Sapnana Vavetar - 1 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 1

સપનાનાં વાવેતર પ્રકરણ 1


રાજકોટમાં કાલાવડ રોડ એક સમૃદ્ધ એરિયા ગણાય છે. આ જ કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરથી સહેજ આગળ જતાં ઉમિયા ચોક આવે છે. ત્યાંથી જમણી બાજુ વળીને સહેજ આગળ જાઓ એટલે પારસ સોસાયટીનો વિસ્તાર શરૂ થાય છે.

આ પારસ સોસાયટીની શેરી નંબર ૩ માં હરસુખભાઈ માવાણીનો બંગલો આવેલો છે. માવાણી શેઠ એટલે એક જમાનામાં મશીન ટુલ્સમાં મોટું નામ. બ્રાસમાંથી મશીન ટુલ્સ બનાવવાની ફેક્ટરી એમણે ભક્તિનગરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ૪૫ વર્ષ પહેલાં નાખેલી. એ પછી તો એ જાતજાતનાં મશીનો પણ બનાવતા ગયા. એમાં ને એમાં એ ૮ ૧૦ કરોડના આસામી બની ગયા.

હરસુખભાઈ શરૂઆતમાં ભક્તિનગર સોસાયટીમાં જ રહેતા હતા. પરંતુ કાલાવડ રોડનું ડેવલપમેન્ટ જોઈને એમણે વર્ષો પહેલાં જ અહીં પારસ સોસાયટીમાં ૩ નંબરની શેરીની અંદર સ્વતંત્ર પ્લોટ લઈ લીધો અને રોડ ટચ આલીશાન બંગલો બનાવી દીધો.

આ જ બંગલામાં આજે સવારે દસ વાગ્યાના સુમારે એક અગત્યની મીટીંગ ગોઠવાઈ હતી. મિટિંગમાં ૭૫ વર્ષની ઉંમરે પહોંચેલા હરસુખભાઈ, એમનાં પત્ની કુસુમબેન, ૫૦ વર્ષનો દીકરો મનોજ, ૪૫ વર્ષની પુત્રવધુ આશા અને બે યુવાન દીકરીઓ કૃતિ અને શ્રુતિ બેઠેલાં હતાં. બધાંની નજર ગૌરીશંકર શાસ્ત્રી ઉપર હતી !

વાત જાણે એમ હતી કે રાજકોટના હરસુખભાઈની મોટી પૌત્રી કૃતિ માટે મુંબઈના અતિ ધનાઢ્ય કહી શકાય એવા પરિવારમાંથી માંગુ આવ્યું હતું. કૃતિ માટે માગું નાખનાર ધીરુભાઈ વિરાણી હરસુખભાઈના જૂના મિત્ર જ હતા.

ઘણાં શ્રીમંત પરિવારોની નજર આ ધીરુભાઈના ઘર ઉપર હતી. છતાં પોતાના પૌત્રનો સંબંધ બાંધવા માટે ધીરુભાઈએ એમના જૂના મિત્ર હરસુખભાઈની પસંદગી કરી હતી. વિરાણી પરિવાર મુંબઈના થાણામાં વસંત વિહાર એરિયામાં સ્થાયી થયો હતો અને વર્ષોથી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતો.

ધીરુભાઇનો પૌત્ર અનિકેત ચાર વર્ષ અમેરિકા રહીને આર્કિટેક્ચરનું ભણ્યો હતો છતાં ખૂબ જ સંસ્કારી હતો. માતા પિતાના સંસ્કાર હતા એટલે લગ્ન માટે માતાપિતાની પસંદગી એ જ એની પસંદગી હતી ! કરોડોપતિ હતો છતાં આજ સુધી એ છોકરીઓના કોઈ ચક્કરમાં આવ્યો ન હતો.

લગ્નની ઉંમર થઈ ગઈ હતી એટલે અનિકેત માટે સારું પાત્ર શોધવાનું ધીરુભાઈએ શરૂ કરી દીધું હતું. એમની પાસે વાતો પણ ઘણી આવતી હતી પરંતુ એક લગ્ન પ્રસંગમાં એમની નજર અચાનક રાજકોટના પોતાના સ્કૂલમિત્ર હરસુખભાઈની પૌત્રી કૃતિ ઉપર ઠરી હતી.

બન્યું હતું એવું કે બે મહિના પહેલાં જ એક લગ્ન પ્રસંગે એમને રાજકોટ જવાનું થયું હતું ત્યારે એ લગ્નમાં રૂપ રૂપના અંબાર જેવી કૃતિને એમણે જોઈ હતી. આગલી રાત્રે રાસ ગરબામાં પણ કૃતિને ગાતી એમણે સાંભળી હતી. એમણે આ સુંદર છોકરી વિશે પોતાના સ્થાનિક સંબંધીને પૂછ્યું હતું ત્યારે ખબર પડી હતી કે એ હરસુખભાઈ માવાણીની પૌત્રી કૃતિ હતી ! કૃતિ એમના મનમાં વસી ગઈ હતી. હરસુખભાઈ એ પ્રસંગે ત્યાં હાજર ન હતા નહીં તો ત્યાં જ એમણે વાત કરી દીધી હોત.

બહુ વિચાર્યા પછી કૃતિ માટે વાત કરવા જ ધીરુભાઈએ ત્રણ દિવસ પહેલાં સવાર સવારમાં હરસુખભાઈને ફોન કર્યો હતો.

"હરસુખભાઈ... થાણાથી ધીરુભાઈ વિરાણી બોલું છું. " ધીરુભાઈ બોલ્યા.

"અરે ધીરુભાઈ તમે !! આજે વર્ષો પછી તમારો અવાજ સાંભળવા મળ્યો !" હરસુખભાઈ આશ્ચર્યથી બોલ્યા.

" જૂના મિત્રોને યાદ તો કરવા જ પડે ને ! તબિયત કેમ છે તમારી ? " ધીરુભાઈ બોલ્યા.

" રાજકોટનાં હવા પાણી હોય એટલે તબિયત ઘોડા જેવી. બોલો શેઠ મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો. " હરસુખભાઈ હસીને બોલ્યા.

" અરે રાજકોટના શેઠ તો તમે છો હરસુખભાઈ. ગર્ભશ્રીમંત તો તમે જ હતા. અમે તો દોરી લોટો લઈને મુંબઈ આવેલા અને આજે બે પાંદડે થયા. " ધીરુભાઈ બોલ્યા.

" તમારી તુલના અમારાથી ના થાય. તમે અમારાથી ઘણા આગળ નીકળી ગયા શેઠ. હુકમ ફરમાવો." વાતમાં વધુ મોણ નાખ્યા વગર હરસુખભાઈ બોલ્યા.

"તમે તો જાણો છો કે પ્રશાંતનો દીકરો અનિકેત હવે મોટો થઈ ગયો છે અને ધીમે ધીમે અમારો કન્સ્ટ્રક્શનનો ધંધો એ સંભાળી રહ્યો છે. હમણાં જ અમેરિકાથી આર્કિટેક્ચર ભણીને આવ્યો છે. ભગવાને ઘણું આપ્યું છે. બસ એક સંસ્કારી દીકરી ઘરમાં આવી જાય પછી ઈશ્વર પાસે કંઈ માગવું નથી. મને પણ ૭૫ થવા આવ્યાં. પૌત્રના હાથ પીળા કરી દેવાનો સમય પાકી ગયો છે અને મારી નજર તમારી કૃતિ ઉપર છે. જો એનો વિવાહ ક્યાંય ન કર્યો હોય તો ! " ધીરુભાઈ બોલ્યા.

"તમારો ફોન સામેથી આવે અને મારે ના પાડવાનું કોઈ કારણ હોય ખરું ? કૃતિની કોઈ જ વાત ક્યાંય ચાલતી નથી. એમબીએ થઈ ગઈ છે. સંગીત નૃત્ય જેવી કળાઓમાં પણ પારંગત છે. વહીવટી કુશળતા પણ એનામાં ઘણી સારી છે. રસોઈમાં પણ એટલી જ અમે એને કેળવી છે જેથી દીકરી ક્યાંય પાછી ના પડે. " હરસુખભાઈ બોલ્યા.

"હરસુખભાઈ તમારા સંસ્કાર હું ક્યાં નથી જાણતો ? એટલા માટે તો અનિકેતને પરણાવવાનો સમય પાક્યો એટલે સૌથી પહેલો ફોન તમને કર્યો. " ધીરુભાઈ બોલ્યા.

"તમારા ફોનને હું વધાવી લઉં છું. બસ એક કામ કરો. દીકરાની જન્મ તારીખ જન્મ ટાઇમ વગેરે મોકલી આપો. કારણ કે જ્યોતિષમાં હું બહુ જ માનું છું. એકવાર ગૌરીશંકર શાસ્ત્રીને બંનેની કુંડળી બતાવી દઉં. જો કુંડળી મળતી હોય તો છોકરા છોકરીની મીટીંગ ગોઠવી દઈએ." હરસુખભાઈ બોલ્યા.

"હજુ આજના જમાનામાં પણ તમે આ બધામાં આટલું બધું માનો છો ? જોડીઓ તો ઉપરથી લખાઈને આવે છે હરસુખભાઈ. ગુણાંક જોઈને કંઈ ઘર સંસાર થોડો મંડાય ? આજના જમાનામાં થોડા પ્રેક્ટીકલ બનવું પડે છે. જમાનો બહુ આગળ વધી ગયો છે. " ધીરુભાઈ બોલ્યા.

"તમે કોઈ ચિંતા ના કરશો. હું એટલો બધો જૂનવાણી પણ નથી. કદાચ થોડું ઓગણીસ વીસ હશે તો પછી કંઈક વિધિ વિધાન કરાવી લઈશું. " હરસુખભાઈ હસીને બોલ્યા.

ધીરુભાઈને અંદરથી હરસુખભાઈની આ વાત બહુ ગમી નહીં. છતાં એમનો આટલો બધો આગ્રહ છે તો તારીખ ટાઈમ મોકલવામાં શું વાંધો ? એમણે તરત જ હરસુખભાઈને અનિકેતની જન્મ તારીખ ટાઈમ વગેરે લખાવી દીધાં સાથે સાથે અનિકેતના કેટલાક ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ ઉપર મોકલી આપ્યા.

આજે એટલા માટે જ ગૌરીશંકર શાસ્ત્રીને હરસુખભાઈએ પોતાના ઘરે બોલાવ્યા હતા અને અત્યારે બધાની નજર શાસ્ત્રીજી તરફ હતી. ઘરના બધા જ સભ્યો જાણતા હતા કે ઘરના મોભી હરસુખભાઈ જ્યોતિષમાં બહુ જ માને છે અને કુંડળી મળતી હશે તો જ હા પાડશે.

ધીરુભાઈએ મોબાઈલમાં અનિકેતના જે ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા એ કૃતિએ જોયા હતા અને કૃતિને અનિકેત ખૂબ જ ગમી ગયો હતો. વિદેશમાં આર્કિટેક્ટ થયેલો આટલો ધનાઢ્ય નબીરો કૃતિને ગુમાવવો પાલવે તેમ ન હતો. કૃતિ ખૂબ જ મહત્વકાંક્ષી હતી. એની લાઈફ સ્ટાઈલ પણ ખૂબ વૈભવી હતી ! ૨૫ વર્ષની થઈ ગઈ હતી પરંતુ ૧૮ વર્ષની ઉંમરથી ગાડી ચલાવતી હતી.

' હે હનુમાન દાદા કુંડળીઓ મળી જાય અને ગોર મહારાજ હા પાડે તો આજે જ સાંજે આવીને દર્શન કરી જઈશ.' કૃતિ મનોમન સતત પ્રાર્થના કરતી હતી.

ગૌરીશંકર શાસ્ત્રી ખૂબ જ ઊંડાણ પૂર્વક બંને કુંડળીઓનો અભ્યાસ કરી રહ્યા હતા. થોડીવાર સુધી તો એમણે ગણતરીઓ કરી રાખી અને પછી પોતાનો નિર્ણય જણાવી દીધો.

"હરસુખભાઈ આ લગ્ન નહીં થઈ શકે. વરને ભારે મંગળ છે. જ્યારે કન્યાને મંગળ કે શનિ કંઈ જ નથી. આટલો બધો ભારે મંગળ હોય ત્યારે આ સંબંધ ના થઈ શકે. " ગૌરીશંકર શાસ્ત્રીજીએ પોતાનો અભિપ્રાય આપી દીધો. એ સાથે જ આખા ઘરમાં જાણે કે સોપો પડી ગયો.

કૃતિને તો આ શાસ્ત્રીજી ઉપર એટલો બધો ગુસ્સો આવ્યો કે જો દાદા ત્યાં ના બેઠા હોત તો એણે શાસ્ત્રીજી સાથે ઘણી દલીલો કરી હોત ! પરંતુ દાદા બેઠા હતા એટલે વધારે કંઈ બોલી શકી નહીં.

"તમે બરાબર જુઓ શાસ્ત્રીજી. મારી ઈચ્છા છે કે ધીરુભાઈના ઘરે જ આ સંબંધ બંધાય. છોકરો હાથમાંથી જવા દેવાય એવો નથી. એમના ત્યાં દીકરીઓની લાઈન લાગે છે તો પણ એમણે મારી કૃતિ માટે માગું નાખ્યું. " હરસુખભાઈ બોલ્યા.

દાદાની વાત સાંભળીને કૃતિને દાદા ઉપર ખૂબ જ વહાલ ઉભરાઈ આવ્યું. મન તો એવું થયું કે દાદાને જઈને વળગી પડું !

" મેં બહુ બધું વિચાર્યા પછી જ મારો નિર્ણય આપ્યો છે હરસુખભાઈ. જો થોડો ઘણો દોષ હોત તો હું એના માટે પૂજા પાઠ કરી લેતો પરંતુ મંગળ એટલે મંગળ ! અને આ મંગળ તો પાછો મુરતિયાના લગ્ન જીવનના સ્થાનમાં જ બેઠેલો છે. ના કરાય હરસુખભાઈ." શાસ્ત્રીજી બોલ્યા.

હરસુખભાઈએ પોતાની પૌત્રી કૃતિ સામે મજબૂર આંખે જોયું. એ પોતે પણ શાસ્ત્રીજીની વાત સાંભળી થોડા અપસેટ થઈ ગયા હતા. ધીરુભાઈને કોઈપણ હિસાબે નારાજ કરી શકાય તેમ ન હતા. લાખ રૂપિયાનો સંબંધ બગડી જાય. આટલા બધા કુટુંબોને બાજુમાં મૂકી એમણે મને ફોન કર્યો છે હવે એમને ના કેવી રીતે પાડવી ? અને એ તો પાછા જ્યોતિષમાં માનતા જ નથી. હરસુખભાઈ બરાબરના ધર્મસંકટમાં મૂકાઈ ગયા.

"શાસ્ત્રીજી કંઈક વચલો રસ્તો કાઢો. કારણ કે મારાથી ધીરુભાઈને ના પાડી શકાય એમ નથી. આટલું સારું ઘર જવા દેવાની મારી ઈચ્છા પણ નથી. ના પાડવાથી અમારા સંબંધો બગડી જશે. આ તો જ્યોતિષમાં હું આટલું બધું માનું છું એટલા માટે તમને બોલાવ્યા. ગ્રહ, શાંતિ, પૂજા, પાઠ, હોમ, હવન જે કરવું હોય એ કરો. પૈસાની ચિંતા ના કરશો પરંતુ તમારા આ મંગળને શાંત કરો." હરસુખભાઈ થોડા આવેશમાં આવીને બોલ્યા.

"હરસુખભાઈ કોઈ જ નિવારણ નથી. મેં મારો નિર્ણય આપી દીધો છે. તમે આ સંબંધ ના કરો તો સારું. આનાથી વધારે મારે હવે કંઈ જ કહેવાનું નથી." શાસ્ત્રીજી બોલ્યા.

"માની લો કે આ સંબંધ અમે કરીએ તો વધુમાં વધુ શું થાય ? કારણ કે એ પરિવાર એવો છે કે ત્યાં દૂધમાં સાકર ભળે એમ મારી દીકરી ભળી જવાની છે. એટલે બંને વચ્ચે ઝઘડા થવાનો તો કોઈ સવાલ છે જ નહીં." હરસુખભાઈ બોલ્યા.

"દીકરી જ ગુમાવી દેવી પડે વડીલ. વરનો મંગળ એટલો બધો ભારે છે અને પાછી એના ઉપર બીજા પાપ ગ્રહની દ્રષ્ટિ છે એટલે કન્યાએ જીવ ગુમાવી દેવો પડે. " શાસ્ત્રીજીએ છેવટે ધડાકો કર્યો.

હવે કોઈએ કંઈ બોલવા જેવું રહ્યું નહીં. હરસુખભાઈ ખૂબ જ અપસેટ થઈ ગયા. એમણે શાસ્ત્રીજીને ૧૦૦૧ દક્ષિણા આપી દીધી અને પગે લાગીને રવાના કર્યા.

"દાદા હું તો ત્યાં જ લગ્ન કરવાની. ભલે ગમે તે થાય. મરવાનું તો છે જ એક દિવસ. ગોરબાપાના કહેવાથી હું મારો નિર્ણય નહીં બદલું. " કૃતિ બોલી અને મ્હોં ફૂલાવી પોતાના બેડરૂમમાં જતી રહી. એની નાની બેન શ્રુતિ પણ એની પાછળ પાછળ ગઈ.

" પપ્પા શું આ શાસ્ત્રીજીનું જ્યોતિષ સાચું હોય છે ? " અત્યાર સુધી ચૂપ બેઠેલો મનોજ બોલ્યો. એને પોતાની લાડકી દીકરીની નારાજગી ગમી નહીં.

"જો બેટા જ્યોતિષીઓ એ કંઈ ભગવાન નથી હોતા. એ ગ્રહોનું ગણિત માંડીને આગાહી કરતા હોય છે. છતાં ગૌરીશંકર શાસ્ત્રીની વાત કરું તો એમની વાણી કદી ખોટી પડતી નથી. મારા તો એટલા બધા અનુભવો છે કે હું તને શું કહું ? એ જે કહે એમાં મીન મેખ ના થાય. " હરસુખભાઈ ભૂતકાળ યાદ કરીને બોલી રહ્યા હતા.

" તારો જન્મ થયો ત્યારે અઠવાડિયા પહેલા જ મને કહી દીધેલું કે સાતમના દિવસે સાંજે સંધ્યાકાળે દીકરો આવશે અને એના જનમ પછી એક જ અઠવાડિયામાં તમને મોટો ધન લાભ થશે. તારા જન્મ પછી અઠવાડિયામાં જ એક કોર્ટ કેસ હું જીતી ગયો અને એ જમાનામાં લાખો રૂપિયા મળ્યા. " હરસુખભાઈ બોલ્યા.

"છતાં દરેક આગાહી સાચી જ પડે એવું તો ના હોય ને પપ્પા ! " મનોજ બોલ્યો.

" પણ આપણાથી આપણી લાડકી દીકરીને મોતના કૂવામાં તો ના ધકેલી દેવાય ને ? એમણે સ્પષ્ટ કહી દીધું કે દીકરી ગુમાવવાની તૈયારી રાખવાની. હવે કેવી રીતે આપણે હા પાડવી ?" હરસુખભાઈ બોલ્યા.

" કોઇક તો રસ્તો કાઢવો જ પડશે પપ્પા. આપણે બીજા કોઈ અનુભવી જ્યોતિષીની સલાહ લઈએ. ભલે શાસ્ત્રીજી સાચા હોઈ શકે પણ બીજો અભિપ્રાય લેવામાં શું વાંધો ? " મનોજ બોલ્યો.

"ઠીક છે મને વાંધો નથી. હું તો માત્ર આ ગૌરીશંકરભાઈ ને વર્ષોથી ઓળખું છું. રાજકોટમાં બીજા કોઈ જ્યોતિષી વિશે મને કંઈ ખબર નથી. તારા ધ્યાનમાં કોઈ હોય તો જોઈ લે. " હરસુખભાઈ બોલ્યા.

" એક શુકલ કાકા છે મારા ધ્યાનમાં. મારો એક મિત્ર છે એ તો એમને જ માને છે. અને એના કહેવા પ્રમાણે એમની બધી આગાહીઓ સાચી પડે છે. રઘુવીરપરામાં રહે છે. " મનોજ બોલ્યો.

" ઠીક છે તો પછી એમને તું મળી લે અને બને તો ઘરે જ બોલાવી લે એટલે બધાની હાજરીમાં જ ચર્ચા થઈ શકે." હરસુખભાઈએ સંમતિ આપી.

બે દિવસ પછી એ જ બંગલામાં એ જ ડ્રોઈંગ રૂમમાં પરિવાર ફરી ભેગો થયો. આ વખતે શાસ્ત્રીજીની જગ્યાએ શુકલ કાકા હતા. ઉંમર લગભગ ૬૦ આસપાસ લાગતી હતી. વ્યક્તિત્વ એકદમ સૌમ્ય હતું.

"શુકલ જી... મારા દીકરાએ તમને વાત કરી જ હશે. હવે અમને અમારી દીકરીના કેસમાં તમારો અભિપ્રાય જોઈએ છે. સારા ઘરનું માગુ આવ્યું છે. અમારી ઈચ્છા ત્યાં જ કરવાની છે. તમે બંને કુંડળીઓ બરાબર જોઈ લો. અમારે આગળ વધવું કે નહીં એનો સ્પષ્ટ અભિપ્રાય આપો. અને ગ્રહો ના મળતા હોય તો એનું નિવારણ શું એ બધું જ અમારે જાણવું છે. " હરસુખભાઈએ પૂર્વભૂમિકા કહી.

શુકલ કાકાએ બંને કુંડળીઓ હાથમાં લીધી અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો ચાલુ કર્યો. લગભગ દસેક મિનિટ સુધી બંને કુંડળીઓનું એમણે અવલોકન કર્યું.

" વડીલ છોકરાને ખૂબ જ ભારે મંગળ છે અને એ પત્ની સ્થાનમાં જ બેઠેલો છે. દીકરીને મંગળ કે શનિ કંઈ જ નથી. મારી અંગત સલાહ એવી છે કે આ સંબંધમાં આગળ ના વધાય. આટલો બધો ભારે મંગળ હોય એ પત્ની માટે ઘાતક પુરવાર થાય." શુકલ કાકા બોલ્યા.

"પંડિતજી આ મંગળને શાંત કરવાનો કોઈ જ રસ્તો નથી ? મારે મારી આ દીકરીને આ છોકરા સાથે જ પરણાવવી છે તો તમે એવો કોઈ રસ્તો બતાવો. ભલે ગમે એટલો ખર્ચ થાય." મનોજ બોલ્યો.

"જુઓ આપણે વિધિ વિધાન કરીએ, હોમ હવન કરીએ અને આ મંગળને શાંત કરવા પ્રયત્ન કરીએ તો પણ હું એની કોઈ ગેરંટી ના આપું કે એ કર્યા પછી દીકરીને કોઈ નુકસાન નહીં થાય ! જેવાં લગ્ન થશે કે તરત જ એનો મંગળ જાગૃત થઈ જશે. બીજો એક આધુનિક રસ્તો છે પણ એ રસ્તો આપણી સંસ્કૃતિમાં નથી." શુકલ કાકા બોલ્યા.

"અરે પણ તો બોલો ને ? એવો તે કયો રસ્તો છે કે જે આપણી સંસ્કૃતિમાં નથી ? " હરસુખભાઈ બોલી ઉઠ્યા.

" આપણા ભારતીય સંસ્કારો લગ્નના છે વડીલ. અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી વેદમંત્રોથી પતિ પત્ની લગ્નગ્રંથિથી જોડાય છે અને એકબીજાનાં થઈ જાય છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં બતાવેલી વેદોક્ત પદ્ધતિથી લગ્ન કર્યા વગર માત્ર મૈત્રી સંબંધની જેમ જો છોકરો અને છોકરી પતિ પત્નીની જેમ રહે તો આ મંગળ નડી ના શકે. લગ્નની કોઈપણ જાતની વિધિ કર્યા વગર કે કોર્ટ મેરેજ કર્યા વગર બે મિત્રોની જેમ કાયમ સાથે રહેવાનું અને સંસાર પણ ભોગવવાનો." શુકલકાકાએ વ્યવહારુ રસ્તો બતાવ્યો.

"પણ એવું તો કઈ રીતે બને ? બંને પરિવારો સુખી અને શ્રીમંત છે. વાજતે ગાજતે ધામધૂમથી હજારો મહેમાનોની હાજરીમાં લગ્ન થવાનાં. વિડિયો શૂટિંગ થવાનાં. એટલે તમે કહો છો એમ બે મિત્રોની જેમ સાથે રહેવાનું તો શક્ય જ નથી. " હરસુખભાઈ બોલ્યા.

" મંગળને દૂર રાખવાનો બસ આ જ એક માત્ર રસ્તો છે. વિધિપૂર્વક પતિ પત્ની બનશે તો મંગળ એની ભૂમિકા ચોક્કસ ભજવશે." શુકલ કાકાએ પોતાનો નિર્ણય આપી દીધો.

પરિવારના બધા જ સભ્યો એક બીજાની સામે જોઈ રહ્યા !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED