Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

હાસ્ય મંજન - 6 - ચટપટા ચટાકાની મઝા જ કોઈ ઔર

          

                

                       

ચટપટા ચટાકાની મઝા જ કોઈ ઔર..!

                     ચટાકો નાનો હોય કે મોટો, પણ શરીરની સઘળી  સામગ્રી સાથે ભગવાને ભેજામાં ચટાકો પણ મુકેલો. એટલે તો 'ટેસ્ટી' ખાધ જોઈને અમુકની જીભ વલવલવા માંડે. જીવ માત્ર ચટકાને પાત્ર..! એવું નહિ માનવાનું કે, પશુ-પક્ષીઓને ચટાકો થતો નથી, ને  એટલે. એમના શોપિંગ મોલ નથી. ચટાકા તો એમને પણ થાય, પણ ચટાકો સંતોષવા માણસ જેવા તોફાન નહિ કરે ..! સિંહ કે દીપડાને માણસ ખાવાનો ચટાકો થાય, ત્યારે જંગલમાંથી શહેર તરફ આંટો મારવા નીકળે. જેમ હવાફેર કરવા નીકળેલા માણસને જાતજાતના ચટાકા થાય, એમ દીપડા કે સિંહ હવાફેર કરવા નીકળે ત્યારે, માણસની માફક એમની પણ દાઢમાં ખાખણી ભરાય. સિંહ-દીપડા ઘાસ નહિ ખાય, પણ માણસ ખાવાનો ચટાકો ઉપડે ત્યારે, માણસને પૂરો કરી નાંખે. માણસની પોઝીશન પણ નહિ જુએ, સીધો ઉલાળી જ જાય..! ચટાકો બહુત બુરી ચીજ હે દાદૂ..! શરીરમાં ચાલતી અનેક પ્રકારની સીસ્ટમ સાથે, પ્રત્યેક માણસમાં ‘ચટાકો’ પણ રમણ ભ્રમણ કરતો હોય. આપણે ત્યાં અનેક પુરાણો લખાણા.  કોઈએ ‘ચટાકા-પુરાણ’ નહિ લખ્યું. એટલે મને આજે ચટાકા વિષે લખવાનો ચટાકો થયો. ભૂલતો ના હોઉં તો ગુજરાતીમાં જ ચટાકાની માત્રા ભગવાને વધારે મુકેલી. એમાં  દક્ષીણ ગુજરાતીનો મહિમા ગાઈએ તો, જીવવા કરતાં એ, ગુજરાતી ખાવાનો  શોખીન વધારે..! અમારાં હાસ્યકાર દાસબહાદુર વાઈવાલા તો ખાસ કહે કે..
                ફાફડા જલેબી લોચો ખાયને ભૂંસાનો ફાંકો રાખે છે

                વાઘ એણે માર્યો નથી, પણ વાઘણ ઘરમાં રાખે છે

                             ઘરવખરી પાણીમાં ‘સ્વીમીંગ’ કરતી હોય, રેલના પાણી કેડ સુધી ફરી વળ્યા હોય, તો પણ રબરના ટાયર ઉપર આડા પડીને ભજીયા ઉલેળે એનું નામ ગુજરાતી..! ગુજરાતી ઘરમાં હોય ત્યારે  પંજાબી-ચાઈના-મેક્સિકન જેવાં ફૂડ કે, પિત્ઝા-બર્ગર-સેન્ડવિચ વગેરે ઝાપટે, ને  બહારગામ જાય ત્યારે ‘ખીચડી-કઢી’ નાં સગપણ શોધવા માંડે. પેલું નાટક યાદ આવે છે, ‘પારકા.....સૌને ગમે’ (વચ્ચેની ખાલી જગ્યા તમારે પુરવાની)  એનાં જેવું..!  પારકી ખાધ જ એને પોતાની લાગે..! હવામાનમાં પલટો આવે ત્યારે પ્રકૃતિને જ અસર થાય એ ભ્રમ છે, ચટાકાને પણ થાય..! ઘરથી ઢેકાર ખાયને ભલે નીકળ્યો હોય, પણ રસ્તામાં તમતમતું ફરસાણ તળાતાં જુએ એટલે, એનો જઠરાગ્ની ભભૂકવા માંડે. શકુંતલાને જોઇને, જેમ દુષ્યંતઋષિનું મન પલળી ગયેલું એમ, ગરમાગરમ ભજીયા કે લોચો જોઇને મોંમાં પાણીના ઝરા ફૂટવા માંડે. હૈયું હાથમાં નહિ રહે. એવો ચટાકો ઉપડે કે, રસ્તાની લારી અને ફાઈવ સ્ટાર હોટલ વચ્ચેના ભેદ પણ ભૂલી જાય..!
                      મુઠ્ઠીભર મોંઢું ને ખોબા જેટલું પેટ,

                      ચટાકો ઉપડે પછી કેવી કરાવે વેઠ

                            ખાધેલા ઉપર ખાવાની  ઉપડે તો માનવું કે ભાઈનો ‘ચટાકો’ ઊંચા કેરેટવાળો છે. ઉમરની વૃદ્ધિ થાય, એમ ચટાકાનો વિકાર  બદલાય. ચટાકાની માત્રા વધે, બાકી ઘટાડો તો છેલ્લા શ્વાસ સુધી નહિ થાય. કહેવત છે કે, ‘વરની મા વડુ વગરની રહી ગઈ’..! એ કહેતી, ચટાકાની જ એક ઉપજ છે. ચટાકાનો આધાર, માનવીની મનોવૃત્તિ અને ભરેલા ખિસ્સાની લંબાઈ-પહોળાય ઉપર છે. ખિસ્સું ભરેલું હોય તો ચટાકો વધે. બાકી, જેને ભૂખ જ નહિ લાગતી હોય, એનું ચટાકો કંઈ જ બગાડી શકતો નથી. એવાંને ખાઉધરા ગલીના સરનામાં પણ નહિ અપાય.

                           માણસ એટલે પિત્ઝાના બોક્ષ જેવો..! જેમાં પિત્ઝાનું બોક્ષ બહારથી ચોરસ હોય, ને અંદરનો પિત્ઝા ગોળ હોય, ને ખાવા જાવ તો ટુકડો ત્રિકોણમાં નીકળે..! એના કપાળમાં કાંદા ફોડું, માણસની પ્રકૃતિ પ્રમાણે એનાં પણ ઢંગ બદલાય. માણસ અખરોટ જેવો  છે મામૂ..! બહારથી કઠણ દેખાય, પણ અંદરથી મલીદાવાળો હોય.! એ મલીદાને અખરોટનો આત્મા કહેવો હોય તો કહેવાની છૂટ, કારણ કે આત્મા પણ ક્યાં દેખાય છે..?  ને ચટાકો પણ ક્યાં દેખાય છે..? શિયાળો બેસે એટલે વસાણાનાં ઉપાડ વધવા માંડે. એમાં શિયાળો એટલે ચટાકાની વસંત-ઋતુ..! શિયાળો બેસે એટલે, સૌની ફાવટ પ્રમાણે વસાણાની તૈયારી થવા માંડે. જો કે, બધાંને ત્યાં જ આવું થાય છે, એવો દાવો નથી. અમુકને તો બટાકા-પૌઆ પણ નસીબ નહિ હોય.પણ જે ખમતીધર છે, ઈમ્યુનીટી ને સ્વાસ્થય માટેનું ઘોર ચિંતન કરે છે, એમને ત્યાં શિયાળો આવે એટલે, જાતજાતના વસાણાનો ઉછળવા માંડે. આ પરંપરા આજની નથી, વર્ષો જૂની છે. ચોમાસાની વાછટમાં ગરમાગરમ ભજીયા ઝાપટવાની લ્હાય ઉપડે, એમ ઠંડી પડે એટલે મેથીપાક, સાલમપાક, ગુંદરપાક, ખજૂરપાક, અડદિયાપાક વગેરે મહેમાનની માફક વસવામાંડે. વસાણાની પણ ‘ગેરંટી’ હોય કે, અમારા વગર શિયાળામાં શક્તિ અને સ્ફૂર્તિ  શરીરમાં સંચાર કરતી નથી. અમે હોઈએ તો જ શિયાળો ‘ઇસ્ટમેન કલર’ જેવો લાગે..! ખાતરી કરવી હોય તો પૂછો ચમનીયાને ..?
                               શિયાળામાં જઠરાગ્ની જલ્દી પ્રદીપ્ત થાય, અને શાકભાજી અને ફળોનો વિકલ્પ ભરપુર હોય એટલે, “કુત્તેકા ભી એક દિન આતા હૈ”  ની માફક શિયાળાની લાડકવાયી પાપડીનું જોર વધી જાય. કવિ કાગબાપુએ કહ્યું છે કે,
                  જેની ફોરમ ફટકેલી એને જ ચૂલે ચઢવું પડે છે

                   ઓલી આવળ અલબેલીને કોણ પૂછે છે કાગડા

                                પાપડી ની ફોરમ ફટકે, એટલે માટલામાં બફાયને ઉબાડીયાનો અવતાર ધારણ કરે. જેમ પોંક ખાવાનો ચટાકો થાય એમ, ઉબાડિયું પણ શિયાળાની ઋતુનો એક ચટાકો જ છે. ઉબાડીયામાં પાપડીની ‘મોનોપોલી’  હોવાથી, ભીંડાઓ પ્રવેશ પામતા નથી. એકાદની બોલીમાં વાત કહું તો, ‘જબ જબ વાતાવરણમેં ઠંડી ડોકાં કાઢતી હે તબ ઉબાડીયા બજારમેં આતા હૈ..!”  એની વાસ કે સુ-વાસ જ એવી કે, કુંભકર્ણને જગાડવા માટે ઉબાડીયાની સુ-વાસ જ આપવાની જરૂર હતી. કુંભકર્ણ જલ્દી જાગી ગયા હોત..! ઢોલ નગારા વગાડવાની જરૂર નહિ હતી. ઉબાડીયામાં એ તાકાત છે. અમારો રતનજી કહે એમ, કોઈને કોઈ વાતે ચટાકો નહિ થતો હોય તો, એમને એકવાર ઉબાડિયું સુંઘાડો એટલે મરવા પડેલો ચટાકો પણ જાગતો થઇ જાય..!
                                    લાસ્ટ ધ બોલ

                             ઇતિહાસવિદ રતનજીનું કહેવું છે કે, ચાય પીવાના ચટાકા પાછળ પણ પૌરાણિક સંબંધ છે. લક્ષ્મણજીને મૂર્છા આવતાં, હનુમાનજી ચમોલી પર્વત ઉપરથી સંજીવની (જડીબુટ્ટી) લાવેલા. એ જડીબુટ્ટી માંથી રસ કાઢીને કૂચા ફેંકી દીધેલાં. ભગવાન શ્રી રામ જ્યારે એ રસ્તેથી પસાર થયા ત્યારે, એક જગ્યાએ એમને કોઈનો રડવાનો અવાજ સંભળાયો. નજીક જઇને જોયું તો સંજીવનીના પેલાં કૂચા આક્રંદ કરતા હતાં. ભગવાને પૂછ્યું કે. ‘તમે કેમ આક્રંદ કરો છો..?’ ત્યારે કૂચાઓએ કહ્યું કે, “અમારાં થકી લક્ષમણજી તો ભાનમાં આવ્યા, પણ પછી અમને ઉકરડામાં ફેંકી દીધાં..!”

                                  ત્યારે ભગવાને વરદાન આપતાં કહ્યું, "જાવ, કળીયુગમાં જ્યારે જ્યારે લોકોને સુસ્તી કે બેચેની જેવું લાગશે, ત્યારે ત્યારે લોકો કૂચાનો ઉપયોગ કરશે. અને તે ચાહ તરીકે ઓળખાશે..!  વાતમાં તથ્ય હોય કે ના હોય, પણ સુસ્તી ભાંગવા લોકો ચાયનો ઉપયોગ કરે એ વાત તો સાચી..! 
એના કપાળમાં કાંદા ફોડું..!