Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય મંજન - 16 - વિકેટ કીપરનો પ્રેમપત્ર

વિકેટ કીપરનો પ્રેમપત્ર

 

પ્રિય ખીલ્લી..!
                              તારું નામ જ એવું અટપટું કે, છુટ્ટા બોલની જેમ બોલવું હોય તો ગળામાં દડો ભેરવાય ગયો હોય એવું લાગે. બોલતાં તો ઠીક લખવા માટે પણ માણસ ભાડે રાખવો પડે. આ નામ તને ફાવે કે નહિ ફાવે, પણ સદાય ‘ખીલખીલાટ’ માં રહેવાની તારી રીત જોઇને આ નામ ઉપર પસંદગી ઉતારી. ગમશે ને, કે પછી એમાંય વાંકુ પડશે..?  રખે એવું માનતી કે ‘ખીલ્લી’ એટલે ખિસકોલી જેવું લાગે. તને તો ખબર છે કે, ખિસકોલી એટલે અહિંસક..૧ શ્રી રામ સુધી પહોંચેલી..! લંકા ઉપર ચઢાઈ કરવા માટે રામ-સેતુ બનાવવાની વાત આવી ત્યારે, ખિસકોલીએ પણ ભોગ આપેલો. ભગવાનશ્રી રામે કદર કરીને THANK YOU કહી, એના શરીરે હાથ ફેરવેલો. જેના નિશાન હજી એના શરીર ઉપર છે. અરે યાર..? ‘નામમેં ક્યા રખ્ખા હૈ’ ચલાવી લેજે ને..? નામ પાડનાર ફોઈને ખોટું લાગે તો, સમજાવી દેજે, અને કહેજે કે, આ તો ખપ પુરતી વ્યવસ્થા છે, લગ્ન પત્રિકામાં ખીલ્લી લખવાનો નથી. પ્રેમનો ઉભરો ઠાલવવા સમય પ્રમાણે બદલાવ તો લાવવો પડે ને ખીલ્લી..? બીજું કારણ એ પણ ખરું કે, ન કરે નારાયણ ને પ્રેમમાં ‘બ્રેક-અપ’ આવે તો, કોઈને ખબર ના પડવી જોઈએ કે, એ તું હતી..! હું નામી બનું કે ના બનું તારી બદનામી મારાથી સહન નહિ થાય..! સુધારો-વધારો ચલાવી લેવાનો. બહુ રૂઢીચુસ્ત નહિ થવાનું..! તંઈઈઈઈ,,?

                               મલાઈ નથી મારતો ખીલ્લી, પણ સારા સમાચાર આપું કે, હું ટપકાંમાંથી વિરાટ બની રહ્યો છું. ખ્યાતનામ ક્રિકેટર બનવાના મારા અરમાન પુરા થઇ રહ્યા છે. તારી કૃપાથી તો નહિ કહેવાય, પણ જ્યારથી ચંદ્ર ઉપર ચંદ્રયાન-૩ ગયું, ત્યારથી રોવરની માફક મારા ચોઘડિયા ફરી રહ્યા છે. ક્રિકેટની રમતમાં ‘વિકેટ-કીપર’ તરીકે મેં આગવું નામ બનાવ્યું છે. એ તો, મારા નસીબ ખરાબ કે, ચંદ્ર ઉપર જઈને ચંદ્રયાન-૩ ઊંઘી ગયું. એ જો ઊંઘી ના ગયું  હોત તો, કદાચ વિશ્વ કપની મેચમાં તારા આ ચમનીયાનું નસીબ ચમકી ગયું હોત, અને વિકેટ કીપર તરીકે હું હોત..! ચાલ, ફાલતું વાતો ઘણી કરી. મુદ્દાની વાત ઉપર આવું..?

                                પૂરી બોલિંગ ભી કરની ન આતી થી તુઝકો

                                 યે કિસને શિખા દિયા વાઈડ બોલ ડાલનેકો

                               તને ખબર છે ખીલ્લી..! તારા ફ્રેન્ડ કહો કે ‘લવર’ કહો, આપણને હવે ઘણાં ઓળખે છે. જેને તું તારો નજીકનો, (એટલે કે તારા ફ્લેટના પહેલાં માળાનો) મિત્ર માનતી હતી એણે તારો પત્ર મને આપ્યો. હવે તું એની સાથે ફ્રેન્ડલી મેચ ગોઠવવા માંગે છે એ તારાં પત્રથી જાણ્યું. એક ક્રિકેટર તરીકે કહું તો, મેચની ખરી રસાકસી વખતે જ હવામાન પલટો લે, અને  જીતવાની અણી ઉપર વરસાદ પડે એટલો આઘાત લાગ્યો. તને જરા પણ વિચાર નહિ આવ્યો કે, નેટ પ્રેક્ટીસને હું કેવી રીતે ભૂલી શકીશ? પત્ર વાંચીને ‘હેન્ડ-ગ્લોઝ’ પહેરેલા હાથ પણ ધ્રુજી ઉઠ્યા. ‘મારી તમન્નાઓ ઉપર હેવી રોલર ફરી ગયું. ટાંટિયા કરતાં પહેરેલા ‘પેડ’ વધારે ધ્રુજવા લાગ્યા. મારી શું ભૂલ થઇ કે, તું આવા ‘ડબલ-વાઈડ’ બોલ નાંખવાના રવાડે ચઢી..?  તું તો ‘શોએબ અખ્તર’ કરતાં પણ ફાસ્ટ નીકળી..! કોઈએ સાચું જ કહ્યું છે કે, બોલર દેખાવમાં જેવો હોય તેવો, પણ મેચ અને મેદાનમાં આવતાં જ એની રુખ બદલાય જાય..! તોફાની બની જાય..! એમ તારી દાનત પણ બદલાય..! કે માત્ર તારા ખાતર મેદાનમાં આવવાની ને ક્યારેય પરવાહ કરી નથી. વિકેટ કીપર બનીને મેં તારી સાથેની બધી જ મેચ કાઢી. જેને હું ગબલી’ માનતો હતો, પણ તું તો ભારે ‘ગુગલી’ નીકળી ખીલ્લી..!

                           તારો કેચ મારાં જ હાથમાં આવે એવાં અરમાન ઉપર તેં પાણી ફેરવી દીધું ખીલ્લી..! જેને હું સ્લીપરનો ખેલાડી માનતો હતો, એ જ મારો હરીફ નીકળ્યો. ને તારો કેચ એણે ઝડપી લીધો..? તેં મારી હાલત અઝરુદ્દીન જેવી કરી નાંખી..! ‘લવ-મેચ’ માં તેં મને આખી ઈનીંગની હાર આપી રે...! સતત સ્લીપરમાં ઉભા રહેવાની કાયમ જીદ કરતાં, એ ખેલાડી ઉપર મને પહેલેથી જ શંકા હતી. ને એ જ મારો ‘કાતિલ’ નીકળ્યો. એની હરકત ઉપર આંખ આડા કાન કરવાને બદલે ‘કાન આગળ આડી આંખ’ રાખી હોત તો આવું પરિણામ ન આવ્યું હોત..! બાકી સ્લીપરની શું તાકાત કે, બેટ્સમેનની કટર વિકેટ કીપરને બદલે સ્લીપરવાળો ઝીલી જાય..!

                     ખીલ્લી..! એક વિકેટ કીપરની જ તેં વિકેટ પાડી દીધી ? પાકિસ્તાનના વિકેટ કીપર મોઇનખાનની માફક હું કયા મોંઢે ‘શાબાશ..શાબાશ’ ની ચિચયારીઓ હવે પાડું? હજુ મોડું થયું નથી.  મને તારી જિંદગીથી ‘આઉટ’ નહિ કર. થર્ડ એમ્પાયરને કહેવા દે કે, હું ‘નોટ આઉટ’ છું. મને વિશ્વાસ છે કે, સત્યનો જય થશે. આ સિવાય તારે જે સજા કરવી હોય તે કર, પણ તારી ક્રીઝ ઉપર રહેવા દે. તને વિકેટ કીપર માટે સૂગ હોય તો, ‘હેન્ડ-ગ્લોઝ’ કાઢીને બોલિંગ કરવા તૈયાર છું. પણ તું મને ‘ક્રિકેટ બાય ચાન્સ’ નો આધાર બતાવીને તરછોડ નહિ. તારા માટે મેં ઘણો બધો ભોગ આપ્યો છે ખીલ્લી..! કેપ્ટન જેવાં મા-બાપની પણ દરકાર કરી નથી. વિકેટ કીપર જાણીબુઝીને બાયના રન આપે, એમ હમેશ તારા માટે કુમળું વલણ રાખ્યું છે. ક્રીઝની બહાર રહેતી  હોવાં છતાં, ક્યારેય મેં ‘સ્ટમ્પીંગ’ કર્યું નથી. છતાં કાંબલીની જેમ તેં મારો જ કાંકરો કાઢી નાંખ્યો? આવું મેચ કીક્ષિંગ કરીને મારો કાંટો કાઢવાની કોશિશ નહિ કર..! જોઈએ તો ફરી ટોસ ઉછાળી જો..!

                     નસીબની વાત છે ખીલ્લી..! ઓવર પૂરી થતાં વિકેટ બદલાય, એમ્પાયર બદલાય, પણ તેં તો આખેઆખો વિકેટ-કીપર જ બદલી નાંખ્યો. થર્ડ એમ્પાયર જેવાં તારા મા-બાપ આગળ એકવાર પ્રસ્તાવ મૂકી જો, એ લાલ લાઈટ બતાવે તો લાલ, અને લીલી બતાવે તો લીલી, મને મંજુર છે. આપણા ‘રિપ્લે’ જોઇને જ નિર્ણય આપવાના છે ને..? વિશ્વ કપ ટાણે પડતો મુકવાનું તારું પગલું દુઃખદ છે. દાંડિયા અને બેલ્સ ઉડાવીને આઉટ થયો હોત તો ઠીક, આ તો તેં મને ખોટો રન-આઉટ કર્યો ખીલ્લી..!

                                     લાસ્ટ ધ બોલ

ભારતની ટીમ અને TEA BAG વચ્ચે તફાવત શું..?

જેમ TEA BAG લાંબા સમય સુધી કપમાં રહે, એમ કપ જીતવા માટે ભારતની ટીમ પણ લાંબા સમય સુધી રહે..!

--------------------------------------------------------------------------------------------------------------------------