ભૂતખાનું - ભાગ 16 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 16

( પ્રકરણ : ૧૬ )

જેકસનની આંખોની કીકીઓ અધ્ધર ચઢી ગઈ, અને તેનું શરીર એકદમથી અક્કડ થઈ ગયું, એટલે આરોન આગળ વધીને પોતાના હાથમાંનું સફેદ કપડું જેકસનના માથા પર ઓઢાડવા ગયો હતો, ત્યાં જ જાણે જેકસન કોઈ પૈડાંવાળી વસ્તુ પર બેઠો હોય અને એ વસ્તુ જેકસનને પાછળની તરફ સરકાવી ગઈ હોય એમ જેકસન એકદમથી જ પાછળની તરફ સરકી ગયો હતો અને તેની પીઠ દીવાલ સાથે ટકરાઈ હતી.

અને બરાબર આ પળે જ રૂમની બધી જ લાઈટો બંધ થઈ ગઈ હતી.

રૂમમાં આ રીતના એકદમથી અંધારું છવાઈ ગયું, એટલે સ્વીટીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ : ‘મમ્મી !’

‘હું અહીં જ છું, સ્વીટી !’ પામેલાએ સ્વીટીને જવાબ આપ્યો, પણ એનો અવાજ પણ ભયથી થડકતો હતોે.

‘મમ્મી ! તું અમારી નજીકમાં જ રહેજે !’ મરીનાનો અવાજ સંભળાયો.

‘હા !’ મરીનાએ જવાબ આપ્યો, ને પાછી શાંતિ છવાઈ ગઈ.

જોકે, રૂમમાં ફુંકાઈ રહેલા પવનના સુસવાટા તો સંભળાઈ જ રહ્યા હતા.

‘આરોન ! તમે તો અહીં જ છો ને ?!’ પામેલાએ ઉચાટભર્યા અવાજે પૂછયું,

અને જવાબમાં આરોન પોતાની અલગ ભાષામાં જાણે કોઈ મંત્રો બોલી રહ્યો હોય એવો એનો અવાજ સંભળાવા લાગ્યો.

આરોન અંધારા રૂમમાં હાજર હતો, અને હજુ પણ તે જેકસનના શરીરમાં દાખલ થઈ ગયેલી એ સ્ત્રીની પ્રેતાત્માને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યો હતો, એ જાણીને પામેલાએ રાહત અનુભવી. જોકે, ‘જેકસનના શરીરમાં દાખલ થઈ ગયેલી એ સ્ત્રીની પ્રેતાત્માએ અત્યાર સુધીમાં જેકસનના જીવને નુકસાન તો નહિ પહોંચાડ્યું હોય ને ?!’ એની ચિંતાએ પામેલાને પાછી કંપાવી મૂકી.

ત્યાં જ આરોનનો મંત્રો ભણવાનો અવાજ ઓર વધુ ઝડપી અને મોટો થયો, ત્યાં જ હવે લાઈટો ચાલુ થઈ અને ઝબકવા લાગી.

હોલ જેવડા મોટા રૂમમાં ઘડીકમાં અજવાળું, તો ઘડીકમાં અંધારું થવા લાગ્યું.

દરેક બીજી પળે પળવાર માટે થતા એ અજવાળામાં પામેલા, મરીના અને સ્વીટી જોઈ રહ્યાં.

-સામે દીવાલ પાસે જેકસન પગ લાંબા કરીને બેઠો હતો. તેની આંખોની કીકીઓ હજુ પણ અધ્ધર ચઢી ગયેલી હતી ને દેખાતી નહોતી. અને જાણે તેને ઈલેકટ્રીકનો જોરદાર કરંટ લાગી રહ્યો હોય એમ તે ધ્રુજી રહ્યો હતો-આંચકા ખાઈ રહ્યો હતો !

આ જોઈને જમીન પર બેઠેલી સ્વીટી ભયથી ચીસાચીસ કરવા માંડી.

આરોન સ્વીટી પાસે ઘુંટણિયે બેસી ગયો અને તેના હાથમાંનું પુસ્તક સામેની તરફ-જેકસન તરફ કરતાં તેણે મંત્રો બોલવાનું ચાલુ રાખ્યા.

થોડીક પળો વિતી પણ વાતવારણમાં કે, જેકસનની હાલતમાં કોઈ ફેરફાર-સુધારો થયો નહિ

હજુ પણ રૂમમાં તોફાની પવન ફુંકાઈ રહ્યો હતો ! હજુ પણ રૂમની લાઈટો ચાલુ-બંધ થઈ રહી હતી. અને એ પળવારના અજવાળા-અંધારામાં સામેની દીવાલને અડીને, પગ લાંબા કરીને બેઠેલો જેકસન જોઈ શકાતો હતો. તેની આંખોની કીકીઓ હજુ પણ એજ રીતના અધ્ધર ચઢેલી હતી, ને દેખાતી નહોતી. તેને કરંટ લાગી રહ્યો હોય એમ હજુ પણ એ ધ્રુજી રહ્યો હતો-આંચકા ખાઈ રહ્યો હતો.

આરોન હવે પોતાની ભાષામાં મંત્રો બોલવાનું બંધ કર્યું. તે તેને સામે બેઠેલા જેકસનના શરીરમાંની સ્ત્રીની પ્રેતાત્મા દેખાઈ રહી હોય એમ એ તરફ જોઈ રહેતાં પૂરા વિશ્વાસથી અને મોટેથી બોલ્યો : ‘મેં તને કહેલું ને કે, તારું જોર વધારે નહિ ચાલે ! ઈશ્વર અમને તારી શયતાનની જાળથી બચાવશે.’

અને આ સાથે જ જેકસનનું મોઢું એકદમથી પહોળું થયું, અને એમાંથી પેલું મોટી-મોટી પાંખો, મોટી-ગોળ આંખો અને બે લાંબા તીણાં દાંતવાળું વિચિત્ર અને ભયાનક જીવડું બહાર નીકળ્યું.

સ્વીટી વધુ મોટેથી ભયભરી ચીસો પાડવા માંડી.

મરીના ભયથી એની મમ્મી પામેલાને વળગી પડી, અને રડતી-થરથર કાંપતી જેકસન તરફ જોઈ રહી.

જેકસનના મોઢામાંથી એક પછી એક એ ભયાનક જીવડાં બહાર નીકળીને છત તરફ ઊડી જવા લાગ્યા ને છત પર ઘુમરાવા લાગ્યા.

‘ઈશ્વર અમારી સાથે છે !’ આરોન પૂરા વિશ્વાસ સાથે આગળ બોલ્યો : ‘એ અમારો શુભેચ્છક બનીને દરેક પગલે અમારું માર્ગદર્શન કરશે અને અમારું રક્ષણ કરશે ! એ જરૂર તારો ખાત્મો બોલાવશે !’

હવે જેકસનના મોઢામાંથી વધુ ઝડપે એક પછી એક ભયાનક જીવડાં બહાર નીકળવા લાગ્યા ને છત તરફ ઊડી જવા લાગ્યા.

સ્વીટી હજુ પણ ગળું ફાટી જાય એવી રીતના ચીસો પડી રહી હતી.

મરીના પણ રડતાં-રડતાં કાંપી રહી હતી.

પામેલાની હાલત પણ સારી નહોતી.

એનાથી જેકસનની આ હાલત જોવાતી નહોતી-સહેવાતી નહોતી. એ પોતાની વિખરાઈ રહેલી હિંમતને પરાણે ટકાવી રાખીને ઊભી હતી. ‘એ પોતે હિંમત હારી જાય એ એને પોસાય એમ નહોતું. એણે આ ભયાનક સ્થિતિમાં સ્વીટીને અને મરીનાને સાચવવાની સાથે જ, જેકસનને પણ આ ભયાનક હાલતમાંથી બહાર લાવવામાં માટે આરોનની પડખે ઊભા રહેવાનું હતું !

‘પણ શું જેકસન આમાંથી સહીસલામત બહાર નીકળી  શકશે ?! જે રીતના એના શરીરમાંથી ભયાનક જીવડાં બહાર નીકળી રહ્યા હતાં, એ જોતાં શું જેકસનનું શરીર અંદરથી સ્વસ્થ હશે ?!’ અને પામેલાએ એના મગજમાં દોડી રહેલા આ વિચારોને બ્રેક મારી અને મનોમન ઈશ્વર પાસે મદદ માંગતાં જેકસન સામે જોઈ રહી.

જેકસનના મોઢામાંથી હજુ પણ એક પછી એક ભયાનક જીવડાં બહાર નીકળીને છત તરફ ઊડી જઈ રહ્યા હતા.

‘ઈશ્વરનું નામ લઈને હું તને હુકમ કરું છું, તું જેકસનનું શરીર છોડી દે !’ આરોને જેકસન સામે જોઈ રહેતાં મોટેથી કહ્યું.

જવાબમાં જેકસનના શરીરમાં રહેલી સ્ત્રીની પ્રેતાત્મા તરફથી કોઈ વળતો જવાબ-હીલચાલ થઈ નહિ.

‘ઈશ્વરનું નામ લઈને હું તને ફરી હુકમ કરું છું, તું એનું શરીર છોડી દે, નહિતર તારે ખૂબ જ પસ્તાવવું પડશે !’ આરોન બોલ્યો, અને આ વખતે જાણે આરોનની આ ધમકીની અસર થઈ હોય એમ જેકસન ધ્રુજતો બંધ થયો-તેના મોઢામાંથી ભયાનક જીવડાં નીકળવાના ઓછા થયાં અને ઉપર છત પર ફરી રહેલાં અસંખ્ય જીવડાં પણ જાણે હવામાં ઓગળી જઈ રહ્યાં હોય એમ અદૃશ્ય થવા લાગ્યાં.

‘ઈશ્વરનું નામ લઈને હું તને ફરી એકવાર હુકમ કરું છું, તું એનું શરીર છોડીને બહાર આવી જા !’

અને જેકસનના મોઢામાંથી ભયાનક જીવડાં નીકળવાના બિલકુલ બંધ થઈ ગયાં.

છત પર ફરી રહેલાં બાકીના જીવડાં પણ અદૃશ્ય થઈ ગયાં.

જોકે, જેકસનનું ખુલ્લું મોઢું બંધ થયું નહિ, ઉલટાનું જાણે તેના મોઢામાંથી કોઈક બીજી-મોટી વસ્તુ બહાર નીકળવાની હોય એમ તેનું મોઢું વધુ પહોળું થયું, અને......

....અને !!!!!!!!

....અને જેકસનના વધુ પહોળા થયેલા મોઢામાંથી એ સ્ત્રીની પ્રેતાત્માના હાથનો પંજો બહાર નીકળ્યો.

આ જોઈને મરીનાનું માથું ચકરાઈ ગયું. એને ઊબકો આવ્યો ને એણે પામેલાના ખભા પર પોતાનો ચહેરો છુપાવી લીધો.

સ્વીટી પોતાની આંખો આગળ બન્ને હાથ ધરી રાખીને પાગલની જેમ ચીસો પાડવા માંડી.

પામેલાએ બેહોશીમાં સરકી જવા લાગેલી પોતાની જાતને પરાણે હોશમાં જાળવી રાખી. પોતાના ઢીલા પડી રહેલા પગને એણેે પરાણે સીધા રાખ્યા અને દુઃખ-દર્દ ને ભયભરી આંખે જેકસન તરફ જોઈ રહી.

જેકસનના પહોળા થયેલા મોઢામાંથી કાંડા સુધી નીકળેલા એ સ્ત્રીની પ્રેતાત્માના હાથે પોતાના પંજામાં જેકસનનો ચહેરો દબોચી લીધો.

‘તું આ જે કંઈ કરી રહી છે, એ છેવટે તને જ ભારે પડી જશે.’ આરોન બોલ્યો : ‘મારી વાત માની લે ! જેકસનને છોડી દે, એમાં જ તારી ભલાઈ છે !’

પણ જેકસનના મોઢામાંથી નીકળેલા એ સ્ત્રીની પ્રેતાત્માના હાથના પંજાએ જેકસનના ચહેરા પરની પોતાની પકડ ઢીલી કરી નહિ.

‘તું જેકસનને છોડી દે !’ આરોન બોલ્યો : ‘તું સીધી રીતના જેકસનને છોડી દઈશ, એના શરીરમાંથી બહાર નીકળી જઈશ તો હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે, એ તને નરકભરી દુનિયામાંથી મુક્તિ આપશે !’

સ્ત્રીની પ્રેતાત્માના હાથના પંજાની જેકસનના ચહેરા પરની પકડ સહેજ ઢીલી થઈ, પણ પંજાએ એને છોડયો નહિ.

‘ઈશ્વર અમારી સાથે છે ! એ અમારી મદદ કરશે !’ આરોન બોલ્યો : ‘તું મારી વાત પર ભરોસો કર ! મને વિશ્વાસ છે, ઈશ્વર મારી પ્રાર્થનાને કબૂલ  કરશે ! એ જરૂર તારા બધાં પાપને માફ કરશે ! તને માફી આપશે અને તને મુક્તિ મળે એવું કરશે.’

અને આ વખતે જાણે જેકસનના શરીરમાં રહેલી સ્ત્રીની આત્માને આરોનની વાત પર ભરોસો બેઠો હોય કે, પછી ગમે તેમ, પણ એના હાથના પંજાએ જેકસનનો ચહેરો છોડી દીધો, અને ધીમે-ધીમે એનો હાથ જેકસનના મોઢામાંથી બહાર નીકળવા લાગ્યો.

આરોન હવે પાછો પોતાની ભાષામાં મોટેથી મંત્રો ભણવા લાગ્યો.

સ્વીટી હવે ફફડતાં અવાજે ‘ડેડી ! ડેડી !’ બોલતાં જેકસન તરફ જોઈ રહી.

મરીના પણ હવે પામેલાના ખભામાં છુપાવેલો પોતાનો ચહેરો ફેરવીને જેકસન તરફ ભય ને ચિંતાભરી નજરે જોઈ રહી.

તો પામેલા પણ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી જેકસન સામે જોઈ રહી.

પવન હજુ પણ ફુંકાઈ રહ્યો હતો ! લાઈટ હજુ પણ બંધ-ચાલુ થઈ રહી હતી.

ઘડીકમાં અંધારું થતું હતું, અને ઘડીકમાં અજવાળું પથરાતું હતું.

પળવારના અજવાળામાં એ સ્ત્રીની પ્રેતાત્માનો હાથ જેકસનના પહોળા થયેલા મોઢામાંથી વધુને વધુ બહાર નીકળતો દેખાઈ રહ્યો હતો.

એ સ્ત્રીની પ્રેતાત્માનો હાથ છેક કોણી સુધી બહાર નીકળ્યો.

એ સ્ત્રીની પ્રેતાત્માનો હાથ સળગેલો હતો-જોઈને ચીતરી ચઢે એવો હતો.

એ સ્ત્રીની પ્રેતાત્માનો હાથ થોડો વધુ બહાર નીકળ્યો, અને પછી જેકસનના મોઢામાંથી એ સ્ત્રીની પ્રેતાત્માનું માથું બહાર નીકળ્યું અને પછી એકદમથી જ, એક જ પળમાં એ સ્ત્રીની પ્રેતાત્મા જેકસનના મોઢામાંથી બહાર નીકળીને જમીન પર આવી પડી. અને આ સાથે જ હવે લાઈટો બંધ થતી અટકી ગઈ. લાઈટો ચાલુ ને ચાલુ જ રહી. રૂમમાં અજવાળું પથરાયેલું રહ્યું.

એ સ્ત્રીની પ્રેતાત્માને જોઈને સ્વીટી ફરીથી ભયથી ચીસાચીસ કરવા લાગી.

મરીના પણ ફરીથી ભયથી કાંપતી પામેલાને જોશથી વળગી પડી.

-એ સ્ત્રીની પ્રેતાત્મા ખૂબ જ ભયાનક હતી !

-એનું શરીર સળગેલું હતું !

-એના હાથ-પગ સામાન્ય રીતના વળી શકે એ પોઝીશન ઉપરાંતના-ખૂબ જ ખરાબ રીતના વળેલા હતા !

-એનું માથું પણ ગરદન પર સીધે-સીધું નહોતું. એનું માથું પણ શરીરમાંથી અરેરાટી નીકળી જાય એટલી હદે ગરદન પરથી બીજી બાજુએ-પીઠની બાજુએ વળી ગયેલું હતું !

-એના માથા પરના મોટાભાગના વાળ પણ સળગી ગયેલા હતા. એના જે અમુક વાળ બચી ગયેલા હતા એ એની કદરૂપતામાં વધારો જ કરી રહ્યા હતા !

-એની આંખોનો સફેદીવાળો ભાગ એકદમથી કાળો થયેલો હતો, અને એની બન્ને કીકીઓમાં જાણે આગની જ્વાળા ભભૂકી રહી હોય એવી એ દેખાઈ રહી હતી.

એ સ્ત્રીની પ્રેતાત્મા જમીન પર ચાર પગે, ખૂબ જ વિચિત્ર અને ભયાનક હાલતમાં ઊભી-ઊભી આરોન તરફ રોષ અને ગુસ્સાભરી નજરે જોઈ રહી.

હવે સ્વીટીની સાથે જ મરીનાએ પણ ચીસાચીસ કરી મૂકી હતી.

પામેલા ચીસાચીસ નહોતી કરી રહી એટલું જ, બાકી એ પણ મનોમન સ્વીટી અને મરીના જેટલી જ ફફડી રહી હતી.

જેકસનના શરીરમાંથી નીકળેલી એ સ્ત્રીની પ્રેતાત્મા આરોન તરફ એવી રીતના જોઈ રહી હતી જાણે કે, એ હવે કોઈ પણ પળે આરોન પર હુમલો કરશે ! આરોન પર ત્રાટકી  પડશે ?!

‘જોે આ સ્ત્રીની પ્રેતાત્મા આરોન પર હુમલો કરશે તો ?! આ સ્ત્રીની પ્રેતાત્મા સ્વીટીના શરીરમાંથી નીકળીને જેકસનના શરીરમાં દાખલ થઈ ગઈ હતી, એમ હવે જેકસનના શરીરમાંથી નીકળીને એ આરોનના શરીરમાં., કે પછી, તેના કે, મરીનાના શરીરમાં દાખલ થઈ જશે તો ?’ પામેલાના મનમાં જાગી ગયેલા આ સવાલોએ પામેલાને પગથી માથા સુધી ધ્રુજાવી નાંખી-ખળભળાવી નાંખી.

એણે એને વળગીને ઊભેલી મરીનાને પોતાની ઓર વધુ નજીક ખેંચી.

એણે સ્ત્રીની પ્રેતાત્મા તરફથી નજર પાછી ખેંચીને સ્વીટી પાસે બેઠેલા આરોન તરફ જોયું.

આરોન પોતાના હાથમાંના પુસ્તક અને ટુવાલ જેવડા મોટા સફેદ કપડા સાથે ઊભો થયો.

તેણે પોતાની ભાષામાં મંત્રો બોલવાનું ચાલુ જ રાખ્યું. તે પોતાની નજરને સામે-ચાર પગે ઊભેલી અને તેને આગ ઓકતી નજરે તાકી રહેલી સ્ત્રીની પ્રેતાત્મા તરફ જમાવેલી રાખતાં નજીકમાં પડેલા પેલા લાકડાના મોટા બોકસ -‘ડિબૂક બોકસ’ પાસે પહોંચ્યો.

કોઈ ઝેરીલી નાગણ ફૂંફાડો મારે એમ સ્ત્રીની પ્રેતાત્માએ આરોન તરફ તાકી રહેતાં ફૂંફાડો માર્યો.

આરોન પ્રેતાત્મા તરફ નજર જમાવેલી રાખતાં ‘ડિબૂક બોકસ’ પાસે ઘુંટણિયે બેઠો અને તેણે ‘ડિબૂક બોકસ’નું ઢાંકણું ખોલ્યું.

સ્ત્રીની પ્રેતાત્માએ બે પગલાં પાછળ હટી જતાં ફરીથી જાણે ફૂંફાડો માર્યો.

આરોન ઊભો થયો. તે ડિબૂક બોકસ પાસેથી બે પગલાં દૂર હટયો અને સ્ત્રીની પ્રેતાત્મા તરફ તાકી રહેતાં હુકમભર્યા અવાજમાં બોલ્યો : ‘ચાલ, હવે ! તું પાછી આ બોકસમાં ચાલી જા !’

એ સ્ત્રીની પ્રેતાત્મા કંઈ બોલી નહિ કે, એ ‘ડિબૂક બોકસ’ તરફ આગળ પણ વધી નહિ. એ પોતાની જગ્યા પર એ જ રીતના ઊભી રહી અને આરોન તરફ આગ ઓકતી નજરે તાકી રહી.

‘તું મારી વાત નહિ માને તો...’ અને આરોન સ્ત્રીની પ્રેતાત્માને આગળ ધાક-ધમકી આપવા ગયો, ત્યાં જ એ સ્ત્રીની પ્રેતાત્મા ઢીલા અવાજે બોલી ઊઠી : ‘જાઉં છું, જાઉં છું, હું બોકસમાં !’ અને એ પ્રેતાત્મા ‘ડિબૂક બોકસ’ તરફ આગળ વધી.

હવે મરીના અને સ્વીટી ચીસો પાડતી રોકાઈ ગઈ. એ બન્ને જણીઓ તેમજ પામેલા ઊંચા જીવે સ્ત્રીની પ્રેતાત્માને ચાર પગે ‘ડિબૂક બોકસ’ તરફ આગળ વધતાં જોઈ રહી.

એ સ્ત્રીની પ્રેતાત્મા ‘ડિબૂક બોકસ’ની નજીક પહોંચીને ઊભી રહી.

પામેલા, મરીના અને સ્વીટી વધુ ઝડપે ધબકવા માંડેલા હૃદય સાથે સ્ત્રીની પ્રેતાત્મા સામે જોઈ રહી.

‘બસ ! હવે આ પ્રેતાત્મા પાછી ‘ડિબૂક બોકસ’માં ચાલી જશે અને આરોન બોકસને બંધ કરી દેશે એટલે તેમનો આ ભયાનક પ્રેતાત્માથી છુટકારો થઈ જશે !’ પામેલાના મગજમાં આ વિચાર પૂરો થયો, ત્યાં જ એ સ્ત્રીની પ્રેતાત્માએ જોરથી અટ્ટહાસ્ય કર્યું, અને પોતાની જગ્યા પરથી સીધી જ આરોન તરફ લાંબી છલાંગ લગાવી દીધી !

અને બરાબર એ જ પળે રૂમની બધી લાઈટો બંધ થઈ જવાની સાથે જ જોરદાર ધુબાકો સંભળાયો !

(ક્રમશઃ)