સપનાનાં વાવેતર - 50 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 50

સપનાનાં વાવેતર પ્રકરણ 50

કૃતિના અવસાનને સવા મહિનો થઈ ગયો હતો. શોકનું અને આઘાતનું વાતાવરણ ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યું હતું. દુઃખનું ઓસડ દહાડા એ કહેવત એકદમ સાચી છે.

અનિકેત પણ થોડો નોર્મલ થઈ રહ્યો હતો તો શ્રુતિ પણ હવે થોડી નોર્મલ બની હતી. એણે પોતાના બિઝનેસમાં જ મન પરોવ્યું હતું.

બરાબર એ જ સમયે અનિકેતની જિંદગીમાં એક નવો જ વળાંક આકાર લઈ રહ્યો હતો.

અંજલીને અનિકેત ખૂબ જ ગમતો હતો. એણે પોતાની માલિકીની સુજાતા બિલ્ડર્સ કંપની અનિકેતને સર્વેસર્વા તરીકે સોંપી દીધી હતી. અને રાજકોટવાળા દીવાકર ગુરુજીના આદેશથી એક પણ રૂપિયો લીધા વગર એને કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર બનાવી દીધો હતો.

અનિકેતને ઘરે બોલાવીને એને રૂબરૂ જોયા પછી પહેલી જ મુલાકાતમાં એ એટલી બધી આકર્ષાઈ ગઈ હતી કે એણે અનિકેતને આડકતરી રીતે પૂછી જ લીધું હતું કે એનાં લગ્ન થઈ ગયાં છે કે નહીં પરંતુ અનિકેત કોઈ કૃતિને પરણેલો છે એ જાણ્યા પછી એણે પોતાનું મન પાછું વાળી દીધું હતું.

પરંતુ હવે અચાનક જ કૃતિ એના જીવનમાંથી ચાલી ગઈ હતી અને એ વિધુર થઈ ગયો હતો ! અંજલી શ્રુતિ વિશે કંઈ પણ જાણતી ન હતી. જો એનાં લગ્ન હવે અનિકેત સાથે જ થાય તો સોનામાં સુગંધ ભળે અને સુજાતા બિલ્ડર્સ કંપની પણ અનિકેત માટે કાયમી સુરક્ષિત થઈ જાય.

અંજલીની ઉંમર પણ ૨૬ ૨૭ થઈ ગઈ હતી એટલે હવે એનાં લગ્ન માટે પણ નીતાબેન ચિંતિત હતાં. જો એનાં લગ્ન બીજા કોઈ બિલ્ડર યુવાન સાથે જ થાય તો અનિકેતને સુજાતા બિલ્ડર્સ કંપની છોડી દેવી પડે. અને જો બીજા કોઈ બીઝનેસમેન યુવાન સાથે થાય તો પણ માલિકી તો એના વરની જ થાય અને તો પછી અનિકેતને માત્ર વર્કિંગ પાર્ટનર તરીકે જ બેસવું પડે !

અંજલીનું ખેંચાણ અનિકેત તરફ વધારે પડતું હતું. અનિકેત પાસે કેટલીક શક્તિઓ હતી. બાહોશી હતી. હેન્ડસમ યુવાન હતો. પોતે ગર્ભશ્રીમંત હતો અને પાછો રાજકોટવાળા ગુરુજીની પસંદગી પણ હતો એટલે અંજલીની ઈચ્છા અનિકેત જેવા યુવાનને ગુમાવવાની ન હતી.

અંજલીએ એક રાત્રે બેડરૂમમાં સૂતાં સૂતાં પોતાની મમ્મી સાથે આ વાત છેડી.

" મમ્મી અનિકેતના જીવનમાંથી કૃતિ હવે ચાલી ગઈ છે. એ એકલા પડી ગયા છે. અનિકેત અત્યારે આપણો બિઝનેસ ખૂબ જ સરસ રીતે ચલાવી રહ્યા છે. ગુરુજીની પસંદગી પણ છે. હું પોતે એની સાથે લગ્ન કરી લઉં તો તને કેમ લાગે છે ? હેન્ડસમ છે, સ્માર્ટ છે. કેટલીક શક્તિઓ પણ એમની પાસે છે. એકદમ પ્રમાણિક પણ છે." અંજલી બોલી.

" અંજલી બેટા.. તું જે રીતે વિચારી રહી છે એ જ રીતે કેટલાક દિવસથી મારા મનમાં પણ અનિકેત વિશે જ વિચારો આવે છે. તેં તો મારા મનની જ વાત કરી છે. એની સાથે લગ્ન કરવામાં કંઈ જ ખોટું નથી. આના જેવું યોગ્ય પાત્ર કદાચ તને બીજું કોઈ મળે પણ નહીં. પરંતુ સૌથી પહેલાં આપણે અનિકેતના દાદા સાથે વાત કરવી પડે. તું એક કામ કર. એક બે દિવસમાં અનિકેતને ફોન કરીને ધીરુભાઈ શેઠને આપણા ઘરે બોલાવ. " નીતાબેન બોલ્યાં.

મમ્મીની સંમતિથી અંજલી એ રાત્રે ખૂબ જ ખુશ થઈ ગઈ. પહેલા જ દિવસે આ યુવાનને જોઈને અંજલીના દિલમાં હલચલ મચી ગઈ હતી. રાત્રે અનિકેતનાં સપનાઓમાં રાચતી એ ઘસઘસાટ ઊંઘી ગઈ.

અંજલીએ બીજા જ દિવસે સવારે અનિકેત સાથે ફોન ઉપર વાત કરી.

" અનિકેત હું અંજલી બોલું છું." અંજલી બોલી.

" હા હા બોલોને. તમારો નંબર મારી પાસે સેવ જ છે. " અનિકેત હસીને બોલ્યો.

" તમારા દાદાને જ્યારે અનુકૂળ હોય ત્યારે બે ત્રણ દિવસમાં અમારા ઘરે મોકલજો ને ! મમ્મીને જરા વાત કરવી છે. " અંજલી બોલી.

" ચોક્કસ આજે જ વાત કરીશ. એ જે ટાઈમ આપે એ તમને હું ફોન કરીને જણાવી દઈશ. " અનિકેત બોલ્યો. એને જો કે એ વખતે અંજલી લગ્નની વાત કરવા માટે બોલાવી રહી છે એનો કોઈ જ અંદાજ ન હતો.

"દાદા સુજાતા બિલ્ડર્સવાળાં નીતાબેન તમને રૂબરૂ મળવા માંગે છે. બે ત્રણ દિવસમાં તમને સમય હોય ત્યારે જઈ આવજો ને !" સવારે જમતી વખતે અનિકેત બોલ્યો.

" હા...એ તો હું કાલે જ મળી લઈશ. કાલે સાંજનો પાંચ વાગ્યાનો ટાઈમ કહી દે. " ધીરુભાઈ બોલ્યા.

અને બીજા દિવસે ધીરુભાઈ શેઠ સાંજે પાંચ વાગે સમય પ્રમાણે નીતાબેનના ઘરે પહોંચી ગયા.

નીતાબેને ધીરુભાઈ શેઠનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અંજલી પણ ધીરુભાઈને નીચે નમીને પગે લાગી.

"અરે અંજલી બેટા. દાદા માટે મેંગો શેક બનાવી દે. ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે એ જ ઠીક રહેશે." નીતાબેન બોલ્યાં એટલે અંજલી કિચનમાં ગઈ.

" હવે તો તમે પણ અમારા મોભી વડીલ બની ગયા છો. અનિકેતે કંપની સંભાળી લીધા પછી જે રીતે સુજાતા બિલ્ડર્સ પ્રગતિ કરી રહ્યું છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે એક શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરી છે." ધીરુભાઈ શેઠ સોફા ઉપર બેઠા પછી નીતાબેન બોલ્યાં.

" અનિકેત તો મારો પહેલેથી ખૂબ જ હોનહાર છે. આપણા ગુરુજીની કૃપાથી ઘણી બધી શક્તિઓ પણ ધરાવે છે. એ સિવાય પણ એનામાં કાબેલિયત ઘણી છે. " ધીરુભાઈ શેઠ ગર્વથી બોલ્યા.

" અમને પણ એમના માટે ખૂબ જ ગર્વ થાય છે વડીલ. એમના જીવનમાં જે પણ ઘટના બની એનાથી અમને પણ ઘણું બધું દુઃખ થયું છે. પરંતુ નસીબને કોણ બદલી શકે છે ? જે થવાનું હોય તે થઈને જ રહે છે. " નીતાબેન બોલ્યાં.

" હા અનિકેતના જીવનમાં બહુ જ આઘાતજનક ઘટના બની ગઈ. અમે કલ્પના પણ નહોતી કરી કે બે જ વર્ષમાં આ સુંદર જોડી ખંડિત થઈ જશે. કૃતિની પસંદગી મેં જ કરી હતી." ધીરુભાઈ બોલ્યા.

" હવે આગળ અનિકેતના ભાવિ જીવન વિશે પણ વિચારવું પડશે ને ?" નીતાબેને પૂર્વ ભૂમિકા બાંધી.

"તમારી વાત સાચી છે નીતાબેન. હવે આજીવન એને કુંવારો થોડો રાખી શકાશે ? " ધીરુભાઈ બોલ્યા.

"વડીલ માફ કરજો પરંતુ મેં તમને આ જ કારણોસર અહીં બોલાવ્યા છે. તમે તો જાણો જ છો સુજાતા બિલ્ડર્સની કંપની અમે સંપૂર્ણપણે અનિકેતને સોંપી દીધી છે. અમે એમને અમારા દીકરા જેવા માન્યા છે અને એટલે જ મારી ઈચ્છા છે કે અનિકેત જ આ કંપનીના માલિક બની જાય. હું મારી દીકરી અંજલી માટે અનિકેત સાથે સંબંધ બાંધવાનું વિચારી રહી છું જો તમને વાંધો ના હોય તો. " નીતાબેને ધડાકો કર્યો.

નીતાબેનની વાત સાંભળીને ધીરુભાઈ બે મિનિટ માટે તો અવાક થઈ ગયા. શું જવાબ આપવો એ એમને પોતાને સમજાયું નહીં. અંજલીને તો એમણે જોયેલી જ હતી. એ પણ બેહદ સુંદર હતી. જો અંજલી સાથે લગ્ન થાય તો ખરેખર અનિકેતનું નસીબ જ બદલાઈ જાય. પરંતુ પોતે શ્રુતિ તરફ આગળ વધી ગયા હતા. અનિકેત માટે પણ શ્રુતિ પ્રથમ પસંદગી હતી ! શું જવાબ આપવો ?

" તમે શાંતિથી વિચારો શેઠ. અમારું તમારી ઉપર કોઈ જ દબાણ નથી. તમારો પરિચય ગુરુજી દ્વારા થયો છે એટલે એમની ઇચ્છા હશે તે પ્રમાણે થશે પરંતુ આ વાત કરવાની મને જરૂર જણાઈ એટલા માટે જ મેં તમને બોલાવ્યા. કારણ કે અંજલીની લગ્નની ઉંમર થઈ ગઈ છે અને અમારી એ એકની એક દીકરી છે. " નીતાબેન બોલી રહ્યાં હતાં.

" મારા હસબંડે કન્સ્ટ્રક્શન લાઈનનું આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે તો મારી દીકરી માટે પહેલી પસંદગી તો કોઈ બિલ્ડર મુરતિયો જ રહેવાનો છે. હવે જો ખરેખર બિલ્ડર યુવાન મળે તો આખી કંપની એની માલિકીની જ બની જાય અને તો પછી અનિકેતને આ કંપની કદાચ છોડવાનો સમય પણ આવે. અને બીજો કોઈ બિઝનેસમેન મળે તો પણ કંપનીનો માલિક તો જમાઈ જ બને. એ પછી કેવા સંજોગો ઊભા થાય એ અમને કંઈ જ ખબર નથી. " નીતાબેને પોતાની ચિંતા વ્યક્ત કરી.

ધીરુભાઈ પોતે બિઝનેસમેન હતા. ખૂબ જ હોશિયાર હતા. એમણે પોતે પણ વિરાણી બિલ્ડર્સનું મોટું અમ્પાયર ઊભું કર્યું હતું. નીતાબેનની વાત એમને એકદમ સાચી લાગી. જો અંજલીનાં લગન બીજા કોઈ બિલ્ડર યુવાન સાથે જ થાય તો સ્વાભાવિક જ છે કે અનિકેતને આ જગ્યા છોડવી જ પડે. નીતાબેનની વાતમાં દમ હતો.

" નીતાબેન તમારી વાત હું સમજી શકું છું. તમે અનિકેત તરફ આજે જે લાગણી બતાવી છે અને એના હિતનો જે વિચાર કર્યો છે એ પણ મને ગમ્યો. તમારી આ પ્રપોઝલ ઉપર વિચાર કરવા માટે મારે થોડો સમય જોઈશે. અનિકેત સાથે પણ વાત કરવી પડશે મારા ફેમિલીમાં પણ વાત કરવી પડશે. અનિકેતના પ્રારબ્ધમાં અંજલી છે કે બીજું કોઈ એ તો અત્યારે કહી શકતો નથી પરંતુ હું કોશિશ જરૂર કરીશ. " ધીરુભાઈ બોલ્યા.

" મને કોઈ જ ઉતાવળ નથી વડીલ. બસ તમારા કાને વાત નાખવાની મારી ઈચ્છા હતી. અંજલીને પણ અનિકેત પસંદ છે એટલે એના મનની વાત જાણીને આજે મેં તમને બોલાવ્યા. જે પણ તમારો નિર્ણય હોય એ મને જણાવજો એટલે પછી હું અંજલી માટે જોવાનું ચાલુ કરું." નીતાબેન બોલ્યાં.

એટલામાં અંજલી પણ મેંગોશેક લઈને બહાર આવી અને ધીરુભાઈ શેઠના હાથમાં મૂક્યો. ધીરુભાઈ બે મિનિટ સુધી અંજલી સામે જોઈ રહ્યા અને પછી નજરને નીચે ઢાળી.

" ચાલો હવે હું રજા લઉં. તમારી વાત ઉપર ઘરે જરા ચર્ચા કરી લઉં. જે પણ નિર્ણય લઈશ તે આપણા બધાના હિતમાં જ હશે. " મેંગો શેક પીધા પછી ધીરુભાઈ બોલ્યા અને ઊભા થયા.

ઘરે જઈને ધીરુભાઈએ નીતાબેનની વાત ઉપર ગંભીરતાથી વિચાર કર્યો. એ પોતે એક કાબેલ વ્યાપારી હતા. અનિકેતના બીજા લગ્ન સાથે ઘણું બધું પરિવર્તન સંકળાયેલું હતું. જો એના લગ્ન અંજલી સાથે જ થાય તો તો કોઈ સવાલ હતો જ નહીં કારણકે અનિકેત બે મોટી કંપનીઓનો માલિક બની જતો હતો, મુંબઈના સૌથી મોટા બિલ્ડરોની હરોળમાં આવી જતો હતો.

બીજી બાજુ શ્રુતિ છોકરી ઘણી સારી અને સંસ્કારી હતી. અનિકેતની પણ એ પ્રથમ પસંદગી હતી. અનિકેતને એના માટે લાગણી પણ હતી. કૃતિનો જ એ પડછાયો હતી. અનિકેતે એના માટે કરોડ સવા કરોડ ખર્ચીને બિઝનેસ પણ સેટ કરી આપ્યો હતો. બંને સાથે જ રહેતાં હતાં. હરસુખભાઈ સાથે પણ વાત આગળ ચલાવી હતી. હવે કરવું શું ?

ચાર પાંચ દિવસના મનોમંથન પછી એમણે આ જ વાત પોતાના મોટા દીકરા પ્રશાંત સાથે શેર કરી. વાત સાંભળ્યા પછી પ્રશાંત પોતે પણ પપ્પાની જેમ મૂંઝવણમાં મુકાઈ ગયો.

" પપ્પા મને લાગે છે કે આ નિર્ણય તો અનિકેતનો પોતાનો જ હોવો જોઈએ. કારણ કે એના પોતાના ભવિષ્યનો સવાલ છે. એ પૂરેપૂરો સમજુ છે, પરિપક્વ છે. લગ્નજીવન પણ એણે જ જીવવાનું છે એટલે આપણે આ બાબતે સીધા અનિકેત સાથે જ ચર્ચા કરીએ તો વધુ સારું." પ્રશાંતભાઈ બોલ્યા.

" તું ઠીક કહે છે." ધીરુભાઈ બોલ્યા અને એમણે અનિકેત સાથે આ ચર્ચા કરવાનું નક્કી કર્યું.

એ દિવસે જ એમણે અનિકેતને ફોન કરીને થાણા બોલાવી લીધો અને રાત્રે એને ચર્ચા કરવા પોતાના બેડરૂમમાં બોલાવ્યો. નીતાબેને પોતાને જે વાત કરી હતી એ બધી વાત વિગતવાર અનિકેતને કરી. લગ્ન કર્યા પછીના ફાયદા અને લગ્ન ન કરવાથી થતું નુકસાન એ બધી જ ચર્ચા કરી.

" જો બેટા, આ નિર્ણય તારો પોતાનો હોવો જોઈએ અને અમે આમાં કોઈ પણ દબાણ ન કરી શકીએ. અંજલી સાથે લગ્ન કરવાથી તારું ભાવિ ઘણી ઊંચાઈઓ ઉપર ઉડાન ભરશે અને જો લગ્ન ના કરે તો કદાચ સુજાતા બિલ્ડર્સની કંપની ભૂલી જવી પણ પડે. નીતાબેન બિચારાં એકદમ નિખાલસ છે. એમની લાગણી તારા તરફ છે એટલા માટે મારી સાથે આ બધી ચર્ચા કરી." ધીરુભાઈ બોલ્યા.

" મારા વિચારો તો બહુ જ સ્પષ્ટ છે દાદા. હું ક્યારેય પણ પૈસા અને પ્રતિષ્ઠા માટે થઈને લગ્નનો નિર્ણય નહીં કરું. હું શ્રીમંતોની રેસમાં નથી. મને અંજલી પણ પસંદ છે પરંતુ સુજાતા બિલ્ડર્સ કંપની ગુમાવવાના ડરથી જો એની સાથે લગ્ન કરું તો શ્રુતિને અન્યાય થશે. મૃત્યુ પહેલાં કૃતિની ઈચ્છા પણ એ જ હતી કે શ્રુતિને હું સ્વીકારી લઉં. ભાવિ તો બધું ઈશ્વરના હાથમાં હોય છે." અનિકેત બોલી રહ્યો હતો.

"અને સુજાતા બિલ્ડર્સ મને મળશે એવી કલ્પના પણ મને ક્યાં હતી દાદા ? છતાં મને એમ લાગે છે કે લગ્ન બાબતનો નિર્ણય આપણે રાજકોટ વાળા ગુરુજી ઉપર જ છોડી દઈએ તો વધારે યોગ્ય રહેશે." અનિકેત બોલ્યો.

" હા તારી એ વાત બિલકુલ સાચી છે. ભાવિને આપણે જાણી શકતા નથી. જ્યારે મોટા દાદા અને દિવાકર ગુરુજી તારા ભાવિને વધુ સારી રીતે જોઈ શકે છે અને સમજી પણ શકે છે. એટલે આ બાબતે આપણે રૂબરૂમાં જઈને જ એમની સાથે ચર્ચા કરી લઈએ." દાદા ધીરુભાઈ બોલ્યા.

" ઠીક છે દાદા તો પછી બે દિવસ પછીની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દઉં છું. " અનિકેત બોલ્યો.

"અને સાંભળ આપણે રાજકોટ જઈ રહ્યા છીએ એ ચર્ચા તું શ્રુતિ સાથે કરીશ નહીં. કારણ કે આપણે માત્ર ગુરુજીને મળવા માટે જ જઈ રહ્યા છીએ. તારા સાસરે અત્યારે જવું મને યોગ્ય લાગતું નથી. " દાદાએ ટકોર કરી.

અને એ વાતચિત પછીના બે દિવસ બાદ ધીરુભાઈ અને અનિકેત રાજકોટ પહોંચી ગયા. જતાં પહેલાં ગુરુજી સાથે ફોન ઉપર વાત પણ કરી લીધી.

ભાભા હોટલમાં ઉતર્યા પછી અનિકેત અને ધીરુભાઈએ જમી લીધું અને બે કલાક આરામ કર્યો.

સાંજે લગભગ સાડા ચાર વાગે અનિકેત અને ધીરુભાઈ શેઠ રીક્ષા કરીને જ દીવાકર ગુરુજીના બંગલે પહોંચી ગયા.

" આવો આવો શેઠ. બરાબર ચા પીવાના ટાઈમે જ પધાર્યા છો." ગુરુજી બોલ્યા અને એમણે સેવકને ચા લાવવાનું કહ્યું.

"ગુરુજી આપ તો સર્વજ્ઞ છો. અમે કેમ આવ્યા છીએ એ તમારાથી તો છાનું હોય જ નહીં ! હવે આપ જ અમને માર્ગદર્શન આપો કે અમારે શું કરવું ?" ધીરુભાઈ ચા પીને બોલ્યા.

" અનિકેતની પોતાની શું ઈચ્છા છે ?" ગુરુજીએ હસીને અનિકેત સામે જોયું.

" આપનો અને મારા મોટા દાદાનો જે પણ નિર્ણય હોય તે મને માન્ય છે. મારું હિત શામાં છે એ આપ વધારે જાણો છો. વ્યક્તિગત કહું તો મને અંજલી તરફ હજુ એવું કોઈ આકર્ષણ થયું નથી જ્યારે શ્રુતિ તરફ મને લાગણી ચોક્કસ છે." અનિકેત બોલ્યો.

" ઠીક છે. હું વલ્લભભાઈના દિવ્ય આત્મા સાથે વાત કરી લઉં છું. તમે લોકો દસેક મિનિટ બેસો. " કહીને દીવાકરભાઈ ઊભા થઈને પોતાના ધ્યાનખંડમાં ગયા.

ત્યાં જઈને દીવાકરભાઈ ઊંડા ધ્યાનમાં સરી ગયા અને સૂક્ષ્મ જગતમાં રહેલા વલ્લભભાઈના આત્માનો સંપર્ક કરવા માટે કોશિશ કરી. થોડી મિનિટોમાં જ એમને વલ્લભભાઈનો પ્રતિસાદ મળ્યો.

" દિવ્ય આત્મન્... મારા પ્રણામ સ્વીકારશો. આપની સાધનામાં વિક્ષેપ કરવા બદલ ક્ષમા ચાહું છું પરંતુ અનિકેત અને ધીરુભાઈ મારી પાસે આવ્યા છે. અંજલી અને શ્રુતિ બંને કન્યાઓ લગ્ન માટે તૈયાર છે. તો આપની સલાહ પ્રમાણે અનિકેતે કોની સાથે લગ્ન કરવાં જોઈએ ? અનિકેતે નિર્ણય મારા ઉપર છોડ્યો છે. " ગુરુજીએ શબ્દોના તરંગો મોટા દાદા તરફ મોકલ્યા.

" અંજલીના લગ્નને હજુ ત્રણ વર્ષની વાર છે. એના લગ્ન વિદેશમાં જ સેટલ થયેલા એક ધનાઢ્ય પરિવારમાં થશે. અનિકેતની સુજાતા બિલ્ડર્સ કંપનીને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એ કંપની એની પોતાની માલિકીની જ થઈ જશે. શ્રુતિ સારી કન્યા છે અને ધર્મપરાયણ છે. એની સાથે અનિકેત આગળ વધી શકે છે." વલ્લભભાઈએ સ્પષ્ટ જવાબ આપી દીધો.

" અને અનિકેતને એ પણ કહેજો કે એ હવે એના આત્મકલ્યાણ ઉપર ધ્યાન આપે. માત્ર બિઝનેસ માટે એનો જન્મ થયો નથી. એણે ઘણાં કાર્યો કરવાનાં છે. પોતાને મળેલી સિદ્ધિઓથી લોકોનું પણ થોડું કલ્યાણ કરે. અનિકેત એ કોઈ સામાન્ય જીવ નથી." મોટા દાદા બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)