સપનાનાં વાવેતર પ્રકરણ 10
રાજકોટથી હરસુખભાઈનો પરિવાર આગલા દિવસે સાંજે અમદાવાદથી ફલાઇટમાં ઇન્દોર પહોંચી ગયો હતો અને ત્યાંથી ત્રણ ટેક્સીઓ કરીને ઉજ્જૈન પણ પહોંચી ગયો હતો. બંને પરિવારો માટે ' અંજુશ્રી ' નામની ફાઈવસ્ટાર હોટલમાં ૭ રૂમનું બુકિંગ પણ હરસુખભાઈએ જ કરાવ્યું હતું.
હરસુખભાઈએ હોટલમાંથી રાત્રે જ મંગલનાથ મંદિરના પૂજારી નિરંજનભાઇ સાથે બધી વાત કરી લીધી હતી. જો કે બે દિવસ પહેલાં જ નિરંજનભાઈ ઉપર રાજકોટથી ગૌરીશંકર શાસ્ત્રીનો ફોન પણ આવી ગયો હતો.
સવારે સાત વાગ્યે જ હરસુખભાઈ મંગલનાથ મંદિરે પહોંચી ગયા હતા અને નિરંજનભાઈને દક્ષિણા પણ આપી દીધી હતી. પૂજા માટે જે પણ સામાન જરૂરી હતો તે પણ નિરંજનભાઈ દ્વારા જ મંગાવી લીધો હતો. વરકન્યાને પહેરાવવા માટેના ગુલાબના ફુલહાર પણ મંગાવી લીધા હતા.
મુંબઈથી ધીરુભાઈનો પરિવાર ૬:૨૦ ના ફ્લાઈટમાં નીકળી સવારે સાડા સાત વાગે ઇન્દોર પહોંચી ગયો હતો અને એ લોકો પણ ટેક્સી કરીને સાડા આઠ વાગે ઉજ્જૈન અંજુશ્રી હોટલ ઉપર આવી ગયા હતા. મનોજભાઈ અને આશાબેને મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું. હરસુખભાઈ એ વખતે મંગલનાથ મંદિરે ગયેલા હતા.
બધી તૈયારીઓ કરીને હરસુખભાઈ સાડા નવ વાગે હોટલ ઉપર આવી ગયા અને એમણે પણ ધીરુભાઈનું સ્વાગત કર્યું અને મંદિરમાં કરેલી બધી વ્યવસ્થાની ચર્ચા પણ કરી. એ પછી મનોજભાઈએ જમાઈને કંકુ ચોખાથી ચાંદલો કર્યો. આશાબેને પણ જમાઈને ચાંદલો કરી ઓવારણાં લીધાં.
આજે સવારથી જ કૃતિ ઉજ્જૈનના જાણીતા બ્યુટી પાર્લરમાં ગઈ હતી અને ત્યાં જ તૈયાર થઈને ૧૦ વાગે આવી હતી. લગ્ન વખતે પહેરવાનો લહેંઘો વગેરે નવવધૂ ડ્રેસ એણે રાજકોટથી ખરીદ્યો હતો જે અત્યારે એણે પહેરી લીધો હતો. આજે એનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હતું.
અનિકેતે પણ જરીભરત ભરેલી મોંઘી શેરવાની પહેરી હતી અને આજે એ ખૂબ જ સુંદર લાગતો હતો.
લગ્નનું શુભ મુહૂર્ત સવારે ૧૧:૩૦ વાગ્યાનું હતું એટલે ૧૦:૩૦ વાગે જ વર અને કન્યા ટેક્સીમાં બેસીને મંગલનાથ મંદિરમાં જવા માટે નીકળી ગયાં. નિરંજનભાઈ રાહ જ જોતા હતા એટલે નવયુગલ જેવું આવ્યું કે તરત જ એમણે મંગળની પૂજા ચાલુ કરી.
લગભગ અડધા કલાક સુધી મંગળની પૂજા ચાલી એ પછી અનિકેત અને કૃતિએ શિવલિંગ ઉપર અભિષેક કર્યો. પૂજા પતી ગઈ એટલે નિરંજનભાઇએ બંનેને એક બીજાને ગુલાબના હાર પહેરાવવાનું કહી દીધું. અનિકેતે કૃતિને અને કૃતિએ અનિકેતને હાર પહેરાવ્યો. એક કલાકમાં બધું જ કાર્ય સંપૂર્ણ થઈ ગયું.
નિરંજનભાઈએ નવદંપત્તિને મંત્રોચ્ચાર કરીને ફરી મંગલનાથ મહાદેવનાં દર્શન કરાવ્યાં. એ પછી બંનેએ શાસ્ત્રીજીનાં ચરણસ્પર્શ કર્યાં. નિરંજનભાઈએ એમને આશીર્વાદ આપ્યા.
"આપ દોનોંકા વૈવાહિક જીવન સુખી રહો. આપકા શાદીકા કાર્ય અબ સંપન્ન હો ગયા હૈ. આપકો મંગલનાથ મહાદેવકે આશીર્વાદ ભી મિલ ગયે હૈ. આપ લોગ અબ પરિવાર સે મિલ સકતે હો. " નિરંજનભાઇ બોલ્યા.
જે ટેક્સીમાં બંને આવ્યાં હતાં એ ટેક્સી રોકી રાખી હતી. એટલે એ જ ટેક્સીમાં વર કન્યા હોટલ જવા માટે નીકળી ગયાં.
હોટલમાં અનિકેત અને કૃતિનું બંને પરિવાર તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અનિકેત અને કૃતિ તમામ વડીલોને પગે લાગ્યાં.
"નિરંજનભાઈએ બહુ સરસ રીતે અમારાં લગ્ન કરાવી દીધાં. લગ્નની બધી જ વિધિ મંદિરમાં કરી. સાત ફેરા પણ મહાદેવજીની સામે જ ફરી લીધા. અમને મંગલનાથના આશીર્વાદ પણ મળી ગયા. " અનિકેત બધાંની સામે બોલ્યો.
"ચાલો એક સરસ કામ થઈ ગયું. ભલે તમે બંનેએ એકલાં જઈને લગ્ન કર્યાં પણ વિધિપૂર્વક લગ્ન થઈ ગયાં એટલે હવે કંઈ વાંધો નથી." ધીરુભાઈ બોલ્યા.
એ પછી બંને પરિવારો વચ્ચે એક બીજાને ભેટ સોગાદો આપવાનો લગભગ ૪૦ મિનિટનો પ્રોગ્રામ ચાલ્યો.
બપોરનો દોઢ વાગી ગયો હતો એટલે બંને પરિવારો હોટલના જ ડાઈનિંગ હોલમાં જમવા માટે ગયાં.
ઈન્દોરથી સાંજે ૭ વાગ્યાનું ફ્લાઈટ હતું એટલે સાંજે ૫ વાગે જ ઉજ્જૈન થી નીકળી જવું પડે. પરંતુ ઉજ્જૈન આવીને મહાકાલનાં દર્શન તો કરવાં જ પડે. ધીરુભાઈ પોતે પાછા શિવભક્ત પણ હતા !
જમ્યા પછી તરત જ બંને પરિવારો ૩ વાગે ટેક્સીઓ કરીને મહાકાલ મંદિરે પહોંચી ગયાં. વરકન્યાને ખાસ પગે લગાડ્યાં અને ધીરુભાઈએ વિશેષ પૂજા પણ કરાવી. બપોરનો સમય હતો એટલે ખાસ ભીડ ન હતી. દર્શન શાંતિથી થઈ ગયાં.
હોટલે પાછા આવ્યા ત્યારે સાંજના સાડા ચાર વાગી ગયા હતા. અડધા કલાક પછી નીકળવાનું હતું. હવે સૂવાનો કે આરામ કરવાનો કોઈ સવાલ જ ન હતો.
બીજા દિવસે સાંજે મુંબઈમાં અનિકેત અને કૃતિનું રિસેપ્શન રાખેલું હતું એટલે હરસુખભાઈનો પરિવાર પણ ધીરુભાઈની સાથે મુંબઈ જઈ રહ્યો હતો. ધીરુભાઈએ એમના માટે થાણામાં હોટલની વ્યવસ્થા પણ કરી દીધી હતી.
સાંજે ૫ વાગે ટેક્સીઓ બોલાવીને બધા ઈન્દોર એરપોર્ટ જવા માટે નીકળી ગયા અને લગભગ સવા છ વાગે એરપોર્ટ પહોંચી પણ ગયા.
મુંબઈ પહોંચ્યા ત્યારે રાતના સાડા આઠ વાગ્યા હતા. ધીરુભાઈએ પોતાના બે ડ્રાઇવરને ફોન કરીને ગાડીઓ એરપોર્ટ ઉપર બોલાવી લીધી હતી. સાથે વધારાની એક ટેક્સી પણ કરી દીધી અને બધા થાણા જવા માટે નીકળી ગયા.
હરસુખભાઈનો પરિવાર પણ ટેક્સીઓ કરીને થાણાની હોટલે પહોંચી ગયો.
વર કન્યા જ્યારે ધીરુભાઈના બંગલે પહોંચ્યાં ત્યારે ઢોલ નગારાં અને શરણાઈથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. અગાઉ આપેલી સૂચના પ્રમાણે ધીરુભાઈના પંડિત પણ ઘરે આવી ગયા હતા. એમણે નવદંપત્તિને ગણપતિની પૂજા કરાવી. એ પછી વર કન્યા ઘરે રોકાયેલાં તમામ સગાંઓને પગે લાગ્યાં. એ પછી રિવાજ પ્રમાણે થાળીમાં રૂપિયો રમાડવાની વિધિ પણ પતાવી.
ઘરે રોકાયેલા તમામ મહેમાનોએ કૃતિનાં ખૂબ જ વખાણ કર્યા.
"ભાઈ વહુ તો બહુ સરસ શોધી કાઢી છે. ચાંદનો ટૂકડો છે. તમારા ઘરને શોભે એવી વહુ લઈ આવ્યા છો." સવિતાબેન બોલ્યાં. ધીરુભાઈનાં એ પણ કઝીન સિસ્ટર હતાં.
" તમને ગમીને બેન ? ખાસ રાજકોટ જઈને શોધી છે. " ધીરુભાઈ હસીને બોલ્યા.
એ પછી તમામ મહેમાનો સાથે ધીરુભાઈનો પરિવાર જમવા માટે બેસી ગયો. રસોઈયો ઘરે જ હતો એટલે એણે રસોઈ તૈયાર કરી દીધી હતી. આજે એણે ખાસ કંસાર બનાવ્યો હતો.
આજે અનિકેત અને કૃતિની મધુરજની એટલે કે સુહાગરાત હતી. અભિષેકે ઉજ્જૈન જતાં પહેલાં જ અનિકેતનો બેડરૂમ સજાવવાનું ઈવેન્ટ મેનેજમેન્ટ વાળાને સોંપી દીધું હતું. એ લોકોએ આજે અનિકેતનો બેડરૂમ ખૂબ સુંદર રીતે સજાવ્યો હતો. બેડરૂમ વિદેશી પર્ફ્યુમથી મઘમઘતો હતો. બેડને ગુલાબ મોગરાના હારથી સજાવ્યો હતો.
રાત્રે લગભગ ૧૧:૩૦ વાગે કૃતિ અને અનિકેતે આ બેડરૂમમાં પ્રવેશ કર્યો. જે સમયની યુવાન અનિકેત અને કૃતિ પ્રતિક્ષા કરી રહ્યાં હતાં એ મિલનની રાત્રી આવી ગઈ હતી. આજે બંને એકબીજામાં ખોવાઈ જવાનાં હતાં. આજે કૃતિ કાયદેસર મોટા ઘરની વહુ બનવાની હતી.
પહેલાં તો બંનેએ સોફામાં બેઠક લીધી. પહેલી રાત્રે શું બોલવું, કઈ રીતે શરૂઆત કરવી એ અનિકેતને સમજાતું નહોતું .
"આજે તો આખો દિવસ ધમાલ રહી. સવારનો પાંચ વાગ્યાનો ઉઠી ગયો છું. પાછી મંગલનાથ મંદિરમાં જવાની દોડાદોડી. લગ્ન કરીને આવ્યા પછી જમીને તરત જ મહાકાલ મંદિરમાં જઈને દર્શન કર્યા. સાંજે પાછા ઈન્દોર જવા રવાના. જરા પણ આરામ જ નથી મળ્યો " એણે કૃતિની સામે જોઇને વાતની શરૂઆત કરી.
" હું પણ દરેક જગ્યાએ તમારી સાથે ને સાથે જ હતી જનાબ. હું તો સવારે ચાર વાગ્યાની ઉઠી ગઈ છું. હમણાં તો રોજના ઉજાગરા ચાલે છે " કૃતિએ જવાબ આપ્યો અને બાજુમાં રાખેલી બિસલેરી બોટલ માંથી પાણીના બે ઘૂંટડા ભર્યા.
" આજે આપણા લગ્નની પહેલી રાત છે. દરેક યુવક યુવતી યુવાન થતાં જ આ રાત્રિની પ્રતીક્ષા કરતાં હોય છે. તને પણ પ્રથમ મિલનની આવી ઉત્સુકતા તો હશે જ ને ? " અનિકેત કૃતિનો હાથ હાથમાં લઈને બોલ્યો.
" ના રે ના... આખી રાત આપણી છે જાન. કેમ તમને ઉતાવળ છે કે શું ? કૃતિએ હસીને કહ્યું.
"હવે પરણ્યા પછી તારે આ ' જાન' બોલવાની પ્રેક્ટિસ જરા ઓછી કરી દેવી પડશે ડાર્લિંગ. અનિકેત કહીશ તો ચાલશે. જાહેરમાં બોલાઈ જશે તો લોચા પડશે. અમે લોકો મુંબઈમાં ચોક્કસ રહીએ છીએ પણ એક મર્યાદાનું વાતાવરણ અમારા ઘરમાં છે." અનિકેત હસીને બોલ્યો.
"તમે એની જરા પણ ચિંતા ના કરશો. તમારા ઘરની મર્યાદા હું જાળવીશ. " કૃતિ હસીને બોલી છતાં મનમાં એને અનિકેતની આ ટકોર ના ગમી.
" થેન્ક્યુ કૃતિ. તારી પાસેથી આવી જ અપેક્ષા હતી." અનિકેતે જવાબ આપ્યો.
કૃતિએ યાદ કર્યું કે એણે પોતે અનેક વખત અનિકેતને 'જાન જાનુ 'કહીને સંબોધન કર્યું હતું. છતાં આજ સુધી પુરુષ હોવા છતાં પણ એમણે મને એકવાર પણ જાન કે જાનુ કહી નથી. અમેરિકા રહી આવ્યા હોવા છતાં પણ અનિકેત એને થોડા જૂનવાણી લાગ્યા.
"ઓકે ફરગેટ .... લગ્ન પહેલાં તમારી લાઇફમાં કોઈ હતું ? આઈ મીન ઇન્ડિયામાં કે અમેરિકામાં ? તમે યુવાન છો, કરોડોપતિ છો, પાછા હેન્ડસમ પણ છો. કોઈ ગર્લફ્રેન્ડ તો આવી હશે ને જીવનમાં ? બી ફ્રેન્ક ! મને કંઈ જ વાંધો નથી. આપણે મોડર્ન યુગમાં જીવી રહ્યાં છીએ અનિકેત. દરેકનો એક ભૂતકાળ હોય છે. પાસ્ટમાં તમારી લાઇફમાં કોઈ હોય તો પણ મને વાંધો નથી. ઈટ્સ ઓકે !! " કૃતિ બોલી.
"ના કૃતિ. મને આજ સુધી કોઈ પણ છોકરીનું આકર્ષણ થયું નથી. મારી લાઇફમાં આવનાર તું જ પહેલી સ્ત્રી છો !! આઈ સ્વેર." અનિકેત ગંભીર થઈને બોલ્યો.
"અરે રિલેક્સ. હોય તો પણ મને કોઈ ફરક પડતો નથી. મેં પહેલેથી જ કહી દીધું છે. મારા વિચારો ઘણા આધુનિક છે. ઓકે ટેલ મી. અમેરિકામાં ચાર વર્ષ રહ્યા છો તો ત્યાં ડ્રીંક તો લેતા જ હશો ને ? " કૃતિ બોલી.
"કૃતિ મને લાગે છે કે હું વિદેશ રહીને આવ્યો છું એટલે તું મને બહુ મોડર્ન માની બેઠી છે પણ મારા વિચારો અલગ જ છે. મેં ડ્રિંક્સ લીધું છે પરંતુ ક્યારેક જ. જ્યારે કોઈ પાર્ટી હોય અને મિત્રોનો આગ્રહ હોય ત્યારે જ." અનિકેત બોલતો હતો.
" અને કૃતિ આજે આપણા લગ્ન થયાં છે. આજથી આપણો સંસાર શરૂ થાય છે. એકબીજાના વિશ્વાસ ઉપર જ લગ્ન જીવનની સફળતા છે. એટલે આવી ચર્ચા આપણે ના કરીએ તો સારું. ગુરુજીએ પણ કદાચ તને આવું જ કંઈક કહ્યું હતું. " અનિકેત બોલ્યો.
અને બરાબર એ જ વખતે રાત્રે લગભગ ૧૨ વાગે અનિકેત ઉપર રાજકોટથી કોઈનો ફોન આવ્યો. નંબર લેન્ડ લાઈનથી આવ્યો હતો અને અજાણ્યો હતો.
"અનિકેત વિરાણી બોલે ?"
"હા હું અનિકેત વિરાણી. આટલી મોડી રાત્રે તમે કોણ ?" અનિકેત બોલ્યો. અત્યારે રાત્રે ૧૨ વાગે ફોન કરનાર કોણ હશે !
"મારી ઓળખાણ જવા દે. તેં કૃતિ હારે લગન કરીને બહુ મોટી ભૂલ કરી છે. એ છોકરી કોઈની થઈ નથી અને થવાની નથી. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. " સામેવાળો અજાણ્યો યુવાન બોલી રહ્યો હતો.
"દોઢ વરહ લગી તારી કૃતિ મારી હારે રિલેશનશિપમાં હતી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ થયેલો છે. એણે તને આ વાત કરી કે નહીં મને કંઈ ખબર નથી. મને લગન કરવાનું વચન આપેલું પણ મારે ધંધામાં બહુ મોટું નુકસાન થયું એટલે એણે મને છોડી દીધો. કરોડોનાં એનાં સપનાં છે. તું કરોડોપતિ છે એવું મેં સાંભળ્યું છે અને એટલે જ એણે તારી હારે લગન કર્યાં છે. એણે મારી હારે વિશ્વાસઘાત કર્યો છે એટલે જ એની જિંદગી બગાડવા આજે અડધી રાતે તને ફોન કર્યો છે." અને એ સાથે જ ફોન કટ થઈ ગયો.
અનિકેત તો આ બધું સાંભળીને સાવ દિગ્મૂઢ થઈ ગયો. એના તો જાણે હોશ જ ઉડી ગયા. એની સાથે વિશ્વાસઘાત થયો હતો અને એ પણ એની અતિ પ્રિય પત્ની કૃતિએ કર્યો હતો ! કૃતિ વર્જિન ન હતી. આજ સુધી એણે મને અંધારામાં રાખ્યો. એટલા માટે જ ગુરુજીએ 'એકબીજાના વિશ્વાસ ઉપર જ લગ્ન જીવન ટકે છે' એવી વાત કરેલી.
એણે કૃતિ સામે જોયું. શું બોલવું એ એને સમજાતું ન હતું.
" અત્યારે મધરાતે કોનો ફોન હતો ડાર્લિંગ ? " કૃતિ બોલી.
"તારા ભૂતકાળના પ્રેમીનો ! જેની સાથે તેં સંસાર સુખ પણ ભોગવ્યું છે ! મારા જેવા સીધા સાદા વ્યક્તિ સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો તેં કૃતિ. મારું મગજ અત્યારે કામ નથી કરતું." અનિકેત બોલ્યો. અનિકેતના અવાજમાં નફરત પણ ભરેલી હતી.
" અનિકેત અત્યારે એ વાત હું તમને કરવાની જ હતી. એટલા માટે તો મેં એ વાત છેડી હતી. મેં કહ્યું હતું કે દરેકનો એક ભૂતકાળ હોય છે. પણ તમે જ મને અટકાવી. " કૃતિ બોલી.
"અરે પણ જે વર્જિન ના હોય, જેણે સંસાર સુખ ભોગવી લીધું હોય એની સાથે હું લગ્ન કેવી રીતે કરી શકું ? અને લગ્ન કર્યા પછી તું આ બધું મને કહેવા બેઠી છે ? આ વાત તારે મને પહેલાં જ કરવી હતી. મારા ઘરના આ સંસ્કાર જ નથી કે હું તને અપનાવું." અનિકેત હવે ગુસ્સે થઈને બોલ્યો.
"હું તમને બધું જ કહું છું અનિકેત તમે થોડા શાંત થાવ. પહેલાં મારી આખી વાત સાંભળો. નાનપણથી આકાશમાં ઉડવાનાં મારાં સપનાં હતાં. મારુ કુટુંબ કરોડપતિ છે પરંતુ મારી મહત્વકાંક્ષા બહુ જ મોટી હતી. કોલેજમાં દાખલ થઈ અને મારા સપનાંનું વાવેતર થયું. ફસલ પણ ઉગી." કૃતિ બોલી રહી હતી.
"મારી પાસે દઝાડી દે તેવું રૂપ હતું. શ્રીમંત પરિવારના નબીરાઓ પણ કોલેજમાં ભણતા. એ બધા મારી પાછળ લાઈન મારતા. મેં બધાને નચાવવાનું ચાલુ કર્યું. થોડી છૂટછાટ લેવા દેવી એવી મારી સમજ હતી. ધીમે ધીમે મિત્રોની કંપનીમાં મારી આદતો પણ બદલાતી ગઈ. એ સમયે હું ક્યારેક મિત્રો સાથે ડ્રિંકસ પણ લેતી."
" કોલેજ પત્યા પછી એક બોયફ્રેન્ડ ચાલુ રહ્યો. ધવલ જાડેજા એનું નામ. બહુ માથાભારે હતો અને આજે પણ છે. એના પપ્પાનો કરોડોનો બિઝનેસ હતો. મારા શોખ પણ ઘણા હતા. મારા દાદા ડિસિપ્લિન વાળા હતા એટલે ઘરમાં હું થોડી મર્યાદામાં રહેતી. પરંતુ હું લેવીશ લાઈફ જીવવા માગતી હતી. ધવલ સાથે મારા સંબંધો ગાઢ થઈ ગયા અને માત્ર એક વાર અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ થયો. " કૃતિ બોલી રહી હતી.
"એક દિવસ ધવલના પપ્પાને બહુ મોટી ખોટ ગઈ. કરોડો રૂપિયા એમણે ગુમાવી દીધા. વર્ષો સુધી એ ખોટ પૂરાય તેમ ન હતી. ધવલ હવે મને વધારે ખુશ રાખી શકે તેમ ન હતો. હવે મને એની સાથે લગ્ન કરવામાં કોઈ જ રસ ન હતો. મેં એને છોડી દીધો. બે વર્ષથી હું કોઈની પણ સાથે સંબંધમાં નથી અનિકેત. અને એ મારો ભૂતકાળ હતો જે હું તમને આજે કહેવાની જ હતી. મારી ભૂલ છે કે મારે તમને લગ્ન પહેલાં જ કહેવા જેવું હતું" કૃતિ બોલી.
"એ પછી તમારા પપ્પાનો મારા પપ્પા ઉપર ફોન આવ્યો. તમારા પપ્પાએ તમારી સાથે મારા સંબંધની વાત કરી. કરોડોપતિ ઘર હતું. મને પહેલેથી જ મુંબઈ ગમતું હતું. તમારો ફોટો પણ મને બહુ જ ગમી ગયો. તમે યુ.એસ સ્ટડી કરીને આવ્યા એટલે એકદમ મોડર્ન વિચારોના હશો એમ મેં માની લીધું અને કુંડળી મળતી ના હોવા છતાં પણ તમારી સાથે જ લગ્ન કરવાની મેં જીદ પકડી." કૃતિ બોલી રહી હતી.
"હું મારા ભૂતકાળને ભૂલી ચૂકી છું. હું હવે માત્ર તમારી બનીને રહીશ. આજે આ બધી વાતો કહીને હું રિલેક્સ થઈ ગઈ છું. હું આજે પણ બજારમાં ઘણી વાર શોર્ટસ અને ટીશર્ટ પહેરીને ફરું છું. મારી લાઈફ સ્ટાઈલ આખી અલગ છે અને આશા રાખું છું તમે મને સમજી શકશો " કૃતિએ પોતાની વાત પૂરી કરી. એને આ વાત કરવામાં કોઈ જ શરમ ન હતી.
" તારા ઘરે બધાંને આ રિલેશનશિપની ખબર છે ?" અનિકેતે સીધો સવાલ પૂછ્યો.
" માત્ર મારી નાની બેન શ્રુતિ જાણે છે. છતાં એ પણ મારી અને ધવલની વચ્ચે ફ્રેન્ડશીપ હતી એટલું જ જાણે છે. ફિઝિકલ રિલેશન વિશે એ કંઈ જાણતી નથી." કૃતિ બોલી.
અનિકેત ઉભો થયો. એ વોશરૂમમાં ગયો. ગુલાબ અને મોગરાના ફૂલની સુગંધ એને હવે બેચેન બનાવી રહી હતી. એણે શેરવાની અને સુરવાલ કાઢીને નાઈટ ડ્રેસ પહેરી લીધો. મ્હોં ધોઈને ફ્રેશ થઈ ગયો અને બહાર આવી સોફા ઉપર બેઠો.
"તું આરામથી સૂઈ જા હવે. મને તારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. સ્વર્ગ અને નર્કનો અનુભવ આજે જ કરી લીધો. મિત્રોને છૂટછાટ લેવા દેનારી અને લગ્ન પહેલાં કોઈની સાથે શારીરિક સંબંધ બાંધનારી કૃતિ સાથે હું કોઈ જ સંબંધ રાખવા માગતો નથી. કાલે જ આપણા ડીવોર્સ પેપર તૈયાર કરાવી દઉં છું. કાલે ને કાલે તું તારા પપ્પાના ઘરે ચાલી જજે. કાલે કોઈ રિસેપ્શન પણ નહીં થાય" અનિકેત ઠંડા કલેજે બોલ્યો.
કૃતિ અનિકેતની વાત સાંભળીને ધ્રુજી ઉઠી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)