Hasya Manjan - 5 books and stories free download online pdf in Gujarati

હાસ્ય મંજન - 5 - બટાકાની બોલબાલા

 

 

              

Sun, 31 Dec, 2023 at 7:41 am
 
 


 

બટાકાની બોલબાલા..!

                                     બટાકાને ક્યારેય કમજોર માનવાની ભૂલ નહિ કરવાની. મોંઘીદાટ ગાડીમાં ‘એરબેગ’ આવે એમ, આપણા પેટને એરબેગ જેવા એ જ બનાવે..! અનેકના જઠરમાં  આદિકાળથી બટાકા એટલા પથરાયેલા છે કે, એને ભેગા કરવામાં આવે તો બે-ચાર હિમાલય થાય..! ગીફટ સીટી ગાંધીનગરમાં દારૂની  હળવાશ થઇ એની સાથે બટાકાને આમ તો કોઈ લેવા દેવા નહિ, પણ હલચલ એટલી થઇ કે, લોકો વગર પીધે ગુલાંટીયા ખાતાં થઇ ગયા. દાળ-ભાત કરતા દારૂની ચર્ચા વધી ગઈ..! અમુકને તો લાલી આવી ગઈ..કે, હવે પાટલી-માટલી-ખાટલી સાથે બાટલીની સવલત પણ વધવાની..! ઘણાના મોર કળા કરવા લાગ્યા. રતનજી કહે, ‘રમેશિયા..! ધીરજના ફળ મીઠા તે આનું નામ..! ધીરે ધીરે સૌ સારા વાના થવાના..!  ‘અચ્છે દિન’ ના ડોકાં હવે દેખાવા માંડ્યા, પણ સાલા આપણા કિલોમીટર પૂરાં થવા આવ્યા..! ‘એમને કોણ કહેવા જાય કે, આપણાં લમણે તો ‘બટાકાનો જ્યુસ’ જ લખાયેલો છે. દારૂના ગ્લાસ સાથે ‘દારૂનો ગ્લાસ અથડાય તો જ ચિયર્સ થાય, બાકી, ‘બટાકાના જ્યુસ‘ વાળો  ગ્લાસ અથડાવીએ તો, કાગડો ‘કબૂતરીના પ્રેમમાં પડ્યો હોય એવું લાગે..! સાલું સમજાતું નથી કે, ‘બટાકા-બંધી’ વિષે કેમ કોઈ વિચારતું નથી..?

                            દારૂની છૂટ થાય કે નહિ થાય, પણ બટાકાબંધી’  લાવવાનો સમય હવે પાકી ગયો છે બોસ..! બટાકા ખાઈ-ખાઈને એક-એક આદમીએ ગેસની ફેક્ટરી નાંખી હોય એમ સૌના પેટ ફાટ-ફાટ થાય છે બોલ્લો..! ટીફીનના ૧૦૦ ડબ્બા ખોલો તો, ૯૭ ડબલાંમાંથી આજે ‘બટાકો’ નીકળે છે. ટીફીનમાંથી બટાકો નીકળે ત્યારે, ‘જીન’ પ્રગટ થતો હોય એવું લાગે. બટાકાનું શાક જોઇને મગજનું ‘એલાઈમેન્ટ’ ખોરવાય જાય. ‘ગ્રહણમાં સાપ નીકળ્યો. હોય, એવું ફીઈઈલ થાય.  રોજેરોજના બટાકા ખાવામાં માણસ હાંફી જાય કે નહીં..? બાકી બટાકો કોઈનો વેરી નથી, ‘વેરી-ફાઈન’ છે. મારો ઈરાદો મુદ્દલે એવો નથી કે, બટાકો ખરાબ છે. હાથવગા હથિયાર જેવો છે. પણ સાસુનો ‘સાસુ-વાસ’ બે-ચાર દિવસ રળિયામણો લાગે, બાકી ‘૩૬૫’ દિવસ સાસુની  નજરમાં કેદ થવાનું આવે તો કયા બરમૂડાને ગમે..? ચમનીયો કહે, “મારી સાસુ જેવી તો કોઈની સાસુ નહિ. વરસમાં બે જ દિવસ મારા ઘરે આવે..!  પણ છ-છ મહિના રહી જાય..! “ તારી ભલી થાય તારી..!

                           એક ઘર એવું નહિ હોય કે, જેના ઘરમાં બટાકાએ ગૃહ પ્રવેશ કર્યો ના હોય. બટાકો એટલે ચલતીકા નામ ગાડી જેવો..! કોઈપણ શાક સાથે ચાલે, શાકાહારમાં પણ ચાલે, માંસાહારમાં પણ ચાલે, ને ફરાળમાં પણ ચાલે..!  એવો મીઠી ફુઈના સંતાન જેવો કે, સુગરકોટેડ માણસ સિવાય, એકપણ જઠર એવું નહિ હોય કે, જેને બટાકાનો સાક્ષાત્કાર નહિ થયો હોય..! એક કવિએ તો બટાકાની સ્વચ્છંદતા વિષે જ જાણે છડે ચોક લખ્યું હોય એમ બટાકો એવો સ્વૈરવિહારી કે...

                             પાબંધીઓની કોઈ અડચણ ન જોઈએ

                             ચુસ્ત નિયમોનું કોઈ વળગણ ન જોઈએ

                              જીવી શકું હું જીવન કોઈને નડ્યા વગર

                              એથી વધારે કોઈ સમજણ ન જોઈએ

 

                                   આશ્ચર્ય તો એ વાતનું થાય કે, જન જન સુધી બટાકો લોકપ્રિય હોવા છતાં, કોઈ રાજનેતાએ એને ખોળે લીધો નથી બોસ..!  બાકી, બટાકાનું નિશાન રાખીને જો ચૂંટણી લડવામાં આવે તો, સાતી ઠોકીને...સોરી...છાતી ઠોકીને કહું કે, ‘બટાકા-પાર્ટી’  ૧૦૦% ફતેહ થાય..! પણ એક પણ નેતાએ ‘બટાકા પાર્ટી’ ઉભી કરીને મત માંગ્યા નથી. કાંદો જેમ ગરીબોની કસ્તુરી કહેવાય, એમ બટાકો એટલે ‘સબકા માલિક એક’ જેવો..! બટાકો એટલે ઇન્ટર નેશનલ’ ખાધ..!  એક દેશ એવો નહિ હોય કે, જ્યાં બટાકાએ પોતાની માયાજાળ નહિ ફેલાવી હોય..! ‘એની ભાઈબંધી પણ કેવી..? કાંદા-બટાકા, વેંગણ-બટાકા, ભાજી-બટાકા વગેરે..! કોઈપણ શાક સાથે એવાં અતુટ સંબંધ કે, બે સગા ભાઈ વચ્ચે પણ એટલા મધુર  સંબંધ નહિ હોય..! બટાકાને ખુદને ખબર ના હોય કે, આવતી કાલે મારી છેડા-ગાંઠી કયા શાક સાથે થવાની છે..! 

                                   બાળપોથીમાં ભણતા ત્યારે શિક્ષક બટાકાનો બ એટલીવાર ઘૂંટાવતા કે, આજે પણ અમારી જીભ ઉપર બટાકો હીંચકા ગાય છે બોલ્લો..! શરીરના અવયવોના નામ ભૂલી જવાય, બાકી બટાકાની બાયોગ્રાફી તો ફફડાવીને બોલી જઈએ. બટાકો બાફેલો ખવાય, રાંધેલો ખવાય, સેકેલો ખવાય, તળેલો ખવાય, અને જુદા જુદા સ્વરૂપધારક હોવાથી, એના કોઈપણ સ્વરૂપમાં એ ઉલેળાય..! ફરાળમાં પણ ખવાય ને વગર ફરાળે પણ ખવાય..! સાઉથ આફ્રિકાની પેદાશ જેવાં સૂરણનો ઘેરાવો ભલે બટાકા કરતાં દશ ઘણો હોય, છતાં બટાકા જેટલો ઝામો એનો હજુ સુધી પડ્યો નથી. બટાકાના ભાવ ચઢ-ઉતર થાય, બાકી સૂરણ અને માણસના ભાવ વધ્યા  હોય એવું સાંભળવામાં નથી. ટામેટું થોડું રૂપાળું ને ફેસિયલવાળું ખરું એટલે ‘સ્ટેટસ’ માં રાજવી ઘરાના જેવું લાગે, બાકી કાંદા-બટાકા એટલે પૂરાં સમાજવાદી..!

                               બટાકો સંતાયને જમોનમાં ઉગે. કેરી-ચીકુ કે ફણસની માફક ઝાડ ઉપર ઉગતો નથી. ઘણાએ રસાવાળા બટાકાનું શાક ખાધું હશે, બાકી પાકેલા બટાકાનો રસ કાઢીને કોઈએ ‘રસ-પૂરી’ ઉલેળ્યા હોય એવું સાંભળ્યું નથી. શાકાહારી પદાર્થ હોવાં છતાં, માંસાહારના તપેલામાં ભળવાનુ આવે ત્યારે એ ઉહાપોહ કરતો નથી. એટલા સહિષ્ણુ કે, ‘અમે શાકાહારી સમાજના પાવનપુત્રો છે, અમને માંસાહાર સાથે ભેળવો નહિ, એવું આંદોલન પણ કરતા નથી. કારણ કે, દારૂબંધી જેવી ‘માંસાહારબંધી’ ની બોલબાલા ચલણમાં હજી આવી નથી..!

                                       લાસ્ટ ધ બોલ

દિવસે દિવસે બટાકાના ભાવ કેમ વધતા જાય છે ભાઈ?

જમીનના ભાવ વધે છે એટલે..!

બટાકાને જમીનના ભાવ સાથે શું લેવાદેવા?

બટાકા ઉપર માટી ચોંટેલી આવે ને એટલે..!

તારા કપાળમાં કાંદા ફોડું..!

-----------------------------------------------------------------------------------------------------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED