Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય મંજન - 17 - ક્રિકેટ એટલે જિંદગી જીવવાનો અરીસો

ક્રિકેટ એટલે જિંદગી જીવવાનો અરીસો..!

                                            

                          ફૂટબોલના દડા કરતાં ક્રિકેટનો દડો કેમ, નાનો હોય એની મને ખબર નહિ. છતાં,  ક્રિકેટ મને ગમે બહુ..! ક્રિકેટ રમત જ એવી કે, મેચમાં રસાકસી હોય કે ના હોય તો પણ, પ્રેક્ષકોની કસાકસી જોવાની જે મઝા આવે એ સર્કસમાં પણ નહિ આવે. ખેલાડીઓ ભલે બોરડી વીંઝતા હોય,પણ પ્રેક્ષકોને કોઈપણ હાલતમાં જલસા જ જલસા..! હારે કે જીતે એમની મસ્તીના રંગ બદલાય પણ આનંદ તો ધરાયને લુંટે..!  આપણને પણ એમના કલરકામ કરેલાં દેહ જોઇને આનંદ થાય. ઝંડો જેટલો ધ્વજ સ્તંભ ઉપર નહિ ફરકે, એનાંથી વધારે ચોગ્ગો કે છગ્ગો પડે ત્યારે એમના હાથમાં વધારે ફરકે..! કેવાં કેવાં રૂપ લઈને આવે મારી માવડી..ની માફક સૌના હોંશલ અલગ-અલગ..! ઝંડો હલાવે ત્યારે તો એમ જ લાગે, આ લોકો જ આઝાદીની લડતના સાચા લડવૈયા હશે, પણ એને દેશ-દાઝ કહેવાય..!  જ્યારે જ્યારે ટીવીમાં ક્રિકેટ-મેચ જોઉં ત્યારે મને અમારી શેરીની ક્રિકેટ મેચ યાદ આવી જાય..! જેટલો આનંદ WORLD-CUP ની મેચમાં આવે એના કરતાં 'શેરી-ક્રિકેટ' માં વધારે આવતો. કારણ કે મહોલ્લાનો એક-એક રમતવીર અમને દુશ્મન દેશના ખેલાડી જેવો લાગતો..! મહોલ્લામાં મેચ ગોઠવાય ત્યારથી રોમાંચ આવી જતો.  ‘ફલાણાને તો આજે પાડી જ દેવો છે’ એવાં ઝનૂન સાથે ખિસ્સામાં લીંબુ-મરચું નાંખીને મેદાનમાં ઉતરતાં, ને સામેવાળો પણ તાવીજ બનાવડાવીને મેદાનમાં આવતો. આજે પણ કોઈ મહોલ્લામાં ક્રિક્રેટ રમાતી જોઉં  ત્યારે ચળ ઉપડે..!  ટાંટિયા ભલે એકબીજામાં ભેરવાતા, પણ ખુમારી તો ખરી કે, ‘લાવ ને મેદાનમાં જઈને છગ્ગા-ચોગ્ગાનો વરસાદ વરસાવી આવું ..! તંઈઈઈઈ..!
                          ક્રિકેટકો કભી કમજોર નહિ સમઝના..! ક્રિકેટ અને જિંદગીની થીયરી એક સરખી. ક્રિકેટ  એટલે જિંદગી જીવવાનો તરીકો..! ક્રિકેટ માટે જેમ કૌશલ જોઈએ, એમ જિંદગીને સફળ બનાવવા ક્રિકેટ જેવી એકાગ્રતા અને દીર્ઘ દ્રષ્ટિ જોઈએ..! તત્વ-સત્વ અને મહત્વ જળવાય તો જ જિંદગી મેઘધનુષ જેવી બને, એ ક્રિકેટ  પણ શીખવે..! અરીસો સ્હોવચ્યછ જોઈએ, તો જ ચોખ્ખું પ્રતિબિંબ ઝીલાય..! ક્ક્રીરિકેટના બે જ દીકરા એક, હકારાત્મક અને બીજું નકારાત્મક..!  એના કપાળમાં કાંદા ફોડું, કેવાં-કેવાં દાવપેચ હોય..?  ક્રીઝમાંથી  ખેંચી કાઢવા કે  આપણા દડાને ઝીલવા, ‘આઉટ’ કરવા કોણ કેટલી તૈયારી સાથે ઉભું છે, એનાં અનુભવ ક્રિકેટમાંથી મળે.  ક્રિકેટ એટલે પરિવારમાં પોતીકા ૧૧ માણસ ભેગા કરવાનો સંદેશ..! કૌટુંબિક સંપ માટે ઘણીવાર રણશિંગા ફૂંકાય, પણ ધબડકો ત્યારે જ થાય કે, ઘરના જ માણસો એકબીજા સામે દીવાલ ચણીને ઊભાં હોય. દુઃખ ત્યારે જ લાગે કે, ૧૦૦ ટકા પાક્કી ફિલ્ડીંગ ભર્યા પછી, પણ દાવ નહિ આવે ત્યારે ફોડચી કઈડી હોય એટલું દુઃખ થાય..! ઘણાના ભેજામાં આ બચપણની વેદના ખૂણે-ખાંચરે હશે..!  હતાશા આવી જાય કે, ક્રિકેટ કરતાં તો લંગડી કે કબડ્ડીની રમત સારી..! દાવ તો આવે..!  દડા વડે રમાતી કોઈપણ રમતોમાં મને ક્રિકેટ સિવાય કોઈનામાં 'જ્યુસ' (રસ) નહિ..! ક્રિકેટની રમતમાં જ  ભેજું ફ્રાય કરવાની ઈચ્છા થાય. જેમ લગન માટે કોઈ બેઝીક નોલેજ નહિ હોવા છતાં, પૈણવાની પડાપડી થાય જ છે ને?  લગનનું  નોલેજ નથી, એવું કહીને કોઈ વરરાજાએ ઘોડા ઉપરથી આપઘાત કર્યો હોય એવું બન્યું નથી. લગનની વાત નીકળવી જ જોઈએ, એટલે મુરતિયો સ્પાઈડર મેન જેવો હોય તે જેન્ટલમેન થઇ જાય, અને પઈણે એટલે  સુપરમેન થઇ જાય, પછી  આખી જિંદગી ભલે વોચમેન અને ડોબરમેનની જેમ જીવવાનો વખત આવે..!  ક્રિકેટ વિષે પણ બંદાને કોઈ બેઝીક નોલેજ નહિ. મેદાનમાં જઈને આડેધડ પાટિયું ફેરવવા જેટલું જ નોલેજ..! આ તો ક્રિકેટ ચાલતી હોય તો ટીવીમાં જરાક ડોકિયું કરી લઈએ. એમાં WORLD CUP ની મેચ ચાલતી હોય, અને મેદાનમાં ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે  તો જાણે, ‘દુનિયા મેરી મુઠ્ઠીમે’ ની માફક આખાં વિશ્વને ઉધરસ નીકળવા માંડે..! સાળીના લગન નીકળ્યા હોય એમ, સૌના હોંશલા બ્લડ પ્રેશરની માફક ઊંચા-નીચા થવા માંડે. બીવી ને બદલે ટીવી સાથે પ્રેમગોષ્ઠી વધી જાય. એવાં તન્મય થઇ જાય કે, પેટ્રોલના ભાવ પણ ભૂલી જાય, ને મોંઘવારી પણ હાંસિયામાં ચાલી જાય. કામ ધંધા પણ છૂઉઉઉ ! તેલ લેવા જાય ધંધો ને તેલ પીવા જાય નોકરી..! એવી ખુમારી આવી જાય.  નોકરી કે ધંધા પાણીમાંમાંથી છૂટા થઇ ગયા હોય એમ, મેચ જોવા ટીવી સામે ખાટલાં જ તોડતા હોય. જેને તડબૂચ-સક્કરટેટીમાં સમઝ નહિ પડતી હોય, એ પણ ક્રિકેટમાં ડાફોળિયાં મારતો હોય..!  કોઈના બાથરૂમમાં ડોકિયાં કરતો હોય એમ એવો તલ્લીન થઇ જાય, કે કયા દેશ વચ્ચે મેચ ચાલે છે, એ પણ બીજાને પૂછે..! ને એમ પણ પૂછે કે, આમીરખાન દાવ ઉપર ક્યારે આવશે..? તારા કપાળમાં કાંદા ફોડું, ક્યાં બોલીવુડ ને ક્યાં ક્રિકેટ..? ગોળના માટલાં આગળ મંકોડાનો મેળો ઝામ્યો હોય, એમ અમુક તો સાવ નવરીના જ ટીવી સામે ચોંટી જાય..! આપણને દયા આવે કે, ટીવીમાં ડોકાં તાણીને, લુખેશ શું કામ ચશ્માના નંબર વધારતો હશે..? ભલે રોહિત શર્મા, વિરાટ કોહલી, જાડેજા. પંડ્યા, અશ્વિન, વગેરેના નામ ઘરના રેશનકાર્ડમાં ના હોય, પણ પોતાના દીકરા રમતા હોય એવાં ઉત્સાહથી પાછાં મેચની મઝા તો માણે.! વિરાટ કોહલી કે રોહિત શર્માએ છગ્ગો મારવો જ જોઈએ, એટલે એવાં ઉછળે કે, ક્રિકેટ જોવા કરતાં લોકોને ઉછળતા જોવામાં  ‘મઝો’ આવી જાય..! એમના સીક્સરથી ઘરમાં તેલનો ડબ્બો, મફતમાં કોઈ મૂકી જવાનું હોય, એવાં હરખપદુડા થઇ જાય. ચિચયારીઓ પાડવા માંડે.! વળી એમના સંવાદમાં પણ દમ હોય..! જેવો સિક્સ પડે એટલે બાજુવાળાની પીઠ ઉપર સણસણતો ધબ્બો લગાવી કહે, “જોયું..? કોહલીએ કેવો લાંબો લચક સિક્સર ઠોકી દીધો..? પેલો કહે. ‘વાગે છે યાર..?’ તો કહે, ‘વાગે જ ને? છગ્ગો કેવો જોરદાર હતો..?’  અમુક તો હાર-જીતની શરતે ચઢી, બાપાનું શ્રાદ્ધ કરાવ્યું હોય એમ, માથે ટકો-મૂંડો કરાવતા પણ મેં જોયા..! સીધી વાત છે, બોમ્બ ધડાકાથી જ દેશદાઝ પ્રગટ થતી નથી, આવી માનતા રાખનારા પણ દેશ-દાઝનો સંદેશ આપતા હોય કે, મેરા દેશ મહાન..!
                      પાકિસ્તાન સિવાયના દેશો સાથે ક્રિકેટ રમાય ત્યારે સાદા ઢોકળા જેવી લાગે, પણ પાકિસ્તાન સાથે રમે ત્યારે ક્રિકેટ ‘લાઈવ ઢોકળા’ ની માફક ટેસ્ટી બની જાય..! જોનારનો નજરીયો જ  બદલાય જાય. વિશ્વના બીજા દેશોને એમાં કોઈ લેવા દેવા નહિ, પણ ભારત પાકિસ્તાનની મેચ રમાતી હોય ત્યારે, મેચ હાંસિયામાં જતી રહે, ને જુનો હિસાબ સરભર કરવા નીકળ્યા હોય એમ, ક્રીઝ અંગારા કાઢવા માંડે. કોણ કોને કહેવા જાય કે, ક્રિકેટના કૌશલ સુધી જ રમતનો આનંદ લુંટાય..! એને રાજકીય સંબંધ સાથે ભેળવીને ક્રિકેટનું ઉંબાડિયું નહિ કરાય.! અણુબોમ્બ બનાવવામાં ચાઈના એટલું વ્યસ્ત છે કે, હજી સુધી ક્રિકેટના  મેદાનમાં આવ્યું નથી. બાકી ચાઇનીશ પાસે પણ ‘ક્રિકેટની સેન્સ‘ તો ખરી. પણ માર ત્યાં ખાય ગયેલાં કે, ભગવાને કોપી-પેસ્ટ નો ખેલ ચલાવ્યો હોય એમ, બધાના ચહેરા સરખા જ દેખાય. એમના સિવાય કોઈ એકબીજાને ઓળખી જ નહિ શકે.   આપણે જો ઓળખવો હોય તો, ગાઈડ કરવો પડે..!  ક્રિકેટનો એમ્પાયર જ પહેલો તો વાંધો લે કે, આઉટ થયેલો ખેલાડી વારેવારે પાછો રમવા આવે તો મારે ઓળખવો કેમનો..? એમાં પાછી હેલ્મેટ પહેરેલી હોય, એટલે નકશો જુદો ને ભૂમિ જુદી..! ઔર ગૂંચવાડો..! બસ, ત્યારથી ચીનની ક્રિકેટ ટીમ લીસ્ટીંગમાં આવી નથી..! આ તો એક ગમ્મત..!
                                       લાસ્ટ ધ બોલ

 બે ગાંડા ટીવી ઉપર ક્રિકેટની મેચ જોઈ રહ્યા હતાં. વિરાટ કોહલીએ જેવો છગ્ગો માર્યો એટલે પહેલો પાગલ કહે, ‘જોયું..? વિરાટદાદાએ કેવો ગોલ કર્યો..?

 બીજો કહે, ‘તું પાગલનો પાગલ જ રહ્યો..! ગોલ આમાં નહિ ક્રિકેટની મેચમાં આવે..!

તારા કપાળમાં કાંદા ફોડું...!

 

­­­­­­­­­­­­­­­­­­­­­­­___________________________________________________________________________________