ભૂતખાનું - ભાગ 14 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતખાનું - ભાગ 14

( પ્રકરણ : ૧૪ )

આરોને તેલમાં પલાળેલું લીલા કલરનું કપડું સ્વીટીના કપાળ પર ફેરવ્યું, ત્યાં જ સ્વીટી, એના શરીરની અંદર રહેલી સ્ત્રીની આત્મા જોરથી ચીસ પાડી ઊઠી હતી : ‘નહિઈઈઈઈઈ....!’ અને એણે મરીનાને લાત મારવાની સાથે જ, એના હાથ-પગ પકડીના ઊભેલા જેકસન અને પામેલાને પણ જોરથી ધક્કો મારી દીધો હતો.

મરીના, જેકસન અને પામેલા દૂર જઈને જમીન પર પટકાયા હતાં.

અત્યારે ત્રણેય જણાંએ જમીન પરથી ઊભા થતાં જોયું, તો સ્વીટીના શરીરમાંથી

પ્રેતાત્માને ભગાવી મૂકવાની વિધિ  કરી રહેલા આરોને હજુ પણ સ્વીટીના માથા પર હાથ દબાવી રાખ્યો હતો અને સ્વીટી-સ્વીટીના શરીરની અંદર રહેલી સ્ત્રી ‘નહિ ! નહિ !’ની ચીસો પાડતાં પોતાના હાથ-પગ ઊલાળી રહી  હતી !

જેકસન પાછો સ્વીટીની નજીક દોડી ગયો. તેણે સ્વીટીનો હાથ પકડયો અને જાણે તે સ્વીટીના શરીરની અંદર રહેલી સ્ત્રીની આત્મા સામે કરગરતો હોય એમ બોલ્યો : ‘છોડી દે, તું મારી દીકરી ને ! છોડી દે ! એવું હોય તો તું મને લઈ  જા !!’

પામેલા નજીક દોડી આવી અને એણે જેકસનને સમજાવ્યો : ‘મગજ પર કાબૂ રાખ, જેકસન ! વિધિ કરવામાં આરોનને મદદ કર !’

‘હા-હા !’ બોલતાં, પોતાની જાતને પાછી મજબૂત કરતાં જેકસને હાથ-પગ ઊછાળી રહેલી સ્વીટીનો હાથ મજબૂતાઈથી પકડયો.

પામેલાએ પણ સ્વીટીનો બીજો હાથ પકડી  લીધો.

તો સ્વીટીની મોટી બહેન મરીના અત્યારે સ્વીટી જે રીતના બોલી રહી હતી અને ધમપછાડા કરી રહી હતી એ જોઈને ખૂબ જ ડરી ગઈ હતી. જોકે, તેમ છતાંય ‘અત્યારે એણે પોતાની નાની બહેનને આવી ભયાનક હાલત-માંથી બહાર લાવવા માટે મમ્મી-ડેડીની મદદ કરવી જોઈએ,’ એવું વિચારીને એ પણ પાછી હિંમત ભેગી કરતાં સ્વીટીની નજીક પહોંચી. એણે પાછા સ્વીટીના પગ મજબૂતાઈથી પકડી લીધાં.

સ્વીટી પૂરા જોર અને જોશ સાથે જેકસન, પામેલા અને મરીનાના હાથમાંથી છુટવાના પ્રયત્નો કરવા માંડી.

આરોને સ્વીટીના માથા પરથી હાથ ખસેડી લીધા અને એણે બાજુ પર પડેલું પુસ્તક ખોલીને જેકસનના હાથમાં આપ્યું, અને પછી એણે થોડીવાર પહેલાં સ્વીટીના માથા નીચે મૂકેલું સફેદ કપડું કાઢી લીધું અને અને પોતાના માથા પર ઓઢી લેતાં બોલવા માંડયું : ‘મારા શબ્દો તારા કાનમાં ગૂંજતા રહેશે, જ્યાં સુધી તને મુકિત ન મળી જાય ! તારે  આનું શરીર છોડવું પડશે, હંમેશ-હંમેશ માટે છોડવું પડશે ! હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે, તને હંમેશ માટે મુકિત મળી જાય ! મારા શબ્દો તારા કાનમાં ગૂંજતા રહેશે, જ્યાં સુધી તને મુક્તિ ન મળી જાય !’

‘નહિ-નહિ !’ની ચીસો પાડતી સ્વીટી-સ્વીટીના શરીરમાં રહેલી સ્ત્રીની આત્મા જેકસન, પામેલા અને મરીનાની પકડમાંથી છૂટવા માટેના ભરસક પ્રયત્નો કરવા માંડી.

જેકસને તેને આરોને આપેલું પુસ્તક હાથમાં લીધું અને  એમાંથી જોઈને બોલવા લાગ્યો : ‘સત્યથી વધીને આ દુનિયામાં બીજી કોઈ શક્તિ નથી. તમારો હાથ એની પર રાખો અને નજર એની પર જમાવેલી રાખો અને એની પર મહાન પરમેશ્વરના ન્યાયનો અનુભવ કરો !’

હવે સ્વીટીના જેકસન, પામેલા અને મરીનાની પકડમાંથી છુટવાના ધમપછાડા એકદમથી જ વધી ગયા.

જેકસનને આરોને આપેલા પુસ્તકમાંનું લખાણ વાંચવામાં તકલીફ પડી રહી હતી,

તો આરોન મોટેથી એકના એક શબ્દો બોલી રહ્યો હતો : ‘મારા શબ્દો તારા કાનમાં ગૂંજતા રહેશે, જ્યાં સુધી તને મુક્તિ ન મળી જાય ! તારે આનું શરીર છોડવું પડશે, હંમેશ-હંમેશ માટે છોડવું પડશે ! હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે, તને હંમેશ માટે મુક્તિ મળી જાય ! મારા શબ્દો તારા કાનમાં ગૂંજતા રહેશે, જ્યાં સુધી તને મુક્તિ ન મળી જાય !’ અને જાણે આરોનના આ શબ્દોની અસર થતી હોય એમ હોલમાં પવન ફૂંકાવા માંડયો, એક તરફ પડેલા પાણીના કૂંડની અંદર જાણે કોઈ હોય એમ એ પાણીમાં વમળો ઊઠવા માંડયા !

‘મારા શબ્દો તારા કાનમાં ગૂંજતા રહેશે, જ્યાં સુધી તને મુક્તિ ન મળી જાય ! તારે આનું શરીર છોડવું પડશે, હંમેશ-હંમેશ માટે છોડવું પડશે...’ આરોન હવે વધુ મોટેથી અને ઝડપથી આ શબ્દો બોલી રહ્યો હતો.

અને જાણે અત્યારે અચાનક જ પાણીના કૂંડમાં રહેલી કોઈ અદૃશ્ય વ્યક્તિ બહાર નીકળી આવીને સીધી જ ટેબલ પર ઊછાળા મારી રહેલી સ્વીટીના શરીરમાં દાખલ થઈ ગઈ હોય એવું લાગ્યું, અને આની બીજી જ પળે સ્વીટીની આંખોની કીકીઓ ઊંચી ચઢી જવાની સાથે જ એણે એક જ આંચકામાં જેકસન, પામેલા અને મરીનાના હાથમાંથી પોતાના હાથ-પગ છોડાવી લીધા અને એ એકદમથી જ બેઠી થઈને આરોન તરફ ફરી.

‘મારા શબ્દો તારા કાનમાં ગૂંજતા રહેશે, જ્યાં સુધી તને મુક્તિ ન મળી જાય !’ આરોન એ જ રીતના પોતાના શબ્દો દોહરાવી રહ્યો હતો.

સ્વીટીના શરીરમાં રહેલી સ્ત્રીની આત્માએ ત્રાડ પાડી અને સીધું જ આરોન પર ઝંપલાવતાં બન્ને હાથે આરોનનું ગળું પકડી લીધું.

આરોન પીઠભેર જમીન પર પટકાયો અને સ્વીટી આરોનની છાતી પર ચઢી બેસી. ‘મારી નાંખીશ તને !’ સ્વીટીના શરીરમાં રહેલી સ્ત્રીની આત્મા તાડૂકી  અને એ આરોનનું ગળું ભીંસવા માંડી.

મરીના થર-થર કાંપતી જોઈ રહી.

જેકસન એકદમથી જ સ્વીટી અને આરોન તરફ દોડી ગયો. તેણે આરોનનું ગળું ભીંસી રહેલી સ્વીટીના હાથની પકડ છોડાવવાનો પ્રયત્ન કરવા માંડયો.

સ્વીટીને આટલા જોશ અને જુસ્સામાં આવી ગયેલી જોઈને ડઘાઈ ગયેલી પામેલાએ પાછી હિંમત એકઠી કરી. તે ઝડપથી આરોનની છાતી પર ચઢી બેસીને એનું ગળું ભીંસી રહેલી સ્વીટીની નજીક પહોંચી અને સ્વીટીનો ડાબો હાથ પકડીને એને આરોનથી દૂર ખેંચવાનો પ્રયત્ન કરવા લાગી.

સ્વીટીએ આરોનની ગળા પરની ડાબા હાથની પકડ છોડી દીધી અને એણે પામેલાને ડાબા હાથનો ધક્કો માર્યો. સ્વીટીના હાથનો એ ધક્કો એટલો જોશભર્યો હતો કે, પામેલા દૂર જઈને ફેંકાઈ.

જોકે, જેકસને આ પળનો ફાયદો ઊઠાવી લીધો. તેણે આરોનના ગળા પરની સ્વીટીના જમણા હાથની પકડ ઢીલી કરી નાંખી અને સ્વીટીને આરોનની છાતી પરથી દૂર ખેંચી.

સ્વીટી આરોનની છાતી પરથી હટી ગઈ-એ જેકસન સાથે ખેંચાઈ ગઈ. જોકે, પછી તુરત જ સ્વીટીએ જેકસનને હાથનો જોરદાર ધકકો મારીને દૂર ધકેલ્યો. એ આંખના પલકારામાં જ ચાર પગે બેઠી થઈ ગઈ અને બે-ત્રણ પગલાં દૂર પહોંચીને પાછી જેકસન તરફ ફરી.

હવે સ્વીટીની આંખોની કીકીઓ અધ્ધર ચઢી ગઈ હતી, એની કીકીઓ દેખાતી નહોતી ! એની આંખો કોરીધાકોર થઈ ગઈ હતી, છતાં પણ જાણે એ જેકસનને જોઈ શકતી હોય એમ એણે જેકસન તરફ પોતાની આંખો જમાવી.

હોલનું વાતાવરણ હવે ખૂબ જ તોફાની-ભયાનક બની ગયું  હતું.

હોલમાં બહારથી પવન આવે એવી કોઈ બારી વગેરે નહોતું, છતાંય જાણે કોઈ મોટું વાવાઝોડું આવી રહ્યું હોય એવો પવન ફૂંકાઈ રહ્યો હતો.

પામેલા અને મરીના પવનમાં ખેંચાઈ ન જવાય એ માટે ટેબલ પકડીને ઊભી હતી.

તો આરોન જમીન પર પડયો-પડયો પોતાના ગળા પર હાથ ફેરવી રહ્યો હતો અને પોતાના રૂંધાયેલા શ્વાસને સામાન્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

‘ચાલ્યો જાાાાાાાાા......’ સ્વીટીના શરીરમાં રહેલી સ્ત્રીના આત્માનો અવાજ કાને અફળાયો, એટલે આરોને સ્વીટી તરફ જોયું.

સ્વીટી થોડાંક પગલાં દૂર, વિફરેલી વાઘણની જેમ જેકસન પર ત્રાટકવા માટે, જેકસન તરફ ત્રાટક કરતી ચાર પગે બેઠી હતી.

‘પ્લીઝ !’ જેકસને સ્વીટી તરફ જોઈ રહેતાં, સ્વીટીના શરીરમાં રહેલી સ્ત્રીની આત્મા સાથે વાત કરવાનો-એને સમજાવવાનો પ્રયત્ન કર્યો : ‘તું જે કોઈ પણ હોય, મારી સ્વીટીના શરીરમાંથી બહાર નીકળી જા. એવું હોય તો તું..., તું મારા શરીરમાં આવી જા !’

સ્વીટીના શરીરમાં રહેલી સ્ત્રીની આત્માએ એવી ચીસ પાડી કે, કાનના પડદા ફાટી જાય. બીજી જ પળે સ્વીટી પાછી વળી અને હોલમાંથી-ભોંયરામાંથી ઉપર જવાની સીડી તરફ દોડી.

જેકસન ઊભો થયો અને સ્વીટી પાછળ દોડયો.

સ્વીટીએ આરોનનું જે રીતના ગળું ભીંસ્યું હતું, એનાથી આરોનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, અને એ હજુ પણ જમીન પર જ પડયો હતો. એણે જેકસનને સ્વીટી પાછળ દોડી જતો જોઈને પરાણે-જેમ તેમ બૂમ પાડી : ‘જેકસન ! એની પાછળ આમ ભાગ નહિ, એક મિનિટ ઊભો રહે. એ અત્યારે તારી દીકરી નથી, પણ...’

...પણ જેકસન રોકાયો નહિ. તે સીડીના પગથિયા ચઢી ગયેલી સ્વીટીની પાછળ પગથિયા ચઢવા માંડયો.

તે બે-ત્રણ પગથિયા ચઢયો એટલી વારમાં તો સ્વીટી સીડીના બધાં પગથિયાં ચઢી ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ.

જેકસન એકસાથે બે-બે પગથિયા ચઢતો ઉપર-ગ્રાઉન્ડ ફલૉર પર પહોંચ્યો. તેણે લૉબીમાં ડાબી-જમણી બાજુ નજર દોડાવી.

જમણી બાજુ, જમણી તરફના ચોથા રૂમના દરવાજાની અંદર સ્વીટી દાખલ થઈ જતી દેખાઈ, અને એ રૂમનો દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો.

જેકસન એ રૂમના દરવાજા તરફ દોડયો.

તો નીચે ભોંયરામાં પવન ફૂંકાવાનો બંધ થઈ ગયો હતો.

અત્યારે આરોન ગળા પર હાથ ફેરવાતાં બેઠો થયો.

‘આરોન ! પ્લીઝ !’ પામેલાએ આરોનને વિનંતિ કરી : ‘તમે જલદી ચાલો, નહિતર મારી સ્વીટી અને જેકસન....’

આરોને ગળું ખંખેર્યું. ‘ચાલો !’ ધીમા અવાજે બોલતાં આરોને એક લાંબો-ઊંડો શ્વાસ લીધો. તે ઊભો થયો અને થોડાંક પગલાં દૂર પડેલું પેલું લાકડાનું મોટું બોકસ-ડિબૂક બોકસ ઊઠાવ્યું.

તે ઝડપી ચાલે સીડી તરફ સરક્યો.

‘ચાલ, મરીના !’ કહેતાં પામેલા આરોન પાછળ આગળ વધી, પણ મરીના તો પોતાની જગ્યા પર જ જડની જેમ ઊભેલી રહી. પામેલા બે પગલાં પાછળ આવી અને મરીનાનો હાથ પકડીને એને ખેંચતી સીડીના પગથિયા તરફ આગળ વધી.

સીડી નજીક પહોંચેલો આરોન પગથિયા ચઢવા લાગ્યો.

બરાબર એ જ પળે ઉપર, ગ્રાઉન્ડ ફલૉર પર જે રૂમમાં સ્વીટી ચાલી ગઈ હતી એ રૂમનો દરવાજો ખોલી ચૂકેલા જેકસને જોયું તો રૂમમાં અંધારું હતું.

‘સ્વીટી !’ જેકસને આંખો ફાડીને અંધારામાં રૂમમાં જોવાનો પ્રયત્ન કર્યો. તેને કંઈ દેખાયું નહિ અને સ્વીટીનો વળતો જવાબ પણ સંભળાયો નહિ.

સ્વીટી આ રૂમમાં જ હતી ! તેણે સ્વીટીને આ રૂમમાં જ દાખલ થઈ જતાં જોઈ હતી !

‘સ્વીટી !’ જેકસને ફરીથી સ્વીટીને પોકારી, પણ આ વખતેય સ્વીટી તરફથી કોઈ જવાબ  મળ્યો નહિ કે, ન તો બીજો  કોઈ અવાજ-સળવળાટ સંભળાયો.

જેકસને ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો. તેણે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને એના ઝાંખા અજવાળામાં રૂમમાં ધીમે-ધીમે આગળ વધતાં જોવા માંડ્યું.

એ રૂમ મોટો લાગતો હતો.

ડાબી અને જમણી બાજુ બે-બે ઊંચી-પૈડાંવાળી સ્ટ્રેચરો પડી હતી અને એની પર સફેદ કપડું ઓઢાડેલા શબ પડયા હતા. એમાંથી એક શબનો હાથ બહાર લટકતો હતો.

જેકસન બન્ને બાજુઓની શબવાળી સ્ટ્રેચરો વચ્ચેથી આગળ વધવા ગયો, ત્યાં જ તેના કાનમાં રડવાનો અવાજ સંભળાયો.

-રડવાનો એ અવાજ જેકસન તુરત જ ઓળખી ગયો !

-રડવાનો એ અવાજ તેની લાડકી દીકરી સ્વીટીનો હતો !!

‘સ્વીટી, બેટા !’ હાથમાંની મોબાઈલ ટોર્ચનું અજવાળું આસપાસમાં રેલાવતાં, એ ટોર્ચનું અજવાળું જ્યાં સુધી પહોંચતું હતું ત્યાં સુધી ઝીણી નજર કરીને જોતાં જેકસને પૂછયું : ‘તું કયાં છે, સ્વીટી, બેટા ?!’

જેકસનને સ્વીટી તરફથી આ સવાલનો જવાબ મળ્યો નહિ. પણ સ્વીટીના રડવાનો અવાજ ચાલુ રહેવાની સાથે જ સ્વીટીનો અવાજ સંભળાયો : ‘ડેડી ! તમે તો મને ડરાવી દીધી !’

આ વખતે જેકસનને ખ્યાલ આવ્યો કે, સ્વીટીનો અવાજ તેની બરાબર સામેની તરફથી આવ્યો હતો.

જેકસને એક-બે પગલાં વધુ આગળ વધતાં, હાથમાંની મોબાઈલ ટોર્ચના અજવાળામાં જોયું, તો તેનાથી ચાર-પાંચ પગલાં દૂર, સામેની દીવાલ પાસે સ્વીટી ઊભેલી દેખાઈ.

સ્વીટીના વાળ એના ચહેરાની આગળ આવી ગયાં હતાં અને એનો ચહેરો દેખાતો નહોતો. એ હજુ પણ રડી રહી હતી, અને રડતાં-રડતાં એણે ફરીથી એ જ વાત કહી : ‘ડેડી ! તમે તો મને ડરાવી દીધી !’

જેકસને વધુ એક પગલું આગળ વધીને ઊભા રહેતાં સ્વીટીનો ચહેરો-આંખો જોવાનો પ્રયત્ન કર્યો. પણ સ્વીટીના  વાળ હજુ પણ એના ચહેરાની એકદમ આગળ હતા એટલે સ્વીટીનો ચહેરો-આંખો દેખાઈ નહિ.

‘ડેડી ! તમે તો મને ડરાવી દીધી !’ સ્વીટી ફરીથી બોલી.

‘બેટા ! તું મારાથી ડર નહિ !’ જેકસન આવું બોલવા ગયો, ત્યાં જ સ્વીટીના શરીરની અંદર રહેલી સ્ત્રીની આત્માનો અવાજ સંભળાયો : ‘ડેડી ! તમે તો મને ડરાવી દીધી !’

આ સાંભળતાં જ જેકસન રોકાઈ ગયો.

‘ડેડી !’ અને આ વખતે સ્વીટીના મોઢેથી એના પોતાનો જ અવાજ નીકળ્યો : ‘ડેડી ! તમે તો મને ડરાવી દીધી !’

જેકસન મૂંઝવણ સાથે ઊભો રહ્યો, ત્યાં જ તેના હાથમાંની મોબાઈલ ટોર્ચ બંધ થઈ. રૂમમાં એકદમથી જ અંધારું છવાઈ  ગયું.

જેકસનનું હૃદય કંપ્યું. ત્યાં જ વળી પાછી મોબાઈલ ટોર્ચ ચાલુ થઈ ગઈ.

જેકસને જોયું તો સામે દીવાલ પાસે સ્વીટી નહોતી.

પળ બે પળ માટે જ મોબાઈલ ટોર્ચ બંધ થઈ હતી અને અંધારું છવાયું હતું, એમાં તો સ્વીટી અદૃશ્ય થઈ ગઈ હતી !

જેકસને સામેની દીવાલથી ડાબી અને જમણી બાજુના ખુણા સુધી મોબાઈલ ટોર્ચના ઝાંખા અજવાળામાં જોયું, પણ સ્વીટી નહોતી !

પળ બે પળમાં જ જાણે સ્વીટીને જમીન ગળી ગઈ હતી ! કે પછી, એને દીવાલ ખાઈ ગઈ હતી !! કે પછી..., કે પછી એને હવા પોતાની સાથે ગાયબ કરી ગઈ હતી !!!

ટપ્‌ ! જેકસનના જે હાથમાં મોબાઈલ ટોર્ચ પકડાયેલી હતી એ જમણા હાથ પર છત પરથી એક ટીપું આવીને પડયું.

પણ જેકસનનું ધ્યાન એ તરફ નહોતું.

જેકસન પાછા પગલે પાછળ ફરવા ગયો, ત્યાં જ છત પરથી તેના હાથ પર એકસાથે બે-ત્રણ ટીપાં આવી પડયાં. અને આ વખતે જેકસનનું ધ્યાન ખેંચાયું.

તેણે મોબાઈલ ટોર્ચના ઝાંખા અજવાળામાં જમણા હાથ તરફ જોયું.

-એ લોહીના ટીપાં હતા !

-છત પરથી લોહીના ટીપાં આવીને તેના હાથ પર પડી રહ્યાં હતાં !!

તે હાથમાંની મોબાઈલ ટોર્ચનું અજવાળું છત તરફ ફેંકતાં,  છત તરફ જોવા ગયો, પણ ત્યાં જ.......

.....ત્યાં જ ?! ?! ?! ?

(ક્રમશઃ)