિંગ હોલમાં જમવા માટે ગયા. જમવાનું બિલ હરસુખભાઈએ ચૂકવી દીધું.

બીજા દિવસે વહેલી સવારે ધીરુભાઈ શેઠ અને અનિકેત મુંબઈ જવા માટે નીકળી ગયા અને સવારે નવ વાગ્યા સુધીમાં તો ઘરે પણ પહોંચી ગયા. બાંદ્રાથી દેવજી એમને ગાડીમાં થાણા મૂકી આવ્યો.

બે દિવસ પછી હરસુખભાઈનો ફોન ધીરુભાઈ શેઠ ઉપર આવી ગયો કે ૧૫ દિવસ પછી વૈશાખ સુદ એકાદશીનો દિવસ લગ્ન માટે ઉત્તમ દિવસ છે. એકાદશી તો આમ પણ ધીરુભાઈ ને ખૂબ જ પ્રિય હતી એટલે એમણે એ દિવસને વધાવી લીધો અને લગ્નના બે દિવસ પહેલાં હરસુખભાઈને પરિવાર સાથે મુંબઈ આવી જવાનું આમંત્રણ પણ આપ્યું. ધીરુભાઈ શેઠે આ સમાચાર અનિકેતને પણ ફોન ઉપર આપી દીધા.

બે દિવસ પછી સાંજે અનિકેત અને શ્રુતિ ડાઇનિંગ ટેબલ ઉપર જમી રહ્યાં હતાં ત્યારે અનિકેતે શ્રુતિને લગ્ન અંગે જાણ કરી.

" શ્રુતિ તને પોતાને ખબર તો હશે જ કે હવે આપણા બંનેના લગ્ન માટે તખતો ગોઠવાઈ રહ્યો છે. બંને પરિવારોએ આપણને બંનેને એક કરવાનું લગભગ નક્કી કરી દીધું છે અને આવતી એકાદશીના દિવસે આપણાં લગ્ન પણ નક્કી કર્યાં છે. તને પોતાને કોઈ વાંધો નથી ને ? " અનિકેત બોલ્યો.

" મને મમ્મી પપ્પા અને દાદા એ પણ વાત કરી જ છે. એકાદશીએ લગ્ન છે એ મને હજુ ખબર નથી. મારે બીજા કોઈ પાત્રને શોધવું એના કરતાં તમારી સેવા કરવાનો મને મોકો મળશે તો મને આનંદ થશે. હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું અનિકેત. " શ્રુતિ નજરને નીચે ઢાળીને બોલી.

" તને ખબર છે શ્રુતિ ? અમે લોકો જ્યારે ઋષિકેશ ગંગામાં કૃતિનાં અસ્થિ વિસર્જન કરવા ગયા હતા અને ત્યાં વિધિપૂર્વક કૃતિ માટે પિંડદાન કર્યું હતું ત્યારે એ રાત્રે કૃતિ હોટલના રૂમમાં હાજર થઈ હતી. હું એને જોઈ શકતો ન હતો પરંતુ એનો અવાજ હું સ્પષ્ટ સાંભળી શકતો હતો. " અનિકેત બોલ્યો.

" તમે શું વાત કરો છો જીજુ... સોરી અનિકેત ! " શ્રુતિ આશ્ચર્યથી બોલી.

" હા શ્રુતિ. એનો ઠંડો ઠંડો સ્પર્શ પણ મેં અનુભવ્યો હતો. એણે મને કહ્યું કે મારી ઈચ્છા છે કે મારી નાની દીદી સાથે તમે લગ્ન કરી લો. કૃતિ અત્યારે ત્રીજા લોકમાં રહે છે અને ક્યારેક ચોથા લોકમાં જઈ મારા મોટા દાદાને પણ મળે છે. સૂક્ષ્મ જગતમાં એ ખૂબ જ ખુશ છે." અનિકેત બોલ્યો.

"અનિકેત આ વાત તમે મને પહેલાં કેમ ના કરી ? દીદીએ જો પોતે આવું કહ્યું હોય તો પછી હું હવે રાજી ખુશીથી તમારી સાથે લગ્ન કરીશ. અત્યાર સુધી મારા મનમાં થોડોક અજંપો હતો કે દીદીની જગ્યા હું લઈ રહી છું તો મારી દીદીને એ ગમશે કે નહીં ! પરંતુ તમે તો મારું બધું જ ટેન્શન દૂર કરી દીધું. " શ્રુતિ બોલી.

" હા શ્રુતિ... કૃતિના આત્માની શાંતિ માટે જ મેં લગ્ન માટે દાદાને હા પાડી. બાકી મારી ઈચ્છા લગ્ન કરવાની હતી જ નહીં. આપણી કુંડળી પણ રામ સીતાની જોડી જેવી મળે છે એવું તમારા રાજકોટના ગૌરીશંકર શાસ્ત્રી એ કહ્યું. " અનિકેત બોલ્યો.

અને આ રીતે અનિકેત અને શ્રુતિ વચ્ચે પ્રેમનાં બીજ રોપાઈ ગયાં. શ્રુતિના મનમાં અનિકેત માટે એક આદરની લાગણી પેદા થઈ. હવે અનિકેત એના મનનો માણીગર બનવાનો હતો !

દિવસોને જતાં વાર લાગતી નથી. વૈશાખ સુદ નોમના દિવસે રાજકોટથી હરસુખભાઈનો પરિવાર મુંબઈ આવી ગયો અને *ઓશન વ્યુ* ટાવરના એક ખાલી ફ્લેટમાં જ એમને ઉતારો આપ્યો. છેલ્લા દસ દિવસમાં અનિકેતે એ ફ્લેટમાં તમામ વ્યવસ્થા કરાવી દીધી હતી. નોમના દિવસે ધીરુભાઈ શેઠનો પરિવાર પણ અનિકેતના ફ્લેટમાં આવી ગયો. શ્રુતિ જો કે પોતાના મમ્મી પપ્પાની સાથે બીજા ફ્લેટમાં ચાલી ગઈ હતી.

એકાદશીના લગ્નમાં બંને પરિવારો તથા અનિકેતના ખાસ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. નીતાબેન અને અંજલીને પણ ખાસ આમંત્રણ આપ્યું હતું પણ એ લોકો આવ્યાં ન હતાં. જો કે અંજલીએ ખેલદીલી પૂર્વક અનિકેતના નિર્ણયને વધાવી લીધો હતો અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી !

શ્રુતિ પોતે ડ્રેસ ડિઝાઈનર હતી એટલે લગ્ન માટેની મોંઘી ચણીયા ચોળી એણે જાતે જ તૈયાર કરી હતી. શ્રુતિ આજે અદભુત લાગતી હતી !!!

થાણાથી ધીરુભાઈએ પોતાના પંડિત ને બોલાવી લીધા હતા. બે કલાકમાં સાદાઈથી લગ્ન વિધિ પતી ગઈ. તમામ મિત્રોએ અનિકેતને દિલથી અભિનંદન પણ આપ્યા. બપોરે એક વાગે તો બધા ફ્રી પણ થઈ ગયા.

બંને મહારાજ રસોઈમાં જોડાઈ ગયા હતા એટલે આજે લગ્નના દિવસે એમણે અદભુત વાનગીઓ બનાવી હતી. હાફૂસ કેરીનો રસ અને પૂરીની સાથે લચકો મોહનથાળ, જલેબી, બટેટા વડા, ઢોકળાં, ભીંડાનું ભરેલું શાક, કારેલાં અને કાજુનું ખટમીઠું શાક, લસણિયા બટાટાનું શાક, કઢી અને ભાતે બધાનાં મન મોહી લીધાં.

સાંજે વરકન્યા સાથે આખો પરિવાર મહાલક્ષ્મીનાં દર્શને પણ જઈ આવ્યો. જૈમિન ભાર્ગવ અને કિરણે ભેગા મળીને પોતાના આ ખાસ અંગત મિત્ર અનિકેતના હનીમૂન માટે બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ નજીક આવેલી ફાઈવ સ્ટાર તાજ લેન્ડ્સ હોટલનો સ્યુટ બુક કરાવ્યો હતો. એટલું જ નહીં ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને એ રૂમ સોંપીને ખાસ શણગાર્યો હતો.

રાત્રે પોણા અગિયાર વાગે અનિકેત અને શ્રુતિ જ્યારે હોટલ ઉપર પહોંચ્યાં ત્યારે હોટલના સ્ટાફે પણ નવદંપતીનું ફૂલોથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. હોટેલ નો એ મઘમઘતો સ્યૂટ જોઈને અનિકેતનું મન પ્રસન્ન થઈ ગયું.

" મને કલ્પના પણ ન હતી કે મારી આ સુંદર સાળી એક દિવસ મારી ઘરવાળી બની જશે. " હોટેલના ફૂલોથી સજાવેલા બેડ ઉપર બેઠા પછી અનિકેત હસીને બોલ્યો.

" અને મને પણ કલ્પના ન હતી કે તે દિવસે તમારી પરીક્ષા લેવા માટે તમારા ખોળામાં હું બેસી ગઈ હતી એ કદાચ કુદરતનો જ ભાવિ સંકેત હશે ! " શ્રુતિ બોલી.

" હા શ્રુતિ. ઘણી વાર કુદરતની ગતિવિધિને આપણે જાણી શકતા નથી. આપણો પણ પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ હશે." અનિકેત બોલ્યો.

" હા અનિકેત. હું પોતે પણ પૂર્વજન્મને માનુ જ છું. " શ્રુતિ બોલી.

" એક વાત કહું શ્રુતિ ? " અનિકેત બોલ્યો.

" હા હા કહો ને ? " શ્રુતિ બોલી.

" મારુ મન હવે આધ્યાત્મિક બનતું જાય છે. ઈશ્વર કૃપાથી આપણી પાસે અઢળક રૂપિયા છે. પૈસાનો હવે મને કોઈ મોહ નથી. મારે વધુને વધુ સમય હવે ધ્યાન સાધના અને આત્મકલ્યાણ પાછળ ખર્ચવો છે. તું મને સાથ આપીશ ને ? " અનિકેત બોલ્યો.

" હું તમારા માર્ગમાં ક્યાંય પણ વચ્ચે નહીં આવું. જે પણ મને મળ્યું છે એનાથી મને સંતોષ છે. હું તમારી અર્ધાંગિની છું. બે વર્ષથી હું તમને બહુ સારી રીતે ઓળખી ગઈ છું. તમારા કોઈપણ નિર્ણયને હું પ્રેમથી વધાવી લઈશ. તમારા કલ્યાણના માર્ગમાં મારો તમને સંપૂર્ણ સાથ છે. " શ્રુતિ બોલી.

"તારાથી મને આવી જ અપેક્ષા હતી." અનિકેત બોલ્યો અને વહાલથી એણે શ્રુતિને પોતાની નજીક ખેંચી.

ધીમે ધીમે બંનેના માનસ ઉપર અનંગ આક્રમણ કરી રહ્યો હતો. તાજાં ગુલાબની સુગંધ સાથે પર્ફ્યુમની માદક સુગંધ વાતાવરણને ઑર નશીલું બનાવી રહી હતી !!

બંને યુવાન હૈયાં ક્યારે એકબીજામાં સમાઈ ગયાં એ બંનેમાંથી કોઈને પણ ખબર ના રહી !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)