પ્રેમ - નફરત - ૧૧૫ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૧૧૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧૫

પોતાની માઇન્ડ મોબાઇલ કંપની બંધ થઈ ગઈ છે એ વાત જાણીને રચનાનું મગજ ચકરાઈ ગયું. આટલી મોટી ઘટના બની અને એ એનાથી એકદમ અજાણ છે? આરવે પણ એને જાણ ના કરી? એવા કયા સંજોગ ઊભા થયા હશે કે એવું તે કયું કારણ આવ્યું હશે કે કંપની બંધ થઈ ગઈ છે? કે પછી આર્થિક સંકટમાંથી ઉગરવા વેચી દીધી હશે? પોતે એના પાયામાં લૂણો તો લગાવી જ દીધો હતો. હવે કોઈ મોટા ટેકા વગર કંપની ઊભી રહી શકે એમ ન હતી.

માઇન્ડ મોબાઇલ કંપની બંધ થઈ ગઈ છે એ વાત જાણીને રચનાને પહેલાં આંચકો લાગ્યો હતો પણ પછી એને થયું કે આ વાત તો ખુશીની છે. ટાઢા પાણીએ ખસ ગયા જેવુ થયું છે. પોતે માઇન્ડ મોબાઇલ નામની કંપનીને ડૂબાડવા એના જહાજમાં છેદ કરી રહી હતી. હવે તો એમનું જહાજ આપમેળે જ ડૂબી ગયું છે. આતો ખુશ થવાના સમાચાર છે. પોતે તો નાચવું જોઈએ કે પોતાના ધ્યેયમાં સફળ થઈ છે.

વિચારોમાં ગરકાવ રચનાને થયું કે કંપની બંધ થવાનું સાચું કારણ જાણીને જ ખબર પડશે કે આગળ શું કરવું જોઈએ. એણે આરવને ફોન કરવાનું વિચાર્યું પણ પછી એમ વિચારીને ના કર્યો કે એને રૂબરૂ મળીને વાત જાણવી જોઈએ. પછી વળી એમ થયું કે મીતાબેનને આ ખુશખબર સૌથી પહેલાં રૂબરૂ મળીને આપવા જોઈએ.

રચનાએ કારને પાછી પોતાના બંગલા તરફ વાળી લીધી.

રચનાને તરત પાછી આવેલી જોઈ મીતાબેનના દિલમાં ધ્રાસ્કો પડ્યો. પણ એને હસતી જોઈ નવાઈથી ચાર સવાલ પૂછી નાખ્યા:બેટા, કેમ પાછી આવી? કશું ભૂલી ગઈ છે? કંપની પર ના ગઈ? અને આટલી ખુશ કેમ છે?’

મા, પહેલાં સાકર લાવ... રચનાએ ખુશ થઈને કહ્યું:મોં મીઠું કરવા જેવા સમાચાર છે.

ખુશીના સમાચાર છે?’ મીતાબેન વધારે ગુંચવાયા.

હા, અમારી માઇન્ડ મોબાઇલ કંપનીને તાળું લાગી ગયું છે. કંપની કાયમ માટે બંધ થઈ ગઈ છે. આપણે જે કામ કરવું હતું એ થઈ ગયું છે. એ કેવી રીતે થયું એની ખબર નથી. આપણે તો મમ મમ સાથે મતલબ છે ટપ ટપ સાથે નહીં. રચના ઉત્સાહ અને આનંદથી ઉછળી રહી હતી.

આમ રાતોરાત કંપની કેવી રીતે બંધ થઈ ગઈ? તને કેવી રીતે ખબર પડી?’ મીતાબેન નવાઈ પામીને પૂછી રહ્યા.

કારણની તો મને પણ ખબર નથી. હું કંપની પર ગઈ ત્યારે બંધ હતી. મેં સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું ત્યારે ખબર પડી કે કંપની કાયમ માટે બંધ થઈ ગઈ છે. આપણી મહેનત રંગ લાવી છે. જેમણે મારા પિતાની જિંદગી છીનવી લીધી હતી એના હાથમાંથી એ કંપની આખરે છીનવાઈ ગઈ છે. જોયું? કુદરત પણ આપણાંને સાથ આપી રહી છે. રચનાના સ્વરમાં સફળતા મળી હોય એટલો ઉત્સાહ હતો.

તું લખમલભાઈના ઘરે ગઈ નહીં?’ મીતાબેને પૂછ્યું. એમને લાગી રહ્યું હતું કે હવે રચના ક્યારેય એમના ઘરે જશે નહીં.

પહેલાં હું તને આ સારા સમાચાર આપવા રૂબરૂ આવી છું. હવે કારણ જાણવા મારા સાસરે જાઉં છું. આ સાસરું પણ કંપનીની જેમ બે દિવસ માટે જ હશે!’ રચના હસીને બોલી અને નીકળી ગઈ.

રચના ઉતાવળે લખમલભાઈના ઘરે પહોંચી અને દરવાજામાં પ્રવેશ કર્યો કે સામે જ આરવ મળી ગયો. રચનાને એમ હતું કે એ ઉદાસ અને દુ:ખી હશે. પણ એના ચહેરા પર સરળ હાસ્ય રેલાયું. જાણે કંઇ જ બન્યું ના હોય એમ એણે કહ્યું:આવ રચના, તારી તબિયત કેવી છે?’

સારી છે... પણ કંપની કેમ બંધ થઈ ગઈ છે? રચનાએ સહેજ અફસોસ અને દુ:ખના સ્વરે પૂછ્યું. એને થયું કે મેં કંપનીને માંદી તો કરી જ દીધી હતી. હવે એનામાં જીવ જ રહ્યો નથી.

તું પહેલાં કંપની પર ગઈ હતી? ત્યાં જવાની શું જરૂર હતી?’ આરવ નવાઈ સાથે સહજ સ્વરે પૂછી રહ્યો.

રચના આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગઈ. આરવ આવું કેમ પૂછી રહ્યો છે?

ક્રમશ: