ભૂતખાનું - ભાગ 15 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 15

( પ્રકરણ : ૧૫ )

જેકસનના મોબાઈલ ફોનની ટોર્ચ પળ બે પળ માટે જ બંધ થઈ ને રૂમમાં અંધારું છવાયું, અને પછી પાછું અજવાળુ થયું. અને બસ, આટલી વારમાં તો તેનાથી ત્રણેક પગલાં દૂર-સામેની દીવાલ પાસે ઊભેલી સ્વીટી ગાયબ થઈ ગઈ હતી !

‘આમ પળ બે પળમાં સ્વીટી કયાં અદૃશ્ય થઈ ગઈ ?’ એવા સવાલ સાથે જેકસન મોબાઈલ ટોર્ચના અજવાળામાં સ્વીટીને શોધી રહ્યો હતો, એવામાં જ છત પરથી તેના હાથ પર લોહીના ટીપાં આવી પડયાં હતાં.

લોહીના ટીપાં જોઈને જેકસન હાથમાંની ટોર્ચનું અજવાળું છત તરફ રેલાવતાં, છત તરફ જોવા ગયો હતો, ત્યાં જ..,

...ત્યાં જ છત પર ઊંધા માથે-ચામાચિડીયાની જેમ ચોંટીને લટકી રહેલી સ્વીટીનો ભયાનક બની ગયેલો ચહેરો જેકસનના ચહેરાની સામે આવી ગયો.

જેકસન એક પગલું પાછળ હટી જવા ગયો, ત્યાં જ સ્વીટીના શરીરમાં રહેલી સ્ત્રીના આત્માએ ચામાચિડીયા જેવી જ ચીસ પાડી અને જેકસનનું ગળું પકડી લીધુંં !

જેકસનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. તે સ્વીટીના ખૂબ જ શક્તિશાળી બની ગયેલા બન્ને હાથની ભીંસમાંથી પોતાનું ગળું છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એમાં તેના હાથમાંનો મોબાઈલ ફોન પડી ગયો અને એની ટોર્ચ બંધ થઈ ગઈ.

રૂમમાં અંધારું છવાઈ ગયું અને આની સાથે જ જેકસનની આંખો સામે અંધારાં છવાયા. જાણે તે બેહોશીમાં સર્યો અને મૂળમાંથી ઊખડીને જમીન પર પડતા ઝાડની જેમ જમીન પર પટકાયો.

પળ બે પળ વિતી અને તે બેહોશીમાંથી પાછો હોશમાં આવ્યો. તેણે આંખો ખોલી, ત્યાં જ રૂમની લાઈટો ચાલુ થઈ. રૂમમાં અજવાળું ફેલાયું.

તે બેઠો થયો.

‘ડેડી !’ તેના કાને સ્વીટીનો અવાજ સંભળાયો.

તેણે ઊભા થતાં જોયું, તો તેનાથી ચારેક પગલાં દૂર સ્વીટી ઊભી હતી.

અત્યારે સ્વીટીનો ચહેરો ભયાનક નહોતો ! એનો ચહેરો સામાન્ય થઈ ચુકયો હતો ! એેના ચહેરા પર ગભરાટ હતો, અને એની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં.

‘ડેડી !’ સ્વીટીએ પોતાના બન્ને હાથ ફેલાવ્યા : ‘મને બીક લાગી રહી છે, ડેડી !’

‘તું..,’ જેકસન સ્વીટી તરફ આગળ વધ્યો : ‘તું ઠીક તો છે ને, સ્વીટી ?!’

‘હા !’ સ્વીટીએ કહ્યું.

જેકસન સ્વીટીની નજીક પહોંચ્યો, એ સાથે જ સ્વીટી જેકસનને વળગી પડી, અને...

...અને પાછી રૂમની લાઈટો બંધ થઈ ગઈ !

રૂમમાં અંધારું છવાઈ ગયું !!

ભયાનક શાંતિ ફેલાઈ ગઈ !!!

જ્યારે બહાર-લૉબીમાં, આ રૂમની ડાબી બાજુના ત્રીજા રૂમના દરવાજા પાસે આરોન, પામેલા અને મરીના ઊભા હતાં.

‘...ચીસો કયાંથી સંભળાઈ હતી, એનો કંઈ ખ્યાલ આવે છે, મરીના ?!’ આરોને આસપાસમાં જોતાં પૂછયું.

‘મને ખ્યાલ નથી, અંકલ !’ મરીના હજુ પણ સ્વીટીના શરીરમાં રહેલી સ્ત્રીની આત્મા તરફથી જે પરચો જોવા મળી રહ્યો હતો, એના આઘાતમાંથી પૂરી બહાર આવી નહોતી.

‘મને લાગે છે કે, એ ચીસો આ તરફથી સંભળાઈ હતી !’ પામેલાએ જે રૂમમાં જેકસન અને સ્વીટી હતાં, એ બાજુ આંગળી ચીંધતાં કહ્યું.

આરોન હાથમાંના લાકડાના મોટા બોકસ-ડિબૂક બોકસ સાથે એ તરફ આગળ વધ્યો.

પામેલા આરોનની પાછળ ચાલી, તો મરીના જાણે પોતાની જાતને પરાણે ખેંચીને આગળ વધતી હોય એમ એમની પાછળ આગળ વધી.

આરોન બીજા રૂમના દરવાજા પાસે-જે રૂમમાં જેકસન અને સ્વીટી હતા, એના આગળના રૂમના દરવાજા પાસે રોકાયો, અને તેણે એક ઊંડો શ્વાસ ભરતાં એ રૂમનો દરવાજો ખોલ્યો.

-એ રૂમમાં બે પલંગ હતા. રૂમમાં કોઈ નહોતું. રૂમ ખાલી હતો.

આરોને એ રૂમનો દરવાજો પાછો બંધ કર્યો, અને જે રૂમમાં જેકસન અને સ્વીટી હતા, એ રૂમના દરવાજા નજીક પહોંચ્યો.

તેણે એ રૂમનો દરવાજો ધકેલીને ખોલ્યો.

-રૂમમાં અંધારું હતું.

આરોને ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢીને, એની ટોર્ચ ચાલુ કરી.

તે ટોર્ચનું અજવાળું સામેની તરફ રેલાવતાં અંદર દાખલ થયો અને બે પગલાં આગળ ચાલીને રોકાયો.

પામેલા પણ આરોનની પાછળ રૂમમાં દાખલ થઈ અને આરોનની ટોર્ચના અજવાળામાં જોઈ રહી.

-ડાબી અને જમણી બાજુ બે-બે ઊંચી-પૈડાંવાળી સ્ટ્રેચરો પડી હતી, અને એની પર સફેદ કપડું ઓઢાડેલા શબ પડયા હતા. એમાંથી એક શબનો હાથ બહાર લટકતો હતો.

અચાનક એ શબનો હાથ હલ્યો.

પામેલાનો ગભરાટ બેવડાયો. એણે આરોન તરફ જોયું.

આરોનની નજર શબના એ હાથ તરફ જ તકાયેલી હતી.

પામેલાએ ફરી શબના એ હાથ તરફ જોયું.

-શબના હાથની મુઠ્ઠી ખુલી રહી હતી અને પછી પાછી બંધ થઈ રહી હતી !

આરોને શબના હાથ પરથી નજર હટાવીને બાજુમાં ઊભેલી પામેલા તરફ જોયું.

‘તું પાછળ જઈને ઊભી રહે !’ આરોને જાણે પામેલાના કાનમાં ફૂંક મારી.

પામેલા પાછા પગલે પાછળ ચાલી અને દરવાજા પાસે ગભરાટભર્યા ચહેરે ઊભેલી મરીના પાસે પહોંચીને ઊભી રહી.

મરીના ‘હવે આરોન શું કરે છે ?! હવે આગળ શું થાય છે ?’ એની ચિંતા અને ઉચાટ સાથે જોઈ રહી.

આરોન એ શબ તરફ આગળ વધ્યો.

તે એ શબની નજીક પહોંચીને ઊભો રહ્યો, એજ પળે એકદમથી જ એ શબ બેઠું થઈ ગયું !

પામેલા અને મરીનાના મોઢેથી ભયભરી ચીસો નીકળી ગઈ.

-એ શબનો ચહેરો સળગેલો ને ભયાનક હતો.

આરોને એ શબને હાથમાંનું સફેદ કપડું અડાડયું, એ સાથે જ શબમાં આવેલો જીવ જાણે પાછો ચાલ્યો ગયો હોય એમ એ શબ ધબ્‌ કરતાં પાછું સ્ટ્રેચર પર પડી ગયું.

આરોન સમજી ગયો હતો.

-એ સ્ત્રીના આત્માનો જ આ ખેલ હતો !

આરોને એ શબના શરીર પર પાછી સફેદ ચાદર ઓઢાડી દીધી.

હવે તે પાછો અંધારામાં આસપાસમાં હાથમાંના મોબાઈલ ફોનની ટોર્ચનું અજવાળું રેલાવતાં-એ ઝાંખા અજવાળામાં જ્યાં સુધી અને જેટલું દેખાય એટલું ઝીણી નજરે જોવા લાગ્યો, અને પ્રભાવશાળી અવાજે આત્માને કહ્યું : ‘તારો આ નાના બાળક જેવો ખેલ બંધ કર ! તારા આવા બધાં ખેલોથી હું ડરવાનો નથી. તું મારી સામે આવ !’

અને પોતાની આ વાતના જવાબમાં એ સ્ત્રીનો આત્મા શું કહે-કરે છે ? એ આરોન જોઈ રહ્યો.

-એ સ્ત્રીના આત્મા તરફથી કોઈ અવાજ સંભળાયો નહિ ! કોઈ હીલચાલ વર્તાઈ નહિ !!

‘તું મારી વાત નહિ માને તો...’ અને આરોન હજુ તો આગળ બોલવા જાય, ત્યાં જ તેના કાને સ્વીટીના રડવાનો અવાજ સંભળાયો.

અને સ્વીટીનો અવાજ સાંભળતાં જ દરવાજા પાસે ઊભેલી પામેલાના મોઢેથી સવાલ સરી પડયો : ‘સ્વીટી ! તું કયાં છે, સ્વીટી બેટા !’

‘હું...,’ અંધારામાંથી સ્વીટીનો અવાજ સંભળાયો : ‘...આ રૂમમાં જ છું, ડેડી સાથે !’

‘આ રૂમમાં કયાં ?!’ પામેલાએ પૂછયું.

અને આ વખતે એકદમથી જ એ રૂમની લાઈટો ચાલુ થઈ ગઈ.

હોલ જેવડા એ મોટા રૂમમાં ચારે-બાજુ અજવાળું ફેલાઈ ગયું.

સામે બન્ને બાજુ બે-બે શબવાળી જે ઊંચી-પૈડાંવાળી સ્ટ્રેચરો પડી હતી, એની પેલી બાજુ, સામેની દીવાલ પાસે, જમીન પર જેકસન સ્વીટીને પોતાની છાતી સરસી ચાંપીને બેઠો હતો.

સ્વીટી જેકસનને વળગીને રડી રહી હતી અને આંસુભરી આંખે પામેલા તરફ જોઈ રહી હતી.

પામેલા ‘સ્વીટી ! જેકસન !’ બોલતાં સ્વીટી અને જેકસન તરફ દોડી,

તો મરીના પણ ‘ડેડી !’ બોલતાં જેકસન તરફ દોડી ગઈ.

બન્ને જણીઓ જેકસન અને સ્વીટી પાસે ઘુંટણિએ બેસી ગઈ.

‘તમે બન્ને...,’ પામેલાએ પૂછયું : ‘તમે બન્ને ઠીક તો છો  ને ?!’

સ્વીટીના જમણા હાથની આંગળીમાં, એણે પેલા ડિબૂક બોકસમાંથી જે અંગૂઠી કાઢીને આંગળીમાં પહેરી હતી, એ અંગૂઠી આપમેળે ઢીલી થઈ અને આંગળીમાંથી સરકીને નીચે જમીન પર પડી ગઈ.

‘હા, મમ્મી !’ સ્વીટી રડતાં-રડતાં જ બોલી : ‘હું ઠીક છું !’

‘અને જેકસન તું ?!’ પામેલાએ સ્વીટીના ખભા પર માથું ઢાળીને બેઠેલા અને આંસુ સારી રહેલા જેકસનને પૂછયું : ‘તું ઠીક છે ને !’

‘હ...હા !’ જેકસને પામેલા તરફ નજર ઊંચી કરીને જોયા વિના જ-એ જ રીતના બેસી રહેતાં જવાબ આપ્યો : ‘હું ઠીક છું !’

‘થૅન્ક્‌સ ગૉડ !’ પામેલાના મોઢામાંથી શબ્દો સરી પડયા.

‘ના !’ એમનાથી થોડેક દૂર ઊભેલો આરોન રૂમમાં ઝીણી નજર ફેરવતાં બોલી ઊઠયો : ‘હજુ બધું ઠીક થયું નથી ! હજુ એ આત્માનો ખેલ ખતમ થયો નથી !!’

‘એટલે...,’ પામેલાના ચહેરા પર આવેલી રાહત પાછી વરાળ થઈને ઊડી ગઈ : ‘એટલે તમે કહેવા શું...’

‘...એ આત્મા કયાં છે ?!’ આરોને બેચેની સાથે ચારે બાજુ જોતાં, પામેલાને કહેવાની સાથે જ જાણે પોતાની જાતને પણ પૂછતો હોય એમ બોલ્યો : ‘એ આત્મા કયાં છે ?!’

અને આરોનની આ વાત સાંભળતાં જ પામેલા ફરી થરથરી ઊઠી, ‘એને તો એમ કે, એ આત્મા સ્વીટીનું શરીર છોડીને ચાલી ગઈ છે, અને બધું જ ઠીક થઈ ગયું છે, પણ...,’ અને પામેલા ચિંતા અને બેચેનીભરી નજર સાથે આરોન તરફ જોઈ રહી.

મરીના પણ આરોનને તાકી રહી.

આરોને પોતાના હાથમાં પકડાયેલું પેલું લાકડાનું મોટું બોકસ-ડિબૂક બોકસ જમીન પર મુકયું અને પોતાની ભાષામાં એકનો એક શબ્દ બોલવા લાગ્યો.

પામેલા જેકસનને અને સ્વીટીને વળગીને બેસી ગઈ.

મરીના પણ જેકસનને પીઠ પાછળથી વળગીને બેસી ગઈ.

આરોને એ શબ્દ વધુ જોરથી બોલવા માંડયો.

જાણે દીવાલ કંપવા લાગી. જમીન ખળભળવા લાગી.

આરોને પોતાનો અવાજ વધુ મોટો કર્યો.

જેકસનનો વાંકો વળેલો પગ સીધો થયો. તેના સ્વીટીના ખભા પર મુકાયેલા હાથમાંથી જાણે જીવ ચાલ્યો ગયો હોય એમ એ હાથ સરકીને નીચે પડયો.

આરોન ઔર વધુ મોટેથી અને ઝડપથી એ શબ્દ બોલવા માંડયો.

હવે રૂમની કોઈ બારી ખુલ્લી નહોતી, છતાં આજુબાજુથી ધીમે ધીમે પવન ફુંકાવા લાગ્યો.

આરોને અવાજને હજુ વધુ મોટો કર્યો. એનો અવાજ જાણે આખાય રૂમમાં પડઘાવા લાગ્યો.

રૂમમાંનો ધીમો પવન હવે તોફાની પવનમાં ફેરવાવા લાગ્યો.

પવન એટલી હદે ફૂંકાવા લાગ્યો કે, પામેલા અને મરીનાના વાળ ઊડવાની સાથે જ જાણે એ બન્ને જણીઓ પવન સાથે દૂર ખેંચાઈ જવા લાગી. બન્ને જણીઓએ જેકસનને વધુ મજબૂતાઈ સાથે પકડયો, અને ત્યાં જ પામેલાની નજર જેકસનના ચહેરા તરફ ગઈ.

જેકસનની આંખો બંધ હતી અને જાણે એ ધુણતો હોય એમ પોતાની ડોક આમ-તેમ કરી રહ્યો હતો.

‘જેકસન તને આ શું થઈ રહ્યું છે ?!?’ પામેલાએ જેકસનને પૂછયું, તો સ્વીટી જેકસનથી અળગી થઈ અને ‘ડેડી ! તમને આ શું થયું છે ?!’ ગભરાટભેર પૂછતાં બેઠી-બેઠી જ દૂર સરકી.

મરીના પણ જેકસનને આવું કરતો જોઈને ગભરાઈને જેકસનનથી દૂર હટી.

જેકસનની આવી હાલત જોઈને હવે પામેલાને પણ ખ્યાલ આવી ગયો કે, ‘જેકસનની હાલત બગડી હતી ! જરૂર આત્મા પોતાનો કોઈ નવો ખેલ ખેલી રહી હતી !’

એેણે ચિંતાભેર આરોન તરફ જોયું.

એકનો એક જ શબ્દ બોલી રહેલા આરોને એજ રીતના બોલવાનું ચાલુ રાખતાં હાથના ઈશારાથી પામેલાને જેકસનથી દૂર હટી જવાનું જણાવ્યું.

પામેલા ઊભી થઈને જેકસનથી દૂર, મરીના પાસે પહોંચીને ઊભી રહી. સ્વીટી એમની નજીકમાં, હજુ પણ જમીન પર જ બેસી રહી હતી.

ત્રણેય મા-દીકરીઓ ગભરાટ અને ચિંતા સાથે જેકસન તરફ જોઈ રહી.

જેકસનની આંખો હજુ પણ બંધ હતી. એ ધુણી રહ્યો હોય એમ હજુ પણ એનું માથું આમ-તેમ થઈ રહ્યું હતું.

આરોન હજુ પણ એકનો એક જ શબ્દ મોટેથી અને ઝડપથી બોલી રહ્યો હતો.

તોફાની પવન હજુ પણ ફૂંકાઈ રહ્યો હતો.

એકદમથી જ જેકસનનું ધુણતું માથું સ્થિર થયું. તેની ગરદન એકદમથી જ ટટ્ટાર અને અક્કડ થઈ. તેનું આખું શરીર અક્કડ થયું ! તેની આંખો ખુલી. તેની આંખોની કીકીઓ જાણે કોઈ ઈલેકટ્રોનિક રમકડાના પૂતળાની કીકીઓ ગોળ-ગોળ ફરતી હોય એમ ગોળ-ગોળ ફરી અને પછી ઉપર ચઢી ગઈ અને દેખાવાની બંધ થઈ ગઈ.

સ્વીટી જેકસનની આવી હાલત જોઈને ચીસાચીસ કરવા માંડી.

મરીના પણ પામેલાને વળગીને રડવા લાગી.

પામેલા પણ કાંપવા લાગી. તેની આંખોમાંથી આંસુ સરવાની સાથે જ તે જેકસન તરફ જોઈ રહી.

જેકસન અધ્ધર ચઢી ગયેલી કીકીઓ સાથે-અક્કડ હાલતમાં બેસી રહ્યો.

હવે આરોન પોતાના હાથમાંના ટુવાલ જેટલા મોટા, સફેદ કપડા સાથે જેકસન તરફ આગળ વધ્યો.

તે પોતાના હાથમાંનું સફેદ કપડું જેકસનના માથા પર ઓઢાડવા ગયો, ત્યાં જ જાણે જેકસન કોઈ પૈડાંવાળી વસ્તુ પર બેઠો હોય અને એ વસ્તુ જેકસનને પાછળની તરફ સરકાવી ગઈ હોય એમ જેકસન એકદમથી જ પાછળની તરફ સરકી ગયો અને તેની પીઠ દીવાલ સાથે ટકરાઈ.

અને બરાબર આ પળે જ રૂમની બધી જ લાઈટો બંધ થઈ ગઈ.

-રૂમમાં હાથથી હાથ ન સૂઝે એવું ઘોર અંધારું છવાઈ ગયું !

(ક્રમશઃ)