ભૂતખાનું - ભાગ 13 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 13

( પ્રકરણ : ૧૩ )

ડૉકટર આનંદની સૂચનાથી સ્વીટીને એમ. આર. આઈ. રૂમમાંથી સ્પેશિયલ રૂમમાં ખસેડી દેવામાં આવી હતી. અત્યારે સ્વીટી રૂમમાં પલંગ પર ઊંઘી રહી હતી.

સ્વીટીની પલંગની બાજુમાં એની મમ્મી પામેલા ખુરશી પર બેઠી હતી અને સ્વીટીનો હાથ પોતાના હાથમાં લઈને, પલંગની કિનાર પર માથું ઢાળીને આંસુ સારી રહી હતી.

જ્યારે સ્વીટીના પગ પાસે, ખુરશી પર એની મોટી બહેન મરીના બંધ આંખે બેઠી હતી. મરીનાની બંધ આંખો સામે, સ્વીટીનો એમ. આર. આઈ. નીકળી રહ્યો હતો ત્યારે સ્વીટીના શરીરમાં ઘુસેલી વ્યક્તિનો જે ભયાનક ચહેરો કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાયો હતો, એ ભયાનક ચહેરો તરવરી રહ્યો હતો.

મરીનાએ જે થોડી-ઘણી ઇંગ્લિશ હૉરર ફિલ્મો જોઈ હતી, એમાં એણે ભયાનક ચહેરા-મહોરાવાળી વ્યક્તિઓ અને ભૂત-પ્રેત જોયા હતા, પણ અસલમાં, અને એ પણ એની નાની બહેન સ્વીટીના શરીરની અંદર ભયાનક વ્યક્તિ ઘુસેલી જોવા મળી હતી, એ હકીકતે એેને ખૂબ જ ડરાવી મૂકી હતી.

ખટ્‌ ! મરીનાના કાને અવાજ પડયો, એ સાથે જ એની બંધ આંખો સામેથી એ ભયાનક વ્યક્તિનો ચહેરો દૂર થવાની સાથે જ એણે આંખો ખોલી નાંખી.

એણે જોયું, તો જેકસન રૂમનો દરવાજો ખોલીને અંદર આવી રહ્યો હતો.

‘ડેડી !’ બોલતાં મરીના ખુરશી પરથી ઊભી થઈને જેકસન તરફ દોડી ગઈ : ‘ડેડી !’ એ જેકસનને વળગીને રડી પડી : ‘આપણી સ્વીટી...’

‘...તું બિલકુલ ચિંતા ન કર, બેટા !’ જેકસને મરીનાની પીઠ પર દિલાસા ને હિંમતભર્યો હાથ પસવાર્યો અને પલંગ પર ઊંઘી રહેલી સ્વીટી સામે જોયું : ‘આપણી સ્વીટીને જરૂર સારું થઈ જશે !’ અને જેકસનેે સ્વીટી પાસેથી ઊભી થઈ ગયેલી પામેલા સામે જોયું. તેણે મરીનાને હળવેકથી પોતાનાથી અળગી કરી અને સ્વીટીના પલંગ નજીક પહોંચ્યો.

પલંગની પેલી તરફ ઊભેલી પામેલાએ જેકસન તરફ હાથ લંબાવ્યો.

જેકસને પામેલાનો હાથ પોતાના હાથમાં લીધો અને આંખોથી જ જાણે પામેલાને હિંમત બંધાવી.

‘જેકસન !’ પામેલાની આંખો-માંથી આંસુ સરવા લાગ્યા : ‘તારા માનવામાં નહિ આવે, પણ આપણી સ્વીટીની અંદર..., સ્વીટીની અંદર કોઈ છે !!’ પામેલા કંપતા અવાજે બોલી : ‘મેં એને.., મેં એને મારી સગ્ગી આખે જોઈ !!’ પામેલા ડુસકાં ભરતાં આગળ બોલી : ‘અને ડૉકટર આનંદનું કહેવું છે કે, આ એમના બસની વાત નથી ! હવે.., હવે આપણી સ્વીટીનું શું થશે ?!’

‘તું ઈશ્વર પર અને મારી પર ભરોસો રાખ !’ જેકસને કહ્યું : ‘સ્વીટી પાછી પહેલા જેવી સાજી-સારી થઈ જશે !’ અને જેકસને પામેલાનો હાથ છોડયો.

જેકસને પાછું સ્વીટી સામે જોયું. સ્વીટી એ જ રીતના ઊંઘી રહી હતી.

‘હું આવું છું !’ કહેતાં જેકસન રૂમના દરવાજાની બહાર નીકળ્યો.

બહાર, લૉબીમાં સામેની દીવાલ પાસે મુકાયેલા બાંકડા પર આરોન બેઠો હતો.

‘શું આપણે સ્વીટીને અહીંથી બહાર લઈ જઈ શકીએ એમ છીએ ?’ આરોને પૂછયું.

‘ના !’ જેકસને કહ્યું : ‘તમારે જે કંઈ પણ કરવાનું હોય એ અહીં જ કરવું પડશે.’

‘અહીં ?!’ અને આરોને પળવાર વિચાર્યું : ‘ઠીક છે !’ આરોન ઊભો થયો : ‘મને હૉસ્પિટલોથી નફરત છે. કારણ કે, હૉસ્પિટલોમાં માણસો મરે છે !’ આરોને ઊંડો શ્વાસ લીધો : ‘ખેર ! ચાલ !’

જેકસને બાંકડા પર પડેલી હેન્ડબેગ ઊઠાવી.

એ હેન્ડબેગમાં પેલું લાકડાનું મોટું બોકસ-‘ડિબૂક બોકસ’ હતું !

જેકસન ‘ડિબૂક બોકસ’વાળી હેન્ડબેગ સાથે સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો.

આરોને પોતાનો મોટો બગલથેલો ખભે લટકાવ્યો અને જેકસનની પાછળ સ્વીટીના રૂમમાં દાખલ થયો.

‘પામેલા !’ જેકસને પામેલાને કહ્યું : ‘આ આરોન છે !’ અને જેકસને આરોનને કહ્યું : ‘અને આરોન, આ મારી ફેમિલી છે !’

મરીના આરોન સામે જોઈ રહી.

‘તમે...,’ પામેલાએ આરોન સામે જોઈ રહેતાં પૂછયું : ‘તમે અમારી મદદ કરશો ?!’

આરોને હકારમાં માથું હલાવ્યું.

‘તમારી મોટી મહેરબાની થશે.’ પામેલાએ ડુમાયેલા અવાજે કહ્યું.

‘હું સ્વીટીનો ઈલાજ કરીશ, પણ અસલમાં હું ડૉકટર નથી.’ આરોને કહ્યું.

પામેલા અને મરીનાએ મૂંઝવણભરી નજર સાથે જેકસન સામે જોયું. બન્ને મા-દીકરીના મનમાં એકજ સવાલ જાગ્યો હતો, ‘જો આ માણસ ડૉકટર નથી, તો પછી એ સ્વીટીનો ઈલાજ કેવી રીતના કરી શકશે ?! ?’

‘તમે...’ પામેલા આરોનને કંઈક કહેવા પૂછવા ગઈ, ત્યાં જ જેકસને એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, અને આરોન તરફ જોયું.

આરોન અત્યારે પલંગ પર સૂતેલી સ્વીટીને તાકી રહ્યો હતો. સ્વીટી પલંગની બીજી તરફ બેઠેલી પામેલા તરફ પડખું કરીને સૂતી હતી. સ્વીટીની પીઠ અત્યારે આરોન તરફ અને સ્વીટીનો ચહેરો પામેલા તરફ હતો.

આરોન સ્વીટીની નજીક પહોંચ્યો.

જેકસન, પામેલા અને મરીના અધીરાઈ સાથે આરોન સામે જોઈ રહ્યાં.

સ્વીટી ઊંઘી રહી હતી.

આરોને સ્વીટીના માથે હાથ ફેરવ્યો, અને એ સાથે જ સ્વીટીએ એકદમથી જાણે ઊલ્ટી થતી હોય એમ ‘ઑ...’ કરતાં ઊબકો કર્યો.

આરોને સ્વીટીના માથેથી હાથ હટાવી લીધો.

સ્વીટીએ ‘ઑ..,’ ‘ઑ..,’ કરતાં ઊબકા કરવાની સાથે જ જાણે એને બેચેની થતી હોય એમ પલંગ પર આમ-તેમ થવા લાગી.

પામેલા ચિંતા સાથે ઊભી થઈ ગઈ : ‘આ...,’

‘...આ મને પસંદ નથી કરી રહી !’ આરોને જેકસન સામે જોતાં કહ્યું : ‘આપણે આને અહીંથી બીજે કયાંક લઈ જવી પડશે.’ અને આરોને પૂછયું : ‘અહીં ભોયંરું હશે ને ?!’

‘હા !’ હૉસ્પિટલમાં દાખલ થતી વખતે જેકસને ડાબી બાજુ ‘સેલર-ભોયરા’નું બોર્ડ જોયું હતું.

‘સ્વીટીને ઊઠાવી લે !’ આરોને જેકસનના હાથમાંથી ‘ડિબૂક બોકસ’વાળી હૅન્ડબેગ લઈ લેતાં કહ્યું.

જેકસને સ્વીટી સામે જોયું.

સ્વીટીના ઊબકાં બંધ થઈ ગયાં હતાં. એ અક્કડ-પૂતળા જેવી બની ગઈ હતી. એની આંખો ખુલ્લી હતી અને એ આંખોની કીકીઓ અધ્ધર ચઢી ગઈ હતી !

જેકસને સ્વીટીને બન્ને હાથમાં ઊઠાવી અને રૂમના દરવાજા તરફ આગળ વધ્યો.

જેકસન રૂમની બહાર નીકળ્યો અને લિફટ્‌ તરફ ચાલ્યો, એટલે તેની પાછળ પામેલા અને મરીના ચાલવા માંડી. એમની પાછળ આરોન આગળ વધ્યો.

થોડેક આગળ ડૉકટર આનંદ પોતાના આસિસ્ટન્ટ સાથે પોતાની કેબિન તરફ ચાલ્યા જતા દેખાયા.

જેકસન રોકાઈ ગયો. અત્યારે આરોન નીચે ભોંયરામાં સ્વીટીના શરીરમાં દાખલ થયેલા ડિબૂકને-બૂરી આત્માને હાંકી કાઢવા માટેની જે વિધિ કરવાનો હતો, એમાં ડૉકટર આનંદ તરફથી કોઈ સવાલ-જવાબ અને રોક-ટોક થાય એવું જેકસન ઈચ્છતો નહોતો.

જેકસન પોતાની કેબિન તરફ આગળ વધી જઈ રહેલા ડૉકટર આનંદની પીઠ તરફ જોઈ રહ્યો.

‘સ્વીટીનો કેસ મગજને બહેર મારી દે એવો છે !’ ડૉકટર આનંદ પોતાના આસિસ્ટન્ટ સાથે સ્વીટીના કેસ વિશે જ વાત કરી રહ્યા હતા : ‘મેં મારી જિંદગીમાં કદિ આવો ગજબનાક કેસ જોયો નથી !’ અને ડૉકટર આનંદ પોતાની કેબિનમાં દાખલ થયા.

આસિસ્ટન્ટ પણ કેબિનમાં દાખલ થઈ ગયો ને દેખાતો બંધ થઈ ગયો.

હવે જેકસન પાછો આગળ વધ્યો.

જેકસન બિલ્લી પગલે ડૉકટર આનંદની કૅબિન પાસેથી પસાર થયો અને લિફટ્‌ પાસે પહોંચ્યો. તેની સાથેસાથે જ પામેલા, મરીના અને આરોન લિફટ પાસે પહોંચ્યા.

લિફટ્‌ હાજર જ હતી.

જેકસન સ્વીટી સાથે લિફટ્‌માં દાખલ થઈ ગયો.

પામેલા અને મરીનાની પાછળ લિફટ્‌માં આવીને આરોને સેલર-ભોંયરાનું બટન દબાવી દીધું.

લિફટ્‌નો દરવાજો બંધ થયો. લિફટ્‌ નીચેની તરફ સરકી.

પામેલા અને મરીનાની નજર તો સ્વીટીના ચહેરા તરફ જ હતી, પણ અત્યારે જેકસને નજર ઢાળીને હાથમાં ઊંચકાયેલી સ્વીટીના ચહેરા તરફ જોયું. સ્વીટીની આંખોની કીકીઓ હજુ પણ એજ રીતની ઊંચે ચઢેલી હતી.

લિફટ્‌ ભોંયરામાં પહોંચી અને લિફટ્‌નો દરવાજો ખુલ્યો.

આરોન લિફટની બહાર નીકળ્યો. એની પાછળ જેકસન સ્વીટી સાથે બહાર નીકળ્યો અને આરોનની આગળ થયો.

પામેલા અને મરીના પણ બેચેન જીવે એમની પાછળ ચાલી.

ભોંયરામાં મોટા હોલ જેવું હતું અને એમા જે રીતની બધી વસ્તુઓ-કસરત વગેરેના સાધનો પડયા હતા એ જોતાં જેકસન બોલ્યો : ‘આ ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટ લાગે છે, સારું છે અત્યારે અહીં કોઈ નથી !’

આરોને પણ આગળ વધતાં હોલમાં નજર ફેરવી અને જેકસનને હુકમ આપ્યો : ‘સ્વીટીને આ ટેબલ પર લેટાવી દે !’

જેકસને સ્વીટીને એ ઊંચા ટેબલ પર લેટાવી.

સ્વીટી હજુ પણ અક્કડ-પૂતળા જેવી હાલતમાં જ હતી, અને એની આંખોની કીકીઓ પણ અધ્ધર ચઢેલી જ હતી !

‘મારી સ્વીટી !’ રડતાં-રડતાં પામેલાએ સ્વીટીના ગાલ પર હાથ ફેરવ્યા.

‘મરીના !’ આરોને ડિબૂક બોકસવાળી હૅન્ડબેગ નીચે મુકી અને ખભે લટકતો બગલથેલો ઊતારીને એમાંથી આઠ-દસ મીણબત્તીઓ કાઢીને મરીનાના હાથમાં આપી : ‘આમાંથી સાત મીણબત્તીઓ સળગાવીને આ બાજુના બીજા ટેબલ પર ગોઠવી દે !’ અને આરોને મરીનાના હાથમાં માચીસનું બૉકસ આપ્યું.

જેકસન મરીનાને મીણબત્તીઓ સળગાવીને બાજુના ટેબલ પર મૂકવામાં મદદ કરવા લાગ્યો.

તો પામેલા આંસુ સારતી આંખે ઊંચા ટેબલ પર પડેલી સ્વીટી તરફ જોઈ રહી હતી.

સ્વીટી હજુ પણ એમ જ અક્કડ પડી હતી.

આરોને બગલથેલામાંથી બે મોટા પ્યાલા કાઢયા. તે એક પ્યાલો લઈને ખુણા તરફ આગળ વધી ગયો.

ખુણામાં દરદીઓને ગરમ પાણીનો શૅક આપવા માટે ગરમ પાણીના કૂંડ જેવું બનેલું હતું.

આરોને એમાંથી પાણી પ્યાલામાં ભર્યું અને પાછો જેકસન અને મરીના પાસે આવ્યો. તેણે મીણબત્તીઓની બાજુમાં ખાલી પડેલા પ્યાલાની બાજુમાં પાણી ભરેલો પ્યાલો મુક્યો.

જેકસને સાતમી મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકી, ત્યાં જ પૂતળાની જેમ પડેલી સ્વીટી હલબલી. એની ઊપર ચઢી ગયેલી આંખોની કીકીઓ નીચે ઊતરી ને આમ-તેમ જોવા માંડી. એ કીકીઓમાં ગુસ્સો દેખાતો હતો !

આરોને સ્વીટી તરફ જોયું.

જેકસન, પામેલા અને મરીનાએ પણ સ્વીટી તરફ જોયું.

સ્વીટી ગુસ્સાભરી આંખોની કીકીઓ ચારે બાજુ ફેરવતી, જાણે ધૂંધવાટથી દાંત ભીંચી રહી હતી.

આરોને નજીકમાં પડેલી હૅન્ડબેગમાંથી પેલું લાકડાનું મોટું બૉકસ-‘ડિબૂક બોકસ’ કાઢયું અને ટેબલ પર મુક્યું.

તેણે ડિબૂક બોકસ ખોલ્યું અને જેકસન, પામેલા અને મરીના તરફ જોતાં બોલ્યો : ‘જેવી રીતના પહેલાંના લોકોએ કર્યું છે, એમ આ બોકસમાં તમારી મનપસંદ વસ્તુ મૂકો !’ કહેતાં આરોને કાંડા પર બંધાયેલી ઘડીયાળ કાઢી : ‘આ મારા દાદાની ઘડીયાળ છે. એ મને ખૂબ જ પસંદ છે !’ અને આરોને એ કાંડા ઘડીયાળ ‘ડિબૂક બોકસ’માં મુકી : ‘આપણી ફેવરીટ વસ્તુ આ પ્રાર્થનાનું માધ્યમ બનશે !’

પામેલાએ પોતાના પર્સમાંથી તેનો પોતાનો જેકસન, મરીના અને સ્વીટી સાથેનો છ-સાત વરસ પહેલાંનો ફોટો કાઢયો અને ‘ડિબૂક બોકસ’માં મૂકયો.

‘મને મારા વાળ ખૂબ જ ગમે છે !’ મરીના બોલી.

‘વાળની થોડીક લટ્‌ કાપી આપ !’ આરોને કહ્યું,

એટલે જેકસને આસપાસમાં જોયું. નજીકમાં એક તરફ ફર્સ્ટ એઈડ બોકસ પડયું હતું. જેકસને એમાંથી નાની કેંચી કાઢીને મરીનાને આપી.

મરીનાએ વાળની લટ કાપીને ‘ડિબૂક બોકસ’માં મૂકી.

જેકસને ગળામાંથી કાળો દોરો કાઢયો. એ દોરામાં અંગૂઠી ભેરવાયેલી હતી.

એ અંગૂઠી જોતાં જ પામેલાના મોઢામાંથી વાકય સરી પડયું : ‘આ તો આપણાં લગ્નની અંગૂઠી છે, જેકસન !’

જેકસને એક નજર પામેલા જોઈ લઈને એ અંગૂઠી દોરા સાથે જ ‘ડિબૂક બોકસ’માં મૂકી દીધી.

આરોને ‘ડિબૂક બોકસ’નું ઢાંકણું બંધ કર્યું. ‘એકવાર વિધિ શરૂ થઈ જાય પછી વચમાં રોકાવાનું નથી.’ આરોને કહ્યું : ‘આત્મા આપણને રોકવા માટે કંઈપણ કરી શકે છે. શયતાન આપણી સામે આવી જાય તો પણ આપણે આપણો વિશ્વાસ જાળવી રાખવાનો છે !’ અને આરોને બગલથેલામાંથી એક પુસ્તક અને ટુવાલ જેટલું મોટું સફેદ કપડું કાઢયું. તેણે પુસ્તક સ્વીટીની જમણી બાજુ, માથા પાસે મૂકયું અને સફેદ કપડું સ્વીટીનું માથું સહેજ અધ્ધર કરીને એની નીચે મૂકી દીધું.

સ્વીટી ગુસ્સો અને ધુંધવાટ અનુભવતી હોય એમ આરોન તરફ જોઈ રહેતાં હાથ-પગ આમ-તેમ હલાવવા લાગી. એની આંખોમાંનો ગુસ્સો વધવા લાગ્યો, એ બેઠી થવા ગઈ, એટલે આરોને કહ્યું : ‘તમે આને પકડી રાખો !’

જેકસન અને પામેલા સ્વીટીના ટેબલની આજુબાજુ ગોઠવાઈ ગયા અને એના હાથ તેમજ ખભા પકડીને એને પાછી લેટાવી, તો મરીનાએ સ્વીટીના ઊંચા-નીચા થઈ રહેલા પગ પકડી લીધાં.

આરોને બગલથેલામાંથી તેલની બૉટલ કાઢી અને બાજુના ટેબલ પર પડેલા પાણી ભરેલા પ્યાલાની બાજુમાં પડેલા ખાલી પ્યાલામાં બૉટલમાંનું તેલ રેડતાં બોલ્યો : ‘પાણી પ્રકાશનું પ્રતિક છે, અને તેલ અંધારાનું પ્રતિક !’ અને આરોને બાટલીનું ઢાંકણું બંધ કરતાં આગળ કહ્યું : ‘આ બન્નેની વચ્ચે ફકત ઈશ્વર છે. પ્રકાશ જ્યાં હશે ત્યાં અંધારું રોકાઈ જ નથી  શકતું !’ આરોને બગલથેલામાંથી લીલા કલરનું રૂમાલ જેવડું કપડું કાઢયું અને એ લીલા કપડાને વાટકામાંના તેલમાં પલાળ્યું.

તે એ લીલું કપડું લઈને સ્વીટીના માથા પાસે પહોંચ્યો. તેણે સ્વીટીના કપાળ પર તેલવાળું લીલું કપડું ફેરવ્યું, ત્યાં જ સ્વીટી, એના શરીરની અંદર રહેલી આત્મા-સ્ત્રીના અવાજમાં જોરથી ચીસ પાડી ઊઠી : ‘નહિઈઈઈઈઈ....!’ અને એણે મરીનાને લાત મારવાની સાથે જ, એના હાથ-પગ પકડીના ઊભેલા જેકસન અને પામેલાને પણ જોરથી ધક્કો માર્યો.

મરીના, જેકસન અને પામેલાને જાણે કોઈ પહેલવાની શક્તિ ધરાવતી વ્યક્તિએ ધક્કો માર્યો હોય એમ એ ત્રણેય જણાં દૂર જઈને જમીન પર પટકાયા !

(ક્રમશઃ)